કેવળ કઠોર શબ્દોમાં અંધકારને ભાંડવાથી કોઈ ફાયદો થવાનો નથી. અંધકારને દૂર કરવા માટે પ્રકાશ લાવવો પડે. આ પ્રકાશ કોણ લાવશે? જે માણસ પોતે અંધકારમાં જ ભટકે છે એ બીજાને પ્રકાશનો પથ બતાવી શકે ખરા? જે પોતે જ પ્રવાહમાં વહેતો જાય છે એ બીજાને શું બચાવવાનો? કેવળ શિલા પર સ્થિર બેઠેલા લોકો જ જલધારાના વેગનો સામનો કરીને પ્રવાહમાં વહેતા લોકોને બચાવી શકે છે. વસ્તુત: માનવના યથાર્થમાં ‘હું’ની કોઈ જાતિ નથી. પરંતુ ‘હું’ કે ‘આત્મા’નું જ્ઞાન થવા સુધી તેની સાથે જોડાયેલા અન્યભાવ તથા ભાવનાઓને દૂર કરવાં સહજ નથી. આ સત્યનો અનુભવ કરનારા આ વાત બરાબર જાણે છે કે કેવી રીતે જાતિ, મત વગેરેના ભેદભાવના રોગ લોકોમાં આરંભ કાળથી જ સંક્રમિત થઈ જાય છે અને કેવી રીતે એ બધા વ્યક્તિની આત્મધારણા સાથે જોડાઈને તેને નિરપેક્ષ ભાવે વિચાર કરવા માટે તેમજ કાર્ય કરવા માટે રોકે છે જે લોકોએ આ વાતનો અનુભવ કર્યો છે કેવળ એવા લોકો જ કોઈ પણ પ્રકારનું નુકશાન કર્યા વિના એમને દરેક રીતે ઉન્નત કરવા માટે સક્ષમ છે.

જ્યારે માનવના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે છે, જ્યારે તે પોતે પોતાને પ્રબુદ્ધ બનાવવાનું રહસ્ય તેમજ જાતિભેદથી પર થવાના સિદ્ધાંતને જાણીે લે છે ત્યારે સમસ્યા જો કે પૂર્ણત: ભલે સમાપ્ત ન થઈ જાય પણ તેની ગંભીરતામાં સારી એવી ઓટ આવે છે. વસ્તુત: એ સમગ્ર અધોગામીપણાને તેમજ સંકીર્ણતાને નાશ કરીને સાચી પ્રગતિના માર્ગ પર આગળ લઈ જાય છે. 

સત્યની ખોજ

હમણાં જ ઘટેલી એક ઘટનાએ મારા માટે એક વૈજ્ઞાનિક વૃત્તિના યુક્તિવાદી માનવ તેમજ એક સત્યના શોધકની વચ્ચે રહેલા અંતરને સ્પષ્ટ કરી દીધું. વિજ્ઞાનમાં રુચિ રાખનારા મારા એક મિત્ર મને સદૈવ આમ કહેતા રહેતા કે મનનાં ભય તથા અનિશ્ચિતતાને પરિણામે ઈશ્વર તેમજ ધર્મ પર વિશ્વાસ ઉત્પન્ન થાય છે. હું સમજી ગયો કે એણે કેટલાક મુખ્ય પાશ્ચાત્ય વિચારોના ભાવ પોતાના મનહૃદયમાં આત્મસાત કરી લીધા છે. સૌભાગ્યવશ એણે એ ન કહ્યું કે શોષણ પણ બધા ધર્મોનું મૂળ છે. આપણે એમ માનીએ છીએ કે કેટલીક આદિ જનજાતિઓમાં ભયને કારણે જ ઈશ્વર કે ધર્મ પર શ્રદ્ધા-વિશ્વાસ જન્મ્યાં હતાં. પરંતુ આ જ એક માત્ર સત્ય નથી. સભ્ય અને સુસંસ્કૃત સમુદાયમાં ધાર્મિક ભાવ એ કોઈ ભયની અભિવ્યક્તિ નથી. ચૌટામાં ઊભેલો માનવ સાચો માર્ગ પસંદ કરે તે પહેલાં ક્ષણ ભર માટે વિચારે, ઊભો રહે એ સ્વાભાવિક છે. જીવન તથા જગત સંબંધી કેટલાક મૂળ પ્રશ્નોના ઉત્તર મેળવવાના પ્રયત્નને જ ધાર્મિક ભાવોનો ઉદ્‌ગમ કહેવો એ વધારે સુયોગ્ય ગણાશે. ગૌતમ બુદ્ધને કયો ભય હતો? શંકરાચાર્યના મનમાં શેનો ભય હતો? ઉપનિષદોના ઋષિઓને આપણે સત્યને શોધનારા કહીશું કે પલાયનવાદી? સત્યના સ્વરૂપ વિશેની અંતર્દૃષ્ટિથી ભારતમાં ધર્મ અને દર્શનનો વિકાસ થયો છે. ગીતાએ અર્જુનના મનનો વિષાદ દૂર કર્યો. ભારતદર્શનને સમૃદ્ધ કરનારા સાંખ્યવાદીઓએ જીવન તથા અસ્તિત્વના

 દોષોથી મુક્ત બનવાનાં સાધનો વિશેની જીજ્ઞાસાની એક ભૂમિકા રચી. સંસારનાં બંધનોમાંથી મુક્તિનો માર્ગ શોધવા અને મનને એને અનુકૂળ બનાવવાના પ્રયાસથી જ ધર્મની ઉત્પત્તિ થઈ છે. આ અંતર્જગતના રહસ્યોના અન્વેષણની તીવ્ર ઇચ્છા છે. મારા મિત્રે એ પ્રમુખ વિચારકોના આચરણને માનસિક ઉન્મત્તતાનું એક રૂપ જ માની લીધું હતું. મેં એને પૂછ્યું: ‘મનો વિજ્ઞાનનો આ સિદ્ધાંત કઈ સદીમાં વિકસિત થયો? શું આજની વૈજ્ઞાનિક શોધ એની અગાઉ થયેલી શોધોનું ખંડન નથી કરતી? અને એ બધી પણ વૈજ્ઞાનિક શોધો જ હતી.’

મનુષ્ય શું ભયને કારણે જ જીવનનાં તાત્પર્ય કે ઉદ્દેશ્યને શોધવાનો પ્રયત્ન કરે છે? શું માત્ર ભયને કારણે જ તે સત્યને જાણવાની તીવ્ર જીજ્ઞાસા સેવે છે? જો સત્યની શોધની તીવ્ર ઇચ્છા એ એક માનસિક પાગલપણું હોય તો પછી વૈજ્ઞાનિક શોધો માટેની પ્રેરણાને પણ આપણે માનસિક ઉન્મત્તતા શા માટે ન કહીએ?

અહીં નીચે દર્શાવેલી સ્વીકૃત અને પ્રણાલીબદ્ધ ધારણાઓ દ્વારા મારા મિત્રના દૃષ્ટિકોણને પૂરેપૂરો જાણી સમજી શકાય.

* વિજ્ઞાનના આગમન પહેલાં બુદ્ધિમાન કે અપૂર્વ બુદ્ધિવાળા લોકોનો જન્મ થતો ન હતો. 

* ધર્મનો વિરોધ કરવો એ જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. – આ અપરિપક્વ સિદ્ધાંતે બાળપણથી જ મારા એ મિત્રના અચેતન મનને પ્રભાવિત કર્યું હશે.

* વિભિન્ન સંપ્રદાયો વચ્ચે ધર્મના ચાલતાં કે થતાં ઝઘડા, દ્વેષ, નીચતા, શોષણ તેમજ દુર્ભાવને કારણે એનો ધર્મ પરથી વિશ્વાસ ઊડી ગયો હશે અને એને લીધે એણે ક્યારેય ધર્મ શાસ્ત્રોને સમજવાનો પ્રયાસ નહિ કર્યો હોય.

* મનોરોગીઓના નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલ અપરિપક્વ સિદ્ધાંતોની અધૂરી સમજના આધારે એણે વિશિષ્ટ લોકો વિશે પણ પોતાની ધારણાઓ બાંધી લીધી હશે.

આ વાત પ્રાય: તથા સ્વાભાવિક રૂપે આપણને જોવા મળે છે કે કોઈ પસંદગીના ક્ષેત્રમાં કોઈ મોટી ઉપલબ્ધિ કે સફળતા પ્રાપ્ત કરી લેનારા લોકો એટલા બધા દુ:સાહસી બની જાય છે કે જે વિષયોનું એમને પૂર્ણ જ્ઞાન નથી એના પર પણ તેઓ પોતાનો આધિકારિક નિર્ણય દેવાનું પણ ચૂકતા નથી. એમને આ વાતનું જ્ઞાન નથી કે આ પોતાની નિર્ણય ક્ષમતામાં એણે રાખેલો અતિવિશ્વાસ આધારવિહિન છે. પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રો. આઈસેંક કહે છે : ‘વૈજ્ઞાનિકોના પોતાના વિશેષતાના વિષય સિવાયના બાકીના ક્ષેત્રોમાં પણ તેઓ બીજા લોકોની જેવા જ જિદ્દી અને અયુક્તિપૂર્ણ હોય છે. સાથે ને સાથે એમની કુશાગ્ર બુદ્ધિ એમની ધારણાઓને વધુ ભયંકર બનાવી દે છે.’

સામાજિક આલોચનાને સૌમ્ય બનાવો

મનોવૈજ્ઞાનિકો તથા સમાજશાસ્ત્રીઓના મતે અભિજાત વર્ગ દ્વારા દલિત અને શોષિતોના મન પર લાદેલા ભાવોની છાપ એટલી બધી ગહન હોય છે કે એને દૂર કરવું મુશ્કેલ છે.

શ્રીરામકૃષ્ણના સાક્ષાત્‌ શિષ્ય સ્વામી સારદાનંદજીએ એકવાર એક બાલકલ્યાણ સંસ્થાના સંચાલકને કહ્યું : ‘તમારી સંસ્થાને ‘અનાથાલય’ ન કહો એનાથી બાળકોમાં અનાથ અને અસહાય હોવાનો હીનભાવ ઊભો થશે. એટલે એને ‘બાલગૃહ’ કહો.’ દલિતોના ઉત્થાનમાં કાર્યરત એક સંન્યાસીએ સ્વામી સારદાનંદજીને પૂછ્યું : ‘દલિતોની ઉન્નતિનો ઉપાય શો છે?’ એમણે ઉત્તરમાં કહ્યું : ‘દલિતોના મનમાં તેઓ પોતે શોષિત છે એવો ભાવ જાળવી રાખવો યોગ્ય નથી. એનાથી શોષિતનું કલ્યાણ થવાને બદલે એનું વધુ નુકસાન જ થવાનું છે. એનાથી તેઓ પોતાની જાતને અસહાય માનવા માંડશે અને એનામાં એવો વિશ્વાસ બેસી જશે કે ઉચ્ચ વર્ગના લોકોએ પહેલેથી જ એમને સદૈવ પરાધીન અને દલિત બનાવી દીધા છે. એનાથી એમનામાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબન લાવવામાં ઘણીવાર લાગશે. જો આ ભાવ એમના મનમાં મૂળિયાં નાખી લે તો દલિત વ્યક્તિ હંમેશાંને માટે ઉચ્ચ વર્ણ તરફ ઘૃણા અને શંકાની નજરે જ જોવાના અને આ વાત કેવળ સમાજના ઉચ્ચ વર્ગ માટે નહીં, પરંતુ સામાજિક અને આર્થિક દૃષ્ટિએ પછાત રહેલા લોકો માટે પણ નુકસાનરૂપ સાબિત થશે. નિરંતર ઘૃણા તથા શંકાના ભાવનું પોષણ કરીને કોઈપણ સત્કાર્ય સંપન્ન ન થાય.’

પારિવારિક પૃષ્ઠભૂમિ, શિક્ષણની ગુણવત્તા અને જાતિગત વિશેષતાઓ વગેરે સાથે સંલગ્ન ભિન્ન ભિન્ન પ્રકારની પરિસ્થિતિઓ પ્રમાણે વિકાસના વિભિન્ન સ્તરના વ્યક્તિઓનો સમૂહ એટલે સમાજ. એમાં કોઈ શરમની વાત નથી. બીજા ધોરણના વિદ્યાર્થીને ત્રીજા ધોરણના વિદ્યાર્થી સાથે ઇર્ષ્યા કરવાની કોઈ આવશ્યકતા નથી. સમય આવ્યે તે પણ ત્રીજા ધોરણમાં જશે. આમ જોઈએ તો આનો અર્થ એવો પણ નથી કે સમાજના ઉચ્ચ વર્ગમાં કોઈ શોષક નથી અને નિમ્ન વર્ગમાં કોઈ શોષિત નથી. એનું તાત્પર્ય એ પણ નથી કે આવા દમન વિરુદ્ધ કોઈ સંગઠિત વિરોધ ન કરવો. પણ આપણા માટે તો આટલું જ જાણવું આવશ્યક છે કે હીનભાવનાથી ઉત્પન્ન થયેલ આત્મધારણાના પરિણામે જન્મનારા ઘૃણાભાવમાં આત્મવિનાશના બીજ રહેલાં હોય છે. કર્ણાટકના મહાન સુધારક સંત બસવેશ્વરના શબ્દમાં કહીએ તો : ‘આવો ભાવ પહેલા તો એ વ્યક્તિને જ બાળે-પ્રજાળે છે અને એ ઉપરાંત આસપાસના લોકોને પણ બાળે છે.’

મનોરોગ ચિકિત્સકો અને સમાજ સુધારકોએ જીવનના એક મહાન કરુણ તત્ત્વને શોધી કાઢ્યું છે. ‘Identity, Youth and Crisis’ ના લેખક એરિક એરિક્સને કહ્યું છે : ‘ચિકિત્સકીય તેમજ સુધારાત્મક પ્રયાસોથી આ એક દુ:ખદ તથ્યનું શોધન, સત્યાપન થયું છે. એ દુ:ખદ તથ્ય આ છે : અલગતા, દમન તેમજ શોષણ પર આધારિત કોઈપણ વ્યવસ્થામાં એમના શિકાર બનનાર લોકો અજાણ્યે જ સમાજના પ્રબળ લોકો દ્વારા એમના પર લાદેલી ખોટી અને ખરાબ આત્મધારણાને સ્વીકારી લે છે.’ પ્રચલિત સામાજિક વ્યવસ્થા પ્રમાણે જો કોઈ સમુદાયને ઘૃણા, દુરાચાર અને શોષણનો શિકાર બનાવવામાં આવે તો સંભવ છે કે શાસક કે શોષક વર્ગ દ્વારા પ્રાય: પોતાના સ્વાર્થભર્યા ઉપયોગમાં લઈ શકાતી દુષ્ટ, પાપી, અયોગ્ય અને નિરર્થક મહત્તા સાથે એ સમુદાયના લોકો પોતાની આત્મધારણાનું તાદાત્મ્ય સાધી લે છે. એનાથી એમના મનમાં પોતાની યોગ્યતા વિશે પણ શંકા ઊભી થાય છે અને એવું પણ સંભવ બને કે એવી વ્યક્તિ સ્વયં પોતાની જ ઘૃણા કરવા માંડે. બીજા શબ્દોમાં કહીએ તો આ ભાવનાઓ મનુષ્યના સર્વાંગીણ વિકાસનો સર્વનાશ નોતરે છે.

કોઈપણ સમુદાયમાં જે લોકો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ બૌદ્ધિક દૃષ્ટિએ બીજાથી આગળ વધી ગયા છે, એમનામાં જાણ્યેઅજાણ્યે પોતાનાથી ઓછા ભાગ્યશાળી સમક્ષ પોતાના અહંકારને પ્રદર્શિત કરવાની પ્રવૃત્તિ થતી જોવા મળે છે. એ લોકો પોતાનાથી પછાત રહેલા લોકોને તિરસ્કાર કે વ્યંગ સાથે ‘મૂર્ખ’, ‘જડ’ કે ‘આળસુ-પ્રમાદી’ કહ્યા કરે છે. એમની આ ટેવ જેટલી ઝડપથી દૂર થાય એટલું જ સમગ્ર સમાજનું કલ્યાણ થવાનું. શોષણના સમર્થકો અને કહેવાતા ઉન્નત લોકોમાં અહંભાવ અને મોટાપણાના ભાવના રૂપે જન્મનારી આ પ્રવૃત્તિ પેલા શિક્ષણ અને સંસ્કૃતિથી વંચિત રહેલા લોકોની આત્મશ્રદ્ધા પર કારી ઘા કરે છે. સાથેને સાથે આવા લોકોની પોતાની ઉન્નતિના પ્રયાસમાં પણ આ પ્રવૃત્તિ બાધક નીવડે છે. શું ખરેખર આવા લોકો જરા થોભીને વિચારે છે કે એમની ઘૃણા કે તિરસ્કારની પ્રવૃત્તિથી પછાત લોકોને કેટલો મોટો આઘાત લાગે છે? જો એમનામાં આટલી પણ સમજ ન હોય કે ગરીબ, દલિત લોકોની આત્મધારણા પર નકારાત્મક ભાવોનું આરોપણ કરવાથી એમનું અકલ્યાણ અને અંતે સ્વયંનો સર્વનાશ થશે, તો પછી પોતાની જાતને શ્રેષ્ઠ સમજવી એ કેટલી હદ સુધી તર્કસંગત છે? માનવનું મૂલ્યાંકન એની તાત્કાલિક સીમિતતાઓ અને દુર્બળતાઓના આધારે નહીં પરંતુ એમની ભીતર રહેલી વિકાસ અને સફળતા પ્રાપ્તિની સંભાવનાઓના આધારે થવી જોઈએ. આપણે કોઈપણ વ્યક્તિનું મૂલ્યાંકન એની પોતાની ઉપલબ્ધિની સંભાવનાઓના આધારે જ કરવાની ટેવ પાડવી જોઈએ. આમ નહિ થાય તો આપણો સમાજ પોતે જ પોતાના વિકાસના માર્ગમાં અવરોધક બનીને ઊભો રહેશે. એણે પહેલેથી જ આવા અવરોધો ઊભા કરી દીધા છે. શું આપણા શિક્ષિત યુવકોમાં આવી ચેતનાના વિકાસનાં લક્ષણ જોવા મળે છે ખરાં?

મોટા અને શિક્ષિત લોકોએ પોતાનાં બાળકોમાં એમના શિક્ષણના અંગરૂપે પોતાનાં આચરણ અને ઉદાહરણ દ્વારા દરેક વ્યક્તિ પ્રત્યે સન્માન રાખવાની ભાવના ઊભી કરવી જોઈએ. આ ક્ષેત્રમાં અધિકારીઓ, બુદ્ધિજીવીઓ, વ્યાવસાયિકો, પ્રશાસકો અને ઉચ્ચવર્ગના લોકોના શિરે ઘણી મોટી જવાબદારી આવે છે. ઓછામાં ઓછું એમણે પોતાના જ હિત માટે આ લોકોના મનમાંથી હીનભાવના દૂર કરીને તેમાં આત્મશ્રદ્ધા પૂરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જો આવા લોકો કોઈ ચોક્કસ કાર્ય કરવાની પરિસ્થિતિમાં ન હોય તો ઓછામાં ઓછું એમણે સાચા હૃદયપૂર્વક શોષિત લોકોના કલ્યાણ અને ઉત્થાન માટે પ્રાર્થના કરવી જોઈએ. એમ કહેવું અત્યુક્તિ નહીં ગણાય કે આપણામાંથી પોતાને બુદ્ધિજીવી કહેવડાવનારા લોકો મહદ્‌અંશે આ દિશામાં કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓ એક મૂળભૂત માનવીય સમસ્યાને સમજવામાં નિષ્ફળ રહ્યા છે.

હીનભાવનાનું ઉન્મૂલન

જે લોકો સાંસ્કૃતિક, સામાજિક તેમજ બૌદ્ધિક દૃષ્ટિએ પોતાની જાતને હીન સમજે છે એમણે સર્વપ્રથમ તો પોતાની આ હીનભાવનાને દૂર કરવી જોઈએ. એનાં મૂળિયાં ભલે ગમે તેટલાં ઊંડાં હોય તો પણ એમને ઊખેડી નાખવા સંભવ છે. આમ તો કોઈ નિરર્થક વસ્તુને પણ ફેંકી દેવી એટલી સરળ નથી. આપણી પ્રથમ અને મુખ્ય આવશ્યકતા, એટલે કે આપણું કર્તવ્ય એ છે કે આપણે પોતાની ભીતર રહેલી અનંત શક્તિમાં વિશ્વાસ રાખતા બનીએ. પ્રાચીનકાળના ઋષિઓ તથા આધ્યાત્મિક અંતર્દૃષ્ટિવાળા લોકોએ આપણને આવું સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે માનવીની આપાત સીમિત શક્તિઓની પાછળ અનંત શક્તિઓ છૂપાયેલી છે; આપણે કેવળ એ શક્તિઓને વ્યક્ત કરવાનું કૌશલ કેળવવાની જરૂર છે. આજે મનોવૈજ્ઞાનિકો પણ પોતાના પ્રયોગોમાંથી મળતા નિષ્કર્ષોના આધારે આ તથ્યની પુષ્ટિ કરે છે. આ શક્તિઓને જાગ્રત કરવા માત્ર અને એક માત્ર આત્મવિશ્વાસની જ આવશ્યકતા છે. આપણે પોતાની વર્તમાન અવસ્થાથી ઉન્નત થવાના પ્રયત્ન કરવા જોઈએ. પ્રયાસ દ્વારા એક એક પગથિયાં ચડતાં ચડતાં આપણે ધીમે ધીમે સફળતા પ્રાપ્ત કરવી જોઈએ.

આપણને નિર્બળ બનાવનારી અભાવાત્મક ભાવનાઓ આપણામાં વિકસિત થઈ ગઈ છે, એ ભાવનાઓને દૂર કરવી પડશે. આપણે આત્મવિશ્વાસને સબળ બનાવવાની પદ્ધતિઓ વિકસાવવી પડશે. આ કાર્ય એક દિવસમાં થવાનું નથી. આરંભમાં આપણને આ કાર્ય અસંભવ જેવું પણ લાગશે, પરંતુ ધૈર્ય અને સતત પ્રયાસ દ્વારા આપણા પથની મુશ્કેલીઓને પાર કરવામાં તથા આત્મશ્રદ્ધા મેળવવામાં સહાયતા આપણને જરૂર મળવાની જ છે. આપણી ભીતર રહેલી અનંત ઊર્જાનો ભંડાર વ્યક્ત કે પ્રગટ થવાની રાહ જોઈને ઊભો છે, આ વાતનું જ્ઞાન થવું એનું નામ આત્મવિશ્વાસ. આના અભાવે ચિંતા, ભય, શંકા, અકુશળતા તેમજ દરેક પ્રકારની નિર્બળતા આવી જાય છે. આ આત્મવિશ્વાસ આપણને પ્રભાવશાળી અને પ્રબળ લોકોની દયા પર નિર્ભર રહેતાં રોકે છે, આપણા મનને ઘૃણા અને નિરાશાથી બચાવે છે તેમજ આપણને પોતાના પગ પર ઊભા રહેવા માટે પ્રેરે પણ છે. આ આત્મવિશ્વાસની ભાવનાથી જીવનમાં આવનારા પ્રત્યેક અવસરનો લાભ મેળવીને તેમાં સફળ થવાની પ્રેરણા પણ આપણને મળે છે.

સ્વામી વિવેકાનંદ કહે છે : પોતાને નિર્બળ કે પાપી માનવા એ મોટામાં મોટું પાપ છે, માનવજાત પરનું મોટામાં મોટું લાંછન છે. જો કંઈ વિશ્વાસ કરવાનો હોય તો એ વિશ્વાસ આપણે બધાં ઈશ્વરનાં સંતાન છીએ, આપણે બધાં એમના અંગ છીએ, અને એમની અનંત શક્તિ તથા અનંત આનંદના અધિકારી છીએ, આ સત્ય પર કરવો જોઈએ.

આ કેવળ ખોટું આશ્વાસન આપનારા અલંકારમય શબ્દો કે વાણી નથી. આ તો છે એક એવા મહાપુરુષની વાણી કે જેમણે મનુષ્યની ભીતર રહેલી દિવ્યતા અને અનંત શક્તિને પોતાની નજરે જોઈ હતી. જે લોકો થોડો ઘણો પણ એને જીવનમાં કાર્યાન્વિત કરવાનો પ્રયાસ કરશે એમને આ વિશ્વાસને અપનાવવાથી પ્રાપ્ત થનારી ઊર્જા તથા શક્તિનો અનુભવ આપમેળે થઈ જશે.

(ક્રમશ:)

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.