આનુવંશિકતાની આડખીલીઓને પાર કરવી
આપણા દેશના મોટા ભાગના લોકોમાં એવી દૃઢ શ્રદ્ધા છે કે બુદ્ધિ કે સદ્ગુણ આપણને પોતાના કુળ કે પોતાની પરંપરામાંથી સાંપડે છે અને એમને ઉત્તરાધિકાર રૂપે મેળવ્યા વિના કોઈ પણ ક્ષેત્રમાં ઉચ્ચકોટિની સિદ્ધિ કે પ્રાપ્તિ કરવી શક્ય નથી. ઘરમાં માતાપિતા અને શાળામાં શિક્ષક જાણે-અજાણ્યે બાળકોના મનમાં ‘ગુણ જન્મથી જ પ્રાપ્ત થાય છે અને એને મેળવી શકાતા નથી’ એવી ધારણા બેસાડી દે છે. કેટલાક લોકો એને અંધશ્રદ્ધા કહીને ટાળી શકે છે ખરા, પરંતુ કોઈપણ માનવને એવા દોષપૂર્ણ વિચારોથી મુક્ત થવા માટેનો રચનાત્મક ઉપાય સૂઝતો નથી. સત્ય તો એ છે કે સામાન્ય બુદ્ધિના બાળક પણ સફળતાના શિખરે પહોંચી શકે છે. શરત એ છે કે તેઓ સ્વસ્થ હોય અને પ્રારંભથી જ ઉત્તમ શિક્ષકો દ્વારા એને માર્ગદર્શન મળ્યું હોય. વિલક્ષણ પ્રતિભાશાળી હોય કે પી.એચ.ડી. જેવી ઉચ્ચ લાયકાત મેળવી હોય, એવો ઉત્તમ શિક્ષકોનો અર્થ નથી. જે શિક્ષકો મા જેવો સ્નેહ તથા ધૈર્ય બતાવી શકે અને એમને પોતાના અધ્યાપનના વિષયમાં સારી એવી પકડ હોય, એ પૂરતું ગણાય. શિક્ષક નાની નાની વાત કે બાબત પર ગુસ્સે થઈ જાય અને બાળકોને ધમકાવે કે ઠપકો આપે તો બાળકનું શું થાય? આવે વખતે જે મજબૂત ઈંટોથી આ બાળકોના ભવિષ્યનો પાયો રચાવાનો હતો એ ઈંટો જ નિર્બળ બની જાય છે, એનું આપણે સહજ અનુમાન કરી શકીએ. આકાશવાણી, ચૈન્નઈના ગોટુવાદ્ય વિશેષજ્ઞ શ્રી નરસિંહન્ બાળકોને એમની રુચિના ક્ષેત્રમાં વિકસિત કરવામાં સહાય કરીને સફળ થયા હતા. એમના વ્યાવહારિક અનુભવ ઉપર્યુક સંદર્ભમાં ઉલ્લેખનીય છે. એમનું કહેવું એમ હતું કે કોઈ બાળક એવા પરિવારમાંથી આવે છે કે જે પરિવારમાં સંગીતની કોઈ ચર્ચા જ થતી ન હોય, છતાં પણ તેઓ એ બાળકને એક પ્રતિભાવાન સંગીતજ્ઞ બનાવી દેશે. એની શરત એ હતી કે એ બાળકને ત્રણ મહિનાની ઉંમરે જ એમની પાસે રાખી દેવો પડે. એમણે દર્શાવ્યું છે કે આ ક્ષેત્રમાં સારાં એવાં શોધ-સંશોધન પછી પ્રશિક્ષણની એક પ્રણાલી પણ વિકસિત કરી છે. એમના મત પ્રમાણે ‘વાતાવરણ શાંત અને સુખદાયી હોવું જોઈએ. બાળકોના કોમળ કર્ણપટલ પર કર્કશ ધ્વનિ ન પડે એનું પણ ધ્યાન રાખવું પડે. મોટેરાઓ સ્નેહ અને મમતાથી એની સારસંભાળ રાખે છે એવી એને ખાતરી થવી જોઈએ. નાની મોટી ભૂલચૂક માટે એની સાથે કઠોરતા કે કટુતાભર્યું વર્તન ન કરવું જોઈએ. એમની ઠેકડી પણ ન કરવી જોઈએ અને એને અપમાનિત પણ ન કરવો જોઈએ. બાળક ઊંઘમાંથી ઊઠે ત્યારે, ભોજન કરતી વખતે અને સૂતા પહેલાં એને ધીમી ગતિના મધુર સ્વરે સહજ રાગ સંભળાવવા જોઈએ. પરંતુ એ બાબતમાં કોઈ પણ પ્રકારનો બળપ્રયોગ ન કરવો જોઈએ. સંગીત ક્યારેય દ્રુતલયમાં ન સંભળાવવું જોઈએ. સામાન્યત: થોડા મહિનામાં જ બાળક રાગ પ્રત્યે રુચિ બતાવવા માંડે છે. તેને પ્રાય: સારું સંગીત સંભળાવવું જોઈએ. ક્યારેક જ્યારે બાળક રમતું હોય ત્યારે કેટલાક એવા મજાના શબ્દો મજાની રીતે સંભળાવવા જોઈએ. એ સાંભળીને બાળકને જાણે કે ગદગદિયા થતાં હોય એમ હસે છે. થોડા સમય પછી એ શબ્દો એમને ફરીથી સંભળાવાય એવું એ બાળક ઇચ્છશે. હા, અભ્યાસ નિશ્ચિત રૂપે આવશ્યક છે. પરંતુ અભ્યાસને પરાણે કે ભયપૂર્વક આપવાની કોઈ યાંત્રિક ક્રિયામાં બદલી ન નાખવો જોઈએ. આ રીતે પાલન-પોષણ પામેલું બાળક સંગીતમાં પણ સારી એવી અને વધુ માત્રામાં નિપુણતા કેળવી શકે છે.’
શું આ (ઉપર્યુક્ત તારણ) યુવા લોકોનાં ઉત્સાહ તથા ઊર્જાને સારા પ્રમાણમાં તેમજ ઉપયુક્ત ધારામાં પ્રવાહિત કરવાનો તેમજ એમનામાં આત્મવિશ્વાસ જગાડવાનું રહસ્ય નથી? શું આ (ઉપર્યુક્ત તારણ) પ્રત્યેક વ્યક્તિમાં નિહિત શક્તિને સક્રિય કરવાનું રહસ્ય નથી? શું આ (ઉપર્યુક્ત તારણ) કોઈ પણ વ્યક્તિને જ્ઞાનના કોઈ પણ વિશેષ ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરવા માટે પ્રશિક્ષિત કરવાની ઉચિત પદ્ધતિ નથી?
વૃદ્ધિ પામતાં બધાં બાળકોનાં મનમાં વિશ્વાસ જગાડવો એ પરમ આવશ્યક વાત છે. જે બાળકો ધીમે ધીમે શીખે છે, વિશેષ કરીને એમને આવા વ્યવહારની આવશ્યકતા રહે છે. મક્કમ વિશ્વાસ હોય તો દરેક નવી મંજિલે કોઈ પણ વ્યક્તિ પહોંચી શકે છે અને બહુમુખી વિકાસ સાધી શકે છે. શાંત વાતાવરણમાં ધૈર્ય તથા પ્રેમની સહાયતાથી જ આ કાર્યને સર્વોત્કૃષ્ટ રૂપે પૂર્ણ કરી શકાય છે. આ રીતે બાળકોની એક સંપૂર્ણ માનવમાં વિકસિત થવાની સંભાવના રહે છે.
બાળકોનું પાલન પોષણ
સી. સુખોમ્લિન્સ્કિ બાળકેળવણીના એક રશિયન વિશેષજ્ઞ છે. એમણે બાળકોની સાથે રહીને તેમજ ગહનતાથી એમનું નિરીક્ષણ કરીને એમના વિકાસ તથા શિક્ષણનું વ્યાવહારિક અધ્યયન કર્યું હતું. અને એ રીતે લાખો બાળકોના જીવનમાં પ્રકાશ લાવવામાં સહાય કરી હતી. હું એમના અનુભવસૂચક કેટલાક શબ્દોનો સારાંશ અહીં આપું છું. આ એવા વિચારો છે કે જે બાળકોની કેળવણીમાં રસ લેનાર કોઈ પણ વ્યક્તિ માટે સ્મરણીય બની રહેવાના. એ શબ્દો આ છે :
‘જો બાળકને પોતાના કાર્યમાં સફળતાની કોઈ આશા ન દેખાય તો એની જ્ઞાનની પિપાસા કુંઠિત થઈ જશે અને એક પ્રકારની કટુતા એના હૃદયને જકડી લેશે. આવું ત્યાં સુધી બને છે કે જ્યાં સુધી એકવાર ફરીથી એનામાં જિજ્ઞાસાવૃત્તિની ચિનગારી જાગી ન ઊઠે (અને એને ફરીથી જગાડવી એ અત્યંત કઠિન કાર્ય છે) ત્યાં સુધી કોઈ પણ પ્રયાસ એને પેલી પકડ-જકડમાંથી મુક્તિ અપાવી શકતો નથી. આવા બાળક પોતાની ક્ષમતા વિશેની આત્મશ્રદ્ધા ગુમાવી દે છે. છીપની જેમ પોતાના કવચમાં જ સંકોચાઈ જાય છે; તે હેરાન-પરેશાન તેમજ ચીડીયું બની જાય છે; એ વખતે એ બાળક પર શિક્ષકોની વાતો કે ઠોટ-ઠપકાંની કોઈ અસર થતી નથી. એનાથી પણ ખરાબ વાત તો એ છે કે એનું આત્મસન્માન નષ્ટ થઈ જાય છે તેમજ તે પોતાની જાતને અયોગ્ય માનવા માંડે છે. જ્યારે હું કોઈ એવા ઉદાસી નિષ્ક્રિય બાળકને જોઉં છું કે જેણે કલાકો સુધી શિક્ષકોનો ઉપદેશ સાંભળ્યો હોય અને જેના પાછળ રહી જવાથી એમના સાથીમિત્રો એને મેણાં-ટોણાં મારતા હોય ત્યારે મને અત્યંત ગુસ્સો આવે છે. કોઈ પણ વ્યક્તિના આત્મસન્માનનો નાશ કરવો એ સૌથી મોટી અનૈતિકતા છે. જ્યાં સફળતાથી ઉદ્ભવેલી પ્રેરણા સક્રિય હોય ત્યાં જ શીખવાની રુચિ જોવા મળે છે.’
હું એક વિદ્યાર્થીને ઓળખું છું. એણે હાઈસ્કૂલની પરીક્ષા પ્રથમવર્ગ સાથે પાસ કરીને કોલેજમાં પ્રવેશ મેળવતી વખતે અધ્યયનના વિષય રૂપે વાણિજ્યનો વિષય પસંદ કર્યો હતો. એક દિવસ મેં એને પૂછ્યું: ‘ભણવાનું કેમ ચાલે છે?’ એણે જવાબ આપ્યો: ‘ઘણો કંટાળો આવે છે. અમારા વર્ગના બીજા વિદ્યાર્થીઓ ઝડપથી બેલેન્સશીટ બનાવી લે છે પણ હું હેરાન-પરેશાન થઈ જાઉં છું. મને એમ થાય છે કે મેં આવો વિષય પસંદ કેમ કર્યો? આના કરતાં તો મરી જવું સારું.’ આ પ્રકારની હતાશા વ્યક્ત કર્યા પછી મેં એના મનહૃદયમાં થોડુંઘણું સાહસ ભરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું: ‘તું એ ન ભૂલતો કે તું એ જ વિદ્યાર્થી છે કે જેણે આ પહેલાંની પરીક્ષા પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરી છે. તું બીજા વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિ, યોગ્યતા, પ્રશિક્ષણ વગેરે વિશે જાણતો નથી. એટલે જ એમની સાથે પ્રવર્તમાન તારી પોતાની અવસ્થાની તુલના કરીને આવી રીતે હતાશ-નિરાશ થવાની તારે જરૂર નથી. નીચેથી આરંભ કરીને એક એક પગથિયું ચડતાં ઉપર સુધી પહોંચી જવું સંભવ છે. તારી સામેના આ પડકારને સ્વીકારી લે.’ ત્યાર પછી સ્નાતકની પરીક્ષામાં તે બીજા વર્ગ સાથે ઉત્તીર્ણ થયો જો કે શરૂ શરૂમાં તે પોતાના સહાધ્યાયીઓની ઉત્તમ સિદ્ધિઓ જોઈને ગભરાઈ ગયો હતો. આપણા વિદ્યાર્થીઓને પરીક્ષાનો સામનો કરવાની કળા એમના શિક્ષણના પ્રારંભથી જ શીખવવી જોઈએ.
વિશ્વાસની ભેટ જ્ઞાન
ભારતમાં લોકો સફળતાના રાજમાર્ગને છોડીને કોઈ સામાન્ય માર્ગ શા માટે શોધે છે? શું આપણે એમ કહી શકીએ ખરા કે નિરક્ષરની સરખામણીમાં ભણેલા-ગણેલા લોકો વધુ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે? કેટલુંક તો સ્પષ્ટ છે, જેમ કે – બાળપણથી વહન કરેલો પરાજયનો ભાવ, નાની મોટી સફળતાઓના અનુભવનો પણ અભાવ, આત્મશ્રદ્ધાની ઊણપ, ભવિષ્યની આશંકા, સલામતીની ભાવનાનો અભાવ, તેમજ સિનેમા સંસ્કૃતિમાંથી ઉદ્ભવતો પરિશ્રમ વિના જ અત્યંત ધનાઢ્ય બનવાનો સ્વપ્નભાવ. આ બધાં તત્ત્વ લોકોના આત્મવિશ્વાસને ઘણું મોટું નુકશાન કરે છે.
સ્વામી વિવેકાનંદે આત્મવિશ્વાસના વિકાસ પર વારંવાર ભાર દીધો છે. તેઓ કહે છે : ‘આત્મવિશ્વાસનો આદર્શ જ આપણને સૌથી વધારે સહાય કરી શકે છે. જો આ આત્મવિશ્વાસનો થોડા વધુ વિસ્તૃત રૂપે પ્રચાર થાય તો એ કાર્ય રૂપે પરિણત થવાનો; અને તો મારો એવો દૃઢ વિશ્વાસ છે કે જગતમાં જેટલાં દુ:ખ અને બદીઓ છે એમાંથી મોટા ભાગની અદૃશ્ય થઈ જાય. માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં બધાં મહાન સ્ત્રીપુરુષોમાં જો કોઈ મહાન પ્રેરણા સૌથી વધારે પ્રબળ રહી હોય તો તે આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસ જ છે. જે આ (આત્મવિશ્વાસના) જ્ઞાન સાથે જન્મ્યા હતા તેઓ મહાન બનશે અને તેઓ મહાન બન્યા પણ ખરા. મનુષ્ય ગમે તેટલી નિમ્ન દશામાં કેમ ન પહોંચી જાય પણ એને માટે એક સમય એવો અવશ્ય આવે છે કે જ્યારે તે પતનથી અત્યંત દુ:ખી થઈને એક ઉર્ધ્વગામી પથ કે વળાંક લે છે. સાથે ને સાથે પોતાનામાં વિશ્વાસ કરવાનું શીખે છે. એ વિશ્વાસને શરૂઆતથી જ જાણી લેવો આપણા માટે સારું રહેશે. આપણે આત્મશ્રદ્ધાને શીખવા માટે આટલા બધા કડવા અનુભવો શા માટે વેઠીએ? મનુષ્ય-મનુષ્યની વચ્ચે જે ભેદ છે તે ભેદ એક માત્ર આત્મવિશ્વાસ હોવા કે તેના અભાવને કારણે જ છે. આ વાત સરળતાથી સમજમાં આવી જાય છે. આ આત્મવિશ્વાસ દ્વારા બધું થઈ શકે છે.’
આપણામાંથી પ્રત્યેકમાં અનંત શક્તિઓ છુપાયેલી છે. પરંતુ આપણી પોતાની સીમિત કલ્પનાને કારણે જ આપણે પોતાની જાતને સંમોહિત કરી દીધી છે અને આળસ અને પ્રમાદમાં પડ્યા છીએ. આત્મવિશ્વાસ આપણા ઉત્સાહના ભાવને જગાડીને આપણને જીવનમાં મહાન ઉપલબ્ધિઓના પથે લઈ જાય છે.
જીવન માટે દૃષ્ટિ
જ્યાં સુધી આપણે પોતાના મૂળ અને વાસ્તવિક સ્વરૂપ તથા ચરિત્રને નથી જાણી લેતા ત્યાં સુધી આપણે પોતાની પ્રગતિમાં બાધક બનતા રહીશું. આ પ્રકરણ વાંચનારને આ સત્ય પર શ્રદ્ધા બંધાશે.
દિવ્યતા આપણી ભીતર જ રહેલી છે. પોતાનામાં રહેલ આ દિવ્યતાની અનુભૂતિ કરવાના ઉદ્દેશ્યથી આપણે જે પ્રયાસ કરીએ છીએ તથા જે સિદ્ધાંતો પર ચાલીએ છીએ, એમાં જ મનને સુવ્યવસ્થિત કરવા તથા સમાજના વિભિન્ન ઘટકોની વચ્ચે સદ્ભાવ સ્થાપિત કરવાનું રહસ્ય છુપાયેલું છે. બધી ધર્મસાધનાનું આ જ મૂળ છે. જેમ કોઈ કિલ્લાની છત પર પહોંચવા માટે પહેલાં નીચેની સીડીઓ ચઢવી પડે છે તેવી જ રીતે ઉત્કૃષ્ટ તથા આદર્શ લક્ષ્યની પ્રાપ્તિ માટે સાધારણ ઇચ્છાઓ અને પ્રલોભનોને જીતવાં પડે. સત્યની પ્રાપ્તિ માટે મિથ્યાનો ત્યાગ કરવો પડશે. ભલાની પ્રાપ્તિ કરવા માટે બૂરાનો અને નિત્યની પ્રાપ્તિ કરવા માટે અનિત્યનો ત્યાગ કરવો રહ્યો. પોતાના વાસ્તવિક સ્વરૂપ તથા લક્ષ્ય રૂપી દિવ્યતાની અનુભૂતિ કરવા પોતાની દૃષ્ટિ અંતર્મુખી બનાવવી પડશે. ક્રમશ: આપણે આપણી બાહ્ય જગતની ક્રિયાઓને ઘટાડવી પડશે. આધ્યાત્મિકતાની પ્રાપ્તિ તથા જીવનનાં કર્મો પર એક સાથે જ મનને એકાગ્ર કરવું સંભવ છે. આ જ આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ છે. એક વાર સ્વામી વિવેકાનંદને અત્યંત સંક્ષેપમાં સનાતન ધર્મની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવ્યું. એમણે કેવળ બે જ શબ્દો ઉચ્ચાર્યા: ‘પ્રવૃત્તિ અને નિવૃત્તિ.’ શાસ્ત્રો દ્વારા નિર્ધારિત આચાર-નિયમોનું બરાબર પાલન કરવાથી જીવનમાં સુખ ભોગવવાં સંભવ બને છે. તેમજ ત્યાગ અને સેવાના માર્ગ પર ચાલીને પણ અસીમ શાંતિ અને આનંદઘન ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે.
જે વ્યક્તિ આત્માની શક્તિમાં શ્રદ્ધા રાખીને જીવનમાં આગળ વધે છે તેની મનોવૃત્તિ કેવી હોય છે? એવી વ્યક્તિ બધાનું હિત ચાહે છે, કારણ કે દરેક વ્યક્તિ મૂળત: પરમાત્માનો જ અંશ છે. એવી સંભાવના છે કે આ આત્મા બધામાં વ્યક્ત થવાનો માર્ગ મેળવી ન શક્યો હોય પરંતુ એ બાબતમાં કોઈ શંકા કે સંદેહ નથી કે બધા લોકો આ દિવ્ય જ્યોતિના સમુદ્ર રૂપ પરમાત્મામાંથી ઉત્પન્ન થયા છે. માનવ હોય કે પશુ કે પછી કોઈ અન્ય ભૌતિક વસ્તુ – બધાં આ દિવ્ય આત્માની જ અભિવ્યક્તિઓ છે. પ્રત્યેક વ્યક્તિ પછી ભલે એ ગમે તે સ્તર પર હોય આપણા આદર, વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમનું પાત્ર છે. લોકો પોતાના દિવ્ય ઉદ્ગમ તથા પોતાના મૂળભૂત દિવ્ય સ્વરૂપથી અનભિજ્ઞ હોઈ શકે છે; એનું આચરણ ઘૃણાસ્પદ અને પશુતુલ્ય હોઈ શકે છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે તેઓ આવું બધું અજ્ઞાનને કારણે કરે છે.
પોતાની ક્ષમતાને અનુરૂપ બીજાની સહાયતા કરવાની મનોવૃત્તિને આપણે કેવી રીતે વિકસિત અને પ્રબળ બનાવી શકીએ? આપણામાં એ વિશ્વાસ હોવો જોઈએ કે બાહ્ય દૃષ્ટિએ રંગ, રૂપ, જાતિ, મત વગેરેની ભિન્નતા હોવા છતાં પણ બધા લોકોની ભીતર એ દિવ્યતાની ચિનગારી રહેલી છે. જે લોકો પોતાનામાં રહેલ આ દિવ્યતાથી અજાણ છે એમના પ્રત્યે પણ આપણે સન્માન દેખાડવું પડશે. આપણે એમની મંગળ કામના કરવી પડશે તેમજ એમના કલ્યાણ માટે પ્રયાસ પણ કરવા પડશે; પછી ભલે એ વ્યક્તિ ભયંકર હત્યારો હોય કે ચોર હોય, સંત હોય કે મહાત્મા હોય. સૌને માટે મંગલ કામનાથી જ સાચી ધાર્મિક પ્રવૃત્તિ પ્રગટ થાય છે. આ સદ્ભાવ કેવળ ભલા લોકો માટે જ હોય અને થોડા ઓછા ભલા લોકો એનાથી વંચિત ન થઈ જાય, એવું ન બને એ જોવું જોઈએ. એનું તાત્પર્ય એ પણ નથી કે આપણે દુષ્ટોની જાળમાં ફસાઈ જઈએ કે અપરાધીઓને દંડ-સજા વિના છોડી દઈએ. આ નવા ભાવ દ્વારા આપણે દંડ-સજાને બદલો વાળવાની ભાવના નહિ પણ ભૂલ કરનાર વ્યક્તિની સુધારણાનું સાધન ગણીશું. જે વ્યક્તિ ઈશ્વર તથા દિવ્યતાને ચાહવાનો દાવો કરે છે તે પોતાના ભાઈ કે પાડોશીઓ સાથે ઘૃણાભાવ દાખવી ન શકે. તે જાણે છે કે તેના પોતાના અંતરમાં રહેલ ઈશ્વર જ તેની આસપાસના લોકોના અંતરમાં વસેલા છે. જો આપણે બધા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને ભ્રાતૃભાવના રાખીએ તો એનો અર્થ એ થયો કે આપણે પોતાના ઈશ્વરમાં રાખેલ શ્રદ્ધાવિશ્વાસનું ફળ મળી રહ્યું છે.
સર્વજન હિતાય
હાલમાં જ મારા એક મિત્રે પોતે નજરે જોયેલી એક ઘટના કહી. લગભગ ૫૦૦૦ લોકોની વસતી વાળા એક ગામમાં એક ભેંસનું પાડરું કૂવામાં પડી ગયું. એ કૂવાની ચારે તરફ કાચી કે પાકી આડશ ન હતી. ઘરઆંગણે કેવળ બહેનો અને બાળકો જ હતાં. ભેંસનું પાડરું કૂવામાં પડી ગયું એ જોઈને એ લોકો બૂમો પાડવા લાગ્યા. આસપાસના લોકો, ભણેલા-ગણેલા લોકો ત્યાં એકત્રિત થઈ ગયા. એ બધાએ પ્રશ્નો પર પ્રશ્નો પૂછ્યા: ‘તમે લોકોએ ભેંસ ક્યારે ખરીદી?; ક્યાંથી ખરીદી?; કેટલા રૂપિયામાં ખરીદી?; કૂવામાં ચારે તરફ વેલ હતી છતાં કેમ એ કૂવામાં પડી ગયું?; શું કોઈએ એને કૂવામાં ધકેલી દીધું નથી ને?’ આ ઘરના લોકો કયા રાજનૈતિક પક્ષ સાથે સંબંધ રાખે છે અને કઈ જાતિ કે કયા ધર્મના એ વિશે પણ કેટલાક લોકોએ પ્રશ્નો કર્યાં. આ બધામાંથી કેટલાક લોકો ક્રાંતિકારી મનવાળા હતા. એ બધા દેશના ઉત્થાન માટે નાના-મોટા સુધારાથી સંતુષ્ટ ન હતા, તેઓ તો સંપૂર્ણ ક્રાંતિના પક્ષપાતી હતા. આ બધી ચર્ચા ચાલી પણ કૂવામાં પડેલા પાડરાને બહાર કાઢવા કોઈએ પોતાની આંગળીયે હલાવી નહિ. છેવટે આટલી મોટી ભીડ જોઈને એક ખેડૂત ત્યાં આવી પહોંચ્યો અને એણે કૂવામાં ઊતરીને પેલા ડૂબતા પાડરાને બહાર કાઢ્યું. પાડરાને બહાર કાઢીને એ તો ચૂપચાપ ચાલી નીકળ્યો. ચર્ચામાં મગ્ન લોકો વધુ ઉત્સાહથી એમની પોતાની ચર્ચામાં જ મંડી રહ્યા.
આ ઘટનામાંથી તારવવાના બોધ વિશે કંઈ કહેવાની જરૂર નથી. આપણે જરૂરતવાળા લોકોને સહાય કરવાની ટેવ પાડવી જોઈએ. સામાજિક કક્ષાના ભેદભાવ રાખ્યા વિના પોતાના પછાત ભાઈઓને સહાય કરનારો જ માનવનો સાચો હિતેચ્છુ છે. ભલા અને ભલું કરનારા લોકો નકામા વિધિવિધાનોમાં પડતા નથી. એને બદલે તેઓ મિત્રતા સહનશીલતા તેમજ ઐક્યનો ભાવ વિકસિત કરતા રહે છે. આ બધું કોઈ નિર્ધારિત વિધિવિધાન પ્રમાણે ભલે ન થતું હોય પણ એ પ્રબળ પરંપરાથી પ્રાપ્ત થાય છે. ભલા લોકો નિયમોની સીમાઓ ઉલ્લંઘીને હર પરિસ્થિતિમાં પોતાનાં ભાઈભાંડુઓને સહાય કરવાનો પ્રયત્ન કરે છે. બધાના હિત માટે પ્રયાસ કરવો એ જ એમનું લક્ષ્ય છે.
ઈશ્વર તથા માનવસેવા
દિવ્યત્વમાં દૃઢ વિશ્વાસથી સેવાભાવ ઉદ્ભવે છે. આજે લોકો સેવાને મહત્ત્વ આપતા નથી. સ્વાર્થી તેમજ દુષ્ટ લોકો દરેક ક્ષેત્રને બદનામ કરે છે. ઈશુએ કહ્યું છે કે સડેલાં ફળથી કોઈ વૃક્ષનું મૂલ્યાંકન ન કરો. સેવાના સુદૃઢ અનુયાયીઓને જોઈને જ આપણે તેની મહત્તા અને ગુણવત્તા આંકવી જોઈએ. બધાના પ્રત્યે સદ્ભાવ તથા નિ:સ્વાર્થ પ્રેમ જ સેવાની વિશેષતા છે. જે લોકો પ્રગતિના શિખર પર છે તેઓ જ્યારે કોઈ પણ બદલાની આશા રાખ્યા વિના નીચલા સ્તરના લોકોની સહાયતા કરે તો તેમાં સેવાનો ભાવ વ્યક્ત થાય છે. પ્રત્યેક વ્યક્તિમાં નિ:સ્વાર્થ પ્રેમના દિવ્યત્વનો પ્રકાશ છે. જ્યારે આપણે કોઈ પણ લાભની આશા રાખ્યા વિના બીજાનું ભલું કરીએ ત્યારે તે વ્યક્ત થાય છે. સેવાએ ખુશામત કે સ્વપ્રશંસા ઇચ્છતી નથી; પ્રસિદ્ધિ કે જાહેરાત પણ નથી માગતી. બધાના કલ્યાણ માટે નાનાંમાં નાનાં સ્થાને રહીને કરેલું સામાન્યમાં સામાન્ય કાર્ય પણ સેવા છે. કાર્યથી અધિક મહત્ત્વનું એ કાર્યની પાછળ રહેલી મનોવૃત્તિ. કાર્યની વિધિ અને તેનો ઉદ્દેશ્ય બંને મહત્ત્વના છે. સ્વામી વિવેકાનંદે આ શબ્દોમાં સેવાભાવનો મર્મ વ્યક્ત કર્યો છે: ‘બધી ઉપાસનાઓનો આ જ સાર છે કે મનુષ્ય શુદ્ધ રહે તથા બીજાનું સદૈવ ભલું કરે. જે મનુષ્ય નિર્ધન, દુર્બળ તથા રુગ્ણ વ્યક્તિમાં શિવને જુએ છે તે જ ખરેખર શિવની ઉપાસના કરે છે, પરંતુ તે ઈશ્વરને કેવળ મૂર્તિમાં જ જુએ છે તો એમ કહી શકાય કે તેની ઉપાસના હજુ સાવ પ્રારંભિક જ છે. જો કોઈ મનુષ્ય કોઈ એક નિર્ધન મનુષ્યની સેવા-શુશ્રૂષા જ્ઞાતિજાતિ તથા ઉચ્ચનીચના ભેદભાવ વિના, તેમાં સાક્ષાત્ શિવ વિરાજમાન છે, એવું વિચારીને કરે છે એના પર કેવળ મંદિરમાં ઈશ્વરને જોનાર મનુષ્ય કરતાં પણ શિવ અધિક પ્રસન્ન થશે. જે વ્યક્તિ પિતાની સેવા કરવા ઇચ્છે છે તેણે પોતાના ભાઈઓની સેવા સૌથી પહેલાં કરવી જોઈએ. આ રીતે જે શિવની સેવા કરવા ઇચ્છે છે તેણે એમના સંતાનની, વિશ્વના પ્રાણીમાત્રની પહેલાં સેવા કરવી જોઈએ.’
પોતાનામાં છુપાયેલી દિવ્યતા પર દૃઢ વિશ્વાસ વિકસાવીને તેની અનુભૂતિનો પ્રયાસ કરતાં કરતાં દરેક વ્યક્તિ લોકકલ્યાણની ઇચ્છા, ધૈર્ય, આશા, પરિશ્રમ તથા સેવાભાવ જેવા ગુણોથી સંપન્ન બને છે. નિ:સંદેહ આ ગુણ દરેક વ્યક્તિના સર્વતોમુખી વિકાસ અને સમાજના સંપૂર્ણ વિકાસનું સાધન બનશે.
જો આપણાં અધ્યયન, વાતાવરણ તેમજ કેળવણી આપણાંમાં આ ગુણો લાવી શકે તો આપણો સમાજ ઉન્નત બનશે. જે પળે આપણે પોતાની ભીતરની અનંત શક્તિનો અનુભવ કરીશું તે જ ક્ષણે સમગ્ર માનવજાતિની સમૃદ્ધિનું પ્રભાત આવી પહોંચશે.
(ક્રમશ:)
Your Content Goes Here




