અસ્તિત્વનું દર્શન
બધા માનવો નિરંતર સુખ માટે સંઘર્ષ કરતા રહે છે અને આ પ્રયાસો કરતાં કરતાં જ કોઈ ને કોઈ મુશ્કેલીમાં ફસાઈ પણ જાય છે. બધા માનવો સ્વાતંત્ર્ય માટે ઝઝૂમે છે, છતાં પણ કોઈ ને કોઈ બંધનમાં પડી જ જાય છે. નામયશ માટે પ્રયાસ કરે છે, પરંતુ ઓચિંતાના અપમાનના પ્રસંગો આવી પડતાં ખચકાઈને બેસી રહે છે. મૃત્યુથી બચવા માટેના પ્રયત્નો ચાલુ રાખીએ છીએ પણ મૃત્યુનો ભય જવાનું નામ જ લેતો નથી. જન્મથી મૃત્યુ સુધી માનવ પોતાના જીવનભર હાસ્યરુદન, આશા-નિરાશા, પ્રેમ-ઘૃણા, વિજય-પરાજયના પરસ્પર વિરોધી તરંગોમાં વહેતો રહે છે. ક્યારેક ક્યારેક તે કરોળિયાની જાળમાં ફસાયેલ માખીની જેમ અસહાય બની જાય છે. ગ્રામ્ય ખેડૂત હોય કે રાજનેતા, મહેલનો માલિક હોય કે મઠનો સંચાલક, ઝૂંપડીમાં રહેનાર હોય કે ગુફામાં રહેનાર – કોઈ પણ માનવ આ પરસ્પર વિરોધી શક્તિઓથી બચી શકતો નથી. શું જીવન આ જ છે અને આટલું જ છે? તો પછી માનવે શા માટે આ બધી પરિસ્થિતિઓ સાથે અનુકૂળતા કે મનમનામણા કરી ન લેવાં જોઈએ? તે એમાં સંતુષ્ટ બનીને કેમ નથી રહી શકતો? શા માટે તે એનાથી મુક્તિ મેળવવા આટલો બધો પરિશ્રમ કરે છે? શું માનવ સતત આ બંધનોમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરતો રહે છે? અપૂર્ણ માનવ સદૈવ પૂર્ણ માનવની કલ્પના શા માટે કરતો રહે છે?
સત્ય તો એ છે કે મનુષ્ય વસ્તુત: મર્ત્ય, બદ્ધ કે અપૂર્ણ નથી. પોતાના અંતરના ભયંકર અજ્ઞાનને કારણે જ તે પોતાની જાતને મરણશીલ, બંધાયેલો અને અપૂર્ણ માને છે. પરંતુ વાસ્તવિક રીતે એનો અંતરાત્મા સતત એ બાબતનો વિરોધ કરતો રહે છે. અજ્ઞાનને દૂર કર્યા વિના માનવ સત્યને જોઈ શકતો નથી. એટલે જ જ્યાં સુધી એને પોતાના આંતરિક સ્વરૂપની અનુભૂતિ થઈ ન જાય ત્યાં સુધી માનવનો આ સંઘર્ષ ચાલુ રહેવાનો.
સૂર્યના તાપથી સમુદ્રનું પાણી વરાળ બનીને વાદળોના રૂપે હિમાલયની ઊંચાઈ સુધી પહોંચી જાય છે. જળનું સાચું સ્વરૂપ સમુદ્ર જ છે અને તે નિરંતર સમુદ્રમાં જવાનો જ પ્રયત્ન કરે છે. એટલે જ એ આટલું બધું ચંચળ છે. સમુદ્ર રૂપી પોતાના વાસ્તવિક સ્વરૂપમાં મળતાં સુધી તે અહીંતહીં ભટકતું અને વહેતું રહે છે. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપથી વિખુટા પડેલા પ્રત્યેક જીવમાં મૂળ સુખની પ્રાપ્તિ તેમજ નિરંતર પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર સ્થિત રહેવાની અદમ્ય ઇચ્છા હોય છે. એટલે એના જીવનમાં એની પ્રાપ્તિનો સંઘર્ષ સતત ચાલતો રહે છે અને એ માટે મનુષ્ય સદૈવ ઉદ્વિગ્ન રહે છે. આ સુખ એ પોતાનાં પત્ની, બાળબચ્ચાં, ધન તેમજ અન્ય સાંસારિક વસ્તુઓમાં શોધતો રહે છે. સુખની ઇચ્છાથી જ મનુષ્ય ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મ કરીને પાપ-પુણ્યમાં આળોટે છે. પરંતુ એના પ્રયાસ જ્ઞાન દ્વારા સંચાલિત હોતા નથી. આંશિક જ્ઞાન કે અજ્ઞાન માનવને મૂંઝવણ, સંશય અને કષ્ટ જ અપાવે છે. પૂર્ણજ્ઞાન થતાં જ તે પોતાનાં બધાં બંધનોમાંથી મુક્ત બનીને પૂર્ણપણે પૂર્ણતા અને પરમાનંદની પ્રાપ્તિ કરે છે.
આપણાં બધાં સામાજિક, રાજનૈતિક અને આર્થિક સુધારાઓ રોટી, કપડાં અને મકાન આપીને ભૌતિક જીવનના માર્ગની અડચણોને દૂર કરે છે. પરંતુ અહંકારની રક્ષા માટે વળી પાછો એક બીજો સંઘર્ષ પણ ચાલતો રહે છે. અત્યાર સુધી માનવ આ સંઘર્ષમાંથી મુક્ત થવાની કળા શીખી શક્યો નથી. એનો આ ‘અહંકાર’ એના જન્મથી પ્રાપ્ત પારિવારિક પરિવેશમાં, કચેરી-કાર્યાલયમાં, મિત્રો અને સહકર્મીઓમાં તેમજ અન્ય વિવિધ પ્રકારના સામાજિક સંબંધોમાં પોતાની એક ઓળખાણ અને શ્રેષ્ઠતા ઝંખે છે. આ સંઘર્ષથી ઉત્પન્ન થનાર સમસ્યાઓની આપણે કલ્પના કરી શકીએ છીએ. ક્ષણભંગુરતાવાદી લેખકો આ સંઘર્ષનું અત્યંત પ્રભાવક અને મર્મસ્પર્શી રીતે વર્ણન કરે છે. બર્ટ્રાણ્ડ રસેલ પોતાના ‘ધ કોન્ક્વેસ્ટ ઓફ હેપિનેસ – સુખ પર વિજય’ નામના પુસ્તકમાં લખે છે : ‘લોકો જીવનના સંઘર્ષનો અર્થ સફળતાના સંઘર્ષ જેવો માને છે. આ સંઘર્ષમાં દરેક સમયે એમને પોતાના પછીના દિવસનો નાસ્તો મળવાનો છે કે નહિ, એટલું જ નહિ પરંતુ પોતાના પાડોશીઓ કરતાં આગળ નીકળી ન શકવાની ચિંતા પણ એને સતત સતાવતી રહે છે.’
પાશ્ચાત્ય દાર્શનિકોના મતે આ ‘અહંકાર’નું રક્ષણ અને એનું પાલનપોષણ કરવા માટે મનુષ્ય દ્વારા થતા પ્રયાસો એમના અસ્તિત્વ સાથે જોડાયેલ અનિવાર્ય આવશ્યકતાઓ છે. ક્ષણભંગુરતાવાદના પિતા કીર્કગાર્ડ વર્ણવે છે કે મનુષ્યને મળનાર બધા અનુભવ આ ‘અહં’ રૂપી સાંકળા માર્ગમાંથી જ મળી આવે છે. તેઓ સંક્ષેપમાં માનવજીવનની વિશેષતાને વૈયક્તિકતા, વિરોધાભાસ, પસંદગી અને ભય આ શબ્દોમાં વ્યક્ત કરે છે. તેઓ અહંકારના સંઘર્ષની વ્યાખ્યા પણ કરે છે. જેમ કોઈ પોતાના જ ખભા પર બેસી શકતું નથી તેવી જ રીતે તે ઉપર્યુક્ત ચાર સીમાઓથી પર જઈ શકતો નથી. સ્થાન, કાળ, પરિવેશ અને પરંપરા દ્વારા ઉત્પન્ન પરિસ્થિતિઓની વચ્ચે, ભિન્ન ભિન્ન સંવેદનાઓ રુચિઓ, ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ, પ્રભાવ અને વિરોધની ધારામાં ફસાયેલ માનવની સીમાઓ તેની ‘વૈયક્તિકતા’ની અંદર આવી જાય છે. કોઈ વ્યક્તિ દ્વારા પસંદ કરેલા વ્યવસાય કે તેના દૃષ્ટિકોણ પર જ તેના જીવનની ગુણવત્તા આધારિત હોય છે. પરંતુ આ બાબતમાં પણ શું તે સ્વાધીન છે ખરો? તેને આટલું સમજાય છે કે એના દ્વારા કંઈ પણ અસંભવ નથી. પરંતુ જ્યાં થોડાંક જ ડગલાં આગળ ભરે છે ત્યાં જ એને પોતાની ચારે તરફ ન ઓળંગી શકાય એવી અડચણો દેખાવા લાગે છે. એટલે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક પાસ્કલે આમ કહ્યું છે : ‘મનુષ્ય થોડોઘણો સર્વકંઈ અને થોડુંઘણું ન કરી શકવામાં સક્ષમ છે. એને એ બાબતની ખાતરી થાય છે કે તે અસહાય છે. ડગલેને પગલે તેને પોતાના જ્ઞાન, સુખ અને અસ્તિત્વની સીમાનું ભાન થાય છે. એને એ બાબત સમજાય છે કે એનું જીવન એક નિર્મૂળ વૃક્ષ, એક નિરાધાર ભવન, હલેસા વિનાની હોડી જેવું છે. પળવારમાં જ મૃત્યુ એની પાસેનું બધું ગળી જાય છે. આમ હોવા છતાં પણ આ અંતર્વિરોધોની વચ્ચે પણ ક્યારેક ક્યારેક એને ઐક્ય અને સામંજસ્યના તત્ત્વની એક ઝાંખી થઈ જાય છે.
સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આર્કિમિડિઝે કહ્યું હતું કે જો એને ઊભા રહેવા માટે એક સ્થિર સ્થળ, એક ઉચ્ચાલક દંડ અને એક આધાર મળી જાય તો તે સમગ્ર પૃથ્વીને પણ ઉપાડી શકે છે. પરંતુ નિતાંત પોતાની ધરી પર ફરતી આ ધરતી પર ઊભા રહીને એમ કરવું સંભવ નથી. આવી જ રીતે કોઈ પણ માણસ અહંકારની ધારામાં વહેતો વહેતો એની સાથે સંલગ્ન સમસ્યાઓનો ઉકેલ કરી ન શકે. અહંકારની સીમાઓની પાર જવા માટે, તેના આદિ અને અંતની તર-તપાસ કરવા માટે મનુષ્યે ચેતનાની સીડીઓ પર ચડવું પડશે. ઉપરની અંતિમ સીડી કે પગથિયા સુધી પહોંચી ગયા બાદ ત્યાંથી બધું સ્પષ્ટ રૂપે જોવા તથા સમસ્યાઓને બરાબર સમજવાની ક્ષમતા આવી જાય છે. જો સમસ્યા પૂરી રીતે પૂરેપૂરી ઉકલી ન જાય તો પણ એ સમસ્યાના હાનિકારક પ્રભાવોને તો આપણે લગભગ દૂર કરી શકીએ છીએ.
ચેતનાના ઉચ્ચસ્તરે પહોંચવાના પ્રયાસ જ સાચી આધ્યાત્મિક સાધના છે. મંત્રજપ પૂજા, ધ્યાન, નિષ્કામ સેવા વગેરે એના સાધન છે. આ સાધનો આપણને ચેતનાના ઉચ્ચ સ્તર તરફ લઈ જાય છે. ‘આત્માનુભૂમિ જ ધર્મ છે, ઈંદ્રિયોની સીમાની પાર જવાનો પ્રયાસ જ ધર્મ છે’ – સ્વામી વિવેકાનંદના આ શબ્દો આપણને પોતાના લક્ષ્ય તેમજ તેની પ્રાપ્તિનાં સાધનો વિશે સારા પ્રમાણમાં ધારણા બંધાવે છે.
ચાલો, હવે આપણે સત્યની એ ઈંદ્રિયાતીત અવસ્થાઓને, જેને કેવળ અનુભૂતિનો વિષય પણ કહેવામાં આવ્યો છે તેને આપણી યુક્તિની કસોટીએ કસવાનો પ્રયત્ન કરીએ.
માનવમાં દિવ્યતત્ત્વ
અગાઉ કહેલી વાર્તામાં આવે છે તેમ એક વાઘનું બચ્ચું પોતાની જાતને ઘેટાનું બચ્ચું સમજતું હતું અથવા એક રાજકુમાર પોતાની જાતને ધોબીનો દીકરો માનતો હતો. એવી જ રીતે મનુષ્ય પણ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપથી અજ્ઞાત રહીને તેમજ પોતાની ક્ષમતાઓ વિશેના સીમિત દૃષ્ટિકોણમાં બંધાઈને નિર્બળ અને અપંગ જેવાં વ્યવહારવર્તન કરે છે. વાઘનું બચ્ચું પોતાની જાતને ઘેટું સમજતું હતું એ સમયે પણ તે વાઘનું જ બચ્ચું હતું. અજ્ઞાનને કારણે પોતાની જાતને ધોબીનો દીકરો માનનાર રાજાનો પુત્ર વાસ્તવિક રીતે રાજપુત્ર જ હતો. પોતાનાં બધાં માનવસુલભ સીમાઓ અને દોષો હોવા છતાં પણ મનુષ્ય વાસ્તવમાં દિવ્ય છે. ઉપર્યુક્ત બે વાર્તાઓને આધારે આપણે અહીં નીચે દર્શાવેલું સમીકરણ બનાવી શકીએ –
ઘેટાનું બચ્ચું = વાઘનું બચ્ચું
ધોબીનો પુત્ર = રાજકુમાર
પોતાના ગહન અજ્ઞાનને લીધે જ વાઘનું બચ્ચું ઘેટાનું બચ્ચું અને રાજકુમાર એક ધોબીનો પુત્ર બની ગયો. પેલું વાઘનું બચ્ચું ઘેટાંની વચ્ચે રહેતું, એમની જેમ જ ઘાસ ચરતું-ખાતું, એમની જેમ જ બેં-બેં કરતું, અને પોતાની જાતને ઘેટાનું બચ્ચું જ સમજતું. પણ શું એ પોતે પોતાના મૂળ સ્વરૂપે વાઘનું બચ્ચું નહોતું? જ્યારે એને પોતાને પોતે વાઘનું બચ્ચું છે એ સમજાણું ત્યારે એનામાં કયું પરિવર્તન આવ્યું? એનું અજ્ઞાન તથા એને લીધે ઉદ્ભવેલ વ્યવહાર માત્ર જ દૂર થયા? જ્યાં સુધી આઈન્સ્ટાઈને પદાર્થના અણુમાં છુપાયેલી શક્તિનો સિદ્ધાંત જગત સમક્ષ ન મૂક્યો ત્યાં સુધી આપણે બધા પદાર્થોનું એમના બાહ્ય ગુણો પ્રમાણે જ મૂલ્યાંકન કરતા રહ્યા. પરંતુ જ્યારે આપણને એ વાતનો ખ્યાલ આવ્યો કે જે દેખાય છે, કેવળ એટલું જ સાચું નથી; એટલે પદાર્થ વિશે આપણે આપણો દૃષ્ટિકોણ બદલ્યો. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે પદાર્થને ઊર્જામાં પરિવર્તિત કરવા માટે વિશેષ વિધિઓની આવશ્યકતા રહે છે.
માનવતા માટે આઈન્સ્ટાઈન દ્વારા આવિષ્કૃત સત્યથી પણ વધારે ઉપયોગી એક સત્ય છે. આ સત્ય એક એવું સૂત્ર છે કે જે શાશ્વત સત્ય તરફ ઈશારો કરે છે. આ એક એવું સૂત્ર છે કે જેને પ્રત્યેક વ્યક્તિ દ્વારા પોતાના જીવનમાં બૌદ્ધિક જિજ્ઞાસા, પ્રયોગ અને અનુભૂતિ દ્વારા સત્ય રૂપે પ્રતિસ્થાપિત કરી શકાય છે. આ સૂત્ર જીવનના તાત્પર્ય તેમજ તેના ઉદ્દેશ્યના રહસ્યને પણ ખૂલ્લું કરી શકે છે. આ એક એવું ગૂઢ તત્ત્વ છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ભૌતિક સ્તરેથી આધ્યાત્મિક અનુભૂતિના સ્તર સુધી ઉન્નત થવા માટે બળ, સાહસ તેમજ આત્મશ્રદ્ધાની પ્રાપ્તિ કરી શકે છે. શતાબ્દિઓ પહેલાં વિશ્વના મહાન ધર્મોના સાધકો તેમજ ઋષિઓએ આ તત્ત્વની ખોજ કરી હતી. આધુનિક જગત માટે આ એક સિદ્ધાંત માત્ર નથી. વ્યાવહારિક અનુભૂતિઓની દૃષ્ટિએ એ એક એવો પથપ્રદર્શક સિદ્ધાંત બની શકે છે કે જે સમગ્ર માનવજાતિને ઉન્નત બનાવી શકે. આધુનિક યુગમાં આ સિદ્ધાંતને સ્પષ્ટ રૂપે પ્રચારિત કરવાનું શ્રેય સ્વામી વિવેકાનંદને જાય છે. સત્યની અનુભૂતિથી ઉત્પન્ન થયેલ એમના આત્મવિશ્વાસ અને એના પ્રચાર માટે એમના ઉત્સાહે એ સત્યને સર્વજનસુલભ બનાવી દીધું. એની પહેલાં આ સત્યને થોડા ઘણા સંન્યાસીઓ તથા એનાથી પણ ઘણી ઓછી સંખ્યાના ગૃહસ્થ લોકો જાણતા હતા. એમનું સૂત્ર આ હતું :
માનવ = દિવ્યતા
આ સૂત્રમાં E=mc2 સૂત્રથી પણ મહત્તર સત્ય નિહિત છે. માનવની દિવ્યતાના સૂત્રમાં ચર રાશિ c2 નથી. ચર રાશિ c2 પ્રભાવક છે. છતાં પણ એક સીમિત સંખ્યા છે. એ સૂચિત કરે છે કે પદાર્થના એક સૂક્ષ્મ અણુમાં તેણે આકારની સરખામણીએ લાખો ગણી વધારે ઊર્જા રહેલી છે. પરંતુ બીજા સૂત્રમાં આપણે એ વાત આશ્ચર્યપૂર્વક જોઈએ છીએ કે એમાં એક બાજુએ અનંત છે અને બીજી બાજુએ એક સામાન્ય રીતે સીમિત એવી ચીજ છે. સમસ્યા આપણા સાધારણ દૃષ્ટિકોણથી ઉદ્ભવે છે. એ આપણી સમજને ઈંદ્રિયજ્ઞાન પૂરતી સીમિત કરી દે છે. સામાન્યત: આપણે માનીએ છીએ કે મનુષ્ય લગભગ ૬ ફૂટ લાંબું પ્રાણી છે. એ રક્ત, માંસ, રક્તવાહિનીઓ, સ્નાયુઓ, પેશીઓ વગેરે મળીને બન્યો છે, અને એમાં થોડીઘણી બુદ્ધિ પણ છે. ઉપર્યુક્ત સૂત્ર માનવ વિશે આપણી ધારણાનો મૂળોચ્છેદ કરી નાખે છે અને વ્યક્તિમાં રહેલી અનંત સંભાવનાઓને પ્રગટ કરવાનાં દ્વાર ખોલી નાખે છે.
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘કોઈ પણ ગ્રંથ, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ વિજ્ઞાન માનવ રૂપે પ્રગટ થનાર આ આત્માના મહિમાની કલ્પના સુધ્ધાં નથી કરી શકતાં. તે કોઈ પણ કાળનાં સર્વાધિક મહિમામય દેવતા અને એક માત્ર ઈશ્વર છે.’ હું તે જ છું. તે જ હું છું. હું આ સામાન્ય એવો માનવ નથી, પરંતુ એ જ સચ્ચિદાનંદ છું. જે ચરરાશિ આ સૂત્રમાં નથી આવતી તે વાસ્તવિક રીતે અનંત છે. અને જ્યારે એની શોધના કે પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે આ સમીકરણનો ઉકેલ આવી જાય છે. આપણા જીવનનું તાત્પર્ય કેવળ સંસાર વિશે માહિતી કે જાણકારી પ્રાપ્ત કરવી અથવા પોતાની કામનાઓની તૃપ્તિ કરવી એ જ નથી; પરંતુ ઈશ્વરની અનુભૂતિ તેમજ પરિપૂર્ણતાની પ્રાપ્તિ માટે પોતાનાં કર્તવ્યને પૂરાં કરવાં એ છે.
આ સૂત્ર પ્રમાણે મૂળ સ્વરૂપે માનવ અનંત અને સર્વવ્યાપી આત્મા છે. એ જ દેશકાળ, કાર્યકારણના બંધનથી પૂર્ણત: મુક્ત એવો સચ્ચિદાનંદ છે. એ અનંત શક્તિનો ભંડાર છે. આ સત્યની અનુભૂતિ કરવી એ જ આત્મબોધ કે આત્મજ્ઞાન છે. પાસ્કલે કહ્યું હતું: ‘બ્રહ્માંડમાં મનુષ્યની કેવી સ્થિતિ છે? અનંતની તુલનામાં જાણે કે તે શૂન્ય છે, શૂન્યની તુલનામાં તે અલ્પ છે અને શૂન્ય તથા અનંતની વચ્ચેનું કંઈક છે. એમાંથી એક એને અણુઓથી પણ સૂક્ષ્મ બતાવે છે અને બીજો બ્રહ્માંડના અનંત વિસ્તારને વ્યક્ત કરે છે.’ એનો પડઘો પાડતાં બર્ટ્રાણ્ડ રસેલે કહ્યું હતું: ‘મનુષ્ય બે અનંત વચ્ચે ઊભો છે – પરમસૂક્ષ્મ અને પરમ વિરાટ.’ પરંતુ રસેલ એ વાત બતાવવાનું ભૂલી ગયા કે જે માનવ આ બે છેડાના અનંતનો દૃષ્ટા છે તે સ્વયં અનંત બનીને પણ પોતાને સીમિત સમજે છે. એક બીજી વાત – બે કે ત્રણ અનંતોનું હોવું અસંગત છે. કારણ કે તે એક બીજાને સીમિત બનાવી દે છે. સર્વવ્યાપી તત્ત્વ જ એક માત્ર અનંત છે. ભારતના પ્રાચીન ઋષિઓએ આ સત્યની ખોજ કરી હતી. એનું જ્ઞાન વ્યક્તિને ગૌરવ અને સન્માન આપે છે. એ એનામાં આત્મશ્રદ્ધા ભરવા તથા તેની અનંત ઊર્જાના પ્રવાહમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
કાપ્રા દ્વારા પ્રણીત ‘ભૌતિકીમાર્ગ’
ડો. ફ્રિટઝોફ કાપ્રા એક પ્રસિદ્ધ અણુવૈજ્ઞાનિક છે. એમની શોધ પશ્ચિમના અનેક વિશ્વવિદ્યાલયોમાં આદરને પાત્ર બની છે. આધુનિક ભૌતિક વિજ્ઞાન અને વેદાંત, બૌદ્ધદર્શન તેમજ તાઓવાદ, વગેરે પ્રાચ્ય આધ્યાત્મિક પરંપરાઓમાં મળતા બ્રહ્માંડ વિષયક મૂળભૂત વિચારોની સમાનતાઓનું વિષદ અધ્યયન કર્યા પછી એમણે પોતે ‘તાઓ ઓફ ફિઝિક્સ – ભૌતિક વિજ્ઞાનનો માર્ગ’ નામનો ગ્રંથ લખ્યો. આ ગ્રંથે વૈજ્ઞાનિકો તથા દાર્શનિકો – એ બંનેને આકર્ષ્યા. અનેક વર્ષો સુધી આધુનિક વિજ્ઞાન તેમજ તેની સાથે સંબદ્ધ વિષયોના અધ્યયનમાં તેઓ રચ્યાપચ્યા રહ્યા. સાથે ને સાથે ડો. કાપ્રાને પૂર્વના દેશોનાં આધ્યાત્મિક દર્શન શાસ્ત્રોની પરંપરામાં પણ ઘણી રુચિ હતી.
જો કે વિશ્લેષણાત્મક વિજ્ઞાનમાં જ તેઓ લીન રહ્યા, આમ છતાં પણ ‘ઊર્જાના નૃત્ય’ની અનુભૂતિ કરીને ભાવાવેગમાં એમની આંખોમાંથી આંસું વહેવાં લાગ્યાં હતાં. ત્યાર પછી જો કે તેઓ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કાર્યરત રહ્યાં પરંતુ એની સાથે પ્રાચ્ય ધર્મો તેમજ વિચારો અને આદર્શોના મૂળભૂત ભાવોનું પણ તેઓ અધ્યયન કરતા રહ્યા. ઉપર્યુક્ત સુપ્રસિદ્ધ ગ્રંથ એની ગહન અનુભૂતિ તથા વિશાળ અધ્યયનફળ છે. આપણા દેશમાં સત્યના અનુસંધાન માટે ત્રણ પદ્ધતિઓ છે. એમાંની પ્રથમ છે, દિવ્ય ઉદ્ગમને કારણે પવિત્ર ગણાતાં શાસ્ત્રોનું અધ્યયન. આમ તો એની રટણા કરવી એ પણ એના અધ્યયનની એક પદ્ધતિ છે, પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ છે એમને બરાબર સમજવાં. તદુપરાંત એ શાસ્ત્રોને યુક્તિ, શંકા-સમાધાન તથા બધા વિરોધોને દૂર કરીને સમજવા જોઈએ. અંતે આ બૌદ્ધિક રૂપે જ સમજેલા વિચારોની અનુભૂતિ કરવી રહી. આ રીતે જો શાસ્ત્ર, યુક્તિ તથા અનુભૂતિ એક જ નિષ્કર્ષ પર પહોંચે તો તે સત્ય છે. આ દૃષ્ટિએ ડો. કાપ્રાના શબ્દ ઉલ્લેખનીય છે. પૂર્વની પ્રાચીન ધર્મપરંપરાઓનાં તત્ત્વોનું સત્યાપન કરવા માટે તેઓ પોતાના વૈજ્ઞાનિક જ્ઞાન તથા અનુભૂતિનો પ્રયોગ કરતા રહે છે. એમનો માર્ગ એક સાચા જિજ્ઞાસુનો સર્વાંગીણ માર્ગ છે. પરમ સત્ય વિશેનો ડો. કાપ્રા તથા અન્ય વૈજ્ઞાનિકોના નિષ્કર્ષ હવે પછીના અંકમાં સંક્ષેપમાં રજૂ કરીશ.
Your Content Goes Here




