(ગૌરીમાઈના જીવનપ્રસંગો)

(ગતાંકથી ચાલુ)

(૧૦) “આમને તો હું ઓળખું છું!”

પ્રભાતના સૂર્યનાં કોમળ કિરણોથી આકાશ ગુલાબી બની ગયું હતું. દક્ષિણેશ્વરના મંદિરના બગીચામાંથી પક્ષીઓ ઊડી રહ્યાં હતાં. ગંગાની શીતળ લહેરો મંદિરના વાતાવરણને પણ શીતળ બનાવી રહી હતી. આવી સુંદર સવારે બલરામ બોઝ અને તેમની આ વિશિષ્ટ મંડળીએ દક્ષિણેશ્વરના આ અલૌકિક સાધુના ખંડમાં પ્રવેશ કર્યો. ગૌરીમાએ જોયું તો આ સાધુ ખાટ પર બેઠા બેઠા હાથમાં રહેલા લાકડાના કકડા પર સૂતર લપેટી રહ્યા હતા, અને સાથે સાથે કાલીનું સ્તવન ગાઈ રહ્યા હતા.

“યશોદા નાચા તો ગો મા બોલે નીલ મણિ.

સે રૂપ લુકાલિ કોથા કરાલવદનિ શ્યામા.

એક બાર નાચો તો શ્યામા.”

“હે મા, કાલી, યશોદા તમને નીલમણિ કહીને નચાવતાં હતાં. હે કરાલવદની શ્યામા, એ રૂપ તમે કયાં છુપાવ્યું? એક વાર તમારી તલવાર છોડીને વાંસળી લઈને નાચો તો શ્યામા!”

આ કાલીસ્તવન દ્વારા શ્રીરામકૃષ્ણે ગૌરીમાઈના અંતરમાં રહેલી મૂંઝવણનો સાવ સહજ રીતે ઉકેલ લાવી દીધો. કૃષ્ણભક્ત ગૌરીમાઈના અંતરમાં આ જટિલ સમસ્યા હતી કે કૃષ્ણને ભજનાર શું કાલીને પણ આરાધી શકે? શ્રીરામકૃષ્ણના ખંડમાં પગ મૂકતાં જ એમના મુખે આ સ્તવન સાંભળીને ગૌરીમાઈની મૂંઝવણ ટળી ગઈ કે કૃષ્ણ ને કાલી એક જ છે. તેના અંતરમાં પ્રસન્નતા છવાઈ ગઈ! અરે, હજુ આ સાધુ તો મને ઓળખતા પણ નથી અને છતાં મારી આંતરવેદનાને તેઓ તો જાણે છે! હજુ તો મેં એમને કંઈ પૂછ્યું પણ નથી અને છતાં ઉકેલ આપી દીધો? સાચ્ચે જ આ કંઈ સામાન્ય સાધુ તો નથી જ. અને ત્યાં તો શ્રીરામકૃષ્ણે જાણે સૂતર વીંટવાનું કામ પૂરું કરી લીધું હોય તેમ હાથમાં રહેલો લાકડાનો સૂતર વીંટેલો કકડો બાજુએ મૂકી દીધો અને ત્યારે બુદ્ધિમતી ગૌરીમાઈના મનમાં પ્રકાશનો ઝબકારો થયો! ‘અરે, બે દિવસથી પોતાને અંતરમાં જે સતત અનુભૂતિ થઈ રહી હતી, અને પોતે જાણી શક્યાં ન હતાં! તેનું મૂળ તો અહીં હતું! આ તે કેવા સાધુ! કશું જ બોલ્યા વગર એમણે મને કેટલું બધું કહી દીધું અને તે પણ કેવી સાંકેતિક ભાષામાં! અત્યાર સુધી બધા પાસેથી એમણે આ મહાત્માની જે વાતો સાંભળી હતી, તેની યથાર્થતાનો અનુભવ આ ખંડમાં પગ મૂકતાં જ એમને થવા લાગ્યો હતો! તેમના અંતરમાં હવે ખાતરી થઈ ગઈ કે ખરેખર આ સાધુ જ પોતાને એમની સમીપ દોરી ખેંચીને લઈ આવ્યા છે. અને એ વાત એક પણ શબ્દના ઉચ્ચારણ વગર માત્ર સૂતર વીંટવાના પ્રતીકથી એમણે ઈંગિત દ્વારા સ્પષ્ટ કરી દીધી છે. ગૌરીમાનું આંતર – બાહ્ય સ્વરૂપ પ્રસન્નતાથી છલકાઈ ગયું. પરંતુ જાણે આ બે ઇંગિતો પૂરતાં નહોતાં, તેમ તેમને ત્રીજું પ્રત્યક્ષ પ્રમાણ નક્કર અનુભૂતિ દ્વારા મળ્યું અને પછી તો એમના મનમાં ઊંડે ઊંડે પણ કોઈ જ શંકા રહી નહીં. તેઓ હવે સ્પષ્ટપણે જાણી ગયાં કે આ બે દિવસમાં ભાવસમાધિમાં એમણે જે જે અનુભવો કર્યા તે તેમને અહીં સુધી લાવવા માટેના જ હતા. હવે તેઓ સ્વસ્થ બની ગયાં. હૃદયમાં જે તીવ્ર ખેંચાણ અનુભવાતું હતું તે હવે સાવ શમી ગયું. અને તેમણે શ્રીરામકૃષ્ણના ચરણોમાં પ્રણામ કર્યા. અને આ શું? આશ્ચર્યથી તેઓ આ ચરણોને જોઈ જ રહ્યાં. આ તો એ જ ચરણો છે, જે બે દિવસથી એમના દામોદરના સ્થાને બિરાજીને પુષ્પો ને સઘળો અર્ધ્ય સ્વીકારતાં હતાં! તો શું આ જ ચરણયુગલ મને અહીં સુધી ખેંચી લાવ્યા છે? શું આ જ એ ચરણોના દેવતા છે? ના, હવે આ ભ્રમ તો નથી જ. તેઓ ફરીથી એ ચરણયુગલમાં પ્રણિપાત કરી રહ્યાં. અને હવે એમના મનમાં કોઈ જ સંદેહ રહ્યો નહીં. અને પછી તેમણે બે હાથ જોડીને ઊંચે જોયું તો શ્રીરામકૃષ્ણ મંદ મંદ હસી રહ્યા હતા. જાણે પોતે તો કશું જાણતા જ નથી!

આ રીતે દક્ષિણેશ્વરના આ સાધુ પોતાને બોલાવશે એની તો ગૌરીમાઈએ કદી કલ્પના પણ નહોતી કરી. એમને આ સાધુની આંતરિક તાકાતનો અનુભવ થઈ ગયો અને અંતરમાં પ્રતીતિ થઈ કે પોતે જેમને શોધી રહ્યાં છે, તે તો સાક્ષાત્ અહીં જ બિરાજે છે! પરંતુ પ્રથમ મુલાકાતે તેઓ કશુંજ બોલ્યા નહીં, એ સમયે તેમની ઉમ્મર હતી પચ્ચીસ વર્ષની. ભલે શબ્દોનું આદાનપ્રદાન નહોતું થતું, પણ આત્મા જે ઝંખતો હતો તે તેને અદૃષ્ટપણે પણ આપી દેવાયું હતું. એથી જ અંતરમાં સતત અનુભૂતિ તેઓ કરી રહ્યા હતાં કે ભલે એમના પ્રત્યક્ષ દર્શન આજે થયાં, પણ આમને તો હું જાણે જન્મોથી ઓળખું છું!

આ બાજુ શ્રીરામકૃષ્ણે પણ બલરામ પાસેથી ગૌરીમાઈની તમામ બાહ્ય વિગતો પણ મેળવી લીધી. પછી તેમણે કહ્યું: “ગૌરીદાસીને હું ઘણા લાંબા સમયથી ઓળખું છું. તેઓ અહીંના છે.” એટલે કે તેમના અંતરંગ વર્તુળમાંના છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે “શ્રીકૃષ્ણના પ્રેમને ખાતર તેણે ઘર છોડ્યું, આશ્રય છોડ્યો, ખોટી શરમ ને ભય છોડ્યાં, ને તે પરિવ્રાજિકા બની.” ગૌરીમાઈની ઉત્કટ પ્રેમભક્તિ, પ્રબળ વૈરાગ્યભાવના, અને તીવ્ર મેઘાશક્તિને શ્રીરામકૃષ્ણ પ્રથમ મુલાકાતે જ પિછાણી ગયા અને ત્યારે જ તેમને લાગ્યું કે નારી જાતિના ઉદ્ધાર માટે મા જગદંબાએ આ શક્તિ સ્વરૂપિણી નારીને હવે મોકલી આપી છે! જ્યારે શ્રીરામકૃષ્ણના વચનામૃતોનું પાન કરીને, પોતાના અંતરમાં પરમશાંતિ અને અનેરા આનંદનો અનુભવ લઈને બલરામબોઝની આ મંડળી કલકત્તા પાછી ફરી રહી હતી. ત્યારે શ્રીરામકૃષ્ણે ગૌરીમાઈને ઉદ્દેશીને કહ્યું: “મા, પાછાં આવજો.”

(૧૧) ‘‘લો, આ તમારી સાથીદાર.’’

શ્રીરામકૃષ્ણના પ્રથમ દર્શન કરીને ગૌરીમાઈ પાછાં બલરામબોઝને ત્યાં આવી ગયાં. હવે એમના અંતરમાં થતી તીવ્ર ખેંચાણની અનુભૂતિ શમી ગઈ હતી. મન શાંત અને સ્થિર થઈ ગયું હતું. અંતર આનંદનો અનુભવ કરી રહ્યું હતું. વરસોથી જેના માટે પરિભ્રમણ કરી રહ્યાં હતાં, એ બહુમૂલ્ય રત્ન જાણે હવે એમને પ્રાપ્ત થઈ ગયું. હવે એવાં પરિભ્રમણોનો જાણે અંત આવી ગયો હોય તેવું તેમને જણાતું હતું. શ્રીરામકૃષ્ણના પ્રથમ દર્શન પછીની એમની કલકત્તાની એ રાત્રિ તો શાંતિમાં વીતી. પરંતુ જ્યારે તેઓ સવારે જાગ્યા ત્યારે મન, પ્રાણ અને સમગ્ર અંતરમાં બસ જાણે શ્રીરામકૃષ્ણ જ વ્યાપી રહ્યા હોય તેવી અનુભૂતિ થવા લાગી. દક્ષિણેશ્વ૨ જવાની અને શ્રીરામકૃષ્ણના દર્શન કરવાની પ્રબળ ઉત્કંઠાએ એમના સમગ્ર અસ્તિત્વનો કબજો લઈ લીધો. ગંગાસ્નાન તો કર્યું. પણ પછી તો તેમનાથી રહી શકાયું જ નહીં. પહેરવાનાં બે કપડાં ને ગળામાં દામોદરને લટકાવીને તેઓ દક્ષિણેશ્વર જવા ચાલી નીકળ્યાં.

હવે ગૌરીમાઈ જાણી ગયાં હતાં કે એમના ચિત્તનો દોર શ્રીરામકૃષ્ણના હાથમાં છે. એ અદૃશ્ય તંતુથી ખેંચાતાં તેઓ બીજે જ દિવસે સવારે દક્ષિણેશ્વરના દરવાજે આવી પહોંચ્યાં. ત્યાં તેમણે જોયું તો દ્વાર ઉપર સાક્ષાત્ શ્રીરામકૃષ્ણ ઊભા હતા! તેમને જોતાં જ શ્રીરામકૃષ્ણે કહ્યું: “હું તમારી જ વાત વિચારી રહ્યો હતો!”

“મેં તો અનેક સાધુ દર્શન કર્યાં છે, હવે તેમાં એકનો ઉમેરો કરવાથી શું વળશે? કહેનાર ગૌરીમાઈ હવે અંતરમાં અનુભવી રહ્યાં કે જો આ એકના દર્શન ન કર્યાં હોત તો ખરેખર જીવન નિરર્થક ભ્રમણા જ બની રહેત. શું આ કંઈ માત્ર સાધુ મહાત્મા જ છે! આ તો અંતર્યામી પરમાત્મા છે. અંતરની અપ્રગટ વાતો, લાગણીઓને તેઓ જોતાવેંત જાણી જાય છે. ને એટલું જ નહીં પણ તેઓ એનો ઉકેલ પણ આપી દે છે!” આવા અવતાર પુરુષનાં સાંનિધ્યમાં આવવાનું મળ્યું, એથી ગૌરીમા પોતાને ભાગ્યશાળી માનવાં લાગ્યાં. તે દિવસે તેમણે પોતાના જીવનની સઘળી વ્યથાકથા શ્રીરામકૃષ્ણને જણાવી દીધી. શ્રીરામકૃષ્ણ પણ ખૂબ જ પ્રેમથી એમની ભક્તિભાવ ભરી વાતોને અને પરમાત્માદર્શનની ઝંખનાની અભિવ્યક્તિને સાંભળતા રહ્યા. એમને માટે તો જાણે આ બધી જ વાતો પરિચિત હતી. કેમ કે તેઓ તો ગૌરીમાઈને જાણતા હતા. પણ ગૌરીમાઈને એની ત્યારે કયાં ખબર હતી કે “જગતના લોકોને પ્રભુના પ્રેમ, પ્રકાશ ને આનંદ પ્રત્યે વાળવા માટે પૃથ્વી ઉપર આવેલા આ અવતાર પુરુષ પોતાના આ લીલાકાર્યમાં સહાય કરવા માટે પોતાના પાર્ષદોને પણ સાથે લાવ્યા છે, ગૌરીમા પણ તેમાંના એક છે.” શ્રીરામકૃષ્ણ તો પોતાના આ પાર્ષદોને પ્રથમ દૃષ્ટિએ જ ઓળખી લેતા હતા. પરંતુ દુન્યવી આવરણોથી આવૃત્ત થયેલા બધાના આત્માઓ એ જાણી શકતા નહીં. પરંતુ શ્રીરામકૃષ્ણ પાસે તો બંધ હૃદયોને ખોલવાની, આત્માનાં આવરણોને દૂર કરવાની પ્રેમની, જ્ઞાનની, શક્તિની, અનેક ચાવીઓ હતી. આ ચાવીઓના ઉપયોગથી તેમણે પ્રભુના કાર્ય માટે અસંખ્ય આત્માઓના અંધકારનાં આવરણોને દૂર કર્યાં. એ જ રીતે એમણે ગૌરીમાઈને પણ દિવ્યપ્રકાશ પ્રત્યે ખુલ્લાં કર્યાં અને તેમના અંતરમાં પણ તેમણે નારી જાગરણના પોતાના ભાવિ કાર્યના બીજને રોપી દીધું. પણ તેની ય ત્યારે તો ગૌરીમાઈને ખબર ન પડી.

પોતાની સમગ્ર જીવનપોથી શ્રીરામકૃષ્ણ સમક્ષ ખુલ્લી કરીને ગૌરીમાઈએ તેમને કહ્યું “બાબા, તો બે દિવસ પહેલાં, દામોદારની જગ્યાએ મેં આપના જ ચરણયુગલ જોયા અને આપ એ જ છો, એની મને ખાતરી થઈ ગઈ. પણ આપ અહીં છૂપાયેલા છો, એ વાત જો હું પહેલેથી જાણી શકી હોત તો?

આ સાંભળીને અપૂર્વ સ્મિત રેલાવતાં શ્રીરામકૃષ્ણે એમને કહ્યું, “જો પહેલેથી જ ખબર પડી હોત તો, આટલી બધી તપશ્ચર્યા અને સાધનભજન કેવી રીતે થયાં હોત!”

પ્રભુ કંઈ સહજમાં મળી જાતા નથી. એના માટે આંતરિક તપશ્ચર્યા ને ઉત્કટ ભક્તિ જોઈએ. એ વાત શ્રીરામકૃષ્ણે તેમને હસતાં હસતાં કહીને સમજાવી દીધું કે જ્યારે આંતરિક ભૂમિકા તૈયાર થાય ત્યારે જ પ્રભુ પોતાના રહસ્યનો પરદો ખોલે છે.

હવે ગૌરીમાઈની ઉત્કટ ભક્તિ ભાવના, આકરી તપશ્ચર્યા, તીર્થયાત્રાઓ, અને સાધનભજનનો કાળ જાણે પૂરો થયો અને શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં એમના માર્ગદર્શન હેઠળ નવી જ ભૂમિકાની સાધનાનો પ્રારંભ થતો હોય તેવું તેમને જણાયું. કેમ કે શ્રીરામકૃષ્ણે એમને પોતાના શિષ્યા તરીકે સ્વીકારી લીધાં હતાં. શ્રીરામકૃષ્ણ, તેમને શ્રીમા શારદામણિ દેવી ત્યારે દક્ષિણેશ્વરમાં જ નોબત ખાનામાં રહેતાં હતાં, તેમની પાસે લઈ આવ્યા અને તેમની ઓળખાણ કરાવીને કહ્યું “બ્રહ્મમયી, તમે એક સાથીદાર ઈચ્છતાં હતાં ને, તો લો, આ એક સાથીદાર આવી ગઈ.” અને તેમણે ગૌરીમાઈને મા શારદામણિના હાથમાં મૂકી દીધાં. હવે ગૌરીમાઈના જીવનનો નવો જ અધ્યાય શરૂ થયો.

(ક્રમશઃ)

Total Views: 239

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.