પ્રકરણ – ૩
ખુશ ભારતનાં મંદિરોની યાત્રાએ
ખુશની શાળામાં દસમા ધોરણ સુધી ભણવાની સગવડતા છે. દર વર્ષે વિદ્યાર્થીઓ માટે એક અભ્યાસપ્રવાસ શાળા યોજે છે. એક દિવસ ખુશની બહેને શાળાએથી અત્યંત આનંદ-ઉલ્લાસ સાથે આવીને કહ્યું કે અમારી શાળાએ ત્રિવેન્દ્રમની અભ્યાસયાત્રાનું આયોજન કર્યું છે અને એમાં હું જઈશ. શિલ્પસ્થાપત્યનો અભ્યાસ કરવા દક્ષિણના કેરાલા અને તામીલનાડુનાં મંદિરોની મુલાકાત લેવાની છે. એનું વર્ણન કરતાં તે ખૂબ આનંદમાં આવી ગઈ.
બહેનના આ વર્ણનનો પ્રભાવ ખુશના મન પર પડ્યો. જરૂરી પૈસા ભરીને તે પોતાની બહેન સાથે પ્રવાસમાં જોડાવા તૈયાર થયો. બહેન સાથે જવાની શાળા રજા આપશે અને પિતાજી એ માટેના પૈસા આપશે. આ સાંભળીને તેની બહેન તો મૂંઝવણમાં પડી ગઈ. તેને લાગ્યું કે કદાચ ખુશ તેને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દે. દાદીમાએ ખુશના પિતાને શાળાના સંવાહકો સાથે આ વિશે ચર્ચા કરવા કહ્યું. એ સાંભળીને પિતાએ હસીને કહ્યું કે પૈસાનો કોઈ વાંધો નથી, પણ ખુશને સાથે રાખીને પ્રવાસમાં જવાની શાળા નિયમ પ્રમાણે પરવાનગી નહીં આપે. ખુશની આશાઓ રોળાઈ ગઈ અને રડતાં રડતાં તે શયનખંડમાં ગયો અને આખા શરીરે ધાબળો ઓઢીને સૂઈ ગયો. તરત જ તે એક અદ્ભુત સ્વપ્નની દુનિયામાં સરી પડ્યો.
જેવો તે સ્વામીજીનું સ્વપ્ન જોવા માંડ્યો ત્યાં જ એક મોટા ગરુડરાજ તેની પાસે આવ્યા. ગરુડરાજ તો તેની સામે આવીને ઊભા રહ્યા. ખુશને સમજાઈ ગયું કે આ ગરુડના રૂપે સ્વામીજી જ છે. તેણે વિચાર્યું કે સ્વામી વિવેકાનંદ ગરુડના રૂપે પોતાના પર બેસાડીને જુદાં જુદાં સ્થળે લઈ જશે, પણ તેમની પાંખો પરથી તેને પડી જવાની બીક હતી. સ્વામીજીએ ખુશને તેમનો સ્પર્શ કરવા કહ્યું. જેવો ખુશે સ્પર્શ કર્યો કે તે પોતે પણ ગરુડ બની ગયો.
તે શા માટે દુ:ખી હતો, એ વિશે પૂછતાં ખુશની આંખમાંથી આંસુ વહેવા માંડ્યાં અને પોતાના દુ:ખની વાત કરી. સ્વામી વિવેકાનંદે એ સાંભળીને કહ્યું, ‘બેટા, ચિંતા ન કર. ચાલ, આપણે ઊડીને ભારતનાં વિવિધ મંદિરોમાં જઈએ અને દરેક મંદિરનાં દેવીદેવતાને પ્રણામ પણ કરતા આવીએ.’ સ્વામી વિવેકાનંદ સાથે આકાશમાં ઊડવાનું શરૂ થયું અને ખુશે અદ્ભુત રોમાંચ અનુભવ્યો. અત્યાર સુધી તો તેણે આકાશમાં ઊડતાં પક્ષી જોયાં હતાં. આજે તો તે પોતે પક્ષીની જેમ આકાશમાં ઊડે છે!
વારાણસીના વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણાનાં મંદિરની યાત્રા અને તેનો મહિમા
સર્વ પ્રથમ તો એમણે વારાણસીના કાશીવિશ્વનાથ મહાદેવ અને માતા અન્નપૂર્ણાનાં દર્શન કરવા યાત્રા આરંભી. કાશી સાથેના પોતાના સંબંધને વર્ણવતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘વરાહનગર મઠમાં હું રહેતો હતો ત્યારે ૧૮૯૭માં એક સંન્યાસીરૂપે મેં આ પવિત્ર સ્થળની મુલાકાત લીધી હતી. મારી પ્રથમ યાત્રામાં હું ત્યાં માત્ર સાત દિવસ રહ્યો હતો. પછીથી સાડા ચાર વર્ષની પરિવ્રાજકરૂપે યાત્રામાં મેં ભારતનાં મહત્ત્વનાં યાત્રાસ્થાનોનો પ્રવાસ ખેડ્યો હતો. એ વખતે હું બીજી વખત કાશી ગયો હતો. આ બીજી મુલાકાત વખતે હું ત્યાંના સુખ્યાત સંસ્કૃત વિદ્વાન પ્રમદાદાસ મિત્રને મળ્યો હતો. તેઓ મારા જીવનભરના મિત્ર બની ગયા. મેં એમની સાથે વિષયવસ્તુની સ્પષ્ટ સમજણ માટે કેટલાંય શાસ્ત્રોની ચર્ચા કરી. પછીથી મારા બીજા પરિભ્રમણમાં પશ્ચિમ ભારતની યાત્રાએથી પાછા ફરતી વખતે હું ત્રીજી વખત કાશી ગયો હતો.’
કાશીનાં આ સૌથી વધુ સુખ્યાત મંદિરોના મહિમા વિશે ખુશને સ્વામીજીએ આ શબ્દોમાં વાત કરી, ‘દરેક હિન્દુ જીવનમાં એક વખત આ મંદિરની યાત્રાએ આવે છે. ગંગાના પવિત્ર કિનારે તેઓ પિતૃઓને તર્પણ પણ કરે છે. અન્નપૂર્તિ કરતાં – સૌનું ભરણપોષણ કરતાં શ્રીમા અન્નપૂર્ણાદેવીનું મંદિર કાશીમાં પણ છે. એક વખત ભગવાન શિવે પાર્વતીને કહ્યું કે સમગ્ર વિશ્વ માયાભ્રમમાં છે અને અન્ન પણ એમને માટે મુશ્કેલ બન્યું છે. પાર્વતીને ભૌતિક પદાર્થાેની – માયાની દેવીરૂપે પૂજવામાં આવે છે. આ સાંભળીને તેઓ ગુસ્સે થયાં અને અદૃશ્ય થઈ ગયાં. અન્નના અભાવે લોકો ભૂખે મરવા લાગ્યા. લોકોનાં દુ:ખપીડાને જાણીને શ્રીમા પાર્વતી કાશીમાં અન્નપૂર્ણારૂપે પ્રગટ થયાં. ભગવાન શિવ પાર્વતીના આ પ્રગટીકરણથી અને પુનરાગમનથી ખુશ થયા. તેઓએ તેમને પોતાનું કમંડળ ધરીને કહ્યું કે માયા પણ આત્મતત્ત્વની જેમ અગત્યની છે. તેને ભ્રમણા ગણીને અવગણી ન શકાય. ભગવતી પાર્વતી આ સાંભળીને હસ્યાં અને શિવને પોતાના હાથે જમાડ્યા.’
(ક્રમશ:)
Your Content Goes Here




