(ગતાંકથી ચાલુ)

(૧૨) ભાવિ કાર્યની તાલીમ

હવે ગૌરીમા શ્રીમાની સાથે દક્ષિણેશ્વરમાં રહેવા લાગ્યાં. શ્રીમા અને શ્રીરામકૃષ્ણ પ્રત્યેના તેમના અંતરનાં પ્રેમ અને ભક્તિ કાર્યો દ્વારા પ્રગટ થવાં લાગ્યાં. પોતાના પ્રત્યેનો આવો અનન્ય પ્રેમ જોઈને શ્રીમા શારદામણિ પણ તેમને પોતાની પુત્રી ગણીને સ્નેહ કરતાં હતાં. શ્રીમા તેમને લાડથી ગૌરદાસી કહેતાં અને જ્યારે ગૌરીમાઈ બિમાર હોય ત્યારે સ્વયં મા એમની સેવા કરતાં અને પોતે જાતે તૈયાર કરીને પથ્ય આપતાં. રાત્રે ઉજાગરા કરીને પણ શ્રીમાએ એમની સેવા કરી હતી. શ્રીમા દરેક બાબતમાં ગૌરીમાઈની કાળજી રાખતાં હતાં. શ્રીમા પોતે શાસ્ત્રો ભણ્યાં ન હતાં પરંતુ તેમણે તો સઘળું જ્ઞાન અનુભવથી અને શ્રીરામકૃષ્ણ પાસેથી પ્રાપ્ત કર્યું હતું, આથી તેઓ જ્ઞાન માર્ગને પણ જાણતાં હતાં. ગૌરીમાઈના શાસ્ત્રજ્ઞાન અને વિવિધ વિષયો પરનું પ્રભુત્વ જોઈને શ્રીમા પ્રસન્ન થતાં અને તેમને બિરદાવતાં શિષ્યોને કહેતાં, “મહાન આત્મા ભાગ્યે જ જોવા મળતો હોય છે. તેની કક્ષાનો બીજો કોઈ આત્મા હોતો નથી. ગૌરદાસી એ એક એવો મહાન આત્મા છે.”

ગૌરીમાઈ શ્રીમા પાસે ઘણો સમય રહ્યાં હતાં. દક્ષિણેશ્વ૨માં તેમના દિવસો અપૂર્વ આનંદમાં પસાર થતા હતા. પરંતુ જ્યારે શ્રીમાને જયરામવાટી જવાનું થાય ત્યારે તેઓ પણ કલકત્તા ચાલ્યા જતાં. પરંતુ કલકત્તા પહોંચીને દક્ષિણેશ્વર જવાની પ્રબળ ઈચ્છા જાગી ઊઠતી. એક દિવસ બપોરે કલકત્તામાં તેમને જમતા જમતાં શ્રીરામકૃષ્ણનું સ્મરણ થયું. શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવાની એવી તીવ્ર ઈચ્છા જાગી કે તેમનાથી રહી જ ન શકાયું. ન હાથ ધોયા, ન મોઢું ધોયું, ન પાણી પીધું. અને એમ જ જમતાં જમતાં જ બસ ચાલી નીકળ્યાં. દક્ષિણેશ્વર પહોંચીને શ્રીરામકૃષ્ણના ચરણોમાં જ્યારે તેમણે પ્રણામ કર્યા, ત્યારે તેમને શાતા વળી. પણ એ સાથે જ એમને એ ભાન આવ્યું કે આ શું? પોતાના હાથ ને મોઢું બંને તો એંઠા છે! આ ભાન થતાં જ તેઓ શરમાઈને હાથ મોઢું ધોવા ચાલ્યાં ગયાં! જાણે કૃષ્ણની બંસરીનો સૂર કાને પડતાં જ સઘળું ભાનભૂલીને ચાલી નીકળેલી ગોપી!

કશાયની પરવા કર્યા વગર, ભગવાન પ્રત્યે સીધી “દોટ મૂકના૨ને માટે ભગવાન સ્વયં પણ સામેથી મળવા આવે છે! ગૌરીમાઈના જીવનમાં એવું જ બન્યું. એમની ચેતનાની આંતરિક સ્થિતિ સજ્જ થઈ જતાં ભગવાને સામેથી તેમને શ્રીરામકૃષ્ણની છત્રછાયામાં મૂકી દીધાં અને કહ્યું ‘હું અહીં છું.’ ગૌરીમાઈને, બીજી કોઈ પણ સ્ત્રીને જે સદ્ભાગ્ય નથી પ્રાપ્ત થયું, તે શ્રીરામકૃષ્ણની સેવા કરવાનું સદ્ભાગ્ય પણ પ્રાપ્ત થયું. તેઓ શ્રીમાને શ્રીરામકૃષ્ણના સેવા કાર્યમાં સહાય કરતાં. શ્રીરામકૃષ્ણના વિવિધભાવોમાં તેઓ શ્રીરામકૃષ્ણના સમીપ રહેતાં અને તેમનું ધ્યાન રાખતાં. તેઓ પોતે જાતે શ્રીરામકૃષ્ણને ભાવતી વાનગીઓ બનાવતાં અને તેમને પ્રેમથી જમાડતાં, એમ શ્રીરામકૃષ્ણના ભત્રીજા રામલાલબાબુએ જણાવ્યું છે. તેમના કંઠે ગવાતાં ભાવભક્તિભર્યાં ભજનો સાંભળીને શ્રીરામકૃષ્ણ સમાધિમગ્ન બની જતા. શ્રીરામકૃષ્ણને ગૌરીમા વિષે ઘણો ઊંચો અભિપ્રાય હતો. તેઓ કહેતા હતા કે ગૌરી પૂર્ણાત્મા છે, વૃંદાવનની ગોપી છે. ગૌરીમાના ઈષ્ટદેવતા દામોદ૨શીલાનું પણ શ્રીરામકૃષ્ણ બહુમાન કરતા અને ક્યારેક તેને પોતાના વક્ષઃસ્થળ પર પણ મૂકતા. અને ગૌરીમાને ખબર પણ ન પડે તે રીતે તેમના અંતરની ઈચ્છાઓ પૂરી કરતા.

એક વખત ગૌરીમાને ચૈતન્ય મહાપ્રભુનો મહાભાવ કેવો હશે, તે પ્રત્યક્ષ જાણવાની ઈચ્છા થઈ. અંતર્યામી ઠાકુર એમની આ અવ્યક્ત ઈચ્છાને પણ જાણી ગયા. એક દિવસ શ્રીરામકૃષ્ણના શરીર દ્વારા પ્રભુ માટેનો એવો જ તીવ્રતમ તલસાટ, વિરહની વ્યાકુળતા અને ઉત્કટ પ્રેમલક્ષણા ભક્તિ પ્રગટ થવાં લાગ્યાં. વિવિધ ભાવસમાધિના જાણકા૨ ગૌરીમા જાણી ગયાં કે આ જ તો છે ચૈતન્યનો મહાભાવ! આ મહાભાવના એક વાર તેમણે પ્રત્યક્ષ દર્શન કરી લીધાં અને જોયું કે તેથી શ્રીરામકૃષ્ણના શરી૨ને કષ્ટ પડે છે, એટલે પછી તેમણે ફરી આ ઈચ્છાને કયારેય જાગવા દીધી નહીં. પણ પછી તો એમને પોતાને પણ એક વાર આ મહાભાવનો અનુભવ થયો હતો.

તે દિવસે શ્રીરામકૃષ્ણ ભક્તજનોની સાથે પોતાના ઓરડામાં બેઠા હતા. બપોરનો સમય હતો. ગૌરીમા હાથમાં થાળી લઈને શ્રીરામકૃષ્ણને ભોજન કરાવવા આવ્યાં. તેમણે શ્રીરામકૃષ્ણ પાસે એ થાળી મૂકી અને પછી તેમને કંઈ જોઈતું હોય તો આપવા માટે ત્યાં રાહ જોતાં તેઓ ઊભા રહ્યાં. પણ થોડી વારમાં તો તેઓ એકાએક ભાવ દશામાં સરી પડ્યાં. તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. શ્રીરામકૃષ્ણે હજુ તો એક જ કોળિયો મોઢામાં મૂક્યો હતો. પણ તેઓ ય થાળીને એમને એમ રહેવા દઈને ઊભા થઈ ગયા અને ભાવમાં મગ્ન બની ગયા. પછી તો ઓરડામાં રહેલા સર્વભક્તજનો પણ ભાવના દિવ્ય આવેગની અનુભૂતિ કરી રહ્યા. કોઈ રુદન કરવા લાગ્યું. તો કોઈ હસવા લાગ્યું. કોઈ નાચવા લાગ્યું તો કોઈ ગાવા લાગ્યું. આમ સર્વત્ર આનંદનો ભાવ વ્યાપી રહ્યો. આ બધું એકાએક જ બન્યું. જાણે દિવ્યભાવનું મોજું અચાનક ઊતરી આવ્યું! કોઈ આ માટે તૈયાર ન હતાં. થોડા સમય બાદ આ આવેગ શમી ગયો અને પછી શ્રીરામકૃષ્ણના સ્પર્શથી બધા સામાન્ય ચેતનામાં આવી ગયા.

ગૌરીમાની પ્રબળ આંતરિક શક્તિ અને દૃઢ સંકલ્પબળને શ્રીરામકૃષ્ણ જાણતા હતા અને એટલે જ તેઓ તેમના દ્વારા સ્ત્રીઓની જાગૃતિનું કાર્ય કરાવવા ઈચ્છતા હતા. પણ એ સમયે ગૌરીમા પોતાની સાધના અને તપશ્ચર્યા છોડીને બીજું કંઈ કરવા તૈયાર જ નહોતાં.

છતાં શ્રીરામકૃષ્ણે જે રીતે પોતાના શિષ્યોને ખબર પણ ન પડે તે રીતે ભાવિ કાર્ય માટે તૈયાર કર્યા હતા. એમની એ અનોખી તાલીમ પદ્ધતિનો પ્રથમ પ્રયોગ એમણે શ્રીમા શારદામણિ પર અને ગૌરીમા આ બે સ્ત્રીઓ ૫૨ જ કર્યો. ફક્ત શ્રીરામકૃષ્ણ જાણતા હતા કે તેઓ સ્ત્રીઓના ઉદ્ધાર માટે તેમને તૈયાર કરી રહ્યા છે. પણ તૈયાર થનારને એની બિલકુલ ખબર ન હતી. એ જ શ્રીરામકૃષ્ણની વિશિષ્ટતા હતી ને!

કેદારનાથ બાબુના અંગ્રેજ મિત્ર વિલિયમ બલરામ બોઝના ઘરે આવ્યા હતા. ત્યાં તેમણે શ્રીરામકૃષ્ણના દર્શન કર્યાં. ત્યારે શ્રીરામકૃષ્ણે તેમને ગૌરીમાનો પરિચય કરાવ્યો. વિલિયમ સાહેબ ગૌરીમાને એકીટશે જોઈ રહ્યા અને પછી તેમના ચરણોમાં નમસ્કાર કરતા બોલી ઊઠ્યા કે ‘મધર મેંરી’. પછી તેમણે ગૌરીમા પાસે પોતાને ભક્તિ લાભ મળે તે માટે આશીર્વાદ માગ્યા. ગૌરીમાના આશીર્વાદ અને પ્રસાદ મળતાં જાણે મધર મૅરીનો સાક્ષાત્કાર થયો હોય તેટલા આનંદિત બનીને તેઓ પાછા ફર્યા. આમ શ્રીરામકૃષ્ણ પોતાની હાજરીમાં જ, ગૌરીમા વિવિધ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓના સંપર્કમાં આવે અને સર્વથી પરિચિત થાય તો તેમને ભવિષ્યમાં જે કાર્ય કરવાનું છે, તેમાં ખૂબ સરળતા રહેશે એમ માનીને પોતે જાતે જ એમને આ સઘળા પ્રકારની તાલીમ આપી રહ્યા હતા.

એક દિવસ શ્રીરામકૃષ્ણે ગૌરીમાને કહ્યું: “યદુ મલ્લિકના ઘરની સ્ત્રીઓ તમને મળવા માગે છે. એક દિવસ તમે ત્યાં જરૂર જજો”. “ના બાબા, હું યદુ મલ્લિકની સ્ત્રીઓ પાસે નહીં જાઉં. તમે બધા લોકોની સમક્ષ મારી આટલી બધી પ્રશંસા કેમ કરો છો? હું તો કંઈ જ નથી અને એ સ્ત્રીઓ મોટા ઘરની. તેમની આગળ જઈને હું શું કરું? એમણે શ્રીરામકૃષ્ણને ચોખ્ખી ના પાડી દીધી. પણ એમ શ્રીરામકૃષ્ણ એમને છોડે તેમ ક્યાં હતા? એક દિવસ તેઓ પોતે જ યદુ મલ્લિકના ઘરે ગયા અને ત્યારે ગૌરીમાને પણ પોતાની સાથે લઈ ગયા. તેઓ તો ઘરની સ્ત્રીઓની વચ્ચે જઈને બેઠા. અને તેમની સાથે નાના બાળકની જેમ સરળતાથી વાતો કરવા લાગ્યા. એ જોઈને ગૌરીમાનો પણ આ બધી સ્ત્રીઓ સાથે ભળવાનો ઈન્કાર ઓગળી ગયો અને એ જ તો શ્રીરામકૃષ્ણને કરવું હતું પછી શ્રીરામકૃષ્ણે એક ભજન ગાયું ને ગાતાં ગાતાં તેઓ સમાધિસ્થ બની ગયા. તેમને બાહ્યચેતનામાં પાછા લાવવા માટે ગૌરીમાએ બીજું એક ભક્તિગીત ગાયું અને તેમને જાગૃત કર્યા. આમ યદુમલ્લિકના ઘરની સ્ત્રીઓ સાથે ગૌરીમાનો પરિચય થઈ ગયો. પછી બીજે જ દિવસે શ્રીરામકૃષ્ણે એમને ફરી પાછાં ત્યાં મોકલ્યા અને આ વખતે ગૌરીમાએ કશો વિરોધ ન કર્યો. તેઓ એકલાં જ ત્યાં ગયાં અને ત્યાંની સ્ત્રીઓને ભગવાનનાં જુદાંજુદાં સ્વરૂપો ને અવતાર વિષે સમજાવ્યું. આ હતો એમના ભાવિ કાર્યનો શ્રીરામકૃષ્ણે પોતે જ કરાવી આપેલો પ્રારંભ. પણ ત્યારે હજુ ગૌરીમા આ કાર્ય માટે તૈયાર ન હતાં. વળી ઈશ્વરપ્રાપ્તિ માટેનાં સાધન ભજન છોડીને શિવજ્ઞાનથી જીવસેવા ને માતૃસેવા ને નારીશક્તિના ઉદ્ધારથી ભગવત્-પ્રાપ્તિનો માર્ગ સ્વીકારવા હજુ તેઓ તૈયાર નહોતાં પણ શ્રીરામકૃષ્ણ એમને હવે એ સાધના માર્ગે જવા તૈયાર કરી રહ્યા હતા.

એક દિવસની વાત છે. ગૌરીમા સવારે બકુલ વૃક્ષની ડાળી પકડીને તેના પર જલ છાંટી રહ્યાં હતાં ત્યારે ત્યાં શ્રીરામકૃષ્ણ આવી પહોંચ્યા. તેમણે ગૌરીમાને કહ્યુઃ “હું પાણી રેડું છું. તમે ગારો બનાવો.” ઠાકુર આ શું કહી રહ્યા છે? ગૌરીમા આશ્ચર્યથી શ્રીરામકૃષ્ણને જોઈ રહ્યાં. પણ તેઓ શ્રીરામકૃષ્ણના કથનનો ભાવાર્થ સમજ્યાં નહીં એટલે તેમણે કહ્યું: “બાબા, અહીં માટી ક્યાં છે તે હું ગારો બનાવું? અહીં તો બધે સૂકા કાંકરા જ છે!” આ સાંભળીને શ્રીરામકૃષ્ણ હસી પડ્યા ને તેઓ બોલ્યાં, “મેં તમને શું કહ્યું ને તમે શું સમજ્યાં?” હું કહું છું કે “આ દેશની માતાઓને બહુ જ દુઃખ છે. તમારે એની અંદર કામ કરવું પડશે.” ગૌરીમા તો ઝંખી રહ્યાં હતાં, તપ અને સાધનાને, ભક્તિ અને એકાંતને અને શ્રીરામકૃષ્ણ તો એમને આ કંઈક જુદું જ કહી રહ્યા હતા. આ બધાંની વાત તો કરતા જ ન હતા ને સ્ત્રીઓના ઉદ્ધારની વાત કરી રહ્યા હતા. ગૌરીમા એ માટે જરા પણ તૈયાર ન હતાં, એટલે એમણે કહ્યું, “ઠાકુર, ગૃહસ્થ મનુષ્યોની સાથે મારો મેળ નહીં બેસે, ઘોંઘાટ અને કોલાહલ મને ગમતો નથી. જો તમે મને થોડી સ્ત્રીઓ આપો તો હું તેમને હિમાલયમાં લઈ જઈશ અને તેમને મનુષ્ય બનાવી દઈશ. પણ સાંસારિક લોકોની વચ્ચે રહીને હું કામ નહીં કરું.” શ્રીરામકૃષ્ણ તો લોકોને પ્રભુ તરફ વાળવા માટે, એમના મનના સંતાપોને નિવારીને તેમને સાચા સુખ ને શાંતિ આપવા આવ્યા હતા. જગતના લોકોનાં દુઃખમય જીવનને મુક્ત કરવા માટે તેમને યોગ્ય પાત્રોની જરૂર હતી. પણ તેમના શિષ્યો જ પ્રારંભમાં સાંસારિક લોકોની વચ્ચે જઈને કાર્ય કરવા અનિચ્છા દર્શાવતા હતા. ગૌરીમાની જેમ જ શ્રી મા શારદામણિએ પણ શ્રીરામકૃષ્ણને આમ જ કહ્યું હતું. જ્યારે શ્રીરામકૃષ્ણે શ્રીમા શારદામણિને કહ્યું: “કલકત્તાના લોકો કીડાઓની જેમ દુઃખમાં સબડી રહ્યા છે. તેના ઉદ્ધાર માટે તમારે કામ કરવાનું છે.” ત્યારે શ્રીમાએ તેમને ના પાડતાં કહેલું કે, “હું તો સ્ત્રી છું, હું તો શું કરી શકું?” શ્રીમાતાજીની આવી અનિચ્છાની અવગણના કરીને કરુણામય શ્રીરામકૃષ્ણે શ્રી શારદામણિને પોતાના ભાવિકાર્યની જવાબદારી સોંપતાં કહ્યું, “આ શરીરે (પોતે) જે કર્યું છે, એના કરતાં તમારે ઘણું વધારે કરવું પડશે.” એ જ રીતે પોતાના પ્રિય શિષ્ય નરેન્દ્રને પણ જ્યારે તેમણે લોકોના ઉદ્ધારના કાર્યની વાત કરી ત્યારે નરેન્દ્રે પણ એમ જ કહ્યું હતું કે, “એ કામ હું નહીં કરું.” ત્યારે શ્રીરામકૃષ્ણે એને ઠપકાના સૂરે કહ્યું “અરે, તું નહીં શું કરે? તારાં હાડકાં ય કરશે!” આમ જગદુદ્ધારના કાર્ય માટે, પોતાના ઐહિક જીવનની સમાપ્તિ પહેલાં શ્રીરામકૃષ્ણ પોતાનાં આત્મીય જનોને તૈયાર કરી રહ્યા હતા. ગૌરીમા એમાંના એક હતાં. આથી એમણે ગૌરીમાને પણ એમ જ કહ્યું: “ના રે, હિમાલયમાં જઈને બેસવાની કંઈ જરૂર નથી. આ શહેરમાં બેસીને જ તમારે કામ કરવું પડશે. સાધન-ભજન તમે બહુ કરી લીધાં. હવે જીવનને તમે માતાઓની સેવામાં લગાવો. તેમને ઘણી મુશ્કેલી છે.” તે સમયની સ્ત્રીઓની મુશ્કેલીઓ અને વિટંબણાઓ પ્રત્યે શ્રીરામકૃષ્ણ કેટલા જાગૃત હતા, તેનો આ પરથી ખ્યાલ આવે છે. સ્ત્રીઓ પ્રત્યે એમના હૃદયમાં કેટલી અનુકંપા ભરી હતી, તેનો નિર્દેશ આ દ્વારા થાય છે. પણ તે સમયે ગૌરીમા હજુ સાધના ને તપ ના પરંપરાગત ખ્યાલોમાં મગ્ન હતા. એટલે ત્યારે તો તેમણે શ્રીરામકૃષ્ણની આ વાતનો સ્વીકાર કર્યો નહીં અને પોતાના સાધન-ભજનમાં જ મગ્ન બની રહ્યાં.

(ક્રમશઃ)

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.