સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામીજી સાથે હું દાર્જિલીંગમાં હતો. એક દિવસ જોયું તો તેઓ આખો દિવસ ગંભીર રહ્યા, કંઈ વાતચીત કે રમતગમત પણ નહીં. ડોકટરને બોલાવ્યા, રોગનું કોઈ નિદાન ન થઈ શક્યું. ઓશીકા પર માથું રાખીને બેઠા રહ્યા. ત્યાર પછી સાંભળવા મળ્યું કે કોલકાતામાં પ્લેગને કારણે ૧/૩ લોકો શહેર છોડીને બહાર જઈ રહ્યા છે. એ સમયે સ્વામીજીએ કહ્યું, ‘બધું વેચી મારીને એમની સેવા કરવી પડશે. આપણે તો ઝાડની નીચે રહેનારા ફકીર. ત્યાં જ રહીશું.’

સ્વામીજીનો કેવો સમસંવેદક આત્મા ! એમની સંવેદનાઓ એક ટકો પણ અમારામાં નથી. અમે તો એમના ગુરુબંધુ છીએ, બીજાની તો શી વાત કરવી ? દેશના લોકોનાં દુ :ખકષ્ટની વાત કરતાં કરતાં સ્વામીજીની અવસ્થા કેવી થઈ જતી ? અમે એ વખતે એમને પૂછતા, ‘ભાઈ, શા માટે દેશ જાગતો નથી ?’ ત્યારે તેના ઉત્તરમાં તેઓ કહેતા, ‘ભાઈ, આ તો પતિત લોકો, એમનામાં જાગૃતિનું કોઈ લક્ષણ નથી !’ સ્વામીજીની કોઈ તુલના નથી.

સ્વામીજી જ્યારે જે ભાવને મહત્ત્વ આપતા ત્યારે મનમાં થતું કે એ જ એકમાત્ર સત્ય. મઠમાં લગભગ આવું જ હતું. એટલે જ કોઈ ઓચિંતાનું આવીને એમના વિરાટ હૃદયને સમજી શકતું નહીં. જે દિવસે સેવાધર્મની વાત નીકળી ત્યારે એમણે એવી વાત કરી કે અમારા મનમાં થયું કે સાધક માટે નિષ્કામ કર્મ એ જ એક માત્ર પથ છે અને બાકી બીજું બધું મિથ્યા કે ભૂલ. અને જે દિવસે ધ્યાનધારણાની ચર્ચા કરતા ત્યારે એવું લાગતું કે જ્ઞાનનો પથ કે ધ્યાનનો પથ એ જ સાચો પથ, બાકી બધું વ્યર્થ. એ વખતે સ્વામીજીને જોઈને એવું લાગતું કે તેઓ જાણે કે સાક્ષાત્ શંકરાચાર્ય કે બુદ્ધદેવ. જે દિવસે રાધારાણી કે ગોપીભાવ એટલે કે પ્રેમભક્તિની વાત કરતા તે દિવસે સ્વામીજી સંપૂર્ણપણે એક અલગ જ મનુષ્ય ! તેઓ કહેતા, “Radha was not of flesh and blood, she was froth in the ocean of love – રાધારાણી માત્ર હાડમાંસ નથી પરંતુ તે પ્રેમના મહાસાગરનું એક બુંદ છે.’

આ વાત તેમણે ઘણી વખત કહી છે અને અમે સાંભળી છે. તેઓ મનમાં ને મનમાં ગણગણે છે અને વળી ક્યારેક ટહેલતા પણ રહે છે. પરંતુ જ જ્યારે કોઈ રાધાકૃષ્ણ કે ગોપીપ્રેમની વાત કરતું ત્યારે તેઓ તેને રોકી દેતા અને કહેતા, ‘શંકરાચાર્યને વાંચો, શિવભાવમાં રહો.’ ત્યાગ, જ્ઞાન, ધ્યાન, કર્મ પર જ તેઓ ભાર દેતા.

સ્વામીજીની સાથે હિમાલયની યાત્રા સમયે એક સ્થળે જંગલના રસ્તે ગયા. તેમણે મને કહ્યું, ‘તું એક રસ્તેથી જા, હું બીજે રસ્તેથી જાઉં છું.’ થોડે દૂર ગયા પછી સ્વામીજીને મળ્યો, ત્યારે સ્વામીજી તો એકલા હતા, પરંતુ હસતા હતા. જાણે કે કોઈકની સાથે વાતચીત કરી રહ્યા હોય એમ આંખોમાં અને મુખ પર આનંદનો ભાવ હતો. સ્વામીજીને પૂછ્યું, ‘ભાઈ, તમે કોની સાથે વાતચીત કરતા હતા ?’ સ્વામીજીએ મોં પર આંગળી રાખી અને ચૂપ રહીને હસવા લાગ્યા.

સ્વામીજી અને મેં પહાડ પર જતાં જતાં જોયું કે એક સાધુ ધ્યાનમાં બેઠા છે. તે સાધુ માથે ઘણાં કપડાં વીંટીને બેઠા હતા અને જોરથી એનાં નસકોરાં બોલતાં હતાં. સ્વામીજીએ મોટે અવાજે કહ્યું, ‘અરે, બેટો બેઠો બેઠો ઊંઘે છે ! આ બેટાના કાંધે ધોંસરું મૂક ! ત્યારે કોઈક કાળે એનું કંઈક થશે.’

આ બધું જોઈને સ્વામીજી કહેતા, ‘સત્ત્વગુણનું બહાનું કરીને દેશ અંધકારના સાગરમાં ડૂબી રહ્યો છે. એને બચાવવો હોય તો એના અંગે અંગમાં રજોગુણનો વિદ્યુત્સંચાર કરવો જોઈએ.’ એટલે જ તેમણે કર્મ પર આટલો બધો ભાર દીધો છે.

પરોપકારમાં વળી ઉપકાર શું ? આપણા પોતા પર કરેલો ઉપકાર. આ છે સ્વામીજીનો કર્મયોગ, સેવાધર્મ. સેવાથી ચિત્તશુદ્ધિ થાય છે, સેવાથી હૃદય વિશાળ બને છે, સેવાથી બધાં પ્રાણીઓમાં આત્મદર્શન થાય છે અને આત્મજ્ઞાન થાય એટલે વિશ્વપ્રેમ થાય છે. આ બધું થાય ત્યારે એમ સમજાય કે આપણને આત્માનુભૂતિ થઈ છે. બ્રહ્મથી માંડીને કીટપરમાણુ પર્યન્ત એ જ પ્રેમમય.

બહુરૂપે તારી સમક્ષ જ છે જે ઈશ્વર,

કયાં શોધો છો એને અહીં તહીં;

જે લોકો ચાહે બધા જીવને,

એ લોકો જ ઈશ્વરને સેવે.

જીવસેવા એ જ શિવસેવા, જીવ બીજું છે શું ? બધા જ શિવ છે. આ યુગમાં શ્રીઠાકુર અને સ્વામીજી પ્રત્યક્ષ દેવતા. શ્રીઠાકુર સાક્ષાત્ ભગવાન છે એમાં એક તલમાત્ર શંકા નથી. સ્વામીજીને મળવું સહજ, તેઓ દર્શન આપવા સર્વદા વ્યાકુળ. પણ શ્રીઠાકુર એટલા સહજ નહીં. આ યુગના લોકો સ્વામીજીના માધ્યમથી શ્રીઠાકુરને ઓળખશે, સમજશે. એટલે જ લોકો સ્વામીજીના ભાવને આગળ રાખે છે. આ બધાં સેવાકાર્ય – Relief, દેશપ્રેમના માધ્યમથી માનસિક રીતે તેઓ સેવા માટે તૈયાર થશે. એનાથી ચિત્તશુદ્ધિ થશે. ત્યાર પછી Spiritual – આધ્યાત્મિકતાનો વારો. આમ જીવસેવાનો આરંભ થાય. પ્રેમ તો હજી ઘણી દૂરની વાત.

Hand, Head and Heart – હૈયું, મસ્તક અને હાથ, ત્રણેયની ચર્ચા કરવી પડશે. સ્વામીજીના હૃદયમાં આ ત્રણેય અત્યંત ફર્ટાઈલ-નિપજાઉ હતાં. આપણે તો પહેલા પ્રયત્નથી આરંભ કરવો જોઈએ. સ્વામીજીની જેમ આપણે આધ્યાત્મિક ન બની શકીએ. એમના જેવાં Head and Heart – હૃદય અને બુદ્ધિ ન પણ થઈ શકે. પરંતુ હાથથી થતાં કાર્યોના માધ્યમથી આપણે એમનું અનુસરણ કરી શકીએ. મઠમાં સ્વામીજી મોટી મોટી કડાઈ માંજતા હતા. એ કડાઈ પર એક ઈંચ જેટલો મેલ જામી જતો. આપણે શું એક વાટકોય સાફ ન કરી શકીએ ? તેઓ મઠમાં સંડાસ પણ સાફ કરતા. એક દિવસ જોયું તો ઘણી દુર્ગંધ આવતી હતી. સ્વામીજીને બધી વાત સમજાઈ ગઈ. મોઢે પંચિયું બાંધીને બન્ને હાથમાં પાણીની ડોલ લઈને સ્વામીજીને જતા બીજા બધાએ જોઈ લીધા અને બોલી ઊઠ્યા, ‘શું સ્વામીજી, આપ પોતે જ ?’ સ્વામીજીએ હસતાં હસતાં કહ્યું, ‘આટલા સમયે હવે ‘‘સ્વામીજી આપ’’ એમ કહો છો?’

(ક્રમશ 🙂

Total Views: 434

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.