ઈ.સ. ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે અમેરિકાથી ખેતડીના મહારાજાને લખેલા એક પત્રમાં લખ્યું હતું : ‘ગયે વર્ષે હું આ દેશમાં આવ્યો. પૈસા, ઓળખાણ અને મિત્ર વગરનો, નિરાધાર. એ પળે અમેરિકન મહિલાઓ મારી મિત્ર બની, મને આશ્રય અને ભોજન આપ્યાં, પોતાને ઘેર લઈ જઈ મને પુત્રવત્, બંધુવત્ સાચવ્યો. જ્યારે ધર્મગુરુઓ અને તેમના ખાસ મિત્રોએ ‘આ અજાણ્યો પરદેશી જેનું ચારિત્ર્ય સારું ન પણ હોય’ એમ કહીને મારી સામે સખત વાંધો લીધો ત્યારે પણ એ બહેનોએ મારી મિત્રતા ન છોડી. અમેરિકન નારીઓ! તમારું ઋણ ચૂકવવા કદાચ સો સો વર્ષ પણ ઓછાં પડે! તમારો ઉપકાર દર્શાવવા મારી પાસે પૂરતા શબ્દો પણ નથી.’ આમ અમેરિકન નારીઓની સ્વામી વિવેકાનંદે મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેઓએ તેમને ‘વિશ્વમાં અગ્રગણ્ય’, ‘દેવીઓ’, ‘પવિત્ર’, ‘સ્વાધીન’, ‘આત્મનિર્ભર’ અને ‘દયાળુ’ કહેલ.
સ્વામીજીના અમેરિકન મિત્રશિષ્યા કુમારી જોસેફાઈન મેક્લાઉડ આ બધા ગુણોનું મૂર્ત રૂપ હતાં. શક્તિમાન, ત્વરિત નિર્ણયશક્તિવાળાં અને વ્યવહારુ દૃષ્ટિવાળાં જોસેફાઈનનું વ્યક્તિત્વ અસાધારણ હતું. જોસેફાઈન સ્વામી વિવેકાનંદને સૌ પ્રથમ મળ્યાં ત્યારે તેઓ ૩૭ વર્ષનાં હતાં. આમ દેખીતી રીતે તેઓ બહુ સુંદર ન લાગતાં પણ તેમની રીતભાત અને વર્તણૂક એટલાં આકર્ષક હતાં કે જ્યારે તેઓ રસ્તા ઉપર ચાલતાં નીકળે ત્યારે તેમને એક વખત જોવા લોકોની નજર ખેંચાય. સ્વામીજી તેમને ‘પેરિસનાં વસ્ત્રોથી આભૂષિત મહિલા’ કહેતા. તેમની ચાલમાંથી જાણે આત્મવિશ્વાસ, ગૌરવ અને બાદશાહી પ્રભાવ પ્રસ્ફૂટિત થતાં. તેમની ભત્રીજી કેથેરીન વ્હીટમર્શ યાદ કરતાં કહે છે કે, ‘જોસેફાઈન મસ્તક હંમેશા ઊંચું રાખતાં અને તેમનો ચહેરો આનંદિત અને આલોકિત રહેતો. સ્ફૂર્તિલાં, આનંદ અને ઉત્સાહથી છલકતાં જોસેફાઈનને જિંદગીમાં દરેક પ્રકારના લોકોમાં ભરપૂર રસ હતો.
તેઓ કહેતાં, ‘ચાહવું, કામ કરવું, સેવા કરવી, વાતો કરવી આ બધા સારી જાતને વ્યક્ત કરવાના સહજ રસ્તાઓ છે.’ તેઓ જ્યાં જ્યાં જતાં, ત્યાં ત્યાં લોકો સાથે તરત જ સંવાદ સાધી શકતાં, ખૂબ સહજતાથી ઊંડી અને કાયમી મિત્રતા બાંધી શકતાં. તેઓ હંમેશા બધા લોકોમાં કંઈને કંઈક સારું જોવાનો પ્રયત્ન કરતાં અને કહેતાં, ‘હું લોકોના દોષો વિશે સાંભળવા માગતી નથી. મારે તો તેમની સુંદર, શક્તિશાળી બાજુને જોવી છે. સ્વામીજી વ્યક્તિમાં રહેલા ઉત્તમ ગુણોને હંમેશા બહાર લાવતા.’ ખૂબ બુદ્ધિશાળી એવા જો (તેમને બધા ખાસ કરીને સ્વામીજી ‘જો’ કહીને બોલાવતા)ને તેમની સ્વતંત્રતા ખૂબ વહાલી હતી. એથી જ જ્યાં આજે પણ લગ્ન કર્યા વગરની સ્ત્રી એ ખૂબ અસામાન્ય બાબત છે તે ૧૯મી સદીના અંતના અમેરિકામાં તેમણે અપરિણીત રહેવાનું ઉચિત માનેલું. જીવન પ્રત્યેની ચાહનાની સાથે સાથે જોસેફાઈનમાં સત્યને પામવાની તીવ્ર ઝંખના હતી. સ્વામીજીને મળ્યા પહેલાં તેમની પાસે મોહિની મોહન ચેટર્જીએ લખેલ ‘ભગવદ્ગીતા’નું પુસ્તક આવ્યું. એટલા રસથી અને વારંવાર તેમણે એ પુસ્તક વાંચ્યું કે તેમને એ મોઢે થઈ ગયું. પાછળના વર્ષોમાં તેઓ કહેતા કે ‘ગીતા’ના અભ્યાસને લીધે જ સ્વામી વિવેકાનંદની મહાનતાને તેઓ સમજી શક્યાં હતાં.
૨૯મી જાન્યુઆરી ૧૮૯૫માં જોસેફાઈન સ્વામી વિવેકાનંદને પહેલી વખત મળ્યાં. (પાછળથી આ દિવસને તેઓ તેમના જન્મદિવસ તરીકે ઉજવતાં, અને જન્મનાં વર્ષો પણ આ દિવસથી શરૂ કરીને ગણતાં) તેમનાં સંસ્મરણોમાં તેમણે લખ્યું છે, ‘મારી બહેનની સાથે હું સ્વામી વિવેકાનંદને ન્યૂયોર્કમાં સાંભળવા ગઈ હતી. તેમણે કંઈક કહ્યું એ શબ્દો મને યાદ નથી પણ તરતજ મને લાગ્યું કે એ સત્ય હતું, તેમણે બોલેલું બીજું વાક્ય સત્ય હતું, અને ત્રીજું પણ સત્ય હતું. અને હું તેમને સાત વર્ષો સુધી સાંભળતી રહી. તેઓ જે જે બોલ્યા તે મારે માટે સત્ય હતું. એ ક્ષણથી મારું જીવન બદલાઈ ગયું. એવું લાગ્યું કે જાણે તેમણે ભાન કરાવ્યું કે, ‘તમે શાશ્વત છો.’
સ્વામીજીની આધ્યાત્મિક પ્રતિભા અને પ્રચંડ શક્તિએ જોસેફાઈનના હૃદયમાં ઊંડી અસર કરી. એકદમ તેમને લાગ્યું કે સ્વામીજી જેવી કોઈ વ્યક્તિ ભવિષ્યમાં તેમને નહીં મળે. પ્રવચન સાંભળીને ઘેર જતી વખતે બંને બહેનો ચૂપચાપ ચાલતાં હતાં. તેમણે જે કંઈ અનુભવ્યું હતું તેને વ્યક્ત કરવા માટે કદાચ મૌન જ સૌથી અસરકારક રસ્તો હતો.
ધીમે ધીમે આ બંને બહેનો સાથે સ્વામીજીનો પરિચય વધતો ગયો અને તેઓ નિયમિતપણે સ્વામીજીનાં પ્રવચનો સાંભળવા જવા લાગ્યાં. સમય જતાંની સાથે જોસેફાઈને સ્વામીજીને તેમના કુટુંબના એક સભ્ય જ બનાવી દીધા. જોસેફાઈનના બનેવી ફ્રાંન્સિસ લેગેટના વિશાળ ‘કન્ટ્રી હાઉસ’ રિજલી મેનોર અને તેમના ‘ફીશીંગ કેમ્પ’ કેમ્પ પર્સીમાં સ્વામીજી તેમના મહેમાન બન્યા. કેમ્પ પર્સીમાં જ સ્વામીજીને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થયો હતો અને જોસેફાઈન આ અદ્ભુત બનાવના સાક્ષી બન્યાં હતાં. સ્વામીજીની અમેરિકાની બંને મુલાકાતો વખતે તેમની અમેરિકાના વિવિધ ભાગોમાં તેમજ લંડન, પેરિસ, ઈજીપ્ત અને પૂર્વ યુરોપની મુલાકાતો વખતે જોસેફાઈન તેમની સાથે જ હતાં. એપ્રિલ ૧૮૯૬માં સ્વામીજીએ અમેરિકા છોડ્યું. આ પછી જોસેફાઈન, શ્રીમતી બુલ (સ્વામીજીના બીજા અમેરિકન શિષ્યા) તેમજ સ્વામી શારદાનંદજી ફેબ્રુઆરી, ૧૮૯૮માં કલકત્તા પહોંચ્યા. એ વખતે બેલુર મઠની જમીન તાજેતરમાં ખરીદાયેલ હતી અને ગંગા કિનારે એક જૂનું ખખડધજ મકાન હતું. જોસેફાઈન અને શ્રીમતી બુલે આ મકાનનું સમારકામ કર્યું અને ત્યાં રહેવા લાગ્યાં. બોસ્ટન અને ન્યૂયોર્કની આરામદાયક સુખસગવડમાં રહેવા ટેવાયેલાં આ બંને બહેનો ઝડપથી સાદાઈથી રહેવા ટેવાઈ ગયા. તેથી સ્વામીજી તેમની ખૂબ પ્રશંસા કરતા. દરરોજ સ્વામીજી તેમની સાથે સવારની ચા પીતા અને કલાકો સુધી ભારત વિશે, તેના લાંબા ભૂતકાળ વિશે, તેના વૈવિધ્ય ભરેલા રીતરિવાજો અને સાંસ્કૃતિક પ્રણાલિઓ વિશે રસપ્રદ વાતો કરતા.
આ પછી જોસેફાઈન સ્વામી વિવેકાનંદ, સ્વામી તુરીયાનંદ, સ્વામી સદાનંદ, સ્વામી સ્વરૂપાનંદ, શ્રીમતી બુલ, શ્રીમતી પેટરસન અને ભગિની નિવેદિતાની સાથે અલમોડા ગયાં. ત્યાંથી સ્વામીજી, શ્રીમતી બુલ અને નિવેદિતાની સાથે તેઓ કાશ્મીર ગયા અને ત્યાં ચાર મહિના રોકાયા. કાશ્મીરથી તેઓ કલકત્તા પાછા આવ્યા ત્યારે બેલુર મઠના મંદિરમાં શ્રીઠાકુરની પ્રતિષ્ઠાવિધિ થઈ ગઈ હતી.
માર્ચ ૧૮૯૮માં જોસેફાઈને અમેરિકા પહોંચી સ્વામીજીને ફરીવાર અમેરિકા આવવા માટેનું આમંત્રણ આપ્યું. અને સ્વામીજીના તથા સ્વામી શારદાનંદજીના મુસાફરીના પૈસા પણ મોકલ્યા.
જોસેફાઈન અને બીજા અસંખ્ય પશ્ચિમી મિત્રોની લાગણીને માન આપી, સ્વામીજીએ સ્વામી તુરીયાનંદજી સાથે અમેરિકા જવા માટે જૂન ૧૮૯૯માં ભારત છોડ્યું, ઓગસ્ટ ૧૮૯૯ના રોજ સ્વામીજીનું જહાજ ન્યૂયોર્ક પહોંચ્યું કુ. મોડ સ્ટમ એ પ્રસંગને યાદ કરતાં કહે છે, ‘સ્વામીજીના હાથમાં એક મોટો શીશો હતો. આ કિંમતી શીશો સ્વામીજી જરાયે દૂર કરતા નહીં. તેમાં સોસ જેવું પ્રવાહી હતું. ભારતથી ખાસ ધ્યાન રાખીને જોસેફાઈન માટે લીધું હતું. એમ સ્વામીજીએ કહેલું.’
સપ્ટેમ્બરમાં ‘રિજલી મેનોર’માં સ્વામીજી અને જોસેફાઈન ફરીથી સાથે હતાં. આ વખતે ૧૦ અઠવાડિયાં માટે. આ ઉપરાંત સ્વામી તુરીયાનંદ, સ્વામી અભેદાનંદ, ભગિની નિવેદિતા, શ્રીમતી બુલ, શ્રી અને શ્રીમતી લેગેટ અને તેમનું કુટુંબ પણ સ્વામીજીનું સાંનિધ્ય માણવા સામેલ હતાં.
અહીંથી જ જોસેફાઈન તેમના માંદાભાઈની ખબર પૂછવા માટે પશ્ચિમી કિનારે – લોસ એન્જલ્સ ગયાં. ત્યાં શ્રીમતી બ્લોનેટ, જે સ્વામીજીના પ્રશંસક હતાં, તેમને ઘેર રહીને જ તેમણે સ્વામીજીના વર્ગોનું આયોજન કરી સ્વામીજીને બોલાવ્યા.
આમ, સ્વામીજી જ્યારે અમેરિકામાં હતા ત્યારે તેમની મુસાફરીનાં અને તેના રહેવાનો ખર્ચ જોસેફાઈન આપતાં, એટલું જ નહીં, સ્વામીજીને ભારતમાં મોકલવાના પૈસા પણ તેઓ જ આપતાં, સ્વામીજી સાથે ગાળેલા સાત વર્ષો દરમ્યાન જોસેફાઈન અસંખ્ય ઉદાત્ત ક્ષણો, તેમની દૈવી પ્રતિભા પ્રગટ કરતા પ્રસંગો, ગહન ઉદ્ગારો અને રમૂજી પ્રસંગોના સાથી હતાં. તેઓ કહેતાં કે સ્વામીજીના શબ્દદેહ રૂપી વારસામાંથી થોડાને પણ પચાવવું એ નાની સૂની વાત નથી! તેમને પૂરેપૂરી શ્રદ્ધા હતી કે વિવેકાનંદ દૈવી પયગંબર-અવતાર હતા. તેઓને સ્વામીજીના કૃષ્ણ અને બુદ્ધ સ્વરૂપે પણ દર્શન થયાં હતાં. તેમના પાછલાં વર્ષોમાં જ્યારે તેઓ બેલુર મઠમાં રહેતાં ત્યારે એક ભક્તે પૂછ્યું, ‘સ્વામીજીનું એક શબ્દમાં વર્ણન કરશો?’ જોસેફાઈને જવાબ આપ્યો, ‘એક શબ્દમાં એમ કહી શકાય કે જે કંઈ સારું છે તેનો સરવાળો એટલે સ્વામીજી.’ તેમણે ઉમેર્યું, ‘તમે જાણો છો? જેઓ સ્વામીજીને ચાહે છે, તેમને હું મારા સમગ્ર હૃદયથી ચાહું છું. એ માટે જ તો અહીં દરેક વર્ષે દોડી આવું છું.’ ખરેખર, જોસેફાઈન સ્વામીજી સાથે એટલાં બધાં તદ્રૂપ બની ગયાં હતાં કે તેઓ તેમના વ્યક્તિગત સંબંધો અથવા તો સ્વામીજીની ચુંબકીય પ્રતિભાની અસર-આ બધા વિશે ભાગ્યે જ વાત કરતાં. કારણ કે આવી વાતો તો તેમની જુદાઈને સૂચવે ને? એને બદલે તેઓ સ્વામીજીના શબ્દોને વધારે ભારપૂર્વક ઉત્સાહથી વારંવાર દોહરાવતાં. તેમની ભત્રીજી કેથેરીન ઘણી વખત કહેતાં, ‘તેઓ વિવેકાનંદના શિષ્યા નથી, વિવેકાનંદ જ છે!’
સ્વામી વિવેકાનંદને પણ જોસેફાઈન માટે ઊંડો આદર અને સ્નેહ હતો. પહેલી મુલાકાતથી જ સ્વામીજીએ જોસેફાઈનની પવિત્રતા અને મહાનતા જોઈ લીધી હતી. તેઓ કહેતા, ‘હું જોસેફાઈનને મળ્યો એ પહેલાં જ તેમનો પૂર્ણ વિકાસ થઈ ચૂક્યો હતો.’ અને સ્વામીજીને તરત જ જોસેફાઈનની નિષ્ઠા, પ્રમાણિકતા અને ભક્તિમાં શ્રદ્ધા બેસી ગઈ. જોસેફાઈનની શક્તિઓમાં પણ સ્વામીજીને ખૂબ વિશ્વાસ હતો. કારણ કે અમેરિકાના વગદાર માણસોની સાથે સ્વામીજીની ઓળખાણ કરાવવી, તેમનાં પ્રવચનો ગોઠવવા, તેમને મળવા આવતા મહેમાનોને સાચવવા આ બધું જ કામ જોસેફાઈન કરતાં. સ્વામીજી ઘણી વખત જોસેફાઈન પાસે મિત્રભાવે દિલ પણ ખુલ્લું કરતા. એક વખત રિજલી મેનોરમાં જ સ્વામીજીએ જોસેફાઈનને કહ્યું, ‘લોકોને મળવા માટે મારી પાસે સારાં વસ્ત્રો નથી.’ તરત જ જોસેફાઈને સ્વામીજી માટે વસ્ત્રો ખરીદ્યાં. ફ્રેંક લેગેટ (બેટ્ટી-જોસેફાઈનની બહેનના પતિ)ને એક પત્રમાં સ્વામીજીએ લખ્યું, ‘જોસેફાઈનની શાંત અને વ્યવહારુ રીતભાતનો હું ખરેખર પ્રશંસક છું. તે રાજ્ય પણ હાંસલ કરી શકે તેમ છે. મનુષ્યમાં આવી તીવ્ર છતાં સામાન્ય બુદ્ધિ મેં ભાગ્યે જ જોઈ છે.’ સ્વામીજી જોસેફાઈન માટે કહેતા કે, તે પવિત્રતાનું અને પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ છે. જોસેફાઈનના ચિરસ્થાયી સ્નેહના બદલામાં એવો જ નિર્વ્યાજ સ્નેહ આપવાનું સ્વામીજી ચૂકતા નહીં. તેમના લંડનના પ્રવાસ દરમિયાન ઊંડા આભાર અને સ્નેહની લાગણી સાથે તેમણે લખ્યું, ‘પ્રિય જોસેફાઈન ફરીથી એક વખત હું લંડનમાં છું અને મારાં પ્રવચનો શરૂ થઈ ગયાં છે. હંમેશા આનંદથી ચમકતો, નિરાશાની એક પણ રેખા વગરનો, કાયમ મદદ કરવા તત્પર તેમજ શક્તિથી ભરપૂર અને મારા મને હજારો માઈલોની દૂરી છતાં, એ ચહેરાને મનમાં મઢી લીધો. એ ચહેરો જોસેફાઈનો છે. એક સુંદર પત્રમાં જોસેફાઈનનું વર્ણન કરતાં સ્વામીજીએ કવિ કાલિદાસને શાકુંતલમાંથી ટાંક્યા છે. ‘સૃષ્ટિની સુંદરતમ કૃતિઓથી પણ બહુ સુંદર કૃતિ બનાવવા મનુષ્યના ઘડવૈયાએ તેમની પ્રચંડ ઇચ્છાશક્તિ અને શાશ્વત એવા ચિત્તની મદદથી બધી જ સુંદર વસ્તુઓના તેજસ્વી ભાગો એકત્રિત કર્યા, તેમને એક સર્વાંગસંપૂર્ણ અને આદર્શ રૂપમાં મળ્યા અને તેમાંથી સર્જન થયું દૈવી અદ્ભુત મનુષ્યનું અને આ તમે છો જોસેફાઈન, આમાં હું ફક્ત એટલું જ ઉમેરીશ કે સૃષ્ટિના રચયિતાએ આ સંપૂર્ણ મનુષ્યની રચના કરતી વખતે પોતાની બધી પવિત્રતા અને ઉદાત્તતા ઠાલવી દીધી અને પછી એનું નિર્માણ થયું.’ કેટલી પ્રેમાળ, ભાવપૂર્ણ અંજલિ – સ્વામીજીની જોસેફાઈનને! એક વખત ભગિની નિવેદિતાએ સ્વામીજીને કહ્યું કે જોસેફાઈનને કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિની જરૂરિયાત નથી. સ્વામીજીએ અવાજનાં સ્પંદન સાથે જવાબ આપ્યો. ‘એ સાચું છે આ મનુષ્યની ઉત્ક્રાંતિની છેલ્લી અવસ્થા છે. જેમાં તે કોઈની પાસેથી માગવાને બદલે બધું આપ્યે જ જાય છે.’ આ સ્પષ્ટપણે બતાવે છે કે સ્વામીજી જોસેફાઈનને એક સંપૂર્ણ અને આધ્યાત્મિક વ્યક્તિ તરીકે પિછાણી શક્યા હતા. (ક્રમશ:)
Your Content Goes Here




