એમનો જન્મ ૧૮૬૧માં એક ગરીબ અને રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક જમાનામાં એમનું કુટુંબ ભદ્ર અને સમૃદ્ધિવાળું હતું. એમનું પૂર્વ નામ યોગીન્દ્ર હતું. તેઓ સ્વભાવે અંતર્મુખી, વિનમ્ર અને શરમાળ હતા.  એમના પિતાનું નામ નવીન્દ્રનાથ ચૌધરી હતું.

કેશવચંદ્રના નિબંધો વગેરે વાંચીને યોગીન શ્રીરામૃષ્ણનાં દર્શન માટે આતુર બની ગયા; પણ એમનો પરિચય કરાવે કોણ? એ દિવસો દરમિયાન, કાલીમંદિરના બગીચામાં ફરતાં ફરતાં એક વખત ફૂલો લેવાની ઇચ્છા થઈ અને સામે જ એક અત્યંત સાધારણ કપડાં પહેરેલી વ્યક્તિને જોતાં જ તેમણે એમ વિચાર્યું કે આ દેખાતી વ્યક્તિ જરૂર આ બગીચાનો માળી હશે. એટલે એમણે એને ફૂલ ચૂંટી આપવા કહ્યું. તે વ્યક્તિ તેને આનંદથી ફૂલો આપીને ચાલી ગઈ. એ પછી એક દિવસે યોગીને જોયું કે એક ઓરડામાં કેટલાય સજ્જનો બેઠા છે અને એમણે પહેલાં જે માળીને જોયેલા, તેમની વાણીને સાંભળી રહ્યા છે! અને વક્તા અસ્ખિલિતપણે તત્ત્વજ્ઞાનની ધારા વહાવી રહ્યા છે! આ જોઈને તેઓ એકસાથે આશ્ચર્ય અને શરમથી ઝૂકી ગયા. એમને સમજતાં વાર ન લાગી કે દક્ષિણેશ્વરના લોકો જેને પાગલ બ્રાહ્મણ કહે છે અને કેશવચંદ્ર સેન જેમનો પરમહંસ શ્રીરામકૃષ્ણ કહીને પ્રચાર કરે છે, તેઓ એ જ છે. સ્વાભાવિક રીતે એમના મનમાં પ્રશ્ન થયો : ‘જો તેઓ પાગલ હોય તો આટલા બધા લોકો શા માટે આવે છે?’ તેમને જિજ્ઞાસા થઈ અને કયો પ્રસંગ ચાલી રહ્યો છે એ જાણવાની ઇચ્છા થઈ એટલે તેઓ વધારે આગળ આવ્યા અને બારણાની પાસે ઊભા રહ્યા.  યોગીન આશ્ચર્ય અનુભવતા, જડવત્‌ ચૂપચાપ બહાર ઊભા હતા, એ વખતે શ્રીઠાકુરે એક માણસને આજ્ઞા કરી, ‘જે લોકો બહાર ઊભા છે તેમને અંદર બોલાવી લાવો’. બહાર યોગીન સિવાય બીજું કોઈ જ ન હતું. તેમને બોલાવવાથી તેઓ અંદર આવીને બેઠા. સત્સંગ પૂરો થતાં દૂરથી આવેલા ભક્તો ચાલ્યા ગયા, ત્યારે શ્રીરામકૃષ્ણ યોગીનની સમીપ આવ્યા અને પ્રેમથી એનો પરિચય પૂછ્યો. પરિચય મેળવીને તેઓ આનંદપૂર્વક બોલ્યા: ‘ત્યારે તો તું મારા પરિચિત ઘરનો જ છે ને! એ દિવસોમાં હું તારે ઘરે કેટલી બધી વાર આવતો! અને ભાગવતપુરાણ વગેરે સાંભળતો? તમારા ઘરના વડિલોમાંથી તો કોઈ કોઈ મારો ખૂબ જ આદર સત્કાર કરતા.’ પછી બાકીના લોકોને યોગીનની ઓળખાણ આપતાં કહ્યું, ‘આ લોકો દક્ષિણેશ્વરના સાવર્ણ ચૌધરી છે. એ દિવસોમાં આ લોકોના પ્રભાવથી વાઘ અને ગાય એક જ ઘાટ ઉપર પાણી પીતા. બધા ખૂબ જ ભક્તિભાવવાળા હતા. ઘરમાં કેટલું બધું ભાગવતપુરાણ વંચાતું! ઓળખાણ થઈ. સારું થયું. અહીં આવતા રહેજો. સદ્‌વંશમાં જન્મ છે, તમારા બધાં જ લક્ષણો ખૂબ સારાં છે. ખૂબ સારું પાત્ર છે. ભગવદ્‌ભક્તિ ખૂબ થશે.’ ત્યાર પછી યોગીન ઠાકુર પાસે વારંવાર આવવા લાગ્યા; પરંતુ બીજાઓને જણાવ્યા વગર અત્યંત છાનામાના. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય રૂપે ગણાતા અને એમની પાસેથી માર્ગદર્શન મેળવનાર સ્વામી યોગાનંદ શ્રી શ્રીમા શારદાદેવીના સૌ પ્રથમ મંત્રદીક્ષિત શિષ્ય હતા.

Total Views: 194

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.