(ગતાંકથી ચાલુ)
(સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.)
૩ તત્ત્વમસિ:
આ બહુવિધ અને પરિવર્તનશીલ જગતમાં જે તેને એકને જ, અપરિવર્તનશીલને જ, પોતાના આત્માના આત્મરૂપે જુએ છે, પોતાનું સ્વરૂપ માને છે તે જ મુક્ત અને આનંદમય છે. તેણે જ લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે. એટલે કે એમ માનો કે તમે તે જ છો. તમે જ જગતના ઈશ્વર છો. તત્ત્વમસિ.
“પર્વતની જેમ અડગ રહો. તમે અવિનાશી છો. તમે આત્મા છો. તમે જ જગતના ઈશ્વર છો. કહો, હું જ શિવ છું. હું જ શિવ છું. હું સંપૂર્ણ સચ્ચિદાનંદ છું.”૫
મનુષ્યનું સાચું સ્વરૂપ એ સ્વામી વિવેકાનંદના દર્શનની ધરી છે. માનવ તથા માનવજીવન અંગે સ્વામીજીએ અનેક જગ્યાએ અનેક વાતો કરી છે. તેમના જીવનદર્શનનો આધારસ્તંભ માનવની ગરિમા અને મહિમા છે. ઉપર્યુક્ત સંક્ષિપ્ત વિવેચનમાં ફક્ત તેનો સંકેત માત્ર દેખાય છે.
સ્વામીજીએ માનવના ચિંતાથી મુક્ત શુદ્ધબુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો હતો. આત્મા અને પરમાત્માના ઐક્યની અનુભૂતિ કરી હતી. અદ્વૈત વેદાંતના ચરમ સત્ય ‘જીવ એ જ બ્રહ્મ છે’ ૫૨ પૂર્ણરૂપે આધાર રાખીને ધોષણા કરી હતી – “પાંજરાને તોડી નાખનાર સિંહની જેમ તમે પણ પોતાનાં બંધનો તોડીને કાયમ માટે મુક્ત થઈ જાઓ. તમને કોનો ડર છે ? તમને કોણ બાંધીને રાખી શકે ? ફક્ત અજ્ઞાન અને ભ્રમ સિવાય તમને કોઈ બાંધી શકે નહીં. તમે શુદ્ધ સ્વરૂપ છો. નિત્યાનંદમય છો.”6
મનુષ્યની પોતાને માટેની ધારણા, તેના જીવનને ગહન રીતે પ્રભાવિત કરે છે. જો મનુષ્ય એમ માને કે તેનું શરીર એક હાડમાંસનું પૂતળું છે તો તેનું જીવન ફક્ત ભોગવિલાસી બની જાય છે. તેને ઈચ્છાએ કે અનિચ્છાએ પોતાની ઈન્દ્રિયોના અને મનના ગુલામ થઈને રહેવું પડે છે. આમ તેનું જીવન તૃષ્ણાઓની તૃપ્તિ અર્થેની એક આંધળી દોડ બની રહેશે, જેનું પરિણામ અવિરત યંત્રણા તથા અશાંતિ જ હશે.
પરંતુ જો સત્યની અનુભૂતિ પર આધારિત સ્વામી વિવેકાનંદજીના શાશ્વત દર્શન પર વિશ્વાસ રાખીને મનુષ્ય પોતાના જીવન અંગે એવી ધારણા કરે કે તે સદા મુક્ત, શુદ્ધબુદ્ધ, ચૈતન્ય આત્મા છે એટલે કે પરમાત્મા સ્વરૂપ જ છે તો તે જ ક્ષણથી તેના જીવનની ઉન્નતિ અને મહાનતાનાં દ્વાર ખૂલી જશે, પછી આ વ્યક્તિ ભલે ગમે તેટલી હીન દશામાં કેમ ન હોય. જો આ ધારણા તેના મનમાં ચોવીસેય કલાક અને ત્રણસો પાંસઠેય દિવસ વધુને વધુ દૃઢ થતી રહે તો જરૂર તે એક દિવસ પોતાની બધી નિર્બળતાઓને જીતીને, ઉન્નતિ અને મહાનતાના શિખર પર પહોંચી જશે.
જગત:
સમ્યક્ જીવન માટે બીજું જરૂરી તત્ત્વ છે જગત સંબંધી ધારણા. સંસારનાં જે દર્શનોએ આ ઈન્દ્રિયગમ્ય પંચ ભૌતિક જગતને સત્ય માન્યું તેમણે અંતસુધી આ ભૌતિક જગતની જ ઉપાસના કરી છે. આ જગત જ તેમને માટે સર્વસ્વ રહ્યું છે. એટલે જગતમાં ઉપલબ્ધ સુખસામગ્રીનો સંગ્રહ તથા તેનો ઉપભોગ જ તેમના જીવનનું મુખ્ય પ્રયોજન રહ્યું છે. ભૌતિક સમૃદ્ધિ એ જ એમનું લક્ષ્ય રહ્યું છે. ભૌતિક સમૃદ્ધિ માટે ભૌતિક શક્તિઓ પણ હોવી જોઈએ. એટલે ઈન્દ્રિયગમ્ય જગતને જ સત્ય માનનાર લોકોએ અનાદિકાળથી બાહ્ય પ્રકૃતિને જીતીને, તેની ઉપાસના કરીને, અસીમ ભૌતિક શક્તિઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. પૌરાણિકયુગના હિરણ્યકશિપુ, ઐતિહાસિક યુગના રાવણ તથા તેના સહયોગી રાક્ષસગણ અને આપણા યુગના મદાંધ ભૌતિકવાદી દેશો આના પ્રત્યક્ષ ઉદાહરણો છે. સ્વામીજીના જમાનામાં પણ એ સમયની વૈજ્ઞાનિક શોધખોળથી અંજાઈ ગયેલા લોકોનો એક એવો મોટો સમૂહ હતો જે ઈન્દ્રિયગમ્ય જગતને જ સત્ય માનતો હતો. તે અનુસાર આ લોકોનું જીવન પણ સંપૂર્ણ ભૌતિકવાદી બની ગયું હતું.
સ્વામી વિવેકાનંદ આધુનિકયુગના આચાર્ય થઈને આવ્યા હતા. આ યુગ વિજ્ઞાનપ્રધાન છે. તેમાં કાર્યકારણની હારમાળાના આધારે જ બધી વસ્તુઓની પરીક્ષા થાય છે. સ્વામીજી વિજ્ઞાનનાં ભૌતિક તત્ત્વોથી સારી રીતે પરિચિત હતા. એટલા માટે જગતની મીમાંસા કરવા માટે તેમણે જગતના બાહ્ય રૂપને ભેદીને તેના મૂળમાં જવાતો પ્રયત્ન કર્યો, જેમાં તેઓ સંપૂર્ણ સફળ રહ્યા.
યુગાચાર્ય વિવેકાનંદજીની એ એક વિશેષતા છે કે તેમણે જટિલમાં જટિલ દાર્શનિક તત્ત્વોને લોકોની સામે ખૂબ જ સરળ ભાષામાં રજૂ કર્યાં. કાર્યકારણની મીમાંસા એક જટિલ દાર્શનિક વિષય છે. સ્વામીજીએ તેને કેટલી સરળ રીતે આપણી સમક્ષ મૂક્યું છે તે નીચેના ઉદાહરણથી સ્પષ્ટ થાય છે. તેઓ કહે છે – “હવે આપણે એ વિચાર કરીશું કે આપણે પ્રશ્ન શા માટે કરીએ છીએ? એક પથ્થર પડયો અને આપણને પ્રશ્ન થયો કે આ પથ્થર પડવાનું કારણ શું? આ પ્રશ્નના ઔચિત્ય અથવા તેની સંભાવના, એ અનુમાન અથવા ધારણા પર આધારિત છે કે જે કંઈ થાય છે તેની પહેલાં બીજું કંઈ થઈ ચૂક્યું હોય છે કારણકે જયારે એમ પ્રશ્ન થાય કે આમ કેમ બન્યું? ત્યારે આપણે માની લઈએ છીએ કે બધી વસ્તુઓનું અને ઘટનાઓનું એક કારણ શા માટે હોય જ છે – એટલે કે એમ થયા પહેલાં જરૂર કંઈક થઈ ગયું છે. આ પહેલાં થયેલું અને પછી બનેલું, તેને જ નિમિત્ત અથવા કાર્યકારણ ભાવ કહે છે.”૭
જગતની બાબતમાં પણ આપણે આ ભૌતિક તથ્ય યાદ રાખવું પડશે કે જગતની ઉત્પત્તિ પણ શૂન્યમાંથી નથી થઈ. આ જડ જગતની ઉત્પત્તિનું એક કારણ જરૂર છે. અને તે કારણ પોતે જડ ન હોઈ શકે. કારણ કે સંસારની કાર્યકારણની શૃંખલામાં આપણે જોઈએ છીએ કે જડમાં કોઈ ઉત્પાદનક્ષમતા નથી. એક જડ પદાર્થ બીજા કોઈ પદાર્થને ઉત્પન્ન કરી શકતો નથી.
કારણ સૂક્ષ્મ કાર્ય સ્થળ:
સૃષ્ટિનું વિશ્લેષણ કરતાં સ્વામીજીએ જણાવ્યું છે કે પ્રત્યેક પદાર્થની શરૂઆત સૂક્ષ્મ આકારથી થાય છે. પછી તે સ્થૂળ રૂપે પ્રગટ થાય છે. તેઓ કહે છે – “પ્રત્યેક પદાર્થ જાણે કોઈ બીજમાંથી કોઈ મૂળ ઉત્પાદનથી, કોઈ સૂક્ષ્મ આકારથી શરૂ થઈને વધુને વધુ સ્થૂળ થતો જાય છે. કેટલાક સમય સુધી એમ જ ચાલ્યા કરે છે અને છેવટે ફરીથી તે પેલા સૂક્ષ્મ રૂપમાં લય થઈ જાય છે.”૮
એટલે આપણે જોઈએ છીએ કે જગતનું આ સ્થૂળ દેખાતું રૂપ, તેની વ્યાખ્યા માટે કે તેની મીમાંસા માટે પર્યાપ્ત નથી. જગત જે રીતે આપણને દેખાય છે તે રીતે જ આપણે તેને સ્વીકારી લઈએ તો આપણે જગત અને જીવનની કેટલીક મૌલિક સમસ્યાઓ કદી સમજી શકીશું નહીં. અને એ કારણે જગત તથા જીવનની સમસ્યાઓના નિરાકરણ માટેના આપણા બધા પ્રયાસો નકામા થઈ જશે.
કાર્યકારણ અભિન્ન:
જગતની વ્યાખ્યા આપતાં સ્વામીજીએ એક વધુ મૌલિક સિદ્ધાંત તરફ આપણું ધ્યાન દોર્યું છે કે કાર્ય તથા કારણમાં કોઈ મૌલિક ભેદ નથી. કારણ જ કાર્ય રૂપે પ્રગટ થાય છે. તથા સમયાંતરે ફરીથી તે કારણમાં લીન થઈ જાય છે. પોતાના એક વ્યાખ્યાનમાં સ્વામીજીએ કહ્યું છે:
“કાર્ય ફક્ત કારણનું રૂપાંતર જ છે. એટલે આ સમસ્ત બ્રહ્માંડ શૂન્યમાંથી ઉત્પન્ન થઈ શકે નહીં. કોઈ કારણ વગર તે આવી ન શકે એટલું જ નહીં કારણ જ કાર્યમાં સૂક્ષ્મ રૂપે હાજર હોય છે.”
સૃષ્ટિ અને પ્રલયનું ચક્ર:
આપણે જોયું કે શૂન્યમાંથી કોઈ વસ્તુનો જન્મ થઈ શકતો નથી. દરેક વસ્તુ માટે કોઈ કારણ હોય છે. આપણે એ પણ જોયું કે કાર્ય સ્થૂળ તથા કારણ સૂક્ષ્મ હોય છે. આપણે જોઈએ છીએ કે પ્રત્યેક વસ્તુનો નાશ થાય છે. હવે પ્રશ્ન એ છે કે નાશ પામેલ પ્રત્યેક વસ્તુનો સદંતર વિનાશ થઈને શૂન્યમાં ભળી જાય છે? ના. સ્થૂળ વસ્તુના નાશનો અર્થ છે તેના પોતાના કારણનું સૂક્ષ્મમાં વિલીન થઈ જવું. મહર્ષિ કપિલે કહ્યું છે.- “નાશ: કારણલય:” નાશનો અર્થ છે કારણમાં લય થઈ જવું. સ્વામીજી બીજ અને વૃક્ષનું ઉદાહરણ દઈને આ તથ્ય આપણને સમજાવે છે – બીજમાંથી વૃક્ષ થાય છે અને વૃક્ષ ફરીથી બીજમાં ચાલ્યું જાય છે. બસ આ રીતે ચાલ્યા કરે છે. આનો ક્યાંય અંત નથી. – જે આપણે જોઈએ છીએ, વિચારીએ છીએ, સાંભળીએ છીએ અને કલ્પના કરીએ છીએ એ સમસ્ત અસ્તિત્વ, જે કંઈ આપણી જ્ઞાનની સીમામાં સમાયેલું છે એ બધું આ પ્રકારે ચાલી રહ્યું છે. બરોબર જાણે કે માનવ શરીરના શ્વાસોચ્છ્વાસ એટલે કે સમગ્ર સૃષ્ટિ આ પ્રમાણે ચાલી રહી છે સમસ્ત બ્રહ્માંડ સમપ્રણાલી હોવાને કારણે સર્વત્ર એક જ નિયમ લાગુ પાડી શકાય. એટલે આપણે જોઈએ છીએ કે સમસ્ત બ્રહ્માંડ કોઈ એક સમયે પોતાના કારણમાં લય થવાનું.”૧૦
પોતાના કારણમાં લય થઈને આ બ્રહ્માંડ થોડા સમય માટે એ જ અવસ્થામાં રહેશે – જાણે કે સુપ્ત હોય. જેમ બીજને વાવીએ કે તરત વૃક્ષ થઈ જતું નથી, કારણકે સૂક્ષ્મમાંથી સ્થૂળ રૂપે વ્યક્ત થવામાં થોડો સમય નીકળી જાય છે. પરંતુ આ સમય દરમિયાન પણ અવ્યક્ત સૂક્ષ્મ પોતાના કાર્યમાં તો વ્યસ્ત હોય છે. આ વિશ્રામ અથવા સુપ્ત અવસ્થાનું નામ પ્રલય છે. પ્રલય પછી ફરીથી સૃષ્ટિનું નિર્માણ થાય છે. એટલે એવું નથી કે આ પૃથ્વી અથવા વિશ્વ બ્રહ્માંડ પહેલી વાર જ ઉત્પન્ન થયેલ છે. તથા તેના નાશ સાથે કાયમને માટે સમાપ્ત થઈ જશે. સૃષ્ટિ-પ્રલયનો આ ક્રમ અનાદિકાળથી ચાલે છે અને અનંતકાળ સુધી ચાલતો રહેશે.
આદિ અંત સમાન છે:
આપણે જોયું કે પ્રલયની અવસ્થામાં આ બ્રહ્માંડ પોતાના સૂક્ષ્મ કારણમાં વિલીન થઈ જાય છે. ત્યારે પ્રશ્ન એ ઊઠે છે કે આ સૂક્ષ્મ કારણ શું છે? કોઈપણ વસ્તુની શરૂઆત જાણી શકાય તો તેનો અંત પણ જાણી શકાય છે. આધુનિક ક્રમ વિકાસવાદ એમ જણાવે છે કે સૃષ્ટિના વિકાસના ક્રમમાં ચૈતન્ય (consciousness) અંતિમ બાબત છે. હવે કાર્યકારણ શૃંખલાનાં આધાર પર આપણે એમ કહી શકીએ કે જો ચૈતન્ય અંતિમ વસ્તુ છે તો શરૂઆતમાં પણ ચૈતન્ય હોવું જોઈએ. હમણાં જો તે વ્યક્તરૂપમાં હોય તો શરૂઆતમાં તે અવ્યક્તરૂપમાં હોય. પરંતુ હોય તો ખરું જ. આ બાબતને વધુ સ્પષ્ટ કરતાં સ્વામીજી જણાવે છે:
“જડવાદી એમ કહી શકે કે ઠીક છે. પરંતુ મનુષ્યનાં જન્મ પહેલાં તો લાખો વર્ષ વીતી ચૂક્યાં છે. એ સમયે જ્ઞાનનું તો કોઈ અસ્તિત્વ જ નહોતું. એની સામે અમારો જવાબ એ છે કે ભલે વ્યક્તરૂપમાં ચૈતન્ય નહોતું પરંતુ અવ્યક્તરૂપમાં તે જરૂર હતું. તેમજ એ તો એક સર્વમાન્ય બાબત છે કે પૂર્ણમાનવરૂપમાં પ્રકાશિત ચૈતન્ય જ સૃષ્ટિનો અંત છે. તો પછી આદિ શું હોઈ શકે? આદિ ચૈતન્ય જ હોવું જોઈએ. તે ચૈતન્ય ક્રમ પહેલાં સંકુચિત હોય અને અંતમાં તે જ ક્રમ વિકસિત થાય છે.”૧૧
આમ આપણે જાણી શકીએ છીએ કે સૃષ્ટિના આદિ અને અંત સમાન છે. એક જ વસ્તુ છે. એક જ તત્ત્વ છે.
(ક્રમશ:)
ભાષાંતર: શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા
સંદર્ભ:
૫. જ્ઞાનયોગ – પાનું ૨૧૮ -૯
૬. જ્ઞાનયોગ – પાનું ૨૧૮ – ૯
૭. જ્ઞાનયોગ – પાનું ૧૪૨
૮. જ્ઞાનયોગ – પાનું ૧૬૬
૯. જ્ઞાનયોગ – પાનું ૧૭૦
૧૦. જ્ઞાનયોગ – પાનું ૧૬૯
૧૧. જ્ઞાનયોગ – પાનું ૧૭૬
Your Content Goes Here




