સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં
પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં વેદાંત સોસાયટી ઓફ ગ્રેઈટર વોશિંગટનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મજ્ઞાનાનંદજી મહારાજના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં

પ્રાસ્તાવિક

પ્રાણ કે આત્માને હચમચાવી મૂકતા સ્વામીજીના શબ્દો મેં પ્રથમવાર વાંચ્યા તેને ૪૦ વર્ષ વીતી ગયાં છે. મને એક તક મળી ગઈ અને મારા ૨૪મા જન્મદિવસ નિમિત્તે હું મદ્રાસમાં હતો. હું મારા માટે ભેટ લેવા એક નાના પુસ્તક વેચાણ ઘરમાં પુસ્તકની શોધમાં ગયો. હું એકલો જ જતો હતો અને મને ખબર હતી કે બીજું કોઈ મારા માટે કંઈ ખરીદવાનું ન હતું. એ પુસ્તક ઘરમાં મેં અનેક શીર્ષકવાળાં પુસ્તકો પર નજર નાખી તો મારું ધ્યાન એક નાની અને અણધારી પુસ્તિકા ‘ટીચીંટ ઓફ સ્વામી વિવેકાનંદ’ પર પડ્યું. પુસ્તકની છાજલીની નીચે બેસીને આજે પણ એ ચિત્ર મારા મન સમક્ષ આવી જાય છે. ગમે તેમ હોય પણ ‘વિવેકાનંદ’ એ નામે મારા મસ્તિષ્કમાં જાણે કે ઘંટડી વગાડી દીધી. પાંચ રૂપિયાની કિંમતની આ પુસ્તિકા મેં જોઈ અને પછી એને ખરીદી અને એને વાંચીને પૂરી કરવા હું મારા હોટેલના ખંડમાં પાછો આવ્યો. થોડાં પાનાં ઉથલાવ્યાં પછી એ પુસ્તકને નીચે મૂકી દેવું મારા માટે મુશ્કેલ હતું. હું એ અવસ્થામાં કેટલો વખત રહ્યો એની મને ખબર નથી પણ સ્વામીજીના એ શબ્દો વાંચીને હું સુખબોધની અવસ્થામાં આવી ગયો. એમનાં શાણપણની ગહનતા અને વિસ્તૃતતા તેમજ તેમની સંકલ્પનાની સંન્નિષ્ઠતા અને ઉત્કટતા જાણીને હું મંત્રમુગ્ધ બની ગયો. હવે આપણા બધાના જીવનમાં એવો સમય આવે છે કે જ્યારે આપણે એક મહાન પરિવર્તનના બિંદુએ પહોંચી જઈએ છીએ. પાછળથી જ્યારે આપણે આપણા ભૂતકાળની અને આપણા જીવનની મહત્ત્વની ઘટનાઓએ આપણા પર જે પ્રભાવ પાડ્યો હોય તેના પર એક નજર નાખીએ તે સિવાય તેનો આપણને બહુ ખ્યાલ આવતો નથી. પણ મારી બાબતમાં આવું ન હતું. કારણ કે સ્વામીજીના એ શબ્દો વાંચતો હતો ત્યારથી માંડીને મારું જીવન એવું ક્યારેય નહીં બને, એમ મેં સ્પષ્ટપણે સમજી લીધું હતું.

હું આ ઘટના એટલા માટે વર્ણવુ છું કે હું અવાર નવાર એના તરફ નજર નાખું છું અને આશ્ચર્યમાં સરી જાઉં છું. મને આટલું બધું આકર્ષનાર મારા એ વાંચનમાં ખરેખર શું હતું ? શું એ સ્વામીજીની તેજસ્વી બુદ્ધિપ્રતિભા હતી ? અલબત્ત, એનો મહદ્ ભાગ તો એ જ હતો. વળી એરિસ્ટોટલથી પ્લેટો, કાન્ટ અને હેગલ જેવા પશ્ચિમના મહાન દાર્શનિકોનો અભ્યાસ કર્યા પછી આવી ભેદક બુદ્ધિ પ્રતિભા અને દૃષ્ટિકોણની આટલી સ્પષ્ટતા-શુદ્ધિ મને ક્યાંય જોવા મળી નથી. તો પછી શું સ્વામીજીની હૃદયની એ ભવ્ય લાગણી, એમની ગરીબો અને વંચીતો માટેની લાગણીએ મને આટલો હચમચાવી મૂક્યો છે ? અલબત્ત આ પણ એવો જ એક અગત્યનો અંશ હતો. એનું કારણ એ છે કે સ્વામીજીનું હૃદય વજ્ર સમું કઠોર અને ફૂલ જેવું કમળ પણ હતું. પણ જેમ જેમ હું સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ વિશેના મારા વર્ષોના વાંચન પર નજર નાખતો ગયો તેમ તેમ મને વધારે આવી સ્પષ્ટ અનુભૂતિ થઈ કે જાણે કે કોઈ શક્તિ અને તેજના અનંત મહાસાગરની સામે ઊભું હોય તેવા પોતાના વિશાળ અને પ્રચંડ અસ્તિત્વવાળા તેઓ જ એક એવા ‘માનવ’ હતા કે જે મારા આકર્ષણનું સાચું સ્રોત હતુંં. વિશેષ મોહિની સાથેની પ્રોજ્વલ દિવ્ય પ્રતિભા અને માનવના પોતાની જ ઊર્જા કે બળ. તેમજ પોતાના બધાં સામર્થ્ય અને નિર્બળતાઓ, તેની પોતાની વ્યંગવિનોદ શક્તિ, તેનો મિજાજ, ઉત્કટતાની સાથે સ્વામી વિવેકાનંદમાંથી દિવ્યતાનો પ્રકાશ કોઈ પણ વ્યક્તિ અનુભવી શકે. અંજાડી દેતી એમની વ્યક્તિમત્તાનો એ તેજસ્વી પ્રભામાં ઊભા રહીને એમનાં વિલક્ષણ વિવિધ પાસાંને જાણવા મુશ્કેલ છે.

આમ છતાં પણ એમનાં આ વિલક્ષણ પાસાંઓમાંથી એકાદ બે પાસાં-મસ્તિષ્ક અને હૃદયની વાત કરીએ. મારી દૃષ્ટિએ મને આ ઘણું મહત્ત્વનું લાગે છે કારણ કે આદર્શ વ્યક્તિનાં ઘડતરમાં આ બન્ને પાસાં વિશે તેઓ પણ ઘણું બોલ્યા છે. આપણને આ ‘જ્ઞાનયોગ’ના ‘બ્રહ્મ અને જગત’ નામના તેમના વ્યાખ્યાનમાંથી મળે છે : ‘મહાનમાં મહાન હૃદય સાથે ઊંચામાં ઊંચી બુદ્ધિમત્તા તથા અનંત પ્રેમની સાથે અનંત જ્ઞાનના સમન્વયની અત્યારે આવશ્યકતા છે. વેદાંત ઈશ્વરને આ ત્રણ – અનંત સત્, અનંત ચિત્ અને અનંત આનંદ – સિવાય બીજાં લક્ષણો આપતું નથી; આ ત્રણેયને તે એક જ લેખે છે. જ્ઞાન અને પ્રેમ સિવાય સત્ હોઈ ન શકે; પ્રેમ વિના જ્ઞાન અને જ્ઞાન વિના પ્રેમ ન હોઈ શકે. આપણને સત્-ચિત્-આનંદનો સમન્વય જોઈએ છે, કારણ કે તે આપણું ધ્યેય છે. આપણને એકપક્ષી વિકાસ નહીં પરંતુ સમન્વય જોઈએ છે અને શંકરાચાર્યની બુદ્ધિની સાથે બુદ્ધનું હૃદય હોવું શક્ય છે. હું આશા રાખું છું કે આ મહાન સમન્વય પ્રાપ્ત કરવા આપણે સહુ સતત પ્રયત્ન કરીશું.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૨.૫૩૯)

Total Views: 427

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.