‘વિવેકાનંદ’ નામનો ઈતિહાસ

વારાણસીના વીરેશ્વર શિવની માનતાથી સ્વામીજીનો જન્મ થયો હતો અને એટલે જ બાળપણમાં એમને ‘વીરેશ્વર’ કે ‘બિલે’ના નામે બોલાવતા. મા ભુવનેશ્વરી દેવી એમને ‘બિલૂ’ કહીને બોલાવતી. એમનું સાચું નામ હતું નરેન્દ્રનાથ. એમના બે નાના ભાઈઓનાં નામ પણ એ જ સ્વરલયવાળા ‘મહેન્દ્રનાથ’ અને ‘ભૂપેન્દ્રનાથ’ હતાં. શ્રીરામકૃષ્ણના પરિચયમાં આવ્યા પછી તેઓ તેને સ્નેહપૂર્વક ‘નરેન’ કે પોતાની તોતડાતી જીભે ‘લોરેન’ કહીને બોલાવતા. ત્યાર પછી પોતાની પરિવ્રાજક અવસ્થા દરમિયાન એમણે પહેલાં ‘વિવિદિશાનંદ’ નામ ધારણ કર્યું અને ત્યાર પછી ‘વિવેકાનંદ’ તથા ‘સચ્ચિદાનંદ’ એવાં નામ પણ ધારણ કર્યાં હતાં.

પરંતુ ઇતિહાસનો એક મોટો વિરોધાભાસ એ છે કે ‘વિવેકાનંદ’ જે નામથી તેઓ વિશ્વ વિખ્યાત બન્યા એ નામ એમણે સર્વ પ્રથમ ક્યારે ધારણ કર્યું એ વિશે આજ સુધી નિશ્ચિત રૂપે કંઈ પણ કહી શકાતું નથી. સ્વામીજીના ગુરુબંધુવૃંદ અને આલાસિંગા પેરુમલ વગેરે જેવા અત્યંત અંતરંગ શિષ્યવૃંદ પણ એમનાં નામોના ઇતિહાસથી અપરિચિત હતા. પછીના સમયમાં આપણને જોવા મળે છે કે આલાસિંગાએ ૨૩ જૂન, ૧૮૯૬ના રોજ બોસ્ટન, અમેરિકાના ‘સન્ડે ન્યૂઝ ટ્રિબ્યૂન’ નામના સમાચાર પત્રના સંપાદકને નામે લખેલા એક પત્રમાં લખ્યું છે: ‘વિવેકાનંદ નામ એમના મહાન ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસ દ્વારા અપાયું હતું.’ (સ્વામી વિવેકાનંદ – ઈન ધ વેસ્ટ : ન્યૂ ડિસ્કવરિઝ, મેરી લૂઈ બર્ક, વૉ.૪, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૬, પૃ.૫૪૪)

સ્વામીજીના નામ વિશે આવી બધી ભ્રાંતિઓનું કારણ એ છે કે એમના જીવનના પ્રારંભથી માંડીને ૧૮૯૩માં એમની પ્રસિદ્ધિના સમયકાળ સુધીની લેખિત સામગ્રી બહુ ઓછા પ્રમાણમાં પ્રાપ્ય છે. સાથે ને સાથે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ દક્ષિણભારતમાં પોતાના પરિવ્રાજક જીવનકાળ દરમિયાન એમણે પોતાના ગુરુભાઈઓ તથા પરિચિત સજ્જનો સાથે પત્ર વ્યવહાર કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. એટલે એ સમયગાળાની જે કંઈ ઓછાવત્તા પ્રમાણમાં પ્રમાણભૂત માહિતી કે સામગ્રી ઉપલબ્ધ થાય છે, અમારે એ સામગ્રીનું વિશ્લેષણ કરીને પછીથી સાંભળેલી વાતોમાંથી જ નિષ્કર્ષ તારવવા પડશે.

સ્વામીજીના ગુરુભાઈઓ તથા શિષ્યો દ્વારા સંકલિત અને ૧૯૧૩માં પ્રકાશિત થયેલ એમની જૂની જીવનકથામાં લખ્યું છે : ‘પશ્ચિમના દેશોમાં જવાના થોડા સમય પહેલાંથી જ સ્વામીજી ‘વિવેકાનંદ’એ નામથી જાણીતા હતા. એ પહેલાં જ્યારે જ્યારે પોતાની ઓળખાણ કે પ્રસિદ્ધિથી બચવાની આવશ્યકતા જણાઈ ત્યારે ત્યારે એમણે વારંવાર પોતાના નામમાં પરિવર્તન કર્યું હતું. ક્યારેક તેઓ ‘વિવિદિશાનંદ’ નામથી તો વળી ક્યારેક ‘સચ્ચિદાનંદ’ના નામે ઓળખાતા અને ક્યારેક તો કોઈ બીજા નામે પણ પરિચિત રહેતા. એવું સાંભળવામાં આવ્યું છે કે અંતે એમણે ખેતડી રાજાના હાર્દિક અનુરોધ સાથે ‘વિવેકાનંદ’ નામ ધારણ કર્યું. (લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ બાય હીઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ્સ, માયાવતી, વૉ.૨, પ્રથમ આવૃત્તિ, ૧૯૧૩, પૃ.૨૫૮)

સ્વામીજીની બીજી અત્યંત મહત્ત્વપૂર્ણ જીવનકથાના લેખક અને નોબેલ પારિતોષિક વિજેતા ફ્રાંસના મહાન ચિંતક મોશિયો રોમાં રોલાંએ આ વિષયમાં સાચી જાણકારી મેળવવાના હેતુ સાથે રામકૃષ્ણ સંઘના અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક સ્વામી અશોકાનંદજી સાથે પત્ર વ્યવહાર કર્યો હતો. સ્વામી અશોકાનંદજીએ આ વિશે ઘણી શોધ કરી.

એમની જીજ્ઞાસાના ઉત્તરમાં સ્વામી શુદ્ધાનંદજીએ પોતાના ૪ જૂન, ૧૯૨૮ના પત્રમાં આમ લખ્યું હતું: ‘પરિવ્રાજકના દિવસોમાં સ્વામીજી ‘વિવિદિશાનંદ’, ‘સચ્ચિદાનંદ’ વગેરે નામો સાથે પોતાનો પરિચય આપતા. એમ સાંભળ્યું છે કે ખેતડીના રાજાએ સ્વામીજીને ‘વિવેકાનંદ’ નામ આપ્યું અને એમણે જહાજમાં બેસતી વખતે એ જ નામ સ્વીકાર્યું. અમેરિકા પહોંચતા પહેલાં સ્વામીજીએ લખેલ જે પત્રો અમને મળ્યાં છે એ પત્રોમાંના મોટા ભાગનામાં એમના ‘નરેન્દ્રનાથ’ અને કેટલાકમાં ‘સચ્ચિદાનંદ’ નામથી હસ્તાક્ષર સાંપડ્યા છે. વિશેષ કરીને અમેરિકા જતાં પહેલાં જ્યારે તેઓ થિયોસોફિકલ સોસાયટીના અધ્યક્ષ કર્નલ આલ્કોટ પાસે અમેરિકા માટે પરિચય લેવા ગયા હતા તે સમયે તેઓ ‘સચ્ચિદાનંદ’ના નામે પરિચિત હતા. આલ્કોટે ધર્મપાલને એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં મેં સ્વામીજીના સંદર્ભમાં આ પ્રકારનું લખાણ જોયું છે – The Sannyasi Satchidananda about whom I warned you.. etc. (સંન્યાસી સચ્ચિદાનંદ જેને વિશે હું તમને ચેતવું છું.. વગેરે.)’

સ્વામી શિવાનંદજીએ ૨૫ જૂન, ૧૯૨૮ના પોતાના પત્રમાં શુદ્ધાનંદજીને આમ લખ્યું હતું: ‘અશોકાનંદે માયાવતીથી લખ્યું છે… ‘અમે એવું સાંભળ્યું છે કે મેરઠમાં આપ લોકોએ શ્રીઠાકુરની છબિ સમક્ષ વિરજાહોમાદિ કરીને ઔપચારિક સંન્યાસ ગ્રહણ કર્યો હતો. એ સમયે શું આપનું વર્તમાન નામ પડ્યું હતું? સ્વામીજીએ પણ એ સમયે ‘વિવેકાનંદ’ નામ ધારણ કર્યું હતું? વળી એવું પણ સાંભળવા મળે છે કે ખેતડીના મહારાજાએ સ્વામીજી પાસે આ નામ ચિરસ્થાયી કરવા અનુરોધ કર્યો હતો.’ અશોકાનંદ આ બધી સૂચનાઓ રોમાં રોલાંને મોકલવા ઇચ્છે છે. મને યાદ છે ત્યાં સુધી વિરજાહોમ વરાહનગર મઠમાં થયો હતો. હોમના અંતે અમારામાંથી કેટલાકનાં નામકરણ થયાં હતાં. પણ એવું નથી જણાતું કે સ્વામીજીનું નામ પડ્યું હોય. તેઓ વિવિધ નામ સાથે પરિભ્રમણ કરતા રહેતા અને ખેતડીના રાજાએ જ એમને ‘વિવેકાનંદ’ નામ સ્વીકારવાનું કહ્યું. તમે આ વિશે જે કંઈ સાંભળ્યું છે તે બધું લખીને અશોકાનંદને મોકલી દેજો.’ તેના પછી તેઓ સ્વયં ૨૫ જૂન, ૧૯૨૮ના રોજ સ્વામી અશોકાનંદજીના નામે એક પત્ર લખે છે: ‘એવી સૂચના મળી છે કે મને જે કંઈ પણ યાદ છે તે શુદ્ધાનંદે તમને મધુપુરથી લખીને દર્શાવી દીધું છે. ગંગાધર મહારાજ (સ્વામી અખંડાનંદ)નો પત્ર પણ વાંચ્યો. એમણે પણ પત્રમાં એ જ લખ્યું છે. વરાહનગર મઠમાં જ અમારા લોકોનો સંન્યાસ અને વિરજાહોમ થયો હતો. સ્વામીજી સિવાય બધાનાં નામકરણ એ જ સમયે થયાં હતાં. સ્વામીજી ‘વિવિદિશાનંદ’ નામે પોતાનો પરિચય આપતા. ખેતડી મહારાજાની સલાહ અનુસાર તેમણે ‘વિવેકાનંદ’ નામ જ પસંદ કર્યું.’ (આ પત્રોની મૂળ પ્રતો ગોલપાર્કના રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચરના અભિલેખાગૃહમાં સંગૃહિત કરવામાં આવી છે.)

અશોકાનંદજીએ સ્વામીજીના નામ વિશે શોધ-પ્રતિશોધ કરીને રોમાં રોલાંને પોતાનો નિષ્કર્ષ મોકલ્યો હતો. એના આધારે રોમાં રોલાંએ પોતે લખેલી સ્વામીજીની જીવનકથામાં લખ્યું છે: ‘હું વાચકોને એ યાદ અપાવવા ઇચ્છીશ કે એમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. ૧૮૯૩માં અમેરિકા માટે પ્રસ્થાન કરતાં પહેલાંના સમય સુધી એમણે ‘વિવેકાનંદ’ એવું નામ ધારણ કર્યું ન હતું. આ વિશે મેં રામકૃષ્ણ મિશન સાથે સંપર્ક કર્યો હતો. સ્વામી અશોકાનંદે એ વિષય પર ગહન સંશોધન કર્યા પછી એના પરિણામો મને મોકલવાની એમણે કૃપા કરી છે. વિવેકાનંદના સર્વાધિક મહત્ત્વપૂર્ણ સંન્યાસી શિષ્યોમાંના એક અને રામકૃષ્ણ મિશનના હાલના મહાસચિવ સ્વામી શુદ્ધાનંદના પ્રમાણભૂત અને નિશ્ચયાત્મક સાક્ષ્ય પ્રમાણે રામકૃષ્ણ સર્વદા પોતાના શિષ્યોમાં એમનો ‘નરેન્દ્ર’ કે સંક્ષેપમાં ‘નરેન’ ના નામે ઉલ્લેખ કરતા. જો કે એમણે પોતાના કેટલાક શિષ્યોને સંન્યાસી બનાવ્યા હતા પરંતુ ક્યારેય ઔપચારિક રૂપે સંન્યાસવ્રતનું અનુષ્ઠાન કર્યું ન હતું અને એમને સંન્યાસી નામ પણ આપ્યાં ન હતાં. આમ એમણે નરેન્દ્રને ‘કમલાક્ષ’ એવું ઉપનામ આપ્યું હતું, પરંતુ નરેને એનો તત્કાલ ત્યાગ કરી દીધો. ભારતમાં પોતાના પ્રથમ પરિભ્રમણ દરમિયાન એમણે પોતાની ઓળખાણ છુપાવવા માટે ભિન્ન ભિન્ન નામ ધારણ કર્યા હતા. ક્યારેક તેઓ ‘વિવિદિશાનંદ’ તો વળી ક્યારેક ‘સચ્ચિદાનંદ’ કહેવાતા. વળી અમેરિકા માટે પ્રસ્થાન કરતાં પહેલાં જ્યારે તેઓ થિયોસોફિકલ સોસાયટીના અધ્યક્ષ કર્નલ આલ્કોટ પાસે પરિચય પત્ર માગવા ગયા. એ સમયે કર્નલ આલ્કોટ એમને ‘સચ્ચિદાનંદ’ નામથી જ ઓળખતા હતા અને એમણે પોતાના અમેરિકન મિત્રોને એમની સહાયતા માટે લખવાને સ્થાને એમનાથી સાવધાન રહેવાનું લખ્યું હતું. જ્યારે તેઓ અમેરિકા જવાની પૂર્વ તૈયારી કરી રહ્યા હતા ત્યારે એમના મહાન મિત્ર ખેતડીના મહારાજાએ એમને ‘વિવેકાનંદ’ નામ બતાવ્યું. સ્વામીજીમાં રહેલી ‘વિવેકશક્તિથી’ પ્રેરાઈને એમણે આવું નામ બતાવ્યું હતું. નરેને એનો સ્વીકાર કરી લીધો, કદાચ તાત્કાલીક રૂપે. પરંતુ જો તેઓ એવું ઇચ્છતા હોત તો પણ એમાં ક્યારેય ફેરબદલો કરી શકે તેમ ન હતા. એનું કારણ એ છે કે કેટલાક મહિનામાં જ આ નામ સમગ્ર ભારત અને અમેરિકામાં છવાઈ ગયું હતું.’ (રોમાં રોલાં કૃત ‘સ્વામીજીની અંગ્રેજી જીવનકથા’, સં.૨૦૦૪, પૃ.૫)

શ્રીરામકૃષ્ણાનુરાગી સંન્યાસીઓનાં નામકરણ

શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી જ્યારે આ શિષ્યો ડિસેમ્બર, ૧૮૮૬માં આંટપુર ગયા ત્યારે ત્યાં ધૂણીની સામે એ લોકોના ત્યાગવ્રતના પ્રતીક રૂપે સંન્યાસ ગ્રહણ કરવાનો સંકલ્પ એ બધા લીધો હતો. પછીથી જણાયું કે એ મહાત્યાગી ઈશદૂત ઈશામસીહનો જન્મદિવસ હતો. ૧૮૮૭ના જાન્યુઆરીના ૩જા સપ્તાહમાં કોઈ એક દિવસ સાત કે આઠ ગુરુભાઈઓએ વિરજાહોમનું અનુષ્ઠાન કરીને સંન્યાસવ્રત સ્વીકાર્યું અને શ્રીરામકૃષ્ણ પાસેથી મેળવેલાં ભગવાં વસ્ત્રો ધારણ કર્યાં. એ દિવસે સ્વામીજીએ એમને સ્વામી બ્રહ્માનંદ, પ્રેમાનંદ, રામકૃષ્ણાનંદ, સારદાનંદ, નિરંજનાનંદ, અભેદાનંદ તથા ત્રિગુણાતીતાનંદ એવાં નામ આપ્યાં. થોડા દિવસો પછી બે અન્ય ગુરુભાઈઓએ પણ આ જ પ્રક્રિયા દ્વારા સ્વામી શિવાનંદ તથા સ્વામી અદ્વૈતાનંદ એવાં નામ ધારણ કર્યાં. લાટુ તથા યોગીન વૃંદાવન ગયા હતા અને ત્યાંથી પાછા ફર્યા પછી તેઓ પણ સ્વામી અદ્‌ભુતાનંદ તથા સ્વામી યોગાનંદ બન્યા. હરિનાથને પણ એ જ વર્ષે સ્વામી તુરીયાનંદ એવું નામ મળ્યું અને ગંગાધર તિબેટથી પાછા ફર્યા બાદ જુલાઈ, ૧૮૯૦માં સ્વામી અખંડાનંદ નામ ધારણ કરે છે. સ્વામી સુબોધાનંદના સંન્યાસગ્રહણ વિશે કંઈ જાણવા મળતું નથી અને હરિપ્રસન્ન ૧૮૯૮માં સંન્યાસ લઈને સ્વામી વિજ્ઞાનાનંદ બન્યા. આ રીતે સ્વામીજીએ પોતાના પંદર ગુરુભાઈઓનું નામકરણ કર્યું હતું. પરંતુ ૧૮૮૭માં એમણે પોતે કોઈ નામ લીધું હતું કે નહિ? અને જો લીધું હોય તો કયું નામ ધારણ કર્યું હતું એ વિશે અમે નિશ્ચિત રૂપે કંઈ જાણતા નથી.

‘વિવિદિશાનંદ’ નામનો ઈતિહાસ

સ્વામી અભેદાનંદની બંગાળી આત્મકથા પ્રમાણે જાન્યુઆરી, ૧૮૮૭ના એ ઐતિહાસિક દિન પછી કોઈ એક દિવસે સ્વામીજીએ પોતે ‘વિવિદિશાનંદ’ નામ ધારણ કર્યું હતું. સ્વામી શિવાનંદજી પણ પૂર્વોદ્ધૃત ૨૫ જૂન, ૧૯૨૮ના કહે છે કે વરાહનગર મઠના નિવાસના દિવસોમાં તેઓ ‘વિવિદિશાનંદ’ નામથી પરિચય આપતા. અત: એવું માની લેવું યોગ્ય ગણાશે કે સ્વામીજીએ પોતાની પ્રારંભિક યાત્રાઓ દરમિયાન જરૂર જણાય ત્યાં ‘વિવિદિશાનંદ’ નામનો ઉપયોગ કર્યો હતો. વારાણસીના પ્રમદાદાસ મિત્રને લખેલા એમના પત્રોમાંથી અને ગાજીપુરમાં પવહારી બાબાની સાથે એમની મુલાકાતના પ્રયાસોથી એ દિવસોમાં એમની મન:સ્થિતિમાં ‘વિવિદિશા’ અર્થાત્‌ જ્ઞાનપિપાસાનો ભાવ વ્યક્ત થાય છે.

એક અન્ય તથ્ય પરથી પણ એવું સિદ્ધ થાય છે કે સ્વામીજીએ આ ઐતિહાસિક વિરજાહોમને દિવસે બીજા ગુરુભાઈઓનાં નામકરણ સાથે નહિ પરંતુ ત્યાર પછી ક્યારેક અપ્રગટ રૂપે આ નામ ધારણ કર્યું હતું. ૧૮૯૦માં તિબેટથી પાછા ફર્યા બાદ સ્વામી અખંડાનંદ દ્વારા ગુરુભાઈઓનાં નામ વિશે જિજ્ઞાસા પ્રગટ કરતા વરાહનગર મઠમાંથી સ્વામી શિવાનંદજીએ પોતાના ૪ જાન્યુઆરીના પત્રમાં એમને જણાવ્યું હતું: ‘તમે અમારાં સંન્યાસનામ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એ નામ હું અહીં આપું છું. પરંતુ ખુલ્લા પત્ર પર આ નામ લખતા નહિ. એ પત્રમાં એ સમય સુધીમાં નામકરણ થયેલા સંન્યાસીઓનાં નામ આ ક્રમે આપવામાં આવ્યાં છે. નિરંજન – નિરંજનાનંદ સ્વામી, યોગેન – યોગાનંદ સ્વામી, બાબુરામ – પ્રેમાનંદ સ્વામી, લાટૂ – અદ્‌ભુતાનંદ સ્વામી, શશી – રામકૃષ્ણાનંદ સ્વામી, હરિબાબુ – તુરીયાનંદ સ્વામી, તુલસી – નિર્મલાનંદ સ્વામી, દક્ષ – જ્ઞાનાનંદ સ્વામી, કાલી – અભેદાનંદ સ્વામી, ગોપાલ દાદા – અદ્વૈતાનંદ સ્વામી. (બંગાળી ‘મહાપુરુષજીર પત્રાવલિ’, પૃ.૫-૬ અને હિંદી ‘યુગનાયક વિવેકાનંદ’, ભાગ.૧, સં.૧૯૯૪, પૃ.૧૯૩)

પત્રની નીચે શિવાનંદના નામે હસ્તાક્ષર છે. પર આશ્ચર્યની વાત તો એ છે કે એ સૂચિમાં સ્વામી બ્રહ્માનંદ, સ્વામી સારદાનંદ, સ્વામી ત્રિગુણાતીતાનંદ આદિના નામ નથી અને એવું નામ સંસ્કરણ થયું હોય તો કોઈને બતાવ્યું ન હતું. એ દિવસોમાં એમના પૈતૃક ભવનથી લઈને ન્યાયાલયમાં મુકદ્દમા ચાલતા હતા. એટલે પણ કદાચ એ સમય સુધી એમણે પોતાના સંન્યાસની વાત પ્રગટ ન પણ કરી હોય. ગુરુભાઈ વૃંદ અંદરોઅંદર એક બીજાને નરેનભાઈ, રાખાલભાઈ, હરિભાઈ વગેરે નામે સંબોધિત કરતા. અત: નામની કોઈ વ્યાવહારિક આવશ્યકતા પણ ન હતી. (સ્વામી એકાત્માનંદજીનો મત એવો છે કે સ્વામીજીએ વિરજાહોમના દિવસે જ ‘વિવેકાનંદ’ નામ ધારણ કર્યું હતું. જુઓ : “When did Swamiji really take the Name Vivekananda” – Swami Ekatmananda, Prabuddha Bharat, July 1995, P.297)

‘સચ્ચિદાનંદ’ નામનો પ્રયોગ

સ્વામીજી દ્વારા પ્રયોજાયેલાં નામોનું સર્વાધિક પ્રામાણિક પ્રમાણ છે, એ સમયકાળમાં એમણે લખેલા પત્રો. સ્વામીજીની ‘પત્રાવલિ’ના બંગાળી સંસ્કરણમાં આપણને જોવા મળે છે કે ૧૮૮૮ થી જૂન, ૧૮૯૦ના ઉપલબ્ધ પત્રોમાં એમણે ‘નરેન્દ્ર’ કે ‘નરેન્દ્રનાથ’ એવા હસ્તાક્ષર કર્યા છે. એ દિવસોમાં ગુરુભાઈઓને પરસ્પરના પત્ર વ્યવહારમાં પણ એમનો ઉલ્લેખ ‘નરેન્દ્ર બાબાજી’ રૂપે જ થયો છે. જુલાઈ ૧૮૯૦ થી સપ્ટેમ્બર, ૧૮૯૨ દરમિયાન સ્વામી સારદાનંદ, અલવરના ગોવિંદ સહાય, જૂનાગઢના હરિદાસ વિહારી દેસાઈ તથા ખેતડીના પંડિત શંકરલાલને નામે લખેલા પત્ર સંખ્યા ૫૩ થી ૬૨ સુધીના ૧૦ પત્રોમાં ‘વિવેકાનંદ’ કે કેવળ ‘વિ.’ રૂપે હસ્તાક્ષર કર્યા છે. ત્યાર પછી નવેમ્બર, ૯૨ (ભૂલથી ૯૩ લખાયેલ છે)ના મડગાઁવ (ગોવા)થી લખેલા પત્રમાં આપણને પહેલીવાર એમનું ‘સચ્ચિદાનંદ’ નામ જોવા મળે છે. આ પત્ર તેમજ ત્યાર પછીથી અમેરિકા જતાં પહેલાંના ૯ તેમજ હમણાં જ ખેતડીમાંથી મળેલા ૨ પત્રોમાંથી ૪માં ‘વિવેકાનંદ’ તથા ૫માં ‘સચ્ચિદાનંદ’ નામ જોવા મળે છે. એમાંથી એમણે ત્રણ પત્ર જૂનાગઢના દિવાન સાહેબને, બે પત્ર બેલગામના ઈંદુમતિ મિત્રને, ત્રણ પત્ર મદ્રાસના ભક્તોને અને બે પત્ર ખેતડી નરેશ અજિતસિંહને લખ્યા હતા.

આ પત્રનું નિરીક્ષણ કરવાથી એક મજાની વાત જોવા મળે છે અને એ વાત છે – જ્યારે તેઓ બેલગામ તથા મદ્રાસના ભક્તોને પત્ર લખે છે ત્યારે ‘સચ્ચિદાનંદ’ નામે હસ્તાક્ષર કરે છે અને જ્યારે ખેતડી તથા જૂનાગઢના મિત્રોને પત્ર લખે છે ત્યારે ‘વિવેકાનંદ’ના નામે હસ્તાક્ષર કરે છે. આ બાબત પરથી એવું તારણ કાઢી શકાય કે સ્વામીજી પોતાના જે નામે જેમની સાથે પરિચિત હતા તેમને તેઓ તે જ નામે હસ્તાક્ષર કરીને પત્ર લખતા. ખેતડીના રાજાને (૧૫ ફેબ્રુઆરી, ૧૮૯૩ના રોજ મદ્રાસથી) લખેલ એક પત્ર આનો અપવાદ છે. ખેતડીથી (ઈ.સ.૧૯૯૯) મળેલા સ્વામીજી સબંધિત કેટલાક પત્રોમાંથી એવું જાણવા મળે છે કે ભાવનગર (ગુજરાત)ના વજેશંકર ગૌરીશંકર તથા મુંબઈના બેરિસ્ટર રામદાસ છબિલદાસ સ્વામીજીને ‘સચ્ચિદાનંદ’ના નામે જ જાણતા હતા. (ખેતડીમાં તહેસિલ ખાતામાં ૧૯૯૯ના ફેબ્રુઆરી-માર્ચમાં આકસ્મિક રૂપે એક ફાઈલ મળી આવી. એમાં સ્વામી વિવેકાનંદના બે પત્ર હતા તથા સ્વામીજીના બીજા પરિચિતોના થોડા વધુ પત્રો પણ હતા. લેખકના અનુરોધથી શ્રીજાબરમલ શર્માના પૌત્ર દિલ્હી નિવાસી શ્રી શ્યામસુંદર શર્મા જયપુર ગયા તથા એ પત્રોની પ્રતિલિપિ લાવ્યા.)

૧૮૯૦ના જુલાઈમાં જ્યારે સ્વામીજી પોતાના ગુરુભાઈ અખંડાનંદની સાથે હિમાલયની યાત્રાએ ગયા ત્યારે ‘વિવિદિશાનંદ’ રૂપે જ ગયા હતા. એક સંભાવના એવી પણ છે કે ૧૮૯૧ના ફેબ્રુઆરીમાં દિલ્હીમાંથી ગુરુભાઈઓથી છૂટા પડીને રાજસ્થાન તરફ એકલા નીકળી પડ્યા. એ સમયે લોકોથી પોતાનો મૂળ પરિચય છુપાવવાની ઇચ્છાથી ‘વિવિદિશાનંદ’ નામનો પ્રયોગ છોડીને ‘વિવેકાનંદ’ નામ ધારણ કર્યું હતું. (યુગનાયક વિવેકાનંદ, ખંડ-૧, ૧૯૯૪, પૃ.૨૦૬, ૨૮૬-૮૭) અલવર, અજમેર, આબૂ, જયપુર, ખેતડી, જૂનાગઢના ભક્તો તેમજ મિત્રોમાં આ જ નામથી પરિચિત થયા. જ્યારે તેઓ દિલ્હીથી નીકળા ત્યારે સ્વામી અખંડાનંદે લલકારના સ્વરે કહ્યું હતું: ‘તમે ભલે પાતાળમાં પણ ચાલ્યા જાઓ તો ત્યાંથી પણ જો હું તમને ન શોધી શક્યો તો મારું નામ ગંગાધર નહિ.’ વળી પોરબંદરમાં સ્વામી ત્રિગુણાતીતાનંદ તથા જૂનાગઢમાં સ્વામી અભેદાનંદ સાથે મેળાપ થયા પછી સંભવત: પોતાનો મૂળ પરિચય છુપાવવાના વિચાર સાથે એમણે પોતાનું નામ ફરીથી બદલીને ‘સચ્ચિદાનંદ’ કરી લીધું. એવું જણાય છે કે ગુજરાતના કેટલાંક સ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ તથા તામિલનાડુના લોકોમાં તેઓ ‘સચ્ચિદાનંદ’ નામથી જ પરિચિત હતા. સ્વામી અભેદાનંદજીએ પોતાની આત્મકથામાં કહ્યું છે કે પોતાના પરિભ્રમણકાળ દરમિયાન જ્યારે તેઓ દિલ્હી જયપુર, ઉદયપુર, આબૂ, ગિરનાર, વગેરે સ્થળોની યાત્રા કરતા હતા ત્યારે – ‘મારા મનમાં નરેન્દ્રનાથને મળવાની તીવ્ર ઇચ્છા જાગ્રત થઈ. મેં નર્મદા પાર કરી અને જૂનાગઢ તરફ ચાલી નીકળ્યો. રસ્તામાં હું પોરબંદરના શ્રી શંકર પાંડુરંગના ઘરે અતિથિ રૂપે રહ્યો. શ્રી શંકર પાંડુરંગે મને બતાવ્યું કે થોડા સમય પહેલાં અંગ્રેજી ભાષામાં પારંગત સચ્ચિદાનંદ નામના એક બંગાળી સંન્યાસી પોરબંદર આવ્યા હતા. ‘સચ્ચિદાનંદ’ નામને કારણે હું એ સંન્યાસીને ઓળખી ન શક્યો. પછી મને ખબર પડી કે નરેન્દ્રનાથે જ ગુજરાત અને કચ્છમાં ભ્રમણ કરતી વખતે ‘સચ્ચિદાનંદ’ એવું છૂપું નામ ધારણ કર્યું હતું.’ સંન્યાસીનું વર્ણન સાંભળીને અભેદાનંદને નરેન્દ્રનાથની યાદ આવી અને એમને તેમની સાથે મુલાકાત ન થવાનું દુ:ખ પણ થવા લાગ્યું. ત્યાર પછી તેઓ જૂનાગઢ ગયા. ત્યાં એમણે લોકો પાસેથી અંગ્રેજી બોલનારા એક ઉચ્ચશિક્ષિત બંગાળી સંન્યાસી વિશે જાણકારી મળી. અને એ સંન્યાસી જૂનાગઢના નવાબના વ્યક્તિગત સચિવ એક ગુજરાતી બ્રાહ્મણ મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીના ઘરે ઉતર્યા. એમણે એ પણ જાણી લીધું કે એ સંન્યાસીનું નામ સચ્ચિદાનંદ છે. એમણે વિચાર્યું કે ‘સચ્ચિદાનંદ’ના છદ્મવેશે તેઓ અવશ્ય નરેન્દ્રનાથ જ હશે. એમનું અનુમાન સાચું પડ્યું અને તેઓ ત્રિપાઠીજીના ઘરે ગયા અને સ્વામીજીને મળ્યા. ત્યાર પછી ત્યાંથી વિદાય લઈને જ્યારે સ્વામી અભેદાનંદ મુંબઈ થઈને મહાબળેશ્વર પહોંચ્યા અને ત્યાં તેઓ નરોત્તમ મુરારજી ગોકુલદાસના અતિથિ બન્યા. તેઓ લખે છે : ‘ગોકુલદાસજીએ સ્વામી સચ્ચિદાનંદ અર્થાત્‌ નરેન્દ્રનાથના ગુરુભાઈના રૂપે મારું હાર્દિક સ્વાગત કર્યું. ત્યાર પછી દક્ષિણભારતની તીર્થયાત્રા પૂરી કરી જ્યારે અભેદાનંદજી આલમબજારના મઠમાં પાછા ફર્યા ત્યારે સ્વામી રામકૃષ્ણાનંદજીએ એમને પૂછ્યું કે શું એમની પાસે નરેન્દ્રનાથ વિશે કોઈ સૂચના માહિતી છે ખરાં? આ સાંભળીને અભેદાનંદજીએ કહ્યું: ‘હું નરેન્દ્રનાથને જૂનાગઢ તથા મહાબળેશ્વરમાં મળ્યો હતો અને નરેન્દ્રનાથ ‘સચ્ચિદાનંદ’ એવું છૂપું નામ ધારણ કરીને સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી રહ્યા છે.’ (કંમ્પલિટ વર્ક્સ ઑફ સ્વામી અભેદાનંદ, કોલકાતા, વૉ.૧૦, ૧૯૭૦, પૃ.૭૫૭-૫૯, ૭૬૧ અને ૭૬૫)

જૂનાગઢના દીવાનના નામે પત્ર વ્યવહારમાં ઉલ્લેખિત ‘વિવેકાનંદ’

આ રીતે સ્વામીજીના ગુરુભાઈઓ તથા એમની જીવનકથાના મુખ્ય લેખકોએ એ માની લીધું કે સ્વામીજીએ અમેરિકા માટે પ્રસ્થાન કરતાં પહેલાં થોડા સમયે એટલે કે ૧૮૯૩ના એપ્રિલ-મે મહિનાના કોઈ એક દિવસે ખેતડીમાં ‘વિવેકાનંદ’ નામ ધારણ કર્યું હતું. પણ પછીથી જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના નામે ૧૮૯૨માં લખેલ એમના મૂળ પત્રો મળ્યા. એ પત્રોમાં એમણે ‘વિવેકાનંદ’ એવા હસ્તાક્ષર કર્યા હતા. અર્થાત્‌ તેઓ અમેરિકા માટે રવાના થવાના ઓછામાં ઓછા એક વર્ષ પહેલાંથી જ આ નામનો પ્રયોગ કરતા હતા. આ વિશે પ્રોફેસર શંકરી પ્રસાદ બસુ લખે છે: ‘હરિદાસ વિહારીદાસને ૨૬ એપ્રિલ, ૧૮૯૨ના પત્રમાં ‘બિબેકાનંદ’ છે અને ૧૫ જૂન, ૯૨ના પત્રમાં ‘વિવેકાનંદ’ છે. વળી પાછું ૨૨ ઓગસ્ટના પત્રમાં ફરીથી ‘બિબેકાનંદ’ છે. (મૂળ પત્રોને મેં પોતે જોયા છે.) લેખનમાં અને વ્યવહારમાં આ પ્રકારના વારંવારના પરિવર્તનથી એવું અનુમાન કરી શકાય કે એ સમયે એમણે સાવ નવો નવો આ નામનો ઉપયોગ કરવાનો આરંભ કર્યો હશે. (‘સ્વામી વિવેકાનંદ ઓ સમકાલીન ભારતવર્ષ’, બંગાળી ગ્રંથ, કોલકાતા, ખંડ-૧, સં.૧૯૭૯, પૃ.૫૯) આ પહેલાં ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં ગિરનાર પર્વત પરથી દીવાન હરિદાસ વિહારીદાસને લખેલા પત્રમાં પણ એમણે ‘બિબેકાનંદ’ નામે હસ્તાક્ષર કર્યા છે.

પંડિત જાબરમલ શર્માનો મત

ખેતડીના વાક્યાત રજિસ્ટરમાં પહેલા દિવસથી જ ‘એક સંન્યાસી વિવેકાનંદ’ લખેલ જોવા મળે છે. (‘સ્વામી વિવેકાનંદ : એ ફરગોટન ચેપ્ટર ઑફ હિઝ લાઈફ’, ૧૯૮૨, પૃ.૨૦૯ – ‘લેખકે મૂળ વાક્યાત રજિસ્ટરની નોંધમાં પહેલા દિવસથી જ સંન્યાસી વિવેકાનંદ લખ્યું છે, પણ એ ગ્રંથના પૃષ્ઠ ૫૧ પર અનુવાદ કરતી વખતે ‘વિવેકાનંદ’ નામ આપ્યું નથી.’)

વાક્યાત રજિસ્ટર લખનારા કંઈ મોટા વિદ્વાન ન હોય. સંભવ છે કે મહારાજાએ એના લખેલ કાગળ પર સ્વામીજીનું ‘વિવિદિશાનંદ’ નામ અશુદ્ધ રૂપે લખેલ જોયું હોય એટલે એમના મનમાં સ્વામીજી સમક્ષ એવો પ્રસ્તાવ કરવાનો વિચાર આવ્યો. ખેતડીના વાક્યાત રજિસ્ટરમાં પહેલા દિવસથી જ ‘વિવેકાનંદ’ લખાયેલું હોવાનું કારણ બતાવતા શ્રીવેણીશંકર શર્મા લખે છે: ‘રાજ્યના ઇતિહાસજ્ઞો સાથેની પૂછપરછ પછી ખ્યાલ આવ્યો કે વાક્યાત લખનારાઓની આ એક સામાન્ય ટેવ હતી કે તેઓ દિન પ્રતિદિનની ઘટનાઓને કાગળના ટુકડા પર લખતા. પછી એને સારા અક્ષરે લખી નાખતા અને રાજા એને સ્વીકૃત કરતા. (‘સ્વામી વિવેકાનંદ – ઉનકે જીવનકા એક વિસ્મૃત અધ્યાય’, વેણીશંકર શર્મા, અનુ. રત્નાકર શર્મા, પ્રથમ સંસ્કરણ, પૃ.૫૧) સ્વામીજીએ નવીન ‘વિવેકાનંદ’ નામ ધારણ કરી લીધા પછી જ વાક્યાત રજિસ્ટરને અંતિમ રૂપે લખાયું હોય, એવો સંભવ છે. 

સ્વામીજીના અંતરંગ ગુરુભાઈ સ્વામી શિવાનંદ તથા સ્વામી અખંડાનંદ અને એક મુખ્ય શિષ્ય સ્વામી શુદ્ધાનંદ રામકૃષ્ણ સંઘના આદિકાલીન સંન્યાસીઓમાં ગણાય છે. એમાંથી અખંડાનંદ તથા શુદ્ધાનંદ પોતે જ ખેતડી જઈને થોડો સમય રહ્યા હતા. અત: એમના દ્વારા સાંભળેલો મત છે કે અમેરિકા જતાં પહેલાં ખેતડી નરેશના અનુરોધથી જ સ્વામીજીએ ‘વિવેકાનંદ’ નામ ધારણ કર્યું હતું, આ સમીચીન તથા સત્યની વધારે નજીક બેસતું છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે ‘વિવેકાનંદ’ નામ ગ્રહણની આ ઘટના એમના અમેરિકા પ્રસ્થાનના કેટલા દિવસો પહેલાં ઘટી હતી? એનો ઉત્તર છે પંડિત જાબરમલ શર્માની પુસ્તિકામાં. એ ઘટના અમેરિકા યાત્રાના લગભગ દોઢ વર્ષ પહેલાં ઘટી હતી.

૧૯૨૭માં પ્રકાશિત ‘ખેતડીનરેશ ઔર વિવેકાનંદ’ પૃ.૧૦-૧૧માં પંડિત જાબરમલ શર્મા લખે છે: ‘આ વાત કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે સ્વામીજીના સર્વજન વિદિત વિવેકાનંદ નામ રાખનારા રાજાજી હતા. સ્વામીજી પોતાનું નામ ‘વિવિદિશાનંદ’ લખતા. આ વાત એમના જૂના પત્રોમાંથી પ્રમાણિત થાય છે. ખેતડીની પ્રથમ યાત્રા (૧૮૯૧) વખતે એકદિવસ સ્વામીજી પાસે રાજાજી બેઠા હતા. હસતાં હસતાં એમણે કહ્યું: ‘મહારાજ, આપનું નામ ઘણું કઠિન છે. ટીકાકારની સહાયતા વિના સામાન્ય લોકો એનો અર્થ સમજી ન શકે. એનું ઉચ્ચારણ પણ સહજ નથી. એ ઉપરાંત હવે તો આપનો વિવિદિશાકાળ (જાણવાની ઇચ્છા) પણ સમાપ્ત થઈ ચૂક્યો છે.’ સ્વામીજીએ રાજાજીની યુક્તિપૂર્ણ સલાહ સાંભળીને પૂછ્યું: ‘આપ કયું નામ પસંદ કરો છો?’ રાજાજીએ કહ્યું: ‘મારી સમજ પ્રમાણે આપને યોગ્ય નામ છે – વિવેકાનંદ.’ સ્વામીજીએ પરમ અનુરક્ત રાજાજીની ઇચ્છા પ્રમાણે એ દિવસથી પોતાનું નામ વિવેકાનંદ માનીને એ પ્રમાણે વ્યવહાર કરવાનું શરૂ કર્યું. આ નામ કેટલું પ્રસિદ્ધ થયું, ભારતવાસીઓને કેટલું પ્રિય લાગ્યું, એ બધું લખીને બતાવવાની આવશ્યકતા નથી.

(ક્રમશ:)

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.