(ગતાંકથી આગળ)

એ દિવસોમાં એટલે કે જૂનના પ્રથમ સપ્તાહમાં સ્વામીજીના જીવનમાં સારું એવું મહત્ત્વ ધરાવનારી એક ઘટના ઘટી. એ ઘટના હતી – ખેતડીના નરેશ રાજા અજિતસિંહ સાથેની એમની મુલાકાત.

કિશનગઢના વકીલ ફૈઝ અલી અને એમના મિત્રો સાથે આબુમાં સ્વામીજીના અનુરાગીઓનું એક સારું એવું જૂથ જામી ગયું. થોડા જ દિવસો પછી એક દિવસ, સંભવત: ૪ જૂન, ૧૮૯૧ના રોજ ખેતડી નરેશના અંગત સચિવ મુન્શી જગમોહન લાલ વકીલ સાહેબ દ્વારા આમંત્રણ મળતાં, કિશનગઢની કોઠીમાં આવ્યા. સ્વામીજી એ સમયે એક માત્ર ભગવું કૌપિન પહેરીને તથા એક વસ્ત્ર ઓઢીને ખાટલા ઉપર સૂતા હતા. સૂતેલા સાધુને જોઈને મુન્શીજીએ મનમાં વિચાર્યું : ‘આ તો કોઈ જેવા તેવા સામાન્ય સાધુ લાગે છે, અનેક ચોર-લૂંટારા સાધુના વેશમાં ફરતા રહે છે, આ પણ એમાંના એક હશે.’

સ્વામીજીની ઊંઘ તરત જ ઊડી ગઈ. જગમોહન લાલે વાતચીતનો આરંભ કરતાં એમને પૂછ્યું : ‘વારુ, સ્વામીજી, આપ તો હિંદુ સંન્યાસી છો, છતાં પણ આપ એક મુસલમાનને ઘરે કેમ ઊતર્યા છો? આપના ભોજનને પણ જ્યારે ત્યારે એ લોકો સ્પર્શી લેતા હશે.’

આ પ્રશ્ન સાંભળીને થોડી નારાજગી વ્યક્ત કરીને સ્વામીજીએ કહ્યું : ‘આપ કેવી વાત કરો છો? હું સંન્યાસી છું. હું આપ સૌના સામાજિક વિધિનિષેધોથી પર છું. હું એક ભંગી સાથે પણ ભોજન કરી શકું છું. એનાથી ભગવાનના અપ્રસન્ન થવાનો મને ભય નથી, કારણ કે શાસ્ત્ર પણ એનું અનુમોદન કરે છે. પરંતુ મને આપ લોકોનો અને આપના સમાજનો ભય અવશ્ય છે. આપ સૌ તો ભગવાન અને શાસ્ત્રની પણ પરવા કરતા નથી. હું તો વિશ્વપ્રપંચમાં સર્વત્ર બ્રહ્મને જ પ્રકાશિત થતો જોઉં છું. મારી દૃષ્ટિએ ઉચ્ચ-નીચ કે સ્પૃશ્ય-અસ્પૃશ્ય એવું કંઈ નથી. શિવ! શિવ!!’

સ્વામીજીની વાણી દ્વારા જાણે કે વીજળી વહેતી હતી અને એમનું મુખમંડળ એક સ્વર્ગીય આભાથી પ્રકાશિત થઈ રહ્યું હતું. મુન્શી જગમોહન લાલે મૂંગા બનીને સ્વામીજીની બે-ચાર વાતો સાંભળી. મુગ્ધ બનીને મનમાં ને મનમાં આવું વિચારવા લાગ્યા – આપણા ખેતડીના મહારાજાધિરાજ સાથે આ સાધુનો પરિચય કરાવવો આવશ્યક છે.

એમણે કહ્યું : ‘કૃપા કરીને આપશ્રી અમારા મહારાજાને મળવા શું રાજભવનમાં આવશો?’ સ્વામીજીએ કહ્યું : ‘સારું. પરમદિવસે આવીશ.’ પાછા ફરીને જગમોહન લાલે બધી વાતો પોતાના રાજા અજિતસિંહને કહી. એનાથી રાજા સ્વામીજીને મળવા માટે વ્યગ્ર બની ગયા અને એમણે કહ્યું : ‘હું જ એમનાં દર્શન કરવા જઉં છું.’

મહારાજા અજિતસિંહ સાથે વાર્તાલાપ

મુન્શીજીએ પાછા ફરીને રાજાના મનની વાત સ્વામીજીને કહી અને તેઓ જરાય મોડું કર્યા વિના રાજા અજિતસિંહને મળવા એમને બંગલે પહોંચી ગયા. મહારાજાએ એમનું ઉમળકા સાથે સ્વાગત કર્યું. સ્વામીજીની જીવનકથામાંથી જાણવા મળે છે કે એ દિવસે રાજાએ સ્વામીજીને બે પ્રશ્ન પૂછ્યા હતા. અને એ પ્રશ્નોનો યુક્તિ-યુક્ત જવાબ મેળવીને રાજા સદાને માટે સ્વામીજીના અનુરાગી બની ગયા. એ બે પ્રશ્નો આ છે. 

મહારાજા : ‘સ્વામીજી, જીવન શું છે?’

સ્વામીજી : ‘એક અંતર્નિહિત શક્તિ (જીવાત્મા) જાણે કે અવિરામ પોતાના સ્વરૂપમાં પ્રગટ થવાની ચેષ્ટા કરે છે અને બાહ્ય પ્રકૃતિ એને દબાવે છે – પ્રતિકૂળ અવસ્થાઓની વચ્ચે જીવના આત્મસ્વરૂપની અભિવ્યક્તિને જ જીવન કહે છે.’

મહારાજા : ‘વારુ, સ્વામીજી શિક્ષણ કેને કહેવાય?’

સ્વામીજી : ‘વિચારો અને સ્નાયુઓ સાથે ઘનિષ્ટ સંબંધ સ્થાપિત કરવાનું નામ શિક્ષણ છે. ભાવોનું દૃઢસંસ્કાર રૂપે પ્રત્યેક શિરા અને સ્નાયુમાં વ્યાપ્ત થઈ જવું એટલે શિક્ષણ. જ્યાં સુધી આપણને અગ્નિની દાહક શક્તિનું જ્ઞાન-ભાન થતું નથી, જ્યાં સુધી તે અનુભવ આપણી ધમની કે મજ્જા સુધી પહોંચતું નથી, ત્યાં સુધી આપણને અગ્નિનું જ્ઞાન થતું નથી. થોડું ઘણું તર્કશાસ્ત્ર ગોખી લેવાથી જ શિક્ષણ મળી જતું નથી. જે જીવનની સાથે ભળી જાય તે જ સાચું શિક્ષણ છે; જેમ કે પરમહંસદેવને (શ્રીરામકૃષ્ણદેવ) (કામિનીકાંચનનો ત્યાગ હતો) નિદ્રા અવસ્થામાં પણ એમના કોઈ અંગને રૂપિયાનો સ્પર્શ કરાવવાથી એમનામાં (વીંછી કરડ્યાની વેદના જેવી) વિકૃતિ આવી જતી. આ રીતે જે સંસ્કાર મળે છે તે જ વાસ્તવિક શિક્ષણ છે.’

રાજા અજિતસિંહ એમની દરેક વાતને મંત્રમુગ્ધ બનીને સાંભળવા લાગ્યા- એમનું ચિત્ત એ સમયે જાણે કે એક એવા દિવ્યલોકમાં વિચરણ કરી રહ્યું હતું કે જ્યાં કેવળ સત્ય, શિવ અને સુંદર જ ચિરવિરાજિત થયા હોય.

ખેતડી રાજ્યના વાકયાત (આવાગમન) રજિસ્ટરમાં સ્વામીજીની મહારાજા સાથેની મુલાકાતની ઘણી નાની-મોટી જાણકારી જોવા મળે છે. આટલી શોધનું શ્રેય વિખ્યાત ઇતિહાસકાર પંડિત જાબરમલ્લ શર્માને જાય છે. ઉપર્યુક્ત રજિસ્ટરમાં ૪ જુલાઈથી ૨૭ ઓક્ટોબર, ૧૮૯૧ સુધીની પ્રવિષ્ટિઓમાં (નોંધમાં) મૂળ મારવાડી બોલીમાં પ્રાસંગિક સંક્ષિપ્ત ટીપ્પણીઓ આ રીતે આપી છે : 

‘વાકયાત (આવાગમન રોજનીશી) રજિસ્ટર’ (પૃ.૧૨૪-૨૮૬)
૪ જૂન, ૧૮૯૧, ગુરુવાર, મુકામ – આબૂ

૬.૩૦ વાગ્યે ઊઠ્યા. ૧૧ વાગ્યે ભોજન કર્યું, ૨.૩૦ વાગ્યે પોષાક ધારણ કરીને ઘોડા પર સવાર થઈને મોટા સાહેબ કર્નલ ટ્રેવર સાહેબને મળવા માટે આવ્યા. રેસિડન્સીની કોઠી પર એમની મુલાકાત થઈ. પછી ડો. સ્પેન્સર સાહેબ સાથે એમની કોઠી પર મુલાકાત થઈ. થોડીવાર વાતચીત કર્યા પછી નખી તળાવવાળી કોઠી પર મહારાજ પ્રતાપસિંહજી પાસે પધાર્યા અને ત્યાં પંદર મિનિટ રોકાયા પછી ૪.૩૦ કલાકે પોતાના ઉતારાના સ્થાને પાછા આવ્યા… ૭ વાગ્યે.. મહારાજ પ્રતાપસિંહજી અને શ્રી હજુર (રાજા અજિતસિંહ) ઘોડા પર સવાર થઈને સાથે સાથે પોતાના ઉતારે આવ્યા. મહારાજ પ્રતાપસિંહજી અડધો કલાક રોકાઈને ચાલ્યા ગયા. અને પોતે પુસ્તકો વાંચવા બેસી ગયા. 

થોડીવારમાં એક સંન્યાસી વિવેકાનંદજી આવ્યા. તેઓ બંગાળ દેશના હતા, અંગ્રેજી વિદ્યામાં સારી નિપુણતાવાળા વ્યક્તિ હતા, સંસ્કૃતની વિદ્યાવાળા અને સાદુતાધારી (સંન્યાસી અવસ્થામાં), અત: (મહારાજાની) એમની સાથે અનેક પ્રકારની વાતો થતી રહી. જોધપુરના હરદયાલસિંહ હાજર હતા. ૮ વાગ્યે ભોજન કર્યું. ૧૦.૩૦ વાગ્યે હરદયાલજીએ વિદાય લીધી. ૧૧ વાગ્યા સુધી વાતચીત કર્યા પછી સાધુજીને ભોજન કરાવ્યું. ત્યાર પછી એમણે વિદાય લીધી અને પોતે આરામ કર્યો.

૬ જૂન, ૧૮૯૧, શનિવાર, મુકામ – આબૂ

૫ વાગ્યે ઊઠીને હાથ-મોં ધોયાં. ૭ વાગ્યે પગપાળા હવાખાવા નીકળ્યા તથા કોઠીઓની મુલાકાત લેવા ગયા. વળી ૯ વાગ્યે પોતાના મુકામ પર પાછા આવ્યા, પત્ર લખ્યો.

૧૦ વાગ્યે સાધુ વિવેકાનંદજી આવી પહોંચ્યા. ૧૦.૩૦ વાગ્યે ભોજન લીધું. ત્યાર પછી સાધુજી સાથે અંગ્રેજી તથા સંસ્કૃતની વાતો થતી રહી. ૧ વાગ્યે આરામ કરવા ગયા.

૧૧ જૂન, ૧૮૯૧, ગુરુવાર, મુકામ – આબૂ

૬.૩૦ વાગ્યે (મહારાજાએ) હાથ-મોં ધોયાં. વચ્ચેના ઓરડામાં બેઠા. ૮.૧૫ વાગ્યે ઐરનપુરાની ફૌજના અફસર કર્નલ પર્સી સ્મિત તથા બિકાનેરની ફૌજના કેટિલ સાહેબ આવ્યા અને વચ્ચેના ઓરડામાં ખુરશીઓ પર બેઠા. ૧૫ મિનિટ સુધી વાતો કર્યા પછી એમના ચાલ્યા ગયા બાદ શ્રી હજુર અંદરના ઓરડામાં આવીને બેઠા. સંન્યાસી વિવેકાનંદ આવ્યા. એમની સાથે વિદ્યાસંબંધી વાતચીત થઈ. ૧૦.૩૦ વાગ્યે ભોજન લીધું. સંન્યાસીને પણ ત્યાં જ ભોજન કરાવ્યું. ત્યાર પછી સંન્યાસીએ કેટલાંક ભજન ગાયાં અને વળી વિદ્યા વિષયક વાતો શરૂ થઈ. બે વાગ્યે સંન્યાસી ચાલ્યા ગયા. ત્યાર પછી જગમોહન લાલે હાજર થઈને રિયાસતના કામકાજના કાગળ પ્રસ્તુત કર્યા.

૧૫ જૂન, ૧૮૯૧, સોમવાર

… ૧૦ વાગ્યે લોક સાહેબ મળીને ગયા. (ત્યાર પછી) સ્વામી વિવેકાનંદજી આવી ગયા. એમની સાથે વાતચીત થતી રહી. ૧૨ વાગ્યે ભોજન લીધું. સંન્યાસીને પણ ત્યાં જ ભોજન કરાવ્યું. ત્યાર પછી એમની સાથે જે વાતો થઈ તે ૩ વાગ્યા સુધી ચાલતી રહી.

૨૨ જૂન, ૧૮૯૧, સોમવાર

… ૯ વાગ્યે સ્વામી વિવેકાનંદજી સંન્યાસી આવીને બહારના ઓરડામાં બેઠા હતા. (મહારાજા) ત્યાં પધારીને બેઠા. સ્વામીજી સાથે જ્ઞાનની ચર્ચા થતી રહી. ૧૧-૪૫ વાગ્યે ભોજન આવી ગયું. સ્વામીજીને પણ પોતાની સાથે જ ભોજન કરાવ્યું. ત્યાર પછી તો હજુરસાહેબ ભીતરના ઓરડામાં લંબાવીને અખબાર જોતા રહ્યા અને વચ્ચેના ઓરડામાં વિરાજ્યા. ૨-૩૦ વાગ્યે (મહારાજા) વચ્ચેના ઓરડામાં આવીને વિરાજ્યા અને ૫-૦૦ વાગ્યા સુધી સ્વામીજી સાથે જ્ઞાનસંબંધી વાતચીત થતી રહી. ૫-૦૦ વાગ્યે સ્વામીજી વિદાય થયા.

૨૩ જૂન, ૧૮૯૧, મંગળવાર

… સ્વામી વિવેકાનંદજી આવી ગયા અને કોઠીમાં એમની સાથે વાતચીત થઈ. ૧૨ વાગ્યે ભોજન આવી ગયું. સ્વામીજીને પણ પોતાની સાથે જ ભોજન કરાવ્યું. ત્યાર પછી (મહારાજા) પલંગ પર લંબાવીને છાપું જોવા લાગ્યા અને ત્યાર બાદ આરામ ફરમાવ્યો.

૨૪ જૂન, ૧૮૯૧, બુધવાર

… ૭-૦૦ વાગ્યે ઊઠ્યા. ચીરુટ પીધી. હાથ-મોં ધોઈને વચ્ચેના ઓરડામાં વિરાજ્યા. પીકોક સાહેબે (માર્યા ગયેલા) વાઘને બંગલામાં લાવવાની આજ્ઞા કરી. શતરંજનો ખેલ થયો. કુંવર શિવનાથ સિંહજી આવ્યા. બેઠા. વાઘ 

૮-૩૦ વાગ્યે આવ્યો. પીકોક સાહેબે ચામડું ઉતારનાર નાથિયા ચમારને એની સાથે જ મોકલ્યો હતો. એણે સામે બેસીને તેની ચામડી ઉતરાવી. ૯-૧૫ વાગ્યે કુંવર વિદાય લઈને ચાલ્યા ગયા. ૯-૩૦ વાગ્યે પીકોક સાહેબ આવ્યા. ચામડી ઉતરતી જોઈને થોડીવાર દૂર ઉભા રહીને પાછા ગયા. વાઘની ચરબી વગેરેની વહેંચણી કરી દીધી. ચામડીને સૂકવવા નાખી.

સ્વામીજી આવી ગયા. એટલે કોઠીમાં એમની સાથે વાતચીત થતી રહી. ૧૨ વાગ્યે ખાવાનું આવી ગયું. સ્વામીજીને પણ પોતાની સાથે જ ભોજન કરાવ્યું. પલંગ પર લંબાવીને અખબાર વાંચતા રહ્યા. ૩ વાગ્યે આરામમાં પડ્યા. 

૪-૪૫ વાગ્યે ઊઠીને બહારના ઓરડામાં પધાર્યા. સ્વામી વિવેકાનંદજી સાથે વાતચીત શરૂ થઈ. ૫ વાગ્યે પહેલાથી નક્કી કરેલા સમયે છાલેસર (અલીગઢ પાસે)ના ઠાકુર મુકુંદસિંહજી અજમેરના આર્યસમાજના અધ્યક્ષ હરવિલાસજી, બી.એ.ને સાથે લઈને આવ્યા. હજુર સાહેબ ખુરશી પાસે ઊભા હતા. એમના આવવાની સાથે એમનું સ્વાગત કરીને પહેલાં ઠાકુર મુકુંદસિંહજી અને પછી હરવિલાસજીએ નજરાણું ધર્યું. એને હાથ લગાડીને પાછું મોકલી દીધું. પોતે બેસી ગયા અને એમને (પેલા બંનેને) ખુરશીઓ પર બેસાડ્યા. સ્વામીજી પણ એક ખુરશી પર બેસી ગયા. અડધા કલાક સુધી વાતો થઈ. ઠાકુર મુકુંદસિંહજીએ હાર્મોનિયમ વગાડ્યું. ત્યાર પછી તે લોકો વિદાય થયા અને શ્રી હજુર સાહેબ ઘોડા પર સવાર થઈને ફરવા નીકળ્યા.

૨૭ જૂન, ૧૮૯૧, શનિવાર

… સ્વામીજી આવી ગયા, તેથી વચ્ચેના ઓરડામાં વિરાજીને એમની સાથે વાતો કરતા રહ્યા. ૧૧-૩૦ વાગ્યે ભોજન આવ્યું. સ્વામીજીને પણ સાથે જ ભોજન કરાવ્યું. ૧૨ વાગ્યે પાલટ સાહેબ સાથે મળવા ગયા. ત્યાં ૧૫ મિનિટ રોકાયા પછી પોતાના મુકામે પાછા આવ્યા. થોડીવાર સ્વામીજી સાથે વાતો કરી, વળી હાર્મોનિયમ વગાડ્યું અને સ્વામીજી ગાતા રહ્યા. ફરીથી ૪-૦૦ વાગ્યા સુધી સ્વામીજી સાથે વાતો થતી રહી. 

૪ જુલાઈ, ૧૮૯૧, શનિવાર

… ૧ વાગ્યા સુધી શતરંજની રમત ચાલતી રહી. એટલામાં સ્વામી વિવેકાનંદજી સંન્યાસી આવી ગયા. અને વચ્ચેના ઓરડામાં વિરાજીને એમની સાથે વિદ્યા-કેળવણી સંબંધી વાતો થતી રહી.

૬ જુલાઈ, ૧૮૯૧, સોમવાર

… મહારાજા પ્રતાપસિંહજી તથા ઠાકુર ફતેસિંહજી ૧ કલાક સુધી રોકાઈને મોટા સાહેબ પાસે ચાલ્યા ગયા. ત્યાર પછી સ્વામી વિવેકાનંદજી સંન્યાસી આવી ગયા, બાજુના ઓરડામાં બેસીને એમની સાથે વાતો કરી.

૮ જુલાઈ, ૧૮૯૧, બુધવાર

… સ્વામીજી સાથે વાતો થઈ.

૯ જુલાઈ, ૧૮૯૧, ગુરુવાર

… જગમોહન લાલે જયપુર તથા ખેતડીના કાગળ રજૂ કર્યા. ત્યારબાદ સ્વામીજી તથા જગમોહનજી સાથે અને થોડીવાર પછી પેસ્તનજી સાથે વાતો થઈ. … ઠાકુર મુકુંદસિંહજીએ થોડીવાર સુધી હાર્મોનિયમ વગાડ્યું. 

૫-૪૫ વાગ્યે એમણે વિદાય લીધી. આપ (મહારાજા) હાથ-મોં ધોઈને ૬-૩૦ વાગ્યે ક્લબમાં પધાર્યા. આજે કુંવર શિવનાથસિંહજીની અને ફતેહસિંહજીની નખી તળાવવાળી કોઠી પર મિજબાની હતી. એટલે ક્લબમાં જતી વખતે કહી ગયા હતા કે બધા લોકો સારાં કપડાં વગેરે પહેરીને ક્લબમાં આવી જાય. 

… શ્રી હજુર ૭-૧૫ વાગ્યે ક્લબમાંથી પોતાના સીકરના શ્યામજી અને પોતાના મુકામના અન્ય લોકોને સાથે લઈને લેકહાઉસ પધાર્યા. ત્યાં ઠાકુર ફતેસિંહજીએ સ્વાગત કર્યું. (મહારાજ) ત્યાં બેઠા. અન્ય આમંત્રિત લોકો પણ ત્યાં પહોંચી ગયા. … થોડીવાર પછી શતરંજનો ખેલ થયો. ટપાલના પત્રો જોયા. સ્વામી વિવેકાનંદજી સાથે વાતો થતી રહી. ૧૧-૩૦ જમવાનું આવી ગયું. એક બાજુએ સ્વામીજી બેઠા. ૧૨ વાગ્યે ભોજન પૂરું થયું.

૧૧ જુલાઈ, ૧૮૯૧, શનિવાર

૭-૦૦ વાગ્યે ઊઠ્યા. ચિરુટ પીધી. હાથ-મોં ધોયા. સનદી કાગળો જોયા. પત્ર લખ્યા. ૧૧-૦૦ વાગ્યે ભોજન આવ્યું. ત્યાર પછી સ્વામીજી સાથે વાતો થઈ.

૧૪ જુલાઈ, ૧૮૯૧, મંગળવાર

વચ્ચેના ઓરડામાં વિરાજ્યા. શતરંજની રમત શરૂ થઈ. ૧૧ વાગ્યે ભોજન આવ્યું. સ્વામી વિવેકાનંદજી આવ્યા. એમની સાથે જ્ઞાન તથા પુસ્તકો વિશે વાતો થતી રહી.

૧૭ જુલાઈ, ૧૮૯૧, શુક્રવાર

૧૨ વાગ્યે ખાવાનું આવ્યું. ત્યાર પછી વચ્ચેના ઓરડામાં વિરાજીને સ્વામી વિવેકાનંદજી સાથે વાતચીત થઈ.

૧૮ જુલાઈ, ૧૮૯૧, શનિવાર, આબૂ

૮ વાગ્યે ઊઠ્યા. હાથ-મોં ધોઈને ૯-૩૦ વાગ્યે ઘોડા પર સવાર થઈને ખરીદેલી કોઠી જોવા ગયા. ત્યાં વિરાજીને વાતો કરતા રહ્યા. ૧૦-૩૦ વાગ્યે ઠાકુર ફતેસિંહજી આવ્યા.એમની સાથે વાતચીત થઈ. એકાદ કલાક રોકાઈને કોઠીને ચોતરફ જોયા પછી ઠાકુરે વિદાય લીધી. ૧૨ વાગ્યે ભોજન લીધું. ૧ વાગ્યે મોટાસાહેબ પાસે પધાર્યા. વાતચીત કરીને કોઠીની પરસાળમાં વિરાજીને શતરંજની રમત શરૂ થઈ. નાગંલ કોઠી ની મિજબાની ૨૧ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. બ્રાહ્મણ ભોજન પહેલાં કોઠીમાં અગ્નિહોત્ર કરાવ્યો. ભોજન કરનારા બ્રાહ્મણોને એક-એક રૂપિયો દક્ષિણા આપી. ૪-૦૦ વાગ્યે હાથ-મોં ધોઈને ૫-૦૦ વાગ્યે ક્લબમાં પધાર્યા. ત્યાં રમત શરૂ થઈ અને એરસ્કિન સાહેબ સાથે વાતો થઈ. ત્યાર પછી પીકોક સાહેબ સાથે એમની કોઠીએ ગયા. ત્યાં એમની સાથે વાતો થતી રહી. ૮-૩૦ વાગ્યે ખાસ કોઠીમાં પધાર્યા. આજ નાંગલ કોઠીની મિજબાની દરેક પ્રકારના ભોજનનો પ્રબંધ કરવામાં આવ્યો. ભોજન માટે ટેબલ લગાડી દીધા. એની ચારે તરફ ખુરશીઓ ગોઠવવામાં આવી.

સ્વામી વિવેકાનંદજી આવ્યા. એમની સાથે વાતો થઈ. ચોબેજીની સિતાર સાંભળી. ઠાકુર ફતેસિંહજી રાઠોડ, ઠાકુર મુકુંદસિંહજી ચૌહાણ (છાલેસર), માનસિંહજી (જામનગર)ને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, એટલે તે લોકો આવ્યા હતા. ઠાકુર ફતેસિંહજી સાથે ૫ આદમી, મુકુંદસિંહજી સાથે ૧ અને માનસિંહજી સાથે પણ ૧ આદમી આવ્યો હતો.

સરદાર લોકો પહેલાં તો મદ્યપાન કરતાં કરતાં વાતો કરતા રહ્યા. વળી ૧૨ વાગ્યે ખુરશી પર બેસીને ભોજન લીધું. ભોજનના ટેબલ પર લોકો આ ક્રમે બેઠા હતા. – શ્રી હજુર, ઠા. ફતેસિંહજી, ઠા.મુકુંદસિંહજી, જામનગરના માનસિંહજી, સીંગાસનના શ્યામજી લાડખાની, ઠા. ફતેસિંહજીના હમરાહી મોતીસિંહજી નાથાવત્‌, ઠા. મુકુંદસિંહજીના હમરાહી કેસરજી, ચિરાણાના બીંજજી- પોતાની પાસેના એક અલગ ટેબલ પર સ્વામીજીની અને બીજી બાજુએ એક બીજા ટેબલ પર બાબુ નેકીરામજી માટે થાળીઓ રાખી હતી. ભોજન ચાલતું રહ્યું. ભોજન પછી થોડીવાર બેઠા. ત્યારબાદ ઠાકુર ફતેસિંહજી, ઠાકુર મુકુંદસિંહજી, માનસિંહજી વિદાય લઈને ચાલ્યા ગયા. શ્રી હજુર મહારાજ હાર્મોનિયમ બજાવીને મનને બહેલાવતા હતા. ૧-૩૦ વાગ્યે આરામ ફરમાવ્યો. આજથી મુકામ આ કોઠીમાં આવી ગયો.

એક દિવસ રાજાએ કહ્યું : ‘સ્વામીજી, આપ મારી સાથે મારા રાજ્ય (ખેતડી)માં ચાલો.’ સ્વામીજીએ થોડું વિચારીને કહ્યું : ‘હા, વારુ. આપની સાથે આવીશ.’

વાઘનો શિકાર

એ સમયના અનેક રાજાઓની જેમ રાજા અજિતસિંહ વાઘના શિકારમાં ઘણો રસ લેતા. મુન્શી જગમોહન લાલ એક પત્રમાં લખે છે : ‘(રાજા અજિતસિંહ) બંદૂકનું નિશાન લગાડવામાં અદ્વિતીય હતા. … એમણે એટલા ભારે વાઘોનો અને એટલા મોટા ખુલ્લા પર્વતોમાં શિકાર કર્યો હતો કે એમની સંખ્યાની જાણ કેવળ (દરબારના) રજિસ્ટરો જોવાથી જ આવી શકે છે. (આદર્શ નરેશ, પૃ. ૩૫૮)

મદ્રાસથી પ્રકાશિત થનાર અંગ્રેજી માસિક ‘બ્રહ્મવાદિન’ (જુલાઈ, ૧૯૧૧, પૃ. ૩૦૩)માં પ્રકાશિત એક લેખમાં સ્વામીજીની પોતાની પણ વાઘના એક શિકારમાં ઉપસ્થિત હોવાની ઘટનાનો ઉલ્લેખ છે. એવું જણાય છે કે, આ એ જ ઘટના છે કે જેનો ઉલ્લેખ વાકયાત રજિસ્ટરમાં ૨૪ જૂનની પ્રવિષ્ટિમાં મળે છે. એનાથી એવો સંકેત મળે છે કે આગલા દિવસની સાંજે મહારાજા અજિતસિંહજી એક પાર્ટી સાથે વાઘના શિકારે ગયા હતા. એનું રોચક વિવરણ આ રીતે છે : ‘એકવાર એમના એક શિષ્ય એક રાજપૂત રાજા એમને શિકારે લઈ ગયા. પોતાના હાથમાં દંડ લઈને સ્વામીજી ચૂપચાપ એક વૃક્ષની નીચે બેસી ગયા અને બાકીના લોકો પોતાની બંદૂકો લઈને તત્પર થઈ ગયા. એક વાઘ સ્વામીજીની પાસેથી પસાર થઈને દોડ્યો. રાજા કિમ કર્તવ્ય વિમૂઢ તથા ભયભીત બનીને એક બંદૂક લઈને એ વૃક્ષ તરફ દોડ્યા અને સ્વામીજીને પણ એક બંદૂક લઈ લેવાનો અનુરોધ કર્યો. એમણે શાંતિપૂર્વક કહ્યું : ‘સાધુઓની આત્મરક્ષા માટે બંદૂકની આવશ્યકતા નથી હોતી. વાઘ પણ એમને નુકસાન કરી ન શકે. ઈશ્વરનું કોઈપણ પ્રાણી મારાથી કોઈપણ પ્રકારનો ભય ન કરે. -આ પ્રકારે હું બધાને અભય પ્રદાન કરવાનો સંકલ્પ લઉં છું. – શું આ સંન્યાસી મહાનવ્રત નથી? વસ્તુત: જે (પોતાની) ભીતરના વાસનારૂપે પશુને નિયંત્રિત કરી શકે છે તે બહારના પશુઓને પણ નિયંત્રિત કરી શકે છે.’

અસ્તુ. આ વાઘની ચામડી ખેતડી પણ લાવવામાં આવી. જેમ આપણે આગળ જોશું તેમ આનો વાકયાત રજિસ્ટરમાં ૯ ઓગસ્ટ, ૧૮૯૧ના રોજ પુન: ઉલ્લેખ થયો છે.

માઉન્ટ આબુથી પાછા ખેતડીમાં

ટિપ્પણી – ૨૪ જુલાઈ, ૧૮૯૧ના રોજ શ્રીમાન રાજા સાહેબ આબૂથી ૧૧-૧૫ કલાકે હાથગાડીમાં રવાના થઈને ખારચી સ્ટેશનથી ટ્રેનમાં બેઠા. ટ્રેન અજમેર થઈને ૨૫ જુલાઈના રોજ સવારે ૫ વાગ્યે જયપુર પહોંચી. ઠાકુર હરિસિંહજી, મુન્શી જગમોહન લાલજી, લાલા જમનલાલજી વકીલ, લાલા શિવબક્ષજી, પનેસિંહજી વકીલ, સીકરના પંડિત લક્ષ્મીનારાયણજી અને ગોપાલ સહાયજીએ ઉપસ્થિત થઈને મુલાકાત લીધી. ૫-૩૦ વાગ્યે મુકામ પર પધાર્યા.

(ક્રમશ:)

Total Views: 173

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.