નર્તકીનું નામ – મૈનાબાઈ
મુંબઈથી પ્રકાશિત સાપ્તાહિક ‘ધર્મયુગ’ના ૧૮ જાન્યુઆરી, ૧૯૮૭ના પૃ.૩૮ થી ૪૧માં ડૉક્ટર ત્રિલોકીનાથ વ્રજબાલે આમ લખ્યું છે: ‘ખેતડીમાં જ સ્વામીજીને અદ્વૈતજ્ઞાનસિદ્ધિની આનુષ્ઠાનિક પૂર્ણતા પ્રાપ્ત થઈ હતી. સાથે ને સાથે અહીં જ એમને સર્વ પ્રાણીઓમાં એક જ દિવ્ય આત્માનાં દર્શન થયાં હતાં. આ બધું સાંભળીને મને વિશેષ આશ્ચર્ય તો ત્યારે થયું કે જ્યારે મને દર્શાવવામાં આવ્યું કે સ્વામીજીની આ પ્રાપ્તિઓના મૂળમાં એક ગાયિકા મૈનાબાઈ હતાં. મૈનાબાઈના પ્રસંગની સત્યતા જાણવા માટે જ્યારે મેં તથ્યોને એકત્રિત કર્યાં અને એમનું વિશ્લેષણ અને સંશોધન કર્યું ત્યારે મને આ પ્રસંગ સાચો જ લાગ્યો.. પછીથી મને ખેતડીના એક મૂળ નિવાસી કેટલાંક સજ્જનોનાં કથનો તથા ચિડાવા (રાજસ્થાન)માંથી ૧૯૭૫માં પ્રકાશિત તેમજ કવિવર પરમેશ્વર દ્વિરેફ દ્વારા સંપાદિત ‘શેખાવાટી સ્મારિકા’ના પૃ.૧૩ પર પ્રકાશિત વેણીશંકર શર્માના લેખ પરથી એ નામની પુષ્ટિ મળી. ખેતડીના વયોવૃદ્ધ રાજપુરોહિત રામસ્વરૂપ પારીખે પણ ખેતડીની કેટલીક પ્રાચીન ગણિકાઓ વિશે વાત કરતાં મૈનાબાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો.. ક્યાંકથી આ કલાનિપુણ ગાયિકા મૈનાબાઈનું ચિત્ર મને મળી જાય એ માટે મેં ઘણા પ્રયત્નો કર્યા. પણ આ પ્રત્યનમાં મને સફળતા ન મળી. મૈનાબાઈ સૌંદર્ય, કલા, ભાવના, સંયમથી પરિપૂર્ણ વાક્ચાતુર્ય, હસમુખાપણું તેમજ વ્યવહારકુશળતાવાળાં ગાયિકા હતાં. રાજા અજિતસિંહ એમની કલા તથા વ્યવહારથી પૂરેપૂરા પ્રસન્ન અને સંતુષ્ટ હતા. એટલે જ તેઓ રાજાજીના વિશેષ કૃપાપાત્ર હતાં.’
પંડિત વેણીશંકર શર્માના ‘રાજસ્થાનમાં રામકૃષ્ણ મિશન, ખેતડી કેન્દ્ર’ એ શીર્ષક હેઠળનો લેખ કોલકાતાના ‘વિશ્વમિત્ર’ દૈનિકના ૧૭ જાન્યુઆરી, ૧૯૬૩ના અંકમાં પ્રકાશિત થયો હતો. તે લેખમાં શર્માજીએ વર્ણવ્યું છે : રાજાને ભજન સંભળાવવા માટે નર્તકીઓનું એક વૃંદ ઉપસ્થિત થયું. એ દળના નાયિકા મૈનાબાઈ હતાં. એમણે ખેતડી જઈને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે ‘ઉક્ત ભાગ્યશાળી નર્તકીનું નામ મૈનાબાઈ હતું’. (‘મહાપ્રાણ’ પાક્ષિક, ચિડાવા, રાજસ્થાન’ વર્ષ ૩, અંક ૧, મે, ૧૯૬૩, પૃ.૯ – જસરાપુર નિવાસી શ્રીશ્યામસુંદર શર્મા દ્વારા મળેલ)
ડૉ. ધન્નારામ પુરોહિતે ખેતડી વિશેનાં પોતાનાં સંસ્મરણોમાં આમ લખ્યું છે: ‘હું એક નિવૃત્ત ડૉક્ટર છું. રાજસ્થાનના અનેક ભાગમાં મેં સેવા કરી છે. મને ૧૯૬૦ના જાન્યુઆરીમાં પંચાયત સમિતિ, બુહાનાના ખેતડી ઉપખંડ, જિલ્લો ઝુંઝનૂમાં પશુપાલન પ્રસાર અધિકારી રૂપે નિમવામાં આવ્યો હતો. ત્યાં આ કાર્યભાર સંભાળ્યા બાદ મારે સમયે સમયે ખેતડી આવવા જવાનું થતું રહેતું… મારા ખેતડી ઉપખંડના પ્રવાસ દરમિયાન સિંઘાનાના મેડિકલ ઓફિસર ડૉક્ટર દ્વારકાનાથજી તથા એ સમયના જીવનવિમાના કર્મચારી લક્ષ્મણ આર્ય ત્યાં હતા. મારો એમની સાથે સંપર્ક થયો અને એ સંપર્કસંબંધ ઉત્તરોત્તર વધતો ગયો… એ બંને શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા… ખેતડીમાં ડૉક્ટર દ્વારકાનાથજી શર્મા તેમજ અન્ય વયોવૃદ્ધોને પૂછીને એ માહિતી મેળવું કે સ્વામી વિવેકાનંદ મહારાજને જેમણે ‘અવગુણ ચિત ન ધરો’ ભજન સંભળાવ્યું હતું તે હજુ હયાત હોય તો એમનાં દર્શન કરી લઉં, એવી મને ઇચ્છા થઈ. પૂછપરછ કરવાથી એવું જાણવા મળ્યું કે તેઓ હજુ જીવે છે.
એક દિવસ રજા મળતાં હું ડૉક્ટર દ્વારકાનાથજીને લઈને ખેતડી ગયો અને ત્યાંથી લક્ષ્મણ આર્યને સાથે લઈને અમે ત્રણેય એ ગાયિકાના ઘરે ગયા. એમને પ્રણામ કરીને આશીર્વાદ પણ મેળવ્યા. અમારી વિનંતીથી ધ્રુપદમાં ભગવાન શ્રીકૃષ્ણનું ભજન સંભળાવ્યું. એ પહેલાં તો એમણે કહ્યું: ‘બેટા, હવે તો વૃદ્ધ થઈ ગઈ છું. છતાં
પણ ચાર પંક્તિઓ સંભળાવવાનો પ્રયાસ કરું છું. મારી ઉંમર ૯૦ વર્ષની થઈ ગઈ છે. આ રીતે અમે એમની વાણી તથા આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્ય બન્યા. એ પૂજ્ય ગાયિકાનું નામ મૈનાબાઈ હતું અને એમને એક બહેન પણ હતી. એ બહેન એમનાથી પ્રમાણમાં ઘણી નાની હતી, એનું નામ જાનકીબાઈ હતું. તે ગયા વર્ષ સુધી જીવિત હતી. સંભવત: આજ સુધી પણ જીવતી હોય.
સ્વામી વિવેકાનંદજીની જીવનકથાઓમાં ભિન્ન ભિન્ન લેખકોએ ભિન્ન ભિન્ન વાતો સાથે વણીને આ ઘટનાનું વર્ણન કર્યું છે. આ વર્ણન અત્યુક્તિપૂર્ણ અને મનઘડંત છે. સ્વામીજીને ખેતડીના રાજકુમારના જન્મોત્સવ પર મુનશી જગમોહનલાલજી દીવાને સ્વર્ગસ્થ મહારાજા અજિતસિંહનું નિમંત્રણ મોકલ્યું અને એના આધારે એમને ૧૮૯૩માં મદ્રાસથી અહીં તેડાવવામાં આવ્યા. એટલે શ્રીમતી મૈનાબાઈ પાસેથી આ ઘટનાની સાચી વસ્તુ સ્થિતિ એટલે કે સાચી હકીકત શું હતી એ જાણવાની ઉત્કટ ઇચ્છા પ્રગટ કરી અને કૃપા કરીને એ સત્ય હકીકત બતાવવા પ્રાર્થના પણ કરી.
એટલે મૈનાબાઈએ દર્શાવ્યું કે મહેફિલ શરૂ થવાના સમયે સ્વામી વિવેકાનંદ મહારાજને બોલાવવામાં આવ્યા. અમે સાધુ સંન્યાસી છીએ, રાગરંગ કે ગાવા, વગેરેની મહેફિલોમાં અમારે માટે જવું ઉચિત નથી, એ આશય સાથે સ્વામીજી મહારાજે ના પાડી દીધી…
મહારાજ અજિતસિંહની ઇચ્છા હતી કે જ્યાં સુધી સ્વામીજી મહારાજ ન પધારે ત્યાં સુધી ઉત્સવ શરૂ ન કરવો. એટલે અનુનય વિનયપૂર્વક વિનંતી કરીને દસ મિનિટ માટે પણ જ્યાં ઉત્સવનું આયોજન થયું હતું એવા દરબાર હોલમાં સ્વામીજીને લાવવા માટે મુનશી જગમોહનલાલજીને મોકલ્યા.
આ સમય દરમિયાન મારા મનમાં એવું થયું કે હું તો એક નાચનારી છું, કદાચ એટલે જ સ્વામીજી મહારાજ મારે કારણે અહીં આવવા ઇચ્છતા નથી. પણ અમારો તો આ ધંધો હતો અને અમારા ઉદરપોષણનું એક સાધન હતો. પરંતુ પરમાત્માએ મને કોણ જાણે કેમ એવી પ્રેરણા આપી કે હું સ્વામીજીને ભજન સંભળાવું. એ સમયે સુરદાસનું ‘અવગુણ ચિત ન ધરો’ ભજન ગાવાની પ્રેરણા મને થઈ.
મુનશી જગમોહનલાલજીની પ્રાર્થનાથી સ્વામીજી મહારાજ ઉત્સવના સ્થળે પધાર્યા અને એમનાં સૂર્ય સમાન તેજોમય દર્શન કરીને હું ધન્ય બની ગઈ. મેં સ્વામીજી મહારાજની સમક્ષ સુરદાસજીનું ‘પ્રભુ મેરે અવગુણ ચિત ન ધરો’ એ ભજન ઘણા ભાવપૂર્ણ સુરે રજૂ કર્યું. સ્વામીજી મહારાજે અત્યંત આનંદપૂર્વક ભજન સાંભળ્યું અને મારી નજીક આવીને મને આશીર્વાદ આપ્યા. હું તો અત્યંત આનંદિત બની ગઈ. મારું જીવન પણ સ્વામીજી મહારાજની કૃપાથી ધન્ય બની ગયું, એ મને આજ સુધી આનંદ અર્પતું રહ્યું છે. ત્યાર પછી સ્વામીજી મહારાજ ઉત્સવ સ્થાનેથી ચાલ્યા ગયા અને ઉત્સવ તો ચાલતો રહ્યો. આ સાચી હકીકત છે.’ (‘મેરે ખેતડી કે સંસ્મરણ’, ડૉ. ધન્નારામ રાજપુરોહિત, સ્વર્ણ જયંતી સ્મારિકા, શ્રીરામકૃષ્ણ કુટીર, બીકાનેર, ૧૯૯૯, પૃ.૧૫-૧૮, સ્વામી અકામાનંદજીના સૌજન્યથી પ્રાપ્ત)
ધન્નારામજીની મૈનાબાઈ સાથેની આ મુલાકાત સંભવત: ૧૯૬૧માં થઈ હતી. એ સમયે જો તેઓ ૯૦ વર્ષના હોય તો સ્વામીજીની ઘટનાના ઉપર્યુક્ત સમયે ૧૮૯૧માં તેઓ ૨૧ વર્ષના હોવાં જોઈએ. ધન્નારામજીએ લખ્યું છે કે આ ઘટના ૧૮૯૩માં ઘટી હતી. એ વાત બરાબર નથી. એનું કારણ એ છે કે અમે ત્રણ પ્રાચીનતમ વિવરણોનું વર્ણન કરીને આગળ દર્શાવી ગયા છીએ કે આ ઘટના સ્વામીજીના પ્રથમ ખેતડી પ્રવાસ દરમિયાન જ ઘટી હતી.
ઘટનાના સ્થાનકાળ વિશે ભ્રાંતિ
ઉપર્યુક્ત ઘટનાને ૧૮૯૩માં અથવા જયપુરમાં બનેલ એ વાતને નિરુપિત કરવાની પરંપરા કોણ જાણે ક્યારથીયે શરૂ થઈ ગઈ. એવું લાગે છે કે સર્વ પ્રથમ સત્યેન્દ્રનાથ મજુમદારના ‘વિવેકાનંદ ચરિત’થી આ પરંપરાનો આરંભ થયો હતો. એમણે લખ્યું છે: ‘અમેરિકાની યાત્રાએ જતા પહેલાં સ્વામીજી ખેતડી થઈને જયપુર આવ્યા હતા. ગુરુદેવને વિદાય આપવા માટે ખેતડીના મહારાજા પોતે જયપુર સુધી આવ્યા હતા. એક દિવસ સંધ્યા સમયે બેઠકના અવસરે મહારાજાએ એક નર્તકીને બોલાવી.’ (નવું સં., પૃ.૧૮૩-૧૮૪)
બંગાળી માસિક ‘ઉદ્બોધન’ના વિવેકાનંદ શતાબ્દિ વિશેષાંકમાં પ્રખ્યાત લેખિકા શ્રીમતી જ્યોતિર્મયી દેવીએ લખ્યું છે: ‘એ ૧૮૯૦ કે ૧૮૯૩નું વર્ષ હતું. દંડકમંડળધારી, ખૂલે પગે ચાલનારા, ભગવાં વસ્ત્ર ધારણ કરેલ, એ દિવસોમાં અજ્ઞાત અને પછીથી વિશ્વવિખ્યાત બનેલ અપૂર્વ દર્શન તેજસ્વી સંન્યાસી ક્યારે અને કયે માર્ગે જયપુર આવ્યા? એ સમયે તેઓ કોઈ ધર્મશાળામાં કે પછી ખેતડી રાજાના જયપુર મહેલમાં ઊતર્યા હતા? એ સમયે મહારાજાએ સ્વામીજીને તત્કાલીન કોઈ વિખ્યાત ગાયિકાનું ગીત સાંભળવા બોલાવ્યા ત્યારે સ્વામીજીએ એ સ્ત્રીનું ગીત સાંભળવાની અનિચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ મહારાજાના આગ્રહ અને વિનંતીથી થોડીવાર તેઓ બેઠા. સ્વામીજીનો દ્વિધાભાવ જોઈને ગાયિકા થોડી ક્ષુબ્ધ થઈ ગઈ. આમ છતાં પણ એમણે કવિ સુરદાસનું એક વિખ્યાત ભજન ‘પ્રભુ મેરે અવગુણ ચિત ન ધરો’ ગાયું… કોઈ કોઈ પુસ્તકમાં જોવા મળે છે કે આ ભજન એમણે ખેતડી રાજાના જયપુર ભવનમાં જ સાંભળ્યું હતું.’ (‘સ્મૃતિર્ આલોય સ્વામીજી’ બંગાળી, ૧૯૯૦, પૃ.૩૦૧)
સ્વામી ગંભીરાનંદજીએ પણ પોતાના ગ્રંથ ‘યુગનાયક વિવેકાનંદ’માં આ ઘટનાનું સ્વામીજીના ખેતડીના બીજા પ્રવાસ અર્થાત્ ૧૮૯૩ની ઘટનાઓ સાથે જ વર્ણન કર્યું છે. એની પાદટિપ્પણીમાં એમણે આમ લખ્યું છે: ‘આ ઘટનાનાં સ્થળ, કાળ, વૃત્તાંત વગેરે વિશે મતભેદ છે. બંગાળી જીવનકથા પ્રમથનાથ બસુ કૃત ‘સ્વામી વિવેકાનંદ’ ભાગ-૧, (૧૯૯૪), પૃ.૧૬૭ પ્રમાણે આ ઘટનાનું સ્થાન ખેતડી (૧૮૯૧) છે. આમ છતાં પણ પાદટિપ્પણીમાં ગ્રંથકારે આમ લખ્યું છે: ‘આ ઘટના સંભવત: ખેતડી રાજાના જયપુર ભવનમાં ઘટી હતી.’ (‘યુગનાયક વિવેકાનંદ’ ખંડ-૧, સં.૧૯૯૮, પૃ.૩૫૪-૫૫) અન્યત્ર એમણે જ્યોતિર્મયીદેવીના લેખ ‘જયપુરે સ્વામી વિવેકાનંદ’ના આધારે આ ઘટના જયપુરમાં ઘટી હોય એમ માન્યું છે. (‘નવયુગધર્મ’, સ્વામી ગંભીરાનંદ, પૃ.૧૫૪-૬૪)
પરંતુ જ્યોતિર્મયી દેવીનો ઉપર્યુક્ત લેખ વાંચીને જાણવા મળે છે કે એમણે પ્રમાણભૂત ગ્રંથોનો આધાર લેવાને બદલે પોતાના પરિવારમાં અહીંતહીં સાંભળેલી વાતોના આધાર પર જ પોતાનો લેખ લખ્યો છે. એટલે એ આંશિક રૂપે સ્વીકાર્ય ગણાય.
ઉપર્યુક્ત વિશ્લેષણનો નિષ્કર્ષ
(૧) આ ઘટના ખેતડીમાં જ અને ૧૮૯૧માં ઘટી હતી. (૨) કદાચ નર્તકીઓ ઘણી હતી પણ એમાંથી મુખ્યનું નામ મૈનાબાઈ હતું અને ભજન એમણે જ ગાયું હતું. (૩) મૈનાબાઈએ એક નહિ પણ બે ભજન ગાયાં. (૪) સ્થાન – આપણે પહેલાં સ્વામીજીના ખેતડી પદાર્પણના પ્રસંગે કહી ગયા છીએ કે રાજા અજિતસિંહ દરરોજ સંધ્યાના સમયે દીવાનખાનાની છત પર બેસીને સામાન્ય પ્રજાજનોને મળતા અને થોડાં ભજન વગેરે પણ સાંભળતા. એટલે ખેતડી આવ્યાના પ્રથમ સપ્તાહમાં જો આ ઘટના બની હોય તો ત્યાં જ બની હોય એવી સંભાવના છે. (કાનપુર, આઈ.આઈ.ટી.ના પ્રૉ. અરુણકુમાર વિશ્વાસનો મત છે કે આ ઘટના ૯ ઓગસ્ટ, ૧૮૯૧ના રોજ દીવાનખાનાની છત પર ઘટી હતી. – એ પિલ્ગ્રિમેજ ઑફ ખેતડી એન્ડ સરસ્વતી વેલી, ૧૯૮૭, પૃ.૩૧)
અથવા થોડા દિવસો પછી જ્યારે રાજા અજિતસિંહ પન્ના તળાવના કિનારે આવેલ મહેલમાં રહેવા ચાલ્યા ગયા એ સમયે આ ઘટના ઘટી હોય તો તળાવના કિનારે રઘુનાથજીના મંદિર તરફની ઓશરીમાં કે આસપાસ આવેલ કોઈ ઉદ્યાનમાં પણ ઘટી હોય એવું બની શકે.
ઉપસંહાર
આ ઘટનાને વાંચીને કેટલાકના મનમાં આવાં પ્રશ્ન કે આશંકા ઊભાં થઈ શકે: ‘સ્વામીજીનું નર્તકીનું ગાન સાંભળવાનો ઈન્કાર કરવો એ ખરેખર અનુચિત હતો ખરો?’ અથવા બીજા શબ્દોમાં કહીએ તો : ‘શું એમને માટે નર્તકીનું ગીત સાંભળવું યોગ્ય હતું ખરું?’ એટલે અહીં વિવેચના કરવી આવશ્યક છે. નર્તકીનું ભજન સાંભળ્યા પહેલાંનો મનોભાવ અને ત્યાર પછીનો મનોભાવ એ બંને સંન્યાસીના બે ભિન્ન ભિન્ન આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે. સંન્યાસના બે આદર્શ હોય છે – એક વિવિદિશામૂલક અને બીજો જ્ઞાનમૂલક – વિદ્વત્ સંન્યાસ. અર્થાત્ એક સાધકનો આદર્શ અને બીજો સિદ્ધનો આદર્શ. વિવિદિશા એટલે કે સાધકની અવસ્થામાં સંન્યાસી માટે નર્તકી, ગણિકા કે ગાયિકાનું ગીત સાંભળવું સંપૂર્ણપણે નિષિદ્ધ અને વર્જિત છે. અને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થયા પછી સંન્યાસી પુરુષ કે નારી, પાપી કે પુણ્યાત્મા વગેરેના ભાવને વિસ્મૃત કરીને બધાની ભીતર એક જ બ્રહ્મ – પોતાના જ અંતરાત્માનું અવલોકન કરીને બધા પ્રત્યે સમભાવથી આચાર વ્યવહાર કરે છે – સમતા સર્વભૂતેષુ એતન્મુક્તસ્ય લક્ષણમ્ – આ ઘટના એ વાતની દ્યોતક છે કે સ્વામીજી એ દિવસે સંન્યાસની સર્વોચ્ચ પરમહંસ અવસ્થા તરફ સંક્રમણ કરી રહ્યા હતા. એટલે સ્વામીજી દ્વારા નર્તકીનું ભજન સાંભળવાનો ઇન્કાર કરવો પણ સંન્યાસના ઉચ્ચ આદર્શનું દ્યોતક છે. વળી પછીથી એમાં બ્રહ્મની અભિવ્યક્તિ જોઈને એમનું ભજન સાંભળવું એ એનાથી પણ ઉચ્ચતર આદર્શનું દ્યોતક છે. આ રીતે આપણે એમ કહી શકીએ કે આ ઘટનાના માધ્યમથી સ્વામીજીએ સંન્યાસના એક ઉચ્ચ આદર્શમાંથી બીજા ઉચ્ચતર આદર્શમાં સંક્રમણ કર્યું હતું. પછીના કાળમાં એકવાર એમણે પોતાના એક અમેરિકન મિત્ર ફ્રાંસિસ લેગેટને ૬ જુલાઈ, ૧૮૯૬ના પત્રમાં લખ્યું છે: ‘મારો એવો ખ્યાલ છે કે હું ધીમે ધીમે એ અવસ્થા તરફ આગળ વધી રહ્યો છું કે જ્યાં ખૂદ શેતાનને પણ, જો હોય તો, હું પ્રેમ કરી શકીશ. ૨૦ વર્ષની અવસ્થામાં હું એવો અસહિષ્ણુ અને કટ્ટર હતો કે જેથી હું કોઈનાયે પ્રત્યે સહાનુભૂતિ ન રાખી શકતો. કોલકાતામાં રસ્તાની જે બાજુએ થિયેટર છે એ બાજુએથી હું ચાલતો જ નહિ. હવે આ ૩૩ વર્ષની ઉંમરે હું વારાંગનાઓ સાથે પણ એક જ મકાનમાં રહી શકું છું. એમનો તિરસ્કાર કરવા, એક શબ્દ ઉચ્ચારવાનો કે એવો વિચાર કરવાનું પણ મારા મનમાં આવવાનું નથી. શું આ અધોગતિ છે? કે મારું હૃદય આગળ વધતાં વધતાં એ અનંતપ્રેમની તરફ મને લઈ જઈ રહ્યું છે કે જે સાક્ષાત્ ઈશ્વરસ્વરૂપ છે?.. ક્યારેક ક્યારેક મને એક પ્રકારનો ભાવાવેશ થાય છે. મને એવો પણ અનુભવ થાય છે કે હું જગતના બધાં પ્રાણીઓ અને વસ્તુઓને આશીર્વાદ આપું – બધા પદાર્થોને ચાહું અને એમને પ્રેમથી આલિંગન દઉં. અને હું એ પણ જોઉં છું કે પાપ એક ભ્રાંતિ જ છે… કોની પ્રશંસા કરું અને કોને નરસો કહું – આ બધો તો એમનો જ ખેલ છે.’
(ક્રમશ:)
Your Content Goes Here




