સ્વામી વિવેકાનંદ સમર્થ સત્યદ્રષ્ટા હતા. એમની બુદ્ધિપ્રતિભા અસાધારણ હતી. પરંતુ એથી પણ ઉચ્ચતર એમનું હૃદય હતું. એમણે એક વખત બેલુરમઠના શિષ્યવૃંદને કહેલું કે કવચિત્ જો બુદ્ધિ અને હૃદય વચ્ચે વિસંવાદ સર્જાય તો બુદ્ધિને નહીં પણ હૃદયને અનુસરવું. આ ભૂમિ પર અનેક મહાત્માઓએ અવતાર ધારણ કર્યો છે એમાંના કેટલાકના મતે હિમાલયની ગુફામાં આત્માનું ધ્યાન ધરવું એ ઈષ્ટ માર્ગ રહ્યો છે. સ્વામી વિવેકાનંદના મસ્તિષ્કમાં પણ આ પરંપરા માટે આકર્ષણ રહેતું હતું. એમની કારકિર્દીની શરૂઆતમાં એમના મસ્તિષ્ક અને હૃદય વચ્ચે વિસંવાદિતા સર્જાઈ: મસ્તિષ્ક પારંપરિક રીતે આત્મખોજમાં તલ્લીન થવા ઝંખતું હતું જ્યારે એમનું હૃદય આસપાસનાં દુખિયારાં માટે રુદન કરતું હતું. આખરે એમણે નિશ્ચય કર્યો કે એકાંતને છોડીને તેઓ માનવમાત્રના આત્મા માટે કાર્ય કરશે અને એ સેવા-યજ્ઞ દ્વારા જ પ્રભુને પ્રાપ્ત કરશે. આવા અનુકંપાસભર હૃદયને કારણે જ એમની પાસે પીડિતજનો ખેંચાઈ આવતા. આમ પોતાની ઓગણચાલીસ વર્ષની અલ્પઆયુ સ્વામીજીએ દરિદ્ર – નારાયણ માટે ખર્ચી નાખી. પોતાના આવા સ્વભાવને કારણે જ ૧૮૯૭ના મદ્રાસ ખાતેના પ્રખ્યાત ઉદ્બોધનમાં એમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે:

“અનુભવો, ભવિષ્યના મારા સુધારકો, ભવિષ્યના મારા દેશભક્તો, તમે અનુભૂતિ કરો. તમે અનુભવી શકો છો કે દેવો અને સંતોના લાખો સંતાનો ઘાતકીઓના પડોશી બની રહે છે! તમે અનુભવી શકો છો કે લાખો લોકો આજે ભૂખમરો વેઠી રહ્યા છે અને લાખો લોકો વર્ષોથી ભૂખમરો વેઠતા આવ્યા છે! તમે અનુભવી શકો છો ખરા કે અજ્ઞાન આજે કાળું વાદળ બનીને આપણી ભૂમિને ગ્રસી રહ્યું છે! શું આનાથી તમે અજંપો નથી અનુભવતા? આનાથી તમારી નિદ્રા ઊડી નથી જતી? શું તમે પાગલ જેવા નથી બની જતા?”

ઉપરના શબ્દો દ્વારા પોતાના દેશવાસીઓમાં પ્રવર્તમાન આધ્યાત્મિક અને ભૌતિક દરિદ્રતા પ્રત્યેનો ભારોભાર રંજ વ્યક્ત થયો છે. પોતાના દેશબાંધવો પ્રત્યેની આ ભાવનાથી પ્રેરાઈને એઓ સમગ્ર વિશ્વમાં નૈતિકતાનો વંટોળ બનીને ઘૂમી વળ્યા, તેમ જ અંત સુધી ઘૂમતા જ રહ્યા. રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના અને પૂર્વ અને પશ્ચિમમાંના એમના જીવનના પ્રત્યેક પ્રચાર-આંદોલનના મૂળમાં આ ભાવના રહેલી છે. એમનું જીવન એટલે મૂર્તિમંત કરુણા અને પવિત્રતા. આ વિશ્વમાં એમનો દેહધારણ કરવો અને લય પામવું ખૂબ ઝડપી અને આકસ્મિક હતું! પરંતુ આ ઓગણચાલીસ વર્ષના અલ્પગાળા દરમ્યાન લોકોમાં નવચેતના અને નવજીવનનો પ્રેરક પવન ફૂંકીને એમણે એટલું બધું પ્રાપ્ત કર્યું કે આપણા આ મહાન દેશની તવારીખમાં કદાચ એમની તુલના પૂજ્ય શંકરાચાર્ય સિવાય અન્ય કોઈ સાથે કરી ન શકાય.

આજે આપણે આપણી રીતે ભારતનું નવઘડતર કરીએ છીએ ત્યારે સ્વામીજીની શક્તિ અને હાજરીની આવશ્યકતા જણાય છે. અલબત્ત પાર્થિવ દેહે સ્વામીજી ઉપસ્થિત નથી પરંતુ એમના શબ્દો, એમનો ઉપદેશ આપણી સાથે છે. આપણા દેશમાં અજ્ઞાનતા છે, દરિદ્રતા છે અને તે દૂર કરવા આપણા દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને અનુરૂપ એવો સ્વામીજીએ આપેલ મંત્ર આપણી પાસે છે. એમણે સહિષ્ણુતા, વિશ્વબંધુત્વ અને સમાનતાનો નવો રાહ, નવો ધર્મ પ્રસ્તુત કર્યો. આપણે દેશમાં અનેક ઉથલ-પાથલ જોઈ છે, અનુભવી છે પરંતુ એ બધા પ્રચંડ ફેરફારો વચ્ચે પણ આપણે આપણી સંસ્કૃતિના હાર્દનું જતન કર્યું છે. હવે એ સંસ્કૃતિ અને સભ્યતાના હાર્દને ત્યજીને આપણે આગળ વધી શકીએ નહીં, વિકાસ સાધી શકીએ નહીં. એવું બને કે કેટલાક વિરલાઓ ચીલો ચાતરીને એકલા જ નવો પંથ બનાવે. કિંતુ બૃહદ જન સમુદાય તો આપણા પ્રાચીન વારસામાંથી જ પ્રેરણા મેળવે તે જ શ્રેયસ્કર છે.

સ્વામીજી પણ એમ જ ઇચ્છતા હતા. તેઓ તત્કાલીન સમાજમાં પ્રવર્તતી ક્ષતિઓ નાબૂદ કરીને રાષ્ટ્રવ્યાપી નૂતન, પ્રેરક ચેતના જાગૃત કરવા માગતા હતા. એટલા માટે જ રાષ્ટ્રને શક્તિશાળી અને સક્ષમ બનાવે તેવો સંસ્કૃતિનો પોષક અને સંવર્ધક સંદેશ એમણે પાઠવ્યો છે.

આપણે રાષ્ટ્રનું ઘડતર કરવાનું છે. એ કઈ રીતે કરવું, એ સમસ્યા છે. મારું માનવું છે કે ધર્મના પુનરુત્થાન સિવાય તે શક્ય નથી. જે વિવેકાનંદપ્રેરિત સર્વધર્મોને સમાન ગણતી વેદાંતાધારિત ધાર્મિક રાજ્યવ્યવસ્થામાં પ્રસ્તુત છે. જો કે વેદાંત વિચાર ભારતમાં નવો નથી. વસ્તુત: આપણે તે અપનાવવામાં ઊણા ઊતર્યા છીએ: આપણે ન તો તેનો ઉપયોગ કરી શક્યા કે ન તેને અમલમાં મૂકી શક્યા. આપણે જરૂર છે બુદ્ધીની કરુણા અને વ્યાવહારિકતાની અને વેદાન્તના તત્ત્વજ્ઞાનની. પોતાના મદ્રાસ ખાતેના પ્રવચનમાં સ્વામીજીએ કહેલું કે તેઓ માત્ર આપણા જ રાષ્ટ્રને નહીં બલ્કે અન્ય દેશોને પણ ઉપયોગી થાય એવો સંદેશ આપશે. બુદ્ધની માફક પોતાનો ઉપદેશ વધુ અસરકારક થાય તેમજ લોકોમાં તેનો પ્રચાર થાય તે માટે સ્વામીજીએ પણ સંન્યાસીઓ માટે મઠની સ્થાપના કરી. આ રીતે રામકૃષ્ણ મિશનનો ઉદ્ભવ થયો. આપણા માટે એ ગૌરવની અને આનંદની વાત છે કે એમના ઉમદા હેતુઓ અને ઉદ્દેશો મિશનની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કાર્યાન્વિત થયા છે. મિશનનાં કેન્દ્રોની ગરીબો માટેની, પીડિતો માટેની, અજ્ઞાનીઓ માટેની વિવિધ પ્રવૃત્તિ ઓમાં વેદાંત આ રીતે સાકાર થાય છે.

આપણા દેશની સૌથી મોટી સમસ્યા એના વિવિધ સંપ્રદાયો, વિવિધ જાતિઓ અને પંથો છે. શું આપણે આ ભેદરેખાને નાબૂદ ન કરી શકીએ? આપણે આગળ વર્ષીને વધુ શક્તિશાળી ન બની શકીએ? વિવેકાનંદજીએ શાતિપ્રથાનો પ્રચંડ વિરોધ કરતાં કહ્યું કે એ આપણી સામાજિક નબળાઈઓનું મૂળ છે. આપણે સામાજિક એકતા ગુમાવી દીધી છે માટે હજારો વર્ષોથી યાતના ભોગવી રહ્યા છીએ! સ્વામીજીએ પ્રવર્તમાન ધર્મની – રસોઈઘર અને ચૂલા સુધી પહોંચી ગયેલા સ્પૃશ્ય-અસ્પૃશ્યની ભાવનાયુક્ત-ધર્મની પણ ઝાટકણી કાઢી છે. એમણે સ્પષ્ટ રીતે કહ્યું કે જ્યાં સુધી આપણે આવા ‘ધર્મ’ના દાસ છીએ ત્યાં સુધી આપણે સમાનતાથી, સાચા ધર્મથી ઘણા દૂર રહીશું. લોકોએ એક થવું જોઈએ. જ્યારે અહીં તો આપણને જુદા પાડનારાં બધાં પરિબળો મોજૂદ છે! બ્રાહ્મણ એ છે કે જે બ્રહ્મવિદ્યામાં રચ્યો-પચ્યો રહે, પરંતુ અહીં તો એનો પુત્ર વ્યાપાર કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરે તો પણ એ બ્રાહ્મણ જ ગણાશે કારણ કે એણે બ્રાહ્મણને ત્યાં જન્મ ધારણ કર્યો છે!

જો આપણે વિકાસ સાધવો હોય તો ધર્મનું સત્ય સમજીને એનું આચરણ કરવું જોઈએ. માત્ર જન્મથી નહીં પરંતુ સદ્ગુણોને આધારે બ્રાહ્મણત્વનું મૂલ્યાંકન થવું જોઈએ. આપણા ધર્મનું હાર્દ તો કહે છે કે મ્લેચ્છ પણ ઉચ્ચતમ પદ પામી શકે છે. વેદાંતના આ મૂળભૂત સિદ્ધાંતોને આધારે સ્વામીજીએ છૂતાછૂતની ભાવનાને વખોડી માનવ-માનવ વચ્ચેની સમાનતાને બિરદાવી. દૃશ્યમાન ભેદ ફક્ત દેખાવ પૂરતો જ છે. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતાની સંભાવના સમાનપણે હોય છે. બધું જ ઉચ્ચતમ બનાવી શકાય છે, બધામાં મહાનતાની શક્યતા સમાયેલી છે; આ જડીબુટ્ટી દ્વારા આપણી મર્યાદા, આપણું અજ્ઞાન દૂર કરવું અશક્ય નથી. શું આપણે વેદાંતના આવા ઉદાત્ત આદર્શોવાળો સમાજ, આવી સંસ્કૃતિ રચી શકીશું? હું માનું છું કે ખરેખર ગંભીરતા પૂર્વકના પ્રયત્નોથી આપણે જરૂર સફળ થઈશું. આપણા દેશમાં આવા આદર્શોનો પ્રસાર કરવામાં આવે તો કયા હિંદુને તે અસ્વીકાર્ય હશે? ક્યો વિદેશી આમાં પોતાના જન્મજાત ધર્મસંસ્કારના પ્રતિભાવનું દર્શન કરવામાં નિષ્ફળ જશે?

સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રેરિત આ વેદાંત-વિચાર સરણી જ્ઞાતિપ્રથા અને અન્ય મતમતાંતરોને કારણે ઉદ્ભવતા આપણા સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય વૈમનસ્યને દૂર કરવા સમર્થ છે. હિન્દુ-મુસ્લિમ સમસ્યાનું પણ એ નિવારણ સૂચવે છે. આ ભૂમિકા પર દરિદ્રતાની સમસ્યા પણ હલ કરી શકાય. આપણે સુખી સમાજનું સ્વપ્ન સાકાર કરવું હોય તો ‘થોડા અમીરો અને ઘણા ગરીબો’ એવી પરિસ્થિતિ ચાલી શકે નહીં. આર્થિક અસમાનતાનું નિવારણ સ્વામીજીએ ઘણાં વર્ષો પહેલાં શોધી કાઢ્યું હતું. પોતાના એક લેખમાં તેઓ લખે છે કે “હું સમાજવાદી છું” બ્રહ્મવિઘા નિદર્શિત એકતા અને સમાનતાની ભાવનાને તેઓ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં અને સમાજમાં સ્થાપવા માગતા હતા. આજે રાજાઓ, જાગીરદારો અને અમીરવર્ગ, શ્રમિક વર્ગને હીણી નજરે જુએ છે, જે સ્વામીજીના ઉપદેશની વિરુદ્ધ છે. તેઓ કહેતા કે એ લોકો પણ તમારામાંના જ છે. એમનામાં પણ તમારા જેવું જ ઈશ્વરત્વ વસે છે. સ્વામીજી અદ્વૈતવાદકથિત અસ્તિત્વની એકતાનું સમાજમાં આરોપણ કરવા માગતા હતા. તેઓ માનતા કે જ્યાં સુધી ભૂખ્યા અને નગ્ન લોકોને ખોરાક અને કપડાં ન મળે ત્યાં સુધી એમને ધર્મબોધ ન કરવો જોઈએ. સમાજકલ્યાણ વિના ધર્મસ્થાપન અશક્ય છે. આથી જ આપણે આજે પણ સ્વામીજીને વંદીએ છીએ. હું સ્વામીજીનો શિષ્ય છું. હું એમના વિષે ઉદ્બોધન કરવાને લાયક પણ નથી પરંતુ આ મેં એમનામાં જોયું છે અને હું એ એમની પાસેથી શીયો છું. તેઓ સીમાઓ વળોટી ગયા અને આપણને પણ પોતાની સાથે સીમાપાર લઈ જવા માગતા હતા. તેઓએ આપણી ત્રુટિઓને ધૃણાથી નહીં પરંતુ કરુણાથી જોઈ, મદદરૂપ થવાની ભાવના સાથે આપણી હીનતાને વ્યથિત નજરે નિહાળી. પોતાના લેખમાં એમણે સમાજવાદનું ક્ષતિરહિત પદ્ધતિ હોવાને નાતે નહીં પરંતુ ‘તદ્દન ભૂખ્યા રહેવા કરતાં અડધો રોટલો સારો’ એવા ભાવથી સમર્થન કર્યું.

હું સ્વામી વિવેકાનંદને – ધાર્મિક, સાંસ્કૃતિક, અર્થશાસ્ત્રીય, સામાજિક – દરેક પ્રકારે પથદર્શક ગણું છું. એમણે દરેક ક્ષેત્રને આપણાં પ્રાચીનતમ તત્ત્વચિંતન-વેદાંતના આધારે પ્રતિપાદિત કર્યું. જો આપણે આ વાત ભૂલી જઈને આપણા રાષ્ટ્રનું ઐતિહાસિક ભૂમિકા પર ઘડતર નહિ કરીએ તો ભારત “ભારત” નહીં રહે! આપણે રામકૃષ્ણ મિશનના અને આપણા પોતાના પ્રયત્નો વડે સ્વામીજીના સંદેશમાંથી પ્રેરણા લઈને આપણા પોતાના માટે તેમજ વિશાળ દેશના બાંધવો માટે ઉચ્ચતર અને વધુ સમૃદ્ધ કક્ષાએ પહોંચવા પ્રયત્નશીલ થવું જોઈએ.

આત્મસાક્ષાત્કાર સાથે આપણો વિકાસ થંભી જવો ન જોઈએ. બલ્કે અન્યોના ઉદ્ધાર માટે સતત કાર્યશીલ રહેવું જોઈએ. આપણે સહુએ સ્વામી વિવેકાનંદના બોધના આ પાસાંને ધ્યાનમાં રાખી આપણાં ગામડાંની, આપણા દેશની અને આપણી ભગિનીઓ તથા ભાંડુઓની સળગતી સમસ્યાઓને પણ ધર્મક્ષેત્રમાંથી બાકાત રાખ્યા વગર જ ઉકેલ શોધવા જોઈએ. જો આપણે સ્વામી વિવેકાનંદના સંદેશ અનુસાર જીવીએ અને વર્તીએ તો બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાશે.

ભાષાંતરકાર : નીલા શાહ

(શ્રી જયપ્રકાશ નારાયણે રામકૃષ્ણ મિશન, દિલ્હીમાં આપેલ ભાષણ)

(‘પ્રબુદ્ધ ભારતમે, ૧૯૫૨માંથી સાભાર)

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.