(ગતાંકથી ચાલુ)
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.)
મદ્રાસમાં આપેલા, ‘ભારતનું ભાવિ’ વ્યાખ્યાનમાં, ઊંડી સમજણ અને દૃઢ શ્રદ્ધા સાથે કેટલાક તત્કાલીન પ્રશ્નો ચર્ચતું એ વ્યાખ્યાન છે, તેમાં – સ્વામી વિવેકાનંદે કહ્યું છે: “આવતાં પચાસ વર્ષ સુધી આપણું ધ્રુવપદ માત્ર આ રહેશે – આપણી મહાન આ ભારતમાતા, બીજા નકામા દેવોને આપણા મનમાંથી હાંકી કાઢો. આ એક જ દેવ જાગૃત છે, આપણી પોતાની પ્રજા – સર્વત્ર એના હાથ છે, સર્વત્ર એના પગ છે, સર્વત્ર એના કાન છે, બધું એનાથી આવૃત્ત છે. બીજા બધા દેવો સૂતેલા છે. આપણે બીજા ક્યા વૃથા દેવોની પાછળ દોડીશું અને આપણી ચારે પાસ જેને જોઈએ છીએ તે દેવને, તે વિરાટને ભજીશું નહીં? આપણે આની પૂજા કરીશું ત્યારે બીજા બધા દેવોની પૂજા કરવા આપણે સમર્થ બનીશું. આ વિરાટની પૂજા અર્થાત્ આપણી ચોમેર જે બધાં વસી રહ્યાં છે તેમની પૂજા – સૌથી પ્રથમ પૂજા છે એને પૂજો. આ પૂજા શબ્દ જ યોગ્ય છે.” (એજન વૉલ. ૩, પૃ. ૩૦૧) સ્વામીજીએ આ ભાષા વાપરી હતી – એમની પૂજા કરો. તો આપણે માનવીનું પૂજન કેવી રીતે કરી શકીએ? શેરીઓમાં ભીખારીઓ છે. એમની પાસે જઈ ટોકરી વગાડી એમનું મર્ત્ય કુરુતેડર્ચાવિડંબનમ્ (૩. ૨૯. ૨૧) પૂજન કરીશું? એ એક મૂર્ખ વિચાર છે. હિન્દુઓ મંદિરમાંની પૂજાને જ પૂજા સમજે છે. ત્યાં મૂર્તિ હોય છે, એ મૂર્તિને તેઓ કંઈ ધરે છે, ઘંટ વગાડે છે, ફૂલ ચડાવે છે, અને પ્રણામ કરે છે. પરંતુ વેદાંતમાં, ઉપનિષદોમાં અને ‘ભાગવત્’માં પૂજનનો અર્થ ઘણો વિશાળ છે. ‘ભારતનું ભાવિ’ વ્યાખ્યાનમાં સ્વામીજી એ અર્થને પ્રકાશમાં લાવ્યા. આ શબ્દો સ્વામીજી બોલ્યા ત્યારે તેમના મનમાં “શ્રીમદ્ભાગવત”નો એક મોટો શ્લોક હતો. એમના પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણે એમને, અને એમના દ્વારા આપણને, સૌને કહ્યું હતું કે દરેક જીવ શિવ છે, એ જીવની સેવા તે શિવસેવા છે. કેવું સુંદર સમીકરણ!
સામાન્ય માનવીને માટે ગૂઢ લાગતું પણ વૈજ્ઞાનિકને માટે સત્ય તેવું આઈનસ્ટાઈનના શક્તિ અને પદાર્થ વિશેના સમીકરણ, E = mc2, જેવું, માનવી વિશેનું આ પણ સમીકરણ છે. શ્રીરામકૃષ્ણ જ્યારે કહે છે કે, “દરેક જીવ શિવ છે”, “જીવ સેવા તે શિવ સેવા છે” ત્યારે, આપણને એ આશ્ચર્યકારક લાગે છે: એક સામાન્ય માનવીમાં આપણે શિવની પૂજા કેવી રીતે કરી શકીએ. પરંતુ એ સત્ય છે – આપણે એમાં ઊંડા ઉતરવું જોઈએ.
એ સંસ્કૃત શબ્દ માટેનો અંગ્રેજી પર્યાય “વર્શીપ” (Worship) છે અને બીજો કોઈ અંગ્રેજી શબ્દ ચાલી શકે તેમ નથી. એ સંસ્કૃત શબ્દ ક્યો છે? એ પ્રાપ્ત કરવા માટે ભક્તિ અને ગહન માનવતાવાદના મહાન ગ્રંથ શ્રીમદ્ ભાગવત્ માં આપણે જોવું પડશે. એના ત્રીજા સ્કંધમાં પોતાની માતા દેવહૂતિને અવતાર સ્વરૂપ કપિલ બોધ આપે છે, જેમાં નિર્મળ આધ્યાત્મિકતા વ્યક્ત કરવામાં આવી છે:
અહં સર્વેષુ ભૂતેષુ ભૂતાત્માવસ્થિત: સદા તમવજ્ઞાય માં મર્ત્ય કુરુતેઽર્ચાવિડંબનમ્ (3.29.21)
આ કેવું ક્રાન્તિકારી કથન છે! કપિલ કહે છે, “માતા, બધાં ભૂતમાં હું એમના આત્મા તરીકે વસુ છું” અહં સર્વેષુ ભૂતેષુ ભૂતાત્માવસ્થિત: સદા – હું સદાય ત્યાં છું માણસ રંક હોય કે ધનવાન હોય, પાપી હોય કે પુણ્યાત્મા, બધાં ભૂતોનાં હૃદયમાં હું નિત્ય વસું છું. બીજી પંક્તિ કહે છે કે તમવજ્ઞાય માં મર્ત્ય: કુરુતેડર્ચાવિડંબનમ્ – “મને અવગણીને બધાં પ્રાણીઓમાં મારું અપમાન કરીને (મૂર્ખ) મનુષ્યો મને મંદિરોની મૂર્તિઓમાં ભજે છે.” લોકો આમ જ છે. એ કેવું મૂર્ખાઈ ભર્યું કૃત્ય છે!
બધાં ભૂતોમાં હું છું જ. હું પ્રત્યેક પ્રાણીમાં છું તેને અવગણીને, તેનું અપમાન કરીને મંદિરોમાંની મારી પૂજા કરવાનો દેખાવ લોકો કરે છે. પછી લોકોની હારમાળા આવે છે. એક શ્લોકમાં કપિલ કહે છે. “હે માતા, પ્રાણીઓમાં રહેલા એવા હુંનું અપમાન કરીને મૂર્તિઓમાં મને પૂજે છે તેમની ભક્તિથી હું પ્રસન્ન નથી થતો.”
નૈવ તુલ્યેડચિતોડર્ચાયાં ભૂતગ્રામાવમાનિન: (૩.૨૯.૨૪) બધાં પ્રાણીઓનું અપમાન કરે- તેમને હડધૂત કરે તે છતાં ધર્મનો મોટો આડંબર કરે અને મંદિરમાં વિશુદ્ધતા દાખવે તેમનાથી હું પ્રસન્ન નથી.
પોતાના વ્યાખ્યાનમાં સ્વામીજીએ તેનો ઉલ્લેખ કર્યો હતો તે શ્લોક પછી આવે છે. અથ માં સર્વભૂતેષુ ભૂતાત્માનં કૃતાલયમ્ અર્હયેદાનમાનાભ્યાં મૈત્ર્યાભિન્નેન ચક્ષુષા (૩.૨૯.૨૭) સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ભારતના રાષ્ટ્રીય આદર્શો ત્યાગ અને સેવા છે. એ માર્ગે એને વધારો અને પછીનું થઈ રહેશે.” બધાંની સેવાનો, સેવાધર્મનો વિચાર એમણ પ્રબોધ્યો. એ સમયે એમણે દરિદ્રનારાયણ સેવા, મૂર્ખનારાયણ, રોગીનારાયણ જેવા અનેક નવા શબ્દો ઘડ્યા. આ વિષય પર એમણે જે કાંઈ કહ્યું તે સમજવા માટેની ચાવી આ શ્લોક આપણને આપ છે. “અથ”નો અર્થ તેથી “મામ્” મને; “સર્વભૂતેષુ”, બધાં પ્રાણીઓમાં; “ભૂતાત્માનાં,” બધાં પ્રાણીના આત્મા તરીકે; “કૃતાલયમ્,” (મેં) મંદિર બાંધ્યું. બધાં ભૂતોમાં મેં મારે માટે મંદિર બાંધ્યું છે. તો તમે મારે માટે ત્યાં શું કરશો? “અર્હયેત્ પૂજા યોગ્ય” ત્યાં મારું પૂજન કરો. આપણે આ સાંભળીએ છીએ પરંતુ એની સમજણ વિના આ બોધનો આપણે અનર્થ કરી નાખીશું. છેલ્લી કેટલીક સદીઓની અચલ ધર્મ પરંપરામાં ઉછરેલો ધર્મનું શિક્ષણ પામેલો એક સરેરાશ હિન્દુ મનુષ્યમાં ભગવાનને પૂજવાનો આ બોધ સાંભળશે તો, રસ્તે ચાલતા કોઈ પણ માણસને પકડીને એ કહેશે, “ઊભા રહો, ઊભા રહો” તમારી આરતી ઉતારવા દો: પછી એ નિરાશ થઈ જશે કારણ, મનુષ્યમાં ભગવાનની ભક્તિ કરવાનો એ માર્ગ નથી. મંદિરમાં દેવ પૂજાને એક રીત હોય છે. જીવતા મનુષ્યની પૂજાની રીત તદ્દન જુદી છે. આ શ્લોકના બાકીના ભાગમાં એ રીત સમજાવવામાં આવી છે. ‘માન’ શબ્દનો અર્થ માન આપ થાય છે. દરેક પ્રાણીમાં તું મને માન આપ. એ રંક હાય, એ પછાત હોય, એ પાપી પણ હોય, એ દરેકમાં તું મને માન આપ. હું દરેકમાં છું ‘માન’નો અર્થ આ છે. ‘માન’ શબ્દની પૂર્વે ‘દાન’ આવે છે – એની જરૂરીઆતો પૂરી કર, એ ભૂખ્યો હોય તો એને ખાવાનું આપ; અજ્ઞાની હોય તો એને જ્ઞાન આપ અને કંઈ પીડા હોય તો એને ચિત્તની શાંતિ આપ, મંદિરમાં આપણે જે વિધિઓથી પૂજા કરીએ છીએ તેમ કરીને નહીં પણ, આ રીતે મારી ભક્તિ કર. વિધિ-વિધાનો મંદિરમાં શોભે, અહીં નહીં. માનવીને જોઈએ છે એ આપો, એનું બહુમાન કરો, એક સિક્કો ફેંકીને એમ નહિ કહો કે “ભીખારી આ દસિયું લે ને ચાલતો થા.” એ સાચો રસ્તો નથી. આમ સદીઓ સુધી આપણે કર્યું છે. આપણે મનુષ્યને અવમાન્યો છે. એને સહાય કરવાના પ્રયત્નમાં પણ આપણે એની અવમાનના કરી છે. આ વાતને આપણે સમજીએ તો ભારતના બધા માનવ સંબંધોમાં પરિવર્તન આણી શકાય. આ ઈન્સ્ટિટ્યુટમાં હું હતો ત્યારે એકવાર ફ્રેન્ચ મુલાકાતીઓની એક મંડળી આવી, એમાંની એક વ્યક્તિ ઉત્સાહપૂર્વક મારી ઑફિસમાં ધસી આવી. મેં પૂછ્યું, “શી બાબત છે?”, “તમારા દેશમાં આ શું જોવા મળે છે?” એણે કહ્યું, “હું આ રસ્તે આવી રહ્યો હતો એક ભણેલો-ગણેલો અને સારાં કપડાં પહેરેલો સુંદર જુવાન એક ગરીબ માણસ વડે ખેંચાતી રીક્ષામાં બેસીને જતો હતો. એણે શું કર્યું તે તમને ખબર છે? એણે એક આઠ આનાનો ઘા કર્યો. એ સિક્કો રસ્તા પર પડ્યો અને પેલા ગરીબ રીક્ષાવાળાએ રસ્તા પરથી તે ઊંચકી લીધો. શું એ જુવાન પેલાના હાથમાં એ નહીં આપી શક્યો હોત?” મેં કહ્યું, “તમારી વાત સાચી છે. ભારતમાં એવા કેટલાય લોકો છે જે માનવતાવાદની ફિલસૂફીને સમજી શક્યા નથી. મંદિરમાં જઈ એ લોકો બહુ સારા દેખાશે, બીજા માણસના મોભાનો ત્યાગ કર્યા વિના સદ્ભાવપૂર્વક એની સાથે કેમ વર્તી શકાય તે પરિસ્થિતિ અમારે અહીં લાવવી છે. આ ફિલસૂફીને આ દેશે હજુ આત્મસાત્ કરવાની છે. પરંતુ હું તમને કહું છું કે આ યુગમાં જ અમે આ વસ્તુ હાંસલ કરવાના છીએ. એ માટેનો સંદેશ આપનાર મહાન ગુરુઓ અમને પ્રાપ્ત થયા છે. એને સંતોષ થયો. એણે કહ્યું કે “એવી આશા હોય તો અમને સંતોષ છે.”
‘ભાગવત્’ના શ્લોકને આગળ જોઈએ. દાન અને માન પૂરતાં નથી. એ પછી બે ભારેખમ શબ્દો આવે છે. માનવતાવાદની સમગ્ર ફિલસૂફી આપણને બે શબ્દોમાં સાંપડે છે ‘મૈત્ર્ય’- મૈત્રી. તમે જ્યારે સેવા કરો ત્યારે મૈત્રીની ભાવના સાથે કરો. એક ગરીબ માણસને મદદ કરો ત્યારે મૈત્રીની ભાવનાથી તેમ કરો અને એના કરતાં ચડિયાતાપણાની ભાવનાથી નહીં. મૈત્રીની આ ભાવના પણ પૂરતી નથી. ભાગવતમાં એક બીજો વધારે શબ્દ આવે છે. “અભિન્નેનચક્ષુષા” (સમદૃષ્ટિ, અભિન્નતાથી જોવાની દૃષ્ટિ)એ વેદાંતનું વચન ભાગવમાં દોહરાવ્યું છે. શંકરાચાર્ય “અભિન્નચક્ષુ” (સમદૃષ્ટિ)ની પ્રશંસા કરે છે. ભિન્ન ચક્ષુ (ભેદ) અજ્ઞાન છે. અભિન્નચક્ષુ, શાન છે. આપણે સૌ એક છીએ. તમે ગરીબ છો કે ધનવાન તેની મને પડી નથી તમારામાં દિવ્ય સ્ફુલિંગ છે તે હું જાણું છું. દરેક પ્રાણીમાં પરમાત્મા પૂર્ણપણે હાજર છે, અંશમાં નહીં. આપણા સૌમાં પરમતત્ત્વ એની પૂર્ણતાએ હાજર છે, “અવિભક્તંચભૂતેષુ વિભક્તં ઈવ ચ સ્થિતં” (ગીતા ૧૩.૧૬). દેખીતી રીતે ભિન્ન, સર્વ પદાર્થોમાં પરમાત્મા અવિભક્ત સ્વરૂપે વસે છે, જેમ વિભક્ત દેખાતો અવકાશ પણ ખરી રીતે અવિભક્ત, સર્વત્ર વસે છે તેમ. આ મકાન અવકાશના ટુકડા કરતું નથી, એ માત્ર ટુકડા કરતું દેખાય છે. અવકાશ અનંત છે, તેમ ઈશ્વર પણ અનંત છે.
પોતાનાં અનેક વ્યાખ્યાનોમાં સ્વામીજી અભેદ ઉપર ભાર મૂકે છે. ગરીબોને વેદાંત શીખવો, માછીમારોને વેદાંત શીખવો, દરેકને વેદાંત શીખવો. પરિણામ શું આવશે? પછી શક્તિ પ્રગટ થશે, શ્રદ્ધા પ્રગટશે. સામાન્ય માણસમાં જે વાંકા વળવાની વૃત્તિ પ્રવર્તે છે તે દૂર થશે, અને તેની સાથે, અભિમાનીમાંથી ગર્વની વૃત્તિ પણ દૂર થશે. એટલા માટે, “અભિન્નચક્ષુ”, અભિન્નતાની વૃત્તિ – આ વેદાંતનું વસ્તુ છે. બધો ભેદ અજ્ઞાનમૂલક છે. ભૌતિક વિજ્ઞાન કહે છે: “આપણે સૌ એક છીએ, આપણે સૌ જુદા છીએ તેવો વિચાર અજ્ઞાનથી જન્મે છે. તમારામાં શક્તિ છે તે, સૂર્યમાં શક્તિ છે તે, શક્તિનો એક અનંત મહાસાગર છે. આપણે સૌ એના ભાગીદાર છીએ. માટે, ભિન્નતાના ખ્યાલને હટાવો.” માત્ર શ્રીરામકૃષ્ણ પાસેથી, કે માત્ર વેદાંતમાંથી જ નહિ પરંતુ, રાજસ્થાનની એક ગાનારી સ્ત્રી પાસેથી પણ સ્વામીજી આ શીખ્યા હતા; એ સ્ત્રીએ, “પ્રભુ મેરે અવગુણ ચિત્ત ન ધરો, સમદર્શી હૈ નામ તીહારો…” એ સૂરદાસનું પ્રખ્યાત પદ ગાયું હતું:
પ્રભુ મેરે અવગુણ ચિત્ત ના ધરો !
સમદર્શી હૈ નામ તિહારો, ચાહે તો પાર કરો
ઈક લોહા પૂજામેં રાખત ઈક ઘર બધીક પર્યો
પારસ ગુણ અવગુણ નહીં ચિંતવન કંચન કરત ખરો.
એટલે હે પ્રભુ મારા અવગુણ તરફ દુલર્ક્ષ કરો! સ્વામીજીએ કહ્યું છે: “આ ગીતે મારી આંખો ઉઘાડી. પુરુષ અને સ્ત્રી વચ્ચે હું ભેદ પાડતો હતો. મારે એનું ગીત સાંભળવું ન હતું. પરંતુ હવે એણે મારી આંખો ખોલી નાખી છે.” માટે આ ભેદ બુદ્ધિને સદંતર દૂર કરવી રહી. આપણે સૌ તત્ત્વત: એક છીએ. વેદાંત શીખવે છે કે બધાં ભૂતોમાં એક જ આત્મા વસે છે. “ગીતા”એ આ વિચારને સામાજિક દર્શન તરીકે વિકસાવ્યો; અભેદદૃષ્ટિની, સમદર્શિત્વની ફિલસૂફી ગીતાએ વિકસાવી. “ગીતા”માંથી (૧૩.૨૮) અવતરણ લઈએ.
સમં પશ્યન્હિ સર્વત્ર, સમવસ્થિતમીશ્વરમ્।
ન હિન્સ્ત્યાત્મનાત્માનં, તતો યાતિ પરાં ગતિમ્॥
(આમ એ જ પરમાત્માને સર્વત્ર જોઈને, એ સાધુ પુરુષ બીજામાં રહેલા પરમાત્માને ઈજા પહોંચાડતો નથી અને તેમ કરીને પરમ ગતિને પામે છે). વેદાંતમાં આ સમદર્શિત્વના વિચારનો બોધ ફરી ફરીને દેવામાં આવ્યો છે. પરંતુ આ બધા બોધ છતાં આપણા વ્યવહારમાં આપણે એમાંનું કંઈ જોતા નથી. જ્યાં ચડઊતર ક્રમના અનંત ભેદો છે તેવો દેશ માત્ર ભારત છે. આને લઈને સદીઓથી આપણે પ્રજા તરીકે નિમ્ન કક્ષાએ ગયાં છીએ. આમ ધર્મના કારણે નથી બન્યું, પરંતુ, ધર્મ અને ફિલસૂફીની ખોટી સમજણનો આપણને જે વારસો મળ્યો છે તેને લઈને બનવા પામ્યું છે. એને ઉપર ઉઠાવો અને દેશમાં બધું બદલાવા લાગશે. લાહોરમાંના પોતાના વેદાંત પરના પ્રવચનમાં સ્વામીજીએ કહ્યું હતું: “આ કલંકને ધોઈ નાખો.” (કમ્પ્લીટ વર્કસ, વૉ. ૩, પૃ. ૪૩૧) ક્યું છે એ કલંક? આ દેશમાં અનંત કાળથી ગંગા વહ્યા કરે છે પરંતુ લોકોને પીવા માટે ખાબોચિયાનું પાણી તમે આપો છો. અહીં ગહન બોધ છે. – બધાંમાં એક જ આત્મા વસે છે અને તેમ છતાં આપણે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરીએ છીએ. આપણે આમ જનતાનું શોષણ કરીએ છીએ. આ વિસંવાદ દૂર કરવો રહ્યો. “આ કલંકને દૂર કરો.” આપણે આમ કરવાનું છે.
(ક્રમશ:)
ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા
Your Content Goes Here




