દરેક મહાપુરુષ સમાજ કે રાષ્ટ્ર માટે આવશ્યક એવા વિશિષ્ટકાર્ય માટે જન્મે છે અને તે દેશકાળને આવશ્યક એવું કાર્ય કરે છે. દરેક મહાપુરુષનાં જીવનકાર્ય અને સંદેશનું એક વિશિષ્ટ સ્વરૂપ હોય છે. સ્વામી વિવેકાનંદ ભારતીય સમાજના એક વિશિષ્ટ કાળમાં જન્મ્યા અને જીવ્યા. એમનો એક વિશિષ્ટ સંદેશ છે, જે તેમનાં જીવનકાર્ય અને વાણી દ્વારા સમજી શકાય છે. આપણે અહીં સ્વામીજીના જીવનસંદેશને સમજવાનો પ્રયત્ન કરીએ.

(1) રાષ્ટ્રનું નવજાગરણ : કોઈપણ રાષ્ટ્ર કે પ્રજા જ્યારે તમસ્, અજ્ઞાન અને અકર્મણ્યતામાં સ્થગિત થઈ ગઈ હોય, ત્યારે સ્વાતંત્ર્ય અને ઉચ્ચતર આધ્યાત્મિક જીવનનો સંદેશ તેમને પચે નહીં. પ્રથમ કાર્ય તેમના પ્રાણને જાગ્રત કરવાનું છે; તેમનામાં શક્તિસંચાર કરવાની જરૂર હોય છે. પ્રજા તમસ્માંથી મુક્ત થાય અને કર્મપ્રવણ બને, એ રાષ્ટ્રજીવનની પ્રથમ આવશ્યકતા છે.

સ્વામીજીએ તેમની ભારતયાત્રા દરમિયાન જોયું કે ભારતની તાત્કાલિક આવશ્યકતા સ્વાતંત્ર્ય અને આધ્યાત્મિક ઉત્થાન નથી. પ્રજા આ બન્ને ઉચ્ચતર ધ્યેય તરફ ગતિ કરે, ત્યાર પહેલાં તેમને તમસ્માંથી મુક્ત થઈને જાગરણના પ્રકાશમાં આવવાની જરૂર છે. અધ્યાત્મ તો ભારતીય સમાજનો પ્રાણ છે, તેથી ભારતીય સમાજના હાર્દને સમજનાર અને અધ્યાત્મનિષ્ઠ સ્વામીજી અધ્યાત્મના મૂલ્યને ક્યારેય ઓછું ન આંકતા. સાથે ને સાથે રાષ્ટ્રની સ્વતંત્રતાનું મૂલ્ય પણ તેઓ પૂરેપૂરું સમજતા હતા. છતાં પણ તેમણે જોયું કે અત્યારે પ્રથમ મહત્ત્વનું કાર્ય રાષ્ટ્રના જાગરણનું છે. તેમણે જોયું કે રાષ્ટ્ર જાગ્રત થશે તો સ્વાતંત્ર્ય તો આવશે જ. અને જો રાષ્ટ્ર જાગ્રત નહીં હોય તો મળેલું સ્વાતંત્ર્ય પણ ગુમાવી બેસશે. તેમજ અધ્યાત્મ તો ભારતીય પ્રજાના લોહીમાં વણાયેલ છે, અને જો ભારતીય સમાજને જાગ્રત કરી શકાય તો આધ્યાત્મિક વિકાસનો ઉન્મેષ પણ આવશે જ. વળી તમસ્માં સડી રહેલી પ્રજા માટે પ્રથમ આવશ્યકતા આધ્યાત્મિક વિકાસની નહીં, પણ એમના પ્રાણજાગરણની છે. અધ્યાત્મનું સોપાન ત્યાર પછીનું છે. એટલે એમણે રાષ્ટ્રના જાગરણને અગ્રિમ મહત્ત્વનું કાર્ય ગણ્યું છે. તેમનાં જીવન, કાર્ય અને વાણીમાં તેમનો આ સંદેશ જોઈ શકાય છે.

(2) જીવનનિષ્ઠ અધ્યાત્મ : મધ્યયુગ આખી દુનિયામાં અંધકાર યુગ ગણાય છે. આપણા દેશમાં પણ રાષ્ટ્રજીવન, ધર્મ અને અધ્યાત્મમાં ઘણા ભ્રામક ખ્યાલો પેસી ગયા હતા, અનેક દૂષણો ઊભાં થયાં હતાં. આમાંનું એક દૂષણ એ હતું કે અધ્યાત્મ અને વ્યવહારિક જીવન પરસ્પર વિરોધી બની ગયાં હતાં. વૈરાગ્યના ઉપરછલ્લા ખ્યાલ અને અપૂરતી સમજને કારણે અધ્યાત્મને જીવનથી વિમુખ એવું સ્થાન અપાયું. આ જગત દુ:ખમય, અસાર અને ત્યાજ્ય છે, તેથી તેનો ત્યાગ એ જ યથાર્થ માર્ગ છે. આમ માનીને અધ્યાત્મપથના પથિક સામાન્ય જીવનથી વિમુખ બની ગયા. અધ્યાત્મ અને સામાન્ય જીવન વચ્ચે એક ખાઈ ઊભી થઈ ગઈ. અધ્યાત્મ અકર્મણ્યતા અને તમસ્નું પોષક બન્યું. સ્વામીજીની વિચક્ષણ દૃષ્ટિએ રોગનું મૂળ પારખી લીધું. તેમણે જોયું કે અધ્યાત્મ એના યથાર્થ સ્વરૂપે આ વ્યાવહારિક જીવનનું વિરોધી નથી. જે અધ્યાત્મજીવનને પંગુ બનાવી મૂકે છે, તે અધ્યાત્મ ખરું અધ્યાત્મ નથી. અધ્યાત્મથી જીવન પરિપૂર્ણ બને છે, ધન્ય બને છે. જીવનવિરોધી નહીં પણ જીવનનિષ્ટ અધ્યાત્મ દ્વારા વ્યક્તિ અને રાષ્ટ્રના જીવનમાં ક્રાંતિ આવી શકે છે. અધ્યાત્મના આ જીવનનિષ્ઠ સ્વરૂપને સ્વામીજીએ પ્રજા સમક્ષ મૂક્યું, એટલું જ નહીં તેઓ એ રીતે જીવ્યા. તેઓ સ્વભાવત: અધ્યાત્મપુરુષ હતા, છતાં તેઓ સામાન્ય જીવનપ્રવાહથી વિમુખ ન હતા. તેમનાં જીવનમાં, કાર્યોમાં અને વાણીમાં આ દૃષ્ટિ સતત વ્યક્ત થાય છે. તેઓ અદ્વૈતવેદાંત માર્ગના પથિક અને ઉપદેશક હોવા છતાં, તેમણે ક્યારેય જીવન વ્યવહારની નિંદા કરી નથી. તેમણે જીવન અને અધ્યાત્મને પરસ્પર-પૂરક ગણ્યાં છે, વિરોધી નહીં. આ છે સ્વામીજીનું જીવનનિષ્ઠ અધ્યાત્મનું દર્શન.

(3) વ્યક્તિ અને રાષ્ટ્રનું અનુસંધાન : આપણા રાષ્ટ્રજીવનમાં એક એવો સમયગાળો આવ્યો કે જ્યારે અધ્યાત્મપથના પથિકનાં જીવન અને દૃષ્ટિમાં વ્યક્તિ અને રાષ્ટ્રનું અનુસંધાન તૂટી ગયું. આધ્યાત્મિક જીવન એ નિતાંત વૈયક્તિક જીવન બની ગયું. સાથે ને સાથે તે સમાજજીવન વિરોધી બની ગયું. કોઈપણ રાષ્ટ્રજીવનમાં જ્યારે અધ્યાત્મક્ષેત્રમાં વ્યક્તિ અને રાષ્ટ્રનું અનુસંધાન તૂટી જાય, ત્યારે સામાન્ય પ્રજા યથાર્થ અધ્યાત્મથી વંચિત બની જાય છે. એને પરિણામે એમની પાસે અધ્યાત્મના ભ્રામક ખ્યાલો રહી જાય છે. સ્વામીજીએ સ્પષ્ટ કહ્યું અને કરી બતાવ્યું કે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ વ્યક્તિ અને સમાજ વચ્ચે અભિન્ન સંબંધ છે. સમાજ વિના વ્યક્તિ ન રહી શકે અને વ્યક્તિ વિના સમાજ શક્ય જ નથી. તેથી આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ વ્યક્તિ અને રાષ્ટ્ર પરસ્પર પૂરક બને, તેમાં જ બન્નેનું હિત સમાયેલું છે. અધ્યાત્મપથનું સામાજિક અનુસંધાન એ સ્વામીજીનું વિશિષ્ટ પ્રદાન છે.

(4) વેદાંતનું વ્યવહારુ સ્વરૂપ : અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે અદ્વૈત વેદાંતનાં પણ અનેક સ્વરૂપો છે. ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ગીતામાં વેદાંતનું મૂળ સ્વરૂપ છે. ગૌડપદાચાર્યે તેમની માંડુક્યકારિકામાં અદ્વૈતવેદાંતનું એક વિશિષ્ટ રીતે પ્રતિપાદન કર્યું છે. શંકરાચાર્ય તો અદ્વૈતવેદાંતના પ્રમુખ પુરસ્કર્તા છે. તેમના પછી પણ અદ્વૈત વેદાંતના ઘણા સમર્થ આચાર્યો થયા છે. એમના દ્વારા અદ્વૈતમતના કંઈક વિશિષ્ટ સ્વરૂપોનું પ્રતિપાદન થયું છે. વર્તમાનકાળમાં પણ શ્રીરમણ મહર્ષિ, સ્વામી રામતીર્થ આદિ અદ્વૈતમાર્ગના પથિકો અને અનુભૂતિસંપન્ન પુરુષો હતા. તેમના દ્વારા પણ અદ્વૈતવેદાંતનાં કોઈ ને કોઈ વિશિષ્ટ સ્વરૂપો વિકસ્યાં છે. રમણ મહર્ષિ આત્માના અદ્વૈતનું દર્શન આપે છે અને ‘હું કોણ?’ની સાધન-પદ્ધતિ આપે છે. સ્વામી રામતીર્થનું વેદાંત એક પ્રેમીનું વેદાંત છે. સ્વામી વિવેકાનંદ પણ અદ્વૈતવેદાંત માર્ગના પથિક અને પુરસ્કર્તા છે. તેમના દ્વારા પણ અદ્વૈતવેદાંતને પણ એક વિશિષ્ટ પ્રદાન મળ્યું છે. તેમનાં જીવન અને કાર્યમાં અદ્વૈતવેદાંતે એક વિશિષ્ટ સ્વરૂપ ધારણ કર્યું છે. તેમનું વેદાંત વ્યવહારુ વેદાંત છે.

જે અદ્વૈતવેદાંત માત્ર પુસ્તક કે ચિંતનમાં રહે અને એથી પણ આગળ વધીને માત્ર આંતરિક અનુભૂતિમાં જ રહે, તે સ્વરૂપ સ્વામીજીના મતે અધૂરું છે. અદ્વૈતવેદાંતની અનુભૂતિ વ્યવહારની ભૂમિકા સુધી પહોંચે તેમાં જ તેની કૃતાર્થતા છે. અદ્વૈતવેદાંતમતના સાધકના જીવનમાં, તેના વ્યવહારમાં અદ્વૈતતત્ત્વ અભિવ્યકત થાય, તે સ્વામીજીને અભિપ્રેત છે. તેથી તેમણે પોતાના વેદાંત વિષયક દર્શનને ‘વ્યવહારુ-વેદાંત’ એવું નામ આપ્યું છે. સર્વત્ર બ્રહ્મદર્શન એ એક સિદ્ધાંત તરીકે અને તેનો બૌદ્ધિક સ્વીકાર થાય તે પર્યાપ્ત નથી. તેની અનુભૂતિ અને અનુભૂતિની વ્યવહારની ભૂમિકા સુધી અભિવ્યકિત થાય તે તેમના દ્વારા વ્યવહારુ વેદાંતનું યથાર્થ સ્વરૂપ છે. આ અદ્વૈતવેદાંતને એમણે આપેલું વિશિષ્ટ પ્રદાન છે.

(5) વેદાંતનું વિધાયક સ્વરૂપ : અદ્વૈતવેદાંતદર્શનનાં બે પાસાં-1.બ્રહ્મ સત્ય છે (બ્રહ્મ સત્યં), આ બધું બ્રહ્મસ્વરૂપ છે (સર્વં ખલ્વિદં બ્રહ્મ) 2. જગત મિથ્યા છે (જગન્મિથ્યા). પ્રથમ સિદ્ધાંત એ બ્રહ્મના સત્ય સ્વરૂપનો અને બ્રહ્મની સર્વમયતાનો સિદ્ધાંત છે. અદ્વૈતવેદાંતનું આ વિધાયક સ્વરૂપ છે.

દ્વિતીય સિદ્ધાંત એ જગતના મિથ્યાત્વનો સિદ્ધાંત છે. અદ્વૈતવેદાંતનું આ નિષેધાત્મક સ્વરૂપ છે. અદ્વૈતવેદાંત-દર્શનનાં આ બન્ને પરસ્પર પૂરક તત્ત્વો છે. પરંતુ બન્નેમાંથી કયા પાસા પર ભાર મૂકીએ છીએ, તે પ્રમાણે જીવનપદ્ધતિ, સાધના અને વ્યવહાર નક્કી થાય છે. આપણા દેશમાં જગતના મિથ્યાત્વ પર વિશેષ ભાર મૂકવાને લીધે જીવનવિમુખતા અને અકર્મણ્યતાનો વિશેષ પ્રસાર થયો છે. સ્વામીજીએ રોગનું મૂળ બરાબર પારખી લીધું. તેથી તેઓ અદ્વૈતવેદાંતના પુરસ્કર્તા હોવા છતાં તેમણે જગતના મિથ્યાત્વ પર ભાર દેવાને બદલે બ્રહ્મના સત્યત્વ અને બ્રહ્મની સર્વમયતા પર વિશેષ ભાર મૂક્યો છે. તેઓ વેદાંતના નિષેધાત્મક સ્વરૂપ કરતાં તેના વિધાયક સ્વરૂપ પર વિશેષ ભાર મૂકે છે. આમ કરવાથી તેઓ અદ્વૈતપથથી ચ્યુત થતા નથી, પણ વ્યક્તિ અને સમાજને જીવનવિમુખતામાંથી બચાવી લે છે. વેદાંતના આ વિધાયક સ્વરૂપને વિશેષ મહત્ત્વ આપીને તેમણે અધ્યાત્મક્ષેત્રમાં એક વિશિષ્ટ પ્રદાન આપ્યું છે.

(6) માનવસેવાની આધ્યાત્મિક દૃષ્ટિ : અનાથ, દીનદુ:ખી અને રોગી માનવોની સેવા કરવાનું સ્વામી વિવેકાનંદ અવશ્ય સૂચવે છે. પરંતુ માનવસેવાની એમની દૃષ્ટિ ઘણી વિશિષ્ટ છે. જેની સેવા કરવાની છે, તે નિમ્નભૂમિકા પર છે અને આપણે તેને પરોપકારના ભાવથી મદદ કરવી, એવો સ્વામીજીનો દૃષ્ટિકોણ નથી. સર્વત્ર ભગવદ્-દર્શન એ એમની સેવાનો પાયો છે. માનવ માત્ર અને તેથી જ દીનદુ:ખી, અનાથ માનવો પણ પરમાત્માનાં જ સ્વરૂપો છે, તેથી તેમની સેવા એ ભગવાનની સેવા છે. તેમને મન દરિદ્ર એ માત્ર દરિદ્ર નથી, પણ એ તો છે દરિદ્રનારાયણ. જો ‘સર્વં ખલ્વિદં બ્રહ્મં’ આ બધું બ્રહ્મ છે, તો દરિદ્ર પણ બ્રહ્મ છે, અજ્ઞાની પણ બ્રહ્મ છે, અનાથ પણ બ્રહ્મ છે અને દુ:ખી પણ બ્રહ્મ છે. એટલે માનવસેવા એ કોઈ પરોપકાર નથી, પણ એ ભગવત્-પૂજા છે એવો તેમનો વિશિષ્ટ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ છે. તેમના અદ્વૈતમતનું આ વ્યવહારુ સ્વરૂપ છે. બધું બ્રહ્મસ્વરૂપ છે, એ સત્યની તેઓ વ્યવહારમાં અભિવ્યક્તિ કરે છે. તેમની આ જીવનદૃષ્ટિ વ્યક્ત કરવા તેમણે એક નવો શબ્દ રચ્યો છે ‘દરિદ્રનારાયણ’. આ શબ્દ દ્વારા તેમની માનવસેવાની આધ્યાત્મિક દૃષ્ટિ વ્યક્ત થાય છે.

શ્રીમદ્ભાગવતમાં (11-2.45-46-47)ભક્તોના પ્રકારો ગણાવતાં કહ્યું છે :

સર્વભૂતેષુ ય: પશ્યેદ્ ભગવદ્ભાવમાત્મન: ।

ભૂતાનિ ભગવતયાત્મન્યેષ ભાગવતોત્તમ:॥

ઈશ્વરે તદધીનેષુ બાલિશેષુ દ્વિષત્સુ ચ।

પ્રેમમૈત્રી કૃપોપેક્ષા ય: કરોતિ સ મધ્યમ: ॥

આચાર્યામેવ હરયેપૂજાં ય: શ્રદ્ધયેહતે ।

ન તદ્ભક્તેષુ ચાન્યેષુ સ ભક્ત: પ્રાકૃત: સ્મૃત:॥

‘જે સર્વભૂતોમાં આત્મસ્વરૂપ ભગવાનનું દર્શન કરે છે અને સમસ્તભૂતોને આત્મસ્વરૂપ ભગવાનમાં જુએ છે તે ઉત્તમ ભક્ત છે.’

‘જે ભગવાન પ્રત્યે પ્રેમ, તેના ભક્તો પ્રત્યે મૈત્રી, દુ:ખી અને અજ્ઞાની પ્રત્યે કૃપા અને ભગવાનનો દ્વેષ કરનાર પ્રત્યે ઉપેક્ષા રાખે છે તે મધ્યમ પ્રકારનો ભક્ત છે.’

‘જે ભગવાનની મૂર્તિની પૂજા તો શ્રદ્ધાથી કરે છે, પરંતુ ભગવદ્-ભક્તો અને અન્ય લોકોની સેવા-શુશ્રૂષા કરતો નથી તે પ્રાકૃત ભક્ત છે.’

અહીં જ્ઞાની ભક્તને ઉત્તમ ભક્ત ગણવામાં આવેલ છે અને આવો જ્ઞાની ભક્ત સર્વત્ર ભગવદ્ભાવ રાખીને માનવની સેવા કરે છે તેવી સેવા સ્વામીજીને અભિપ્રેત છે. માનવસેવાની તેમની આ આધ્યાત્મિક દૃષ્ટિ છે. તેમનાં જીવન, કાર્ય અને વાણીમાં તેમનો આ સંદેશ વ્યક્ત થાય છે.

(7) સમન્વયાત્મક દૃષ્ટિકોણ : સ્વામીજીનો અભિગમ મહદ્-અંશે અદ્વૈતવેદાંતનો હોવા છતાં, તેઓ તત્ત્વજ્ઞાનની બધી શાખાઓ અને બધી સાધન પ્રણાલીઓના સત્યનો સ્વીકાર કરે છે. તેમની દૃષ્ટિ વ્યાપક અને સમન્વયકારી છે. તેઓ સ્વમતાગ્રહી નથી. તેઓ સ્પષ્ટ રીતે સ્વીકારે છે કે વેદાંતના દ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈત આદિ બધા સંપ્રદાયોનું એક વિશિષ્ટ મૂલ્ય છે અને દરેકમાં સત્ય પણ છે. વ્યક્તિનાં રુચિ, પ્રકૃતિ અને ભૂમિકા પ્રમાણે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માટે વિભિન્નપથ ઉપયુક્ત હોઈ શકે છે. સાથે ને સાથે ભક્તિપથ, યોગવિદ્યા, બૌદ્ધમત, ખ્રિસ્તીધર્મ વગેરેની સાધનપ્રણાલીઓનાં સત્ય અને મહત્ત્વને તેઓ સ્વીકારે છે. તેમના વ્યાપક દૃષ્ટિકોણમાં તત્ત્વજ્ઞાનની કોઈ શાખા કે અધ્યાત્મપથની કોઈ પણ સાધનપ્રણાલી પ્રત્યે વિરોધ નથી. તેમની વ્યાપક દૃષ્ટિએ બધાને સ્થાન છે. તેમના આ વ્યાપક દૃષ્ટિકોણને કારણે તેમણે શરૂ કરેલી પરંપરા સાંકડી સાંપ્રદાયિકતાથી બચી ગઈ છે.

(8) સંન્યાસનું નવસંસ્કરણ : આપણા દેશમાં સંન્યાસીઓ જગવિમુખ લોકોનો સંઘ છે, તેવી માન્યતા દૃઢ થઈ ગઈ હતી. સંન્યાસીઓને જગત સાથે કશો સંબંધ નથી. બધાનો ત્યાગ તે તેમનો સર્વોચ્ચધર્મ છે, તેવી માન્યતા દૃઢ બની ગઈ હતી. સ્વામીજીએ સંન્યાસ પરંપરાનું નવું સંસ્કરણ કર્યું. તેમણે સંન્યાસનું જે સ્વરૂપ આપ્યું, તેમાં સંન્યાસીઓ એષણાઓનો ત્યાગ કરશે, જગતનો નહીં; તેઓ માયાથી મુક્ત રહેશે, માયાપતિની રચનાથી દૂર નહીં રહે; તેઓ કામ અને કાંચનનો ત્યાગ કરશે, પરંતુ કર્મ અને સેવાનો નહીં. તેમના મતે કામ અને કાંચનનો ત્યાગ કરનાર જ યથાર્થ સંન્યાસી છે. તેથી તેમના સંન્યાસીઓ સમાજ સાથેનું અનુસંધાન ચાલુ રાખશે.

સ્વામીજીએ પોતાના આ દૃષ્ટિકોણ મુજબ એક ઉત્તમ સંન્યાસ-પરંપરાની સ્થાપના કરી છે. અને તે આજે પણ ઉત્તમ રીતે ચાલી રહી છે; એટલું જ નહીં, પરંતુ બીજા સંન્યાસી સંઘો પર સ્વામીજીના આ દૃષ્ટિકોણની વ્યાપક અસર પડી છે. સ્વામીજીએ જે સંન્યાસી પરંપરા ઊભી કરી, તેના પછી અનેક સંન્યાસી સંઘોની સ્થાપના થઈ છે તે બધા સંઘો પર આ નવસંસ્કરણની સ્પષ્ટ છાપ જોઈ શકાય છે. સ્વામીજીનું આ એક મહાન અને વિશિષ્ટ પ્રદાન છે.

ટૂંકા જીવનગાળામાં સ્વામી વિવેકાનંદ દુનિયાને જે આપી ગયા છે, તે કોઈક જ મહાપુરુષ આપી શકે. તેમણે હિન્દુ ધર્મની પરંપરા સ્વીકારી છે અને જ્યાં જરૂર લાગે ત્યાં તેમણે પોતાનું આગવું પ્રદાન પણ કર્યું છે.

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.