(ગતાંકથી ચાલુ)
(૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલું પ્રવચન.)
આજના યુગના ઉત્તમ વિચારોને જે અનુરૂપ છે તેવા વેદાંતના મહાન તત્ત્વજ્ઞાનને સ્વામીજીએ રજૂ કર્યું. આપણી પ્રજાએ વેદાંતનો અભ્યાસ કરવો જોઈએ અને એને વ્યવહારમાં મૂકવા કોશિશ કરી ભારતની માનવ વ્યવસ્થામાં પરિવર્તન આણવું જોઈએ. એ આપણી જવાબદારી છે, એ આપણો અધિકાર છે. તમે નોકરી લો, ત્યારે, તમારે એ યાદ રાખવું જોઈએ કે, એ પ્રભુનું કાર્ય છે. પોતાના દેશ પ્રત્યેનું એક નાગરિકનું કર્તવ્ય છે. આપણી પ્રજામાં આ વલણ વધારે ને વધારે ખીલવું જોઈએ. વિવેકાનંદ સાહિત્યના અધ્યયનથી તે પેદા થશે. ‘થૉટ્સ ઑફ પાવર’ (શક્તિદાયી વિચારો) કે ‘ધસ સ્પેઈક વિવેકાનંદ’ જેવી નાની પુસ્તિકાઓ વાંચી લઈએ તે જ માત્ર પૂરતું નથી. આરંભ માટે એ ઠીક છે; પરંતુ ‘લૅક્ચર્સ ફ્રામ કોલંબો ટુ આલ્મોડા’ (કોલંબોથી આલ્મોડા સુધીનાં વ્યાખ્યાનો – ‘ભારતમાં આપેલાં ભાષણો’), ‘ઈન્સ્પાયર્ડ ટૉક્સ’ (દિવ્યવાણી), ‘લેટર્સ ઑફ સ્વામી વિવેકાનંદ’ (સ્વામી વિવેકાનંદના પત્રો) જેવા એમના મોટા ગ્રંથો તમારે હાથ ધરવા જોઈએ અથવા બહેતર તો એ છે કે એમનાં ‘કમ્પલીટ વર્કસ’ના આઠ ભાગનો (ગુજરાતીમાં ૧૨ ભાગ) અભ્યાસ કરો. એમાં એમનાં બધાં જ પુસ્તકો સમાવિષ્ટ છે. આ પુસ્તકો તમે વાંચશો ત્યારે, તમારામાં ભાવાત્મક પરિવર્તન આવતું જણાશે.
સાઠીના દાયકામાં હું કલકત્તા હતો ત્યારે બનેલો એક પ્રસંગ આ સંદર્ભમાં તમને કહેવાનું મને મન થાય છે: બનારસ યુનિવર્સિટીમાં અભ્યાસાર્થે જતા ઉદયશંકરના પુત્ર – એ આજે તો મહાન સંગીતકાર છે – તેને લઈને તેની મા મારી પાસે આવ્યાં. એ યુવાનને મેં પૂછ્યું: ‘તેં વિવેકાનંદનું અધ્યયન કર્યું છે?’ ‘મેં એક નાની ચોપડી વાંચી છે,’ તે બોલ્યો. મેં કહ્યું કે, “એ ન ચાલે, તારાં માને કહે કે પુસ્તકભંડારમાંથી તને વિવેકાનંદનું પુસ્તક ‘લેક્ચર્સ ફ્રૉમ કોલંબો ટુ આલ્મોડા’ અપાવે. મારા હસ્તાક્ષર કરી હું તને એ આપીશ.” એટલે માએ એ પુસ્તક ખરીદ્યું અને પુત્ર આનંદશંકરને આપ્યું. એક અઠવાડિયા પછી એ છોકરો બનારસ જવા રવાના થયો અને, ત્યાં પહોંચ્યા પછી, પોતાની માતાને તેણે પત્ર લખ્યો. પત્ર મળતાં તે એવાં ઉત્તેજિત થઈ ગયાં કે તરત જ એમણે મને ફોન કર્યો અને ફોન ઉપર આખો પત્ર વાંચી સંભળાવ્યો. એ પત્રનો સાર કંઈક આવો હતો: ‘મા, હું હાવડા સ્ટેશને ટ્રેનમાં બેઠો. એ પ્રથમ વર્ગનો ડબ્બો હતો અને લોકોથી ચિક્કાર હતો; મુખ્યત્વે રેલ્વે અમલદારોથી. ગાડી ઉપડતાં જ મેં સ્વામીજીનું ‘લેક્ચર્સ ફ્રૉમ કોલંબો ટુ આલ્મોડા’ વાંચવાની શરૂઆત કરી. હું એમાં તરબોળ થઈ ગયો. પરંતુ મારી આસપાસ બેઠેલા લોકો એ બધા ઓફિસરો હતા. સાવ ગંદી વાતો કરતા હતા; સતત ફરિયાદો કરતા હતા કે સરકારે આ નથી કર્યું ને તે નથી કર્યું, વગેરે. સમાજમાં આજે ભણેલા અને સારું કમાતા લોકો સામાન્ય રીતે આવી જ વાતો કરતા હોય છે. અચાનક એક રેલ્વે ઓફિસર ઊભો થયો, મારી પાસે આવ્યો અને મને કહ્યું, છોકરા, તું શું વાંચે છે?’ ‘વિવેકાનંદનું પુસ્તક,’ મેં જવાબ આપ્યો. તેણે એ પુસ્તક મારા હાથમાંથી આંચકી લેવા જેવું કર્યું અને એ પુસ્તકનાં પાનાં એ ફેરવવા માંડ્યો એણે થોડીક કંડિકાઓ વાંચી તેથી એ એવો તો પ્રભાવિત થઈ ગયો કે બીજા ઓફિસરો ભણી વળી એ બોલ્યો: ‘તમે કેવી નાખી દીધા જેવી વાતો કરો છો! આપણા રાષ્ટ્ર વિષે, આપણા સૌ વિષે, આપણી જવાબદારીઓ વિષે, વિવેકાનંદ શું કહે છે, તે સાંભળો! ડબ્બાના વાતાવરણમાં નાટકીય પરિવર્તન આવી ગયું. પછી પ્રવાસના અંત સુધી હળવી વાતો હતી જ નહીં. માત્ર ગંભીર વલણ વ્યાપી રહ્યું.’
હવે આ તો માત્ર એક જ ઘટના છે. ભારતમાં આવી હજારો ઘટનાઓ બનવી જોઈએ કે જેથી, સ્વામીજીના સંદેશથી પ્રેરાઈ, આપણા ઘણા પ્રજાજનો આપણા સમાજમાં ક્રાંતિ લાવવામાં સફળ થશે. વિવેકાનંદસાહિત્ય, જે આનંદનો ખજાનો છે, જે પ્રેરણાનો ખજાનો છે, તેનાથી ઘણા લોકો તદ્દન અજાણ છે. જીવનના એક મહાઆનંદથી તેઓ વંચિત છે. પરંતુ એકવાર તેઓ વિવેકાનંદનાં પુસ્તકોના પરિચયમાં આવે છે અને તે વાંચવાની શરૂઆત કરે છે કે તરત જ અચૂકપણે એમ અનુભવે છે કે, ‘આ મેં વહેલું વાંચ્યું હોત, તો કેવું સારું થાત?’ આમ કેટલાય લોકોને કહેતાં મેં સાંભળ્યા છે. લગભગ સીત્તેરે પહોંચેલાં એક અમેરિકન સન્નારીએ મને કહ્યું હતું કે, ‘આવા વિચારો અસ્તિત્વ ધરાવે છે તે હું જાણતી ન હતી. વોશિંગ્ટન શહેરમાંના એક ધનિક ગૃહસ્થની ચાર પુત્રીઓને તે ભણાવતી હતી. એ છોકરીઓ પરણી ગઈ ત્યારે તે નિવૃત્ત થઈ. એ પૅરિસ આવી પણ શું કરવું, તેનો કંઈ ખ્યાલ તેને ન હતો. પૅરિસ નજીક આવેલા ગ્રેટ્ઝમાંના રામકૃષ્ણ વેદાંત સેન્ટર વિષે તેણે એક રવિવારના અખબારમાં વાંચ્યું. એ ત્યાં ગઈ અને ત્યાં એણે ‘ધ ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ’ (શ્રી રામકૃષ્ણ-કથામૃત) અને મારું પુસ્તક ‘ધ મેસેજ ઑફ ધ ઉપનિષદ્ઝ’ (ઉપનિષદોનો સંદેશ) વાંચ્યાં. થોડા દિવસ પછી મારે પૅરિસ જવાનું થયું. ત્યાં એ સન્નારી મને મળ્યાં અને મને કહે, ‘આ પુસ્તકોમાં કેવા આશ્ચર્યકારક વિચારો છે! આજે હું સીત્તેર વરસની છું ને મને લાગે છે કે મેં આ બધાં વર્ષ પાણીમાં નાખ્યાં છે. આ પુસ્તકો મને વહેલાં સાંપડ્યાં હોત તો હું કેટલી ધન્ય થઈ ગઈ હોત!’ ઘણાં લોકોને આમ લાગ્યું છે. કમભાગ્યે એમણે એક મોટી તક, મોટી પ્રેરણા ગુમાવી છે. પરંતુ એક વાર એમને એ પ્રાપ્ત થાય કે તરત જ તેઓ બોલી ઊઠે છે: ‘આ કંઈક અદ્ભુત છે. મને આની ખબર જ ન હતી.’
પચાસના દાયકામાં હું દિલ્હીમાં હતો ત્યારે ત્યાં એક ચૌધરી નામે પોલિસ કમિશ્નર હતા. તેની વાત હું કહું. એમનાં પત્ની સામાજિક કાર્યકર હતાં. એમને એક બહેનપણી હતાં જે ડી.એસ.પી.નાં પત્ની હતાં. એમણે એક દહાડે કમિશ્નરનાં પત્નીને કહ્યું, ‘સ્વામીજીનું ‘ગીતા’ પરનું પ્રવચન સાંભળવા તમે કેમ નથી આવતાં?’ કમિશ્વરનાં પત્નીએ વળતો જવાબ આપ્યો, ‘છટ્ટ, એવાં બધાં પ્રવચનોથી શું વળે? મને એની કાંઈ પડી નથી.’ ગમે તેમ પણ, બહેનપણીના આગ્રહથી કમિશ્નરનાં પત્ની આખરે પ્રવચનમાં આવ્યાં. અમારો દિલ્હી આશ્રમ, ત્યાંનું વાતાવરણ, ત્યાં આવેલા લોકો અને ત્યાં પ્રવચનમાં કાને પડેલા વિચારોની એમના ચિત્ત ઉપર પ્રબળ અસર થઈ. આ બધું એમના ચિત્ત પર અંકિત થઈ ગયું. પછી એક રવિવારે એક વિચિત્ર વાત બની. કમિશ્નર શ્રી ચૌધરી લૉનમાં બેસી ચા પી રહ્યા હતા અને મિત્રો સાથે વાતો કરી રહ્યા હતા. શ્રીમતી ચૌધરી એમની પાસે ગયાં અને શ્રી ચૌધરીએ કટાક્ષ કર્યો: ‘અરે, તું રામકૃષ્ણ મઠમાં જાય છે? ભલે, તને ભગવાન મળે તો તેને મારી પાસે લાવજે.’ આ ભાષા એમણે વાપરી. શ્રીમતી ચૌધરી ઘેર પાછાં ગયાં ત્યારે એ ચા – પાર્ટી હજી ચાલી રહી હતી. શ્રી ચૌધરીએ પોતાનાં પત્નીને જોયાં તેવાં જ તે બોલી ઊઠ્યા: ‘કાં, ભગવાન મળી ગયા તને?’ શ્રીમતી ચૌધરીએ ઉત્તર આપ્યો, ‘હા! મળી ગયા. બેસો શાંતિથી મેં ત્યાં જે જોયું તે તમને કહું છું.’ પછી એમણે આશ્રમનો પોતાનો અનુભવ કહ્યો, અદ્ભુત વિચારો એમણે સાંભળ્યા હતા તે વર્ણવ્યા અને તેથી એમનું ચિત્ત કેટલું ઉદાત્ત બન્યું અને મન કેવું પ્રસન્ન તથા સ્ફુર્તિલું બન્યું, તે બધું તેમણે કહી સંભળાવ્યું. એમના પતિએ આ સાંભળી કહ્યું, ‘આવતા વિવારે મારે પણ આવવું છે.’ પછીને રવિવારે એ પતિપત્ની બંને સાથે આવ્યાં. બંને ઘેર પાછાં ગયાં ત્યારે શ્રી ચૌધરીએ પોતાનાં પત્નીને કહ્યું, ‘હવેથી તું આવે કે ન આવે, પણ હું તો આ વ્યાખ્યાનો નિયમિત સાંભળવાનો જ.’ તમને આથી સમજાશે કે, આશ્રમમાં શું થઈ રહ્યું છે, તેનો તે ગૃહસ્થને અગાઉ ખ્યાલ જ ન હતો. કદાચ, આશ્રમમાં જનાર સૌ કોઈને ‘સ્વર્ગની ટિકિટ’ના વચન જેવું અપાતું હશે એમ એમણે ધાર્યું હશે. ‘બલવાન બનો, સુખી થાઓ અને બીજાઓને સુખી કરો.’ – આવા પ્રકારનો બોધ એમણે કદી સાંભળ્યો ન હતો. આ વેદાંતનું તત્ત્વજ્ઞાન છે. સ્વામીજીના સંદેશના કેન્દ્રસ્થાને ત્યાગ અને સેવા છે. રાષ્ટ્રને આજે એની જરૂર છે.
વિવેકાનંદના સાહિત્યમાં પુન: પુન: આવતો વિચાર અભયનો છે. અભીઃ અભીઃ, નિર્ભય બનો, નિર્ભય બનો. ભયથી ભરેલો હતો તે આપણો દેશ ફરી નિર્ભય બનવો જોઈએ. ભયહીન લોકો પ્રેમપૂર્ણ હોય છે, એમને બીજાઓ માટે લાગણી હોય છે. આ પ્રકારની ભયહીનતા આપણા ઘણા લોકોએ હજી પ્રાપ્ત કરી નથી. વેદાંતની ભાષા છે: ‘અભયમ્, અભયમ્’ ઈશ્વરનું નામ શું છે? ઉપનિષદો કહે છે, ‘અભયમ્’. ઈશ્વરનું નામ ‘અભયમ્’ છે અને ઈશ્વરને તમે પામો છો ત્યારે તમે પણ અભય – નિર્ભય, બની જાઓ છો.
આ સંદેશ કેવો આશ્ચર્યજનક છે! જે રીતે વેદાંતમાં ‘નિર્ભયતા’ શબ્દ વારંવાર વપરાયો છે તે રીતે બીજા કોઈ સાહિત્યમાં તમને એ વપરાયેલો જોવા મળશે નહીં. વેદાન્તિક સાહિત્યમાં ઈશ્વરના ભયને સ્થાન નથી. ઈશ્વરના પ્રેમની જ કથા એ કહે છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભય નથી. ‘પ્રેમ ભયને ઓળખતો નથી.’ આ સ્વામીજીના શબ્દો છે. ધારો કે તમને તમારી માતૃભૂમિ પ્રત્યે પ્રીતિ છે; સૈનિક તરીકે તમને સરહદને થાણે મોકલ્યા છે તો પણ તમને જરાય ભય લાગશે નહિ. તમારી દેશપ્રીતિ તમને નિર્ભય બનાવશે. પરંતુ દેશભક્તિ નહિ હોય તો, તમને હર ચીજનો ડર લાગશે અને હર ચીજથી તમે આઘા ભાગવા પ્રયત્ન કરશો. આજે આપણા ઘણા લોકોની માનસિક સ્થિતિ આવી છે. આપણા અંતરમાં પ્રેમ નથી, એટલે ભય છે, હચુડચુપણું છે. અમેરિકાના પશ્ચિમ કાંઠાની એક સભામાં સ્વામીજી ‘દિવ્ય પ્રેમ’ વિષે બોલ્યા હતા. પછી શ્રોતાજનોમાં બેઠેલી સ્ત્રીઓ તરફ તેમણે દૃષ્ટિ કરી. સ્વામીજીના શબ્દોમાં એમને શંકા જણાતી હતી. તેથી સ્વામીજીએ તેમને એક ઉદાહરણ આપ્યું, એમણે કહ્યું:
‘ધારો કે તમારામાંની એક માતા, એક અબળા, રસ્તામાં કોઈ વાઘને પોતાના બાળકને ઉપાડી જતાં જુઓ છો. તે સમયે તમે ક્યાં હશો તે હું જાણું છું; તમે એ વાઘનો સામનો જ કરશો બીજા કોઈ સમયે તો રસ્તે જતાં કોઈ કૂતરો સામે આવશે તો પણ તમે દૂ२ નાસી જશો. પરંતુ અત્યારે તો વાઘના મોં પર પડી તમે તમારા બાળકને આંચકી લેશો. પ્રેમ ડરને જાણતો નથી. એ બધાં અનિષ્ટો પર વિજય મેળવે છે.’(૫)
આ નિર્ભયતાના અને પ્રેમના સંદેશની આજે આપણને જરૂર છે. કેવળ આ સંદેશ જ આપણા દેશનો ઉદ્ધાર કરી શકશે. તેથી જ તો વિવેકાનંદ યુગનાયક, યુગપ્રવર્તક કહેવાયા છે, અર્થાત્, આપણા ઈતિહાસમાં એક નવા યુગનાં મંડાણ તેમણે કર્યાં છે. એમનું કાર્ય સદીઓ સુધી ચાલશે. લોકોને કેળવવામાં, માનવમનનું પરિવર્તન કરવામાં સમય તો લાગે છે જ, પરંતુ સ્વામીજીને કશું ઓછું સંતોષી શકે તેમ નથી. એટલે તેઓએ ભારતમાં ક્રાંતિની વાત કરી હતી. ‘મારી સમર યોજના’ નામના પોતાના મદ્રાસના પ્રવચનમાં એમણે આમ કહ્યું હતું: ‘મારે દુનિયાને જે કાંઈ સંદેશ આપવાનો છે, તે હું ભય વિના કે ભવિષ્યની પરવા કર્યા વિના આપીશ. સુધારકોને હું બતાવી આપીશ કે તેઓમાંના કોઈ પણ કરતાં હું વધુ મોટો સુધારક છું. એ લોકો તો ઝીણા-ઝીણા ટુકડાને સુધારવા માગે છે; હું તો જડમૂળથી સુધારો કરવા માગું છું. અમે જુદા પડીએ છીએ કાર્ય કરવાની રીતમાં. તેમની પદ્ધતિ છે ખંડનાત્મક, મારી છે રચનાત્મક… સામાજિક સુધારા માટે પણ પ્રથમ ફરજ છે લોકોને કેળવણી આપવાની અને એ સમય આવે ત્યાં સુધી તમારે થોભવું પડશે. છેલ્લી સદીમાં જેમને માટે આંદોલનો કરવામાં આવ્યાં છે તેમાંના મોટા ભાગના સુધારા શોભાના ગાંઠિયા જેવા છે. એ માત્ર સમાજના ઉપલા વર્ગોને સ્પર્શે છે અને આમ જનતાની ઉપેક્ષા કરે છે. પરંતુ એ સુધારો નથી. તમારે વસ્તુના પાયામાં, એના મૂળમાં જવું જોઈએ. એને હું સાચો સુધારો કહું છું. ત્યાં આગ લગાડો અને ભડકો ઉપર આવવા દો અને એમ ભારતનું રાષ્ટ્ર ઘડો.’(૬)
આ પ્રકારનું સર્વાંગીણ પરિવર્તન સ્વામીજી ઝંખતા હતા. આપણો જમીનદારશાહી વારસો જવો જોઈએ. વેદાંતના આ સંદેશથી એક નૂતન રાષ્ટ્રનું નિર્માણ થશે. એના સાચા અને સારા અર્થમાં સ્વામીજી ક્રાંતિકારી હતા. જે ક્રાંતિ એ ઝંખતા હતા તે આપણી વાટ જુએ છે. આપણાં બધાં યુવાનચિત્ત એ દિશામાં વળવાં જોઈએ. પથરાના ઘા કરવા, બોંબ ફેંકવા કે માણસોને મારવા સાથે ક્રાંતિને કશી લેવાદેવા નથી. આજે થઈ રહી છે એ કંઈ ક્રાંતિ નથી. સીત્તેરથી વધારે વર્ષો પહેલાં સોવિયેત રશિયામાં એ પ્રકારની ક્રંતિ થઈ હતી અને આજે તેઓને એ ક્રાંતિ પ્રત્યે અને એનાં પરિણામો પ્રત્યે ઘૃણા છે. ક્રાંતિમાં એ બધાં જૂનાં સાધનોને એ લોકો હવે ફેંકી દે છે. એમને એ કશું જોઈતું નથી. એમને આજે તરસ છે આધ્યાત્મિક સંદેશની, વિવેકાનંદના સંદેશની, એમણે ત્યાં વિવેકાનંદ સોસાયટીની સ્થાપના કરી છે; એ ખૂબ પ્રતિષ્ઠિત સંસ્થા છે. વિખ્યાત પંડિતો અને વિદ્યાપુરુષો એની સાથે સંકળાયેલા છે, ભારતના ઈતિહાસનું અદ્યતન પ્રકરણ એક મહાન પ્રકરણ બનવાનું છે, પાંચ હજાર વર્ષોના આપણા ઈતિહાસમાં ન હતું તેવું અભૂતપૂર્વ અને એ ક્રાંતિ સાધવા માટેનાં ઉપકરણો તમે સૌ છો. મેં કહ્યા પ્રમાણે, આ ક્રાંતિ નવીન પ્રકારની છે; એ મનના, વિચારના, વલણના, સાચા વીરતાપૂર્વકના લણના પરિવર્તનની ક્રાંતિ છે. સ્વામીજીએ ‘વીર’ શબ્દનો પ્રયોગ અનેક વેળા કર્યો હતો. એક વાર એમણે કહ્યું હતું કે, ‘તમારા દેશને વીરોની જરૂર છે. વીર બનો!’(૭) કેવી અદ્ભુત વાત આ! મૂંગા, શાંત, વીર વલણ દ્વારા જ મનુષ્યમાં પૌરુષનો આવિષ્કાર થાય છે અને એ, બીજાઓને પણ પૌરુષવાળા બનાવે છે. સ્વામીજીએ આપણને આ સંદેશ આપ્યો છે. આ સંદેશનું કાર્યમાં રૂપાંતર કરવા માટે આપણી પાસે બધી શક્તિ છે. સ્વામીજીના ‘લૅક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ આલ્મોડા’માં તમને આ અદ્ભુત ઉદ્બોધન જોવા મળશે. તેઓ કહે છે:
‘તમારી જાતને, દરેકને, પોતાની મૂળ પ્રકૃતિ શીખવો, સુષુપ્ત આત્માને અવાજ દો ને એ કેવી રીતે જાગે છે, તે જુઓ. શક્તિ આવશે, કીર્તિ આવશે, સારપ આવશે, વિશુદ્ધિ આવશે અને જે કંઈ ઉત્તમ છે, તે બધું જ, સૂતેલો આત્મા જાગૃત થઈ ને જ્યારે આત્મસભાનતાવાળી ક્રિયાશીલતામાં લાગી જશે ત્યારે આવી મળશે.(૮)
આ વ્યાવહારિક વેદાંત છે. આપણા રાષ્ટ્રમાં આશરે એંશી કરોડ લોકો છે. પરંતુ એ એંશી કરોડ લોકોમાંથી પેદા થતી શક્તિ અલ્પ છે. શા કારણે આમ છે? કારણ, બધી શક્તિ સુષુપ્તાવસ્થામાં છે, જાગૃતિ આવી નથી. પરંતુ આ જાગૃતિ એક વેળા આવશે ત્યારે, અનર્ગળ શક્તિ પ્રક્ટ થશે. રાષ્ટ્ર ઉપર અને તેની બહારના જગત ઉપર તેનો મોટો પ્રભાવ પડશે અને એ પ્રભાવ હંમેશાં આરોગ્યપ્રદ અને હિંસા કે આક્રમણથી સદા વિમુખ હશે. આપણે ભૂતકાળમાં એમ કદાપિ નથી કર્યું. ભવિષ્યમાં પણ કદાપિ તેમ કરીશું નહીં. સ્વામીજીએ વારંવાર કહ્યું હતું કે પશ્ચિમ ઉપર ભારતની અસર શાંત, ગંભીર પ્રકારની છે. અધ્યાત્મનો પ્રભાવ હંમેશાં શાંત અને ગંભીર હોય છે. જગતને ભારતની ભેટ છે અધ્યાત્મનો પ્રકાશ. સ્વામીજીએ કહ્યું છે:
‘નિ:શબ્દ અને અદૃશ્ય રીતે પડતી હોવા છતાં પણ ઝાકળ જેમ અપ્રતિમ સુંદર ગુલાબને ખીલવે છે તેમ, જગતના ચિંતનમાં ભારતનું યોગદાન રહેલું છે – શાંત, અદૃશ્ય છતાં પોતાની અસરમાં સર્વશક્તિમાન, એણે જગતના ચિંતનમાં ક્રાંતિ કરી છે છતાં, એ ક્યારે કરી, તે કોઈ જાણતું નથી.’(૯)
ઈતિહાસને દફતરે આની નોંધ નથી. પ્રશાંત અસરોની નોંધ ઈતિહાસ લેતો નથી. આજે પણ તેવું જ બની રહ્યું છે. એક શાંત ક્રાંતિ ચાલી રહી છે. વિવેકાનંદનું અમેરિકામાં પ્રગટ થવું અને એ મહાન દેશ પર બૌદ્ધિક અને આધ્યાત્મિક વિજય પ્રાપ્ત કરવો, એ એનું પ્રથમ દૃશ્ય સ્વરૂપ હતું. અક્ષરશ: એ વિજય હતો. બીજો કોઈ શબ્દ એ માટે ઊણો જ જણાશે. અમેરિકન લોકોનાં હૃદય અને મન એમણે જીતી લીધાં હતાં. આવતાં વર્ષોમાં બીજા ઘણાય હવે તેમ કરશે. પરંતુ આ બધા વિજયો પ્રેમ દ્વારા, લોકોને એકમેકની સમીપ લાવવાની વૃત્તિ દ્વારા પ્રાપ્ત થશે. વેદાંતનો એ જ હેતુ છે – અજ્ઞાનની, સ્વાર્થની, સંકુચિત મનની, બધી વાડો દૂર કરવાનો. લોકો માટે આ અમર સંદેશ સ્વામીજી લાવ્યા જેથી લોકો મુક્ત બની શકે અને આજની દુનિયાની મુક્તિ માટે યત્કિંચિત્ યોગદાન આપી શકે.
ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા
(‘વેદાંત કેસરી’ જૂન ૧૯૯૦માંથી સાભાર)
(૫) ‘કમ્પલીટ વર્કસ’ ૬:૭૧
(૬) ‘કમ્પલીટ વર્કસ’ ૩:૨૧૩ – ૨૧૬
(૭) ‘કમ્પલીટ વર્કસ’ ૫:૫૧
(૮) ‘કમ્પલીટ વર્કસ’ ૩:૧૯૩
(૯) ‘કમ્પલીટ વર્કસ’ ૩:૨૭૪
Your Content Goes Here




