(૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલું પ્રવચન.)

સ્વામી વિવેકાનંદ અને ‘ગીતા’જેવા વિષયો તો સમાજમાં કાર્યરત હોય તેવી વ્યક્તિઓ દ્વારા જ શિખવાવા જોઈએ. આ વિષયો કંઈ વર્ગોમાં વ્યાખ્યાન આપતા પ્રોફેસરો કે શુષ્ક પંડિતો માટે નથી. પાઠના શબ્દો તેઓ કદાચ જાણતા હોય, પણ એનો મર્મ એ લોકો પામી શકતા નથી. કર્મરત લોકો જ સ્વામી વિવેકાનંદની અને ‘ગીતા’ની મહત્તા સમજી શકે છે. સમાજમાં રહી તમે સમાજ માટે કર્મ કરો, કોયડાઓનો સામનોકરો અને પછી, ‘ગીતા’ કે સ્વામી વિવેકાનંદ ભણી વળો તો તમને ખૂબ શક્તિ અને ખૂબ પ્રેરણા મળશે, જે તમે બીજાઓને આપી શકશો. આ સંબંધમાં રામકૃષ્ણ મિશનના પટણા કેન્દ્રમાં બનેલી એક ઘટના હું કહીશ.

અમે શ્રીરામકૃષ્ણ જયંતી ઊજવી રહ્યા હતા. વક્તાઓ ખ્યાતનામ હતા. એ સમયના સંરક્ષણમંત્રી શ્રી બાબુ જગજીવનરામ ઉપસ્થિત હતા અને ગવર્નર પણ હતા. મને પણ નિમંત્રણ હતું. શ્રોતાઓને બાબુ જગજીવનરામનો પરિચય આપતાં ત્યાંના એક સ્વામીએ કહ્યું કે, ‘નવી દિલ્હીથી આપને આજે સંબોધન કરવા પધારવા માટે આપણે સૌ બાબુ જગજીવનરામના આભારી છીએ. આપણા દેશના સંરક્ષણમંત્રી હોઈ તેઓ ખૂબ વ્યસ્ત છે. સભાને સંબોધન કરવા હવે હું એમને વિનંતી કરું છું.’ બાબુ જગજીવનરામ બોલવા ઊભા થયા. એમના ભાષણનાં પહેલાં બે વાક્યોએ મારા અંતરના તારને હલાવી નાંખ્યા અનેઅનેક વ્યાસપીઠો પરથી મેં એમનું પુનરુચ્ચારણ કર્યું છે. એમણે શું કહ્યું હતું? એમણે કહ્યું હતું કે, ‘આ વિષય અંગે હું કાંઈ બોલું તે રહેલાં આ આશ્રમના મંત્રીએ આપેલા મારા પરિચયનો મારે ઉલ્લેખ કરવો છે. એમણે મારો પરિચય ભારતનાસંરક્ષણમંત્રી તરીકે કરાવ્યો પણ મારે કહેવું જોઈએ કે હું કંઈ અહીં દેશના સંરક્ષણમંત્રી તરીકે બોલવા નથી આવ્યો, કારણ કે, શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીના વિચારો જગતમાં જો ચોમેર પ્રસરે તો, કોઈ પણ દેશમાં મારા જેવા સંરક્ષણમંત્રીની આવશ્યકતા જ રહેશે નહીં.’

આ ઉક્તિ મને ઘણી ગમે છે.એ સરળ, પ્રામાણિક અને સાચી છે. આપણે સૌ ભિન્ન-ભિન્ન નથી પણ તત્ત્વત: એક છીએ એ વેદાંતના મહાન સત્યનો આપણને સાક્ષાત્કાર થાય તો એથી નીપજતા જરીક જેટલા પણ વિશુદ્ધ પ્રેમથી સમાજનો આપણા બધો સંઘર્ષ દૂર થઈ જશે. સ્વામી વિવેકાનંદે આ સત્ય આખા જગતને શીખવ્યું. આપણે સૌ, મૂળમાં એક છીએ, આપણા સૌમાં એક અનંત આત્મા છે, આપણે એનો સાક્ષાત્કાર કરવો જ રહ્યો. પછી આ ઘર્ષણો, આ હિંસા, આ ગુનાખોરી અને યુદ્ધો બધું ઉત્તરોતર ઘટતું જશે. એ મહાન સંદેશની જગત રાહ જોઈ રહ્યું છે. સ્વામીજીએ પોતે કહ્યું હતું કે વેદાંતનો બોધ જગતના બધા ભાગમાં કરવો જોઈએ. એ શાંતિ અને સંવાદિતા આણશે. તમારી દૈવી પ્રકૃતિઓ અને તમારામાં રહેલી સુષુપ્ત શક્યતાઓનો પ્રાદુર્ભાવ એ કરાવો; તમારું આધ્યાત્મિક બળ વિક્સાવવા માટે આ જગત સારી શાળા છે.

પોતાને બે મહાન ધ્યેય હાંસલ કરવાં છે. એમ સ્વામીજી કહેતા. એક સાધારણ કક્ષાનો વિદ્યાર્થી પણ ગ્રહણ કરી શકે એવી ભાષામાં વેદાંતની રજૂઆત કરવી તે પ્રથમ ધ્યેય. વેદાંતનાં વિવિધ પાસાંઓ સરળતાથી સમજાવવાં જોઈએ કે જેથી, આપણે ચારિત્ર્ય અને ઉદાર સહનશીલતા શીખવી શકીએ.

પોતાના જીવનકાર્યનું વર્ણન કરતાં સ્વામીજીએ મદ્રાસના આલાસિંગા પેરુમલને લખ્યું હતું કે, “હિંદુ વિચારોને અંગ્રેજીમાં રજૂ કરવા અને શુષ્ક તત્વજ્ઞાન, ગૂંચોવાળી પુરાણકથાઓ અને વિચિત્ર રીતે ભડકાવે તેવા માનસશાસ્ત્રમાંથી સરળ, સાર્વજનિક અને તે સાથે એકદમ ઊર્ધ્વચિત્તની જરૂરિયાનોને સંતોષે તેવો ધર્મ નિપજાવવો આ કામ તો જેણે કર્યું હોય તે જ જાણે.દૈનિક જીવનમાં શુષ્ક, સૂક્ષ્મ અદ્વૈત ચૈતન્યમય – કાવ્યમય જોઈએ; અતિશય ગૂંચવણભરી પુરાણકથાઓમાંથી મૂર્ત નૈતિક આકૃતિઓ ઊઠી જોઈએ; કોયડા જેવા યોગીવાદમાંથી ઉત્તમ શાસ્ત્રીય અને વ્યવહારુ માનસશાસ્ત્ર ઊઠવું જોઈએ અને આ બધું એવા સ્વરૂપમાં રજૂ કરવું જોઈએ કે એક બાળક પણ તે ગ્રહણ કરી શકે. આ મારું જીવનકાર્ય છે.” આ ભગીરથ કાર્ય હતું અને સ્વામીજીએ તે કેટલું સરસ રીતે પાર પાડયું તે આપણે જાણીએ છીએ. એમનાં ‘કમ્પલીટ વર્ક્સ’ સાહિત્ય તરીકે એકદમ સરળ અને સુવાચ્ય છે અનેસાથેસાથે, તે એટલાં તારક અને પ્રેરક છે! વેદાંતની સ્વામીજીએ કરેલી મહાન રજૂઆત વાંચીએ ત્યારે એ વિષય સરળ થઈ જાય છે.

દરેકે દરેકની સમક્ષ માનવજાતનું ઉદાત્ત ચિંતન ઉપલબ્ધ થાય એ હેતુ માટે એક સંસ્થા ઊભી કરવી એ સ્વામીજીનું બીજું ધ્યેય હતું. આ ધ્યેય દ્વારા પૂર્વ અને પશ્ચિમ બંનેમાંથી આવતા મહાન વિચારો માનવજાતનો ઉલ્હાર કરે. આવા બધા વિચારો પોથીઓમાં દટાયેલા પડયા હતા. લોકોને એ સુલભ બનાવવાના હતા. આ માટે સ્વામીજીએ રામકૃષ્ણ સંઘ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તે એ હેતુથી કે, સમગ્ર માનવજાતિના લાભ માટે બધા વૈશ્વિક વિચારોના પ્રદાનનું એકત્રીકરણ, વિશુદ્ધીકરણ અને દૃઢીકરણ કરી શકાય. સ્વાર્મીજી આ કાર્ય કરવા ચાહતા હતા. એમના ગુરુ શ્રીરામકૃષ્ણે એમને આ કાર્ય સોંપ્યું હતું. અમેરિકાથી પોતાના મદ્રાસના શિષ્યોને ૧૮૯૪ની ૨૪મી જાન્યુઆરીના પત્રમાં તેમણે લખ્યું હતું:

‘બધાને ઘરઆંગણે ઉદાત્ત વિચારો સુલભ થાય તેવી સંરચના ગોઠવવી અને પછી, નરનારીઓને પોતાનાં ભાગ્ય પર છોડી દેવાં એ મારી સુવાંગ નેમ છે. જીવનના ગંભીર પ્રશ્નો બાબત આપણા પૂર્વજોએ તેમજ બીજી પ્રજાઓએ શું વિચાર્યું છે, એ તેમને જાણવા દો. હાલ બીજાઓ શું કરી રહ્યા છે એ તેમને જોવા દો અને પછી, તેઓ નિર્ણય કરે. બધાં રસાયણો ભેગાં મૂકવાનું આપણું કામ છે, પ્રકૃતિ પોતાના નિયમાનુસાર તેમાંય ઘાટ ઘડશે. શ્રીરામકૃષ્ણ જગતને આપેલી સર્વોત્તમ ભેટ વિવેકાનંદ પોતે જ છે. શ્રીરામકૃષ્ણના વિચારો જસ્વામીજી પ્રબોધના, પોતાના નહિ. આ મહાન સત્યનો સ્વામીજી હંમેશાં સ્વીકાર કરતા અને કહેતા: ‘જે કાંઈ વિચારોનો બોધ કરવા હું પ્રયત્ન કરું છું તે સર્વ એમના (શ્રીરામકૃષ્ણના) વિચારોનો જ પડઘો પાડવાનો પ્રયત્ન છે. મારું મૌલિક કશું જ નથી… મેં બોલેલો દરેક સાચો અને સારો શબ્દ તેમના અવાજનો પ્રતિઘોષ છે.()

આપણો દેશ સાચી ક્રાંતિને ઉંબરે ઊભેલો છે. જેમાં ખૂબ લોહી રેડાયું હોય, હત્યાઓ થઈ હોય અને આને કે તેને વિશે ખૂબ બૂમબરાડા થયા હોય તેવી ઘણી વ્રુતિઓ વિષે આપણે સાંભળ્યું છે. ભારતના વિભાજન વખતે આપણે સૌએ એ થોડુંઘણું અનુભવ્યું પણ છે. પરંતુ સાચી ક્રાંતિ હવે આવવાની તે છે. આપણી જાત પ્રત્યેના અને આપણી આસપાસના જગત પ્રત્યેના આપણા વલણમાં મોટી ક્રાંતિ થવાની છે. આપણાં મન નાનાં અને સંકુચિત છે; આપણે એકમેકને બાંધવ તરીકે જોઈ શકતા નથી કે સાથી શહેરીઓ તરીકે પિછાની શકતા નથી. આપણો ચારિત્ર્યવિકાસ થયો નથી. આપણી પ્રજાના વલણમાં આમૂલ પરિવર્તન જરૂરી છે. ત્યાર પછી જ, સાચા અર્થમાં, આપણે આખા રાષ્ટ્રમાં ક્રાંતિ કરી શકીએ. શિક્ષણનો હેતુ એ છે. વધારે અને વધારે લોકો વિવેકાનંદના મહાન સંદેશનું અધ્યયન કરશે અને એને ગળે ઉતારશે ત્યારે જ, એક અદ્ભુત સામાજિક ક્રાંતિ સર્જાશે. સ્વામીજીએ મૌલિક વિચારો આપણી સમક્ષ રજૂ કર્યા છે. એ સાહિત્ય વિશાળ છે. એમાં ઘણા વિચારો છે. એમનાં ‘કમ્પલીટ વર્ક્સ’ તો જાણે સર્વંસંગ્રાહક વિશ્વકોશ જેવાં જ છે. માનવિકાસનાં બધાં પાસાંઓને સ્વામીજીએ ચર્ચ્યાં છે. પોતાના સમયમાંના ભારત અને અમેરિકા વચ્ચેના તફાવતનો તેઓ ખાસ નિર્દેશ કરે છે. પોતાના એક વ્યાખ્યાનમાં તેઓ આ બાબત ચર્ચે છે. આપણા સમાજમાં ક્યું અને કેવું પરિવર્તન આણવું જરૂરી છે, તેની ઝાંખી કેવળ આ બાબત આપણને આપી શકશે.

સામાન્ય રીતે બોલતાં, આપણો વર્તમાન સમાજ અને આપણે ખીલવેલાં વલણો દરેક વ્યક્તિને રુંધવાનું જ કાર્ય કરે છે. આપણે એકબીજાની મદદ કરવાનો પ્રયત્ન કરતા નથી. ‘તું ઊભો થશે તો હું તને ઢીબી નાખીશ, બેસી જા, ઊઠ મા, પ્રગતિ કર મા.’ આ આપણા સમાજનું એવું વલણ છે, કે જે લોકોને અવરોધે છે અને એમને હંમેશાં વામણા બનાવે છે. પરિણામે આખા ભારતમાં વામણોસમાજ જોવા મળે છે. માણસનો પૂરો વિકાસ નથી થયો. આ બદલવાની જરૂર છે. અમેરિકામાં સ્વામીજીએ જુદો સમાજ જોયો, તેઓ એ અદ્ભુત દેશમાં, સ્વાતંત્ર્યનીભૂમિમાં ગયા ત્યારે, તેમણે ત્યાં માનવજાગૃતિ જોઈ. પોતાના એક વ્યાખ્યાનમાં તેઓ કહે છે કે ‘હું ન્યૂયોર્કને દરિયાકાંઠે જઈ અવારનવાર ઊભો રહેતો અને જુદા-જુદા દેશોમાંથી અહીં સ્થળાંતર કરી રહેલાં આગંતુકોને નિહાળી રહેતો – દુણાયેલા, કચડાયેલા, આશાહીન, કોઈ માણસના મોઢા સામે નજરસરખી માંડવામાંય અશક્ત, સામાનમાં એક કપડાનું પોટલુંઅને તે પણ બધાં ચિંથરેહાલ; સિપાઈને ભાળે તો તેનાથી ડરીને રસ્તાનીસામી ફૂટપાથે ચાલ્યાં જાય, તેવાં એ હતાં અને હવે બરાબર સાંભળી લો: જુઓ, છ મહિના બાદ એ જ માણસો ટટ્ટાર ચાલતા, કપડે સુઘડ અને સામા માણસની નજરમાં નજર મિલાવતા થઈ જતા હતા! અને આ વિસ્મયકારક તફાવત શેનાથી સજા તો હતો? ધારો કે એક માણસ આર્મીનિયાથી કે બીજા એવા સ્થળેથી આવ્યો હોય કે જ્યાં એને ઓળખી ન શકાય એટલું દમન એની ઉપર થયું હોય, જ્યાં એને હરેક વ્યક્તિ કહેતી હોય કે, ‘તું ગુલામ જન્મ્યો છે અને જિંદગી આખી આવી અધમ સ્થિતિમાં જ રહેવા માટે નિર્માયો છે’ અને, એ જરીક પણ સળવળાટ કરે તો જ્યાં એને કચડવામાં આવતો હતો ત્યાંનો દરેક પદાર્થ, જાણે કે એને કહેતો, ‘ગોલા! તું ગોલો છે અને ગોલો જ રહેજે.’તારો જન્મ નિરર્થક છે અનેતું નિરર્થક જ રહેજે. ત્યાંની હવા પણ, જાણે કે,એના કાનમાં એમ ગુંજવી દે, ‘તારે માટે કશી આશા જ નથી. તું આશાહીન અને ગુલામ જ રહેજે’ અને જ્યાં જે સબળ હતા તે એનું હીર ચૂસી લેતા હતા. પછી એ ન્યૂયોર્કમાં ઊતર્યો ત્યારે રસ્તે ચાલતાં એને એક સદ્ગૃહસ્થ ભેટ્યા અને એમણે એની સાથે હસ્તધૂનન કર્યું. એ ચીંથરેહાલ હતો ને પેલા તો સુંદર કપડાંમાં સજ્જ હતા. તેથી કંઈ જ ફરક પડતો ન હતો. આગળ ચાલતાં એણે એક રેસ્ટોરાં જોયું; ત્યાં ગૃહસ્થો એક ટેબલે બેસી ખાણું લેતા હતા અનેએ જ ટેબલના એક ખૂણે બેસવાનું એને કહેવામાં આવ્યું. એ હવે હરતો-ફરતો નેશાં થયો અને એને નવજીવન લાધ્યું. એ એવા સ્થાને આવ્યો હતો કે જ્યાં બીજા માણસોમાંનો એ પણ એક માણસ હતો. કદાચ એ વોશિંગ્ટન ગયો અને ત્યાં રાષ્ટ્રપતિ સાથે પણ એણે હાથ મિલાવ્યા…પછી એનાં માયાનાં પડળ ખસી ગયાં.()

અમેરિકન અને બીજા ઘણા પાશ્ચાત્ય સમાજો માટે આ અક્ષરશ: સત્ય છે. એ લોકો પરસ્પરની સહાય કરે છે. ‘ઊભા થાઓ, તમારી પડખે જ હું ઊભો છું’મુક્ત મનનું વલણ આવા પ્રકારનું વલણ છે. આને સ્વામીજી પૌરુષ કહેતા. ‘હું તમને તમારા પગ પર ઊભા રહેતા કરવા માગું છું. તમે અશક્ત હો, તો હું સહાય કરીશ’આ પ્રકારનું વલણ આપણા દેશમાં બિલકુલ છે જ નહીં. આપણે તો લોકોને નીચા જ ઉતારી પાડયા છે, નીચા, ખૂબ જ નીચા. એથી તો, એ વ્યાખ્યાનમાં સ્વામીજીએ કહ્યું હતું કે, આપણાં દેશમાં પરિવર્તન આવવું જોઈએ. એ આવશે ત્યારે એ કેવડી મોટી ક્રાંતિ થશે ! ‘તમારી પડખે હું ઊભો છું,’ એ વિચાર કેટલો સુંદર છે! એ કેવી રીતે ઉદ્ભવે છે? માનવહૃદયમાં ઊભી થતી માનવતાવાદી સ્ફુરણાને વાચા આપવાથી. આપણા દેશમાં આપણે એ ભાગ્યે જ જોવા પામીએ છીએ.

મેં કહ્યા પ્રમાણે, સદીઓથી આ દેશમાં અસ્પૃશ્યતા, સ્ત્રીજાતનું દમન, એમને જરીય સ્વતંત્રતા આપવી નહીં – આ પ્રકારે માણસજાતને રુંધવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ઘણા ગ્રંથો આવા વિચારોથી ભરેલા છે. સ્વામીજીએ કહ્યું હતું, ‘ફેંકી દો એ બધાં પોથાંને! વેદાંત અને ઉપનિષદોને ગ્રહણ કરો.’ મનુષ્યની સમાનતા, મુક્તિ, ગૌરવની ગાથા કહેતું એ કેવુ અદ્ભુત સાહિત્ય છે! ભારતનો વિકાસ આપણે એ માર્ગે કરવો જોઈએ. આજનો માર્ગ સાચો નથી. કારણકે એનાં પરિણામો તમે જુઓ જ છો. મનુષ્યનો વિકાસ હજુ થયો નથી; પોતાનામાં છુપાયેલી ભવ્ય અને સક્ષમ શક્યતાઓને મનુષ્ય હજુ જાણી નથી; સ્ત્રીઓએ પોતાની શક્તિ વિકસાવી નથી; આજે ભારતમાં માનવતાનો આ સંપૂર્ણ વિકાસ થાય એ અર્વાચીન યુગે હાંસલ કરવાનું છે.

(ક્રમશ:)

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

(‘વેદાંત કેસરી’ જૂન ૧૯૯૦માંથી સાભાર)

(૧) ‘કમ્પલીટ વર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ,’૮ ભાગ (કલકત્તા: અદ્વૈત આશ્રમ) ૫: ૧૦૪ – ૫ (હવેના ઉલ્લેખો કમ્પલીટ વર્ક્સ તરીકે છે.)

(૨) ગુજરાતીમાં આનો અનુવાદ‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળા’તરીકે રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમે ૧૨ ભાગમાં પ્રસિદ્ધ કર્યો છે.

(૩) ‘કમ્પલીટ વર્ક્સ’ ૮: ૭૯ સંકુચિત છે;

(૪)‘કમ્પલીટ વર્ક્સ’ ૩: ૪૨૮ – ૨૯

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.