નૈતિક પૂર્ણતાની સિદ્ધિ અને તે માટેના ઉપાયોની અધૂરી ચર્ચા અને સમાજ અને નીતિમય વર્તનની વાત આ સંપાદકીયમાં કરીશું.

સજ્જન અને નીતિમાન થવામાં આવતી મુશ્કેલીઓ સ્વામીજી જાણે છે:

આપણી સામે પડેલું કાર્ય વિશાળ છે; સૌથી પહેલાં તો આપણી અંદર રહેલા અને અજ્ઞાત મનમાં પડેલા અસંખ્ય વિચારો કે જે આપણને સ્વાભાવિક થઈ ગયા છે, તેના પર કાબૂ મેળવવાનો છે. એ વાત સાચી છે કે દુષ્ટ કાર્ય જ્ઞાત પ્રદેશમાં છે; પણ જે કારણે એ ઉત્પન્ન થયું તે તો જ્ઞાત ભૂમિકાથી ઘણું અદૃષ્ટ અને અજ્ઞાત પ્રદેશની અંદર રહેલું હતું, અને તેથી તે વધારે શક્તિવાળું હતું. (સ્વા. વિ. ગ્રં. : ૭.૭૭)

સાચા-નરસાનું આ જોર અજાણપણે એની મેળે જ મનના ઊછળતા તરંગોમાં (ચિત્તવૃત્તિઓમાં) ઉત્પન્ન થયા કરે છે. એટલે માણસ સામે કસોટી છે કે-

આમ આપણે જોઈશું કે આ કાર્ય બેવડું છે, એક છે ઇડા અને પિંગલા, કે જે પ્રચલિત સામાન્ય નાડીપ્રવાહો છે, તેમને યોગ્ય કાર્ય કરતા કરવાનું છે, અને એમ કરીને અજ્ઞાત મનનાં કાર્યો પર કાબૂ મેળવવાનું છે; બીજું છે, એનાથી પર અતિચેતન અવસ્થામાં પહોંચવાનું. (૭.૭૮)

એ તો દેખીતું છે કે અર્ધચેતન પરનો સંયમ, નૈતિકતાના ક્ષેત્રમાં આવે છે અને એનાથી ઉપરની પૂર્ણ ચેતનાની પણ પેલીપારની અતિચેતનની અવસ્થા જ આધ્યાત્મિકતા કહેવાય છે. ધ્યાન દ્વારા એ કાબૂ મેળવવો એ જ શ્રેષ્ઠ સંયમ છે.

આ તરંગોને ઊઠતા અટકાવવામાં ધ્યાન એ એક ઘણું મોટું સાધન છે. ધ્યાન દ્વારા મન વડે આ તરંગોને તમે દબાવી શકો, અને જો તમે દિવસો પર દિવસો, મહિના પર મહિના અને વરસો પર વરસો સુધી ધ્યાનનો એટલો અભ્યાસ કર્યે જાઓ કે ધ્યાનની ટેવ પડી જાય, તમારા પ્રયત્ન વિના પણ ધ્યાનની અવસ્થા ચાલુ રહે, તો ક્રોધ અને ધિક્કારની વૃત્તિઓ તમારા કાબૂમાં આવીને દબાશે. (૩.૧૯૯)

નૈતિક પૂર્ણતા માટેના આ ચાર રાજમાર્ગો છે – વિશ્વની સભ્યતા અને નૈતિક વિચારણાને સ્વામીજીની આ મોટી દેણગી છે.

સમાજ અને નીતિમય વર્તન

વૈવિધ્યભર્યા અને પરિવર્તનશીલ જગતમાં બે પરિબળો સતત કાર્યશીલ રહે છે એમ સ્વામીજી દર્શાવે છે. એક પરિબળ સમાનતા તરફ અને બીજું વિભેદકતા તરફ (ખેંચવાનું) કાર્ય કરે છે. સંપૂર્ણ સામ્ય તો ઇચ્છવા જોગ નથી. કારણ કે એ તો ભૌતિક અને સામાજિક જીવનમાં સાવ સ્થગિતતા જ લાવી મૂકશે. વિભિન્નતા તો જીવનની નિશાની છે. અને અભિવ્યક્તિની સમાનતાનો અર્થ તો મૃત્યુ જ થાય! માનવસમાજમાં વિભિન્નતા તો માનસિક અને આધ્યાત્મિક વિકાસના જુદા જુદા સ્તરવાળા માનવોની ગર્ભિત સંભાવ્ય શક્તિની અભિવ્યક્તિ રૂપ છે. આ અભિવ્યક્તિનું પરિણામ એ છે કે કેટલેક સ્થળે સત્તા અને સાધનસંપત્તિનો જથ્થો ખડકાઈ જાય છે, તો વળી કેટલેક સ્થળે એની ઊણપ ઉત્પન્ન થાય છે. અને એ અસમાનતાને ઉત્પન્ન કરે છે. આપણા હિંદુ ધર્મશાસ્ત્રના ચિંતકોએ બુદ્ધિ કે સત્તા વગેરેની અભિવ્યક્તિ સંબંધી ક્ષમતાઓની આવી અસમાનતાને કોઈ ખરાબી ગણી નથી. પણ ઊલટું એને એક કાર્યક્ષમ સામાજિક વ્યવસ્થાના આવશ્યક લક્ષણ તરીકે સ્વીકારી છે. પહેલાં આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે વિવિધ સ્વભાવ અને ક્ષમતાવાળા લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા, વર્ણવાળી નૈતિક પદ્ધતિ સમાજને પૂરી પાડવા માટે, વર્ષોના અનુભવને અંતે આપણા હિંદુ ઋષિમુનિઓએ એક આશ્ચર્યજનક સમાજ વ્યવસ્થા ઊભી કરેલી આપણે જોઈએ છીએ. આ વર્ણવ્યવસ્થા, સ્વામીજીના મતે જાતિ ઉપર એટલા માટે આધારિત હતી કે કોઈ પણ સમાજને ટકી રહેવા માટે એની આવશ્યકતા છે. આવી વ્યવસ્થાની સ્થાપનાની આવશ્યકતા ઉપર ભાર મૂકતાં, એના સાચા સ્વરૂપનો – ખાસ કરીને ભારતમાં – ખ્યાલ આપતાં સ્વામીજી કહે છે:

આપણો સમાજ ખરાબ નહિ પણ સારો છે; માત્ર મારે તેને વધારે સારો બનાવવો છે… હવે જ્ઞાતિપ્રથાનો કિસ્સો લઈએ. સંસ્કૃતમાં જાતિ એ સર્જનનો પ્રથમ વિચાર છે… જ્યાં સુધી કોઈ જાતિ સશક્ત અને ચંચળ હોય, ત્યાં સુધી તેણે વિવિધતાને જરૂર બહાર લાવવી જ પડે. જ્યારે તે આવી વિવિધતા ઉત્પન્ન કરતી અટકે અગર તેને અટકાવવામાં આવે, ત્યારે તે મૃત્યુ પામે. જાતિનો મૂળ વિચાર પોતાનો સ્વભાવ, પોતાની પ્રકૃતિ, પોતાના વર્ણને પ્રગટ કરવા માટે વ્યક્તિની સ્વતંત્રતાનો હતો; અને હજારો વર્ષો સુધી તેમજ ચાલુ રહ્યો… તો પછી ભારતના પતનનું કારણ શું હતું? જાતિની આ ભાવનાનો ત્યાગ. ગીતા કહે છે તેમ વર્ણના નાશથી જગતનો નાશ થશે… આધુનિક વર્ણ તે ખરી જાતિ નથી; એ તો તેની પ્રગતિની અવરોધક છે. તેણે તો ખરી રીતે જાતિનું, વર્ણનું અગર વિશિષ્ટતાનું સ્વતંત્ર કાર્ય અટકાવ્યું છે. કોઈ પણ પ્રકારની રૂઢ બનેલી પ્રથા કે હક્ક કે વારસાગત વર્ગીકરણ ખરેખર જાતિને પોતાનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત કરતાં રોકે છે. અને જ્યારે કોઈ પણ પ્રજા આ વિવિધતાની ઉત્પત્તિને રોકે, ત્યારે તેનો નાશ થવો જોઈએ… તમે જાતિને રોકી અને દાબી દીધી માટે ભારતનું પતન થયું. જડ અને રૂઢિચુસ્ત બની ગયેલો ખાસ હક્ક ધરાવતો દરેક વર્ગ, જાતિ ઉપર એક ભાર રૂપે છે; તે આ જાતિ છે. જાતિ ભલે પોતાનું કાર્ય કરે. જાતિના માર્ગ વચ્ચેની દરેક અડચણો તોડી પાડો તો આપણે ઉન્નત બનશું… આ વિવિધતાનો અર્થ અસમાનતા નથી કે કોઈ ખાસ અધિકાર પણ નથી. (૫.૨૯૫-૯૬)

આમ છતાં સ્વામીજીનો વર્ણવ્યવસ્થા વિષય આદર્શ ઊર્ધ્વગામી ખ્યાલવાળો હતો:

એનો હેતુ છે સમસ્ત માનવસમાજને સહાનુભૂતિપૂર્વક અને ધીરે ધીરે ઊંચે લઈ જઈને, પેલા અહિંસક, શાંત, સ્થિર, પ્રભુપરાયણ, પવિત્ર અને ધ્યાનપરાયણ આધ્યાત્મિક માનવના મહાન આદર્શે પહોંચાડવાનો. (૪.૮૨)

તદુપરાંત સ્વામીજીના મતે જાતિઓનો આ ભેદ, જેમ આજે સામાન્ય જનસમાજમાં ખોટી રીતે સમજાય છે અને આચરાય છે તેવો ચુસ્ત જાતિગત કે વંશનુગત ભેદ ન હતો. તેઓ આ પ્રમાણે સમજાવે છે:

જેવી રીતે સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ પૈકીનો એક બીજોગુણ ઓછાવધતા પ્રમાણમાં દરેક માણસમાં રહેલો હોય છે, તેવી રીતે માણસને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર બનાવનારા ગુણો તેનામાં ઓછેવધતે અંશે સ્વભાવગત જ હોય છે. પરંતુ ક્યારેક એમાંનો એક કે બીજો ગુણ માણસમાં જુદી જુદી માત્રામાં પ્રબળ બને છે, અને તે પ્રમાણે તે પ્રગટ થાય છે. ઉદાહરણરૂપે માણસને જુદી જુદી પ્રવૃત્તિમાં રોકાયેલો હોય ત્યારે જુઓ. જ્યારે તે પગાર સારુ બીજાની નોકરી કરે છે ત્યારે તે શૂદ્રત્વમાં છે; જ્યારે તે પોતાને માટે નફો મેળવવા સારુ કંઈક વેપારધંધામાં મશગૂલ હોય છે ત્યારે તે વૈશ્ય છે; જ્યારે અન્યાયનો સામનો કરવા માટે તે લડાઈ કરે છે ત્યારે તેનામાં ક્ષત્રિયના ગુણો પ્રગટ થાય છે; અને જ્યારે તે ઈશ્વરનું ધ્યાન કરે છે અથવા ઈશ્વર વિશે વાતચીત કરવામાં પોતાનો સમય ગાળે છે, ત્યારે તે બ્રાહ્મણ છે. સાહજિક રીતે જ એક વર્ણમાંથી બીજા વર્ણમાં જવું એ માણસને માટે સાવ સંભવિત છે. (૧૧.૧૯૦)

સ્વામીજી પોતાની તીક્ષ્ણ ઐતિહાસિક દૃષ્ટિથી એ હકીકત દર્શાવવાનું ચૂકતા નથી કે આ વર્ણવ્યવસ્થાના વિચાર સાથે વિશેષાધિકારનો વિચાર પણ આવે છે અને એ તો અનિષ્ટ જ છે! જેઓ વધારે શક્તિશાળી અને બુદ્ધિશાળી છે, તેમને વધુમાં વધુ અધિકારો અને જીવનની સારી સુખસુવિધાઓ આપવાનું, તેમજ જેઓ નબળા અને ઓછી ક્ષમતાવાળા હોય તેમને ઓછામાં ઓછા અધિકારો અને સુખસગવડો આપવાનું સામાન્ય વલણ બધા સમાજોમાં જોવા મળે છે. સ્વામીજી ચાર પ્રકારના વિશેષાધિકારોની વાત કરે છે:

પાશવી વિશેષાધિકારનો વિચાર, બળવાનનો નિર્બળ ઉપરનો વિશેષાધિકાર. સંપત્તિનો પણ વિશેષાધિકાર હોય છે… બુદ્ધિનો વિશેષાધિકાર તેનાથી વધારે સૂક્ષ્મ અને બળવાન હોય છે… પણ છેલ્લો અને સહુથી ખરાબ અને ત્રાસજનક વિશેષાધિકાર તો છે ધર્મનો… કોઈ પણ માણસ વેદાંતી ગણાવાની સાથોસાથ અન્ય ઉપર કોઈના માનસિક, શારીરિક કે ધાર્મિક વિશેષાધિકારનો દાવો સ્વીકારી ન શકે. (૫.૭૪)

આ રીતે સ્વામીજી દ્વારા પ્રતિપાદિત વેદાંતી નીતિશાસ્ત્ર, જુદી જુદી જાતિઓને જુદા જુદા વિશેષાધિકારો આપવાના વલણ સામે પ્રતિદ્વન્દ્વિતાનો જ હેતુ રાખે છે. આપણે પહેલા દર્શાવ્યું, એ પ્રમાણે અનંતતત્ત્વ આત્મા તો એક જ છે અને પ્રગટ થયેલા આ વિશ્વની વિવિધતા તો ફક્ત એક એવું બાકોરું જ છે કે જેના દ્વારા પેલી વિશ્વચેતનાની શક્તિ અને ગૌરવ અભિવ્યક્તિ પામે છે. એક જ વિશ્વચેતનાની અભિવ્યક્તિ તો મનુષ્યની ક્ષમતાના પાયા ઉપર જ નિર્ભર છે. એટલે કોઈ મનુષ્ય એ (ક્ષમતા)થી વધારે અભિવ્યક્તિનો દાવો કરે એ વ્યાજબી નથી. એટલે આપણને સ્વામીજીનું નીતિશાસ્ત્ર વધારેમાં વધારે વિકાસશીલ અને ક્ષમતાના વૈવિધ્યવાળું જોવા મળે છે. પણ એની સાથોસાથ તેઓ વિશેષાધિકારોની સમાન વહેંચણી ઉપર પણ ભાર મૂકે છે. સ્વામીજી કહે છે:

એટલા માટે સાવ સમાન સંજોગો મેળવવાનું નીતિધર્મનું લક્ષ્ય હોય તો તે અશક્ય લાગે છે… માનવો ભિન્ન સ્વરૂપે જ જન્મવાના; અમુકમાં બીજા કરતાં વધારે શક્તિ હોવાની; અમુકમાં સ્વાભાવિક સામર્થ્ય હોવાનું જ કે જે બીજામાં નહિ; અમુકને સર્વાંગ સંપૂર્ણ દેહ હોવાનો જે બીજાને નહિ હોય. આપણે એ વિષમતા કદી અટકાવી શકીએ એમ નથી… પણ જે પ્રાપ્ત થઈ શકે તેવું છે તે છે આ વિશેષાધિકારની નાબૂદી. ખરી રીતે સમગ્ર જગત સમક્ષ આ જ કાર્ય રહેલું છે. દરેક જાતિમાં અને દરેક દેશમાં એ એક સંઘર્ષ બધાં સામાજિક જીવનમાં હંમેશાં ચાલી રહ્યો છે. માનવીનો એક સમૂહ બીજા સમૂહ કરતાં વિશેષ બુદ્ધિશાળી છે એ મુશ્કેલી નથી; પરંતુ ખરી મુશ્કેલી એ છે કે આ સમૂહ તેમની પાસે બુદ્ધિનો લાભ હોવાથી ઓછી બુદ્ધિવાળાઓને મળતો સ્થૂળ આનંદ પણ ખૂંચવી લે છે… બીજાના ઉપર સરસાઈ ભોગવવી એ વિશેષાધિકાર છે, અને યુગોથી આ વિશેષાધિકારનો ધ્વંસ કરવો એ નીતિનું ધ્યેય રહ્યું છે. સાથોસાથ વિવિધતાનો ધ્વંસ કર્યા વગર સમાનતા પ્રતિ લઈ જનારું, એકતા પ્રતિ લઈ જનારું; પણ આ જ કાર્ય છે. (૫.૮૩-૮૪)

ઉપસંહાર

અંતમાં તારણરૂપે આપણે ટૂંકામાં સ્વામી વિવેકાનંદની નીતિવિષયક અનન્ય વિચારણાના મુખ્ય મુદ્દાઓ ગણાવીશું. અને વિશ્વના નીતિ સિદ્ધાંતોમાં એમણે આપેલા વિશિષ્ટ યોગદાન વિશે કહીશું.

આપણે અગાઉના સંપાદકીયમાં ચર્ચા કરી ગયા એ પ્રમાણે, સ્વામીજીના આગમન પહેલા નીતિશાસ્ત્ર સામાન્ય રીતે બે વિભાગમાં વહેંચવામાં આવતું. પહેલો વિભાગ ધર્મ કે રહસ્યવાદ પર નિર્ભર રહેતો અને બીજો વિભાગ ધર્મવિમુખ હતો. સ્વામીજીએ ધર્મવિહોણી કે ધર્મના પાયા વિનાની કે અધ્યાત્મરહિત નીતિશાસ્ત્રની પદ્ધતિઓની મર્યાદાઓ એકદમ સ્પષ્ટ રીતે દર્શાવવાનો પ્રારંભ કર્યો. મનુષ્યના નૈતિક જીવનના પાયામાં જ પોતાના સાચા સ્વરૂપની અને ત્યાગની ભાવના પડેલી હોવાને કારણે માનવની ભીતરની મુક્તિની અને અનંતતાની ઝંખના વગરનું ખાલી નૈતિક જીવન તો અપૂર્ણ જ રહેવાનું! એનાં કારણો આવાં છે: (૧) સર્વોત્તમ સારાપણા સિવાયના બધાં જ જીવન્મૂલ્યો સાપેક્ષ અને સારા-નરસાના મિશ્રણવાળાં જ હોય છે. (૨) બધા જ નૈતિક સદ્‌ગુણો સાંયોગિક કે પરાવલંબી આદર્શો હોય છે. દાખલા તરીકે કરુણાને પોતાના અસ્તિત્વ માટે દુ:ખની જરૂર રહે છે; ન્યાય અથવા ક્ષમા ખરાબ કાર્ય સિવાય હસ્તી ધરાવી શકે નહિ. (૩) આપણા અનુભવમાં આવતું વિશ્વ, પરસ્પર વિરોધી દ્વન્દ્વોથી ભરેલું છે. એમાં પરસ્પરનાં વિરોધીતત્ત્વો અવિભાજ્ય રીતે રહેલાં હોય છે. અને વિશ્વમાં કોઈ મનુષ્ય નીતિભર્યા કાર્ય દ્વારા કંઈક સારું હાંસલ કરે તો પણ તે મિશ્રણવગરનું તો હોતું જ નથી. કોઈ મનુષ્ય સમૃદ્ધિ, સત્તા, સૌંદર્ય, સ્વાસ્થ્ય અને સન્માન ભલે મેળવે છતાં એ તો બધાની સાથે સદાયે રહેનાર ખરાબીથી છૂટકારો પામી શકતો નથી. ધર્મ ઉપર પ્રતિષ્ઠિત નૈતિક પદ્ધતિમાં પણ આપણને નૈતિકતા કાં તો કોઈ બાહ્ય સત્ત્વ ઉપર અથવા તો કોઈ મહાન વ્યક્તિત્વ ઉપર અથવા તો શાસ્ત્રો ઉપર આધારિત રહેલી માલૂમ પડે છે! દરેક દૃષ્ટાંતમાં આ પદ્ધતિઓનું નૈતિક જીવન, કોઈક પરની વફાદારી પર ચણાયેલું હતું. કોઈ બાહ્ય અધીનતા પર આધારિત હતું અને એની સાથે પેલી મૂલગત સ્વાતંત્ર્યની ઝંખના પણ હંમેશાં જ જોડાયેલી રહેતી. સ્વામીજીએ કહ્યું છે કે હિંદુ નીતિશાસ્ત્ર પણ કાનૂનોથી અને વેદોના પ્રમાણથી બંધાયેલો છે – આધારિત છે. આ બાબતમાં સ્વામીજીનું સૌથી મોટું યોગદાન એ છે કે એમણે નૈતિકતાને કોઈ પણ પ્રકારના બંધનના કે કોઈપણ પ્રકારની માનવીય કે દેવતાઈ વફાદારીમાંથી મુક્ત કરી દીધી. એમણે નૈતિકતાને માનવના અમર સ્વરૂપ ઉપર પ્રતિષ્ઠિત કરી દીધી… મનુષ્યની અમર આધ્યાત્મિક એકતા ઉપર પ્રસ્થાપિત કરી દીધી. એ પ્રતિષ્ઠા પૂર્વપ્રાપ્ત હતી, વિદ્યમાન હતી, એ ‘પ્રાપ્ય’ નહિ ‘પ્રાપ્ત’ હતી. વળી બૌદ્ધધર્મના મધ્યબિંદુ સમા બુદ્ધના નૈતિક આદર્શમાં પણ સ્વામીજીએ એક ઊણપ ભાળી. સ્વામીજી કહે છે:

માટે હું માત્ર ઉપનિષદોનો જ ઉપદેશ આપું છું. ઉપનિષદોમાંથી પણ કેવળ ‘બળ’ના જ વિચારનો ઉપદેશ આપ્યો છે. વેદો, વેદાંત અને બીજા બધાનું હાર્દ એકમાત્ર તે ‘બળ’ શબ્દમાં છે. બુદ્ધનો ઉપદેશ હતો અપ્રતિકાર અથવા અહિંસા; પણ હું ધારું છું કે તે જ વાત શીખવવા માટે આ વધારે સારો માર્ગ છે. કારણ કે એ અહિંસાના વિચારની પાછળ ભયંકર નિર્બળતા રહેલી હતી; પ્રતિકારની ભાવનાનો વિચાર આણનાર છે નિર્બળતા. સાગરની છોળના એક ટીપાને શિક્ષા કરવાનો અને તેનાથી નાસી છૂટવાનો વિચાર મને કદીય આવતો નથી. મારે મન એનો કંઈ જ હિસાબ નથી. છતાં મચ્છર માટે તે ગંભીર બાબત થઈ પડે. હિંસા માત્રને હું તેવી ગણું છું. મારે જોઈએ શક્તિ અને નિર્ભયતા. મારો આદર્શ તો છે સન ૧૮૫૭ના સ્વાતંત્ર્યયુદ્ધમાં જેનું ખૂન કર્યું તે સાધુ, કે જેની છાતીમાં છરાનો ઘા વાગતાં, મરતાં મરતાં આજીવન મૌન તોડીને મારનારને કહ્યું કે ‘તું પણ તે (ઈશ્વર) જ છો!’ (૧૦.૨૨૧)

ઉપનિષદોના ‘શક્તિ-બળ’ વિષયક ખ્યાલનું સ્વામીજીએ કરેલું અનન્ય નવું અર્થઘટન અને માનવીય નૈતિકતાના વિકાસના વિવિધ સ્તરોમાં એનો કરવામાં આવેલો વિનિયોગ તો વિશ્વનાં નૈતિક વિચારણામાં પણ એક ખૂબ મહત્ત્વનું પ્રદાન છે. સ્વામીજીનું બીજું મહત્ત્વનું યોગદાન સારા-નરસા વિશે કેટલાક સૂક્ષ્મ અને ભેદક વિચારોના રૂપમાં છે. આ વિશે આપણે આ લેખમાં ઉપર ચર્ચા કરી ગયા છીએ. આ વિચારો નૈતિકતા વિષયક કોઈ અસ્પષ્ટતા બાકી રહેવા દેતા નથી અને મનુષ્યને તે વિશેની કોઈ જ પીંજણ વગર અને દંભ વગર નૈતિકતાનો અમલ કરવાની કેળવણી આપે છે. સામાન્ય રીતે નૈતિકતાના અંચળામાં દાંભિકતા જેવાં દૂષણો કેટલાંક સાંપ્રદાયિક ધાર્મિક આંદોલનોમાં દેખાય છે, તે અંગેની સૂક્ષ્મ સ્પષ્ટતા સ્વામીજી આપે છે અને આ વિચારો સારું કામ કરનારને સ્વામીજી સહાનુભૂતિપૂર્વક સમર્થન આપે છે. ના, એટલું જ નહિ, પોતાના ઓછા ભાગ્યશાળી ભાઈઓ પ્રત્યે સમજણ કેળવવાનું કહે છે કે એવા લોકો પણ એ મનુષ્યની પેઠે જ એ જ લક્ષ્ય તરફ આગળ યાત્રા કરી રહ્યા છે. ભલે તેઓ એ વિશે જાણતા હોય કે ન જાણતા હોય! વળી એની સાથે સારો મનુષ્ય સંપૂર્ણ બને, અને ઓછો સારો માણસ નૈતિક અનુશાસન દ્વારા પૂર્ણતાએ પહોંચી શકે – એમ એ બધાના ભાવિ માટે શ્રદ્ધા ધરાવે છે. ‘મનુષ્ય નિમ્ન સત્ય પરથી ઉચ્ચતર સત્ય તરફ પ્રગતિ કરે છે એ કોઈ ભૂલમાંથી સત્ય તરફ જતો નથી’ આ સત્યને ફરી ફરી કહેવામાં તેઓ કદીય થાકતા નહિ. આ રીતે તેમણે પાપ, નરક, અનન્ત સજા (કયામત) વગેરેના ખ્યાલમાં રાચતી વિવિધ નૈતિક પદ્ધતિઓ પર મરણતોલ ફટકો મારી દીધો.

સ્વામીજીએ દર્શાવ્યું કે વેદાંતના મતાનુસાર જાણ્યે-અજાણ્યે સમગ્ર માનવજાત – સમગ્ર વિશ્વ મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે. નીતિશાસ્ત્રનું મુક્તિરૂપ લક્ષ્ય આ રીતે ઉત્ક્રાંતિના વિવિધ સ્તરે રહેલી વિવિધ વ્યક્તિઓ માટે અલગ અલગ અનુશાસનો પર ભાર મૂકીને એકાંગી નીતિશાસ્ત્રને આધ્યાત્મિક નીતિશાસ્ત્ર બનાવી દે છે.

આ રીતે આપણે જોઈએ છીએ કે સ્વામીજીનું નીતિશાસ્ત્ર આત્માની મૂળભૂત દિવ્યતા, સમગ્ર અસ્તિત્વની એકતા, નિ:સ્વાર્થતા અથવા અહં ત્યાગ પર ચણાયેલું છે, મુક્તિ એનું લક્ષ્ય છે; એમાં સારા-નરસાની સાપેક્ષતા પર ભાર મૂકવામાં આવ્યો છે, નીતિમય જીવનમાં શક્તિ એ માર્ગદર્શક ઘટક છે. એ બધું આ નીતિશાસ્ત્રની અસાધારણતા બતાવે છે. વૈશ્વિક વિચારણામાં તેમનું આ પ્રદાન છે. એને માટે સમગ્ર માનવજાતિ ઘણા લાંબા સમય સુધી તેમની ઋણી રહેશે. તેમના નૈતિક વિચારો અને આદર્શો, એની વ્યાપ્તિમાં વૈશ્વિક છે. કારણ કે તે મૂળગત નૈતિક સિદ્ધાંતો પર પ્રતિષ્ઠિત છે. એ સિદ્ધાંતો કોઈ પણ માણસની નાત, જાત, ધર્મ, સંપ્રદાય કે રાષ્ટ્રિયતાના કશા જ ભેદભાવ વગર સર્વજનો માટે સામાન્ય છે. તદુપરાંત, ભલે જો કે અત્યારનો સમાજ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળો છે, એની સભ્યતા પણ અર્વાચીન છે, એનામાં સ્વાતંત્ર્યની ધધકતી ચેતના છે, એનામાં વૈશ્વિકતા છે, એનામાં દરેક વસ્તુને બુદ્ધિથી ચકાસી જોવાનું જબરું વલણ છે; તો પણ એ સમાજ સ્વામીજીના નીતિશાસ્ત્રમાં માનવ સ્વભાવના શાશ્વત સિદ્ધાંતો પર પ્રતિષ્ઠિત તર્કપૂત નીતિસિદ્ધાંત તરીકે પિછાણે છે: ‘આત્મા’.. અને બધા કરતાંય પહેલા સમગ્ર માનવજાતિને એ આત્મામાં રહેલી અનંત સંભાવનાઓની અનુભૂતિ કરવા માટે અને પોતાના ભાવિને રચવા-ઘડવા અને પ્રભુત્વના પ્રદાન માટેનું એમનું આહ્‌વાન છે – ઉદ્‌ઘોષણા છે.

Total Views: 150

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.