ટર્ક સ્ટ્રીટ સ્થિત પોતાના નિવાસે રહેવાના સમયે સ્વામી વિવેકાનંદે ઘણા આધ્યાત્મિક પથિકોને માર્ગદર્શન આપ્યું હશે. સ્વામીજીની વિદાય થયા પછી પણ તેઓએ વેદાંતનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. છતાં આશ્ચર્યની વાત છે કે તેમાંના કોઈ પોતાને સ્વામીજીના શિષ્યરૂપે ગણતા ન હતા. દાખલા તરીકે ફ્રેંક રોડહેમલે સ્વામી તુરિયાનંદ પાસે તો એડિથ એલને સ્વામી ત્રિગુણાતીતાનંદ પાસે દીક્ષા મેળવી હતી.

સ્વામી તુરિયાનંદ તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓ હતા. તુરિયાનંદજીને તો સ્વામીજી 1899માં પશ્ચિમની દ્વિતીય સફરમાં પોતાની સાથે જ અમેરિકામાં વેદાંતનો પ્રચાર કરવા માટે લાવ્યા હતા. પરંતુ તેઓ 1902માં સ્વામીજીની મહાસમાધિ બાદ અત્યંત શોકગ્રસ્ત થઈને અમેરિકા ત્યજીને ભારત પાછા ફરી ગયા હતા. ત્યારબાદ બેલુર મઠથી વેદાંત પ્રચાર માટે મોકલવામાં આવ્યા હતા.

આ વાત ઉપરથી આપણા મનમાં પ્રશ્ન થાય કે સ્વામી વિવેકાનંદના શિષ્ય બનવાનો અર્થ શું છે. એક વાત તો પાકી છે કે સ્વામીજીએ પશ્ચિમમાં હજારો શિષ્યો બનાવ્યા હતા. આ વાતનો પુરાવો તો સ્વામીજી પોતે જ આપે છે. કોલકાતામાં કોઈએ એમને પૂછ્યું હતું, “સ્વામીજી, તમે અમેરિકામાં કેટલા શિષ્યો બનાવ્યા હતા? શું બે-ત્રણ હજાર?”

સ્વામીજીએ ઉત્તર આપ્યો, “કદાચ એથી પણ વધુ.” ફરીથી પ્રશ્ન થયો, “શું તમે એ બધાને મંત્રદીક્ષા આપી હતી?” સ્વામીજીએ ઉત્તર આપ્યો, “હા.” સામેવાળાએ પૂછ્યું, “શું આપે પ્રણવમંત્ર (ૐ)નું ઉચ્ચારણ કરવાની પરવાનગી આપી છે?” સ્વામીજીએ કહ્યું, “હા.”

પોતાની પ્રથમ અને દ્વિતીય યાત્રા દરમ્યાન સ્વામીજી હજારો હજારો લોકોના સંપર્કમાં આવ્યા હશે. આ દૃષ્ટિએ જોઈએ તો સ્વામીજીના મંત્રદીક્ષાર્થીઓની સંખ્યા બહુ મોટી લાગતી નથી. બીજી બાજુ, આપણાં પુસ્તકો તથા સાહિત્યમાં સ્વામીજીના શિષ્યોની સંખ્યા બહુ ઓછી વર્ણવામાં આવી છે, આ વિરોધાભાસ શા કારણે?

યુગનાયક વિવેકાનંદમાં વર્ણન છે: “વિદાયના આગલા દિવસે જ્યારે હરિદાસબાબુએ સ્વામીજીનાં ચરણ પકડીને દીક્ષા માટે પ્રાર્થના કરી ત્યારે સ્વામીજીએ કહ્યું: ‘હું ચેલાઓની સંખ્યા વધારવા કે ગુરુગીરી કરવા ઇચ્છતો નથી. જે લોકો ગુરુગીરીનું અભિમાન કરે છે, તેઓ દેશનું કે પોતાનું કંઈ ભલું કરી શકતા નથી. તો પણ આ સીધી વાત યાદ રાખજો કે મનુષ્ય જે કંઈ કરી શક્યો છે, તેને સાધના દ્વારા મેળવવું એ મનુષ્ય માટે શક્ય છે. પ્રત્યેક મનુષ્યની અંદર સર્વશક્તિમત્તાનું બીજ રહેલું જ છે.’

સ્વામીજી દીક્ષા નહોતા આપતા એવું નહોતું. પરંતુ કયા ગૂઢ કારણથી સ્વામીજીએ હરિબાબુ જેવા સજ્જન માણસની પ્રાર્થના સ્વીકારી નહીં, એનું અનુમાન કરવું મુશ્કેલ છે. જરૂર કોઈ ગૂઢ કારણ રહ્યું હશે. મોટેભાગે એવું જોવામાં આવતું હતું કે તેઓ માગતાં જ દીક્ષા નહોતા આપતા. તેઓ માગણી કરનારના દરેકના સ્વભાવનું વિશેષરૂપે નિરીક્ષણ કરતા. એ પછી તેમને જણાય કે તેની કક્ષા કઈ છે, તે પ્રમાણે તેને યોગ્ય માર્ગ બતાવતા અને તે મુજબ જ મંત્ર વગેરે પણ આપતા હતા. આ પદ્ધતિ દ્વારા કોઈને ભક્તિ, તો કોઈને જ્ઞાન, તો કોઈને કર્મ તો કોઈને રાજયોગની સાધના પદ્ધતિ મળતી. તે વ્યક્તિ પછી પોતાના આદર્શનું અનુસરણ કરતાં કરતાં ઇષ્ટ-પ્રાપ્તિના માર્ગ પર આગળ વધવા લાગતી. એ ઉપરાંત તેઓ બધાને જણાવી દેતા કે આત્મનિર્ભરતાથી વધારે મોટું બીજું કંઈ નથી.” (પ્રકરણ, ભારતીય પ્રચારનું અંતિમ પર્વ)

આવો, આપણે થોડું ઊંડાણમાં ઊતરીને વિશ્લેષણ કરીએ. સ્વામીજી પોતાના શિષ્યોને બે વિભાગમાં વહેંચતા.

ભગિની ક્રિસ્ટીન સ્વામીજીના અમેરિકન શિષ્યાં હતાં. તેઓ કહે છે, “જ્યાં સુધી કોઈ દીક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત ન કરતું, અને જ્યાં સુધી સ્વામીજી એમની આધ્યાત્મિક યોગ્યતાથી સંતુષ્ટ ન થતા, ત્યાં સુધી તેઓ પોતાના સંગીઓના વ્યક્તિગત જીવનમાં ખલેલ પહોંચાડતાં નહીં. … અલ્પ પરિચિત લોકોની ઓળખાણ આપવાના સમયે સ્વામીજી સ્પષ્ટતાપૂર્વક કહેતા, ‘એ શિષ્ય નથી, એ મારો મિત્ર છે.’ આ બંને સંબંધ બિલકુલ ભિન્ન છે. મિત્રો ભલે કદાચ ટૂંકી દૃષ્ટિવાળા હોઈ શકે, તેઓનું ચિંતન-મનન ભલે ગાડરિયા પ્રવાહમાં વહેતું હોઈ શકે, પરંતુ બળપૂર્વક તેઓને સુધારવાનું કાર્ય સ્વામીજીનું ન હતું. કોઈના ચિંતનપ્રવાહમાં જરા-અમથી પણ ખલેલ પહોંચાડે એવો મત પ્રદર્શિત કરવાને સ્વામીજી અક્ષમ્ય અતિક્રમણરૂપે ગણતા. પરંતુ જો કોઈ સ્વામીજીને ગુરુરૂપે સ્વીકારતા તો સ્વામીજીનું એના પ્રતિ વર્તન સંપૂર્ણ બદલાઈ જતું. તેઓ પોતાના શિષ્યનાં કુલક્ષણો, પૂર્વગ્રહો, વણમાગેલા મતમતાંતરો, કે ચરિત્રના કોઈ પણ અવગુણો પર ઇરાદાપૂર્વક આક્રમણ કરતા.”

આ કક્ષાના શિષ્યો માટે જ સ્વામીજીએ કેલિફોર્નિયા રાજ્યના આલામેડા શહેરમાં એક ચંદ્ર-કિરણ પ્રકાશિત સંધ્‍યાએ પોતાની આસપાસ એકત્રિત કેટલાક ઘનિષ્ઠ મિત્રોને સંબોધીને કહ્યું હતું, “જો મારા શિષ્ય થવું હશે તો તોપનો સામનો કરવા માટે તત્પર રહેવું પડશે.”

૧૮૯૭માં પોતાના યુવા શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીને દીક્ષા આપવાના સમયે સ્વામીજીએ કહ્યું હતું, “બોલ, મારી આજ્ઞાનું પાલન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે? ભલે હું કોઈ પણ આજ્ઞા આપું અને ગમે ત્યારે આપું. તારા ભલા માટે જો હું તને ગંગામાં ડૂબકી મારવા કહું કે છત ઉપરથી કૂદકો મારવા કહું તો તું ક્ષણમાત્ર દ્વિધા કર્યા વિના એનું પાલન કરીશ? શાંતિથી વિચારીને જોઈ લે. હડબડમાં મને ગુરુરૂપે ન સ્વીકારીશ.”

પશ્ચિમમાં સ્વામીજીએ માત્ર મૂઠીભર સાધકોને જ આ પ્રકારના શિષ્યોના રૂપે સ્વીકૃત કર્યા હતા. ૧૮૯૫ના જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન સ્વામીજી પોતાના ૧૨ ઘનિષ્ઠ મિત્રો સાથે ઓન્ટેરિઓ નામક વિશાળ સરોવરમાં સ્થિત સહસ્ર-દ્વીપોદ્યાન નામક એક સુંદર ટાપુમાં રહેવા ગયા હતા. ત્યાં તેઓએ વેદાંતના ગહન તત્ત્વોની સમજ આપી હતી. ત્યાંથી વિદાય લેતા પહેલાં તેઓએ એક સ્ત્રી તથા એક પુરુષ શિષ્યને સંન્યાસ દીક્ષા આપી હતી. તેઓનાં નામ હતાં સ્વામી અભયાનંદ તથા સ્વામી કૃપાનંદ. સાથે જ અન્ય પાંચ શિષ્યોને બ્રહ્મચર્ય દીક્ષા આપી હતી. આ પાંચમાનાં એક હતાં ભગિની ક્રિસ્ટીન.

ન્યૂ યોર્કમાં સ્વામીજીના એક શિષ્યા હતાં કુમારી સારા એલેન વાલ્ડો. સ્વામીજીએ તેઓના હસ્તે જ પોતાનું ‘રાજયોગ’ પુસ્તક લખાવ્યું હતું. તેઓ કહે છે કે આજ ૧૨ મિત્રોમાંના અન્ય પાંચને સ્વામીજીએ ન્યૂ યોર્કમાં દીક્ષા આપી હતી. કુમારી વાલ્ડોને પણ સ્વામીજીએ બ્રહ્મચર્ય દીક્ષા આપી હરિદાસી નામ આપ્યું હતું.

સ્વામીજીના કેટલાક અનુયાયીઓએ મદ્રાસમાં ‘બ્રહ્મવાદિન્‌’ નામક સામયિક પ્રારંભ કર્યું હતું. આ સામયિકમાં એક પત્ર લખીને સ્વામી કૃપાનંદે જણાવ્યું હતું કે ૧૩ ફેબ્રુઆરીના રોજ સ્વામીજીએ “કેટલાક સંન્યાસીઓ તથા બ્રહ્મચારીઓની ઉપસ્થિતિમાં” ડોક્ટર સ્ટ્રીટ નામક એક અનુયાયીને સંન્યાસ દીક્ષા આપી હતી. આના કેટલાક દિવસો બાદ સ્વામીજીએ કેટલાંક યુવકો તથા યુવતીઓને પણ મંત્રદીક્ષા આપી હતી.

સ્વામીજી જ્યારે પ્રવચન આપતા ત્યારે તેઓનું મન એટલી ઉચ્ચ કક્ષાએ વિચરણ કરતું કે તેઓની વાણીને યથાર્થરૂપે લિપિબદ્ધ કરવી, કે જેથી ભવિષ્યની પેઢીઓને એના વાંચનનો લાભ મળી શકે, એ અત્યંત મુશ્કેલ હતું. પરંતુ જોશીયા જે. ગુડવિન નામક એક શીઘ્રલિપિકાર સ્વામીજીના શબ્દો યથાવત્‌ લિપિબદ્ધ કરી શક્યા હતા. પ્રથમ તો તેઓ નોકરી કરવા માટે જ સ્વામીજીના શીઘ્રલિપિકાર બન્યા હતા, પરંતુ ટૂંક સમયમાં સ્વામીજીથી પ્રભાવિત થઈને તેઓ તેમના શિષ્ય બની ગયા હતા. સ્વામીજીએ તેમને પણ બ્રહ્મચર્ય દીક્ષા આપી હતી.

પશ્ચિમમાં વિધિવત્‌ દીક્ષા આપવાનાં આ કેટલાંક ઉદાહરણો જ આપણને જોવા મળે છે. આ બધી દીક્ષાઓ સરળ વિધિપૂર્વક અને અંતરંગ ભક્તોની ઉપસ્થિતિમાં થઈ હતી. જેમની પાસે સ્વામીજી એકનિષ્ઠ કર્મી કે વેદાંત પ્રચારક બનવાની અપેક્ષા રાખતા હોય તેઓને જ તેઓ સંન્યાસદીક્ષા, બ્રહ્મચર્યદીક્ષા, કે મંત્રદીક્ષા આપતા. ન્યૂ યોર્ક સિવાય બોસ્ટન, ડેટ્રોઈટ, શિકાગો, કે લંડન જેવા શહેરોમાં પણ સ્વામીજીએ દીક્ષા આપી હશે એવું અમારું અનુમાન છે. દા.ત., સ્વામીજીએ કેપ્ટન તથા શ્રીમતી સેવિયરને લંડનમાં મંત્રદીક્ષા આપી હતી. સ્વામીજીના શિષ્યના રૂપે તેઓ બંને સ્વામીજી સાથે ભારત આવ્યાં હતાં અને હિમાલયના માયાવતીમાં અદ્વૈત આશ્રમની સ્થાપનામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

ભગિની નિવેદિતાએ સ્વામીજીનાં શિષ્ય હોવાની બધી જ શરતો પૂરી કરી હતી. તેઓને જોઈને જ સમજમાં આવે છે કે તેઓના શિષ્ય બનવાનો અર્થ શું છે—સ્વામીજીના શિષ્ય બનવા માટે કેટલી કપરી તપસ્યા કરવી પડે છે, સ્વામીજીનો કેટલો ઠપકો સાંભળવો પડે છે, સ્વામીજીની કેટલીય ઉચ્ચ અપેક્ષાઓ પૂરી કરવી પડે છે.

પરંતુ સાથે જ સ્વામીજી એમ પણ કહે છે કે તેઓએ પશ્ચિમમાં ત્રણ હજારથી વધુ લોકોને દીક્ષા આપી છે. તેઓ બધામાં બ્રાહ્મણના ગુણ હતા, અર્થાત્‌ તેઓ કેટલીક હદે સંયમનું પાલન કરીને યથાસાધ્ય સાધના કરવા તત્પર હતા. તેમાંના કેટલાક પોતાને સ્વામીજીના “મિત્ર” તરીકે ઓળખાવતા, કેટલાકને સ્વામીજીએ વિધિવત્‌ દીક્ષા આપેલી અને પોતાના શિષ્ય તરીકે પણ ગણતા. ઉદા. તરીકે કુમારી મેક્લાઉડ અને તેમનાં મિત્ર ડોરા રોથલિસબર્જર. તેઓ બંનેએ સ્વામીજી પાસેથી સાધના સંબંધિત ઉપદેશ મેળવ્યાં હતાં.

તેઓએ ધ્‍યાન કેવી રીતે કરવું એમ પૂછતાં સ્વામીજીએ કહ્યું, “એક અઠવાડિયા સુધી ૐકાર પર ધ્‍યાન કરો અને પછી આવીને મને કહો.” એક અઠવાડિયા બાદ તેઓએ સ્વામીજીને પોતાની અનુભૂતિ જણાવી. ડોરા રોથલિસબર્જરે કહ્યું, “મેં પ્રકાશનું કિરણ જોયું.” સ્વામીજીએ ઉત્તર આપ્યો, “ખૂબ સરસ, આ જ સાધના ચાલુ રાખો.” કુમારી મેક્લાઉડે કહ્યું કે, “મને હૃદયમાં ઉજાસની અનુભૂતિ થઈ.” સ્વામીજીએ તેમને પણ કહ્યું, “ખૂબ સરસ, આ જ પ્રમાણે કરતા રહો.” કુમારી મેક્લાઉડ લખે છે કે, “સ્વામીજીએ મને આટલા પૂરતું જ શીખવ્યું હતું.”

પછીનાં વર્ષોમાં કુમારી મેક્લાઉડ પોતાને સ્વામીજીના મિત્ર તરીકે જ ગણાવતાં, શિષ્યા ક્યારેય નહીં. પરંતુ સ્વામીજીએ તો તેમને મંત્રદીક્ષા જ આપી હતી અને પોતાના શિષ્યા તરીકે ગ્રહણ કર્યા હતા.

આ પ્રકારે કેટલા લોકોને સ્વામીજીએ સ્વાભાવિક દીક્ષા આપી હતી અને પોતાના શિષ્યોના રૂપમાં ગણ્યા હતા, એ જાણવાનો આજે કોઈ ઉપાય નથી. તેઓએ ભલે અંદાજિત “ત્રણ હજારથી વધુ”નો આંકડો આપ્યો હોય પરંતુ સાચો આંકડો આનાથી ક્યાંય વધારે હોઈ શકે. સ્વામીજીની દીક્ષા ઘણી વાર એટલી અનૌપચારિક રહેતી કે દીક્ષાર્થીને સમજમાં પણ ન આવતું કે પોતે સ્વામીજી પાસેથી દીક્ષા મેળવી છે અને ભવસાગર તરી ગયો છે.

અનૌપચારિક દીક્ષા આપતી વખતે સ્વામીજી સાચા સાધક કે શિષ્ય હોવાનો શું અર્થ છે એ વિષયક વધુ કંઈ જણાવતા નહીં. તેઓ શિષ્યની જવાબદારીઓ અને કપરી તપસ્યાઓ વિશે વિસ્તારમાં સમજાવવાની જરૂર સમજતા નહીં. સ્વામીજી પોતાના આશીર્વાદ આપતા, થોડી ઘણી સાધના સંબંધી જાણકારી આપતા, તથા શિષ્યના જન્મજન્માંતરનો બોજો પોતાના માથે ઉઠાવી લેતા. તેઓ ક્યારેય શિષ્ય પાસેથી કશી અપેક્ષા રાખતા નહીં—ન આજ્ઞાવહતા, ન પોતાના પ્રદર્શિત રસ્તે ચાલવાની અપેક્ષા, કે ન વફાદારી.

દીક્ષા આપતા પહેલાં શિષ્યની સાથે કોઈ લાંબા વાર્તાલાપની પણ તેઓને જરૂર ન લાગતી. એક તીક્ષ્ણ દૃષ્ટિમાં જ તેઓ શિષ્યના અંતરમનની, જન્મજન્માંતરની વાતો જાણી લેતા. ક્યારેક ક્યારેક તો સ્વામીજી દીક્ષાના સમયે મંત્ર પણ ન આપતા. તેઓમાં એટલી શક્તિ હતી કે દૃષ્ટિપાત કે સ્પર્શમાત્રથી તેઓ આધ્‍યાત્મિક ઊર્જા પોતાના શિષ્યમાં પ્રવેશ કરાવી શકતા, તથા તેનું જીવન-પરિવર્તન કરી શકતા. એ દિવસથી જ શિષ્યની ઊર્ધ્વગતિ પ્રારંભ થઈ જતી.

શ્રીરામકૃષ્ણ કહે છે કે, “મનુષ્ય-ગુરુ મંત્ર આપે કાને, જગદ્‌ગુરુ મંત્ર આપે પ્રાણે.” મંત્રદીક્ષા વિશે સ્વામીજીએ પોતે એક વાર કહ્યું હતું કે, “ઈશુ જેવા સર્વોચ્ચ કક્ષાના ગુરુએ મંત્ર આપવાની કાંઈ જરૂર હોતી નથી. સામાન્ય ગુરુ જ આધ્‍યાત્મિક શક્તિ મંત્ર દ્વારા પ્રદાન કરે છે.”

કહેવાની જરૂર નથી કે સ્વામીજી જગદ્‌ગુરુ હતા અને દૃષ્ટિ કે સ્પર્શ માત્રથી આશીર્વાદ આપી શકતા. સાન ફ્રાંસિસ્કોમાં પ્રદત્ત એક પ્રવચનમાં તેઓ કહે છે, “ગુરુનો સ્પર્શ, આધ્‍યાત્મિક ઊર્જાનું વહન, તમારા હૃદયને સક્ષમ બનાવશે. ત્યારે જ આધ્‍યાત્મિક ઉન્નતિનો પ્રારંભ થશે. આ જ સાચી દીક્ષા છે. થોભો નહીં. આગળ વધતા રહો, વધતા રહો. વસંતના પ્રથમ સ્પર્શ સરીખા હતા સ્વામીજીના આશીર્વાદ, નિરવ તથા અવિભાવનીય, પરંતુ સાથે સાથે જ અટલ અને અફર.

શ્રીરામકૃષ્ણ કહેતા, “ગમે તે માણસ ગુરુ થઈ શકે નહિ. જંગી લાકડું પોતેય તરતું ચાલ્યું જાય, અને કેટલાંય જીવજંતુઓ પણ તેના પર બેસીને જઈ શકે. પણ પોલું ફોફાં જેવું લાકડું, જો તેના ઉપર કોઈ બેસે તો તે પોતેય ડૂબી જાય અને જે બેસે તેય ડૂબી જાય. એટલા માટે ઈશ્વર પોતે યુગે યુગે લોકોને ઉપદેશ આપીને માર્ગ બતાવવા માટે ગુરુરૂપે અવતાર લે; સચ્ચિદાનંદ ગુરુ.”

આમ, એક અર્થમાં જોઈએ તો જેઓએ સ્વામીજીનાં વર્ગો તથા પ્રવચનોમાં હાજરી આપી હતી, તેઓ બધાં જ સ્વામીજીનાં શિષ્ય-શિષ્યાઓ હતાં.

Total Views: 404

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.