કાલીકૃષ્ણ, ખગેન, હરિપદ અને કુંજ આ ચાર મિત્રોએ એક દિવસ કોલેજમાં ગાપચી મારી અને વરાહનગર મઠ તરફ ઉપડ્યા. કાલીકૃષ્ણની આંખોમાં મુક્તિની ઝંખનાનો અગ્નિ પ્રગટ્યો હતો. તેમણે પોતાનાં પુસ્તકો ખગેનના ઘરે મૂક્યાં અને ઝડપથી વરાહનગર મઠ તરફ ચાલવા લાગ્યા. પોતાના નાસ્તા માટેના પૈસાથી તેમણે શ્રીરામકૃષ્ણ માટે મીઠાઈ ખરીદી. પછીથી કાલીકૃષ્ણ આ દિવસને આ શબ્દોમાં યાદ કરે છે :

‘ઉનાળાના દિવસો હતા. અમે વરાહનગર મઠે જવા સવારે સાડાદસે ઉપડ્યા. અમે રસ્તો જાણતા ન હતા એટલે એકાદ વાગ્યે મઠમાં પહોંચ્યા. સૂર્ય તો પ્રચંડ તાપે તપતો હતો અને અમારે આટલું અંતર પગે ચાલીને કાપવાનું હતું. મઠના મોટા હોલમાં સંન્યાસીઓ જાગતા હતા પણ લંબાવીને આરામ કરતા હતા. મને યાદ છે તે પ્રમાણે શશી મહારાજ, નિરંજન મહારાજ, મહાપુરુષ મહારાજ, વૃદ્ધગોપાલ મહારાજ, યોગીન મહારાજ, લાટુ મહારાજ, ખોકા મહારાજ, શરદ મહારાજ અને દક્ષ મહારાજ એ સમયે મઠમાં હતા. અમે ચારેયે પ્રણામ કર્યા. તેમણે અમને પ્રેમથી આવકાર્યા અને તમે શું કરો છો, કયા ધોરણમાં અભ્યાસ કરો છો, ક્યાંથી આવો છો, મઠ વિશે કેવી રીતે જાણકારી મેળવી, જેવા અનેક પ્રશ્નો પૂછ્યા. અમારી પાસેથી બધું જાણીને તેઓ ખૂબ રાજી થયા, અમને પ્રોત્સાહન આપ્યું. એમને જોઈને અમારામાં એક નવો અધ્યાત્મભાવ જાગ્યો. અમને એમ લાગ્યું કે સંસારને તો અમે ક્યાંય પાછળ છોડી દીધો છે. આ મઠ જીર્ણશીર્ણ ઘરમાં હતો. એનાં બારીબારણાં તૂટેલાં હતાં, છતાં પણ ત્યાં ગહન આધ્યાત્મિક વાતાવરણ ઝંકૃત થઈ રહ્યું હતું. સંન્યાસીઓ તો ધખતી ધૂણી જેવા હતા! મઠમાં રહેલી ચીજવસ્તુઓ સાવ સાદી, ભોંય પર સાદડી બિછાવેલી રહે અને બીજું કંઇ રાચરચીલું પણ નહીં. હોલમાં મા દુર્ગા, કાલી, ઈશુ ખ્રિસ્ત અને બીજા કેટલાકનાં ચિત્રો જોયાં. દરેક ચિત્રની નીચે ‘વત્સ, જો તમે મુક્તિ ઝંખતા હો તો ઇન્દ્રિયભોગની વસ્તુઓને ઝેરની જેમ ત્યજી દો.’, જેવા હાથે લખેલા મુદ્રાલેખ હતા. છ મહિના પહેલાં સ્વામી વિવેકાનંદ ભારત પરિભ્રમણમાં નીકળ્યા હતા. સંન્યાસીઓએ કહ્યું, ‘જો તમે થોડા મહિના પહેલાં આવ્યા હોત તો સ્વામીજીને મળી શક્યા હોત.’ ચાર વાગ્યે મંદિર ખૂલ્યંુ અમે શ્રીરામકૃષ્ણદેવની છબીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા, એમને ધરેલ પ્રસાદ ગ્રહણ કર્યો અને તે દિવસે અમે તેમની રજા લીધી. જ્યારે અમે નીકળતા હતા ત્યારે સંન્યાસીઓએ કહ્યું, ‘અહીં અવારનવાર આવતા રહેજો.’

કાલીકૃષ્ણ પર વરાહનગર મઠની આ પહેલી મુલાકાતની એટલી ગહન છાપ પડી કે તેઓને આ દિવસ હૂબહૂ યાદ રહી ગયો અને જીવનના અંત સુધી એ યાદ રહ્યો. પોતાના જીવનના અંત સુધી પણ, આ ઘટનાને આટઆટલાં વર્ષો વીતી જવા છતાં લાગણીનું પૂર ઊમટી આવે ત્યારે તેઓ આ દિવસની વાત કરતા. પોતાના મૃત્યુ પહેલાંના થોડા દિવસો પૂર્વે તેમણે કહ્યું, ‘એ દિવસે અમે જાણે કે કોઈ નવી દુનિયામાં આવી ગયા હોય એવું લાગ્યું. એ વખતે બધું અમને અદ્‌ભુત લાગ્યું… એમનાં જીવન જોઈને અને એમની વાણી સાંભળીને અમારા મન પર જબરો પ્રભાવ પડ્યો. અમને નવપ્રકાશ લાધ્યો. અમને નવી દુનિયા મળી!’

ત્યાર પછીથી તેઓ અવારનવાર મઠની મુલાકાતે જતા અને તેની સાથે સાધુઓ સાથેની નિકટતા પણ વધી. કોલેજ પૂરી થાય કે તરત જ કાલીકૃષ્ણ વરાહનગર મઠમાં જતા અને સંન્યાસીઓ સાથે પોતાનો થોડો સમય ગાળતા. કાલીકૃષ્ણનું ગણિત ઘણું નબળું હતું અને એ વિષયથી એમને ઘણો ડર લાગતો હતો.

એક દિવસ સ્વામી રામકૃષ્ણાનંદજીએ એમના અભ્યાસનો તાગ મેળવવા કેટલીક પૂછપરછ કરી. કાલીકૃષ્ણના શબ્દોમાં કહીએ તો, ‘‘સ્વામી રામકૃષ્ણાનંદજી અમારા અભ્યાસ વિશે અવારનવાર પૂછતા રહેતા. તેઓ એવું તારણ કાઢવાનો ચોક્કસ પ્રયત્ન કરતા કે અમે મઠમાં આવીએ છીએ એટલે અભ્યાસની ઉપેક્ષા તો નથી કરતાં ને ? એક દિવસ આવા પ્રશ્નો માટે મારો વારો આવી ગયો. મેં તો શરૂઆતમાં જ કહી દીધું, ‘તમે મારા અભ્યાસના બીજા વિષયો વિશે ગમે તે પૂછી શકો છો, પણ ગણિત વિશે ન પૂછતા. એમાં હું ઘણો નબળો છું.’ તેમણે કહ્યું, ‘ઉનાળાના છ અઠવાડિયાના વેકેશનમાં તમે અહીં રહેવા આવી શકો છો. હું તમને એવી રીતે ગણિત વિષય શીખવીશ કે તમને એમાં નાપાસ થવાનો ડર ક્યારેય નહિ રહે.’ મેં કહ્યું કે હું મારા પિતાજીને પૂછી જોઈશ’’. તેમના પિતાની રજાથી ઉનાળાનું વેકેશન શરૂ થતાંવેંત કાલીકૃષ્ણ મઠમાં પુસ્તકો લઈને આવી પહોંચ્યા. હેતુ તો સ્વામી રામકૃષ્ણાનંદજીની નિશ્રામાં ગણિત વિષય શીખવાનો હતો. એમને મઠમાં જોઈને દરેકે દરેક રાજી થઈ ગયા. કાલીકૃષ્ણને પણ એવું લાગ્યું કે અંતે તે ખરેખર જેનો હતો ત્યાં આવી ગયો છે. ઝડપથી તેઓ મંદિરના કામમાં મદદ કરવી અને સાધુઓની સેવા કરવી જેવાં મઠના દૈનંદિન જીવન કાર્યોમાં ડૂબી ગયા. સ્વામી રામકૃષ્ણાનંદજીને સહાય કરવા માટે તેઓ તળાવમાંથી પાણી લાવતા, પૂજા માટે ફૂલો વીણી લાવતા, પૂજાનાં વાસણો સાફ કરતા અને એવાં બીજાં કાર્યો કરતા. આમ કાલીકૃષ્ણનો દોઢ મહિનાનો સમય એક સ્વપ્નની જેમ પસાર થઈ ગયો. એનાં પાઠ્યપુસ્તકો તો એમને એમ બાંધેલાં રહ્યાં. આ તો ખરેખર એક ગણિતનો નવો પાઠ હતો! પછી જ્યારે કોલેજ ઊઘડી ત્યારે તેમને ઘરે પાછું ફરવું પડ્યું. પરંતુ એમનું હૃદય તો વરાહનગરના એ જરીપુરાણાં મઠના મકાનમાં જ રહ્યું.

હવે કાલીકૃષ્ણને અભ્યાસમાં ધ્યાન પરોવવું મુશ્કેલ લાગ્યું. તેને ઘરમાં બેચેની લાગતી અને સંસારની પ્રવૃત્તિઓમાંથી એમનો રસ ઊડી ગયો. પોતાના ઘરની નજીક કેટલાક શીખોની માલિકીનો વિશાળ ઉદ્યાન હતો. ત્યાં જઈને તળાવના કિનારે તેઓ કલાકો સુધી ધ્યાન ધરતા. મોડી રાત સુધી ઘરે જાગતા અને અભ્યાસ કરવાને બદલે એ સમય ધ્યાનમાં જ વિતાવતા. કાલીકૃષ્ણનાં માતપિતા પોતાના પુત્રના જીવનમાં આવેલા ઓચિંતાના પરિવર્તનને જોઈને સચેત અને વ્યગ્ર બની ગયાં.

અંતે પિતા ત્રૈલોક્યનાથે કાલીકૃષ્ણને બોલાવ્યા અને કહ્યું, ‘કાલી, તારા મનમાં શું છે એ વાત મને કહે?’ આમ તો કાલીકૃષ્ણ સ્વભાવે શરમાળ હતા પણ આ વખતે એમણે જરાય ખચકાટ ન અનુભવ્યો. તેમણે વિનમ્રતાથી અને મક્કમતાથી જવાબ આપ્યો, ‘મને હવે અભ્યાસમાં જરાય રસરુચિ નથી. હવે હું મારો મોટાભાગનો સમય ઈશ્વરની અનુભૂતિ કરવા આધ્યાત્મિક ઉપાસનામાં ગાળું છું.’ ત્રૈયલોક્યનાથે સ્વસ્થતા ગુમાવ્યા વિના કહ્યું, ‘ઈશ્વરનો સાક્ષાત્કાર અને સંસારી જીવન એકી સાથે ન ચાલી શકે. જો તું આ સંસારમાં સમૃદ્ધ થવા ઈચ્છતો હો તો તારે તારા અભ્યાસ પર વધારે સારી રીતે ધ્યાન એકાગ્ર કરવું જોઈએ. અને જો તું ઈશ્વરની અનુભૂતિ કરવા ઈચ્છતો હો તો તારાં પ્રાણહૃદય સાથે આધ્યાત્મિક અભ્યાસ કરવો જ જોઈએ. કાળજીથી આ બન્નેમાંથી એકની પસંદગી કર. તારે કયા પથે આગળ વધવંુ એ વિશે તારે પોતે જ યોગ્ય નિર્ણય કરવો પડે. હું તને નિર્ણય લેવા માટે ત્રણ દિવસનો સમય આપું છું.’

Total Views: 368

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.