૧૮૯૩માં ૧૧મી સપ્ટેમ્બરે વિશ્વધર્મ પરિષદમાં આપેલ ઐતિહાસિક વ્યાખ્યાન પહેલાં અને પછી સ્વામીજીનો મૂળ ઉદ્દેશ ભારતના કરોડો સામાન્ય જનો અને નારીઓના શિક્ષણ માટે તેમજ તેમના સાર્વત્રિક કલ્યાણ માટે અમેરિકાના સમૃદ્ધ લોકો પાસેથી ધન એકત્ર કરવાનો હતો. આ પહેલાં એમણે સમગ્ર ભારતવર્ષમાં પરિભ્રમણ કરીને સામાન્યજનો અને નારીઓના સાર્વત્રિક અધ:પતનનાં અનેક કારણો જોયાં. એમાંનું એક કારણ હતું – આ બંનેને રાષ્ટ્રે કેળવણીથી વંચિત રાખ્યાં હતાં. પાશ્ચાત્ય દેશોની કેળવણીથી કેળવાયેલ નરનારીઓની જેમ ભારતની નારીઓ અને સામાન્ય જનો પણ કેળવણી મેળવે. પોતાના આત્મવિશ્વાસ અને અંતરના દિવ્યભાવને જગાડે. એ બધા આત્મનિર્ભર બને એવી કેળવણી સ્વામીજીને મન એક આદર્શ હતો. સાચી કેળવણીના અભાવે એમની પ્રગતિ રુંધાય છે, એમની શક્તિઓ કુંઠિત થઈ જાય છે. આ બધાને પાટે ચડાવવાં હોય તો આત્મ વિશ્વાસને જગાડતી અને પગનિર્ભર કરતી કેળવણી આ દેશમાં આવશ્યક છે.

કેળવણી એટલે અંતરનો વિકાસ

સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ કેળવણી એટલે માનવની ભીતર રહેલી દિવ્ય શક્તિઓની કે પૂર્ણતાની અભિવ્યક્તિ. જો માનવની ભીતર આવાં જ્ઞાન અને શક્તિનો અનંત ખજાનો ન હોત તો પ્રાચીન કાળથી માંડીને આજ સુધીમાં થયેલી અનેકવિધ પ્રગતિઓ અશક્ય બની હોત; એટલું જ નહિ, અનેક પ્રયત્નો કરવા છતાં પણ માણસ જ્ઞાની કે શક્તિમાન બની પણ ન શકત. માનવના બાહ્ય પદાર્થો અને બાહ્ય પ્રયત્નોથી ભીતરનું જ્ઞાન સમૃદ્ધ કરી શકાતું નથી કે ભીતરમાં શક્તિનો ઉદ્‌ભવ કરી શકતો નથી. બાહ્ય ઉપાયો દ્વારા તો આપણે જ્ઞાન અને શક્તિની અનુભૂતિ આડે જે કંઈ આડખીલીઓ છે એને આપણે દૂર કરી શકીએ ખરા. આ બાહ્ય આડખીલીઓ કે વિઘ્નોને આપણે જેવાં દૂર કરીએ કે તરત જ આપણી ભીતર રહેલી અનંત શક્તિના સ્રોતનો ખજાનો ખૂલી જાય છે. બારણું ખખડાવો અને બારણું ખૂલશે એના જેવું આ કાર્ય છે. અનંત શક્તિઓની સાથે અનંત જ્ઞાન મળી રહેવાનું. અનંત જ્ઞાન, અસીમ શક્તિઓની જાગૃતિથી માનવ સર્વજ્ઞ બની શકે છે. આનો અર્થ એ થયો કે આ જ્ઞાન અને શક્તિની જાગૃતિમાં અડચણ રૂપ થતી બાબતોને દૂર કરવાનો એક વિશેષ ઉપાય કરવો એનું નામ કેળવણી.

જ્ઞાન વ્યાવહારિક હોય કે પારમાર્થિક, પણ એમાં મનની કેળવણી સૌથી વધારે અગત્યનો ભાગ ભજવે છે. મન પર રહેલ અજ્ઞાનનાં આવરણને દૂર કરીને ભીતર રહેલા જ્ઞાનને અભિવ્યક્તનો માર્ગ ખૂલો કરવો એને આપણે સૌ જ્ઞાન કહીએ છીએ. આ પ્રક્રિયાને સ્વામીજી એક સુંદરમજાની ઉપમા દ્વારા સમજાવે છે. ચકમકના પથ્થરમાં અગ્નિ તો રહેલો જ છે, પણ ઘર્ષણ વિના એ અગ્નિ પ્રગટતો નથી, એટલે કે બે ચકમકના પથ્થરને ઘસીએ તો અગ્નિ પ્રગટે. એવી જ રીતે મનને સતત અભ્યાસ દ્વારા કેળવીએ તો મનનું ઉદ્દીપન થાય છે અને ભીતરના જ્ઞાનનો ખજાનો ખૂલે છે. આ વાતને સ્વામીજીએ એક બીજા ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરી છે. આપણે સૌએ મોતી તો જોયું જ છે. મોતીની અદ્‌ભુત સુંદરતા પણ નિહાળી છે, પણ એ મોતી કેવી રીતે સર્જાય છે એ પ્રક્રિયાને આપણામાંથી ઘણા જાણતા નથી. મૂળ તો છીપમાં ધૂળ કે રેતીનો કણ પ્રવેશી જાય છે. એ છીપલું પોતાના દેહમાંથી નીકળતા રસાયણ જેવા પ્રવાહીથી એ ધૂળ કે રેતીના કણને સંસ્કારતું રહે છે, ઢાંકતું પણ રહે છે. ધીમે ધીમે એ કણ એક સુંદર મજાનું મોતી બની જાય છે. આપણા જીવનમાં પણ આવું જ કંઈક બનતું રહે છે. આપણા જીવનમાં બાહ્ય જગતના કેટલાક આઘાત-પ્રત્યાઘાતો પડતા રહે છે. ભીતરની શક્તિઓ આપણા મનના અંશને આ આઘાત સામે પ્રતિક્રિયા કરવા પ્રેરે છે. એ દ્વારા આપણે જ્ઞાનપ્રાપ્તિ કરીએ છીએ. આ જ્ઞાન બીજું કંઈ નથી, પણ દરેક આઘાત દ્વારા આકાર પ્રાપ્ત કરતું મનનો અંશ જ છે.

આ વાતને ધ્યાનમાં રાખીને સ્વામીજી બાળકોના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવનારને એક સાચી સલાહ આપે છે. તેઓ કહે છે કે નાનપણથી જ આપણે સૌ દુર્બળતા અને નકારાત્મક વિચારોને પોષીએ છીએ અને એના દ્વારા આપણે જ્ઞાનના દરવાજા બંધ કરી દઈએ છીએ. પરિણામે બાળકોને જીવન ઘડનારી કેળવણી મળતી નથી. તેઓ તો જ્ઞાન-ગુમાનના ગાસડાં-પોટલાં બની જાય છે. આ દુર્બળતા અને નકારાત્મક વિચારોને દૂર કરીને સાચી કેળવણી આપવી હોય તો બાળકોનું જીવન ઘડતર કરનારા કે શિક્ષણ આપનારે આ બંને આવરણોને દૂર કરવાના છે. એ આવરણો દૂર થાય એટલે જ્ઞાન તો સ્વમેળે જાગી ઊઠવાનું. એટલે જ બાળકની મૂળભૂત શક્તિનો વિકાસ શક્ય બને. આ વિચાર શક્તિની પુનરાવૃત્તિ દ્વારા પ્રબળ ઇચ્છા જાગે છે અને એ ઇચ્છાશક્તિ ક્રિયાશીલ બનતાં જ્ઞાન ફળદાયી બને છે અને એ એક સુદૃઢ અને મૂર્ત સ્વરૂપ ધારણ કરે છે.

કેળવણી અને ઇચ્છાશક્તિનો વિકાસ

સ્વામીજી કેળવણીમાં ઇચ્છાશક્તિના વિકાસને ખૂબ મહત્ત્વ આપતા હતા. તેઓ કહેતા કે વિશ્વની જે કંઈ પ્રગતિ થઈ છે અને થઈ રહી છે તે બધું માનવની ઇચ્છાશક્તિનું પરિણામ છે. વિશાળ નગરો, જહાજો, વૈજ્ઞાનિક શોધો, ઔદ્યોગિક ઉત્ક્રાંતિ વગેરે ઇચ્છાશક્તિના પરિણામે જ છે. આ ઇચ્છાશક્તિ જાગૃત કેવી રીતે થાય? જવાબમાં સ્વામીજી કહે છે કે કર્મો દ્વારા ચારિત્ર્યનું ગઠન થાય છે અને એ ચારિત્ર્ય જ પ્રબળ ઇચ્છાશક્તિને જન્મ આપે છે. 

સ્વામીજી લોહપિંડની ઉપમા આપીને કહે છે કે આપણા મનમાંથી ઉદ્‌ભવતો દરેક વિચાર આપણા શરીર રૂપી સળગતા લોહપિંડ પર હથોડા દ્વારા કરેલ આઘાત જેવો છે. એના દ્વારા આપણે આપણી ઇચ્છા અનુસાર આપણા શરીરનું ગઠન કરીએ છીએ. અત્યારે આપણે જે કંઈ છીએ તે આપણા વિચારોનું જ પરિણામ છે. એટલા માટે જ આપણા મનમાં ઉદ્‌ભવતા વિચારો વિશે સાવધાન કરતાં સ્વામીજી કહે છે કે વિચારો જ સ્થાયી છે અને એની ગતિ બહુ દૂરવ્યાપી છે. 

આધુનિક ઉત્ક્રાંતિવાદ પણ કહે છે કે તીવ્ર ઇચ્છા અથવા કામના જ ઉન્નતિનું મૂળ કારણ છે. દા.ત. પશુ આસપાસના વાતાવરણમાં પોતાની ઇચ્છાપૂર્તિમાં કોઈ અડચણ જુએ તો એમના શરીરમાં ક્રમશ: યથાયોગ્ય પરિવર્તન જોવા મળે છે. અમીબા જેવા ક્ષૂદ્ર જીવાણુનો વિકાસ થતાં, અસંખ્ય પ્રાણીઓનું રૂપ ધારણ કરી આખરે એ માનવ શરીરમાં પરિણમ્યું. એટલે જ સ્વામીજી કહે છે કે ઇચ્છાશક્તિનો પ્રયોગ કરતા રહો અને પૂર્ણતા સુધી પહોંચો નહિ ત્યાં સુધી ઉન્નતિ કરતા રહો. કારણ કે ઇચ્છા સર્વશક્તિમાન છે. તેઓ કહે છે કે માનવ પોતાના ક્ષૂદ્ર ‘અહં’ને જોઈને દુ:ખી થાય છે અને પેલા જીવાણુની જેમ ‘હું આ કરી શકું નહિ, તે કરી શકું નહિ’ એવું કહેતાં કહેતાં અધોગતિ તરફ સરી પડે છે. ઇચ્છાશક્તિના વિકાસ દ્વારા જ આ પ્રક્રિયાને આપણે અટકાવી શકીએ અને પોતાને સબળ બનાવી શકીએ. 

પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણના ઉપદેશને દોહરાવતા સ્વામીજી કહે છે કે જો કોઈ ઓરડામાં હજારો વર્ષથી અંધારું હોય એમાં પ્રવેશ કરીને ‘અરે! અહીં તો બહુ અંધારું છે! ઘણું અંધારું છે!’ એમ કહીને રુદન કરે તો શું અંધારું ચાલ્યું જવાનું? – ના, ક્યારેય નહિ. પરંતુ બાકસની એક દિવાસળી પ્રગટાવતા જ આખો ઓરડો પ્રકાશથી આલોકિત થઈ ઊઠે છે. જીવનભર આવા જ નકારાત્મક વિચાર કરવાથી શું તમને કંઈ ફાયદો થાય ખરો? 

એટલે જ સ્વામીજી કહે છે કે આપણામાં ઘણા બધા દોષ છે એ હકીકત છે, એ કોઈને કહેવાની આવશ્યકતા નથી. એના બદલે જ્યારે આપણે જ્ઞાન રૂપી અગ્નિને પ્રગટાવીશું અને આપોઆપ બધા જ દોષ ચાલ્યા જવાના, ત્યારે જ આપણે આપણા સાચા સ્વરૂપને ઓળખીશું, આપણા ‘સાચા અહં’ને પીછાણશું – એ જ્યોતિર્મય, ઉજ્જ્વલ, નિત્ય શુદ્ધ ‘સાચા અહં’ને પ્રગટ કરીશું, દરેક વ્યક્તિમાં એ જ આત્માને જાગ્રત કરો.

સંસ્કારોથી જ ચારિત્ર્ય ઘડાય છે

આપણે જોઈ ગયા કે કેળવણીમાં ઇચ્છાશક્તિનું કેટલું બધું મહત્ત્વ છે અને ચારિત્ર્ય જ પ્રબળ ઇચ્છાશક્તિને જન્મ આપે છે. પરંતુ ચારિત્ર્યનું ઘડતર કેવી રીતે થાય? સ્વામીજીએ કહ્યું છે કે સતત કરેલ કર્મો સંસ્કારોમાં પરિણમે છે એ સંસ્કારોનો સમૂહ જ આપણું ચારિત્ર્ય છે. અહીં પણ સ્વામીજી એક ઉપમા આપે છે. જો મનને આપણે તળાવ સાથે સરખાવીએ તો એમાં ઉત્પન્ન થતાં દરેક તરંગો જ્યારે શાંત થાય છે, છતાં પણ એ તરંગો પૂર્ણપણે વિલીન થતાં નથી, પરંતુ ચિત્તમાં એક પ્રકારની નિશાની મૂકી જાય છે અને એવી સંભાવનાનું નિર્માણ કરી જાય છે, જેનાથી તે બીજી વાર તરંગ રૂપે આવી શકે. આ નિશાની અને તરંગને પુન: પ્રગટવાની સંભાવનાઓના મિશ્રણને આપણે ‘સંસ્કાર’ કહી શકીએ. આપણું દરેક કાર્ય, દરેક અંગનું સંચાલન, આપણા પ્રત્યેક વિચાર ચિત્ત પર આવા સંસ્કાર મૂકી જાય છે. આ સંસ્કાર એટલા બધા પ્રબળ હોય છે કે દેખીતી રીતે સ્પષ્ટ ન હોવા છતાં પણ અવચેતન મનમાં અજ્ઞાત રૂપે કાર્ય કરતા રહે છે.

આ ચિત્ત સતત પોતાની સ્વાભાવિક પવિત્ર અવસ્થાને પુન: પ્રાપ્ત કરવા ઇચ્છે છે, પરંતુ ઈંદ્રિયો એને બાહ્ય તરફ ખેંચી રાખે છે. આપણે પ્રતિક્ષણ જે કંઈ પણ છીએ એ બધું સંસ્કારો પર આધારિત હોય છે. આપણે આ ક્ષણે જે છીએ એ આપણા પૂર્વજીવનના બધા સંસ્કારોનું ફળ છે. 

એટલે જ એને ‘ચારિત્ર્ય’ કહે છે અને દરેક માનવનું ચારિત્ર્ય આ સંસ્કારોની સમષ્ટિ પર જ આધાર રાખે છે. જો સારા સંસ્કારોની માત્રા વધારે હોય તો મનુષ્યનું ચારિત્ર્ય ભલું હોવાનું અને જો ખરાબ સંસ્કારોની માત્ર વધારે હોય તો ચારિત્ર્ય બૂરું હોવાનું. 

જો આપણે સતત ખરાબ શબ્દ સાંભળીએ, ખોટી વાતો વિચારીએ, ખરાબ કર્મ કરીએ, તો આપણું મન પણ ખરાબ સંસ્કારોથી પરિપૂર્ણ થઈ જશે અને આપણી જાણ બહાર જ એ સંસ્કારો આપણા બધા વિચારો અને કાર્યોને પ્રભાવિત કરતા રહેશે. આ જ રીતે જો આપણે સારા વિચાર કરીએ, સત્કર્મ કરીએ તો આપણા આ સંસ્કારોનો પ્રભાવ પણ સારો જ હોવાનો. આપણી ઇચ્છા ન હોવા છતાં પણ એ સંસ્કાર આપણને સત્કાર્ય માટે પ્રેરણા આપતા રહેશે. 

જો આપણે સતત સત્કાર્ય અને સારું ચિંતન કર્યું હોય તો આપણી ઇચ્છા ન હોવા છતાં આપણામાં સત્કાર્ય કરવાની પ્રવૃત્તિ એની મેળે ઉત્પન્ન થઈ જાય છે. આમ છતાં પણ આપણે કોઈ દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરીએ તો એ સંસ્કારોના સમૂહ રૂપી મન આપણને આમ કરવા નહિ દે અને એ સંસ્કાર જ આપણને સત્કાર્યના માર્ગે પાછા વાળી દેશે. હવે આપણે પોતાના એ સારા સંસ્કારોના હાથની કઠપૂતળી જેવા બની જઈશું. આવી સ્થિતિએ આપણે જ્યારે પહોંચીએ ત્યારે કહી શકાય કે આપણું ચારિત્ર્ય ઘડતર થયું છે.

સ્વામીજી બીજી ઉપમા દ્વારા ચારિત્ર્યની શક્તિનો પરિચય કરાવે છે. તેઓ કહે છે કે કાચબો પોતાનું મસ્તક અને પગ પોતાની ઢાલ નીચે સમેટી લે છે, પછી ભલે તમે એને ગમે તેટલો પજવો અથવા તેને મારી નાખો, એના કટકે-કટકા કરી નાખો, છતાં પણ તે મસ્તક અને પગ બહાર કાઢતો નથી. આવી જ રીતે જેમણે પોતાનું મન અને ઈંદ્રિયો વશમાં કરી લીધાં હોય એમનું ચારિત્ર્ય સદાય સ્થિર રહે છે. 

નિરંતર સારા ચિંતનના ફળ સ્વરૂપે આપણા ચેતન મન પર સારા સંસ્કારોનું વારંવાર આવર્તન થતું રહેવાને કારણે આપણામાં સત્કાર્ય કરવાની વૃત્તિ પ્રબળ થાય છે અને એના પરિણામે આપણે ઈંદ્રિયો પર સંયમ મેળવવામાં સમર્થ બનીએ છીએ. આ જ રીતે ચારિત્ર્ય ઘડતર થાય છે. આવા વ્યક્તિઓ સદાકાળ સુરક્ષિત હોય છે. પછી આવા માનવીઓ કોઈ પણ પ્રકારનું ખોટું કે ખરાબ કાર્ય કરી જ નથી શકતા. તેઓ પછી ભલે કોઈ પણ પ્રકારના લોકો સાથે રહેતા હોય, તો પણ એમને કોઈ ભય નથી હોતો.

Total Views: 150

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.