ગતાંકથી આગળ…
વારાણસીમાં કાલીકૃષ્ણને ઘરે ઘરે જઈને ભિક્ષાન્ન માગવાનું હતું એટલે આવી પરંપરાગત સંન્યાસીની જિંદગી જીવવાનો એક મજાનો રસાસ્વાદ એમને મળ્યો. વારાણસીમાં એકાદ મહિનો રોકાયા પછી તેઓ વૃંદાવન ગયા અને રસ્તામાં તેમણે અયોધ્યાની મુલાકાત પણ લીધી. વૃંદાવનમાં કાલીકૃષ્ણ કાલાબાબુના કુંજમાં સ્વામી પ્રેમાનંદને મળ્યા. અહીં પણ એમને એ પવિત્ર સંન્યાસી સાથે એક જ ઓરડામાં રહેવાની તક મળતાં ઘણો આનંદ થયો. હવે આટલા દિવસોથી જેની તીવ્ર ઝંખના હતી તેવા જપ, ધ્યાનમાં તેઓ ખોવાઈ જતા.
એમણે પોતાના બાળપણના મિત્ર ખગેન (સ્વામી વિમલાનંદ)ને વૃંદાવનના એક મહિનાના નિવાસ પછી જે કંઈ લખ્યું હતું તે એમની માનસિક પરિસ્થિતિનું પ્રતિબિંબ પાડે છે. તેમણે લખ્યું છે : ‘…હવે હું અહીં કહેવાતા ‘સ્વીટ હોમ’ અને મિત્રોના સંગાથથી દૂર એક જુદી જ દુનિયામાં છું. હું આ પવિત્ર સ્થળે એકમાત્ર ધ્યેય ઈશ્વરાનુભૂતિ સાથે આવ્યો છું. અહીં મને મારા પથથી દૂર ખેંચી જાય તેવી સાંસારિક જવાબદારીઓ નથી. હું બધી મુશ્કેલીઓને આનંદથી નિભાવી લઉં છું અને મારું ધ્યાન એક માત્ર ધ્યેય આત્માનુભૂતિ પર જ સ્થિર થઈ ગયું છે. શ્રીશ્રી મા ખરેખર ઘણાં કરુણામય છે.’ આમ કાલીકૃષ્ણ સઘન જપ અને ધ્યાનના દૈનિક અભ્યાસનું ચુસ્તપણે પાલન કરીને અને મંદિરોમાં દર્શને જઈને પોતાના દિવસો આનંદથી વિતાવવા લાગ્યા. રાત્રે તેઓ છાપરા પર જતા અને ત્યાં લાંબા સમય સુધી જપ કરતા અને વળી હળવો વરસાદ પડે તો પણ પોતે નક્કી કરેલા મંત્રજાપ પૂરા ન થાય ત્યાં સુધી પોતાનું આસન છોડતા નહીં. આવી રીતે સ્વામી પ્રેમાનંદના પવિત્ર સંગાથે લગભગ દોઢેક વર્ષ વીતી ગયું. પરંતુ આવી કઠોર અને સઘન તપશ્ચર્યાએ એમની શારીરિક તંદુરસ્તી પર ઘણી અસર કરી અને તેઓ ઘણા નબળા પડી ગયા. પછીના સમયમાં તેઓ ઘણા ઉમળકા સાથે પોતાના આ તપશ્ચર્યાના દિવસો યાદ કરતા.
એ સમયે હરિપ્રસન્ન ચેટરજી કે જેઓ પછીથી સ્વામી વિજ્ઞાનાનંદના નામે જાણીતા થયા હતા તેઓ રામકૃષ્ણ સંઘમાં હજી જોડાયા ન હતા. તેમની નિમણૂક ઈટાવા શહેરમાં જિલ્લા- ઈજનેર તરીકે થઈ હતી. સારી યોગ્ય દાક્તરી સારવાર મળે, હવાફેર થાય અને વધારે સારું પોષક ભોજન મળી રહે અને તબિયત સુધરે તે આશાએ સ્વામી પ્રેમાનંદ કાલીકૃષ્ણને તેમના (હરિપ્રસન્ન ચેટરજી) ઘરે લઈ ગયા. હવામાનના પરિવર્તનને કારણે કાલીકૃષ્ણની તબિયત સારી થઈ અને હરિપ્રસન્નની પ્રેમભરી સારસંભાળને લીધે થોડા જ સમયમાં તેઓ ફરીથી સારા સાજા થઈ ગયા.
વૃંદાવનમાં પાછા ફર્યા પછી સ્વામીજી ટૂંક સમયમાં કોલકાતા પાછા ફરવાના છે એ સુખદ સમાચાર સાંભળીને સ્વામી પ્રેમાનંદ અને કાલીકૃષ્ણ ૧૮૯૬માં પશ્ચિમ બંગાળમાં પાછા આવી ગયા.
સ્વામીજીને જોવાનું આકર્ષણ અદમ્ય હતું. કોલકાતા જતાં રસ્તામાં તેમણે કામારપુકુર અને જયરામવાટીની મુલાકાત લીધી. અહીં તેઓ શ્રીશ્રી માને મળ્યા. ત્યાંથી તેઓ તારકેશ્વર ગયા અને પછી સ્વામી પ્રેમાનંદની જન્મભૂમિ આંટપુર પણ ગયા. થોડા દિવસો ત્યાં રોકાઈને તેઓ ફેબ્રુઆરી ૧૮૯૭માં કોલકાતા પહોંચ્યા. સ્વામીજી તો તેના પહેલાં થોડા દિવસો પૂર્વે આવી પહોંચ્યા હતા.
અંતે કાલીકૃષ્ણ એવી મહાવ્યક્તિને મળવાના હતા કે જેમનું તેઓ સતત ચિંતન કરતા હતા અને આતુરતાપૂર્વક તેમને જોવા મળવાની રાહ જોતા હતા. સ્વામીજીએ પણ કાલીકૃષ્ણ વિશે પોતાના સંન્યાસી બંધુઓ પાસેથી જાણ્યું હતું. જ્યારે કાલીકૃષ્ણ આવ્યા અને સ્વામીજીનાં શ્રીચરણકમળનો સ્પર્શ કર્યો ત્યારે તેમણે તેના તરફ પ્રેમ અને ઉષ્માથી જોયું. પછી પોતાના સંન્યાસી બંધુઓ તરફ ફરીને કહ્યું, ‘આ એ જ છોકરો છે ને?’ પોતાની સ્વામીજી વિશેની પ્રથમ છાપ વિશે કાલીકૃષ્ણે પોતાનાં સંસ્મરણોમાં આમ લખ્યું હતું :
અમેરિકાના સમાચાર પત્રોમાં આવ્યું હતું તેમ એમની આંખો ચિત્ત હરી લે તેવી હતી. એમના સમગ્ર દેહમાંથી પ્રકાશપુંજ નીકળતો હતો. સૌંદર્ય અને શક્તિના સંયોજનવાળી અનાસક્ત ભાવનાયુક્ત આંજી દેતી વ્યક્તિમત્તાવાળી કેવી આકર્ષક દેહાકૃતિ! મારા પ્રથમ પ્રતિભાવ પ્રેમ, ભક્તિ અને આશ્ચર્યચકિતતાના હતા.
એ સમયે સ્વામીજીની દેહકાંતિ અત્યંત સુંદર અને મનોહર હતી. એમનો ચહેરો વિલક્ષણ અપાર્થિવતાથી ભરેલો અને દેદીપ્યમાન તેમજ બહાર ધસી આવતો દેખાતો હતો. એમના તરફ ભયચકિતતાને કારણે જોવું દુષ્કર હતું અને જો મારી આંખો એમની સાથે મળી હોત તો તેમની નજરે મારી આંખોને ખરેખર દઝાડી દીધી હોત. જ્યારે તેઓ પોતાના વિચારોમાં ડૂબેલા રહેતા ત્યારે તેઓ ઘરની પરસાળમાં સિંહની માફક આમતેમ ડગ માંડતા. જો કે એમણે ભગવું ધોતિયું પહેર્યું હતું છતાં પણ તેઓ આધ્યાત્મિક વિશ્વના નેપોલિયન સમા લાગતા હતા. જાણે કે ભવ્ય ઊર્જા સઘન રીતે ઝંકૃત થઈ રહી હતી અને એમનાં ચરણો નીચેની ધરતી પગલે ને પગલે કંપતી અને તૂટતી જતી હતી. (ક્રમશ 🙂
Your Content Goes Here




