ગયા અંકમાં વિવેકાનંદ યુનિવર્સિટી, સારદાપીઠ, સારદામઠ વગેરેની સ્થાપનાની ભૂમિકા વિશે વાંચ્યું, હવે આગળ …
સ્વામીજીના શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તીને તેમણે (સ્વામી વિરજાનંદે) એક વખત જે કાંઈ લખ્યું હતું તેમાંથી પોતાના દેહની ઉપેક્ષા કરી હોય એવા એક નિર્ભય સંન્યાસીના મનની એક ઝાંખી આપણને મળી રહે છે. એમાં તેઓ આ શબ્દો લખે છે, ‘શ્રીરામકૃષ્ણનો જય થાઓ ! સ્વામીજીની જય હો ! શ્વાસે શ્વાસે આ જ ઉચ્ચારતા રહો ! આપણને ભય અને ચિંતા શાં ? તમે તો વેદાંતી છો; તો પછી આ દેહ અને રોગની ચિંતા કે કાળજી શા માટે ? તમે અનંત બ્રહ્મ છો, એ અનંત આત્મા છો ! ગુરુનો જય હો !’
સ્વામી વિરજાનંદજી સ્વામીજીના આદર્શાેમાં કેટલા બધા ડૂબી ગયા હતા, તે વાત એમનાં બધાં કાર્યો, શબ્દો અને એમના દેખાવમાં પણ પ્રગટ થાય છે. એમના પત્રો પણ એ જ ભાવ અભિવ્યક્ત કરે છે; સ્વામીજીએ પોતે જ એ લખ્યા હશે એવી કલ્પના કોઈ પણ કરી શકે. એક યુવાનને સંબોધીને એમણે આ શબ્દો લખ્યા હતા, ‘તારે બહાદુર બનવું જોઈએ અને એ સિવાય બીજી કોઈ રીતે તારે જગત સાથે વ્યવહાર ન કરવો જોઈએ. ‘હું નિર્બળ છું, હું કંઈપણ પ્રાપ્ત કરવા શક્તિમાન નથી, મારા માટે કંઈક કરી આપો’ આવો અભિગમ કે આવું વલણ ત્યજી દીધા વિના તમને ક્યારેય કંઈપણ સાંપડશે નહીં. તમને પૂરતી સલાહ મળી ચૂકી છે. જો એને અમલમાં ન મૂકી શકો તો તમને કોઈ મદદ કરવાનું નથી. મેં ભૂતકાળમાં તમને જે લખ્યું છે તેનો અમલ કરો અને તે પ્રમાણે તમારા જીવનને ઘડવાનો પ્રયાસ કરો. સાચી આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવી તે અત્યંત મુશ્કેલ છે. તેમાં બધાને સફળતા મળતી નથી. જે લાકડું ક્યારેય બળી ન શકે એવા ભીના, ઉધઈ ખાધેલાં લાકડાં માટે શ્રીરામકૃષ્ણદેવ પણ ફરીથી નહીં આવે.’ આ પત્રમાં કરુણા અને સામર્થ્યના સંયોજનની વાત કેટલી અદ્ભુત રીતે વર્ણવી છે ! ૧૯૪૩માં બંગાળના વિનાશક દુષ્કાળના સમયે સ્વામી વિરજાનંદજીએ લખેલા એક પત્રમાં સ્વામીજીના આદર્શાે એમના હૃદયમાં કેવી રીતે પ્રતિબિંબિત થયા છે, તે આપણને જોવા મળે છે. પત્ર આ પ્રમાણે છે :
‘બીજાં વર્ષોની જેમ આ વર્ષે પણ બેલુર મઠમાં મા દુર્ગાની પૂજા થશે, એ જાણીને આનંદ થયો… મને લાગે છે કે આ વખતે તમારે થોડાં વિધિવિધાનો ઓછામાં ઓછાં કરવાં જોઈએ. પૂજાવિધિ સાથે સંકળાયેલ ખર્ચમાં કાપ મૂકવો જોઈએ. આ રીતે બચેલા પૈસા દુષ્કાળ પીડિત ભૂખ્યાજનોના પેટનો ખાડો પૂરવા વાપરવા જોઈએ; પછી ભલે એની સંખ્યા ગમે તેટલી મોટી હોય તો પણ કોઈ અન્ન વિના ન રહી જાય તે જો જો. ઘણા મોટા પ્રમાણમાં ખીચડી રાંધજો અને શ્રીશ્રીમા દુર્ગાને નૈવેદ્યરૂપે ધરીને ગરીબ અને દુ :ખીના રૂપે આવેલા નારાયણને આપજો. મને એવી ખાતરી છે કે આ વર્ષે શ્રીશ્રીમા દુર્ગા આ રીતે પોતાની પૂજા કરાવવા ઇચ્છે છે. સાથે ને સાથે આપણા પ્રયાસો ઘણું સારું પરિણામ લાવશે.
સંન્યાસીઓ, ધનવાનો અને ગરીબ સૌ કોઈએ આ જ ખીચડી પ્રસાદ તરીકે લેવી, એનાથી વિશેષ કંઈ નહીં. એક વખત શ્રીરામકૃષ્ણે પણ કહ્યું હતું, ‘હું મોટા વાસણમાં ભરેલ ભાત અને મસૂરની દાળ ખાઈશ.’ આજે પણ એ જ સમય છે. જો આપણે ભૂખ્યાં-દુખ્યાં જનોને ત્રણ દિવસો માટે અન્નવસ્ત્રો આપીએ તો શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામીજીને પ્રસન્ન કરવા વધુ કંઈ કરવાની જરૂર નથી, એમ હું માનું છું. આ લોકો પર જે હૃદયવિદારક આપત્તિ આવી પડી છે, તેની કલ્પના તો સ્વામીજી પણ નહીં કરી શક્યા હોય.’
ખરા હૃદયના આધ્યાત્મિક જિજ્ઞાસુને સલાહ આપવા તેમણે લખેલા પત્રોમાં એમના વ્યક્તિત્વનું બીજું પાસું વ્યક્ત થાય છે. આવા એક પત્રના એ ભાગને આપણે જોઈએ :
‘તમે નિયમિત રીતે આધ્યાત્મિક સાધના કરો છો એ જાણીને મને ઘણો આનંદ થાય છે. જે વ્યક્તિ ઈશ્વર કાજે આંસુ સારી શકે તેઓ આશીર્વાદ પામેલા લોકો છે. હૃદયની સન્નિષ્ઠા એ જ સર્વ કંઈ છે. ઈશ્વરપ્રેમ માટેનાં અશ્રુ ગંગાજળ કરતાં વધારે પવિત્ર હોઈ શકે. આવાં અશ્રુ હૃદયને નિર્મળ અને પવિત્ર બનાવે છે. પછી સાધક ઈશ્વર પ્રત્યેના ભાવ-ભક્તિ મેળવે છે અને એમની કૃપા પામવા યોગ્ય બને છે. તમારે તમારા હૃદયથી તેમને પ્રાર્થવા જોઈએ. પ્રભુને તમારા હૃદયના અંતરતમમાં રાખો અને તેમના પર ધ્યાન ધરતા રહો. દુનિયાનાં આનંદ, મોજમજા, દુ :ખ કે આસક્તિઓ તરફ ધ્યાન ન દો. સાથે ને સાથે જેના દ્વારા ઈશ્વર પ્રત્યેનો પ્રેમભાવ તમારા હૃદયમાં વૃદ્ધિ પામે એવું જ કરવાનો પ્રયત્ન કરતા રહો. આ જ એકમાત્ર સુખ, આનંદ અને શાશ્વત શાંતિ પ્રાપ્તિનો માર્ગ છે. પછી તમે આ જ જન્મમાં એમની અનુભૂતિ કરશો અને જન્મમરણના ચક્રમાંથી બહાર નીકળી જશો. હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે તમને એમના પ્રત્યેનાં પ્રેમ-ભક્તિ સાંપડે.’
પરંતુ સાચા ગુરુ કે ઉપદેશકની જેમ જે લોકો દુનિયામાં પોતાની જવાબદારીઓથી છટકવા માગતા હોય અને ધર્મનું શરણું લેવા ઇચ્છતા હોય એવા અયોગ્ય લોકો માટે એમનાં સલાહ-સૂચન જુદાં જ રહેતાં. આવી બાબતોમાં પણ તેઓ સ્વામીજીના ‘ઊઠો! ઊન્નત બનો અને કાર્ય કરો’ના વિચારો પર ભાર દેતા. આવા એક પત્રમાં એમણે લખ્યું હતું,
‘તમે તમારા પત્રમાં વર્ણવી છે એવી આધ્યાત્મિક બાબતો વિશે વિચાર કરવાનો સમય તમારા માટે હજી આવ્યો નથી. સૌ પહેલાં તો શિષ્ટ જીવન જીવવાનું શીખો. ભૂખ્યા પેટે ધર્મપાલન ન થઈ શકે. તમે એટલા બધા બેદરકાર છો કે તમે જ્યારે ગયાધામ ગયા ત્યારે તમે તમારી સોનાની વીંટી ખોઈ નાખી. શું આવો માણસ જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકે, તે સદ્ગૃહસ્થ કે સંન્યાસી બની શકે ?’ (ક્રમશ 🙂
Your Content Goes Here




