ગયા અંકમાં સ્વામી વિરજાનંદની ગુજરાતની યાત્રા તેમજ સંઘનાં વિભિન્ન પદ પરની કામગીરી અંગે વાંચ્યું, હવે આગળ …
સ્વામીજીની આ જીવનકથા વાંચ્યા પછી સ્વામી શુદ્ધાનંદજીએ પણ વિરજાનંદજીને ધન્યવાદ આપતો પત્ર લખ્યો. તેમણે એ પત્રમાં લખ્યું હતું, ‘આવી સંપૂર્ણ અને વિસ્તૃત જીવનકથા બહાર પાડવામાં તમે જે અથાક પરિશ્રમ ઉઠાવ્યો છે તેની જોડ બીજી કોઈ નથી એવી મને ખાતરી છે.’ સ્વામીજીના સંદેશનો સમગ્ર વિશ્વમાં જબરો પ્રભાવ પડ્યો. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે એમના આ વિચારો વિરજાનંદજીના શાંત, અથાક પરિશ્રમને લીધે વિશ્વભરમાં ફેલાયા છે. સ્વામીજીની ગ્રંથમાળાના પ્રથમ ભાગને વાંચ્યા પછી સ્વામી અભેદાનંદજીએ વિરજાનંદજીને એક પત્ર લખ્યો હતો. એમાંથી કેટલીક સુંદર પંક્તિઓ અહીં ફરીથી નોંધવા જેવી છે :
‘સ્વામીજીની સ્મૃતિની આ આવૃત્તિના વિવિધ ભાગોનો અનુવાદ ખરેખર ભવ્ય છે. ‘પૂર્વ અને પશ્ચિમ – ધ ઇસ્ટ એન્ડ વેસ્ટ’ મારી દૃષ્ટિએ વિવેચનાથી પર છે. મને એમાં જરાય શંકા લાગતી નથી કે આવાં પ્રકાશનકાર્યથી વિશ્વ વધારે સમૃદ્ધ બન્યું છે. એનું કારણ એ છે કે સ્વામીજીના જ્ઞાનના કિંમતી ખજાનામાંથી તેઓ કંઈક વારસારૂપે મેળવશે. ભાષણો આપવાં અને ઉપદેશ આપવા કરતાં વધારે સારું અને મહાન કાર્ય થયું છે અને એ તારા જેવા અનંત ધીરતા, શાંતિ તેમજ અટલ ખંતવાળા સંન્યાસી માટે જ બાકી રાખ્યું હતું.’
આ સમય દરમિયાન વિરજાનંદજીની રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી તેમજ રામકૃષ્ણ મિશનની સંવાહક સમિતિના સભ્ય તરીકે ૨૬ સપ્ટેમ્બર ૧૯૦૬ના રોજ નિમણૂક થઈ.
૧૯૧૩માં વિરજાનંદજીએ માયાવતીનું પોતાનું અધ્યક્ષપણું છોડવાનું અને સંપૂર્ણપણે ધ્યાનમાં સમય વિતાવવાનું નક્કી કર્યું. માતા સેવિયરની આર્થિક સહાયથી હિમાલયની તળેટીમાં જંગલોથી છવાયેલ અને એકાંતવાળો જમીનનો એક નાનો પ્લોટ ત્યાં આશ્રમ સ્થાપવા માટે વિરજાનંદજીએ ખરીદ્યો. આજે પણ ‘વિવેકાનંદ આશ્રમ’ એમના જીવનની તપશ્ચર્યાઓ અને આધ્યાત્મિક સાધનાની પરિપૂર્ણ સ્મૃતિરૂપે આધ્યાત્મિક શિબિર કેન્દ્રના નામે જાણીતો ત્યાં મોજૂદ છે. આ સ્થળનું શાંત અને આધ્યાત્મિકભાવવાળું વાતાવરણ સ્વાભાવિક રીતે મનને ભીતર વાળી દે છે. એક બીજાની નીચેના ભાગમાં ત્યાં ત્રણ તળાવ હતાં. એક બાજુએ હિમાલયનાં હિમાચ્છાદિત શિખરો અને બીજી બાજુએ પાંચ હજાર ફૂટ નીચે વિશાળ હરિયાળું મેદાન. પર્વત પ્રદેશના લોકો આને શ્યાનલા કહેતા. વિરજાનંદજી મહારાજે શ્યાનલાને બદલે ‘શ્યામલા’ કહેવાનું પસંદ કર્યું. એમાં એમણે ‘તાલ’ એટલે તળાવ એ શબ્દ ઉમેર્યો. એટલે એનું નામ પડ્યું ‘શ્યામલાતાલ’.
વિરજાનંદજી ૧૯૧૪ના અંત સુધી અહીં ૧૨ વર્ષ રહ્યા. અહીં તેમણે પોતાનો સમય આધ્યાત્મિક સાધના અને સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના જીવનના ચોથા અને પાંચમા ભાગનું સંપાદનકાર્ય કરવામાં પસાર કર્યો. પછીથી અહીં એક ઔષધાલય અને રુગ્ણાલય સાથે રામકૃષ્ણ હાૅમ ઓફ સર્વિસની પણ સ્થાપના થઈ. ૧૯૧૯માં પાંચ મહિના માટે તેઓ દક્ષિણ ભારત અને શ્રીલંકાની તીર્થયાત્રાએ ગયા.
સ્વાભાવિક રીતે જ વિરજાનંદજી તપસાધના તરફ વળેલા હતા અને તેઓ સંઘના અધ્યક્ષ બન્યા ત્યારે પણ એમાં કોઈ પરિવર્તન ન આવ્યું. એમનું આ તપોમય જીવન એમના સંપર્કમાં આવનાર બધાંને પ્રેરણા આપતું. ઉદાહરણ તરીકે એક સંન્યાસીનાં કેટલાંક સંસ્મરણો અહીં આપીએ છીએ :
‘વિશ્વરંજન મહારાજે મને કહ્યું કે જ્યારે તેઓ વારાણસીમાં તપસાધના કરતા હતા ત્યારે તેઓ મંદિરમાંથી નૈવેદ્યરૂપ ધરેલું અન્ન દિવસમાં બે વખત લેતા. આ સમયે સ્વામી વિરજાનંદજી પણ ત્યાં ગયા અને વિશ્વરંજન મહારાજને આવી કઠિન તપશ્ચર્યા કરતા જોઈને રાજી થયા. સાથે ને સાથે તેમણે તેને આમ કહ્યું, ‘જો વિશ્વરંજન, કોઈ સેવા કર્યા વગર જો તું મંદિરમાંથી ભોજન લઈશ તો તારે તારા પર એ અન્ન આપનારનું પાપ લેવું પડશે.’ ત્યાર પછી વિશ્વરંજન મહારાજ બગીચામાંથી ફૂલો વીણીને દરરોજ દેવતાઓ માટે માળા બનાવતા.
૧૯૨૦ની ૨૧મી જુલાઈએ શ્રીશ્રીમાનું દેહાવસાન થયું. જ્યારે વિરજાનંદજી શ્યામલાતાલ હતા ત્યારે તેમને આ હૃદયને ભાંગી નાખતા સમાચાર મળ્યા. એ વખતે તેઓ હિમાલયમાં એકલા જ હતા એટલે એમના આ ઘેરા વિષાદની કલ્પના સારી રીતે કરી શકીએ. શ્રીશ્રીમા વિરજાનંદજીના સમગ્ર જીવનમાં વ્યાપી ગયાં હતાં. જ્યારે તેઓ એમની વાતો કરતા ત્યારે તેઓ આજુબાજુનું બધું સંપૂર્ણપણે વીસરી જતા. શ્રીશ્રીમાની જન્મશતાબ્દી પ્રસંગે બહાર પડેલ ‘ઉદ્બોધન’ના વિશેષાંકમાં શ્રીશ્રીમા વિશેનાં એમનાં (વિરજાનંદજીનાં) સંસ્મરણો પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત શ્રીશ્રીમા પ્રત્યેનાં પ્રેમ અને પ્રશંસા એમનાં લખેલાં કેટલાંક કાવ્યો અને ગીતોમાં પ્રગટ થાય છે.
એમનાં સંસ્મરણોમાંથી આપણને જાણવા મળે છે કે એક વખત સ્વામી ત્રિગુણાતીતાનંદ સાથે તેઓ શ્રીશ્રીમાને જયરામવાટી લઈ જતા હતા. શ્રીશ્રીમા પાલખીમાં બેઠાં હતાં. જો તેઓ બળદગાડામાં જાય તો તેઓ શ્રીશ્રીમાની બરાબર કાળજી નહીં લઈ શકે એવા ભયથી બન્ને સંન્યાસીઓ માની પાલખીની સાથે સાથે બર્દવાનથી જયરામવાટી સુધી પગે ચાલીને ગયા. તેઓ દરેક વિરામસ્થાન પહોંચે તે પહેલાં બન્ને સંન્યાસીઓ પાલખીની આગળ નીકળીને ત્યાં શ્રીશ્રીમાના રહેવા માટે વ્યવસ્થા કરી લેતા. તે વખતે વિરજાનંદ યુવાન હતા અને તાજેતરમાં જ મઠમાં જોડાયા હતા. એક વિરામસ્થાને શ્રીશ્રીમાએ પોતાની પૂજા પૂરી કરી અને કાલીકૃષ્ણને શ્રીઠાકુરને ધરવાનું અન્નનૈવેદ્ય લાવવાનું હતું. બ્રાહ્મણ ન હોવાને લીધે તેમને આ માટે થોડોક ખચકાટ થયો. જો કે શ્રીશ્રીમાએ પોતાના વહાલા આ સંતાનનો ખચકાટ દૂર કરતાં, ‘હા, તું અન્નનૈવેદ્ય લાવ. એમાં કોઈ વિધિનિષેધ નથી.’ શ્રીશ્રીમાની આવી અસંખ્ય સ્મૃતિઓ એમના હૃદયના અંતરતમ સ્થળે જળવાયેલી હતી.
શ્રીશ્રીમાનાં પ્રેમ અને ઉષ્મા વિશે વાત કરતાં તેઓ લાગણીભર્યા સ્વરે કહેતા, ‘તેઓ કેટલાં બધાં નિર્વ્યાજ પ્રેમ અને અમીકૃપાથી ભર્યાં ભર્યાં હતાં ! જેમણે એમને જોયાં ન હોય અને એમને જાણ્યાં ન હોય તેઓ એમને સમજી ન શકે.’
૧૯૨૬ના એપ્રિલમાં બેલુર મઠમાં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનું એક સંમેલન યોજાયું. ત્યાર પછી સ્વામી વિરજાનંદ ફરજનિષ્ઠા અને જવાબદારીઓના જીવન તરફ ફરી પાછા વળી ગયા. સંઘનું કાર્ય સતત વિસ્તરતું જતું હતું એટલે તેનાં અનેક શાખાકેન્દ્રોમાં વ્યવસ્થાપન તંત્રને મદદરૂપ થવા એક ‘કાર્યવાહક સમિતિ’ની રચના થઈ અને વિરજાનંદજી સર્વાનુમતે એ સમિતિના સચિવ તરીકે નિમાયા. શરૂઆતમાં તો તેમણે સચિવ તરીકેની આ મહાન અને ગંભીર જવાબદારી સ્વીકારવા માટે અશક્તિ દર્શાવી. પરંતુ તેઓ વરિષ્ઠ સંન્યાસીઓના આદેશને, એમાંય ખાસ કરીને સ્વામી સારદાનંદજીના આદેશને અવગણી ન શક્યા.
તેમણે સ્વામી વિરજાનંદને કહ્યું, ‘અમારા (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યો) પછી સંઘમાં જોડાયેલામાં તું સૌથી વધારે વરિષ્ઠ-શ્રેયાન્ છો, એટલે તું જ એક એવી વ્યક્તિ છે કે જેણે કાર્યવાહક સમિતિમાં સચિવ બનવું જોઈએ.’
એમના અંતર્નિરીક્ષણ કરનારા અને શાંત સ્વભાવને લીધે સ્વામી વિરજાનંદમાં બધાને શ્રદ્ધા હતી. આ સંદર્ભમાં સ્વામી ગંભીરાનંદજીએ લખેલા, ‘હિસ્ટ્રી ઓફ રામકૃષ્ણ મઠ એન્ડ મિશન’માંથી આ ઉદ્ધરણ ટાંકવા જેવું છે, ‘એમનાં જ્યેષ્ઠતા, કાર્યકુશળતા અને સ્વભાવનાં સંસ્કારિતા અને વિવેક તેમજ પૂર્વગ્રહ વિનાના દૃષ્ટિકોણને લીધે સ્વામી વિરજાનંદ કાર્યવાહક સમિતિના સચિવ તરીકે પસંદ થયા હતા… તેમના ભૂતકાળના ભવ્ય કાર્યકલાપને લીધે તેઓ દરેકે દરેકનું માન સન્માન મેળવી શકતા.’
૧૯૨૭માં ફરી પાછું સ્વામી વિરજાનંદને અમેરિકા મોકલવા જોઈએ એવું સૂચન થયું અને એ વખતના સંઘના પરમાધ્યક્ષ સ્વામી શિવાનંદજીએ આ દરખાસ્ત સાથે સહમત થવા તેમને મનાવી પણ લીધા. પરંતુ સ્વામી વિરજાનંદે સ્વામી શિવાનંદને શ્યામલાતાલથી એક પત્રમાં લખ્યું,
‘શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા અને સ્વામીજીની સમક્ષ પ્રાર્થનામાં બેસીને આ નવી જવાબદારી સ્વીકારવાની પ્રેરણા મને મળી નથી, એટલે જ હું ચોક્કસપણે માનું છું કે તેઓ મારું અમેરિકા જવાનું માન્ય રાખતાં નથી.’
૧૯૧૯માં વિરજાનંદજીએ તે સમયે સંઘ જે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો તેનું નિરાકરણ કરવામાં અનંત ધૈર્ય અને સહિષ્ણુતા બતાવ્યાં કે તેને લીધે તે સાબિત થયું કે સ્વામી શુદ્ધાનંદ સંઘના સચિવરૂપે ખૂબ મદદગાર બની શકે છે. આ સમયગાળા દરમિયાન તેમને રામકૃષ્ણ મઠ, બાગબાજાર (શ્રીશ્રીમાના નિવાસસ્થાન) અને સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલ નો હવાલો સંભાળવો પડ્યો. ૧૯૩૦માં સ્વામી શુદ્ધાનંદજીની માંદગીને કારણે તેમણે એક વર્ષ સુધી સંઘના સચિવનો હવાલો પણ સંભાળવો પડ્યો.
૧૯૩૪માં જ્યારે સ્વામી અખંડાનંદજી સંઘના પરમાધ્યક્ષ બન્યા ત્યારે વિરજાનંદજીની નિમણૂક સ્વામી શુદ્ધાનંદજીની જગ્યાએ સંઘના સચિવ તરીકે થઈ. એમના સચિવપણા હેઠળ ૧૯૩૬માં શ્રીરામકૃષ્ણદેવની જન્મશતાબ્દીનો મહોત્સવ આંતરરાષ્ટ્રિય કક્ષાએ ઊજવાયો.
મહોત્સવની સમાપ્તિમાં કોલકાતામાં વિશ્વધર્મપરિષદનું આયોજન થયું હતું. આ પરિષદમાં સ્વામી વિરજાનંદજીએ ઉદ્ઘાટન અને સમાપન સમારંભમાં પોતાનાં પ્રભાવક અને ઉદ્દીપક વક્તવ્યો આપ્યાં હતાં.
Your Content Goes Here




