ગયા અંકમાં બંગાળમાં પડેલા ભયંકર દુષ્કાળ વખતે ‘દુ :ખીદેવો ભવ’ના

આદર્શ સાથે સેવા કાર્ય માટે લીધેલા નિર્ણય વિશે વાંચ્યું, હવે આગળ …

ખરા હૃદયના આધ્યાત્મિક જિજ્ઞાસુ માટે સ્વામી વિરજાનંદ એક આદર્શ ગુરુની જેમ મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક હતા. તેઓ આવા જિજ્ઞાસુમાં જ્ઞાન અને ભક્તિ પ્રગટાવતા અને એમની શંકાઓ દૂર કરતા. રામનારાયણ તર્કતીર્થ નામના એક મહાન વિદ્વાન બેલુર મઠમાં સ્વામીજીને મળવા અને એમના આશીર્વાદ મેળવવા આવતા. સ્વામી વિરજાનંદજી આ વિદ્વાન પાસેથી શ્રીમદ્ ભાગવત અને બીજાં શાસ્ત્રો વિશેની ચર્ચા પ્રેમથી સાંભળતા. એક દિવસ આ વિદ્વાને વિનમ્રતાથી પૂછ્યું, ‘શાસ્ત્રોમાં વર્ણવેલ ત્યાગ અને આધ્યાત્મિક સાધનાના વિચારોને કેવી રીતે વ્યવહારમાં ઉતારી શકાય ?’ સ્વામી વિરજાનંદજીએ થોડા શબ્દોમાં જ આ વાત એમને સમજાવી, ‘ઇન્દ્રિયવિષયભોગના પદાર્થાેની આસક્તિ ત્યજવી એટલે ત્યાગ. ઈશ્વર જ તમારા પોતાના છે એવી અનુભૂતિ કર્યા પછી તમારા પૂર્ણ હૃદયથી એમને ચાહવા એટલે આધ્યાત્મિક સાધના.’ એ વિદ્વાને વળી ફરીથી પૂછ્યું, ‘પરંતુ મહારાજ, જેમને જોઈ ન શકીએ એમને આપણે કેવી રીતે ચાહી શકીએ?’ તરત જ એક ગહનસંકલ્પના સાથે સ્વામી વિરજાનંદજીએ જવાબ આપ્યો, ‘ઈશ્વરને જોઈ ન શકાય એવું કોણ કહે છે ?’ પળવારમાં જ એમની આંખો તેજસ્વી બની અને એમનો આખો દેહ ભાવોર્મિથી છલકાઈ ઊઠ્યો અને દિવ્ય તેજસ્વિતાથી ઝળકી ઊઠ્યો. શાસ્ત્રોમાં જેને વાણી અને મનથી પર કહ્યું છે, તે સત્ય તેઓ જાણે કે સ્પષ્ટ રીતે ઇન્દ્રિયો દ્વારા જાણી-જોઈ રહ્યા છે. પછી તેમના મુખેથી આ આશ્ચર્યના ઉદ્ગારો સરી પડ્યા, ‘અહીં ! અહીં એ છે ! અહીં તે પોતે જ છે !’ આમ કહીને તેઓ સંપૂર્ણપણે સ્થિરધીર અને પથ્થરના પૂતળાની જેમ ગતિહીન થઈ ગયા. એ દિવસે વધારે ચર્ચા થઈ ન શકી, પરંતુ પેલા વિદ્વાનની બધી શંકાઓનું સમાધાન થઈ ગયું. સ્વામી વિરજાનંદજી સાથેની આ ઘટનાએ પેલા વિદ્વાન પર ગહન પ્રભાવ પાડ્યો અને તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સ્વામી વિરજાનંદ તેમનું પ્રેરણાસ્રોત બની રહ્યા. પછીથી આ દિવસને યાદ કરીને તે વિદ્વાન કહેતા, ‘સ્વામીમાં એ પરિવર્તન કેવી રીતે આવ્યું અને એમણે એ શબ્દો કેવી રીતે કહ્યા તેનું વર્ણન ન કરી શકું. મેં એમને આવી અવસ્થામાં આ પહેલાં ક્યારેય જોયા નથી. જાણે કે તેઓ સંપૂર્ણપણે સર્વોચ્ચ સત્તામાં લીન થઇ ગયા હોય એવુું લાગ્યું. હું પણ દિવ્યઆનંદથી ભરપૂર થઈ ગયો અને સર્વ કંઈ ભૂલીને અપલક આંખે સતત તેમના તરફ જોઈ જ રહ્યો. જ્યારે હું બાહ્યભાનમાં આવ્યો ત્યારે મેં એમને પ્રણામ કર્યા અને શાંતિથી એ ઓરડામાંથી બહાર નીકળી ગયો.’

શારીરિક પીડાને સહન કરવાની એમની ક્ષમતા જોઈને સ્વામી વિરજાનંદજીની આરોગ્ય ચિકિત્સા કરતા ડાૅક્ટરો આશ્ચર્યમાં પડી જતા. ઘણી પીડા થતી હોય ત્યારે પણ તેઓ હસતા મુખે કહેતા, ‘મારે શા માટે ચિંતા કરવી જોઈએ ? મારા પ્રત્યે ઈશ્વર અનંત કૃપાદૃષ્ટિ રાખે છે. માગ્યા સિવાય તેમણે મને દરેક વસ્તુ આપી છે અને જ્યારે હવે સમય આવી ચૂક્યો છે ત્યારે તેઓ મારા પૂછ્યા વગર જ એમના ખોળામાં લઈ લેશે.’ જ્યારે તેઓ માંદા હતા ત્યારે પણ તેમણે પોતાને મળવા આવનારને ક્યારેય હતાશ ન કર્યા. તેમણે પોતાના પ્રેમભર્યા અને સાંત્વના આપતા શબ્દોથી તેમજ પોતાની કૃપાળુ દૃષ્ટિથી ઘણા લોકોનાં દુ :ખદર્દ દૂર કર્યાં અને જ્યારે ભક્તો સાથે વાતચીત કરવા માટે સંજોગો આડે આવતા ત્યારે ભક્તોના કલ્યાણ માટે પ્રાર્થના કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નહીં. એક યુવાન શિષ્યે સ્વામી વિરજાનંદજી સાથે પોતે વાતચીત ન કરી શક્યો તે બદલ પોતાની નિરાશાને લખીને અભિવ્યક્ત કરી. સ્વામી વિરજાનંદજીનો જવાબ આ હતો, ‘મારી સાથે માત્ર વાતચીત કરવી એ મહત્ત્વનું નથી. તમારે તો એ જાણવું જોઈએ કે તમે મારી નજીક છો કે મારાથી દૂર; હું હંમેશાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીશ્રીમા શારદાદેવીને મારા બધા શિષ્યોના યોગક્ષેમ માટે પ્રાર્થના કરું છું. એટલે તમારે ક્યારેય આ કારણે દુ :ખી કે હતાશ ન થવું.’ પોતાની અંતર્દૃષ્ટિથી પ્રાપ્ત કરેલ અનેકવિધ અને ભિન્ન ભિન્ન અનુભવોથી તેઓ આધ્યાત્મિક જિજ્ઞાસુઓની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરતા. આ હકીકત તેમના પુસ્તક ‘Towards the Goal Supreme’ વાંચતાં આપણને સ્પષ્ટપણે દેખાય છે. મૂળ બંગાળી ભાષામાં લખાયેલ આ પુસ્તકનો ઘણી ભાષામાં અનુવાદ થયો છે. સ્વામી વિરજાનંદજીના સંપાદિત થયેલા આ પુસ્તકમાંના ઉપદેશો હજારો આધ્યાત્મિક જિજ્ઞાસુ માટે પ્રેરણાનું સ્રોત બન્યા છે.

એક બાળક જેમ રમતાં રમતાં થાકી જાય અને માના ખોળામાં બેસવા અધીર બને તેમ સ્વામી વિરજાનંદજી પણ હવે શાશ્વત વિરામને ઝંખતા હતા. શ્રીશ્રીમાની જન્મશતાબ્દી સાથે સંલગ્ન મહોત્સવો શરૂ થવાની તૈયારીમાં હતા અને સ્વામી વિરજાનંદજીએ આ હેતુ માટે પોતાનું પ્રથમ દાન મોકલ્યું. એમણે આપેલી રકમની પહોંચ એમણે મેળવી ત્યારે તેમણે પ્રેમ અને ભક્તિથી એ પહોંચ પોતાને કપાળે અડાડી. આ પહોંચ સ્વામી વિરજાનંદજીના તકિયા નીચે જાણે કે તે એમને શ્રીશ્રીમાની યાદ અપાવતી હોય તેમ મૂકી. કોઈ કોઈવાર એમના સેવકોએ એમને અત્યંત ધીમા સ્વરે આવું કહેતા સાંભળતા, ‘હે ઠાકુર, હે મા’ કે ‘મા! મને તારી પાસે બોલાવી લે!’ અને સેવકો માટે એ સ્પષ્ટ બની ગયું કે થોડા સમયમાં સ્વામી વિરજાનંદજી પોતાના શાશ્વત નિવાસસ્થાને જવા વિદાય થશે.

પોતાની વૃદ્ધાવસ્થા અને અનેક શારીરિક રોગો હોવા છતાં સ્વામી વિરજાનંદજી ક્યારેય હતાશ કે ઉદાસ ન થતા. તેઓ પોતાના વ્યંગ, વિનોદ અને બુદ્ધિકૌશલ્યવાળી ટીકાથી એમની આસપાસ રહેનાર સૌ કોઈને આનંદમાં રાખતા. તેમનું શાંત અને ધીરગંભીર વ્યક્તિત્વ સૂક્ષ્મ વ્યંગવિનોદ સાથે મળીને એક અનન્ય વાતાવરણ ઊભું કરી દેતું. એક દિવસ એક યુવાન ડાૅક્ટર કે જે તેમની સારસંભાળ લેતો હતો, તેને આવવામાં થોડું મોડું થયું. સ્વામી વિરજાનંદજીની તબિયત સારી ન હતી તેથી તેના મોડા આવવાથી સેવકો થોડા ચિંતાતુર બન્યા. અંતે જ્યારે પેલા ડાૅક્ટર આવી પહોંચ્યા ત્યારે સ્વામી વિરજાનંદજીએ ગંભીર સ્વરે કહ્યું, ‘સારું, અંતે તમે આવ્યા ખરા ! મારે એટલું કહેવું પડે કે તમે ઘણા દુષ્ટ છો !’ ભક્તિપૂર્ણ ડાૅક્ટર આ શબ્દો સાંભળીને ખૂબ મૂંઝાઈ ગયા અને કંઈ જવાબ ન આપી શકયા. પછી સ્વામી વિરજાનંદજીએ સર્વસામાન્ય મીઠા સ્વરે કહ્યું, ‘જો ભાઈ, મેં મારું મન સંપૂર્ણપણે શ્રીરામકૃષ્ણને સમર્પિત કરી દીધું છે અને તમે હવે એને ત્યાંથી ચોરી લેવાનો પ્રયત્ન કરતા હતા. સવારથી જ મારું મન તમારામાં હતું અને આ બધો સમય તમે હજુ કેમ ન આવ્યા એ વિશે નવાઈ પામતું હતું !’ ઓરડામાં હાજર બધા ખડખડાટ હસી પડ્યા અને બિચારા ડાૅક્ટરને પણ ઘણી નિરાંત થઈ; પરંતુ પોતાના માટે સ્વામી વિરજાનંદ જે પ્રેમ રાખે છે એનો વિચાર કરીને તેને ઘણો આનંદ થયો.

પોતાના જીવનનાં છેલ્લાં ત્રણ સપ્તાહથી તેઓ પોતાના અંતની તૈયારી કરતા હતા. તેમણે ખાવાનું છોડી દીધું અને પથારીમાં મહાસાગરની જેમ શાંતિથી પડ્યા રહેતા. ભક્તજનોની ઇચ્છાને તૃપ્ત કરવા એમને અંતિમ સમયે પણ આવવા દેવાતા. હજારો ભક્તો અશ્રુભીની આંખે તેમને ભાવાંજલી અર્પવા આવ્યા. પોતાની અંતિમ પળોમાં તેમણે સેવકોને પોતાનો અંત નજીક છે એવું સૂચવી દીધું હતું. અંતે ૩૦ મે, ૧૯૫૧ના રોજ પ્રભાતના પવિત્ર પ્રહરે શ્રીશ્રીમાના આ પુત્રે શ્રીરામકૃષ્ણદેવનાં ચરણકમળમાં પોતાનો અંતિમ આશ્રય લીધો.

સ્વામી શ્રદ્ધાનંદે પોતાના પુસ્તક ‘The Story of an Epoch’માં આ મહાન જીવનનું સુંદર આલેખન કર્યું છે. એમાં શંકા નથી કે જે લોકો આધ્યાત્મિક પથ પર ચાલે છે તેમને પોતાની અધ્યાત્મયાત્રામાં આ પુસ્તકનું વાંચન ઘણું મદદરૂપ થશે. એમણે ‘ઉદ્‌બોધન’માં સ્વામી વિરજાનંદજી વિશે લખેલ લેખમાંથી થોડાંક તારણો અહીં આપીએ છીએ :

‘શ્રીશ્રીમા, સ્વામીજી અને શ્રીરામકૃષ્ણદેવના બીજા સાક્ષાત શિષ્યોએ વિરજાનંદજીના ચારિત્ર્ય ઘડતરમાં એટલો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે કે જાણે સ્વામી વિરજાનંદ પણ શ્રીઠાકુરના સાક્ષાત શિષ્ય હોય એવું આપણને લાગે છે. વરાહનગર મઠમાં પ્રગટેલા અને આધ્યાત્મિક અગ્નિથી અત્યંત સ્થિરધીર બનેલા સ્વામી વિરજાનંદ અધ્યાત્મના છેલ્લા દીપક હતા. જ્યારે આ અધ્યાત્મદીપ હોલવાઈ ગયો ત્યારે જેમના જેમના પર એમનો પ્રકાશ પથરાયો હતો તેવાં બધાં હૃદયે પોતાની જાતને દુ :ખમાં, હતાશામાં અને દયાજનક પરિસ્થિતિમાં જોયાં.’

Total Views: 383

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.