(ગતાંકથી આગળ…)

તંદુરસ્તીને કારણે સ્વામીજી પશ્ચિમમાં પાછા જાય એવો નિર્ણય લેવાયો. તેઓ જવા નીકળે તે પહેલાં ૧૯મી જૂને સ્વામીજી સાથે બધા સંન્યાસીઓનો એક ફોટો પડાવ્યો. એ વખતે વિરજાનંદ સ્વામીજીનું ભોજન રાંધવામાં પ્રવૃત્ત હતા અને એમને વારંવાર બોલાવ્યા. અંતે તેઓ એ સમૂહમાં જોડાવા ઝડપથી આવ્યા. જો કે એમને પહેરણ પહેરવાનો સમય ન હતો એટલે તેઓ ફોટામાં ખુલ્લી છાતી સાથે દેખાય છે. ફોટો પડી ગયા પછી તેઓ પાછા પોતાની ફરજ બજાવવા ચાલ્યા ગયા. પણ તેઓ લગભગ રડમસ થઈ ગયા કારણ કે હવે થોડાક જ કલાકોમાં પોતાના ગુરુદેવની સેવા ચાકરી કરવાનું સદ્ભાગ્ય પૂરું થશે. બીજે જ દિવસે સ્વામીજી કોલકાતાના બંદરેથી જવા રવાના થયા. તેઓ અમેરિકા જતા હતા. તેમની સાથે સ્વામી તુરીયાનંદ અને ભગિની નિવેદિતા હતાં.

સ્વામીજીની સૂચના પ્રમાણે વિરજાનંદને માયાવતી મોકલવામાં આવ્યા. વાસ્તવિક રીતે સ્વામીજીએ આ પહેલાં વિરજાનંદને ત્યાં જવા કહ્યું હતું પરંતુ વિરજાનંદે કહ્યું, ‘તમે જ્યાં સુધી અહીં છો ત્યાં સુધી મને તમારી સાથે રહેવા દો એવી વિનંતી છે. તમે અહીંથી જશો પછી હું જઈશ.’ સ્વામીજી સહમત થયા. સ્વામી વિમલાનંદ અને સ્વામી સચ્ચિદાનંદ પણ એમની સંગાથે હતા.

ખંત, પ્રયાસો અને સ્વામીજીના અંગ્રેજ શિષ્યો કેપ્ટન અને શ્રીમતી સેવિયરની આર્થિક સહાયથી માયાવતીમાં કામ શરૂ થયું. સ્વામીજી પોતે શ્રીમતી સેવિયરને ‘માતા’થી સંબોધતા એટલે તેઓ ‘માતા સેવિયર’ના નામે જાણીતાં બન્યાં. અહીંથી રામકૃષ્ણ સંઘનું અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ પ્રસિદ્ધ થતું હતુું. સ્વામી સ્વરૂપાનંદ કે જેઓ ‘પ્રબુદ્ધ ભારત’ના તંત્રી તરીકે નિમાયા હતા તેઓ અહીં માયાવતીમાં વહેલા આવી ગયા હતા. આ બધા સંન્યાસી બંધુઓ સ્વામીજીની સૂચના અને આદેશ તેમજ અદ્વૈત આશ્રમની સ્થાપનાના ધ્યેય સાથે હિમાલયની વચ્ચે એકઠા થયા. આ બધા સંન્યાસીઓએ સ્વામીજીની આ કેન્દ્ર સ્થાપવા માટેની સુદીર્ઘકાળની ઇચ્છાને સંતોષવા ઉત્સાહ અને ખંતથી કામ કરવાનું શરૂ કર્યું. આ માયાવતીનો આશ્રમ અદ્વૈત વેદાંતના અભ્યાસ અને પ્રચાર-પ્રસાર માટે હતો. એમના સંયુક્ત પ્રયાસોથી હવે ઘણી ઝડપથી આ કાર્ય આગળ વધવા લાગ્યું. પરંતુ ૧૯૦૦માં કેપ્ટન સેવિયર ઓચિંતાના માંદા પડ્યા અને ૨૮ ઓક્ટોબરના રોજ મૃત્યુ પામ્યા. આ ભક્તિનિષ્ઠ શિષ્યે પોતાનું જીવન પોતાના ગુરુની સેવામાં અર્પિત કરી દીધું અને હિમાલયના ખોળામાં તેઓ શાશ્વત શાંતિ અને વિરામ પામ્યા. એ વખતે સ્વામીજી યુરોપમાં હતા.

ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ વખતે માયાવતી પહોંચવા માટે યાત્રીએ કાઠગોદામ સુધી ટ્રેનમાં જવું પડતું. અને ત્યાર પછી ચાલીને કે ખચ્ચર પર બેસીને કે ડોળીમાં બેસીને ૬૫ માઈલ જવું પડતું. ૨૯મી ડિસેમ્બરે તેઓ કાઠગોદામથી બેસશે, એવો તાર સ્વામીજીએ માયાવતી આશ્રમને કરી દીધો હતો. એમની સાથે સ્વામી શિવાનંદજી અને સ્વામીજીના શિષ્ય સદાનંદ હતા. વિરજાનંદજી તરત જ આજુબાજુના ગામડામાં ફરી વળ્યા અને અથાક પ્રયત્ન પછી જરૂર પડતા મજૂરો લાવ્યા. આ મજૂરોની મદદથી તેઓ ૬૫ માઈલનું પર્વતીય પ્રદેશનું ખાડા ટેકરાવાળું અંતર બે દિવસમાં કાપીને ૨૮ ડિસેમ્બરની મધ્યરાત્રીએ કાઠગોદામ પહોંચ્યા. બીજે દિવસે સવારે ૫ વાગ્યે સ્વામીજીની ટ્રેન આવી પહોંચી.

વિરજાનંદને જોઈને સ્વામીજી ખૂબ રાજી થયા. પછીથી જ્યારે વિરજાનંદજીના મજૂરો મેળવવા માટેના ઉપાય-ચાતુર્ય વિશે અને બે જ દિવસમાં આટલું લાંબુ અંતર ચાલીને કાપવા વિશે સાંભળ્યું ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયા અને પ્રેમ અને ઉષ્માથી કહ્યું, ‘વાહ, વીર, વાહ ! આ જ છે સાચો શિષ્ય !’

વિરજાનંદ સ્વામીજીની તબિયતની ચિંતા કરતા હતા. રસ્તો ઘણો લાંબો, અતિ કઠિન અને જોખમકારક હતો. સાથે ને સાથે હજી પણ સ્વામીજીને તાવની અસર હતી. સ્વામીજીને ડોળીમાં બેસવા કહ્યું અને બીજા કાં તો પગપાળા કે ખચ્ચર પર બેસીને ગયા. હિમાલયના આધ્યાત્મિક, શાંત અને નિર્મળ વાતાવરણમાં ફરીથી આવીને સ્વામીજી ખૂબ પ્રસન્ન થયા. પહેલે દિવસે તેમણે ૧૭ માઈલનું અંતર કાપ્યું અને એક અતિથિગૃહમાં રાતવાસો કર્યો. બીજે દિવસે વરસાદ અને હળવો હિમપાત શરૂ થયો, પરંતુ યાત્રીઓએ આવા હવામાન છતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. બીજું અતિથિગૃહ હજી થોડા વધારે અંતરે હતું. એ સમય દરમિયાન ડોળી ખેંચનારાઓએ ચા-પાણી અને ધૂમ્રપાન માટે થોડો વિરામ લેવાની વિનંતી કરી. સહાનુભૂતિ અને કરુણાથી સ્વામીજીએ આ વિનંતી માન્ય રાખી. જો કે વિરજાનંદજીને સ્વામીજીની આ પ્રકારની સરળતા અંગે વિશેષ ચિંતા હતી. તેઓ દુર્દાન્ત પર્વતીય ડોળી ઉપાડનાર મજૂરોની પ્રકૃતિને કેવી સારી રીતે ઓળખી ગયા ! એક વખત ડોળીવાળા ઊભા રહ્યા. એમને જરાય આગળ ચાલવાની ઇચ્છા થતી ન હતી. એમનો ભય થોડી જ વારમાં સામે આવીને ઊભો રહ્યો. એ સમયે સંધ્યાના અંધારાનો સમય આજુબાજુની પર્વતમાળાને ઘેરતો જતો હતો. વળી પ્રયાસ કરવાની સામે વરસાદ અને હિમપાત પણ ચાલુ હતો. બીજો કોઈ વિકલ્પ જ ન જોતાં રસ્તાની બાજુએ આવેલી એક નાની દુકાનમાં રાત ગાળવાનું નક્કી કર્યું. હિમપાતને લીધે ઠંડી ભયંકર હતી અને નાની દુકાનની અંદરની જૂની પુરાણી આગની ભઠ્ઠી સતત ધુમાડાના ગોટેગોટા ઉડાડતી હતી. ૧૯૦૦ના ડિસેમ્બરની ૩૧મી તારીખ હતી – ૧૯મી સદીની છેલ્લી રાત.

એમની દુર્દશાનો પ્રતિભાવ પાડતાં સ્વામીજીએ એક કિશોરસહજ પુણ્યપ્રકોપ સાથે સ્વામી શિવાનંદજીને સંબોધીને કહ્યું, ‘કાલીકૃષ્ણ એક છોકરો કહેવાય. પણ ભાઈ તારક, તમે તો એક વરિષ્ઠ માણસ છો ! કયા શાણપણથી તમે મને આ પર્વતમાળામાં આવી દુર્દશામાં દોરી ગયા ?’ પછી વિરજાનંદ તરફ ફરીને તેમણે ફરીથી કહ્યું, ‘મને આલમોડા જવાની છૂટ આપ્યા વગર કાઠગોદામથી સીધે સીધા માયાવતી જવા માટે તેં શા માટે વિનંતી કરી ?’

પણ વિરજાનંદ તો દરેક રીતે અને શબ્દસહ વિવેકાનંદના શિષ્ય હતા. તેમણે આ ઉગ્રભાવના શબ્દો શાંતિથી સાંભળી લીધા ને પછી મક્કમતાથી જવાબ આપ્યો, ‘પણ સ્વામીજી, ભૂલ તો તમારી છે. આ પહેલાં પણ મેં આપને પર્વતીય ડોળીવાળા વિશે ચેતવણી આપી હતી. એમાં વળી આપે એમને થોડો વિરામ કરવાનું કહીને તમે તમારી મેળે જ આ બધી મૂંઝવણ ઊભી કરી છે ! જો તેમણે આટલી વાર લગાડી ન હોત તો આપણે રાત પડતાં જ ડાકબંગલે પહોંચી જાત.’ આવા દૃઢ અને હિમ્મતભર્યા શબ્દો સાંભળીને સ્વામીજી તરત જ એક બાળકની જેમ શાંત થઈ ગયા અને વિરજાનંદજીને ઉષ્માભર્યા શબ્દોમાં કહ્યું, ‘વારુ, જે બનવાનું હતું તે બની ગયું. મારા ઠપકાને કાને ન ધરતા. શું એક પિતા પુત્ર પર ગુસ્સે થાય નહીં ? ચાલો, અહીં આપણે હવે ગમે તેમ કરીને રાત કાઢી નાખીએ.’

દુકાનદારે એમના સાંજના ભોજનમાં જાડા અને સખત એવા રોટલાના ટુકડા આપ્યા અને પછી બધાએ એ અતિ કઠિન રાત પસાર કરી. વિરજાનંદે સ્વામીજીને યાદ અપાવ્યું કે તે રાત્રી ૧૯૦૦ના ડિસેમ્બરની ૩૧મી તારીખની હતી અને એ ૧૯ મી સદીનો હવે અંત હતો અને ૨૦મી સદી આગળ ડગલાં માંડતી હતી. એટલે આવા સંક્રમણકાળમાં આવી રાત ગાળવી એ પણ કદાચ સૂચક હશે. આ સાંભળીને સ્વામીજી વિચારપૂર્વક હસ્યા. આ ઘટના વિરજાનંદ માટે એક કરતાં વધુ કારણોને લીધે પવિત્ર ઘટના હતી. પછીથી જ્યારે જ્યારે તેઓ આ રાત્રીને યાદ કરતા ત્યારે તેઓ ભાવાભિભૂત થઈ જતા અને એમનો ચહેરો તેજસ્વી બની જતો. એમના મુખેથી જેમણે આ સાંભળ્યું તે બધાએ આવું નિહાળ્યું. એક અન્ય વ્યક્તિ આ ઘટનાને આ રીતે વર્ણવે છે :

‘૧૯૫૦ના માર્ચમાં સ્વામી વિરજાનંદ પટણા આવ્યા હતા. એમના ઉપયોગ માટે સ્વામી શિવાનંદજીએ વાપરેલ પલંગ આશ્રમમાં મોકલવામાં આવ્યો હતો. પણ ગાદલું થોડું સખત અને સમસ્યાજનક બન્યું. અંતે અમે પરાળનું (ડાંગરના ઘાસનું) કામચલાઉ ગાદલું બનાવ્યું. બીજે દિવસે સવારે જ્યારે હું એમને પ્રણામ કરવા ગયો ત્યારે મેં તેમને પૂછ્યું, ‘મહારાજ, હું આશા રાખું છું કે આપને કાંઈ મુશ્કેલી નહીં પડી હોય અને પથારી બહુ સખત નહીં લાગી હોય.’ તેઓ હસ્યા અને જવાબ આપતાં કહ્યું, ‘પથારી ઘણી મુલાયમ હતી અને હું ઘસઘસાટ ઊંઘી ગયો.’ આ સાંભળીને મને થોડી નિરાંત અને શાંતિ થઈ અને એ ગાદલું પરાળનું હતું, એમ કહેવાનું મેં સાહસ કર્યું. આ જાણીને તેઓ ઘણા રાજી થયા અને કહ્યું, ‘સારું, મારે કહેવું પડે કે તમે ખરેખર શીઘ્રબુદ્ધિવાળા છો. મારે પણ આવો જ અનુભવ થયો હતો. જો કે તમારી સમસ્યા પ્રમાણમાં ઘણી સહજ સરળ છે. પણ મારી તો જરાક ગંભીર હતી. હું સ્વામીજી સાથે માયાવતી જતો હતો અને એ વખતે બહાર હિમવર્ષા થતી હતી ત્યારે એક નાની ઝૂંપડીમાં એક રાત ગાળવી પડી હતી. હિમવર્ષા સાથે પવન પણ એટલા જોરથી ફૂંકાતો હતો કે સ્વામી શિવાનંદજીએ બારણા સાથે પીઠ રાખીને આખી રાત બેસી રહેવું પડ્યું. ત્યાં તો ગાદલા કે તકિયાની વાત જ ન હતી. એટલે અંતે મેં જ્યાં મારો હાથ મૂકું અને કંઈ પોચું પોચું મળે એને એક ચાદરના ટુકડામાં વીંટી દીધું અને એમાંથી સ્વામીજી માટે એક ઓશીકું પૂરું પાડ્યું. મેં આખી રાત સ્વામીજીની નજીક બેસીને ગાળી. ઊઠતાંવેંત તેમણે સર્વ પ્રથમ જે કાંઈ કહ્યું તે આ હતું, ‘અરે, ગઈ રાત્રીએ મને કેવી મજાની ઊંઘ આવી ગઈ !’ પછી મેં કેવી રીતે ઓશીકું બનાવ્યું તેની વાત તેમને કરી ત્યારે તેમણે ખૂબ રાજી થઈને કહ્યું, ‘કાલીકૃષ્ણ ! હું જોઉં છું કે તું ખરેખર ઘણો શીઘ્રબુદ્ધિવાળો છે’ સવાર થતાં સુધીમાં ૧૨ ઈંચ જેટલી હિમવર્ષા થઈ હતી. આ યાત્રાળુની ટુકડી વળી પાછી આગળ જવા ઊપડી. આ પ્રવાસનો એકે એક અંશ સ્વામીજીએ માણ્યો અને એક નાના બાળકની જેમ પ્રસન્ન રહ્યા. પછીની રાત ડાકબંગલામાં ગાળી. બીજે દિવસે બરફ ઓગળવા લાગ્યો અને એ જ દિવસે તેમણે ૨૧ માઈલ જેટલું અંતર કાપ્યું. (ક્રમશ 🙂

Total Views: 440

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.