સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં થવાની છે.* તેમાં જગતની સર્વસાધારણ પ્રજા માટે ઉપદેશ છે એટલું જ નહીં, પણ હિંદનાં પોતાનાં સંતાનો માટે પણ તે એક અધિકારયુક્ત વાણીમાં કરેલો હિંદુ ધર્મનો ઘોષણાપત્ર છે. આધુનિક યુગમાં જ્યારે સમાજવ્યવસ્થા તદૃન છિન્નભિન્ન થઈ ગયેલી છે ત્યારે, હિંદુ ધર્મને પોતાનું વહાણ લાંગરી શકાય તેવા એક ખડકની જરૂર હતી, તેમ જ જેમાં તે પોતાનું સાચું સ્વરૂપ ઓળખી શકે એવી એક પ્રભાવશાળી ઉદ્ઘોષણાની પણ જરૂર હતી. સ્વામી વિવેકાનંદના આ શબ્દો અને લખાણો હિંદુ ધર્મની આ જરૂરિયાત પૂરી પાડે છે.
બીજી જગ્યાએ કહેવામાં આવ્યું છે તેમ ઇતિહાસમાં પહેલી જ વાર હિંદુ ધર્મ પોતે જ અહીં એક સર્વોચ્ચ કોટિના હિંદુ માનસ દ્વારા રજૂ થતા સાર્વભૌમ વિચારનો વિષય બને છે. પોતાના પૂર્વજોના ધર્મનું સ્વરૂપ નક્કી કરવા ઇચ્છતો હિંદુ પુરુષ તથા પોતાનાં સંતાનોને શીખવવા ઇચ્છતી હિંદુ માતા, ભવિષ્યમાં યુગો સુધી આત્મવિશ્વાસ અને પ્રકાશ સારુ આ ગ્રંથોનાં પાનાં તરફ વળશે. હિંદમાંથી અંગ્રેજી ભાષા લુપ્ત થયા પછીયે લાંબા સમય સુધી તે ભાષા દ્વારા આ ગ્રંથોમાં જગતને જે ભેટ આપવામાં આવી છે તે ટકી રહેશે અને પૂર્વ તથા પશ્ચિમના દેશોમાં એકસરખી રીતે ફળદાયી નીવડશે. હિંદુ ધર્મની જરૂરિયાત તેની પોતાની વિચારસરણીને સુવ્યવસ્થિત અને દૃઢ બનાવવાની હતી અને જગતને સત્યથી ડરે નહીં તેવા ધર્મની જરૂરિયાત હતી એ બંને અહીં મળી આવે છે. આ કટોકટીની પળે એ મહાન વિભૂતિએ પ્રગટ થઈને સામુદાયિક ચેતનાનો સંગ્રહ કરી તેને વાચા આપી. સનાતન ધર્મમાં રહેલી તે શાશ્વતશક્તિનો તેમ જ ભારત ભૂતકાળમાં હતું તેવું જ અત્યારે મહાન છે તેનો આ કરતાં વધારે સબળ પુરાવો ભાગ્યે જ આપી શકાય.
પોતાની સીમાઓ બહારની માનવજાતને જીવનનું ભાથું પહોંચાડવામાં જ પોતાની જરૂરિયાત સંતોષાય એમ ભારતને લાગે એ તો પહેલેથી જોઈ શકાયું હોત. વળી આ પ્રસંગે એવું પહેલી જ વાર બન્યું એમ પણ નથી. અગાઉ પણ એક વાર પડોશના દેશોમાં રાષ્ટ્રસર્જક ધર્મના સંદેશનો પ્રચાર કરવા જતાં સરવાળે ભારત પોતાના વિચારોની મહત્તા સમજતાં શીખ્યું. એ વિચારોમાંથી ઉદ્ભવેલા આત્મૈક્યમાંથી વર્તમાન હિંદુ ધર્મની ઉત્પત્તિ થઈ. આપણે એ કદી ભુલાવા દેવું ન જોઈએ કે એક ગુરુએ પોતાના શિષ્યને આપેલો આદેશ આ ભારત ભૂમિ ઉપર જ પહેલવહેલો સંભળાયો કે, “તમે સમગ્ર જગતમાં ફરી વળો અને પ્રત્યેક પ્રાણીને ઉપદેશ આપો.” જ્યારે પશ્ચિમમાં એક મહાસંમેલનને સંબોધીને સ્વામી વિવેકાનંદ કહે છે કે, “જો એક ધર્મ સાચો હોય તો બીજા બધા પણ સાચા હોવા જોઈએ; આમ હિંદુ ધર્મ જેટલો મારો છે તેટલો જ તે તમારો છે”, ત્યારે એ જ મૂળ વિચાર, એ જ પ્રેમની ભાવના, નવો આકાર લઈને તેમની વાણી દ્વારા વ્યક્ત થઈ રહી છે અને વળી એ જ વિચારને વિસ્તૃત કરતાં સ્વામીજી કહે છે કે, “અમે હિંદુઓ ધર્મસહિષ્ણુ છીએ એટલું જ નહીં, અમે દરેક ધર્મ સાથે જોડાઈએ છીએ; મુસલમાનની મસ્જિદમાં અમૈ નમાજ પઢીએ છીએ, જરથોસ્તીઓની અગિયારીમાં અમે અગ્નિની ઉપાસના કરીએ છીએ અને ખ્રિસ્તીઓના કૉસ સમક્ષ ઘૂંટણે પડીએ છીએ. અમે જાણીએ છીએ કે હલકામાં હલકા પ્રકારની ભૂતપ્રેતાદિની પૂજાથી માંડીને સર્વોચ્ચ અદ્વૈતવાદ સુધીના તમામ ધર્મો એકસરખી રીતે માનવ આત્માના અનંતને સમજવાના અને સાક્ષાત્કાર કરવાના પ્રયાસો માત્ર છે. તેથી આ તમામ ધર્મોરૂપી પુષ્પોનો સંગ્રહ કરીને તેમને પ્રેમસૂત્રથી ગૂંથી, ઉપાસનાનો સુંદર ગજરો બનાવીએ છીએ.” આ વાક્યો ઉચ્ચારનારને મન કોઈ પરદેશી કે પરાયું ન હતું; એને માટે માત્ર માનવતા અને સત્યનું જ અસ્તિત્વ હતું.
વિશ્વધર્મ પરિષદમાં અપાયેલાં સ્વામીજીનાં ભાષણો વિશે કહી શકાય કે સ્વામીજીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમનો વિષય ‘હિંદુઓના ધાર્મિક વિચારો’ હતા; પણ એમનું ભાષણ પૂરું થયું ત્યારે હિંદુ ધર્મનું નવસર્જન થઈ ચૂક્યું હતું. એ ક્ષણ આવી શક્યતા માટે પરિપક્વ થયેલી હતી. સ્વામીજીની સામે બેઠેલો વિશાળ શ્રોતાસમાજ એકલા પાશ્ચાત્ય માનસનો પ્રતિનિધિ હતો. પરંતુ સાથોસાથ એ વિચારોમાં જે કંઈ વધુમાં વધુ વિશેષતાવાળું હતું તેનો કંઈક વધુ વિકાસ તેમાં સમાયેલો હતો. યુરોપની દરેક પ્રજાએ અમેરિકામાં અને ખાસ કરીને જયાં વિશ્વધર્મ પરિષદ મળી હતી તે શિકાગોમાં પ્રતિનિધિઓ મોકલ્યા હતા. પશ્ચિમની નગરરાણી શિકાગોનાં ચરણકમળ, મિશિગન સરોવરના કિનારે આવેલ છે; તેની ધ્યાનમગ્ન મૂર્તિની આંખોમાં ઉત્તર ધ્રુવનો પ્રકાશ દેખાય છે. આ નગરની અંદર આધુનિક પુરુષાર્થ અને જીવન સંગ્રામના કેટલાંક સારાંમાં સારાં તેમ જ ખરાબમાં ખરાબ તત્ત્વો હંમેશાં જોવામાં આવે છે. આધુનિક જાગૃતિનું તથા યુરોપના ભૂતકાળમાંથી વારસારૂપે આવેલું, એવું બહુ જ થોડું છે કે જે શિકાગો શહેરમાં ક્યાંક ને ક્યાંક દેખાતું ન હોય. એ શહેરનું ઊભરાતું જીવન અને તીવ્ર લાગણીઓ આજે આપણામાંના કેટલાકને મોટે ભાવે અસ્તવ્યસ્ત જેવાં ભલે લાગે, પણ તેમ છતાં તે બધા માનવ એકતાના કોઈક ઉચ્ચ આદર્શને પ્રગટ કરવામાં સહાયભૂત થાય છે. જોકે આ આદર્શ પ્રત્યેની ગતિ ધીરી છે, છતાં જયારે એ પરિપક્વ થવાનો સમય આવશે ત્યારે એ સંપૂર્ણપણે આદર્શને પ્રાપ્ત કરાવશે.
સ્વામી વિવેકાનંદ બોલવા ઊભા થયા ત્યારે તેમની સન્મુખ ખડું હતું તે માનસ આવા પ્રકારનું હતું. એ માનવમનનો મહેરામણ યૌવનની મસ્તીવાળો, તોફાની, તેની પોતાની જ શક્તિ અને આત્મશ્રદ્ધાથી ઊભરાતો, કુતૂહલભર્યો અને સાવચેત એવો હતો. એથી ઊલટું તેમની પાછળ પડેલો હતો આધ્યાત્મિક વિકાસના લાંબાયુગોનો શાંત મહાસાગર, એમની પાછળ એક એવી દુનિયા પથરાયેલી પડી હતી કે જેની શરૂઆત વેદોના કાળથી થતી હતી, જે ઉપનિષદ્ કાળમાં પોતાને યાદ કરતી હતી; એક એવી દુનિયા હતી જેને મન બૌદ્ધ યુગ તો લગભગ આધુનિક જેવો લાગતો હતો; એક એવી દુનિયા હતી કે જે સંપ્રદાયો અને પંથોની ધાર્મિક વિચારશ્રેણીઓથી ભરચક હતી; ઉષ્ણ કટિબંધના સૂર્યપ્રકાશમાં ગરકાવ બનેલી એક એવી પ્રશાંત દુનિયા હતી કે જેના માર્ગો ઉપરની રજ યુગયુગથી સંતોના ચરણસ્પર્શથી પાવન થતી આવી હતી. ટૂંકમાં, સ્વામીજીની પાછળ હતું ભારત, કે હજારો વર્ષ સુધી રાષ્ટ્રીય પ્રગતિ કરી રહ્યું હતું, કે જેમાં તેણે અનેક બાબતોની ખોજ કરી હતી, અનેક બાબતોની ખાતરી કરી હતી, અને દેશના સંપૂર્ણ ઐક્ય સિવાય લગભગ બધી બાબતોનો અનુભવ કરી લીધો હતો. તેના એક છેડાથી બીજા છેડા સુધી વિસ્તરેલા દેશના લાંબા કાળના અસ્તિત્વમાં કેટલાંક મૂળભૂત અને પાયાનાં સત્યોની બાબતમાં દેશની સર્વ પ્રજા એકમત થઈ શકી નહોતી, એટલી જ માત્ર ખામી હતી.
એટલે આ હતી બે માનસ-ધારાઓ, પ્રાચ્ય અને આધુનિક, બે પ્રચંડ વિચાર – પ્રવાહો, કે જેનું ક્ષણભરને માટે મિલનકેન્દ્ર બન્યો વિશ્વધર્મ પરિષદના મંચ ઉપર ઊભેલો એ ભગવાં વસ્ત્રધારી પરિવ્રાજક!
આવી અહંભાવ રહિત વ્યક્તિમાં થયેલા તે બે વિચારધારાના સમાગમ અને સંઘર્ષનું, હિંદુ ધર્મની સામાન્ય ભૂમિકાની રચના એક અનિવાર્ય પરિણામ હતું. કારણ કે, સ્વામી વિવેકાનંદના મુખમાંથી જે શબ્દો નીકળ્યા તે તેમનો વ્યક્તિગત અનુભવ ન હતો; એમણે પોતાના ગુરુદેવની વાતો કરવા માટે પણ એ પ્રસંગનો લાભ ન લીધો પરંતુ એ તો ભારતના લાંબા ભૂતકાળ દ્વારા રચાયેલી તેની સમગ્ર પ્રજાની વાણી હતી, ભારતની આધ્યાત્મિક ચેતનાની એ વાણી તેમના દ્વારા ઉચ્ચારાઈ હતી. પશ્ચિમના યૌવનને મધ્યાહ્ન કાળે એ બોલતા હતા ત્યારે પ્રશાંત મહાસાગરને પેલે પાર, અંધકારમય ગોળાર્ધમાં ઊંધતી પ્રજા પોતાની મહત્તા અને શક્તિનું રહસ્ય પ્રગટ કરનારી તથા પોતાના નવા ઉષ:કાળે વહી આવતી વાણીની પ્રતીક્ષા કરતી હતી.
સ્વામી વિવેકાનંદ સિવાય બીજા વક્તાઓ પણ અમુક-અમુક સંપ્રદાયો કે મતવાદોના પ્રચારકો તરીકે એ મંચ ઉપર હાજર હતા. પરંતુ, સ્વામીજીનો જ એ મહિમા હતો કે તેઓ એક એવા ધર્મનો ઉપદેશ કરવા આવ્યા, જે આ બધામાંના દરેકે-દરેકને તેમના પોતાના શબ્દોમાં મૂકીએ તો “વિવિધ અવસ્થાઓ અને સંજોગોમાંથી અનેક નરનારીઓની એક જ ધ્યેય તરફ પહોંચવાની પ્રગતિ” સૂચવતા હતા. તેમણે જાહેર કર્યા પ્રમાણે માત્ર તેઓ જ એક પરમ તત્ત્વ વિશે કહેવા ઊભા થયા હતા.
તેમણે જાહેર કર્યું કે બધા ધર્મો પૈકી એક અથવા બીજો ધર્મ, અમુક કે તમુક બાબતમાં, અમુક કે તમુક કારણસર સાચો છે એમ નથી, પરંતુ “આ બધા (ધર્મો) એક જ દોરામાં પરોવાયેલાં મોતીઓની પેઠે એક માળામાં જ પરોવાયેલા છે. એટલે જ્યાં-જ્યાં અસાધારણ પવિત્રતા, અને અસામાન્ય શક્તિ પ્રગટ થઈને માનવજાતને ઊંચે લઈ જતી, માનવસમાજને પાવન કરતી નજરે પડે, ત્યાં તું જાણજે કે હું રહેલો છું.”
સ્વામી વિવેકાનંદ કહે છે કે “હિંદુ ધર્મની દૃષ્ટિએ મનુષ્ય અસત્યમાંથી સત્યમાં જતો નથી, પણ એ સત્યમાંથી સત્યમાં જાય છે, નીચી કોટિના સત્યમાંથી ઊંચી કોટિના સત્યે એ પહોંચતો હોય છે.” એમનો બીજો મુખ્ય ઉપદેશ મુક્તિનો છે, એટલે કે“મનુષ્ય દિવ્યનો સાક્ષાત્કાર કરીને દિવ્ય થવાનું છે.” ધર્મની પૂર્ણતા આપણામાં ત્યારે જ થાય છે કે જ્યારે તે, આપણને દોરીને “મૃત્યુમય જગતમાં જે એક જ જીવનસ્વરૂપ છે, સદા પરિવર્તનશીલ જગતનો જે એક જ અચળ આધાર છે, જે એક જ આત્માના બીજા તમામ જીવો માયામય આભાસ માત્ર છે, તેના પ્રત્યે લઈ જાય છે.” આ બે સૌથી આગળ તરી આવે એવાં મહાન સત્યો ગણી શકાય. માનવ ઇતિહાસમાં લાંબામાં લાંબા અને વધુમાં વધુ જટિલ અનુભવ દ્વારા સાબિત કરેલાં આ બંને સત્યોની પશ્ચિમની દુનિયા સમક્ષ સ્વામીજીએ ઘોષણા કરી.
હિંદને પોતાને માટે તો એ ટૂંકું ભાષણ, અગાઉ કહેવાયું તેમ, એક ઘોષણાપત્ર છે. સ્વામીજી હિંદુ ધર્મને સમગ્ર રીતે વેદોના પાયા ઉપર સ્થાપિત કરે છે. પણ તેની સાથોસાથ વેદ શબ્દના આપણા અર્થને આધ્યાત્મિકઓપ આપે છે. એમને મન જે કાંઈ સાચું છે તે વેદ છે. તેઓ કહે છે: “વેદો એટલે કોઈ પુસ્તકો નહીં. વેદો એટલે ભિન્ન-ભિન્ન વ્યક્તિઓએ ભિન્ન-ભિન્ન સમયે શોધેલા આધ્યાત્મિક નિયમોનો સંગ્રહિત ભંડાર છે. પ્રસંગોપાત સનાતન ધર્મ વિશેની પોતાની ભાવનાને સ્વામીજી આમ પ્રગટ કરે છે: “વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધખોળો જેના પડઘા જેવી લાગે છે, તે વેદાન્ત ફિલસૂફીના ઉચ્ચ આધ્યાત્મિક ઉડ્ડયનોથી માંડીને વિવિધ પુરાણકથાઓવાળી મૂર્તિપૂજાના હલકામાં હલકી કક્ષાના વિચારો, બૌદ્ધોનો અજ્ઞેયવાદ અને જૈનોનો નિરીશ્વરવાદ, એ સર્વને હિંદુઓના ધર્મમાં સ્થાન છે. એમને મન તો એવો એકેય સંપ્રદાય, એકેય વિચારપદ્ધતિ કે ભારતીય પ્રજાનો સચ્ચાઈપૂર્વકનો કોઈ ધાર્મિક અનુભવ હોઈ શકે નહિ, – પછી ભલે ને કોઈ વ્યક્તિને તે વિકૃતિ જેવો લાગે – કે જેને હિંદુ ધર્મની બાથમાંથી ખરેખર બહાર રાખી શકાય. એમના મત પ્રમાણે આ વિરાટ ભારતીય ધર્મના સિદ્ધાંત અનુસાર ઇષ્ટ દેવતા વિશે આ ખાસ માન્યતા છે કે દરેક વ્યક્તિને પોતાનો માર્ગ પસંદ કરવાનો, પોતાના ઈશ્વરને પોતાની રીતે શોધવાનો હક્ક છે. હિંદુ ધર્મની આ વ્યાખ્યા પ્રમાણે એવી કોઈ સેના નથી કે જે હિંદુ ધર્મના જેવા વિશાળ સામ્રાજ્યના ધ્વજને વહન કરે. કારણ એ છે કે ઈશ્વરની શોધ એ જેમ તેનું આધ્યાત્મિક ધ્યેય છે, તેવી જ રીતે તમામ જીવોની સ્વરૂપ પ્રાપ્તિ માટેની પૂર્ણ સ્વતંત્રતા એ પણ એનો આધ્યાત્મિક સિદ્ધાંત છે.
છતાં આ સઘળાનો સમાવેશ, દરેકને અપાતું સ્વાતંત્ર્ય, હિંદુ ધર્મની કીર્તિ રૂપ છે એમ ન કહેવાત, જો તેનો આ મધુરમાં મધુર કોલ ન હોત કે :
“श्रृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये घामानि दिव्यानि तस्थुः। वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात्। तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय।”
“અરે સૌ અમૃતના પુત્રો તથા જેઓ દિવ્ય લોકમાં વસતા હો તેઓ પણ સાંભળો! સર્વ અંધકારથી પર અને સૂર્ય સમાન પ્રકાશમાન એ પુરાતન પુરુષને મેં ઓળખ્યો છે. એને ઓળખવાથી જ મૃત્યુથી પર થઈ શકાય છે.” આ એ કોલ છે જેને વાસ્તે બીજું સર્વ કાંઈ ટકે છે અને ટકી રહેલું છે; આ એ અનુભવ – ચૂડામણિ છે કે જેમાં અન્ય સર્વ અનુભવોનો સમાવેશ કરી શકાય છે. જયારે “આપણી સામેનું કાર્ય” (The Work before us) નામના વ્યાખ્યાનમાં સ્વામીજી એક એવા મંદિરની રચનામાં સહાય કરવા સહુ કોઈને આગ્રહપૂર્વક આમંત્રી રહ્યા છે કે જેમાં દેશમાંનો સૌ કોઈ ઉપાસના કરી શકે, જેની અંદર દેવતા માત્ર ઓમકાર જ હોય ત્યારે તેમના એ શબ્દોમાં આપણામાંના કેટલાક એક વધુ વિશાળ મંદિરની – જે રૂપે હયાત છે તે રૂપે માતૃભૂમિ ખુદ ભારતીમૈયાની ઝાંખી કરી રહ્યા છે; એમાં તેઓ એવું એક પવિત્ર સ્થળ જોઈ રહ્યા છે કે જ્યાં એવું પ્રતીક પ્રતિષ્ઠિત છે કે જે પ્રતીક નથી, એવું નામ છે કે જે સર્વ શબ્દોથી પર છે; અને જેના તરફ કેવળ ભારતીય નહિ, પણ સમગ્ર માનવજાતિના ધર્મ માર્ગો વળે છે. બધી જાતના ઉપાસનાના માર્ગો અને બધા ધર્મોની ફિલસૂફીઓ આથી વિમુખ નહિ પણ આની તરફ જ દોરી જાય છે. દુનિયાના ચુસ્તમાં ચુસ્ત ધર્મોની સાથે ભારત સમસ્વરે જાહેર કરે છે કે પ્રગતિ વ્યક્તમાંથી અવ્યક્ત તરફ છે, અનેકમાંથી એક તરફ છે. નિમ્નમાંથી ઉચ્ચ તરફ છે, સાકારમાંથી નિરાકાર તરફ છે; પ્રગતિ કદી પણ એથી વિરુદ્ધ દિશામાં હોતી નથી. તફાવત એટલો જ છે કે આ મહાન આરોહણમાં પગથિયાં રૂપ હોવાને લીધે ગમે ત્યાં અને ગમે તે પણ સચ્ચાઈપૂર્વકની દરેક માન્યતાને માટે તેના દિલમાં સહાનુભૂતિ છે, સદ્ભાવ છે.
હિંદુ ધર્મના આ શુભ સંદેશમાં, સ્વામી વિવેકાનંદનું જો પોતાનું કાંઈ પણ હોત તો એ પોતે હતા તે કરતાં નીચા દરજજાના થઈ ગયા હોત. તેમનો ઉપદેશ ગીતાના કૃષ્ણની પેઠે, બુદ્ધની પેઠે, શંકરાચાર્યની પેઠે, ભારતીય વિચારદૃષ્ટિને પરિચિત દરેક મહાન આચાર્યની પેઠે, વેદો અને ઉપનિષદોનાં અવતરણોથી ભરપૂર છે. એ તો ખડા છે રહસ્યોના માત્ર એક પ્રકાશક તરીકે, ભારતની પોતાની અંદર ભરેલા જ્ઞાનભંડારના એક વ્યાખ્યાતા તરીકે. જે સત્યોનો તેઓ પ્રચાર કરે છે તે સત્યો જો તેઓ જન્મ્યા ન હોત તો પણ એવાં જ સાચાં રહ્યાં હોત; ના, એથીયે વધુ, તે એટલાં જ પ્રમાણભૂત હોત. જો કોઈ તફાવત પડયો હોત તો તે માત્ર તેમને મેળવવાની મુશ્કેલીનો, આધુનિક સ્પષ્ટતા અને તીક્ષ્ણ રજૂઆતની ખામીનો,તેમની પરસ્પરની એકવાક્યતા અને એકતાના અભાવનો.
જો સ્વામીજી આવ્યા ન હોત તો જે શાસ્ત્રગ્રંથો આજે હજારો લોકોને જીવનનું ભાથું પૂરું પાડે તેવા છે તે પંડિતોના ન સમજાય તેવા વાગવિતંડાવાદનું સાધન બની રહ્યા હોત. તેઓ અધિકારપૂર્વક ઉપદેશ આપતા, કેવળ પંડિત તરીકે નહિ. કારણ કે તેઓ જે સત્યનો ઉપદેશ આપતા હતા તેના ઊંડાણમાં એમણે ડૂબકી મારી હતી અને અંત્યજ, બહિષ્કૃત અને પરદેશીઓને તેનાં રહસ્યો સમજાવવા માટે તેઓ રામાનુજની જેમ, તેમાંથી પાછા બહાર આવ્યા હતા.
તેમ છતાં એમના ઉપદેશમાં કંઈ નવું નથી એવું વિધાન સાવ સાચું નથી. એ કદી પણ વિસરાવું ન જોઈએ કે, જેમાં સર્વ કાંઈ એકમેવાદ્વિતીયમ્ છે એ અનુભવરૂપ અદ્વૈત તત્ત્વજ્ઞાનની સર્વોપરિતા જાહેર કરવાની સાથે સાથે દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત એક જ વિકાસક્રમનીત્રણ ભૂમિકાઓ છે તથા અદ્વૈત તેનું અંતિમ ધ્યેય છે, એ સિદ્ધાંતનો હિંદુ ધર્મમાં ઉમેરો કરનાર સ્વામી વિવેકાનંદ છે અને આ એક એથીયે વધુ મહાન અને વધુ સાદા સિદ્ધાંતનું અંગ છે. તે સિદ્ધાંત એ છે કે, અનેક અને એક, એ ભિન્ન-ભિન્ન સમયે અને ભિન્ન-ભિન્ન અવસ્થામાં મન દ્વારા અનુભવાતું એક જ તત્ત્વ છે; અથવા શ્રીરામકૃષ્ણે કહ્યું તેમ“ઈશ્વર સાકાર અને નિરાકાર બેઉ છે, તેમ જ જેમાં સાકાર અને નિરાકાર બંને સમાયેલાં છે તે પણ છે.”
આપણા સ્વામીજીના જીવનને સર્વોચ્ચ મહત્ત્વ આપનાર બિના આ છે; કારણ કે અહીં તેઓ માત્ર પૂર્વ અને પશ્ચિમનું જ નહિ, પરંતુ અતીત અને ભાવિનું પણ મિલનકેન્દ્ર બને છે. જો અનેક અને એક ખરેખર એક જ તત્ત્વ હોય તો પછી માત્ર ઉપાસનાની બધી પદ્ધતિઓ જ નહિ, પણ કાર્ય કરવાની બધી પદ્ધતિઓ, પ્રયત્નના બધા પ્રકારો તથા સર્જનની સર્વ રીતો પણ એકસરખી રીતે ઈશ્વર – સાક્ષાત્કારના માર્ગો છે. એટલે કે વ્યાવહારિક અને આધ્યાત્મિક વચ્ચે ભેદ રહ્યો નહિ. પરિશ્રમ એટલે જ પ્રભુ – પ્રાર્થના, વિજય એટલે જ ત્યાગ, જીવન પોતે જ ધર્મ, અને સંપત્તિ એ ત્યાગ અને અપરિગ્રહ જેટલી જ કઠિન જવાબદારી બની રહેશે.
આ અનુભવ સ્વામીજીને જ્ઞાન અને ભક્તિથી ભિન્ન નહિ પણ એ બંનેને પ્રગટ કરનાર એવા કર્મયોગના મહાન ઉપદેશક બનાવે છે. એમને મન જીવ અને શિવના મિલન માટે કારખાનું કે કૉલેજ, વાડી કે ખેતર, બધાં જ સાધુની ગુફા કે દેવમંદિરના દ્વાર જેટલાં જ સાચાં અને યોગ્ય સ્થળ છે. એમને મન પ્રાણીસેવામાં અને ઈશ્વરની ઉપાસનામાં, મર્દાઈમાં અને શ્રદ્ધામાં, સાચી નીતિમત્તામાં અને આધ્યાત્મિકતામાં કશો જ ભેદ નથી. એમનાં બધાં જ વચનો, એક દૃષ્ટિએ જોતાં, આ મુખ્ય સિદ્ધાંતના ભાષ્ય જેવાં લાગે છે. એક વાર એમણે કહેલું કે, “કળા, વિજ્ઞાન અને ધર્મ એક જ સત્યને વ્યક્ત કરવાના ત્રણ જુદાજુદા ઉપાયો માત્ર છે પણ આ સમજવા સારુ આપણી પાસે અદ્વૈત સિદ્ધાંત હોવો જોઈએ.”
એમની દૃષ્ટિને ઘડનારાં બળો કદાચ ત્રિવિધ ગણાય. પ્રથમ હતો એમનો સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ. એમની સામે ખુલ્લો થયેલો એ બે દુનિયા વચ્ચેનો તફાવત પોતાની સાથે, ભારતના પવિત્ર ગ્રંથોનો વિષય બનેલા પેલા વિશિષ્ટ અનુભવની પાકી છાપ લેતો આવ્યો. એ તો દેખીતું જ હતું કે આ અનુભવ, જો સાચો જ હોય તો, બીજા કેટલાકની પેઠે, ભારતના ઋષિઓને આકસ્મિક રીતે સાંપડી ગયો ન હતો. એ તો ઊલટો, એક વિજ્ઞાનનો વિષય બન્યો હતો, સત્યની શોધે માગેલા કોઈ પણ ભોગથી પાછી પાની ન કરનાર તર્કશુદ્ધ પૃથક્કરણનો વિષય હતો.
દક્ષિણેશ્વરના કાલી મંદિરના બગીચામાં વસીને ઉપદેશ આપી રહેલા એમના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સ્વામી વિવેકાનંદને – એ વખતે નરેન્દ્રને – પોતાનાં હૃદય અને બુદ્ધિએ માગેલ પ્રાચીન શાસ્ત્રગ્રંથોનું પ્રમાણ સાંપડયું. જેનું પુસ્તકો તો માત્ર ભાંગ્યું તૂટયું વર્ણન આપે એવું પ્રત્યક્ષ સત્ય અહીં હતું. આ એક એવો પુરુષ હતો કે જેને સમાધિ એક જ્ઞાન મેળવવાનો હર સમયનો પ્રકાર હતો. કલાકે કલાકે મનની ગતિ અનેકમાંથી એકત્વ તરફ જતી નજરે ચડતી; ક્ષણે ક્ષણે સમાધિમાંથી સાંપડેલ જ્ઞાનના શબ્દો સાંભળવા મળતા. એમની આસપાસના સૌ કોઈને દિવ્ય દર્શનો થતાં. શિષ્ય (નરેન્દ્રનાથ)માં નિર્વિકલ્પ સમાધિની ઇચ્છા પ્રબળ બની ઊઠી; જાણે કે એનું એને ભૂત વળગ્યું. છતાં જે મહાપુરુષ શાસ્ત્રોની જીવંત મૂર્તિ રૂપ હતાં તે પોતેતો એ કશું જાણતા નહોતા, કેમ કે તેમણે તો તેમાંનો એકેય ગ્રંથ વાંચ્યો નહોતો. પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસમાં સ્વામી વિવેકાનંદને જીવનની ચાવી સાંપડી.
પરંતુ, હજી પણ એમના પોતાના કાર્યની તૈયારી પૂરેપૂરી થઈ નહોતી. એમને હજી સંતો, વિદ્વાનો અને સામાન્ય જનતામાં એકસરખી રીતે ભળીને સૌ પાસેથી શીખવાનું, સૌને શીખવવાનું, સૌની સાથે વસવાનું બાકી હતું; ભારતવર્ષ જેવો હતો અને છે તેવો નજરોનજર નિહાળવાનુંઅને એ રીતે જે વિરાટનું ટૂકું અને ઘનીભૂત સંક્ષિપ્ત સ્વરૂપ પોતાના ગુરુના જીવન અને વ્યક્તિત્વમાં પ્રગટ થયું હતું તે વિશાળ ભારતને તેના સર્વગ્રાહી સ્વરૂપે સમજવા સારુ હિમાલયથી માંડીને કન્યાકુમારી સુધી હિંદના ચારે ખૂણે પ્રવાસ ખેડવાનું બાકી હતું.
ત્યારે, આ શાસ્ત્રો, ગુરુ અને માતૃભૂમિ, એ છે ત્રણ સૂરો કે જેના સંમિલનથી સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું સંગીત તૈયાર થાય છે. આ છે એ ખજાનો કે જે આપવાનું કામ સ્વામીજીનું છે. પોતાની આધ્યાત્મિક ઉદારતા દ્વારા સ્વામીજી જગતને માટે જે સર્વદુ:ખ નિવારક રસાયણ તૈયાર કરે છે તેની સામગ્રી આ ત્રણમાંથી મળી આવેછે.
ઈ.સ. ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૯મીથી ઈ.સ. ૧૯૦૨ના જુલાઈની ૪થી તારીખ વચ્ચેનાં થોડાંક વર્ષોના કાર્ય દરમિયાન ભારતે પોતાનાં સંતાનોના તથા જગતના માર્ગદર્શન સારુ સ્વામીજીના હાથે જે એક દીવો પ્રગટાવ્યો તેમાં પ્રકાશી રહેલી આ ત્રણ જયોતિઓ છે. અમારામાં કેટલાક એવા છીએ કે જેઓએ જયોતિ પ્રગટાવવા સારુ અને પોતાની પાછળ મૂકી ગયેલા આ કીર્તિલેખ સારુ સ્વામીજીને જન્મ આપનાર ભૂમિને તેમ જ એમને પરદેશ પાઠવનાર સજજનોને ધન્યવાદ આપી રહ્યા છીએ, અને માનીએ છીએ કે સ્વામીજીએ આપેલા સંદેશનું મહત્ત્વ અને વિશાળતા હજી સુધી આપણા સમજવામાં આવ્યાં નથી.
* પછીથી આ આવૃત્તિ અંગ્રેજીમાં આઠ અને ગુજરાતીમાં ૧૨ ખંડોમાં પ્રકાશિત થઈ છે.
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદને ચરણે
નિવેદિતા
Your Content Goes Here




