વિચારવંત વાચકોને ઘણો રસ પડે એવું એક પુસ્તક હમણાં જોવામાં આવ્યું. આમ તો 2011માં બહાર પડેલી તેની ચોથી આવૃત્તિ છે. પણ એક રીતે તે નવું જ પુસ્તક ગણી શકાય. તેની આગલી આવૃત્તિમાં ફક્ત 60 પત્રો હતા. તેમાં 205 બીજા પત્રોનો ઉમેરો આ ચોથી આવૃત્તિમાં થયો છે. સન 1888 થી 1902 સુધીમાં સ્વામી વિવેકાનંદે અમેરિકા, ઇંગ્લેન્ડ અને ભારતમાંથી લખેલા આ પત્રો લગભગ 450 પાનાના પુસ્તકમાં પ્રકાશિત થયા છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું આ પ્રકાશન છે. તેની કિંમત માત્ર રૂા. 110/- છે. પહેલાં તો જોઈએ તેના પ્રકાશકના નિવેદનનો થોડો ભાગ :
‘સ્વામી વિવેકાનંદના જીવનનો ઇતિહાસ ભારતના પુનરુત્થાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પરંતુ ભારતના રાષ્ટ્રીય જીવનમાં જાગૃતિ લાવવા માટે આ વીર આત્માને કેટલાં બધાં દુ:ખકષ્ટ સહન કરવાં પડ્યાં હતાં !… આ વિરાટ દેશ ગોકળગાયની ગતિએ પ્રગતિ કરી રહ્યો હતો, તે નિહાળીને સ્વામી વિવેકાનંદ અધીર થઈ જતા… લોકો તેમના પર પ્રશંસાનાં પુષ્પો વેરતા હતા. આમ છતાંય એમના વીરપૂજાના ઉત્સાહપ્રદર્શન સાથે એમનાં વાસ્તવિક કાર્યો મેળ ખાતાં ન હતાં. એટલે સ્વામીજીએ ઠપકાના જોરદાર સપાટા લગાવ્યા હતા. સ્વામીજીના પત્રો દ્વારા માનવીને રાષ્ટ્રીય ચારિત્ર્યનિર્માણ કાજે મહત્ત્વનાં સૂચનો સાંપડે છે. સંપથી એકમેકના સહયોગથી કામ કરવાની શક્તિ ભારતમાં શા માટે નથી? રાષ્ટ્રીય ચારિત્ર્યની ખામીઓ દૂર કરવાનો ઉપાય નહીં શોધીએ તો ભારતનું ભાવિ કેવું અંધકારમય બની જશે ? આ પાયાના પ્રશ્નોના ઉત્તર આ પત્રોમાંથી પ્રાપ્ત થાય છે. કેટલીકવાર તો એ ઉત્તરો ખૂબ તીખી ભાષામાં આપવામાં આવ્યા છે. પણ તે એવા મહાન મનીષીએ આપ્યા છે કે જેમનું હૃદય ભારત પ્રત્યેના અગાધ પ્રેમથી ભરેલું હતું.’
…સ્વામી વિવેકાનંદ તરવરાટભર્યા એક તેજસ્વી આત્મા હતા. જેમને સંબોધીને આ પત્ર લખાયા છે, તેમના પ્રત્યેકના જીવનમાં સ્વામીજી દ્વારા કેવું જાદુઈ પરિવર્તન થયું હશે, તેની કલ્પના જ કરવી રહી. આ પત્રો ઘણાં વર્ષો પહેલાં લખવામાં આવ્યા હોવા છતાં, અત્યારે પણ તેમાં ભારોભાર વિચારમંત્ર ભરેલા છે.
હવે પછી એ પત્રોમાંના કેટલાક વિચારો હું રજૂ કરું છું :
અહીંના જેવી સંસ્કારી અને સુશિક્ષિત સ્ત્રીઓ મેં બીજે ક્યાંય જોઈ નથી. ‘પુણ્યશાળી માણસોના ઘરમાં સ્વયં જગદંબા લક્ષ્મી બનીને વસે છે.’ અહીં મેં એવી હજારો સ્ત્રીઓ જોઈ છે કે જેમનાં હૃદય સ્ફટિક જેવાં શુદ્ધ અને નિષ્કલંક છે. અહો ! અહીં તેઓ કેટલી સ્વતંત્ર છે ! જ્યારે આપણા દેશમાં તો સ્ત્રીઓને રસ્તાઓ ઉપર સલામતીથી ફરવા પણ ન દેવાય ! આપણી સ્ત્રીઓની સ્થિતિ આપણે સુધારી શકીશું ? એમ કરીશું તો જ આપણા કલ્યાણની આપણે આશા રાખી શકીશું, નહિતર અત્યારે છીએ તેવા જ પછાત રહેવાના.
આ દેશમાં વ્યક્તિમાત્રના ઉદય માટે તકો સાંપડી રહે છે. આજે ભલે એ ગરીબ હોય, પણ આવતી કાલે એ ધનવાન અને સન્માનનીય વ્યક્તિ બની જાય છે. અહીં દરેક જણ ગરીબોને સહાય આપવા આતુર હોય છે. ભારતમાં ગરીબોનાં દુ:ખો માટે કેટલા લોકો હૃદયપૂર્વક રડે છે ? પેલા હજારો પુરોહિતો- ભારતની કચડાયેલી જનતા માટે તેઓ શું કરી રહ્યા છે ? તેમના હોઠ ઉપર તો માત્ર ‘અડશો નહીં’, ‘અડશો નહીં’ એ જ સૂત્ર રમી રહ્યું છે. એમના હાથે આપણો સનાતન ધર્મ કેવો હીન થઈ ગયો છે !
આધ્યાત્મિક્તાની બાબતમાં અમેરિકનો આપણા કરતાં ઘણે દરજજે ઊતરતા છે, પરંતુ એમનો સમાજ આપણા સમાજ કરતાં ઘણે દરજજે ચડિયાતો છે. આપણે તેમને આધ્યાત્મિક્તા શીખવીશું અને એમના સમાજમાં જે કંઈ ઉત્તમ છે તે આપણે પચાવીશું.
મારા જીવનની સમગ્ર અભિલાષા એ છે કે એક એવી યોજના અમલમાં મૂકી દેવી કે જેથી પ્રત્યેક વ્યક્તિને ઊંચામાં ઊંચા વિચારો સુલભ બને. ત્યારબાદ ભલે સ્ત્રીઓ અને પુરુષો પોતપોતાનું ભાગ્ય નક્કી કરે. જીવનના અત્યંત મહત્ત્વના પ્રશ્નો વિષે આપણા પૂર્વજોએ તેમજ બીજા દેશોના વિચારકોએ શું વિચાર્યું છે એ હકીકતની તેમને જાણ થવી જોઈએ.
યાદ રાખજો કે સાચું રાષ્ટ્ર તો ઝૂંપડાંમાં વસે છે. પરંતુ અફસોસ ! કોઈએ પણ આ ઝૂંપડાંવાસીઓ માટે કદાપિ કશું કર્યું નથી. આપણા હાલના સુધારકો તો વિધવાનાં પુનર્લગ્નનાં કાર્ય પાછળ જ મંડી પડ્યા છે. અલબત્ત, પ્રત્યેક સુધારા પ્રત્યે મારી સહાનુભૂતિ છે. પણ રાષ્ટ્રનું ભાવિ તેમની કેટલી વિધવાઓને પતિ મળ્યા તેની સંખ્યા ઉપર નિર્ભર નથી, પરંતુ આમવર્ગની ‘સ્થિતિ’ ઉપર એ નિર્ભર છે. એમનો તમે ઉદ્ધાર કરી શકશો ? એમનામાં રહેલી આધ્યાત્મિક્તાનો લોપ થવા દીધા વગર એમનું ખોવાયેલું વ્યક્તિત્વ તમે એમને પાછું અપાવી શકશો? સમાનતા, સ્વતંત્રતા, શ્રમ અને ઉદ્યમની ભાવનામાં ચુસ્તમાં ચુસ્ત પશ્ચિમવાસી બનવાની અને સાથોસાથ ધાર્મિક સંસ્કારો અને વૃત્તિઓની બાબતમાં પૂરેપૂરા હિંદુ બની રહેવાની તમારામાં શક્તિ છે ? આપણે કરવાનું આ છે અને ‘એ આપણે કરવાના જ.’ એ કરવા માટે જ તમારો બધાનો ‘જન્મ થયો છે.’ આત્મશ્રદ્ધા રાખો. દૃઢ શ્રદ્ધામાંથી જ મહાન કાર્યો જન્મે છે. હંમેશાં આગળ ધસો. જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો અને પદદલિતો પ્રત્યે અનુકંપા, એ છે આપણો મુદ્રાલેખ.
આગળ ધસો, વીર યુવાનો !
Your Content Goes Here




