‘સ્વામી વિવેકાનંદ તો સિદ્ધાંતોનું મૂર્તિમંત રૂપ હતા. તેઓ કંઈ સામાન્ય માણસ જેવા હાડમાંસના માળખા જેવા ન હતા, પરંતુ તેઓ તો હતા મૂર્તિમંત આદર્શ કે વિચારો. પશ્ચિમમાં એમના સ્વદેશ પ્રેમને લોકો સામાન્ય રીતે સમજી શક્યા ન હતા. તેઓ આ દેશ સાથે એક અને અભિન્ન હતા.’
બહુજન માનવપૂર્ણ લોકાલય ત્યાગ કરીને દીર્ઘકાલ પર્યંત હિમાલય અને તિબેટ ભ્રમણ પછી લગભગ ચાર-પાંચ વર્ષ હું ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને રાજપૂતાનાના ગ્રામે ગ્રામે ભ્રમણ અને અવસ્થિતિ કરીને ભારતીય જન સાધારણની પ્રકૃત અવસ્થા યદ્કિંચિત્ પ્રમાણમાં હૃદયંગમ કરવા માટે સમર્થ થયો હતો. નિર્જન પર્વતીય પ્રદેશમાં દીર્ઘકાલ પરિભ્રમણ કર્યા પછી પણ મારા ભાગ્યે એ સુયોગ પ્રાપ્ત થયો ન હતો.
હિમાલય ભ્રમણ કરીને તેના પ્રાકૃતિક અતુલ ઐશ્વર્ય અને શોભાદર્શનથી મેં જે અપાર આનંદનો અનુભવ કર્યો હતો, અનેકવિધ અસુવિધા અને બાધા-વિઘ્નમાં રહીને પણ મારું હૃદય જે રૂપે સુખ અને શાંતિથી પૂર્ણ રહેતું હતું, એટલું જ મહાદુ :ખ મેં ભારતનાં સમૃદ્ધિશાળી સ્વદેશી રાજ્યોમાં ભ્રમણ કરીને આ પામર જનસાધારણનું વિષમ દુ :ખ પ્રત્યક્ષ કરી અનુભવ્યું, અને મારું હૃદય ઘોર અશાંતિથી ભરાઈ ગયું !
અપાર દુ :ખસાગરમાં નિમગ્ન વિપુલ જનસમાજની વચમાં કેટલાક લોકોને ભોગવિલાસ અને ઐશ્વર્યમદથી મત્ત થઈ પરમસુખે દિવસો ગાળતા જોઈને મારી હરિભક્તિ રાખ બની ઊડી ગઈ ! મુઠ્ઠીભર ધનગર્વથી ગર્વિત વ્યક્તિઓના ઇન્દ્રિયભોગ માટે કરોડો કરોડો મનુષ્યના અતિકષ્ટ અર્જિત ધનના અપવ્યયથી સ્વદેશ અને સ્વજાતિનું પરિણામ જે દિવસે દિવસે બિભત્સ વિકટરૂપ ધારણ કરે છે, એનો અનુભવ કરી હું
મહાઆતંકગ્રસ્ત થયો. મારા હૃદયમાંથી સુખ અને શાંતિની બધી જ આશાઓ જાણે કે જન્મજન્માંતરને માટે અંતર્હિત થઈ ગઈ.
જે હતભાગા દેશમાં કરોડો કરોડો મનુષ્યો નિરંતર પરિશ્રમ કરવા છતાં કેટલાક ઐશ્વર્યાભિમાની વ્યક્તિઓના અન્યાય, અત્યાચારને કારણે સામાન્ય કોળિયાના અભાવથી મૃત :પ્રાય થયા છે, એ દેશમાં જન્મીને સુખની આશા પાગલપન માત્ર ! જનસાધારણની દુરાવસ્થા જોઈ મને સાચે જ થયું કે જાણે દેશની જેટલી સુખ અને સંપત્તિ છે એ કેવળ કેટલાક બળવાન ઐશ્વર્યશાળી વ્યક્તિઓની માલિકીની થઈને રહી છે. કરોડો કરોડો મનુષ્યોની અતિ કઠોર શ્રમજાત ધનરાશિ જાણે બળવાન લોકોના પ્રાણવિહીન ઠંડા કરસ્પર્શથી કઠોર આરસ પથ્થરની જેમ બરફ બની જામી ગઈ છે, કોઈ પણ હિસાબે એ ધનરાશિ ગરીબો માટે તરલ થઈ વહેવા માગતી નથી.
બળવાન લોકોના વજ્રમુષ્ટિ પ્રહારથી જનસાધારણની સામાન્ય સુખ-સ્વચ્છંદતા પણ જાણે ચૂર્ણવિચૂર્ણ થઈ જાય છે. તેઓના પાશવિક અત્યાચાર અને ભોગલાલસાની સીમા ન જોઈ શકવાને કારણે મને ચારે દિશામાં ઘોર પૈશાચિક નાટ્ય અભિનય જોવા મળ્યો.
સ્વદેશના સાચા દુ :ખનું વર્ણન કરતાં કરતાં પાનાં ખૂટી પડે. ફળશ્રુતિમાં મારું એ જ કહેવું છે કે અસીમ અત્યાચાર, વિવિધ દુ :ખયંત્રણાથી પીડિત, પોતાના શ્રમથી અર્જિત ધનથી ચિરવંચિત, ઘોર અજ્ઞાન અંધકારાચ્છન્ન પીડિત જનસાધારણની સેવા જ ત્યારે મારો પરમ ધર્મ અને એક માત્ર કર્તવ્યબોધ જણાયો. આ વિશાળ જનસમાજનો અપાર દુ :ખભાર દૂર કરવો મારા માટે સાધ્યાતીત છે. પરંતુ મારી અલ્પશક્તિ તેઓનો અણુમાત્ર દુ :ખભાર હલકો કરી શકે એમ હોય તો તે માટે થઈને પ્રાણપણે પ્રયત્ન કરવો, એ જ મારા જીવનનું મુખ્ય લક્ષ્ય બની ગયું.
સ્વજાતિના આ દુર્દિવસ અને દુ :ખનો અંત ન થાય તો મારા આ ક્ષણભંગુર જીવનમાં ક્યારેય શાંતિ નહીં મળે, એ હું ત્યારે વિલક્ષણરૂપે સમજી શક્યો હતો. અતિ સહજતાથી શક્તિલાભ કરી એક વખતમાં જ નિશ્ચિંત થઈ જઈશ, એમ જે મનમાં વિચાર્યું હતું તે મારા માટે સ્વપ્નની જેમ ભ્રમપૂર્ણ સાબિત થયું. દયાધર્મની શાશ્વત નિવાસભૂમિ ભારતની આ દુ :ખનીય પરિસ્થિતિ જોઈ મારું જીવન ત્યારે ઘોર દુ :ખ અને અશાંતિમય થઈ ઊઠ્યું! મારી અનંત આધ્યાત્મિક સુખની આશા માત્ર અપાર દુ :ખરાશિમાં પરિણત થઈ.
લગભગ ૧૮૯૪ની આ વાત છે. એ સમયે સ્વામી વિવેકાનંદ અમેરિકામાં વેદાંતના વિજયનાદે બધી દિશાઓ પ્રતિધ્વનિત કરી અમેરિકન નાગરિકોને ભારતના અતુલ આધ્યાત્મિક ખજાનાથી મુગ્ધ કરતા હતા. સભ્ય જગતના બધા રહેવાસીઓ સ્વામીજી વિવૃત્ત ભારતીય તત્ત્વચિંતન સાંભળી અતિ વિસ્મિત થઈ રહ્યા હતા અને ધર્મભૂમિ ભારતના અતુલ માહાત્મ્યથી આકૃષ્ટ થઈ સ્વામીજીને શ્રદ્ધાભરી નજરે જોતા હતા. સ્વધર્મના માહાત્મ્ય વર્ણન દ્વારા ભારતને સર્વ દેશોમાં પૂજ્ય પ્રમાણિત કરી, ભારતની વર્તમાન હીન અવસ્થા પ્રતિ એ બધા દેશોના સહાનુભૂતિ-આકર્ષણ દ્વારા ભારતનું વર્તમાન દુ :ખ થોડું ઓછું કરવા માટે તેઓ અમેરિકામાં પ્રાણપણે પ્રયત્ન કરી રહ્યા હતા. સ્વદેશની ઘોર દીનદશા જોઈ સ્વામીજી પ્રત્યેક ક્ષણે હૃદયવિદીર્ણ પીડા અનુભવ કરી રહ્યા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે જ સ્વામીજી ચિર-અભીષ્ટ ગંગા કિનારાનો ત્યાગ કરી સમૃદ્ધિશાળી પાશ્ચાત્ય દેશમાં યાત્રા કરવા માટે બાધ્ય થયા હતા.
સ્વદેશ અને સ્વજાતિની ઐતિહાસિક ગૌરવકથાનું વિવરણ કરીને તેઓ જેમ પાશ્ચાત્ય નાગરિકોને વિસ્મિત કરતા હતા, તે જ પ્રમાણે પાશ્ચાત્ય અનુયાયીઓની શ્રદ્ધા પ્રાપ્ત કરી સ્વામીજી પોતે પણ વિસ્મિત થતા હતા. વળી એની બીજી બાજુએ પશ્ચિમી દેશોની વર્તમાન આધ્યાત્મિક દુર્દશા જોઈને તેઓ કેટલા વ્યાકુળ થતા હશે તેમજ એકાંતમાં બેસીને એમણે કેટલાં અશ્રુવિસર્જન કર્યાં હશે એ કોને ખબર!
વિજયના ઉચ્ચ-આસને બેસીને પણ તેઓ એ દુ :ખકહાણી યાદ કરી ક્ષણભર માટે પણ શાંતિલાભ કરી શક્યા નહીં. સ્વામીજીના અલૌકિક પ્રતિભાબળથી જ અંગ્રેજ-પદદલિત ભારત આજે સ્વાધીન પાશ્ચાત્ય દેશોમાં સન્માનિત થયું છે. ભૌતિક સુખના ચરમ શિખરે વિરાજિત પ્રબળ આક્રમણકારી પાશ્ચાત્ય પ્રજાની જ્ઞાનતૃષ્ણા સંતોષી તેઓએ જેમ તેમનું પરમ કલ્યાણ કર્યું હતું, એ જ પ્રમાણે ભારતની દુરાવસ્થા પ્રતિ પાશ્ચાત્ય દેશોની દૃષ્ટિ આકર્ષિત કરી સ્વામીજી સ્વદેશની પણ મહા ઉપકારિતા કરી ગયા છે.
સ્વદેશની હિત-કામનામાં સ્વામીજી જે મહાન કાર્યનો આરંભ કરી ગયા છે, એ કારણે પૂર્વ અને પશ્ચિમ દેશનિવાસીઓના રાષ્ટ્રિય જીવનમાં જે અકલ્પિત પરિવર્તન થયું છે, એ આજે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ભારતનું જે દુ :ખ નજરે જોઈ સ્વામીજી સુદૂર પશ્ચિમ દેશમાં જઈ ભારત માટે કલ્યાણરત થયા હતા, એ જ દુ :ખની જીવંત વિરાટ મૂર્તિ મને પણ યથાશક્તિ ચિંતન દ્વારા ચારે દિશામાં દેખાઈ. એ દિવસથી જ મારા કર્તવ્યબોધ અને જીવનલક્ષ્યે સંપૂર્ણ નવીન રૂપ ધારણ કર્યું. મારા હૃદયમાં જે આ ભાવાન્તર જાગૃત થયો એ મેં સ્વામીજીને વિસ્તૃત અને સ્પષ્ટવાણીમાં પત્ર દ્વારા જણાવ્યો.
આ પરિસ્થિતિમાં તેઓની પરવાનગી વિના હું એક કદમ પણ આગળ વધી શકીશ નહીં એ નિશ્ચિતરૂપે જાણીને તેમને અતિ સરળભાવે મેં મારો મનોભાવ લખી મોકલ્યો. મારા ક્ષુદ્ર જીવન દ્વારા વિપત્તિમાં સપડાયેલ જનસમાજની થોડી ઘણી સેવા થઈ શકે કે નહીં, તેમજ સંન્યાસી થયા બાદ મારા માટે આ પ્રકારનું કાર્ય ઉચિત છે કે નહીં એ જાણવા માટે અતિ ઉત્કંઠિત ચિત્તે હું સ્વામીજીના પ્રત્યુત્તરની અપેક્ષા કરવા લાગ્યો.
ક્યારેક ક્યારેક મનમાં એવો પણ વિચાર આવતો કે કદાચ તેઓ મને સેવાકાર્ય કરવાનો નિષેધ કરી માત્ર આધ્યાત્મિક ચિંતનમાં જ રત રહેવાનો ઉપદેશ આપશે. પરંતુ શું આશ્ચર્ય કે સ્વામીજીએ મારો મનોભાવ જાણીને પોતાનાં અમૃત-રસમય આશ્વાસન અને અભયવાણી દ્વારા મને અનુપ્રાણીત કર્યો. જે અમોઘ વાક્યો દ્વારા તેઓએ મને જનસમાજની સેવામાં જીવનયાપન કરવાનો આદેશ કર્યો હતો, તેથી મારા મનમાં થયું કે જાણે મારા પ્રત્યેક મનોભાવે પૃથ્વીના બીજા છેડાથી સ્વામીજીના વજ્રગંભીર ઘોષે પ્રતિધ્વનિત થઈ મારા હૃદયમાં મહા શક્તિસંચાર કરી દીધો છે. મારું દુર્બળ સુષુપ્ત હૃદય ઘણાં સમય બાદ મહાબળ ધારણ કરી જાગ્રત થયું.
અહીં હું સ્વામીજીના પત્રની કેટલીક એવી વાતો ઉદ્ધૃત કરું છું કે જેની મહાશક્તિથી મારું જીવન-ઝરણું સંપૂર્ણપણે અન્ય દિશામાં વહેતું થયું. તેઓની અભયવાણી જો મેં ન સાંભળી હોત તો મારો સંકલ્પ ત્યાં જ સમાપ્ત થઈ ગયો હોત અને ક્યારેય તે કાર્યમાં પરિણત ન થયો હોત. સ્વદેશના દુ :ખથી પૂજ્યપાદ સ્વામીજીનું હૃદય કેવું દ્રવિત થતું તેમજ આ દુ :ખમોચન માટે તેઓ કેટલા વ્યાકુળ થતા એનો પરિચય તેમના મહત્ જીવનના પ્રત્યેક કાર્યમાં આપણે જોઈએ છીએ.
ખૂબ ખેદની વાત છે કે સ્વામીજીના બધા જ પત્રો હું સાચવીને રાખી શક્યો નથી. તેઓની અમૂલ્ય ઉપદેશ-શક્તિથી ભરપૂર પત્રો હું કાળજીપૂર્વક સાચવીને રાખું છું એ જોઈને એક દિવસ તેઓએ મારી ખૂબ મજાક ઉડાવી અને એ પત્રોને સાચવીને રાખવાથી કોઈ લાભ નથી, એ મને સમજાવવાનો એમણે પ્રયત્ન કર્યો. તેઓના નિરભિમાનીત્વ વિશે હું વધુ શું કહું? તેઓના પત્ર મેળવવા બદલ હું જે ગૌરવ અનુભવ કરતો તે પણ તેઓ જોઈ ન શકતા!
અહીં ઉદ્ધૃત સ્વામીજીના પત્રોની કેટલીક પંક્તિઓમાં જે મહાશક્તિ સમાયેલી છે તે અન્ય કોઈનાં વાક્યોમાં સંભવ નથી. ‘બહુજન હિતાય’ અને ‘બહુજન સુખાય’ માટે અંત :કરણપૂર્વક કાર્ય કરવા સ્વામીજીએ માત્ર મને જ ઉપદેશ આપ્યો છે એમ નથી, પણ આપણને સૌને એ ઉચ્ચ આદર્શ નજર સામે રાખી કાર્ય કરવા તેઓ કહીને ગયા છે. તેઓના ઉપદેશ અનુસાર આત્મત્યાગ જ મનુષ્યત્વની પૂર્ણતા અને ચરમલક્ષ્ય છે. અમારામાંથી કોઈ જો થોડું પણ સત્કાર્ય કરતો તો સ્વામીજીના આનંદની સીમા રહેતી નહીં. તે માટે તેઓ કેટલાંય આશાપ્રદ મધુર વાક્યોથી ઉત્સાહિત કરતા તેમજ મન-પ્રાણપૂર્વક કેવો મહા શક્તિસંચાર કરી શકતા એ વાત તેમના આ કેટલાક પત્રો વાંચીને બધા સમજી શકશે.
*****
સ્વામીજીએ માર્ચ, ૧૮૯૪માં અખંડાનંદજીને લખેલ પત્ર અહીં ઉદ્ધૃત કરવામાં આવે છે : (અહીં અમે માત્ર એક જ પત્ર છાપીએ છીએ. – સં.)
ॐ नमो भगवते रामकृष्णाय ।
પ્રિય અખંડાનંદ,
તમારો પત્ર વાંચી આનંદ થયો. ખેતડીમાં રહીને તમે તમારી તબિયત ઘણે અંશે સુધારી છે તે જાણી ખૂબ ખુશી થયો.
ભાઈ તારકે મદ્રાસમાં ઘણું કામ કર્યું છે. ખરેખર સારા સમાચાર ! મદ્રાસના લોકો પાસેથી મેં તેનાં ખૂબ વખાણ સાંભળ્યાં છે. …
રજપૂતાનાના જુદા જુદા પ્રદેશોના ઠાકોરોમાં પરગજુપણું અને આધ્યાત્મિક્તા વિકસાવવાનો યત્ન કરજો. આપણે કામ કરવું જોઈએ; આળસુ થઈને બેસી રહેવાથી તે ન થાય. મલસિસાર, અલસિસાર અને બીજા બધા ‘સાર’ ત્યાં છે તે સ્થળોનો અવારનવાર પ્રવાસ કરજો. તેમજ સંસ્કૃત અને અંગ્રેજી કાળજીથી શીખજો. હું માનું છું કે ગુણનિધિ પંજાબમાં છે. તેને ખાસ મારો સ્નેહ પહોંચાડજો અને તેને ખેતડીમાં લઈ આવજો. એની સહાયથી સંસ્કૃત શીખજો અને તેને અંગ્રેજી શીખવજો. મને તેનું સરનામું અવશ્ય મોકલજો. …
ખેતડી શહેરના નીચલા વર્ગના તેમજ ગરીબ લોકોને ઘેર ઘેર જજો અને તેમને ધર્મ શીખવજો. તેમને ભૂગોળ અને બીજા વિષયોનું મૌખિક શિક્ષણ આપજો. ગરીબોનું કંઈક પણ કલ્યાણ ન કરતાં, આળસુ થઈને બેઠા બેઠા રજવાડી ભોજન ઉડાવવાં અને ‘જય ભગવાન શ્રીરામકૃષ્ણ!’ બોલવું તેમાં કાંઈ ભલું થવાનું નથી. અવારનવાર બીજાં ગામડાંમાં પણ જજો અને લોકોને ધર્મ તેમજ જીવન જીવવાની કળા શીખવજો.
કર્મ, ભક્તિ અને જ્ઞાન : એમાંથી પહેલાં કર્મ કરો. તેથી તમારી ચિત્તશુદ્ધિ થશે. નહિતર પવિત્ર અગ્નિને બદલે રાખના ઢગલામાં આહુતિઓ આપવાની પેઠે બધું નિષ્ફળ જશે. ગુણનિધિ આવે ત્યારે રજપૂતાનાના પ્રત્યેક ગામમાં ગરીબ અને નિરાધારોને ઘેર ફરજો. તમે જે પ્રકારનો ખોરાક લો છો તેનો લોકો વિરોધ કરે તો તે ખોરાક તરત છોડી દેજો. બીજાનું હિત કરવા ઘાસ ખાઈને જીવવું પણ પસંદ કરવા લાયક છે. ભગવો વેશ ભોગ માટે નથી. એ તો વીરોચિત કાર્યોનો ધ્વજ છે. ‘જગતના કલ્યાણ’ માટે તમારે શરીર, મન અને વાણી અર્પણ કરી દેવાં. તમે તો વાંચ્યું છે : मातृदेवो भव। पितृदेवो भव। માતાને દેવ સમાન ગણો, પિતાને દેવ સમાન ગણો, પણ હું કહું છું : ‘दरिद्रदेवो भव। मूर्खदेवो भव।’ ‘ગરીબને, અભણને, અજ્ઞાનીને, દુ :ખીઓને – એવા લોકોને ઈશ્વર માનો. આવા લોકોની સેવા એ જ સર્વોચ્ચ ધર્મ છે.
ભવદીય,
વિવેકાનંદ.
(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૬, ૧૨૮)
Your Content Goes Here





