પ્રથમ નજરે જોતાં જ પ્રભાવિત થઈ જવાય એવું ભવ્ય – મોભાદાર – પ્રભાવશાળી વ્યક્તિત્વ, તીવ્ર બુદ્ધિ, ગહન શિક્ષણ તેમજ ઊંડી સમજ-દૂરંદેશી ધરાવતા એવા સ્વામી વિવેકાનંદ જ્યારે માત્ર ત્રીસ વર્ષના હતા ત્યારે તેમણે ઈ.સ. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં હલચલ મચાવી દીધી હતી. સમગ્ર વિશ્વને પોતાની વિદ્વતા- બુદ્ધિમત્તાને સાથે એટલા જ નિરાડંબરી – નમ્ર્રતા જેવા ગુણોથી આશ્ચર્યચક્તિ કરીને સાડા ત્રણ વર્ષ પછી તેઓ જ્યારે પોતાની જન્મભૂમિ – ભારત પાછા ફરે છે ત્યારે તેઓ જાણે અખૂટ બળ – સાહસ – હિંમત – વિશ્વાસ – સ્નેહ અને મર્દાનગીનું એક મહાન મૂર્તિમંત સ્વરૂપ બનીને જગત સમક્ષ પ્રગટ થાય છે. એ વિરાટ વ્યક્તિત્વધારી માત્ર પ્રચારક નહોતા પણ આચરણકાર પહેલા હતા ને પ્રચારક બાદમાં. એટલે કે પોતે કહેલ – પ્રચાર કરેલ ‘માનવ-નિર્માણ અને ચારિત્ર્ય-ઘડતર’ના આદર્શનું ઘનીભૂત સ્વરૂપ ધારણ કરનાર તેઓ ખરા અર્થમાં ‘સ્વામી’ હતા. આ કારણથી જ ભગિની નિવેદિતા હંમેશાં એવું કહેતાં કે જે લોકો સ્વામીજીને જાણે છે તે એટલું તો સમજે જ છે કે તેઓ એક એવી વ્યક્તિ હતા જે પોતે પોતાના જીવનમાં અનુભવેલાં સત્યો વિશે જ બોલતા – આ વાત જ્યારે આપણે તેમનાં પ્રવચનો જોઈએ છીએ ત્યારે સાર્થક જણાય છે. વગર અનુભવે સત્યનું આવું ને આટલું સચોટ – વાસ્તવિક ચિત્રણ થઈ જ ન શકે. કદાચ આથી જ સ્વામીજીની વિચાર-વાણી આપણા અંતરાત્માને સ્પર્શીને એને ઢંઢોળી જાય છે. તો આવો, કેળવણી વિષયક સ્વામીજીના વિચારોને વાગોળીને આપણે સૌ આપણા અંતરાત્માને ઢંઢોળીએ ને આજે જેની તાતી જરૂરિયાત છે એ ખરી કેળવણીને સ્વામીજીની દૃષ્ટિએ જોઈએ – જાણીએ.
કેળવણીની સંકલ્પના
સ્વામી વિવેકાનંદજીએ શિક્ષણ ઉપર કોઈ પુસ્તક લખ્યું નથી, છતાં તેમનાં વિવિધ પ્રવચનોમાં શિક્ષણ વિષયક જે વિચારો રજૂ થયા છે તે વર્તમાન સમય-સંજોગોમાં પણ ખૂબ જ પ્રસ્તુત તથા વ્યવહારુ જણાય છે. તેમના વિચારોને સમજવા માટે સૌ પ્રથમ તો આપણે તેઓએ આપેલી ને વારંવાર બોલાતી શિક્ષણની વ્યાખ્યા ઉપર દૃષ્ટિપાત કરીએ. ‘મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી.’
સ્વામીજીની શિક્ષણની આ વ્યાખ્યા ધ્યાનાકર્ષક છે. તેમાં રહેલો ‘પ્રગટીકરણ’ શબ્દ એ દર્શાવે છે કે ‘કંઈક’ અસ્તિત્વમાં છે જ જે પ્રગટ થવાની રાહ જોઈ રહ્યું છે. શીખવવામાં શીખવનારનું મુખ્ય ધ્યાન શીખનારની છુપાયેલી શક્તિને અભિવ્યક્ત કરવા ઉપર હોવું જોઈએ. સ્વામીજી કહેતા, ‘માણસ જે શીખે છે તે તો ખરેખર તે જે શોધે છે તે છે. પોતાના આત્મા કે જે અનંત જ્ઞાનની ખાણ છે, તેના ઉપર રહેલ પડદાને તે હટાવે છે.’ (ગ્રંથમાળા : ૧.૨૮). માનવીમાં જ્ઞાન અંતર્નિહિત છે. પ્રગટીકરણ સ્વત: સ્ફૂરિત વિકાસ બતાવે છે, શરત એટલી જ કે જે કાંઈ મુશ્કેલીઓ – વિઘ્નો – અડચણો હોય તેને દૂર કરવાં.
વ્યાખ્યામાં બીજો ધ્યાન કેન્દ્રિત મુદ્દો છે,‘મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતા’ની અભિવ્યક્તિનો. જે માનવીની ‘ગર્ભિતશક્તિ’નો ઉલ્લેખ કરે છે કે જે માનવ જન્મ્યો ત્યારથી પોતાના જાણતા કે અજાણતા પોતાની અંદર પડેલી શક્યતાઓ અને શક્તિઓની હારમાળા છે. ગર્ભિત શક્તિ એટલે સુષુપ્ત પડેલા એવા ‘કંઈક’ ને જાગ્રત કરવાની શક્તિ. આપણે કહીએ છીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. શું એ નિયમ તેના માટે રાહ જોઈને કોઈ ખૂણામાં ક્યાંક બેસી રહ્યો હતો? તે તો તેના પોતાના મનમાં રહેલો હતો. યોગ્ય સમય આવ્યો અને તેણે એ શોધી કાઢ્યો.
જે કંઈ જ્ઞાન જગતે ક્યારેય પ્રાપ્ત કર્યું છે તે બધું મનમાંથી જ આવે છે. જગતનો અનંત ગ્રંથભંડાર તમારા પોતાના જ મનમાં રહેલો છે. બહારનું જગત તો તમારા પોતાના મનનો અભ્યાસ કરવા માટે તેમને પ્રેરણા આપનાર સૂચના માત્ર, પ્રસંગ માત્ર છે. સફરજનના નીચે પડવાથી ન્યૂટનને એક સૂચન મળ્યું અને પરિણામે તેણે પોતાના મનનો અભ્યાસ કર્યો. અગાઉની તમામ વિચાર-કડીઓને તેણે પોતાના મનમાં ફરીથી ગોઠવી અને તેમાં એક નવી કડી શોધી કાઢી. આપણે તેને ગુરુત્વાકર્ષણનો નિયમ કહીએ છીએ. એ નિયમ ન હતો સફરજનમાં કે ન હતો પૃથ્વીના કેન્દ્રમાં રહેલી અન્ય કોઈ વસ્તુમાં.
કેળવણીની સંકલ્પનાના ફલિતાર્થો
સ્વામીજીએ આપેલી કેળવણીની વ્યાખ્યા અને વિચારો પરથી પ્રસ્તુત તત્ત્વજ્ઞાનીય મુદ્દાઓ – ફલિતાર્થો ફલિત થાય છે.
જાણવું એટલે આવરણને દૂર કરવું
મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે. કોઈપણ જ્ઞાન બહારથી આવતું નથી. એ બધું અંદર જ રહેલું છે. મનુષ્ય ‘જ્ઞાન મેળવે છે.’ એમ જે આપણે કહીએ છીએ તેને ચોક્કસ માનસશાસ્ત્રીય ભાષામાં એમ કહેવું જોઈએ કે તે-‘ઢાંકણ દૂર કરે છે’ અથવા ‘આવરણ ખસેડે છે.’ મનુષ્ય જે કાંઈ ‘શીખે છે’ તે ખરેખર તો અનંતજ્ઞાનની ખાણરૂપ પોતાના આત્મા ઉપર રહેલા આવરણને દૂર કરીને જે ‘શોધી કાઢે છે’ તે છે.
જ્ઞાન માત્ર મનુષ્યના અંતરમાં જ છે
આ ઉપરથી કહી શકાય કે લૌકિક કે આધ્યાત્મિક સઘળું જ્ઞાન મનુષ્યના મનમાં જ રહેલું છે. ચકમકમાં રહેલા અગ્નિની પેઠે મનુષ્યના મનમાં જ્ઞાન રહેલું છે. બહારથી આવતું સૂચન એ જ્ઞાનને બહાર લાવવામાં ઘર્ષણનું કાર્ય કરે છે. સઘળું જ્ઞાન, સઘળી શક્તિ અંદર છે. જેને આપણે શક્તિઓ, પ્રકૃતિનાં રહસ્યો અને બળ કહીએ છીએ તે સઘળું અંતરમાં રહેલું છે. જ્ઞાનમાત્ર મનુષ્યના આત્મામાંથી નિષ્પન્ન થાય છે. મનુષ્ય જ્ઞાનને પ્રગટ કરે છે, પોતાની અંદર જ તેને છતું કરે છે. એ જ્ઞાન શાશ્વત કાળથી તેનામાં પહેલેથી જ રહેલું છે.
આપણે જ આપણા શિક્ષક છીએ
ખરું કહીએ તો કોઈએ કોઈ બીજાને કદાપિ શીખવ્યું હોતું નથી. આપણામાંથી દરેકે પોતે જ પોતાને શીખવવાનું છે. બહારનો શિક્ષક કેવળ સૂચન આપે છે અને વસ્તુઓનું જ્ઞાન મેળવવા માટે સક્રિય બનવામાં અંદરના શિક્ષકને આ સૂચન પ્રેરણા આપે છે. પછી આપણા પોતાનાં જ્ઞાન અને વિચારની શક્તિથી વસ્તુઓની સમજણ આપણા માટે વિશેષ સ્પષ્ટ બનશે. અને એ રીતે આપણા પોતાના આત્મામાં આપણે તેમની અનુભૂતિ કરીશું.
આત્મામાં અનંત શક્તિ છે
અનેક એકર ભૂમિ ઉપર પથરાયેલું – આખું યે વિશાળ વટવૃક્ષ રાઈના દાણાના કદાચ આઠમા ભાગથીયે નાના એક ટચૂકડા બીજમાં સમાયેલું હતું. શક્તિનો એ સઘળો જથ્થો પેલા બીજમાં સમાઈને પડ્યો હતો. આપણે જાણીએ છીએ કે જીવોની ઉત્પત્તિના મૂલાધાર રૂપ કોષમાં વિરાટ બુદ્ધિ – શક્તિ ગૂંચળું વળીને પડેલી છે. આ વિધાન કદાચ વદતો વ્યાઘાત આંતર વિરોધી જેવું લાગે પણ એ સાચું છે. આપણામાંથી પ્રત્યેકનો જન્મ એક જીવકોષમાંથી થયો છે અને આપણામાં રહેલી તમામ શક્તિઓ એ જીવકોષમાં ગૂંચળું વળીને પડી હતી. એ શક્તિઓ અન્નમાંથી આવી એવું તમો કહી શકો નહીં કારણ કે તમે અન્નકૂટ ખડો કરો તો પણ તેમાંથી કઈ શક્તિ ઉત્પન્ન થાય છે? બેશક, એ શક્તિ પેલા જીવકોષમાં સંભાવ્ય રૂપમાં પડેલી હતી છતાં એ શક્તિની ત્યાં હસ્તી તો હતી જ. એવી રીતે મનુષ્ય જાણે કે ન જાણે તો પણ તેના આત્મામાં અનંત શક્તિ પડેલી છે.
કાચનું પાત્ર
અંતરનો આ દૈવી પ્રકાશ ઘણાખરા લોકોમાં પ્રચ્છન્ન સ્વરૂપમાં રહેલો છે. લોઢાના પીપમાં રહેલા દીપ જેવી આ વાત છે. પ્રકાશનું એક પણ કિરણ તેની આરપાર થઈને બહાર જઈ શક્તું નથી. ચિત્તશુદ્ધિ અને સ્વાર્થત્યાગ દ્વારા ધીમે ધીમે આપણે એ અવરોધક માધ્યમને વધુ ને વધુ પાતળું બનાવી શકીએ છીએ, એટલે આખરે એ કાચ જેવું પારદર્શક બની જાય છે.
શિક્ષક એ પરોક્ષ સહાયક – રક્ષક છે
કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય આપી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં આપી શકો નહીં. છોડ પોતે જ પોતાની પ્રકૃતિનો વિકાસ કરે છે; બાળક પણ પોતે જ પોતાને શીખવે છે. પણ એટલું ખરું કે તેને પોતાની રીતે આગળ ધપવામાં તમે સહાય આપી શકો. તમે જે કરી શકો તે પ્રત્યક્ષ સ્વરૂપે નહીં પણ પરોક્ષ સ્વરૂપે હોય છે. તમે તેના માર્ગમાં આવતી હરકતોને દૂર કરી શકો અને પરિણામે જ્ઞાન સ્વત: બહાર આવે છે – જમીનને જરા પોચી બનાવો, જેથી તે સહેલાઈથી ફણગા રૂપે બહાર આવે. તેની આજુબાજુ વાડ ઊભી કરો અને કોઈ તેનો નાશ ન કરે તેનું ધ્યાન રાખો. વૃદ્ધિ પામતા બીજને તેના બંધારણ માટે તમે સામગ્રી પૂરી પાડી શકો અને એ રીતે તેને માટે જરૂરી એવાં માટી, પાણી અને હવાની વ્યવસ્થા કરી શકો. પરંતુ અહીં તમારું કાર્ય પૂરું થાય છે.
સ્વશિક્ષણ
જ્યાં શિક્ષકનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી બાળકનું કાર્ય શરૂ થાય છે. વૃદ્ધિ પામતા બીજને જે જોઈએ છે, તે બધું પોતાની પ્રકૃતિ પ્રમાણે તે ગ્રહણ કરશે. બાળકની કેળવણી વિશે પણ આવું જ છે. બાળક પોતે જ પોતાને કેળવે છે. પોતે તેને શીખવી રહ્યો છે – એવું માનીને શિક્ષક બધો ખેલ બગાડી મારે છે. સઘળું જ્ઞાન મનુષ્યની અંદર જ રહેલું છે. જરૂર માત્ર તેને જાગ્રત કરવાની છે, શિક્ષકનું કાર્ય માત્ર આટલું જ છે. પોતાનાં હાથ-પગ તથા આંખ-કાનનો યોગ્ય ઉપયોગ કરવામાં બાળકો પોતાની જ બુદ્ધિ વાપરતાં શીખે એટલું જ માત્ર આપણે તેમના માટે કરવાનું છે.
બાળકની સ્વત:વૃદ્ધિને અવકાશ આપો
માર મારવાથી ગધેડો ઘોડાના રૂપમાં ફેરવાઈ જશે એવી સલાહ મળવાથી જે માણસે પોતાના ગધેડાને ટીપી નાખ્યો તેની રીત પ્રમાણે આપણાં બાળકોને કેળવવા મથતી કેળવણી પદ્ધતિ રદ થવી જોઈએ. માતાપિતાની અયોગ્ય જોહુકમીને કારણે આપણાં બાળકોને આત્મવિકાસ માટે મુક્ત અવકાશ સાંપડતો નથી. મનુષ્ય-માત્રમાં અપાર મનોવૃત્તિઓ પડેલી હોય છે; તેમને પોતાની તૃપ્તિ માટે સમુચિત અવકાશની જરૂર રહે છે. મનુષ્યને સુધારવાના બળજબરીથી થતા પ્રયાસો હંમેશાં એવી સુધારણાને પાછી ધકેલી દેવામાં જ પરિણમે છે. જો તમે કોઈ મનુષ્યને સિંહ થવા દેશો નહીં, તો પછી એ શિયાળ બની જવાનો છે.
બાળકને રચનાત્મક ખ્યાલો આપો
આપણે બાળકોને રચનાત્મક ખ્યાલો આપવા જોઈએ. નિષેધાત્મક વિચારો મનુષ્યને કેવળ નિર્બળ બનાવે છે. જ્યાં માબાપ પોતાનાં સંતાનોને વાંચવા-લખવા માટે કાયમ ટોક-ટોક કર્યા કરે અને ‘તું કાંઈ ઉકાળવાનો નથી, તું તો મૂર્ખ છે.’ એવું એવું કહ્યા કરે ત્યાં ઘણા દાખલાઓમાં ખરેખર એ સંતાનો એવાં જ બની જાય, એવું શું જોવામાં નથી આવતું? જો તમે તેમને પ્રેમથી બોલાવો અને પ્રોત્સાહન આપો તો યોગ્ય સમયમાં તેઓ અવશ્ય સુધરી જશે. જો તમે તેમને રચનાત્મક ખ્યાલો આપી શકો તો તેઓ સાચા મનુષ્યો બનશે અને પોતાના પગ ઉપર ઊભા રહેતાં શીખશે. ભાષા અને સાહિત્યમાં, કાવ્ય અને કળાઓમાં, દરેક વિષયમાં મનુષ્યો પોતાના વિચારો તથા કાર્યોમાં જે ભૂલો કરે છે તે આપણે તેમને દર્શાવવી ન જોઈએ, પરંતુ આ બધું તેઓ જે રીતે વધારે સારી કરી શકે, તે માર્ગ આપણે તેમને દર્શાવવો જોઈએ.
શિષ્યની આવશ્યકતાનુસાર શિક્ષણમાં ફેરફાર
શિષ્યની જરૂરિયાતો પ્રમાણે શિક્ષણમાં ફેરફાર થવા જોઈએ. પૂર્વજન્મના સંસ્કારોએ આપણી મનોવૃત્તિઓનું ઘડતર કર્યું હોય છે. એટલે શિષ્યોને એ બધી મનોવૃત્તિને અનુરૂપ હોય એવું શિક્ષણ આપો. તે જ્યાં ઊભો હોય ત્યાંથી તેનો હાથ પકડીને તેને આગળ ધપાવો. આપણે જેમને નિર્માલ્ય ગણ્યા હોય તેમને પણ પ્રોત્સાહન આપીને શ્રીરામકૃષ્ણે તેમના જીવનની દિશા જ કેવી રીતે બદલી નાખી તે આપણે જોયું છે. કોઈપણ માણસનાં વિશિષ્ટ વલણોને તેઓ કદાપિ નષ્ટ કરતા નહિ. પતિતમાં પતિત માણસોને તેઓ આશા અને ઉત્સાહની વાણી સંભળાવતા અને એ રીતે તેમનો ઉદ્ધાર કરતા.
માનવસેવા એ જ પૂજા
સ્વાધીનતા એ વિકાસની સૌથી પહેલી શરત છે. જો તમારામાંથી કોઈ એવું કહેવાની ધૃષ્ટતા કરે કે, ‘હું આ સ્ત્રી અથવા બાળકનો ઉદ્ધાર કરીશ.’ – તો એ ખોટું છે, એકવાર નહીં પરંતુ હજારવાર ખોટું છે. આવા ખ્યાલોને તિલાંજલિ આપો! તેઓ પોતે જ પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરશે. ‘અમે સર્વજ્ઞ છીએ’ એવું માની બેસનારા તમો કોણ? પ્રભુ ઉપર પણ ‘મારો અધિકાર છે’ એવું વિચારવાની ધૃષ્ટતા તમે શી રીતે કરી શકો? શું તમે નથી જાણતા કે, પ્રત્યેક આત્મા એ ‘પ્રભુનો આત્મા’ છે? મનુષ્યમાત્રને પરમાત્મા સ્વરૂપ સમજો. તમે તો માત્ર તેની સેવા કરી શકો. જો તમને એ વિશિષ્ટ અધિકાર સાંપડ્યો હોય, તો પ્રભુનાં સંતાનોની સેવા કરો. જો પોતાના કોઈ સંતાનને સહાયરૂપ બનવાને પ્રભુ તમને અનુજ્ઞા આપે; તો ખરેખર, તમે ધન્ય છો. જ્યારે બીજા લોકો એવા અધિકારથી વંચિત રહ્યા ત્યારે તમને એ પ્રાપ્ત થયો એ માટે તમે ધન્ય છો. કેવળ ઈશ્વરપૂજા સમજીને તમે એ કાર્ય કરો.
વિચારોને આત્મસાત્ કરવાની પ્રક્રિયા છે
તમારા મગજમાં ઠાંસેલી અને જીવનભર વણપચી રહીને કાળો કેર વરતાવતી માહિતીનો સંચય એટલે કેવળણી નહીં. જીવનનું ઘડતર કરે, મનુષ્યને મર્દ બનાવે, તેના ચારિત્ર્યનો વિકાસ કરે, એવા વિચાર-પાચનની આપણને જરૂર છે. જો માત્ર પાંચ જ વિચારોને પચાવીને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં વણી લીધા હોય તો સારુંયે પુસ્તકાલય ગોખી નાખનાર કોઈપણ માણસ કરતાં તમે વધુ કેળવણી પામેલા છો. જો કેળવણી અને માહિતીના અર્થમાં કશો જ ફેર ન હોય તો, પુસ્તકાલયો જગતમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનીઓ ઠરે અને સર્વજ્ઞાન-સંગ્રહો ઋષિમુનિઓમાં ખપે.
ખોટી કેળવણી
વિદેશી ભાષામાં બીજાના વિચારોને ગોખી મારીને; તમારા મગજમાં એ બધું ભરીને તેમજ વિશ્વવિદ્યાલયની ઉપાધિઓ મેળવીને તમે તમારી જાતને શિક્ષિત ગણાવો છો? શું આને આપણે કેળવણી કહીશું? છેવટે તમારી કેળવણીનો ઉપયોગ શો છે? ઉદ્દેશ્ય શો છે? કાં તો કારકુન બનવું, કાં તો વકીલ બનવું અથવા બહુ બહુ તો ન્યાયાધીશ બનવું જે કારકુનગીરીનું બીજું સ્વરૂપ જ છે! બસ, એટલું જ ને! પણ આથી તમને કે તમારા વિશાળ દેશને શો લાભ? જરા આંખો ખોલીને જુઓ તો ખરા, જે ભારત દેશ અન્નનો ભંડાર ગણાતો એ જ દેશમાં પેટનો ખાડો પૂરવા માટે લોકોનું કરુણ આક્રંદ ઊઠે છે. તમારી કેળવણી આ આક્રંદ દૂર કરી શકશે? સાધારણ જન સમુદાયને જીવનસંગ્રામમાં લડવા માટે જે કેળવણી મદદરૂપ ન થાય, જે કેળવણી ચારિત્ર્યબળ ઊભું ન કરી શકે, જે કેળવણી તમારામાં પરોપકારની ભાવનાનું સિંચન ન કરી શકે, જે કેળવણી તમને ‘નૃસિંહ’ ન બનાવે એને શું આપણે કેળવણી કહીશું?
કેવી કેળવણીની જરૂર છે?
આપણે તો એવી કેળવણીની જરૂર છે કે જેના વડે આપણા ચારિત્ર્યનું ઘડતર થાય, મનની શક્તિમાં વૃદ્ધિ થાય, આપણે સ્વાવલંબી બનીએ. વિદેશી અંકુશ વિના સ્વતંત્ર રીતે આપણા જ્ઞાનરાશિની જુદી જુદી શાખાના અને તે સાથે પશ્ચિમી વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના શિક્ષણની આપણને જરૂર છે. યાંત્રિક શિક્ષણ તેમજ જે કંઈ આપણા ઉદ્યોગોને ખીલવે તે જાતના અભ્યાસક્રમની આપણને જરૂર છે, જેથી નોકરી માટે ઘર ઘરના ઉંબરા ઘસવાને બદલે માણસ પોતાના જીવનનિર્વાહ માટે પૂરતી કમાણી કરે. અને ભવિષ્યની આપત્તિ માટે પણ બચત કરે.
કેળવણીનું એકમાત્ર ધ્યેય – માનવઘડતર
કેળવણી માત્રનો ઉદ્દેશ્ય મનુષ્યને ખરો મનુષ્ય બનાવવાનો જ હોઈ શકે. માનવને એના વિકાસને પંથે ચડાવવો એ જ કેળવણીનું અંતિમ લક્ષ્ય છે. જે શિક્ષણથી મનુષ્યની ઇચ્છાશક્તિનો પ્રવાહ સંયમિત બને અને ફળદાયી બને તેને જ સાચું શિક્ષણ કહેવાય. લોખંડી માંસપેશીઓ અને પોલાદી સ્નાયુઓની અત્યારે આપણા રાષ્ટ્રને જરૂર છે. જેની સામે થવાની કોઈ હિંમત પણ ન કરે, જે સૃષ્ટિના ગુપ્ત રહસ્યને ભેદી શકે અને તેનો તાગ મેળવી શકે, જે મરજીવા બનીને સમુદ્રને તળિયે મોતનો સામનો કરીને પણ જીવનનું રહસ્ય શોધી શકે એવા રાક્ષસી મનોબળની આપણને જરૂર છે. માનવને ‘માનવ’ બનાવતો ધર્મ આપણને જોઈએ. માનવને ‘માનવ’ બનાવે તેવા સિદ્ધાંતો આપણે ઇચ્છીએ છીએ. આપણે સર્વત્ર માનવને ‘સાચો માનવ’ બનાવે એવી કેળવણીને ઝંખીએ છીએ.
ઉપસંહાર
અહીં પ્રસ્તુત કરેલા સ્વામી વિવેકાનંદજીના કેળવણી વિષયક વિચારો એ સમગ્ર ફૂલ નહિ પરંતુ ફૂલની પાંખડી માત્ર છે કેમ કે ગાગરમાં સાગર ભલા કેમ સમાવી શકાય? સ્વામીજીએ કેળવણી વિષયક રજૂ કરેલા વિચારો તો સમુદ્ર જેટલા અમાપ અને અતાગ છે, એના માત્ર અમુક અંશને આ અભ્યાસ લેખમાં સમાવિષ્ટ કરવાનો નમ્ર્ર પ્રયાસ કર્યો છે.
Your Content Goes Here




