(સપ્ટેમ્બર ’૯૨થી આગળ)

એક વખત બપોરે ચાર વાગે જપાનના એલચી (પ્રતિનિધિ) સ્વામીજીને મળવા બેલુર આવ્યા. અંદરના વરંડામાં, કે જ્યાં સામાન્ય રીતે સ્વામીજી મહેમાનોને મળતા ત્યાં, એક બેંચ ઉપર તેમને બેસવા કહેવામાં આવ્યું. સ્વામીજીને આ માનવંતા મહેમાનના આવવા વિષે પણ જાણ કરેલી. પરંતુ સ્વામીજી નીચે આવ્યા ત્યાં સુધી તેને રાહ જોવી પડી. કોઈપણ વ્યક્તિ – પછી ભલેને તે ખાસ મહેમાન કેમ ન હોય – ને તરત જ મળવું કે પછી પોતાના કોઈ વધુ અનુકૂળ સમયે મળવું તે બધું જ સ્વામીજીના મિજાજ પર આધારિત હતું. તે દિવસે તે એલચીને સ્વામીજી માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી. સ્વામીજીને સાંજે ચાલવા જવાની આદત હતી, તેથી તે સમય મુજબ સ્વામીજી નીચે ઊતર્યા; આવીને એલચીની નજીકની ખુરશી પર બેઠા અને દુભાષિયા દ્વારા તે લોકોની વાતચીત શરૂ થઈ. અભિવાદન વિધિ થયા બાદ એલચી પોતાના મુખ્ય મુદ્દા પર આવ્યા, “અમારા બાદશાહ આપને જાપાનમાં આવકારવા ખૂબ જ આતુર છે. તેઓએ મને આપને આપના અનુકૂળ સમયે જલ્દીમાં જલ્દી જાપાન પધારવા વિનંતી કરવા મોકલ્યો છે, જાપાનવાસીઓ આપના મુખેથી ‘હિંદુ ધર્મ’ વિષે સાંભળવા ખૂબ જ ઉત્સુક છે.”

સ્વામીજીએ જવાબ આપ્યો, “હાલની મારી તબિયત જોતાં મને લાગે છે કે હાલમાં તો જાપાનની મુલાકાત લેવી શક્ય નથી.”

એલચી બોલ્યા, “તો પછી, તમારી પરવાનગીથી બાદશાહને હું એટલું જણાવી શકું કે નજીકના ભવિષ્યમાં આપની તબિયત સારી થતાવેંત જ આપ જાપાનની મુલાકાત લેશો?”

સ્વામીજીએ કહ્યું, “હવે ક્યારેય પણ આ શરીર ખરેખર સારું થશે કે કેમ તેમાં ખૂબ શંકા છે.”

એ વખતે સ્વામીજી ડાયાબીટીસથી પીડાતા હતા અને તેઓ બિલકુલ જ કૃષકાય થઈ ગયેલા. જ્યારે પહેલી જ વાર મેં તેમને જોયેલા ત્યારે તેઓ આટલા માંદા નહોતા લાગતા.

તે પછી થોડા જ સમયમાં હું અલ્હાબાદ પાછો ફર્યો. પરંતુ તરત જ મને કલકત્તા જવાની તક મળતાં સ્વામીજીને મળવાની આશાએ હું બેલુર પહોંચી ગયો. પરંતુ થોડા સમયથી તેઓ બહાર હતા તેમ સાંભળી હું એકદમ જ નિરાશ થઈ ગયો.

સંઘના વડા તરીકે સ્વામીજીની ગેરહાજરીમાં રાજા મહારાજ એટલે કે રાખાલ મહારાજ હતા. હું તેમને પણ સારી રીતે ઓળખતો. તેમ છતાં તે સમયે તેઓ મને અતડા તેમ જ મારા એકદમ જ અંગત ન હોય તેવા લાગતા. તેઓ મોટે ભાગે પોતાના આધ્યાત્મિક ભાવરાજ્યમાં જ મગ્ન રહેતા અને સરળ (સામાન્ય) વાતચીત માટે તેમની પાસે જવું સુગમ્ય નહોતું. મેં તેમની આધ્યાત્મિક સિદ્ધિઓ વિષે સાંભળેલું. તેમને વારંવાર સમાધિ થતી, જે મારી સમજણની પેલે પાર હતું.

તેમની પાસે જ્યારે હું ગયો ત્યારે સામાન્ય આવકારના થોડા શબ્દોની આપ-લે પછી તેઓ શાંત જ રહ્યા અને હું પણ તેમની પાસે બેસી રહ્યો. તેમની મદદથી મારી કેટલીક સમસ્યાઓનું સમાધાન, હું ઈચ્છતો હોવાથી તે, વિષે વિચારી રહ્યો હતો. પરંતુ હું કંઈ બોલ્યો નહિ અને એવું વિચારતો હતો કે જો તેઓ એક મહાન દિવ્યાત્મા હશે તો તેઓ મારા કહ્યા વિના જ મારી સમસ્યાઓ જાણી જશે. એકદમ જ રાખાલ મહારાજે મને કહ્યું, “ચાલ મારી સાથે ફરવા.” સંધ્યાકાળ હજુ થયેલ નહિ. જે રસ્તે અમે ચાલવા ગયા તેનો એક માર્ગ મઠના દરવાજા સુધી અને બીજો ગંગા નદી સુધી જતો હતો. એ વખતે મંદિરો હજુ બંધાયાં નહોતાં. ફક્ત કેટલાંક મકાનો જ હતાં, મોટા ભાગની જગ્યા ખુલ્લી જ હતી અને થોડાં ઝાંડીઝાંખરાં હતાં. અમે નદીના બંધ તરફ જતા રસ્તાના દરવાજા સુધી ગયા અને ત્યાંથી પાછા ફર્યા. આ રીતે થોડીવાર અમે આંટા માર્યા અને તે દરમિયાન રાખાલ મહારાજે જ વાતો કરી અને મારા અતિ આશ્ચર્યની વચ્ચે તેમણે મારી સમસ્યાઓને એક પછી એક એમ એવી રીતે આવરી લીધી કે મને તેનું સંતોષપૂર્વક સમાધાન મળી ગયું. પછી તેઓ મને ગંગાનો એક ઘાટ કે જેની એક બાજુ બરાબર મઠની સામે પડે છે ત્યાં લઈ ગયા; અને તેના એક પગથિયે તેઓએ આસન જમાવ્યું અને મને પોતાની બાજુમાં બેસવા કહ્યું. હું પણ તેમના ચરણ પાસે એક પગથિયા ઉપર બેઠો. એ ક્ષણે મારામાં જાણે કે ભક્તિનાં પૂર ઉમટ્યાં અને મને સંપૂર્ણ રીતે તેમના શરણાગત થઈ જવાની ઈચ્છા થઈ આવી. તેથી મેં તેમને મને વિધિપૂર્વકની મંત્રદીક્ષા આપવા આજીજી કરી. થોડો સમય મૂંગા રહી તેઓ ધીમેથી બોલ્યા, “તારા ગુરુ સ્વામી વિવેકાનંદ છે, હું નહિ.” આ શબ્દો સાંભળી ક્યારેય પણ મંત્રદીક્ષા લેવાશે એવી આશા મને ઠગારી લાગવા માંડી, કેમકે મને ખબર હતી કે સ્વામીજીએ બહુ જ થોડા લોકોને મંત્રદીક્ષા આપી હતી અને એ તો ક્યારેય સાચું ન પડે, તેવું એક સ્વપ્ન જ હતું કે હું તેમના શિષ્યો માંહેનો એક હોઉં. તેથી હું એકદમ જ નિરાશ થઈ ગયો અને થોડા દિવસોમાં તો અલ્હાબાદ પાછો ફર્યો.

આના પછી બીજીવાર જ્યારે હું બેલુર આવ્યો ત્યારે સ્વામીજીની તબિયત થોડી સારી થઈ હોય અને તેઓ આનંદમાં હોય તેવું લાગ્યું. એક સવારે હું બેલુર ગયો. કોઈકે મને કહ્યું કે સ્વામીજી શ્રીઠાકુરઘરમાં પૂજામાં બેઠા છે. હું દાદરો ચડી ઉપર ગયો અને સ્વામીજીને દિવ્ય ભાવમાં જોયા. તેઓ પૂજાધરની સામેના બંધ વરંડામાં અંદરના ભાગમાં એક ખૂણેથી બીજા ખૂણે મોટાં-મોટાં ડગલાં ભરી ચાલી રહ્યા હતા. ક્યારેક હાથ નીચે રાખી, ક્યારેક પોતાની હમેશની આદત પ્રમાણે અદબ વાળેલી હતી. તેમની ચાલ ઝડપી અને થોડી લડખડાતી હતી. તેમનો ચહેરો તીવ્ર લાગણી – કે જેને દબાવવા પ્રયત્ન કરી રહ્યા હતા-થી લાલઘૂમ થઈ ગયેલો…? હું તેમને સતત રટણ કરતાં સાંભળી શક્યો: “ગર્જન્તં રામ રામેતિ, બ્રુવન્તં રામ રામેતિ” પછી તેમનું મન એકદમ જ અંતર્મુખી થઈ ગયું અને તેઓ એકદમ અજંપામાં આવી જઈ એવું અનુભવવા લાગ્યા કે જાણે પોતે મહાવીર (હનુમાન) છે અને પોતે પોતાના ઈષ્ટ શ્રીરામ અને જાનકીની દેખરેખ રાખે છે. તેઓ શ્રીરામકૃષ્ણદેવના સંપૂર્ણ શરણાગત હોવા છતાં, પોતાની ઈચ્છા સ્ફોટક શક્યતાઓથી ભરેલી હોય તેમ દેખાતું હતું અને પોતે પોતાના ઈષ્ટની સેવા માટે બિલકુલ અશક્ય એવું કંઈ પણ કાર્ય કરવા માટે દૃઢનિશ્ચયી હતા.

તે દિવસે બપોરે કેટલાક યુવાનો સ્વામીજીનાં દર્શનાર્થે આવેલા. તે લોકો દસથી બારની સંખ્યામાં હતા અને તેમાંના મોટા ભાગના કૉલેજના વિદ્યાર્થીઓ હશે. તે લોકો પહેલા માળે આવેલા સ્વામીજીના ઓરડા પાસેનો વરંડો કે જે બરાબર ગંગાની સામે પડે છે ત્યાં ભેગા થયેલા. થોડીવારમાં સ્વામીજી પોતાના ઓરડામાંથી બહાર આવ્યા અને તે લોકો સાથે ખૂબ જ હળીમળીને વાતો કરી. તેઓ એટલા આનંદી હતા કે જાણે પોતે પણ તે લોકોમાંના જ એક હોય તેવું લાગતું હતું.- એકદમ જ ઢુવાન અને ઉત્સાહી – તેઓ એકના સાથે વાત કરતા, બીજાને વાંસે સ્પર્શ કરતા કે કોઈકને ખભે હળવી ટપલી મારતા હતા. તેમને આ ભાવમાં જોવાનું દૃશ્ય ખૂબજ આનંદકારક લાગતું હતું કારણકે મોટેભાગે મે તેમને ગંભીર મુખમુદ્રામાં જ જોયેલા.

તેમના ગળામાં એક સોનાની માળા હતી જેની સાથે જોડેલી સોનાની ઘડિયાળ તેમના ખિસ્સામાં હતી અને તે એમના પોતાના ગૌરવર્ણને કારણે એકદમ જ ભળતી હતી. એક યુવાને તેને આંગળીથી સ્પર્શ કરતાં કહ્યું, “આ ખૂબ જ સુંદર છે,” તરત જ સ્વામીજીએ પોતાના ખિસ્સામાંથી તે સોનાની ઘડિયાળ કાઢી અને ચેઈન (માળા) સાથે તેને તે યુવાનના હાથમાં મૂકી દીધી; તે યુવાન તો એકદમ જ આશ્ચર્યચકિત થઈ ગયો. સ્વામીજી બોલ્યા, “તને તે ગમે છે તેથી તે તારી જ છે પણ બેટા, તેને વેચી નાખીશ નહિ; યાદગીરી તરીકે સાચવી રાખજે.” કહેવાની જરૂર નથી કે તે યુવાન અતિ આનંદમાં આવી ગયો. જે સહજતાથી આવી કિંમતી વસ્તુ સ્વામીજીએ આપી દીધી તે જોઈને હું તો આભો જ બની ગયો અને તે નહિ કે ફક્ત તેની કિંમતથી, પણ આટલી ટૂંકી મુલાકાતમાં આવી અમૂલ્ય ભેટ! એક વખત એમણે મને કહેલું કે, “બલિદાન એટલે કે પોતાની મનપસંદ વસ્તુ કોઈને આપી દેવી. કોઈપણ વ્યક્તિ પાસે બધી જ વસ્તુ છે, છતાં પણ તે તેનાથી અલિપ્ત રહી શકે તો તે જ ખરો અનાસક્ત માણસ કહેવાય. જો કોઈ માણસ પાસે કાંઈ છે જ નહિ તો તે ગરીબ જ કહેવાય. તે કોઈને શું આપી શકે?”

નાતાલની રજાઓમાં કેટલાક શિક્ષિત લોકો આગ્રાથી આવેલા. એમાંના કેટલાક પ્રાધ્યાપક પણ હતા. સવારે નવ વાગ્યાનો સમય હતો. મઠના અંદરના ચોગાનમાં કેટલીક સામાન્ય બૅંચ પડેલી જેના પર મુલાકાતીઓ બેઠા હતા અને તેમની બાજુની ખુરશી ખેંચી સ્વામીજી તેના પર બેઠેલા. કૉલેજના અધ્યાપકોએ એક પછી એક પ્રશ્ન પૂછવા માંડ્યા અને સ્વામીજી પણ ગંભીરતાથી ઉત્તરો આપવા માંડ્યા. સમસ્યાઓ ઘણી હતી, કેટલીક તાત્ત્વિક તો કેટલીક સામાજિક કે રાજકીય. એ લોકોને ખૂબ જ સંતોષ મળતો હોય તેવું લાગતું હતું અને ત્યારબાદ થોડીવારે તે બધા ગયા.

હું તે લોકોથી થોડો દૂર બેઠેલો અને વાતચીતનો તંતુ જાળવીને સમજવા પ્રયત્ન કરતો હતો. પ્રસંગોપાત્ત સ્વામીજી મારી સામે જોતા કે જેથી મને પણ હું તેમનો અંગત હોઉં તેવું લાગતું હતું.

બપોરના લગભગ બાર વાગવા આવ્યા. એકદમ જ સ્વામીજીએ મને પૂછ્યું, “સાધુ અમૂલ્ય અલ્હાબાદ જ રહે છે. તેને તમે ઓળખો છો કે? એના વિષે મને વિગતવાર વાત કરો.” મેં કહ્યું, “હું તેમને ઘણાં વર્ષોથી ઓળખું છું. તે બધાની નિ:સ્વાર્થભાવે સેવા કરતા. પોતાની હિંમત અને સેવા કરવાની લગનથી તે લોકપ્રિય બનેલા. એક વખત કૉલેરા ફાટી નીકળવાથી તેમણે જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોની પોતાના જીવનની પણ પરવા કર્યા વગર ખૂબ જ સેવા કરેલી. તેથી ગરીબ તેમજ તવંગર માણસો તેમને દુ:ખના સમયના એક નિકટના મિત્ર તરીકે ચાહવા માંડ્યા.

અમૂલ્યને ‘સાધુજી’ એવું નામ આપવામાં આવેલું, જે-તે વખતે બ્રહ્મચારી લોકો જેવાં સફેદ કપડાં પહેરતા. પણ પછીથી એમણે ગેરુઆ વસ્ત્ર પહેરવાં માંડયાં; તે વખતે કેટલાકે તેમને ‘ગુરુજી’ કહેવા માંડ્યું. તેમના કેટલાય ભક્તો ગાંજા, ચરસ અને ભાંગના બંધાણી (વ્યસની) હતા. તે લોકો ‘ગુરુજી’ને આ બધું ધરતા. જેમાંથી થોડું તેમના લીધા બાદ તે લોકો તેને ‘પ્રસાદ’ તરીકે લેતા. આમ ધીમેધીમે તેમણે તો રીતસર પીવાનું શરૂ કરી દીધું અને ખરાબ ચારિત્ર્યની સ્ત્રીઓ તેમની મુલાકાતે આવતી. થોડા સમય બાદ તેમણે બધાં જ વસ્ત્રોનો ત્યાગ કરી ‘નાગા’ સાધુઓની જેમ રહેવા માંડ્યું. જ્યારે મેં છેલ્લે તેમને જોયા ત્યારે તે સંપૂર્ણ રીતે પતિત માણસ થઈ ગયેલા. અમૂલ્યની આ દુ:ખી કહાણી સાંભળી સ્વામીજી થોડીવાર તો શાંત બેસી રહ્યા પછી બોલ્યા, “આહા! એક મહાત્મા! મહાત્મા!” પછી ઉમેર્યું, “આ જિંદગી તો એણે ગુમાવી પરંતુ બીજા જન્મમાં એ મુક્ત થઈ જશે. અમૂલ્ય કૉલેજમાં મારી સાથે ભણતો. એ સારો વિદ્યાર્થી હતો. એની દૃષ્ટિ વિશાળ હતી અને એ જ્ઞાનમાર્ગી હતો… સાધુ અમૂલ્યને કોઈ ગુરુ હતા નહિ. જ્યારે શિષ્ય ગેરમાર્ગે દોરાય અને તેનું પતન થવામાં જ હોય ત્યારે આધ્યાત્મિક ગુરુ તેનું રક્ષણ કરે છે અને શિષ્ય જાગૃત થઈ આગળ વધી શકે છે.” હું જોઈ શક્યો કે સ્વામીજી એકદમ જ લાગણીવશ (દુ:ખી) થઈ ગયેલા. તેઓ ખૂબ જ લાગણીશીલ હતા. જો કે હું તેમને એક મહાન નીતિમાન વ્યક્તિ તરીકે ઓળખું છું છતાં કોઈ પતિત માટેના તેમન પ્રેમે મને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધો કે જેથી મને તેઓ બાહ્ય રીતે કઠોળ છતાં અંતરથી કોમળ હતા તેની પ્રતીતિ થઈ. પછી મને ઉદ્દેશીને તેઓ બોલ્યા, “મન્મથ, આ વખતે જ્યારે તું અલ્હાબાદ જા ત્યારે અમૂલ્યને જઈને પૂછજે કે મેં, તારી સાથે, તેને શું જોઈએ છે તે વિષે પૂછાવ્યું છે. જે કંઈપણ તે કહે તે પ્રમાણે તું તેને તે વસ્તુઓ મોકલવાની વ્યવસ્થા કરજે.”

થોડા દિવસો બાદ સ્વામીજીના કહેવા પ્રમાણે મેં ગુરુજી પાસે જઈને કહ્યું, “સાહેબ, સ્વામીજીએ મને તમારી પાસે મોકલ્યો છે, નહિતર હું તમારી પાસે આવત જ નહિ. મહેરબાની કરીને તમારે કઈ ચીજની જરૂર છે તે મને કહો.” મારા મહેણાની તેમણે નોંધ લીધી હોય તેવું લાગ્યું નહિ અને તેમણે આશ્ચર્યચકિત થઈ કહ્યું, “શું! સ્વામીજીએ તમને મોકલ્યા છે? – સ્વામીજી! તેમણે મારા વિષે શું કહ્યું?” મેં જે-જે સ્વામીજી પાસેથી સાંભળેલું તે-તે તેને કહી સંભળાવ્યું.

લાગણીના ઊભરાને દબાવવા પ્રયાસ કરતા હોવાથી તેઓ થોડો સમય તો મૌન જ રહ્યા. પછી બોલ્યા, “ગાયના દૂધનું ચાર ડબ્બા ધી, તેમ જ થોડાં ફળો મારા માટે લાવજો.” થોડા દિવસોમાં આટલું લઈને હું તેમની પાસે ગયો જે જોઈને તેમણે સંતોષ વ્યક્ત કર્યો. આ મારી તેમની સાથેની છેલ્લી મુલાકાત. થોડાં જ અઠવાડિયાંમાં મને તેમના મૃત્યુના સમાચાર મળ્યા. સંભવત: સાધુ અમૂલ્યે ખોરાકનો ત્યાગ કરી શરીર છોડી દીધું. તેમનામાં રાજયોગી અને અઘોરી (તાંત્રિક વિદ્યા) પ્રકારના યોગીનું એક વિશિષ્ટ મિશ્રણ જોવામાં આવતું હતું. મેં તેમને જોયા પછી કદાચ તેમણે કંઈ જ લીધું નહોતું સિવાય કે સ્વામીજીના નામે મેં આપેલી નાની ભેટ.

સાધુ અમૂલ્ય વિષે કહ્યા બાદ સ્વામીજીએ મને કહ્યું, “તું મારી પાસેથી શું જાણવા ઈચ્છે છે? તને જે ગમે તે પ્રશ્ન મને પૂછી શકે છે.” મેં કહ્યું, “મેં તમારા ‘માયા’ પરનાં પ્રવચનો વાચ્યાં છે અને મને તે અસર કરી ગયાં છે. પરંતુ હું તે સમજી શકતો નથી. મને મહેરબાની કરીને જણાવો કે માયા શું છે?” થોડીવાર શાંત રહી તેઓ બોલ્યા, “બીજું પણ કંઈ જાણવું હોય તો પૂછી નાખ.” મેં કહ્યું, “સ્વામીજી બીજું વધુ મારે કંઈ પૂછવાનું નથી. તમારા જેવા બ્રહ્મરૂપ પુરુષ જો મને જ્ઞાન નહિ આપે તો મારા આ જીવનમાં તો તે એક બંધ કિતાબ જ રહી જશે.” આટલું કહેતામાં તો સ્વામીજીએ ‘માયા’ પર એક વ્યાખ્યાન શરૂ કર્યું. ધીરેધીરે મારું મન ઈન્દ્રિયોથી ઉપર ઊઠતું ગયું. હું મારી આસપાસ સૂક્ષ્મ જગતનો અનુભવ કરવા માંડ્યો, જે સ્થૂળ જગત કરતાં ઘણું જ સૂક્ષ્મ (પાતળું) હતું. હું મારી ખુલ્લી આંખોથી મઠ, ઝાડપાન અને બીજી બધી વસ્તુઓને આંદોલિત થતી જોઈ રહ્યો. જો તમે મોટા અગ્નિની ઉપર તરફ જુઓ તો તમે આ પ્રકારનું કંપન નોંધી શકો. એ જ પ્રકારે બધી વસ્તુઓ મારી આંખો સામે આંદોલિત તેમ જ કંપિત થઈ રહી હતી. હું મારા આ પ્રકારના અસામાન્ય અનુભવથી સભાન હતો અને મારી જાતને જ પૂછતો હતો, “આ હું જોઉં છું તે શું છે?”

મેં મારી આસપાસ બધે જ દરેક જગ્યાએ એ જ પ્રકારનું કંપન જોયું. ધીમેથી સ્વામીજી પણ મારી આંખો સમક્ષથી અદૃશ્ય થઈ ગયા. તેમ છતાં તેમનો અવાજ હું સાંભળી શકતો હતો. પરંતુ તેઓ જે બોલી રહ્યા હતા તેનો અર્થ સમજી શકતો નહોતો. ત્યાં એકાએક મારા મગજમાં થતાં આંદોલનોથી હું જાગૃત થઈ ગયો જ્યાં ખાલી શૂન્યાવકાશ જ હતો.

ફરીથી હું સ્વામીજીને જોઈ અને સાંભળી શક્યો. ત્યારબાદ તેમના કહેવાનો અર્થ પણ સારી રીતે સમજી શકતો હતો. પણ મારું મન મારા અહમ્ તરફ સભાન હતું અને એને પહેલાની જેમ પરિશ્રમ કરવો પડ્યો નહિ કેમકે મને લાગ્યું કે હું એ ‘માયા’નો અર્થ સમજી ગયેલો.

મારી ક્યારેય સ્વામીજી સાથે બોલવાની હિંમત ન થતી. છતાં અત્યારે હું મારી જાતને માયાના મહાસાગરમાં એક નાના પરપોટા તરીકે વિચારવા લાગ્યો કે જેમાં સ્વામીજી પણ બીજા એક પરપોટા હતા. એક ક્ષણ માટે તો તે તફાવત પણ નામશેષ થઈ ગયો. સ્વામીજીનું ભવ્ય વ્યક્તિત્વ, તેમની મહાન આધ્યાત્મિક સત્તા, તેમજ બીજું બધું જ આ મહાસાગર કે જેને સ્વામીજી ‘માયા’ કહેતા હતા તેને યોગાનુયોગ મળેલ હોય તેવું લાગ્યું. પરંતુ તે બીજું કંઈ નહિ પણ અખંડ ચિત્-બ્રહ્માંડની ચેતના જ હતી.

પછી મેં કહ્યું, “સ્વામીજી, આપ પણ ‘માયા’માં જ છો. મઠની તમારી આ પ્રવૃત્તિઓ, શાળાઓ દરિદ્રનારાયણ સેવા, દવાખાના, સેવા પ્રવૃત્તિઓ – આ બધું જ ‘માયા’ છે. આ બધાંની શી જરૂર છે? આપ પણ માયાપાશમાં જકડાયેલા છો.”

આ સાંભળી તેઓ ફક્ત હસ્યા અને થોડીવાર કંઈ બોલ્યા નહિ. એમની જ કૃપાથી હું મારી જાતનું માયા સાથેનું ઐક્ય જાણી શક્યો અને એ ફરીથી હું મારી જાતના નાના કોચલામાં પ્રવેશ્યો. હું, મઠ, સ્વામીજી અને બીજી બધી જ ચીજને તેના સાચા રૂપમાં જોવા લાગ્યો. એટલે કે, આ અનુભૂતિ પહેલાં હું જેવો હતો તેવો જ થઈ ગયો. થોડા સમય પહેલાં હું ઊંચા સ્વરમાં બોલી રહ્યો હતો અને તે પણ ઉત્તેજનાપૂર્ણ વર્તણૂંકમાં અને હવે હું આવું કર્યાની શરમ અનુભવી રહ્યો હતો, હું અને સ્વામીજી એક જ તત્ત્વના નહોતા અને હવે મેં તે વિશાળ તફાવત અનુભવ્યો.

(ક્રમશ:)

ભાષાંતર: કુ. સીમા કે. માંડવિયા

Total Views: 99

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.