સ્વામી વિવેકાનંદ વિષેની પોતાના મન પર પડેલી છાપને કોઈ પણ વ્યક્તિ ભાષામાં વપરાતાં સઘળાં સર્વોત્કૃષ્ટ વિશેષણો દ્વારા પણ વ્યક્ત કરી શકે નહિ, એવા એ સ્વામીજીએ ઈ. સ. ૧૯૦૦ની શરૂઆતમાં અમને જીવન અને ધર્મના તદ્દન નવા જ વિચારોનો પરિચય કરાવ્યો. મારા ઉપર પડેલી તેમની છાપને વ્યક્ત કરવા મને વિનંતી કરવામાં આવી; હું તો તેમનાં ભાષણોની નોંધ મારા પોતાના જ ઉપયોગ માટે – તેને ક્યારેય પ્રકાશિત નહિ કરવાના વિચારથી – લેતી હતી. હવે આ કરવું કેમ? તેઓ તો ઉચ્ચ સ્તરના એક પ્રકાશમાન વ્યક્તિ હોવા છતાં માનવતાના દરેક પાસાને સમજનાર જણાતા હતા. બુદ્ધિના દરેક સ્તરના લોકોને પોતાનાં વક્તવ્ય, હાસ્ય, મજાક દ્વારા તેમજ કોઈ પણ પ્રકારની સંકુચિતતા તેમજ અસહિષ્ણુતા તરફના તેમના ઉપેક્ષાભર્યો તિરસ્કાર દ્વારા અને દરેક માનવીય જરૂરત માટેની તેમની કરુણા દ્વારા તેઓ બધાંને જ અસર કરતા.
અમારા નાના આદર્શો સાથે તેમના વિચારની મહત્તાની તુલના કરતાં આશ્ચર્યાન્વિત થઈ જતા. જે સમયે અમે સ્વામીજીના સંસ્કૃત શ્લોકપઠનના રણકાર સાથે ખંડ છોડ્યો તે સાથે જ અમને ભાન થઈ ગયું કે તેઓ અમને વીસમી સદીના પ્રારંભમાં, જીવનના અર્થના નવા જ અને વિશાળ વિચારની અંદર પ્રવેશ કરાવી રહ્યા હતા.
કોઈ વ્યક્તિએ પોતાના લાંબા જીવનમાં પાછું વળી જોવું અને જીવનમૂલ્યો વિષેની પોતાની સમજણના થતા રહેતા બદલાવ વિષેની તેમજ સાવ નાના નજીવા પ્રસંગો પણ જીવનનો આખો રાહુ જ બદલી નાખે છે તેની નોંધ લેવી, એ ખરેખર રસસભર છે. જો મેં માધ્યમિક શાળામાં પ્રવેશ્યા પહેલાં જ સ્ટેનોગ્રાફીનો અભ્યાસ સ્વીકાર્યો ન હોત અને જો માધ્યમિક શાળાના બીજા જ વર્ષમાં માનસિક રીતે પડી ભાંગીને મેં શાળા છોડી ન હોત તો, હું ક્યારેય સ્વામીજીને મળી શકી ન હોત; જો કે તેમનાં કેટલાંક ભાષણો કદાચિત સાંભળ્યાં હોત. હું પિયાનો શીખતી હતી તેમજ શાળામાં પણ જતી. દાકતરનો ફેંસલો હતો, “તારે કાં તો શાળા અથવા સંગીત છોડી દેવું જોઈએ. અથવા તો તારે બેમાંથી એકેયની જરૂર નથી” અને આમ કહી તેમણે મને કુમારી લીડીયા બેલની મદદ લેવા મોકલી. કુમારી બેલ સાન ફ્રાન્સિસ્કોમાં આવેલ કૅલિફૉર્નિયા સ્ટ્રીટના ‘સત્ય-ગૃહ’નાં નેતા હતાં. મેં તે ગૃહમાં રહેવા માંડ્યું અને મેં બેલના સવારના વર્ગો તેમજ રવિવારીય પ્રવચનોની નોંધ લેવા માંડી.
સવારના વર્ગોમાં અમે સ્વામી વિવેકાનંદના રાજયોગનું (એ તેમની પશ્ચિમની પહેલી મુલાકાત વખતે ન્યુયૉર્કથી પ્રકાશિત થયેલું) અધ્યયન કરતાં. તે વખતે સ્વામીજી લૉસ એન્જલ્સ હતા અને ઑકલેન્ડ ખાતેના પ્રથમ યુનિટેરિયન ચર્ચમાં પ્રવચન આપવા તેમણે માનનીય બી. ફે. મીલ્સના આમંત્રણનો સ્વીકાર કરેલો. ત્યાં હું ઈ. સ. ૧૯૦૦ના ફેબ્રુઆરી માસની શરૂઆતમાં કુ. બેલ અને બીજા મિત્રો સાથે ગઈ. અને ત્યાં જે સાંભળ્યું તેનાથી અમે સૌ અભિભૂત તેમજ આશ્ચર્યચકિત થઈ ગયેલાં. તેમજ સ્વામીજીના બાહ્યપ્રભાવથી જ મંત્રમુગ્ધ થઈ ખેંચાઈ ગયાં હતાં. તેઓ ખરેખર જ માનવ કરતાં ઘણું વધારે – એક મહાત્મા કે દિવ્ય પુરુષ જ હતા. એમના જેવા ઉદાત્ત વકતા કે હાસ્યકાર, મજેદાર વાર્તાકાર કે મજાક કરાવનાર કોઈ હોઈ શકે નહિ. મેં જ્યારે તેમને જોયા અને સાંભળ્યા અને તેમને જન્મ આપનાર સંસ્કૃતિ વિષેનું તેમનું જે અર્થઘટન તેમણે અમારી સમક્ષ કર્યું તે વિષે વિચારતાં મને પોતાને અમેરિકન હોવાની એકદમ જ શરમ ઊપજી. હું તેમનાં મોટા ભાગનાં પ્રવચનોમાં કુ. બેલ સાથે તેમજ બીજા કેટલાક મિત્રો સાથે જતી અને બધાં જ ભાષણોમાં મને ઉત્તેજનાપૂર્ણ ઉત્સાહ મળ્યો. જો કે કેટલાંકમાં તો મને સિદ્ધાંતો કરતાં એમના વ્યક્તિત્વની જ અસર વધુ થઈ. મને યાદ છે કે મારા શિક્ષકની સાથે સંગીતનો અભ્યાસ કરતી એક ખૂબ જ સંપત્તિમાન અમીર સ્ત્રી ભાવાન્વિત થઈને આવું બોલી – “અરે, તેઓ તો જાણે સુવર્ણની સુંદર પ્રતિમા છે!”
જાહેર પ્રવચનો ઉપરાંત સ્વામીજી કેટલાક જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ માટે સવારે ધ્યાનના વર્ગો લેતા. આ વર્ગો ટર્ક સ્ટ્રીટમાં આવેલ એક ઍપાર્ટમેન્ટના એક ઓરડામાં લેવામાં આવતાં. તે ઍપાર્ટમેન્ટ શ્રીમતી ઍલીસ હૅન્સબૉરૉ (શાંતિ) અને શ્રીમતી ઍમીલી ઍસ્પીનોલે સ્વામીજી માટે ભાડે રાખેલ. મેં તેમાંના થોડા વર્ગો ભરેલા પણ કાંઈ લખેલ નહિ. તેની કાર્યસૂચિ આ પ્રમાણે હતી: સૌ પ્રથમ ધ્યાન કરવામાં આવતું, પછી માહિતી અપાતી, ત્યારબાદ પ્રશ્નોત્તરી થતી, એ પછી મહાવરા માટેનાં સૂચનો આપવામાં આવતાં; ત્યારબાદ આરામ અને પછી ભોજન. સ્વામીજી હળવા અને માફ્કસર ગુણવત્તાવાળા ખોરાકને મહત્ત્વ આપતા. એક સૂચન મને યાદ છે, એક અઠવાડિયું મીઠા વિનાનું ખાવાનું રહેતું; એ આપણા મજજાતંત્રને ફાયદાકારક કેમ કે મીઠું ગુસ્સાને પ્રેરનાર ગણાય છે.
આ વર્ગોમાં ઘણા પ્રશ્નોના જવાબ આપવામાં આવતા. જે લોકો વર્ગના સમય પહેલાં આવી જતા તેમને સ્વામીજી સાથે મુલાકાત-ઓળખાણની થોડી તક મળતી. અમને જમવાના ઓરડામાં આમંત્રિત કરવામાં આવતા ત્યાં અમે અનૌપચારિક વાતોનો આનંદ પણ મેળવતાં. સ્વામીજી અમારી આમથી તેમ દોડાદોડી કરવાની આદતની મજાક ઉડાવતા. તેઓ ક્યારેય ઉતાવળા ન થતા. તેઓ પોતાની પરમશાંતિ ક્યારેય ગુમાવતા નહિ. કોઈ સ્ટ્રીટ કાર માટે દોડતું જતું તો તે જોવામાં તેમને આનંદ મળતો. તેઓ પૂછતા, “બીજી ગાડી નહિ મળે કે?” પોતાનો વર્ગ કે પ્રવચન મોડેથી શરૂ થાય તો તેમાં તેમને જરા પણ મુશ્કેલી ન લાગતી. તેમજ તેને પૂરું કરવામાં પણ કોઈ નક્કી સમય હતો નહિ. પોતાનો વિષય પૂરો ન થાય ત્યાં સુધી તેઓ તે ચાલુ રાખતા, પછી ભલે આપેલ સમય કરતાં બમણો સમય વહી જાય. વર્ગ શરૂ થયા પહેલાંની આ વહેલી સવારની મુલાકાત બિલકુલ જ અનૌપચારિક રહેતી. સ્વામીજી રાખોડી રંગનો ફલાલીનનો ઝભ્ભો પહેરી, આરામ ખુરશીમાં પલાંઠીવાળી બેસી, પ્રશ્નોના જવાબ આપતા તથા મજાક પણ કરતા અને વર્ગનો સમય થતાં જ, તેઓ બે મિનિટ બાદ બેઠકખંડમાં ઝભ્ભો પહેરી આવતા ત્યારે પણ ગંભીર વિષયમાંય વચ્ચે વચ્ચે મશ્કરી તો ચાલુ જ રહેતી.
આ જ વસ્તુ તેમના જાહેર પ્રવચનમાં પણ બનતી. તેઓ એકવાર જ્યારે કોઈ વ્યક્તિએ ઈશ્વર સાથે પોતાની એકાત્મતાની અનુભૂતિ થાય ત્યારે તે માણસના વ્યક્તિત્વનું શું થાય છે? એમ પૂછીને આશ્ચર્ય બતાવ્યું, ત્યારે એ પ્રશ્નની તેઓ હાંસી-મજાક ઉડાવતા. એક પ્રકારના લહેકાથી ‘વ્યક્તિત્વ’ શબ્દ પર ભાર મૂકતાં બોલ્યા, “તમે આ દેશના લોકો પોતાના વ્યક્તિત્વને ગુમાવવાથી ખૂબ ડરો છો! શા માટે? હજુ સુધી તમે પોતે વ્યક્તિ જ બન્યા નથી. જ્યારે તમે તમારા પૂરા સ્વભાવને જાણી શકો ત્યારે જ તમે તમારું સાચું વ્યક્તિત્વ મેળવી શકો; તે પહેલાં હરગીઝ નહિ. ઈશ્વરને જાણવામાં તમે કંઈ ગુમાવી શકો નહિ. બીજી એક વસ્તુ વિશે પણ આ દેશમાં સતત સાંભળતો આવ્યો છું અને તે છે કે આપણે આપણા સ્વભાવ સાથે સંવાદિત થઈને જીવવું જોઈએ. શું તમે તે જાણતા નથી કે આ જગતમાં જે કંઈ પ્રગતિ થઈ છે તે સ્વભાવને જીતવાથી જ થઈ છે? જો આપણે કંઈ પણ પ્રગતિ કરવી હશે તો આપણે દરેક તબક્કે આપણા સ્વભાવનો વિરોધ કરવો પડશે.”
દરેક પ્રવચનના અંતે તેઓ પ્રશ્નોને આવકારતા; એક વખત જ્યારે કોઈકે એવું મંતવ્ય રજૂ કર્યું કે લોકો તેમને ઘણા બધા પ્રશ્નો પૂછીને થકવી દે છે, ત્યારે તેમણે કહ્યું, “તમને જેવા ગમે તેવા બધા જ પ્રશ્ના પૂછો; જેટલા વધુ પ્રશ્નો તેટલું સારું. એટલા માટે જ હું અહીં છું; મને જ્યાં સુધી તમે સમજી શકશો નહિ ત્યાં સુધી હું તમને છોડી જઈશ નહિ. ભારતના લોકો મને કહેતા કે ઘણા લોકોને એકી સાથે અદ્વૈત વેદાંત શીખવવું નહિ; પરંતુ હું તો કહું છું કે હું તો એક નાના બાળકને પણ તે સમજાવી શકું. હા, તમારે એકદમ જ શરૂઆતથી ઉચ્ચતમ આધ્યાત્મિક સત્યો શીખવવાં ન જોઈએ.”
મનની આધ્યાત્મિક તાલીમ વિષે બોલતાં તેમણે કહ્યું, “જેટલું થોડું વાંચો તેટલું સારું. ગીતા અને વેદાંત ઉપરનાં બીજાં સારાં પુસ્તકો વાંચો. બસ, આ જ તમારા માટે જરૂરી છે. શિક્ષણની વર્તમાન પદ્ધતિ બિલકુલ ખોટી છે. મગજ પોતે કઈ રીતે વિચારવું તે જાણે તે પહેલાં જ બધી જ હકીકતો ઠાંસી દેવામાં આવે છે. સૌ પ્રથમ તો મનનો નિગ્રહ કેમ કરવો તે વિષે શીખવવું જોઈએ. જો મારે મારું શિક્ષણ ફરીથી લેવાનું હોય અને તે બાબતમાં મારે પોતાનો કોઈ અવાજ માન્ય હોય તો સૌ પ્રથમ તો હું મારા મનને જીતતાં જ શીખું, અને ત્યાર બાદ જો મને જરૂર હોય તો બીજી હકીકતો એકઠી કરું. લોકોને શીખતાં બહુ સમય લાગે છે તેનું કારણ પણ તે જ છે કે તેઓ પોતાની ઇચ્છાથી પોતાના મનને એકાગ્ર કરી શકતા નથી. મૅકૉલેનું પુસ્તક ‘ઇંગ્લૅન્ડનો ઇતિહાસ’ ત્રણ વાર વાંચવાથી મને યાદ રહેલ, જ્યારે મારી માતાને કોઈપણ ધાર્મિક પુસ્તક એક જ વાર વાંચવાથી યાદ રહી જતું. લોકો પોતાના મનને કાબૂમાં નહિ રાખવાથી જ હંમેશાં હેરાન થાય છે. આ બાબતને વધુ સમજાવવા માટે ભલે અસભ્ય છે છતાં એક દાખલો આપું: એક માણસને તેની પત્ની સાથે થોડી મુશ્કેલી હતી. તે સ્ત્રી તેને છોડીને બીજાની સાથે જતી રહી. તે આવી ભયાનક હતી! પણ બિચારો તે માણસ તેને ભૂલી શકતો નહોતો અને તેથી દુ:ખી થતો હતો.
રવિવારની એક સાંજે સ્વામીજીનું ‘સત્ય-ગૃહ’માં પ્રવચન ગોઠવાયેલું હતું. તેમણે પોતાના કેટલાક મિત્રોને કહ્યું, “આજે રાત્રે મારા પ્રવચનમાં આવજો. હું કેટલાંક બોમ્બ ફેંકવાનો છું. તે બહુ રસપ્રદ હશે. તમને તે ફાયદાકારક હશે!” ખરેખર જ તે પ્રવચન ખૂબ જ રસાળ તેમજ એકદમ અસરકારક હતું. તેઓ અમારા વિષે શું જાણે છે તે વિષે તેમણે એકદમ જ સાદી છતાં ધારદાર ભાષામાં કહ્યું એમાં કશી ખોટી આળપંપાળ નહોતી. પરંતુ અમે જો તે સ્વીકારીએ તો ખરેખર જ તે સંપૂર્ણ હતું અને મને લાગે છે કે અમે તેનો સ્વીકાર કરી શક્યાં. કાંઈ બાકી રહ્યું હોય એવું મને યાદ નથી. તેમણે મનને મજબૂત કરવાના સાધન રૂપે બ્રહ્મચર્યના વિચાર પર તેમજ ગૃહસ્થ તથા સંન્યાસી બંને માટે પવિત્રતા ઉપર ભાર મૂક્યો. તેમણે થોડા સમયથી અમેરિકામાં આવી વસેલા એક હિંદુ છોકરા વિષે કહ્યું. અમેરિકામાં તે માંદો પડયો. તે છોકરાએ સ્વામીજીને કહ્યું કે બ્રહ્મચર્ય માટેનો ભારતીય સિદ્ધાંત ખોટો હોવો જોઈએ કેમકે અમેરિકાના તબીબોએ તેને તેની વિરુદ્ધ સલાહ આપી છે. સ્વામીજીએ કહ્યું: “મેં તેને ભારત પાછા ફરી, હજારો વરસથી બ્રહ્મચર્યની સાધના કરતા તેના પૂર્વજો પાસેથી ઉપદેશ સાંભળવા કહ્યું” અને પછી તો તેમણે અમેરિકાના તબીબોને આવી સલાહ આપવા માટે સખત રીતે ઝાટક્યા.
શ્રીમતી સ્ટીલે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવેલ અને પ્રવચન પહેલાં જમવા બેસાડ્યા ત્યારે સ્વામીજી ખૂબ જ આનંદિત તેમજ અનૌપચારિક હતા. અમે લોકો આતુરતાથી દરરોજની તેમની ભોજન વખતની પ્રાર્થના માટે રાહ જોતાં હતાં. પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે તેમણે તરત જ ખાવાનું શરુ કરી દીધું. તેમણે ભોજન પહેલાને બદલે ભોજન બાદ પ્રાર્થના કરવા માટેની ટકોર કરી અને શ્રીમતી સ્ટીલને ઉદ્દેશીને કહ્યું પણ ખરું કે, “બહેન, મારે તમારી પ્રાર્થના કરવી જોઈએ. તમે આ બધું જ તૈયાર કર્યું છે. તેણે મુખવાસમાં ખૂબ સુંદર ખજૂર પણ ધરેલા એ સ્વામીજીએ ખૂબ જ આનંદથી લીધા અને જયારે તે સ્વાદપૂર્વક લેવા માટે તેણે સ્વામીજીની કૃતજ્ઞતાની પ્રશંસા કરી ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો: “એ તો તમારાં ખજૂર હતાં ને, બહેન?”
(ક્રમશ:)
ભાષાંતર: કુ. સીમા માંડવિયા
Your Content Goes Here




