શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ, વિશ્વભરમાં સુપ્રસિદ્ધ મહાન વિદ્વાન અને વ્યાખ્યાતા, સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘સ્વામી રંગનાથાનંદ રિડર’ નામના શ્રીરાજીવ મલ્હોત્રાએ સંપાદિત કરેલ પુસ્તકમાંથી ‘સ્વામી વિવેકાનંદ : હિઝ લાઈફ એન્ડ મિશન’નો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

વૈદિક કાળથી આધુનિક યુગ સુધી જેમણે ભારતના આકાશને આધ્યાત્મિકતાથી ઉજ્જવળ બનાવ્યું છે એવા અધ્યાત્મ પયગંબરોની શૃંખલામાંની સ્વામી વિવેકાનંદ એક અતૂટ કડી છે. આ મહાન વિભૂતિઓએ ભારતીય સંસ્કૃતિને ગુણલક્ષણ, માર્ગદર્શન અને આધ્યાત્મિક ઊર્જા અર્પ્યાં છે. યુગે યુગે આવા મહાન અવતારો આવ્યા અને એને કારણે પરદેશી આક્રમણો, ગુલામી અને વિનાશક પરિબળો હોવા છતાં આજે પણ ભારત જીવતું જાગતું છે. વિશ્વના સાંસ્કૃતિક ઇતિહાસ તરફ એક નજર નાખીએ તો આવાં ઘાતક પરિબળોના એકાદ અંશ્ો પણ કેટલાંય રાષ્ટ્રો અને સંસ્કૃતિઓને હતાં ન હતાં કરી દીધાં છે. આવા ઋષિમનોના સમયે સમયે થતા રહેલ સ્પર્શથી ભારતને નવી ઊર્જા અને નવી આશાઅપેક્ષાઓ દરેક સમયે મળ્યા છે.

આધુનિક ભારતનું નવજાગરણ

૧૮મી સદીના અંતે ભારત જરીપુરાણું, ખખડી ગયેલ, નિરુત્સાહી-મુડદાલ બની ગયું હતું અને હવે તો પોતાના સાર્વત્રિક વિનાશ કે મૃત્યુ અથવા અખંડતા અને નવજીવનની રાહ જોતું હતું. આ ભયાનક ભયના સમયે ભારતની ભીતર રહેલી આધ્યાત્મિક શક્તિ જાગી ઊઠી અને ૧૯મી સદીના પ્રારંભમાં તેને નવજીવન સાંપડ્યું. આ રાષ્ટ્રે આ યુગના પડકારને ઝીલી લીધો અને સર્જનાત્મક તેમજ ક્રિયાશીલતા સાથે તેનો ઉકેલ પણ શોધી કાઢ્યો. નવજાગરણની આ પ્રક્રિયાનો પ્રારંભ સમર્થ અને દીર્ઘદ્રષ્ટિવાળી વ્યક્તિમત્તાઓએ કર્યો.

રાજા રામમોહન રાયે પોતાના દેશબંધુઓને જગાડવાનો પ્રયત્ન કર્યો અને આપણા લોકોની યુગો જૂની સંસ્કૃતિને વધુ પવિત્ર, નિર્મળ અને પ્રબળ બનાવવાનું, પ્રાચીન ભારતના આધ્યાત્મિક વારસા તેમજ આધુનિક પશ્ચિમની સંસ્કૃતિના સુભગ સમન્વયનું કાર્ય પણ એમણે કર્યું હતું. આ સદી સુધી ચાલેલી નવજાગરણની પ્રક્રિયામાં કેટલાય મહાન નેતાઓ અને આંદોલનો પણ આવતાં રહ્યાં. અને આ સદીના અંતે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના અત્યંત ક્રિયાશીલ, ગતિશીલ અને પ્રમાણભૂત પ્રતિનિધિઓનાં જીવન અને કવને આ નવજાગરણની પ્રક્રિયા પુખ્ત અને પરિપૂર્ણ બનાવી. આ બન્ને વિભૂતિઓ ભારતમાં જન્મી છે, પરંતુ તેમણે બધી માનવ પ્રજાઓની આધ્યાત્મિક ઝંખનાઓ અને આશાઓને રજૂ કરી છે. રોમાં રોલાંની ભાષામાં કહીએ તો એ બન્ને ‘વિશ્વ આત્માઓ’ હતા.

સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત

સદીઓથી સમગ્ર વિશ્વથી સાવ અલગ પડી ગયેલા ભારતને સ્વામી વિવેકાનંદે આંતરરાષ્ટ્રિય જીવન અને ચિંતન મનનના પ્રવાહમાં ફરીથી જોડી દીધું. તેમણે આધુનિક યુગની વાસ્તવિક પરિસ્થિતિઓ અને માગ પ્રમાણે ભારતના લોકોને પુન : જાગૃત કર્યા. રોમાં રોલાંના શબ્દોમાં કહીએ તો, ‘પોતાના એક પછી એક અવતરેલા સંન્યાસીઓના હાથે સદીઓથી એકાંતવાસમાં સપડાયેલી પરિસ્થિતિમાંથી – નિ :સાર, શુષ્ક ધારણાઓના બોજાઓમાંથી ભારત હવે મુક્ત થવા લાગ્યું. અને પરિણામે આ તત્ત્વજ્ઞાનનું સમગ્ર સ્રોત કે જે ભીતર સુષુપ્ત અવસ્થામાં હતું તેણે પોતાનાં બંધનો તોડ્યાં અને પાણીનાં અસંખ્ય અને અવિરત આવતાં મોજાંઓની જેમ કાર્યરૂપે પ્રસરી ગયું… આ ‘મહાન ભારત’, આ ‘નવભારત’ શ્રીરામકૃષ્ણના પ્રાણથી રસતરબોળ બની ગયું છે. તારક યુગલ – પરમહંસના વીરનાયક સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના ઉપદેશોને કાર્યમાં પરિણત કર્યા અને ભારતના વર્તમાન અને ભાવિ પર તે સૌથી વધારે પ્રભાવક તેમજ માર્ગદર્શક બની રહેશ્ો. તેની ઉષ્માદાયી તેજોજ્વલતાએ ભારતની ભૂમિની ભીતર જ કાર્યનું રૂપાંતરણ કર્યું અને તેને વધારે ફળદ્રુપ પણ બનાવી.

સ્વામી વિવેકાનંદ એક વિલક્ષણ આધ્યાત્મિક ગુરુ કે ઉપદેશક હતા. તેઓ તો તે ઈશ્વરપ્રાપ્તિના આનંદમાં ડૂબી જતા અને વળી પાછા તેઓ સામાન્ય નરનારીઓની જેમ બાહ્યભાનની અવસ્થામાં આવી જતા. આધ્યાત્મિકતામાં લીન થઈ જવું અને ઇહજગતમાં પણ રહેવું – તેમની દ્રષ્ટિએ આ બંને ક્ષેત્રો ભિન્ન ભિન્ન ન હતાં, પણ એ બંને અભિન્ન હતાં. આ વાત એમણે પોતાના અનન્ય સૂત્ર ‘કર્મ એ જ પૂજા’ દ્વારા વ્યક્ત કરી છે. તેમણે સમગ્ર માનવ પ્રજાને એક નવું દર્શનશાસ્ત્ર ઉપદેશ્યું છે કે જેમાં સમાજને વધુ સમૃદ્ધ બનાવવા માટે સેવાભાવનાનાં બાહ્યકર્મ અને વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ અને સમૃદ્ધિ માટે અંતરનાં પરમકર્મ એકીસાથે જોડાઈ જાય છે. સ્વામીજીએ આ એક નવા દર્શનનું સૂત્ર આપણને આપ્યું છે. એમની ગ્રંથમાળામાં આપણને આ સૂત્ર એમનાં ભાષણો – લેખો કે વર્ગવ્યાખ્યાનોમાં અવારનવાર જોવા મળે છે.

Total Views: 363

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.