વીસમી સદીના પ્રારંભમાં જ આજથી સૌ વર્ષ પહેલાં ૩જી જાન્યુઆરી, ૧૯૦૧ના શુભદિને સ્વામી વિવેકાનંદે પોતાના સ્વપ્ન સમી અદ્વૈત આશ્રમ, માયાવતીની પાવનભૂમિ પર પોતાના પાવન પગલાં ભર્યાં. સ્વામીજીને હિમાલયની પવિત્ર ભૂમિનું અદ્ભુત આકર્ષણ હતું. એમને આ ભૂમિ પર મઠની સ્થાપના કરવાની ઇચ્છા હતી. ૧૮૯૬ના ઓગષ્ટમાં સ્વામીજી અંગ્રેજ દંપતી, શ્રીમાન અને શ્રીમતી સેવિયર સાથે લંડનથી સ્વીટ્ઝરલૅન્ડ ગયા. સ્વામીજી પાસેથી વેદાંતનો મહિમા સાંભળીને આ દંપતીએ ભારતમાં આવવાનું નક્કી કર્યું. શ્રીમતી. સેવિયરને, જેમને સ્વામીજી ‘મધર સેવિયર’ના નામે બોલાવતાં, તેમણે એક વખત કહ્યું હતું, ‘તમે ભારત નથી. આવવા માગતા? હું તમને ત્યાં મારી સર્વોત્તમ અનુભૂતિઓનાં દર્શન કરાવી શકીશ.’ સ્વીટ્ઝરલૅન્ડના આલ્પ્સ પર્વતમાળાને જોઈને તેમને આ સેવિયર દંપતીની સહાયથી હિમાલયમાં એક કેન્દ્ર ખોલવાની ઇચ્છા જાગ્રત થઈ હશે. એટલે જ ૧૯૯૬ના નવેમ્બરમાં આલમોડાના લાલા બદરી શાને લખેલા એક પત્રમાં હિમાલયમાં એક આખી પર્વત ટેકરી સાથેની વિશાળ જમીન ખરીદવા તેમણે જણાવ્યું હતું. પછી સેવિયર દંપતી અને બીજા ભક્તો સાથે તેઓ ભારત પાછા ફર્યા. ભારતમાં કોલંબોથી માંડીને સમગ્ર દેશભરમાં સ્થળે સ્થળે ઘણા ઉત્તેજના અને પ્રેમોલ્લાસ સાથે એમનું ભવ્ય સ્વાગત ભારતના પ્રજાજનોએ કર્યું હતું. શ્રીમાન- શ્રીમતી સેવિયર કલકત્તાની ગરમી સહન ન થતાં તેઓ પરિભ્રમણ કરતાં કરતાં આલમોડામાં આવીને ત્યાં થૉમ્સન હાઉસમાં ભાડેથી રહેવા લાગ્યાં. ત્યાંથી તેમણે સ્વામીજીને આલમોડા આવવા વિનંતી કરી. સ્વામીજી ૧૮૯૮ના મે માસમાં આલમોડા જવા રવાના થયા.
આ દરમિયાન ‘પ્રબુદ્ધ ભારત’ના પ્રથમ તંત્રી શ્રી બી.આર. રાજમ્ અય્યરનું અવસાન થયું. સ્વામીજીએ શ્રી સેવિયરને જણાવ્યું કે તમારા બંનેની ભારતની સેવા કરવાની ઇચ્છાને હિમાલયમાંથી સામયિક બહાર પાડીને પાર પાડી શકાય. અને આ રીતે ‘પ્રબુદ્ધ ભારત’ મદ્રાસને બદલે થોમ્સન હાઉસ, આલમોડામાંથી પ્રસિદ્ધ થવા લાગ્યું. આ સામયિકના મેનેજર શ્રીમાન સેવિયર બન્યા અને પ્રથમ સંન્યાસી તંત્રી રૂપે સ્વામી સ્વરૂપાનંદજીએ કામ સંભાળ્યું. હિમાલયની ભૂમિમાં આશ્રમ સ્થાપનાની યોગ્ય ભૂમિની શોધમાં સ્વામી સ્વરૂપાનંદજી સાથે શ્રી સેવિયરે આલમોડાના બધા વિસ્તારો ખૂંદી નાખ્યા અને અંતે તેઓ માયાવતીની વિશાળ જગ્યાએ આવી પહોંચ્યા. ચાના બગીચાવાળી આ ભૂમિને સ્વામીજીના શુભાશીર્વાદ સાથે શ્રીમાન સેવિયરે આશ્રમ માટે ખરીદી લીધી અને થોડા વખતમાં ‘પ્રબુદ્ધ ભારત’નું કાર્યાલય ‘માયાવતી’માં આવી ગયું. શ્રીરામકૃષ્ણદેવની પાવનકારી આવિર્ભાવ તિથિ મહોત્સવના પવિત્ર દિને ૧૯ માર્ચ, ૧૮૯૯ના રોજ અદ્વૈત આશ્રમ, માયાવતીનું મંગળ ઉદ્ઘાટન થયું. એ વખતના અદ્વૈત આશ્રમ, ‘માયાવતીના વડા સ્વામી સ્વરૂપાનંદજીને અદ્વૈત આશ્રમ, માયાવતીના વિજ્ઞાપન પત્રમાં સમાવવા માટે ઈ.સ. ૧૮૯૯ના માર્ચ માસમાં પાઠવેલા એક પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું :
“અદ્વૈતવાદ જ એક એવો વાદ છે કે જેના દ્વારા માણસ પોતા પર સંપૂર્ણ કાબૂ મેળવે છે, સર્વ પ્રકારની પરાધીનતા અને તેની સાથે વળગેલા વહેમોને દૂર કરે છે, અને એ રીતે આપણને બહાદુરીથી સહન કરતાં, બહાદુરીથી કાર્ય કરતાં શીખવે છે અને લાંબે ગાળે કૈવલ્ય મુક્તિએ પહોંચાડે છે. એવી આશા રાખવામાં આવે છે કે, આ સ્થાનમાં અદ્વૈતને સર્વ પ્રકારના વહેમો અને દુર્બળ બનાવનારા ચેપોથી મુક્ત રાખવામાં આવશે. અહીં એક માત્ર કેવળ અને શુદ્ધ અદ્વૈત સિદ્ધાંતનો જ ઉપદેશ આપવામાં આવશે અને તેનો જ અમલ કરવામાં આવશે; તે સિવાય બીજા કશાનો જ નહિ. અને બીજી બધી વિચા૨પ્રણાલીઓ સાથે સંપૂર્ણ સહાનુભૂતિ ધરાવવા છતાં આ આશ્રમ તો એક માત્ર અદ્વૈતને અને અદ્વૈતને જ અર્પણ રહેશે.”૧
પ્રાચીન ઋષિમુનિઓની અનુભૂતિની આધારશિલા પર રચાયેલું અને ઉપનિષદોમાં ઉદ્ઘાટિત થયેલું આ અદ્વૈત વેદાન્ત જ માનવીય ચિંતનનો શ્રેષ્ઠ સિદ્ધાંત છે. અહીં જ આ જીવનમાં બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર કરાવવા સક્ષમ છે. વિષમતાના અને ભેદભાવના પડદાને ચીરી નાખીને એ સમગ્ર પ્રકૃતિની દિવ્યતાને, અખિલ જીવનના ઐક્યને અને તેના બધા સાધકોની ઉદાત્તતાને ઉદ્ઘાટિત કરે છે. આ અદ્વૈત સર્વ મતો, સંપ્રદાયો, પંથો, સિદ્ધાંતો અને વિચારોનું સમન્વયાત્મક રૂપ છે અને તે કોઈનો વિરોધ પણ નથી કરતું. પણ ભારતમાં તો કંઈક તો આ ઉચ્ચતમ શિક્ષણને બાપીકું કરી દેનારા થોડા લોકોના સ્વાર્થ અને અજ્ઞાનને લીધે અને કંઈક વળી એને પરિણામે સંકુચિત બની ગયેલા આદર્શોને લીધે આ અદ્વૈત વેદાન્ત માનવજાતને આવશ્યક પ્રમાણમાં જગાડી શક્યું નથી. અદ્વૈત વેદાન્તના આ આદર્શને જાગૃત કરવા માટે વંશભેદ, રંગ-જાતિ-પાંતિ-સંપ્રદાય વગેરેના ભેદભાવોને ઉચ્ચત્તમ નિઃસ્વાર્થ પ્રેમ દ્વારા કેવળ લાગણી કે કલ્પનાના પાયા ઉપર જ નહીં, પણ એકતાના બૌદ્ધિક અને આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં સમગ્ર, અસ્તિત્વની દિવ્યતામાં એકીભૂત કરવા એ જ એનો હેતુ છે, એ જ માનવદુઃખોને દૂર કરવાનો અને માનવવિકાસ સાધવાનો સાચો માર્ગ છે.
પોતાના પશ્ચિમના બીજા પ્રવાસ પછી સ્વામીજી શ્રી સેવિયરની ગંભીર માંદગીના સમાચાર સાંભળીને ૯મી ડિસેમ્બર, ૧૯૦૦ના રોજ ભારત પાછા ફર્યા પણ એ પહેલાં શ્રી સેવિયરનું અવસાન થતાં તેમણે ઘણો ઊંડો આઘાત અનુભવ્યો. શ્રીમતી સેવિયરને આશ્વાસન આપવા તેઓ બેલુરથી માયાવતી જવા ઉપડ્યા. સ્વામીજીના જીવનઇતિહાસના પ્રકરણોમાં એમની માયાવતીની મુલાકાત એક રસપ્રદ અને મહત્ત્વનું કથાનક છે. હિમાલયની પાવનભૂમિમાં મઠનું, શુદ્ધ અદ્વૈતનું મથક સ્થપાય તેવી એમની મનીષા પરિપૂર્ણ થઈ હતી. પણ એમને એટલું જ દુઃખ હતું કે વેદાંત પ્રચારના કાર્ય માટે બે યુરોપિયનોએ (શ્રી સેવિયર અને જે.જે. ગુડવિન) શહીદી વહોરી લીધી.
સ્વામી શિવાનંદ અને સ્વામી સદાનંદ સાથે સ્વામીજી ૨૯મી ડિસે. કાઠગોદામ પહોંચ્યા. હિમાલયનો ભયંકર શિયાળો અને સ્વામીજીનું તાવવાળું શરીર અને પહાડોની વિકટ મુસાફરી, તેમાં ય પહાડોની મુસાફરી માટેનો વિશેષ પ્રતિકૂળ સમય – શિયાળો; આ બધાંને લીધે કાઠગોદામથી માયાવતી સુધીના ૫ માઈલ કાપવા ખૂબ આકરા લાગ્યા. નજીકના કોઈ ગામડાં કે કસ્બાથી ઘણાં માઈલો દૂર ગીચ જંગલની વચ્ચે માયાવતી આવેલું હતું. ત્યારે અહીં કાચા રસ્તાની સુવિધા પણ નહોતી. હાથમાં દંડ લઈને સર્પાકારે ઉપર-નીચે ટેકરીઓમાં ચઢ-ઊતર કરવી પડતી. સ્વામી વિરજાનંદજીએ સ્વામીજીને રસ્તામાં મુશ્કેલી ન પડે એટલા માટે ઘણી સારી વ્યવસ્થા કરી રાખી હતી. તેમના માટે ડોળીની વ્યવસ્થા પણ હતી. હિમાચ્છાદિત અને સતત હિમવર્ષાવાળા આ પ્રદેશોમાં તેમણે ૩૦મી ડિસેમ્બરનો રાતવાસો ધારીના એક ડાકબંગલામાં કર્યો. બીજે દિવસે નિશ્ચિત સ્થાને સાંજ સુધીમાં ન પહોંચી શક્તાં આખી રાત સતત હિમવર્ષા અને વરસાદ વચ્ચે ઓગણીસમી સદીની છેલ્લી રાત્રી – ૩૧ ડિસેમ્બર, ૧૯૦૦ની રાત તેમને એક કાચા આશ્રયસ્થાનમાં ગાળવી પડી. રસ્તામાં હિમાચ્છાદિત પર્વતમાળા અને વૃક્ષોને જોઈને સ્વામીજી આશ્ચર્યચકિત થઈને કહેતા : ‘જુઓ તો ખરા આ હિમકણો બધાંને કેવા રમણીય બનાવી દે છે!’ સૌરનાલા, દેવીધુરા અને ધુનાઘાટ થઈને અંતે ૧૯૦૧ની ૩જી જાન્યુ. સૌ માયાવતી પહોંચ્યા. આશ્રમના મકાનો દૂરથી જોઈને ખૂબ પ્રસન્ન થયા. ખીણમાં વહેતા ઝરણાં પાસે પહોંચ્યા પણ આશ્રમમાં થયેલા બારના ઘંટ-ટકોરા સાંભળીને તેઓ ત્યાં પહોંચવા અધીરા બન્યા અને ઘોડા ઉપર બેસીને ઉપડ્યા. આશ્રમમાં એમનું સ્વાગત કરવા પુષ્પોનું સુશોભન થયું હતું. અતિ હિમવર્ષાને લીધે સ્વામીજીને અનિચ્છાએ આશ્રમમાં રહેવું પડ્યું અને આજુબાજુના વિસ્તારોમાં ફરવાની તેમની ઇચ્છા તે દિવસે વણપૂરી રહી. તેઓ પંદર દિવસ સુધી માયાવતીમાં રહ્યા.
હિમાલયની ભૂમિ આધ્યાત્મિક ઝંખના સેવતા મુમુક્ષુઓ માટે વર્ષોથી ત્યાગભૂમિ અને યોગભૂમિ રહી છે. હિમાલય અદ્વૈત વેદાન્તની જન્મભૂમિ છે. સદીઓથી અદ્વૈત વેદાન્તનાં સત્યોને સાકાર કરવા હજારો હજારો ઋષિમુનિઓએ આવી પ્રશાંત ભૂમિમાં સતત મથામણ કરી છે. સ્વામીજી પણ માનતા હતા કે હિમાલયની શાંત અને પવિત્ર ભૂમિમાં ‘વિચારોના પ્રવાહ વધુ સ્પષ્ટ થશે અને જ્ઞાનતંતુઓ વધારે સુસ્થ બનશે.’ એક વખત સ્વામીજીને પૂછવામાં આવ્યું : ‘સ્વામીજી આવા વેદાન્તિક વિચારો હોવા છતાં હિન્દુઓ શા માટે મૂર્તિપૂજા -સાકારની ઉપાસના કરે છે?’ સ્વામીજીએ ઉત્તર આપતાં કહ્યું : ‘કારણ કે, અમે હિમાલયની પવિત્રભૂમિ ધરાવીએ છીએ.’ આ ધરતી ઉપર જે શુભ અને મહિમાવાન છે, મહત્ અને ભવ્ય છે, પવિત્ર અને નિર્મળ- શુદ્ધ છે; તેના પૃથ્વી પરના ભવ્ય પ્રતિનિધિરૂપે હિમાલયની પર્વતમાળાઓ જ અદ્વૈત વેદાન્તનું શ્રેષ્ઠ આશ્રયસ્થાન બની શકે તેમ છે અને તે એવું જ છે!
સ્વામીજીની મહેચ્છાઓ અને સ્વપ્નનું આ માયાવતીનું આ કેન્દ્ર છેલ્લાં સોથી પણ વધુ વર્ષથી માનવજાતિના ઉચ્ચતમ વિચારોનું પોષક અને ધારક બળ બની રહ્યું છે અને આવતી કેટલીયે સદીઓ સુધી આ કેન્દ્ર માનવજાત માટે પ્રેરણાનું સ્રોત બની રહેશે એ વાત નિર્વિવાદ છે.
Your Content Goes Here




