૨૩મી ઑગસ્ટ, ૧૯૮૮ને દિને, રામકૃષ્ણ મઠ અને મિશનના તે સમયના ઉપાધ્યક્ષ અને પછીથી રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે આ વિષય પરના પરિસંવાદ પ્રસંગે આપેલું મંગલ પ્રવચન. શ્રીરામકૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર અને વિવેકાનંદ સ્વાસ્થ્ય સંઘના સંયુક્ત ઉપક્રમે આ પરિસંવાદ સ્વામી વિવેકાનંદની ૧૨૫મી જયંતી પ્રસંગે યોજાયો હતો. – સં.
‘ગરીબાઈ અને અજ્ઞાનના કૂવામાં ધીમે ધીમે ઊંડા અને ઊંડા સરકતા જતા પોતાના કરોડો દેશબાંધવોની સેવાની ઇચ્છા કરતા અને એ માટે પોતાની જાતને ખર્ચી નાખતા સેંકડો ઉદારમના સ્ત્રીપુરુષો જાગશે ત્યારે જ, ભારત જાગ્રત થશે’, એમ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું.
દેશનાં રાંક અને છેવાડાનાં લોકની સેવા કરતાં સ્વામીજીને કશું વધારે પ્રિય ન હતું. માનવસેવા એમને મન પ્રભુપૂજા બરાબર હતી કારણ, એમની દૃષ્ટિએ માનવી ઈશ્વરનું બીજું રૂપ હતો. સ્વામીજીએ એથી આગળ વધીને કહ્યું હતું કે, દેવો કરતાં માણસ મોટો છે. સ્વામીજી જેમનો આટલો આદર કરે છે તેવા લોકોની સંખ્યા ગભરાવી નાખે તેટલી મોટી છે. ખોરાક, આશરો, વસ્ત્રો, જ્ઞાન વ. પ્રાથમિક જરૂરિયાતોની અછતથી કરોડો લોકો પીડાય છે. આ લોકો પોતાનું વ્યક્તિત્વ જ ગુમાવી બેઠેલા છે ને વધારે શું છે? સ્વામીજી કહે છે તે પ્રમાણે, ‘આપણા વૈભવશાળી પૂર્વજો આપણા દેશના સામાન્ય માનવીઓને પોતાના પગ નીચે એટલા બધા કચડતા ચાલ્યા કે, એ લોકો નિઃસહાય બની ગયા, પોતે માણસ છે એ વાત પણ આ ત્રાસ હેઠળ આ લોકો ભૂલી ગયા.’ પોતાની સામાન્ય પ્રજાથી વિખૂટો પડી જાય અને તેમના ઉત્કર્ષમાં રસ ન લે તેવા ધર્મની કે સંસ્થાની પણ સ્વામીજીને કશી કીંમત ન હતી. આપણને એ વારંવાર યાદ કરાવતા કે, ‘રાષ્ટ્ર ઝૂંપડીમાં વસે છે અને, સામાન્ય જનતાની દશા ૫૨ રાષ્ટ્રનું ભાવિ અવલંબે છે. લોકોની ધર્મશ્રદ્ધાને હાનિ પહોંચાડ્યા વગર તેમનો ઉદ્ધાર – આ મુદ્રાલેખ તમારી સમક્ષ રાખો’, એમ એ કહેતા. ધર્મનું રક્ષણ શા માટે કરવાનું? એ વારંવાર કહેતા કે, વાંક ધર્મનો નથી. જે રીતે સમાજને ધર્મ લાગુ કરવો જોઈએ તે રીતે નથી કર્યો તે વાંક છે. સદીઓથી ભારતની પ્રજાના મન ઉપર ન ભૂંસાય એવી એવી છાપ ધર્મે એ પાડી છે કે, ધર્મ સામેનું કોઈ પણ પગલું રાષ્ટ્રના મૂળને નુકસાન કરશે. સ્વામીજી કહેતા કે, ધર્મ અને ધર્મ જ ભારતનું જીવન છે અને, એ જતાં, ભારત મૃત્યુ પામશે.
સ્વામીજીએ જનતાના ઉદ્ધારની વાત કર્યાને સો વર્ષ થઈ ગયાં તે પછીયે, દેશની દશા એવી જ રહેવા પામી છે. કુલ વસતિનો એક અંશ જ શહેરોમાં વસે છે. બાકીનાં જે પડદા પાછળ છે બધાં જ ગામડાંઓમાં છે. આપણી સભ્યતા નગરકેંદ્રી હોઈને, એ લોકો પ્રકાશમાં આવી શક્તાં નથી. ગ્રામ પ્રજા મોટે ભાગે ગરીબ, અશિક્ષિત, પોષણના અભાવવાળી અને માંદલી છે. આપણાં ગામડાંની સ્થિતિ સુધારવાની રાડો બહુ પડતી હોવા છતાં, એ અંગે કામ બહુ જ થોડું થયું છે. આમ પ્રજા એવી તો કંગાલ સ્થિતિમાં છે કે, પોતાની મેળે જાતનો ઉદ્ધાર એ કરી શકે તેમ નથી. કમ સે કમ પ્રારંભિક સહાય તો મહાનગરો અને શહેરોમાંથી જ આવવી જોઈએ.
તબીબી સગવડનો અભાવ
પાયાની જરૂરિયાતો ઉપરાંત, પૂરતી તબીબી સગવડની ઊણપ આપણાં ગામડાંનો એક અગત્યનો પ્રશ્ન છે. દાક્તર કે આરોગ્ય કેંદ્ર ન હોય તેવાં અસંખ્ય ગામડાં છે. ગંભીર માંદગીથી પીડાતા દર્દીને પણ, દવાના પહેલા ડોઝ માટે કે, પહેલી તબીબી સલાહ માટે લાંબા અંતરની હાડમારી અને કંટાળાભરી મુસાફરી કરાવવી પડે છે.
આ પરિસ્થિતિ ઊભી થવાનાં કારણો અનેક છે. પ્રથમતઃ દેશમાં જરૂરી સંખ્યામાં દાક્તરો નથી, બીજું, તાલીમ પામેલા આપણા દાક્તરોની આજની પેઢી મુખ્યત્વે શહેરી વલણવાળી છે. એમને શહેરોમાં વસવું ગમતું હોઈ, ગામડાંઓ ઉવેખાયેલાં અને સંભાળ લેવાયા વિનાનાં રહે છે. દાક્તરોને આમ કરવા માટે વાજબી કારણો હશે, પોતાના નિભાવ માટે એમણે પૈસો કમાવાનો હોય છે. ગ્રામવાસીઓ એટલા ગરીબ હોય છે કે પોતાનો વ્યવસાય ગામડાંમાં ચાલુ કરવા માટે દાક્તરો પ્રેરાતા નથી. વિદ્યુત અને એવી બીજી સગવડો વગરનાં ગામડાં પોતાનાં દવાખાનાં ચાલુ કરવા માટેનાં ઉચિત સ્થાન દાક્તરોને લાગતાં ન હોય, ઉઘાડપગા અને સમર્પિત દાક્તરોની ભપકાદાર વાતો આપણે સાંભળીએ છીએ. પણ આજકાલ એ બહુ ઓછા જોવા મળે છે. શહેરોની હરીફાઈ કરવા અસમર્થ હોય છે તેવા, અલબત્ત, ગામડે જાય છે. પણ એ મન વિના જાય છે. ગમે તેમ કરીને એ પોતાનો નિર્વાહ કાઢી લે છે. પણ એમના મનમાં નાસીપાસનો ભાવ હોય છે – એમને લાગતું હોય છે કે પોતે પોતાના શહેરી બાંધવો કરતાં ઊતરતા છે.
સરકારે ઊભાં કરેલાં સ્વાસ્થ્ય કેંદ્રો બરાબર ચાલતાં નથી એમ પણ જોવા મળે છે. દાક્તરો સહિતના, આ કેંદ્રોના બધા કર્મચારીઓ હંમેશાં નિષ્ઠાવાન હોતા નથી. એમનામાં નિષ્ઠા હોત તો, એમનાં ટાંચાં સાધનોની મર્યાદામાં રહીને પણ, એ સૌ સ્થાનિક લોકોની સારી સેવા કરી શક્યા હોત. નિષ્ઠાના કે પ્રામાણિક્તાના અભાવને કારણે, દવાના થતા દુરુપયોગની વાતો પણ આપણે સાંભળીએ છીએ.
શહેરોમાં પણ સ્થિતિ હંમેશાં ઊજળી નથી. હૉસ્પિટલોમાં એટલી ભીડ હોય છે કે, દર્દીઓ પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકાતું નથી. વળી, સારી હૉસ્પિટલો શ્રીમંત માણસો માટે જ છે. આવી હૉસ્પિટલોમાં સારવાર લેવાનું સામાન્ય લોકનું ગજું નથી. આમ આ કોયડાને અનેક પાસાં છે. પણ અસર તો એક જ છે – જે આમ પ્રજા પર સ્વામીજીને પોતાની પ્યારી માતૃભૂમિની આધારશિલા રોપેલી જણાતી હતી તે જીવનની પાયાની જરૂરિયાતથી વંચિત છે.
ઈલાજ
આ કોયડાનો ઉકેલ આ છેઃ આપણે વધારે દયાળુ થવું ઘટે. એ નવાઈ લાગે એવું ભલે હોય, પણ એ છે ખૂબ જરૂરનું દરેક વસ્તુને વ્યાવહારિક કે આર્થિક લાભને ત્રાજવે તોડવી જોઈએ નહીં. આર્થિક લાભ ન આપે પણ આપણા મનને સંતોષે તેવું ઘણું આપણે કરીએ છીએ. જીવનને કોઈ તબક્કે દરેક વ્યક્તિને ભાન થાય છે કે, આ માનસિક પરિતૃપ્તિ જ સૌથી ઉચ્ચ સિદ્ધિ છે. સ્વામીજી કહે છેઃ ‘તમે કોઈને સહાય કરી શક્તા નથી, તમે માત્ર સેવા કરી શકો છો; પ્રભુનાં બાળકોની તમે સેવા કરો, તે જ પ્રભુસેવા છે. એનો અધિકાર તમને મળવો જોઈએ. પ્રભુનાં કોઈ બાળકોની સેવા તમે કરો એમ એ ઇચ્છે તો, તમે ધન્ય છો; તમારી જાત વિષે ઝાઝો વિચાર ન કરો. બીજાઓને નથી મળ્યો તે અધિકાર તમને પ્રાપ્ત થયો છે. તે બદલ તમે ધન્ય છો. પૂજા તરીકે જ એ કરજો….. રાંક અને પીડિત લોકો આપણી મુક્તિ માટે છે. રોગીના, પાગલના, કોઢિયાના અને પાપીના રૂપમાં આવતા પ્રભુની સેવા આપણે કરવાની છે!’
ત્યાગ અને સેવા
સ્વામીજી કહેતા કે, ત્યાગ અને સેવા ભારતના રાષ્ટ્રીય આદર્શો છે. આ આદર્શો કેવળ સાધુઓ માટે જ નથી પરંતુ બધાને માટે છે. અલબત્ત, બીજા લોકો કરતાં સાધુઓએ આ આદર્શોનો અમલ વધારે ચોકસાઈ પૂર્વક કરવાનો છે. પરંતુ, ભૌતિક કક્ષાએ પણ કશુંક મહાન સિદ્ધ કરવા માટે થોડા સમર્પણની કે ત્યાગની આવશ્યક્તા છે. આપણાં જીવન આંતરસંબંધિત છે – આપણે એકમેકની સાથે સૂક્ષ્મ મને સંકળાયેલાં છીએ. સારાં ઘરમાં આપણા આરામદાયક જીવન માટે, આપણાં સરસ વસ્ત્રો માટે, અને સારા શિક્ષણ માટે, પડદા પાછળ રહીને કેટલાં માણસો ફાળો આપે છે તેનું આપણને ભાન નથી – સમાજ પ્રત્યેનું આપણું ઋણ ફેડવા માટે પણ આપણે બીજાંઓની સેવા કરવી જોઈએ. સ્વામીજી કહેતા, ‘નિઃસ્વાર્થીપણું વધારે લાભદાયી છે. પણ એ આચરવા માટેની ધીરજ લોકોમાં નથી.’ તેમજ એ એમ પણ કહેતા કે, ‘શિક્ષણ લીધા પછી, લાખો કચડાયેલાં શ્રમજીવીઓના લોહી પર ઉછર્યાં પછી જે કદી એમનો વિચાર પણ કરતો નથી એને હું દેશદ્રોહી કહું છું.’
આકરા શબ્દો
સ્વામીજીના આ આકરા શબ્દો દરેક શિક્ષિત વ્યક્તિને લાગુ પડે છે. દાક્તરો પણ એમાં અપવાદ નથી. બીજાં બધાં શિક્ષિત નાગરિકોની સાથે, પોતાના તબીબી શિક્ષણનાં ફળ પોતાની આસપાસનાં લોકોને આપવાનું તેમણે પણ વિચારવું જોઈએ. ટૂંકમાં, બીજાંઓ માટે એમને લાગણી હોવી જોઈએ અને તેમણે બીજાઓની સેવા કરવી જોઈએ. દેશમાં સારાં દાક્તરોની ઊણપ નથી. પરંતુ મોટી જરૂર એ છે કે સારા દાક્તરો સારા માણસો પણ હોય. સજ્જનનું આગવું લક્ષણ બીજાંઓ માટેનો એનો પ્રેમ અને એની સહાનુભૂતિ છે. પોતાનો વ્યવસાય કેટલો ઉમદા છે તે દાક્તરોએ જાણવું જોઈએ. દાક્તર કોઈનું જીવન બચાવે છે ત્યારે, લોકો એને દેવતુલ્ય માને છે. લોકોએ દાક્તરોમાં મૂકેલા આ વિશ્વાસને અને આદરને તેમણે દગો દેવો જોઈએ નહીં.
સૌથી ઉમદા ગુણ સેવાનો છે. સ્વામીજીએ આપેલા બોધ મુજબ મનુષ્યને ઈશ્વર સમજીને પૂજાની ભાવનાથી કોઈ એમ કરી શકે તો, એ ઈશ્વરને પામી પણ શકે. પરંતુ સેવાની આ ભાવના સેવ્યા વિના પણ, માનવી પ્રત્યેના પ્રેમથી એની સેવા કરનાર કશું ગુમાવતો નથી. સત્કર્મ કદી એળે જતું નથી. સત્કર્મ કરનાર માણસ લોકોનો પ્રેમાદર પામે છે. એનું હૃદય ઉદાર બને છે. એની માનસિક ક્ષિતિજ વિસ્તાર પામે છે. બીજે ક્યાંયથી પ્રાપ્ત ન થાય તેવો આનંદ એ અનુભવે છે. સ્વામીજી કહે છે તેમ લોકસેવામાં જેમના દેહ નાશ પામે તેઓ ધન્ય છે.
શુભચિહ્ન
ભારતમાં આજનાં પરિપ્રેક્ષ્યમાં સામાન્યજનો માટે તબીબી સગવડ ખૂબ અપૂરતી છે ત્યારે, સંખ્યાબંધ સંસ્થાઓ અને વ્યક્તિઓ રંકો અને પીડિતોની સહાય કરે છે. તે શુભચિહ્ન છે. આવું ઉમદા કદમ ઉઠાવનાર એક સંસ્થા વિવેકાનંદ સ્વાસ્થ્ય સેવા સંઘ છે. નિઃસ્વાર્થ સેવાના સ્વામીજીના આદર્શથી પ્રેરાઈને થોડાક દાક્તરોએ અને તબીબી સેવા કરનારાઓએ ગરીબ ગ્રામવાસીઓની સેવાનું આ ઉમદા કાર્ય ઉપાડી લીધું છે. એ લોકો આ કાર્ય વ્યવસ્થિત ઢબે કરે છે એટલે આવા પ્રયત્નો વધારે ફળદાયી નિવડે છે. એ લોકો પોતાના કામના બણગાં ફૂંકતાં નથી. કશો ઢોલ પીટ્યા વગર તેઓ શાંતિથી પોતાની સેવા આપે છે. આરંભ, અલબત્ત નાનો છે. પણ સ્વામીજીએ જ કહ્યું છે કે, ‘નાના આરંભથી ગભરાવાનું નહીં, મહાન વસ્તુઓ પછીથી ચાલી આવશે.’ હું આશા સેવું છું અને પ્રાર્થું છું કે સ્વામીજીના આશીર્વાદ તેમના પર ઊતરે જેથી તેઓ આગળ વધે અને પોતાના કાર્ય દ્વારા, દેશના બહોળા પ્રદેશમાં તો આ ભાગમાં આગળ વધી કાર્ય કરતા રહે.
તમે જાણો છો તે પ્રમાણે ભારતના લોકોની તબીબી સેવા અર્થે રામકૃષ્ણ મિશનની કેટલીક સંસ્થાઓ છે. પણ આપણા દેશની વિશાળતા અને સાધનોની મર્યાદિતતા લક્ષમાં લેતાં બધી જરૂરિયાતો પૂરી પાડવા માટે અમારાથી ઝાઝું કરી શકાય તેમ નથી. વધારે દાક્તરો અને આ સંઘ જેવી વધારે સંસ્થાઓએ અમારી સાથે ભળવું જોઈએ. તબીબી વ્યવસાય કરનારાઓમાં આ બાબતની જાગ્રતિની જરૂર છે. પોતાના ભાગનો કાર્યભાર એમણે સહજ રીતે ઉપાડી લેવો ઘટે. સ્વૈચ્છિક તબીબી સેવાની આવી પ્રવૃત્તિ ધીમે ધીમે સામૂહિક આંદોલનનું સ્વરૂપ લે તે જરૂરનું છે.
– ભાષાંતર : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા
(બુલેટીન ઑફ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, ફેબ્રુ’૯૬માંથી)
Your Content Goes Here




