નારી જાગૃતિના, ગુરુએ પ્રબોધેલા કાર્યમાં સંપૂર્ણ ઓતપ્રોત હોવા છતાં જ્યારે જ્યારે દુ:ખી, રોગી, પીડિત માનવોને કુદરતના પ્રકોપને કારણે ત્રસ્ત જોયા ત્યારે નિવેદિતા આ દુ:ખી માનવભાંડુઓની સેવા માટે, તેમની સહાય માટે, પોતાની જાતની પણ પરવા કર્યા વગર દોડી ગયાં. કોલકાતામાં ૧૮૯૯ના માર્ચ મહિનામાં પ્લેગની મહામારી ફેલાઈ. ગરીબ લોકો જંતુની જેમ ટપોટપ મરતાં હતાં. જેમને સગવડ હતી, તે બધા લોકો તો કોલકાતા છોડીને જતા રહ્યા હતા. પણ ગરીબ માણસો, કે જેમને પોતાની ઝૂંપડી સિવાય બીજે ક્યાંય આશરો નહોતો, તેઓ ક્યાં જાય? તેઓ મૃત્યુના ભયથી થરથરતાં, મૃત્યુના ખપ્પરમાં હોમાતાં પોતાના સ્વજનોને જોતાં, દુ:ખથી, વેદનાથી આંસુ સારતાં બેસી રહ્યાં હતાં.પ્લેગગ્રસ્ત ગરીબોની કરુણ હાલત જોઈને સ્વામી વિવેકાનંદે મઠના સાધુઓ દ્વારા રાહતકાર્ય શરૂ કરાવ્યું. પ્લેગરાહત સમિતિ રચી અને તેના અધ્યક્ષ નિવેદિતા બન્યાં. આ મંડળીએ ૩૧મી માર્ચથી જ પોતાનું કાર્ય શરૂ કરી દીધું. ભગવાં વસ્ત્રધારી સાધુઓ અને શ્વેત વસ્ત્રધારી બ્રહ્મચારીઓ હાથમાં ઝાડુ લઈ ગંદી શેરીઓ સાફ કરવા લાગ્યા. એક વાર ત એક ગંદી શેરી સાફ કરનારું કોઈ નહોતું ત્યારે નિવેદિતા હાથમાં સાવરણો લઈને ગટરની ગંદી નીકો સાફ કરવા લાગ્યાં હતાં. એક જાજ્વલ્યમાન ગોરી મહિલાને આ રીતે હાથમાં સાવરણો લઈને પોતાની ગંદકી સાફ કરતી જોઈને શેરીના લોકો હેરત પામી ગયા. અને પછી તો તેઓ પણ સફાઈ કામમાં જોડાઈ ગયા. દરદીઓની સારવાર, વાતાવરણની સ્વચ્છતા, અસરગ્રસ્તોને સહાય-આ બધાં કાર્યો નિવેદિતાની દોરવણી હેઠળ થવા લાગ્યા. ૫મી એપ્રિલે નિવેદિતાએ વર્તમાનપત્રોમાં પ્લેગની મહામારીને રોકવા માટે નગરજનોને સહાય કરવા અપીલ બહાર પાડી. આ અપીલનો ઘણો સારો પ્રતિસાદ તેમને મળ્યો. કેટલાય નગરજનો આ સેવાકાર્યમાં રસ લેવા લાગ્યા. ૧૨મી એપ્રિલે તેમણે ‘પ્લેગની મહામારી અને વિદ્યાર્થીઓનું કર્તવ્ય’ એ વિષય પર વ્યાખ્યાન આપ્યું. આ વ્યાખ્યાને વિદ્યાર્થીઓ પર ઘણો પ્રભાવ પાડ્યો અને કેટલાય સ્વયંસેવકો તેમની મંડળીમાં જોડાઈ ગયા.

નિવેદિતાની રાહબરી હેઠળ પ્લેગ સામેની ઝૂંબેશ પૂરજોશમાં ચાલવા લાગી. તેઓ જાતે આ ગરીબો, રોગગ્રસ્તોની મુલાકાત લેતાં, તેમને આશ્વાસન આપતાં, હિંમત આપતાં, દવાઓ અને પથ્યની સગવડ કરી આપતાં. આ માટે તેમણે રાત-દિવસ જોયાં નહિ. પોતાના આરોગ્યની પણ ચિંતા કરી નહિ. એ વખતે તેઓ માત્ર દૂધ અને ફળ પર જ રહેતાં હતાં. હવે તેમણે દૂધ પીવાનું છોડી દીધું કે જેથી એમાંથી બચાવેલા પૈસા તેઓ રોગીઓની સેવામાં વાપરી શકે. સ્પેશ્યલ ઘોડાગાડીમાં જવાની તો વાત જ નહોતી. પણ તેઓ બસમાં કે ટ્રામમાં જતાં હતાં, એ પણ છોડીને હવે પગે ચાલતાં જવા લાગ્યાં, કેમ કે એ પૈસા પણ તેઓ રોગીઓની સારવારમાં વાપરી શકે. હવે તેમણે પોતાની જે અલ્પ જરૂરિયાતો હતી તેમાં પણ ઘટાડો કરી નાખ્યો. પોતાની પાસે રહેલી રકમ દ્વારા વધુ ને વધુ લોકોને પ્લેગમાંથી કેમ બચાવી શકાય, એ પર જ તેમણે પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કર્યું હતું. એ સમયના જિલ્લા અધ્યક્ષ રાધાગોવિંદે લખ્યું છે કે ‘સંકટની આ ઘડીમાં ભગિની નિવેદિતાનું કરુણામય સ્વરૂપ બાગબજારની પ્રત્યેક ગંદી વસ્તીમાં ઘૂમતું ફરતું દેખાતું હતું. તેઓ હંમેશાં બીજાઓને સહાય કરવા તત્પર રહેતાં પોતાની જરૂરિયાતોની પરવા કર્યા વગર તેઓ પોતાના નાણાં બીજાંઓની સેવા માટે ખર્ચી નાખતાં.’

પ્લેગના દરદીઓને તપાસનાર ડો. ગોવિંદકરે પોતાના સંસ્મરણોમાં નોંધ્યું છે, ‘ચૈત્ર મહિનાના ધોમધખતા તાપમાં હું એક દરદીને તપાસીને જઈ રહ્યો હતો. ત્યારે મેં જોયું કે એક ઝૂંપડીના દરવાજા પાસે ધૂળથી ખરડાયેલી ખુરશી પર એક યુરોપિયન મહિલા બેઠી છે. આથી હું તેમની પાસે ગયો. તેઓ ભગિની નિવેદિતા હતાં અને આતુરતાપૂર્વક મારી રાહ જોઈ રહ્યાં હતાં કે જેથી પ્લેગગ્રસ્ત દરદી માટે તેઓ મારી પાસેથી જરૂરી સૂચનાઓ પ્રાપ્ત કરી શકે. બીજા દિવસે સવારે હું એક ઝૂંપડીમાં પ્લેગના દરદીને તપાસવા ગયો. તો ત્યાં પણ મેં નિવેદિતાને પ્લેગથી ઘેરાયેલા એક બાળકને પોતાના ખોળામાં લઈને બેઠેલાં જોયાં. મેં તેમને ચેતવ્યા કે આવી અસ્વચ્છ જગ્યાએ એમણે આ રીતે વધારે વખત બેસવું ન જોઈએ. વળી આ બાળક બચવાનું તો નથી. તો પણ તેઓ ત્યાં રહીને એ બાળકની સારવાર કરતાં રહ્યાં અને બે દિવસ પછી આ બાળકે એ મમતામયી દેવીના ખોળામાં જ પ્રાણ છોડ્યા.’

જેમ પ્લેગની મહામારી દરમિયાન કલકત્તા-વાસીઓએ નિવેદિતાના પ્રેમ અને કરુણાસભર માતૃહૃદયનો અનુભવ કર્યો હતો. એવો અનુભવ પશ્ચિમ બંગાળની ગ્રામ્ય જનતાએ પ્રચંડ પૂર અને દુષ્કાળ વખતે પણ કર્યો. સમગ્ર પશ્ચિમબંગાળ તે સમયે જળબંબાકાર થઈ ગયું હતું. લાખો મનુષ્યો અસહાય અને બેઘર બની ગયા હતા. તે સમયે નિવેદિતા રામકૃષ્ણ મિશનના સાધુઓ અને બ્રહ્મચારીઓ સાથે હોડીમાં બેસીને ઘૂંટણ સમા કાદર-કીચડ ખૂંદતાં ખૂંદતાં આ નિરાધાર લોકોની વચ્ચે પહોંચી ગયાં હતાં. પૂરગ્રસ્ત લોકોના આંસુ લૂછતાં લૂછતાં એમની પોતાની આંખમાંથી પણ આંસુની ધાર વહેવા લાગતી. આ વિશે તેઓ લખે છે: ‘મેં મારા જીવનમાં પુષ્કળ ગરીબાઈ જોઈ છે. પરંતુ આ અગિયાર લાખ લોકોને મહિનાઓ સુધી એક ટંક પૂરતું ભોજન પણ મળ્યું નથી અને હવે તો તેમનો આધાર બીજાઓ ઉપર જ રહેલો છે, એ મેં ક્યારેય જોયું નહોતું. આ દુ:ખ મેં મારી નજરે જોયું છે, છતાં હું એનો વિચાર કરી શકતી નથી. તો પણ આ વાસ્તવિકતા છે, એ મારે માનવું પડે છે.’

એક વિધવા સ્ત્રીનું કલ્પાંત નિવેદિતાના હૃદયને હચમચાવી ગયું. પોતાના ચાર બાળકો અને પત્નીને ખવડાવવા કંઈ જ ન હતું, એટલે તે માણસ કામની શોધમાં બીજા ગામમાં ગયો. આઠેક દિવસ ભટકવા છતાં કામ ન મળ્યું. એટલે વિચાર્યું કે પત્ની અને બાળકોના સાથમાં ગમે તેમ કરીને દિવસો પસાર થઈ જશે, એમ માનીને તે પાછો આવી રહ્યો હતો. પોતાના ગામથી બે માઈલ દૂર હતો, ત્યાં તે ભૂખના દુ:ખથી પડી ગયો, બેભાન થઈ ગયો અને મરી ગયો. તેની પત્ની અને બાળકોનું આક્રંદ અને દુર્દશા અસહ્ય હતી. નિવેદિતા લખે છે; ‘‘હું એ સ્ત્રીની પાસે લાંબા સમય સુધી રહી. પણ હું તેને આશ્વાસન કઈ રીતે આપું? હું પણ તેની ચીસ અનુભવી શકતી હતી કે ‘ઓ મારા પ્રિયતમ હું તને બચાવી શકી હોત!’’ આવું કલ્પાંત તો ઘરે ઘરે હતું.

ભૂખના દુ:ખથી ટળવળતાં પોતાના ત્રણ બાળકોનું દુ:ખ ન જોઈ શકવાથી એક મુસલમાન એ ત્રણેય બાળકોને મારી નાખીને થાણે હાજર થઈ ગયો અને બોલ્યો, ‘હવે હું પણ મરી જવા ઇચ્છું છું. મારા આશ્રિત લોકોને જો હું અનાજ આપી ન શકું તો મને જીવવાનો કોઈ અધિકાર નથી.’

આવાં તો કેટલાંય માતા પિતા હતાં કે જેઓ પોતાના બાળકોને એક ટંક ખાવાનું પણ આપી શકતાં નહોતાં. વૃક્ષોનાં પાંદડા અને જંગલી વનસ્પતિ ખવડાવતાં હતાં. આવાં ભૂખના દુ:ખથી પીડાતાં મનુષ્યોની વચ્ચે નિવેદિતા જ્યારે ખાદ્યસામગ્રી લઈને જઈ પહોંચતા ત્યારે તે લોકો નિવેદિતાને પોતાની ઉદ્ધારક જીવનરક્ષક દેવી માનવા લાગતાં. તેમના આગમનથી એ લોકોને જીવવાનું બળ અને શ્રદ્ધા મળી જતાં. અનેક દુ:ખી સ્ત્રીઓ એમની આસપાસ ટોળે વળી જતી. નિવેદિતા એમને ઘણી વાતો સમજાવતાં. આ વિશે તેમણે લખ્યું છે; ‘એ સ્ત્રીઓ સાથે વાતો કરતાં હું ખૂબ થાકી જતી. પણ તેઓ વધારે માંગણી કરતાં નહિ. મારી થોડીક નમ્રતાપૂર્વકની વાત એમના ગળે ઊતરી જતી.’ જ્યારે નિવેદિતા એમની પાસેથી વિદાય લેતાં ત્યારે આ લોકો નિવેદિતાની હોડી દેખાય ત્યાં સુધી હાથ ઊંચી કરી એમને અશ્રુભીની વિદાય આપતાં.

નિવેદિતાએ બારિસાલ અને મતિભંગ જિલ્લામાં પૂરે સર્જેલી તારાજીનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. ત્યાંના લોકોની દુદર્શાને નજરે નીહાળી. એમને જીવન ટકાવી રાખવા માટે બધી રીતની સહાયની કેટલી જરૂર છે, તે તેમણે જાત અનુભવથી જાણ્યું. આથી જ્યારે કોલકાતાના વર્તમાનપત્રોના તંત્રી લેખોમાં આવ્યું કે, અમને એવો ભય છે કે આ પ્રદેશમાં રહેતા લોકો રાહતકાર્યથી ટેવાઈ ગયા છે, અને તેઓ આ કાર્ય બંધ કરાવવાની ઇચ્છા ધરાવતા નથી, – ત્યારે નિવેદિતાનો આક્રોશ ભભૂકી ઊઠ્યો. તેઓ પોતાના જાત અનુભવો ટાંકીને વર્તમાનપત્રોમાં અહેવાલો લખવા માંડ્યા. તેમણે લોકોને જણાવ્યું કે, ‘શું આપણા હૃદય પથ્થરના બની ગયાં છે? કે મદદ લેનારા દરેક વખતે સ્વમાનભંગનું દુ:ખ અનુભવે? આવું દુ:ખ તો માનવ માટે અશક્ય ગણાવી શકાય.’ કોલકાતાના લોકોને પુરગ્રસ્ત લોકોની કરુણ સ્થિતિનો સાચો અહેવાલ તો નિવેદિતાના લખાણોએ જ આપ્યો. તે પછી મદદનો પ્રવાહ વહેતો થયો. સ્વયંસેવકો અને પરિચારિકાઓની સહાય આવી અને અનેક લોકોને મૃત્યુના મુખમાંથી ઉગારી શકાયાં. આ ભીષણપૂર અને દુષ્કાળે લોકોને નિવેદિતાની આયોજન શક્તિ, વ્યવસ્થા, સેવાભાવના, કરુણા અને દુ:ખીજનો પ્રત્યેની પ્રેમભાવનાનનું દર્શન કરાવ્યું. બારિસાલ અને મતિભંગના એ ગરીબ ગ્રામ્યજનો તો પોતાની આ જીવનદાતા દેવીને જિંદગીભર યાદ કરતા રહ્યા.

આ રીતે કોઈ પણ કાર્ય, પછી તે બાલિકાઓને ભણાવવાનું હોય કે મોટી સ્ત્રીઓને સમજાવવાનું હોય કે પ્લેગમાં કણસતાં દુ:ખી માનવોને પોતાના ખોળામાં લઈ શાતા આપવાનું હોય કે પૂરમાં સપડાયેલા લોકોના મસ્તક પર પોતાનો હેતાળ હાથ મૂકી તેમને નવજીવન બક્ષવાનું હોય કે પછી ઘોર તમસમાં સરી પડેલા ભારતના લોકોમાં રાષ્ટ્રભક્તિનો ઉદય કરવાનું કાર્ય હોય, – પ્રત્યેકમાં નિવેદિતાનું ધવલ, ઉજ્જ્વલ સ્વરૂપ એકાકાર થઈ ગયેલું જોવા મળતું હતું.

ભારતની પ્રજામાં રાષ્ટ્રિય ચેતનાને જાગૃત કરવા તેમણે પણ તેમના ગુરુદેવ સ્વામી વિવેકાનંદની જેમ ભારતભ્રમણ કર્યું હતું. ભારતના પશ્ચિમમાં નાગપુર, મુંબઈ, વડોદરા, અમદાવાદ; દક્ષિણમાં ખંડાગિરિ, વોલ્ટેર, બેજવાડા, ગુંટાકલ, મદ્રાસ; તો ઉત્તરપૂર્વમાં લખનૌ, પટણા, બુદ્ધગયા વગેરે સ્થળોની તેમણે મુલકાત લીધી હતી. તેમણે દરેક સ્થળે ભારતની તત્કાલીન પરિસ્થિતિનું અને જનસમાજનું સૂક્ષ્મતાથી અવલોકન કર્યું હતું. પ્રત્યેક સ્થળે વિશાળ જનમેદની સમક્ષ રાષ્ટ્રિય ચેતનાને જાગૃત કરનારાં, હિંદુધર્મ અને સંસ્કૃતિની મહાનતા પ્રગટ કરનારાં અનેક ભાષણો આપ્યાં હતાં. નિવેદિતાની વિચક્ષણ બુદ્ધિ, હિંદુધર્મના જ્ઞાનનું ઊંડાણ, સત્યને ધારણ કરવાની અને વહન કરવાની શક્તિ અને સહુથી વિશેષ તો શબ્દોમાંથી પ્રગટ થતો એમનો ભારત પ્રત્યેનો અનન્યપ્રેમ, અસંખ્ય લોકોને એમની સભાઓમાં ખેંચી લાવતો. એમના ગુરુદેવની જેમ જ એમનાં ભાષણો પણ શ્રોતાઓમાં વિદ્યુતપ્રવાહ વહેતો કરી દેતાં હતાં. એક પત્રમાં તેમણે જોસેફાઈનને લખ્યું છે: ‘તું જુએ છે, તેમ મેં ધાર્યું હતું તેના કરતાં અચાનક જ હું કામ તરફ ધકેલાઈ ગઈ. ઓહ, સ્વામીજીના શબ્દો તમે કહો છો, તેમ સાંભળવા ગમે છે કે ‘ભારત તેણીની સાથે ગાજી ઉઠશે. શું આ તે જ યોજના છે જે આકાર લઈ રહી છે.’ સ્વામીજીની આ ભવિષ્યવાણી સાચી પડતી જણાઈ. અસંખ્ય લોકોને નિવેદિતાની ઓજસ્વી વાણીમાં ભારતમાતાનો આત્મા પ્રગટ થતો જણાતો હતો. ભારતના લોકોને એ પ્રવચનો આત્મીય જણાયાં. તેમને એમાં પોતાના હૃદયનો પ્રતિસાદ સંભળાતો હતો. પટણામાં આપેલા એમના વ્યાખ્યાને તો શ્રોતાઓનાં અંતરને હચમચાવી નાખ્યાં. ત્યાંના દૈનિક ‘બિહાર હેરાલ્ડ’ના સંપાદકે તો બીજે જ દિવસે લખ્યું: ‘એમના સ્ફૂર્તિદાયક ભાષણથી અજગર જેવા નિષ્ક્રિય અને ઊંઘણશી શ્રોતાઓ પણ હલબલીને જાગી જશે અને કામ કરવા માંડશે.’ પટણામાં એમણે ત્રણ વ્યાખ્યાનો આપ્યાં. આ વ્યાખ્યાનોનો શ્રોતાઓ ઉપર ભારે પ્રભાવ પડ્યો. આ વિશે ‘બિહાર હેરાલ્ડે’ લખ્યું, ‘ભારતને ખાસ કરીને બિહાર જેવા પ્રદેશને વર્તમાન સમયમાં નિવેદિતા જેવી ઉપદેશિકાની અત્યંત જરૂર છે. કેમ કે તેઓ કાર્યના સ્વરૂપને સુદૃઢ અને પ્રભાવશાળી રીતે વ્યક્ત કરે છે. તેઓ લોકોની સામે ન તો યોગ પ્રક્રિયાઓની રહસ્યપૂર્ણ વાતો કરે છે કે ન તો હિંદુધર્મ અને તત્ત્વજ્ઞાનની ગૂઢ વાતોનું વિવેચન કરે છે. તેઓ તો ભારતને એક સમર્થ અને પ્રતિભાશાળી દેશ બનાવવા માટેનો ફક્ત વ્યવહારુ માર્ગ જ લોકો સમક્ષ રજૂ કરે છે.’ આમ ભારતવર્ષમાં તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે ભારતની મહત્તા પ્રગટ કરી. એ દિશામાં લોકોને જાગૃત કર્યા. પોતાની ઓજસ્વી વાણીના પૂરથી લોકોની રાષ્ટ્રભક્તિ પર ચઢેલાં જડતાના આવરણોને ધોઈ નાખ્યાં. આ બધું કાર્ય તેમણે ભારતના લોકો સાથે પોતાની જાતને એકરૂપ કરીને એવી રીતે કર્યું કે લોકોને ક્યારેય એવું ન જણાયું કે તેઓ બહારથી આવેલાં છે. પણ લોકોએ હંમેશાં એ જ અનુભવ્યું કે તેઓ અમારામાંના એક છે. પછી એ તેમની શાળાની નાની બાલિકાઓ હોય કે બાગબજારની એ શેરીના લોકો હોય કે પછી રાષ્ટ્રના મહાન નેતાઓ ગોપાલકૃષ્ણ ગોખલે, રાસબિહારી ઘોષ, અરવિંદ ઘોષ, કે પછી મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોર હોય કે પછી મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ હોય. પ્રત્યેકે નિવેદિતા સાથે આત્મીયતાનો અનુભવ કર્યો હતો. અને એ જ તો એમનામાં ધબકી રહેલાં વિશ્વમાતાના હૃદયની પ્રતીતિ હતી.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તો નિવેદિતાને ભવ્ય અંજલિ આપતાં ‘લોકમાતા’નું બિરૂદ આપ્યું છે. તેઓ લખે છે, ‘જેમણે પણ નિવેદિતાના દર્શન કર્યાં છે, એમણે મનુષ્યના મનુષ્યત્ત્વના દર્શન કર્યાં છે. ચૈતન્યના મૂર્તિમંત સ્વરૂપના દર્શન કર્યાં છે. વ્યક્તિનું બાહ્ય સ્વરૂપ ભલે ગમે તે હોય, પરંતુ તેની આંતરિક ભવ્ય અને દિવ્ય માનવતાનું દર્શન તો ફક્ત ભાગ્યશાળીઓ જ કરી શકે છે. આટલી અગાધ તેજસ્વિતા અને અદમ્ય ઉત્સાહનું દર્શન એક સાથે બહુ જ ઓછા લોકોમાં જોવા મળે છે. નિવેદિતાના રૂપે આપણને ઈશ્વરના આશીર્વાદ મળ્યા છે. નિવેદિતાના રૂપમાં રહેલી અજેય મહાનતાનો, ઉદાત્તતાનો, હું પ્રત્યક્ષ સાક્ષી બની શક્યો એનો મને ગર્વ છે. નિવેદિતાએ આપણને જે જીવન આપ્યું છે, તે મૂલ્યવાન છે. તેમણે આ દેશ માટે પોતાનાં સર્વસ્વનું દાન કર્યું અને પોતાના માટે કંઈ જ રાખ્યું નહિ. જે કંઈ શ્રેષ્ઠતમ, જે કંઈ ઉત્તમોત્તમ એમની પાસે હતું એ બધું એમણે આપણને આપ્યું છે. એ માટે જે કંઈ તપસ્યા, વ્રતપાલન કરવા ઘટે તે સઘળું તેમણે કર્યું. તેમણે અભાવો સહ્યા, પણ બસ, દેશને માટે કાર્ય કરતાં રહ્યાં. એમનો એક માત્ર દૃઢસંકલ્પ હતો કે જે કંઈ શિવ છે, સુંદર છે, પવિત્ર છે, તે આ દેશને આપવું અને તેમાં તે કંઈ જ ભેળવવા ઇચ્છતાં ન હતાં. તેમણે પોતાના ભૂખ-તરસ, લાભ-નુકશાન, નામ-યશ, ડર કે સંકોચ, સુખ-આરામ, કશાની પરવા ન કરી. પોતાના નિ:સ્વાર્થ ત્યાગની સાથે આમાંના કોઈને તેઓ ભેળવવા ઇચ્છતાં નહોતાં. એમનો ભારત માટેનો ત્યાગ સો ટકાનો ત્યાગ હતો, કોઈ પણ જાતની ઇચ્છા અને આકાંક્ષા વગરનો ત્યાગ. તેઓ ભારતને આપવા જ ઇચ્છતાં હતાં. ખરેખર, તેઓ ખરા અર્થમાં પ્રત્યેક લોકોના માતા હતાં. પોતાના ઘર-પરિવારની સઘળી મર્યાદાઓથી પર, પોતાના દેશ અને સ્વજનોથી આટલે દૂર આવીને આ મહાન સ્ત્રીએ પૂર્ણસમાજ અને પૂર્ણરાષ્ટ્રના માતૃત્વને સ્વીકાર્યું. આ રીતે પૂર્ણ માતૃત્વ સ્વીકારનારી સ્ત્રી આ પહેલાં ક્યારેક જોઈ નથી. સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માનનાર કેટલાક પુરુષો જરૂર જોયા છે. પણ વસુધૈવ કુટુમ્બકમ્‌ માનવાવાળી, પૂર્ણ હૃદયથી માનવતાને સમર્પિત, સ્વાર્થ નિરપેક્ષ, આજન્મ સેવાવ્રતધારિણી સ્ત્રી મેં ક્યારેય જોઈ નથી. ‘આપણા લોકો’ આ શબ્દ કેટલીયે વાર મારા કાનમાં અથડાયો છે. પરંતુ આ શબ્દોમાં રહેલી આત્મીયતા પોતાપણાનો ભાવ આજ સુધી મેં અનુભવ્યો નહોતો. આમજનતા પ્રત્યેના એમના પ્રેમમાં યથાર્થતાની સુગંધ હતી. આપણામાંથી ઘણાં બધા લોકોએ દેશ માટે પોતાના તન, મન, ધન અને સમય સમર્પ્યાં હતાં, પરંતુ નિવેદિતા જેવા દેશપ્રેમથી લથબથ હૃદય ક્યાંથી લાવવું? લોકોના હૃદયને સંપૂર્ણપણે હરી લેવાની વિશિષ્ટ શક્તિ ફક્ત નિવેદિતાની પાસે જ હતી. કોઈ પણ વ્યક્તિ, દેશની પ્રત્યેક વ્યક્તિને ન તો જોઈ શકે કે ન તો સમજી શકે. પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે કંઈ આત્મીયતાનો અનુભવ થતો નથી. પરંતુ ભગિની નિવેદિતાએ ભારતના સામાન્યમાં સામાન્ય માણસને જોયો હતો, ઓળખ્યો હતો. ભારતના સામાન્ય લોકોને તેઓ સંપૂર્ણ રીતે ઓળખી ગયાં હતાં. ફક્ત વિચારોથી જ નહિ, પણ મનથી તેઓ સામાન્ય લોકો સાથે એકરૂપ બની ગયાં હતાં. ગામડાંની કોઈ મુસલમાન સ્ત્રીનું તેઓ જે પ્રેમ અને આદરથી સ્વાગત કરતાં હતાં, તેવું સ્વાગત કરવાનું દરેક માટે શક્ય નથી. આ તો નિવેદિતાએ પ્રાપ્ત કરેલી એક દૈવી શક્તિ હતી. આવી દૈવીશક્તિની સ્વામિની હોવાને લઈને જ તેઓ ભારતમાં, ભારતીયોની વચ્ચે આટલો લાંબો સમય રહ્યા છતાં પણ ભારતને જીવનભર પ્રેમ કરતાં રહ્યાં. તેમણે ભારતને ઓળખ્યું, ભારતના લોકોને ઓળખ્યાં. એમના ગુણ-દોષ સઘળું જોયું, જાણ્યું, પણ એમના મનમાં ભારત પ્રત્યેના પ્રેમમાં એક અણુમાત્ર પણ ઘટાડો થયો નહિ.’

ફક્ત રવીન્દ્રનાથ ટાગોર જ નહિ, પણ નિવેદિતાના સંપર્કમાં જે કોઈ આવ્યું છે, તેમના ઉપર નિવેદિતાના ભારતપ્રેમ અને સમર્પિત જીવનની અમીટ છાપ પડી છે. વિનય સરકાર તો લખે છે કે ‘નિવેદિતા પ્રત્યેક ક્ષેત્રના માનવતાવાદી જનસેવિકા હતાં, દેશભક્તિ, શિક્ષણ, રાજનીતિ, રાષ્ટ્રિયતા, ઉદ્યોગધંધા સંબંધી ક્ષેત્રો, ઈતિહાસ, સમાજસેવા, નૈતિકસુધારણા, સ્ત્રીકલ્યાણ – બધામાં એમની સમાન રૂચિ હતી… નિવેદિતા સ્વામી વિવેકાનંદની અદ્‌ભુત ખોજ હતી, જે ભારતીય જનતાને માટે સર્વગુણસંપન્ન ધરોહરના રૂપે હંમેશાં યાદ રહેશે.’

સ્વામી વિવેકાનંદની આ અદ્‌ભુત ખોજ, સમસ્ત નારી જગતનું અપ્રતિમ ગૌરવ, ભારતીય જનતાની આ સર્વગુણ સંપન્ન ધરોહર, ભારતની જનતાને રાષ્ટ્રભક્તિની અને ભારતીય નારીઓને સેવા, સમર્પણ અને ત્યાગની નિરંતર પ્રેરણા આપતી ભારતજનોના હૃદયમાં સદાકાળ જીવંત રહેશે.

Total Views: 234

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.