માન્ચેસ્ટર શહેરની ગરીબ વસ્તીના લોકો દરરોજ સાંજે ચર્ચના માયાળુ પાદરી સેમ્યુએલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેતા. વળી, એમની સાથે આવતી નીલી આંખો અને ભૂરા વાળવાળી એમની સુંદર નાનકડી પુત્રીને જોઈને તો તેઓ પોતાનાં સઘળાં દુ:ખદર્દને ભૂલી જતાં. તે સમયે તેમને એવું લાગતું કે જાણે માતા મેરી પોતે, બાળ સ્વરૂપે એમના દુ:ખદર્દને દૂર કરવા એમની સમીપ આવી પહોંચ્યા છે. અને એટલે જ તે જ્યારે પોતાના નાના નાના હાથોથી, પિતાનું અનુકરણ કરી આ દુ:ખીઓનાં આંસુ લૂછવા લાગતી, ત્યારે તેમને શાતા મળતી અને જાણે એમની પીડા ઓછી થઈ ગઈ હોય, એવું જણાતું. અને એથી જ તો તેઓ આ પાદરી પિતાને આ બાલિકાને તેમની સાથે રોજ લઈ આવવાનું કહેતા.

એ સમયે એટલે આજથી લગભગ ૧૪૦ વર્ષ પહેલાં માન્ચેસ્ટર તો હતું ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્રબિંદુ. કાપડ ઉદ્યોગમાં થયેલી મહાન ક્રાંતિને પરિણામે માન્ચેસ્ટરમાં અસંખ્ય કાપડની મીલો સ્થપાઈ હતી. આ મીલોમાં કામ કરનારા મજૂરોની સ્થિતિ અત્યંત કફોડી હતી. તેમને અઢાર અઢાર કલાક સુધી કામ કરવું પડતું અને તો પણ જીવનનિર્વાહ પૂરતી રકમ મળતી નહિ. ગરીબી, ભૂખમરો અને રોગોથી પીડાતી આ મજૂરવસ્તીને આશ્વાસન આપનાર, એમના દુ:ખમાં સહભાગી થનાર જો કોઈ હોય તો તે માન્ચેસ્ટરના ચર્ચના પાદરી સેમ્યુએલ હતા. તેઓ દરરોજ સાંજે આ ગરીબ વસ્તીમાં આવતા. તેમના દુ:ખ દર્દ સાંભળતા. એમને શક્ય તેટલી આર્થિક અને અન્ય સહાય કરતા. એમના જીવનમાં શાંતિ સ્થપાય એ માટે પ્રભુને પ્રાર્થના કરતા. પિતાનું અનુકરણ કરી રહેલી તેમની નાની પુત્રી માર્ગરેટને પિતા શું કરી રહ્યા છે, એ બધું સમજાતું નહોતું, પરંતુ પિતાની જેમ જ કાર્ય કરવામાં તેના બાળમાનસમે અદ્‌ભુત આનંદ મળતો હતો.

આમ માર્ગરેટના શૈશવકાળથી જ ગરીબો પ્રત્યેનો પ્રેમ અને કરુણા તેના નાનકડાં હૃદયમાં સમાયેલાં હતાં. પોતાની આ દૈવી પુત્રી કોઈ મહાનકાર્ય માટે જન્મી છે એની પ્રતીતિ આ ધર્મપરાયણ પિતાને અવારનવાર થતી હતી. એથી જ જ્યારે તેઓ મૃત્યુશય્યા પર હતા, ત્યારે તેમણે પોતાના પત્નીને કહ્યું, ‘હું આમાંથી બચીશ નહિ, પણ તું આપણી માર્ગારેટનું ધ્યાન રાખજે. એક દિવસ એક મહાન આદેશ એની પાસે આવશે, ત્યારે માતા તરીકે તું એને સહાય કરજે.’

એના પિતાની આ ભવિષ્યવાણી સાચી પડી. માર્ગરેટના હૃદયમાં સત્યને પામવાની ઉત્કટ ઝંખના હતી. આથી તેમણે ખ્રિસ્તીધર્મ અને બૌદ્ધધર્મનો ઊંડો અભ્યાસ કર્યો. પણ તેઓ જે સત્યને ઝંખતા હતા, તેની પ્રાપ્તિ આ ધર્મો દ્વારા થઈ નહિ. કોલેજ શિક્ષણ પૂરું કરીને તેઓ શિક્ષણક્ષેત્રમાં જોડાયાં અને આ ક્ષેત્રમાં ઉત્તમ રીતે શિક્ષણ કેવી રીતે આપી શકાય, તે અંગે નવા નવા પ્રયોગો કરવા લાગ્યાં અને સાથે સાથે પોતાની આંતરખોજ માટેના તેમના પ્રયત્નો પણ ચાલુ રહ્યા. એમાં તેમના મિત્રે એક હિંદુ યોગીનું પ્રવચન સાંભળવા આવવાનું આમંત્રણ આપ્યું. એ હિંદુ યોગી હતા; પોતાના એક જ જીવનમાં બધા ધર્મોની સાધના કરી, સર્વધર્મો એક જ સત્ય પ્રત્યે લઈ જાય છે, એ અનુભૂત સત્યને પ્રકાશિત કરનાર દક્ષિણેશ્વરના શ્રીરામકૃષ્ણ પરમહંસના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદ. પ્રારંભમાં તો સ્વામીજીના પ્રવચનોથી તીવ્રબુદ્ધિ ધરાવનારાં માર્ગરેટ પ્રભાવિત ન થયાં, પરંતુ પછી સ્વામીજીના છેલ્લા બે પ્રવચનો લંડનમાં આપવાના બાકી હતાં, તે સાંભળ્યા બાદ તેમને એવું લાગ્યું કે તેઓ જે સત્યને ઝંખે છે, એ સત્ય આ સંન્યાસીએ પ્રાપ્ત કરી લીધું છે. એમની પાસેથી જરૂર એમને માર્ગ મળશે. આ વિશે તેઓ લખે છે : ‘મેં એમના તેજસ્વી અંશને ઓળખી લીધો, તો પણ તેઓ જે કહેવા આવ્યા હતા, તેના પ્રમાણભૂત અનુભવો મને ન થયા ત્યાં સુધી મેં એનો અંતિમ સત્ય તરીકે સ્વીકાર કર્યો નહિ.’ પછી તેઓ જેમ જેમ સ્વામીજીના ઉપદેશ પર ચિંતન કરવા લાગ્યાં, તેમ તેમ તેમનું સંશયશીલ મન ઓગળવા લાગ્યું પછી તો સ્વામીજી પ્રત્યે તેમનો ભક્તિભાવ વધવા લાગ્યો.

ફરી સ્વામીજી જ્યારે લંડનમાં આવ્યા, ત્યારે એક દિવસ વર્ગમાં તેઓ એકાએક બોલી ઊઠ્યા, ‘જગતને આજે એવાં વીસ સ્ત્રીપુરુષોની આવશ્યકતા છે કે જેમનામાં એટલું સાહસ હોય કે હિંમતપૂર્વક ઊભા થઈને પોકારીને કહી શકે કે ભગવાન સિવાય બીજું કશું જ એમની પાસે નથી. કોણ આગળ આવે છે? કોઈએ શા માટે ડરવું જોઈએ? જો આ સત્ય હોય તો બીજાનું શું મહત્ત્વ છે? જો આ સત્ય ન હોય તો જીવનનું શું મહત્ત્વ છે?’

આ શબ્દોએ માર્ગરેટના સમગ્ર અસ્તિત્ત્વમાં ઝણઝણાટી ફેલાવી દીધી. એમને થયું કે આ તો એ જ શબ્દો છે કે જેની તેઓ વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. આ શબ્દોમાં એમના આત્માને એક પોકાર સંભળાયો. એવો તીવ્ર પોકાર કે જે એક ક્ષણમાં જીવનનો માર્ગ સ્પષ્ટ કરી દે. આ શબ્દોએ એમના હૃદયમાં પ્રકાશ પાથરી દીધો. આ વિશે તેમણે ‘ધ વેબ ઓફ ઇન્ડિયન લાઈફ’ પુસ્તકમાં લખ્યું છે, ‘ધારો કે સ્વામી એ વખતે લંડન ન આવ્યા હોત તો! તો જીવન મસ્તક વગરના ઘડ જેવું બન્યું હોત! કારણ કે હું હંમેશાં માનતી હતી કે હું કંઈક વસ્તુ માટે રાહ જોતી હતી એન મેં હંમેશાં કહ્યું હતું કે આદેશ આવશે જ, અને એ આવ્યો.’

આ આદેશે માર્ગરેટનું સમગ્ર જીવન પલટી નાખ્યું. તેઓ સ્વામી વિવેકાનંદના શિષ્યા બન્યાં. પોતાના જીવન માટેનું માર્ગદર્શન પણ હવે તેઓ સ્વામીજી પાસેથી મેળવવા લાગ્યા. એક દિવસ વાર્તાલાપ દરમિયાન સ્વામીજીએ માર્ગરેટ તરફ જોઈને કહ્યું, ‘મારા દેશની સ્ત્રીઓ માટે મારી પાસે યોજના છે અને મને લાગે છે કે તમે મને ઘણાં મદદરૂપ થઈ શકો તેમ છો.’ આ સાંભળીને માર્ગરેટને લાગ્યું કે જાણે હવે તેમને જીવનકાર્ય મળી ગયું! આ વિશે પણ તેમણે લખ્યું છે, ‘આ સાંભળીને મને લાગ્યું કે મેં એક પુકાર સાંભળ્યો છે કે જે મારું જીવન બદલી નાખવાનો હતો. એ કઈ યોજનાઓ હતી, તે હું જાણતી નહોતી. એ સમયે પરિચિત કાર્યને છોડી દેવાનો પ્રયત્ન એટલો મોટો હતો કે એ વિશે પૂછવાની મને દરકાર નહોતી, પણ મને એટલું જણાયું કે મારે ખૂબ શીખવાનું હતું, કેમ કે મારે ભારતના લોકો વિશે જગતના સંદર્ભમાં ઓળખ કરવાની હતી.’

સ્વામી વિવેકાનંદે ભારતની દુર્દશા સર્જનારી બે મૂળભૂત ખામીઓ જોઈ હતી. તેમાંની એક તો હતી, સ્ત્રીઓ પર થતો અત્યાચાર અને સ્ત્રીઓની ગુલામદશા, જ્યારે બીજી હતી, ગરીબો અને દલિતોનું શોષણ. ભારતના નવોત્થાન માટે આ બંને ખામીઓને દૂર કવવા તેમણે જીવનભર પ્રયત્ન કર્યો હતો. એક પત્રમાં તેમણે માર્ગરેટને લખ્યું હતું, ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે, એની હવે મને ખાતરી થઈ ગઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે કાર્ય કરવા સારુ જે જરૂર હતી તે પુરુષની નહિ, પણ સ્ત્રીની – સાચી સિંહણની. ભારત હજુ મહાન સ્ત્રીઓને ઉત્પન્ન નહિ કરી શકે; તેણે બીજી પ્રજાઓમાંથી સ્ત્રી-કાર્યકરોને ઉછીની લેવી પડશે. તમારી કેળવણી, તમારી અંતરની સચ્ચાઈ, પવિત્રતા, અથાક્‌ પ્રેમ દૃઢ નિશ્ચય અને સૌથી વિશેષ તો તમારું સેલ્ટ જાતિનું ખમીર જે જાતની સ્ત્રી-કાર્યકર્તાઓની જરૂર છે, તેવાં જ તેમને બનાવે છે.’

આમ ભારતની સ્ત્રીઓને જગાડવની શક્તિ માર્ગરેટમાં રહેલી છે, એ સ્વામીજી પહેલેથી જ જાણી ગયા હતા. પણ તેમ છતાં પાશ્ચાત્ય કેળવણી પામેલાં, આ શિષ્યાને સાચા ભારતનો પરિચય કરાવી, તેમને હિંદુધર્મના ગહન રહસ્યો સમજાવવાં પડશે, તેમ પણ તેઓ જાણતા હતા. એથી જ માર્ગરેટ ભારતમાં રહેવા આવ્યાં, પછી સ્વામી વિવેકાનંદે એમનું ઘડતર કર્યું. તેઓ તેમને અને અન્ય બે યુરોપિયન મહિલાઓને પોતાની સાથે ઉત્તર ભારતની યાત્રાએ લઈ ગયા. યાત્રા દરમિયાન તેમણે ભારતનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું. સાચા ભારતની ઓળખ કરાવી. જેના બળે ભારતના લોકો વિષમ સ્થિતિમાં ય ટકી રહ્યા છે, એ જીવંત શ્રદ્ધાનું મહાત્મ્ય સમજાવ્યું. હિંદુધર્મ – તેના રીતરિવાજો, માન્યતાઓ, પૂજાવિધિઓ – આ બધાં પાછળનુંઈ રહસ્ય સમજાવ્યું. સાથે સાથે ભારતના ઇતિહાસ, વેદ-ઉપનિષદ, દર્શનો, પુરાણો, લોકકથાઓના જ્ઞાન દ્વારા ભારતની પ્રજાની અસ્મિતાનો પરિચય કરાવ્યો. આ ઉપરાંત સ્વામીજી, માર્ગરેટ પોતાની જાતિની ગૌરવ કે અભિમાનથી સંપૂર્ણ મુક્ત બની ભારત સાથે અને ભારતની જનતા સાથે એકરૂપ બની રહે તે માટે પણ પ્રયત્ન કરતા રહ્યા. આ સંદર્ભમાં એક દિવસ તેમણે કહ્યું; તમારે તમારા વિચારો, જરૂરિયાતો, ભાવનાઓ અને સંસ્કારોને હિંદુ સ્વરૂપ આપી દેવાના પુરુષાર્થમાં લાગી રહેવાનું છે. તમારું આંતર તેમજ બાહ્યજીવન એક ચૂસ્ત બ્રહ્મચારિણીના જીવન જેવું બની રહેવું જોઈએ. એ માટેની જો પૂરતી ઇચ્છા હશે તો કામ કરવાની પદ્ધતિ તમને આપોઆપ સૂઝશે. પરંતુ એ માટે તમારે તમારા ભૂતકાળને ભૂલી જવાનો છે. બીજા લોકો પણ એને ભૂલી જાય તેવું કરવાનું છે. તમને એની સ્મૃતિ પણ ન રહેવી જોઈએ.’

અને પોતાના સમગ્ર ભૂતકાળને ભૂંસીને માર્ગરેટ જ્યારે પૂરેપૂરાં ભારતીય સાધ્વી બની ગયાં ત્યારે સ્વામી વિવેકાનંદે એમને બ્રહ્મચર્યની દીક્ષા આપી નવું નામ આપ્યું નિવેદિતા. તે સમયે સ્વામીજીએ એમને કહ્યું હતું કે ‘જાઓ અને બુદ્ધ તરીકેનું દર્શન પામતાં પહેલાં જે વ્યક્તિઓ પાંચસો વખત જન્મ લઈને બીજા લોકો માટે જીવન સમર્પણ કર્યું તેને અનુસરો.’ આ રીતે દીક્ષા સ્વામી વિવેકાનંદે નિવેદિતાને બીજા લોકો માટે જીવનસમર્પિત કરવાની શીખ આપી.

નિવેદિતાએ ગુરુદેવની આ શીખને આદેશ માનીને પોતાનું જીવન ભારતની સ્ત્રીઓના ઉદ્ધાર માટેના કાર્યોમાં તેમજ ભારતની પ્રજાના રાષ્ટ્રભક્તિના જાગરણના કાર્યમાં સમર્પી દીધું.

જ્યારે સ્વામી વિવેકાનંદને એમ સ્પષ્ટ રીતે જણાયું કે હવે નિવેદિતા ભારતના અશિક્ષિત અને રૂઢિચૂસ્ત લોકોની વચ્ચે પણ કાર્ય કરી શકે તેવા સમર્થ બની ગયાં છે, ત્યારે તેમણે નિવેદિતાને બાલિકા વિદ્યાલય ખોલવાની રજા આપી. ૧૪મી નવેમ્બર ૧૮૯૮ના રોજ કાલીપૂજાના દિવસે શ્રીમા શારદાદેવીના વરદ હસ્તે નિવેદિતાએ પોતાની શાળાનું ઉદ્‌ઘાટન કર્યું. શ્રીમા શારદાદેવીએ આશીર્વાદ આપ્યા કે ‘આ શાળા પર મા કાલીના આશીર્વાદ ઊતરો અને અહીં આવનાર છોકરીઓને આદર્શ બાલિકાઓ તરીકેની તાલીમ આપો!’ આ આશીર્વાદથી નિવેદિતાને એવું લાગ્યું કે જાણે સાક્ષાત્‌ જગન્માતાએ એમના ગુરુદેવના નારી ઉત્થાનના મહાકાર્ય માટે આશીર્વાદની મહોર મારી દીધી અને આ કાર્યમાં સફળતાના દ્વારને ખોલી દીધાં! આ વિશે તેમણે એક પત્રમાં લખ્યું હતું, ‘શ્રીમાના આશીર્વાદને હું એક શુભચિહ્‌ન માનું છું. હું કલ્પના જ કરી શકતી નથી કે તેમના આશીર્વાદ કરતાં બીજું કોઈ મહાન શુભ શુકન હોઈ શકે.’ આ મહાન શુભ શુકનથી આ શાળા આજે ૧૦૨ વર્ષ પછી પણ અસંખ્ય બાલિકાઓને, આદર્શ બાલિકાઓનું શિક્ષણ આપતી, રામકૃષ્ણ શારદામિશન ભગિની નિવેદિતા સ્કૂલ તરીકે, કલકત્તાની ગણનામાન્ય શિક્ષણસંસ્થાઓમાંની એક બની રહી છે.

આ શાળામાં ફક્ત નાની નાની બાલિકાઓને શિક્ષણ આપવા પૂરતું જ નિવેદિતાનું કાર્ય મર્યાદિત નહોતું. અભ્યાસની સાથે સાથે તેઓ ચિત્રકામ, માટીકામ, સીવણ વગેરે જીવન ઉપયોગી શિક્ષણ પણ આપતાં હતાં. શ્રીમતી બુલને તેમણે એક પત્રમાં લખ્યું કે, ‘અત્યાર સુધી મેં બાળકોમાં જેટલી કલાત્મકતા જોઈ છે, એના કરતાં બાલિકાઓની કલાત્મક દૃષ્ટિ અને સૂઝ સહેજ પણ ઊતરતી કક્ષાના નથી. રંગોની સમજ અને રંગ સંયોજનમાં અહીંની છોકરીઓની નિપૂણતા અજોડ છે. સિલાઈ, ભરતગૂંથણ અને હસ્તશિલ્પમાં તેઓ કેટલી પારંગત છે, એની કલ્પના પણ તમે કરી શકો નહિ.’

નિવેદિતાએ આ બાલિકાઓની સાથે સાથે એમની માતાઓનાં દિલ પણ જીતી લીધાં. નિવેદિતામાં તેમને એક નિર્દોષ, સરળ અને સદાય સહાય માટે તત્પર એવી સ્નેહમય સાહેલીના દર્શન થતાં. નિવેદિતા જ્યારે પણ તેમનાં ઘરે જતાં, ત્યારે બધાં એમનું આદરપૂર્વક સ્વાગત કરતાં. નિવેદિતાને સહાય કરવાની એક પણ તક તેઓ જતી કરતાં નહિ. તેઓ નિવેદિતાને દૂધ-ફળ વગેરે મોકલતાં રહેતાં અને નિવેદિતા પણ તેમનાં આવા કાર્યોની કદર કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં રહેતાં. તેમને અહીંની સાત્વિક, સંકોચશીલ, શરમાળ તથા મધુરસ્વભાવવાળી, મૃદુભાષિણી સ્ત્રીઓ પ્રત્યે હંમેશાં આકર્ષણ રહ્યું હતું. તેમણે અહીંની સ્ત્રીઓની પ્રશંસા એમના લેખોમાં અને ભાષણોમાં ભરપૂર પણે કરી છે.

નિવેદિતા પોતાની શાળામાં આવતી પ્રત્યેક બાલિકાની નોંધ રાખતાં હતાં. ચાર-પાંચ બાલિકામાંથી સંખ્યા વધતી વધતી ૪૫ની થઈ ગઈ હતી. તો પણ તેઓ દરેકનો સ્વભાવ, શોખ-રૂચિ, લાક્ષણિકતા-બધાંની વ્યક્તિગત નોંધ રાખતા. જે વિદ્યુતમાલા બોઝ : – ૫૦ માંથી ૪૫ દિવસની હાજરી, સાહસી, દૃઢનિશ્ચયી, ધૈર્યવાન, રૂચિ-અત્યુત્તમ. શરૂઆતમાં તે દુ:ખી અને અવજ્ઞા કરનારી જણાતી હતી પણ પછી તેની સાથે વાત કરતાં હવે તો મારું એક સ્મિત જ તેને માટે આજ્ઞારૂપ બની જાય છે. પ્રબળ ઇચ્છાશક્તિ છે. કંઈક કરી બતાવવાની ભાવના છે. પણ લગ્ન પછી બધું ઓસરી જશે.’… આમ પ્રત્યેક વિદ્યાર્થીની જે સૂક્ષ્મ અને ઊંડું અવલોકન તેમણે કર્યું હતું, તેવું તો તેમની માતાઓએ પણ નહિ કર્યું હોય. તેમની ખામીઓને જાણીને પ્રેમપૂર્વક તેમને દૂર કરીને તેમની આંતરશક્તિઓને જાગૃત કરી દેતાં.

ગિરિબાલા નામની બાવીસ વરસની વિધવાને તેઓ પોતાની શાળામાં ભણવા માટે સમજાવીને તેડી લાવ્યાં. તે થોડા દિવસ આવીને પછી આવતી બંધ થઈ ગઈ. તો નિવેદિતા જાતે એના ઘરે ગયાં. ત્યારે તેના કાકાએ કહ્યું, ‘આટલી મોટી ઉંમર અને પાછી વિધવા એટલે બધાં તેની હાંસી ઉડાવે છે, એટલે હું તેને શાળામાં નહિ મોકલું.’ ત્યારે નિવેદિતાએ તેના કાકાને ગિરિબાબાની લાંબી જિંદગી અને ભવિષ્યની વાત કરી, તેમને શાળાએ મોકલવા માટે રાજી કરી દીધા અને પછી પોતે ઓઢેલી ગરમ શાલ ગિરિબાબાને ઓઢાડી કહ્યું, હવે દરરોજ શાલમાં લપેટાઈને નિશાળે આવજે, એટલે તને કોઈ જોઈ નહિ શકે.’ પ્રફૂલ્લમુખી તેમની પડોશમાં રહેતી બાલવિધવા હતી. તેમને પણ તેમણે શાળામાં આવતી કરી દીધી હતી. બંગાળના રિવાજ મુજબ પ્રફુલ્લમુખીને દર એકાદશીએ ઉપવાસ કરવો પડતો. તેથી તેઓ દર એકાદશીએ તેના ઘરે ફળો અને દૂધની મિઠાઈ મોકલાવતાં. એક એકાદશીએ તેઓ પોતાના મિત્રને ત્યાં જમવા ગયાં હતાં. જમી લીધા પછી એમને એકાદશી છે, તે યાદ આવતાં, તેઓ તાત્કાલિક ઘરે પાછા ફર્યાં ને તેના ઘરે ફળોને મિઠાઈ આપવા ગયાં ને કહ્યું, ‘અરે મારી દીકરી, આજે એકાદશી છે, એ તો હું સાવ ભૂલી જ ગઈ. તું ભૂખી હતી અને મેં જમી લીધું, કેવું અવિચારી કહેવાય?’ આમ તેની શાળામાં આવતી પ્રત્યેક બાલિકા માટે તેમનું માતૃહૃદય અપાર પ્રેમ અને કરુણાથી છલકાતું હતું.

એમનાં આ વાત્સલ્યપૂર્ણ હૃદયમાં તો સર્વને માટે અનર્ગળ પ્રેમ ભરેલો હતો. એક દિવસ તેઓ રાત્રે જમવા બેસતાં હતાં. ત્યાં તેમણે દૂરથી આવતો કોઈના રડવાનો અવાજ સાંભળ્યો. ખાવાનું છોડીને તેઓ એ અવાજની દિશામાં ચાલ્યા. જે ઝૂંપડીમાંથી અવાજ આવતો હતો, ત્યાં જઈ પહોંચ્યા. અંદર જઈને જોયું તો એક નાની બાળકી છેલ્લા શ્વાસ લઈ રહી હતી. અને થોડી જ વારમાં તેનો શ્વાસ અટકી ગયો. તેની માતા અને પરિવારજનોનું આક્રંદ અસહ્ય હતું. નિવેદિતા આખી રાત એ ઝૂંપડીમાં બેસી રહ્યાં અને શોકમગ્ન માતા અને પરિવારજનોને આશ્વાસન અને હૂંફ આપતાં રહ્યાં. આ વિશે તેમણે મિસ મેક્લાઉડને પત્રમાં લખ્યું છે, ‘હું તેમની ભાંગી તૂટી ભાષામાં દિલાસો આપવામાં સફળ બની શકી. એમના માટે એ બહુ મોટું આશ્વાસન હતું કે આવી દુ:ખની ક્ષણોમાં કોઈ એમની સાથે હતું, તેમનામાંનું એક હતું. ત્યાં અમારી વચ્ચે કોઈ જાતિ કે ધર્મનું બંધન નહોતું અને આ વાતથી મેં કેટલું સુખ અનુભવ્યું એ હું તને બતાવી શકતી નથી… મેં ત્યાં બેસીને કલાક સુધી મા કાલી અને રામકૃષ્ણદેવના પવિત્રનામનું ઉચ્ચારણ કર્યું ત્યારે એક વાત મને ધ્યાનમાં આવી કે શ્રીરામકૃષ્ણદેવનું નામ મા કાલીના નામથી વધારે આત્મીય જણાતું હતું.’ શોકમાં ડૂબેલી એ માતાનાં આંસુ લૂછતાં નિવેદિતાએ એમને કહ્યું, ‘મા, રડો નહિ, તમારી દીકરી તો હવે એ મમતામયી મહાન કાલીમાતા પાસે પહોંચી ગઈ છે. હવે તે એના રક્ષણમાં છે.’ અને પછી એક ક્ષણ માટે નિવેદિતા અને શોકથી ભાંગી પડેલી મા બંને સ્થિર થઈ ગયાં. પછી એ મા નિવેદિતાના બાહુઓમાં સમાઈ ગઈ. નિવેદિતાની આ સહજચેષ્ટા બાળકીના મૃત્યુથી ભાંગી પડેલી માતાને સાંત્વના આપવા માટે પર્યાપ્ત હતી. ત્યાં કોઈ ભાષાની અભિવ્યક્તિની જરૂર નહોતી. ત્યાં કોઈ ભેદને સ્થાન ન હતું. નિવેદિતા જણાવે છે કે જાણે અમારાં બંને દ્વારા પૂર્વ અને પશ્ચિમનું અંતર ખતમ થઈ ગયું હતું અને પૂર્વ ને પશ્ચિમ એક થઈને સમગ્ર વિશ્વહૃદયનું સાંત્વન કરી રહ્યા હતા. સંવેદના પ્રગટ કરી રહ્યા હતા.’ સર્વ પ્રત્યે પ્રેમ અને કરુણા વહાવતું વિશ્વમાતાનું હૃદય જ આ રીતે શોકસંપપ્ત હૃદયને શાતા આપી શકે! અને એ હૃદય જ તો નિવેદિતામાં ધબકી રહ્યું હતું.

ફક્ત નાની બાલિકાઓ માટે જ નહિ, પણ પછીથી તેમણે મહિલાઓ માટે પણ વર્ગ શરૂ કર્યો હતો. બપોરે ૧૨ થી ૪ના ગાળામાં જ્યારે સ્ત્રીઓ કામકાજથી પરવારેલી હોય, ત્યારે તેઓ આ વર્ગમાં આવતી. ડો. જગદીશચંદ્ર બોઝના બહેન લાવણ્યપ્રભા આ સ્ત્રીઓને લખવા-વાંચવાનું શીખવાડતાં. યોગીનમા ધર્મ અને નીતિ વિશે શીખવાડતાં. ક્રિસ્ટીન ભરત-ગૂંથણ શીખવાડતાં. બાકીનું બધું નિવેદિતા શીખવાડતાં. ઘરની ચાર દિવાલોની બહાર કદી નહિ નીકળેલી, આ સ્ત્રીઓનો નિવેદિતાએ એટલે વિશ્વાસ સંપાદન કર્યો કે તેઓ દરરોજ હોંશેહોંશે નિવેદિતાની શાળામાં આવવા લાગી. મિસ. મેક્લાઉડને લખેલા એક પત્રમાં તેઓ જણાવે છે : ‘પરદામાં રહેનારી પરિણિત સ્ત્રીઓ એક યુરોપિયન સ્ત્રીના ઘરે ભણવા આવે. આવી વાત તો ક્યારેય કોઈએ સાંભળી નહોતી, પણ એ હવે વાસ્તવિક હકીકત બની ગઈ છે. અને એથી ય વધુ આશ્ચર્યની વાત તો એ છે કે એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી એક ક્ષણ માટે પણ આવી નથી.’ આ કદી ન સાંભળેલી વાત વાસ્તવિકતામાં પરિણમવા પાછળનું મુખ્ય કારણ નિવેદિતાનું પોતાનું સાદું, સરળ તપોમય જીવન હતું. વળી તેઓ તો આ સ્ત્રીઓની હિંદુધર્મ પ્રત્યેની નિષ્ઠાને દૃઢ બનાવી રહ્યાં હતાં. અને એટલે જ નિવેદિતા આ સ્ત્રીઓને પોતાનાં જ લાગતાં હતાં. નિવેદિતાના કાર્યોના પ્રત્યક્ષ સાક્ષી એસ. કે. રેટક્લિફ લખે છે : ‘એક નાનકડા બાળ વિદ્યાલયના રૂપે શરૂ થયેલી આ શાળા નિરંતર પ્રગતિના સોપાનો સર કરતી આજે ઘણી મોટી શાળામાં ફેરવાઈ ગઈ છે. અહીં વિવાહયોગ્ય ઉંમર સુધીની હિંદુ છોકરીઓ ઘણી મોટી સંખ્યામાં આવે છે. અને એનાથી પણ વધારે મોટી સંખ્યામાં આવે છે, પરિણિત સ્ત્રીઓ.’ નિવેદિતા પોતે પણ એક પત્રમાં લખે છે, ‘મહિલાઓના કાર્યમાં અસાધારણ સફળતા મળી રહી છે એ આશ્ચર્યકારક બાબત છે.’ સંખ્યા વધતાં શાળાનું મકાન નાનું પડવા લાગ્યું અને તેથી પાસે બીજું મકાન રાખવું પડ્યું. આજે તો ત્રણ માળનું વિશાળ ભવન ધરાવતી આ શાળા નિવેદિતાના કાર્યો અને તેમની પાવક સ્મૃતિને જીવંત રાખી રહી છે.

(ક્રમશ:)

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.