સ્વામી બોધાનંદે વરાહનગર મઠમાં નાની વયે આવીને શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી હતી અને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ પાસેથી સંન્યાસદીક્ષા લીધી હતી. – સં.

ઈ.સ. ૧૮૯૦માં જ્યારે હું કલકત્તાની રીપન કૉલેજનો વિદ્યાર્થી હતો. ત્યારે મને સદ્‌નસીબે શ્રીરામકૃષ્ણદેવ વિષે જાણવાની ઉત્કંઠા થઈ. મારા કેટલાક સહાધ્યાયીઓ અને મિત્રો સાથે હું તે વર્ષના ઑગસ્ટ માસમાં કાંકુડગાછીમાં (પૂર્વ કલકત્તા) મંદિરના સ્થાપનાવર્ષની ઉજવણી નિમિત્તે ગયેલો. ત્યાં શ્રીરામકૃષ્ણદેવના મહાનતમ શિષ્યોમાંના એક સ્વ. રામચંદ્ર દત્ત પાસેથી અમે શ્રીરામકૃષ્ણદેવ વિષે સૌપ્રથમ સાંભળ્યું. શ્રીરામકૃષ્ણદેવ તરફની તેમની ભક્તિ અનન્ય હતી. ફક્ત થોડા લોકો કે જેઓ તેમને અંગત રીતે જાણતા તે જ તેની પ્રશંસા કરી શકે. આપણે ઘણીવાર આ બ્લોક બોલતા હોઈએ છીએ, ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ’ પરંતુ રામબાબુ તો એવા લોકોને માંહેના એક હતા જેમણે તેના સાચા અર્થને આત્મસાત કર્યો. હોય. એમને માટે તો ખરેખર શ્રીરામકૃષ્ણદેવ એમનું ‘સર્વસ્વ’ જ હતા. તેમણે શ્રીરામકૃષ્ણદેવ સિવાય બીજા કોઈ ઈશ્વરની ઉપાસના નથી કરી; કાંકુડગાચ્છી કે જ્યાં શ્રીરામકૃષ્ણદેવનો પવિત્ર અસ્થિકુંભ રાખવામાં આવેલ છે. તે મંદિર સિવાય બીજા કોઈ મંદિરની મુલાકાત ક્યારેય તેમણે નથી લીધી. તેમજ શ્રી ઠાકુર પાસેથી સાંભળેલી વાતો સિવાય બીજા કોઈપણ ધાર્મિક સિદ્ધાંતો કે ઉપદેશો ક્યારેય પણ વાંચ્યા નથી કે નથી તેનો ઉપદેશ આપેલો.

માસ્ટર મહાશય (મહેન્દ્રનાથ ગુપ્ત) અમારા પ્રાધ્યાપક. હતા. અમે સાંભળ્યું કે તેઓ પણ શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય હતા. એક દિવસ અમે તેમની પાસે જઈ અમારી ઓળખાણ આપી. શ્રીરામકૃષ્ણદેવ વિષે અમે થોડી વાતો કરી. તેમણે અમને શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો જ્યાં રહેતા હતા તે વરાહનગર મઠમાં જવાનું કહ્યું. માસ્ટર મહાશય સ્વભાવે ખૂબ જ ઓછાબોલા હતા પરંતુ અમારા પ્રતિ ખૂબ જ પ્રેમાળ હતા. પોતાના કુટુંબમાં રહેતા એક ભક્ત તેમજ ધર્મની સાધના કરવા માટે પોતાનું આખું જીવન સમર્પી જગતનો ત્યાગ કરનાર એક ત્યાગી શિષ્ય એ બંને વિષે તેઓ ખૂબ જ નિષ્કપટ અભિપ્રાય ધરાવતા હતા. આ બંનેને વર્ણવવા તેઓ આ ઉપમાનો ઉપયોગ કરતા – પહેલા પ્રકારની વ્યક્તિ તદ્‌ન પાકેલી છતાં ‘ખાટી કેરી’ કહેવાય. જ્યારે બીજી પ્રકારની વ્યક્તિ (ત્યાગી-સંન્યાસી) ઉચ્ચત્તમ ગુણવત્તા ધરાવતી કેરી (ફઝલી અથવા લંગડા) છતાં હજુ પાકી નથી તેના જેવી કહેવાય. માસ્ટર મહાશયની આ છણાવટ બિલકુલ જ સ્પષ્ટ હતી. વધારામાં તેમણે એમ પણ કહેલું કે જો અમારે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશના જીવતા જાગતા દાખલા જોવા હોય તો મઠની મુલાકાત લેવી જ જોઈએ.

ત્યારબાદ થોડા જ સમયમાં અમે મઠની મુલાકાતે ગયા. અમારી પહેલી મુલાકાત અઠવાડિયાના ચાલુ દિવસે જ હતી, કેમકે અમે કૉલેજથી છૂટી સીધા જ ત્યાં ગયેલા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે બપોરના લગભગ ત્રણ વાગવા આવેલા. પહેલાં અમે શશી મહારાજને (સ્વામી રામકૃષ્ણાનંદજી) મળ્યા. તેઓ અમને જોઈને આનંદિત થયા અને અમારા વિષે પૂછવા માંડ્યા. જ્યારે તેમણે જાણ્યું કે અમે વિદ્યાર્થીઓ છીએ, ત્યારે તેમણે અમને થોડા પ્રશ્નો પૂછી અને અમને અભ્યાસની અવગણના નહિ કરવાનું કહ્યું. અમે પાંચ-છ વાગ્યા સુધી રોકાયા. ચાર વાગે મંદિર ખૂલ્યું ત્યારે તેઓ અમને ત્યાં લઈ ગયા, વેદી ઉપરથી થોડાં ફૂલ લઈને તે તથા અમારા માટે ખૂબ ભાવ સાથે પ્રભુને ધરેલો પ્રસાદ પણ આપ્યો. અમે પલંગ પર રાખેલા શ્રીરામકૃષ્ણદેવના ચિત્ર તથા વેદી પર રાખેલા પવિત્ર અસ્થિકુંભના ઘટને પ્રણામ કર્યા, બીજા પણ ચાર-પાંચ સ્વામીજીઓ હતા. અમે તે બધાંને એક પછી એક એમ પ્રણામ કર્યા. તે બધા અમારી સાથે પ્રેમથી બોલ્યા અને અમને પોતપોતાની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા. અને જ્યારે અમે ઘરે જવા નીકળ્યા. ત્યારે બધાએ અમને ફરીથી આવવા કહ્યું. અમે ઘરે પાછા ફર્યા અને આખો વખત તે અદ્‌ભુત મુલાકાત – સ્વામીજીઓના ત્યાગ અને મઠના શાંત વાતાવરણ વિષે વાતો કર્યા કરી.

માસ્ટર મહાશય એ વખતે કલકત્તામાં કાંબુલિયા ટોલામાં રહેતા હતા. ઘરે પાછા ફરતી વખતે અમે તેમને ત્યાં ગયા અને મઠની અમારી મુલાકાત વિષે કહ્યું, તેમણે તે માટે અમને અભિનંદન આપ્યા. અને ત્યાં વારંવાર જઈ, સ્વામીજીઓની વ્યક્તિગત સેવા, જેવી કે તેમના ચરણ ધોવા, હુક્કામાં તમાકુ ભરવી વગેરે કરી આપવા પ્રેરિત કર્યા. તે લોકોને મળીને સેવા કરવી તે અમારા સૌ માટે જાણે કે ખુદ શ્રીરામકૃષ્ણદેવને મળવા અને સેવા કરવા બરાબર હતું.

સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) તે વખતે ઉત્તર પ્રદેશની યાત્રાએ ગયેલા. આ વખતે તેઓ એટલું એકાંત ઇચ્છતા હતા કે ભાગ્યે જ મઠના તેમના ગુરુ ભાઈઓને પત્ર લખતા. ખરેખર તો એક કે બે વર્ષ સુધી તેઓ ક્યાં છે તે કોઈને પણ ખબર નહોતી.

શશી મહારાજ, બાબુરામ મહારાજ, મહાપુરુષજી, યોગેન મહારાજ, કાલી મહારાજ અને નિરંજન મહારાજ એ વખતે મઠમાં જ રહેતા હતા. એ બધા અમને સ્વામીજી વિષે તથા શ્રીરામકૃષ્ણદેવના સ્વામીજી તરફના અને સ્વામીજીના શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેના પ્રેમ વિષે વાતો કરતા. તેમાના કેટલાકે તો અમને ખાતરી પણ આપેલી કે સ્વામીજી જ્યારે મઠમાં પાછા ફરે, ત્યારે તેઓ અમને સંન્યાસ દીક્ષા આપવા રાજી થશે.

આના પહેલાંનો પણ એક પ્રસંગ થોડા આશ્ચર્ય સાથે મારે અહીં કહેવો જોઈએ : થોડાં વર્ષો પહેલાં (કદાચ તો ઈ.સ. ૧૮૮૭માં) જ્યારે હું બાઉબજાર શાખાની મેટ્રોપોલીટન શાળાનો વિદ્યાર્થી હતો ત્યારે મેં સ્વામીજીને જોયેલા. તેઓ તે શાળામાં થોડો વખત હેડમાસ્ટર તરીકે હતા. હું નીચલી કક્ષામાં ભણતો હોવાથી મને રવામીજીનો અમારા વર્ગ લેતા હોવાનો લ્હાવો મળેલો નહિ; પરંતુ લગભગ દ૨૨ોજ હું અમારા વર્ગખંડની બારીમાંથી તેમને શાળાના પ્રાંગણમાં પ્રવેશતા નીરખતો. હજુ પણ તે દૃશ્ય મારી નજર સામે જીવંત બનીને તરી આવે છે. તેઓ લેંઘો ઝભ્ભો પહેરતા અને ખભાની આસપાસ લગભગ છ ફૂટની લાંબી ચાદર વીંટાળતા. એક હાથમાં છત્રી રાખતા અને બીજા હાથમાં ચોપડી રાખતા – સંભવ છે કે તે એન્ટ્રન્સ કલાસની પાઠ્યપુસ્તિકા હોય. તેજસ્વી આંખો અને હસમુખા ચહેરાવાળા તેઓ એટલા તો અંતર્મુખી લાગતા કે કેટલાક તેમના આવા જાજ્વલ્યમાન વ્યક્તિત્વથી ખેંચાતા જ્યારે કેટલાક તો તેમના આવા એકદમ જ ગંભીર અને પ્રભાવી વ્યક્તિત્વથી તેમની નજીક જવાની હિંમત જ કરતા નહિ. એ તો જ્યારે હું વરાહનગર મઠમાં આવ્યો ત્યારે જ મને ખબર પડી કે તે મહાન હેડમાસ્ટર કે જેણે મને આટલો બધો પ્રભાવિત કરેલો તે તો સ્વામીજી પોતે જ હતાં.

સ્વામીજી અમેરિકા અને યુરોપમાં પોતાનું કાર્ય પતાવી ઈ.સ. ૧૮૯૬ના ડિસેમ્બર માસમાં ભારત પાછા ફર્યા. જાન્યુઆરીમાં તેઓ કોલમ્બો ઊતર્યા અને ૧૮૯૭ના ફેબ્રુઆરી માસમાં કલકત્તા આવ્યા. એ વખતે હું કલકત્તાની પશ્ચિમે વીસ માઈલ દૂર આવેલા મારા ગામની નજીકના ગામડામાં માધ્યમિક શાળામાં શિક્ષક હતો. એ વખતે શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પૂજા ઉજવણી દક્ષિણેશ્વર ઉઘાનગૃહના ચોગાનમાં કરવામાં આવતી. જ્યારે સ્વામીજીઓ દક્ષિણેશ્વરથી બે માઈલ દૂર આવેલા આલમબઝાર મઠમાં રહેતા હતા. એ વર્ષે ઠાકુરની જન્મતિથિ દ૨ વર્ષની જેમ ફેબ્રુઆરીના છેલ્લા અથવા માર્ચના પહેલા અઠવાડિયામાં હતી. તે હું મઠમાં આવ્યો તેનો આગલો દિવસ હતો અને શનિવાર હતો કારણ કે અત્યારે જેમ તિથિપૂજા પછી આવતા રવિવારે જાહેર સમારંભ યોજાય છે. તેમ તે વખતે શનિવારે યોજાતો.

મઠથી ત્રણેક માઈલ દૂર ગંગા કિનારે આવેલ એક મકાનમાં સ્વામીજી એ વખતે થોડા સમય માટે રહેવા ગયેલા. રવિવારે વહેલી સવારે મેં તેમને ત્યાં જોયા. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે લગભગ સવારે છ થવા આવેલા . હજુ અંધારું હતું. સ્વામીજી વહેલા ઊઠતા. પહેલા એમણે મને તેમના ઓરડાની બારીમાંથી જોયો અને નીચે આવી દરવાજો ખોલ્યો. મેં તેમને પ્રણામ કર્યાં અને તેઓ જાણે કે મને ઘણા વખતથી ઓળખતા હોય એ રીતે મને આવકાર્યો. મારી સાથે એમણે ખૂબ ઉમળકાથી વાતો કરી અને મને પાણીનો એક પ્યાલો લાવવાનું કહ્યું, એ વખતે તેઓ મોં ધોઈ રહ્યા. હતાં. તેઓ તે જાણીને ખુશ થયા કે હું પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને તે માટે મને આશીર્વાદ પણ આપ્યા. મહાપુરુષજી પણ ત્યાં હતા. તેમણે સ્વામીજીને કહ્યું કે જે યુવાન છોકરાઓનો સમૂહ ઘણાં વર્ષોથી મઠમાં આવે છે તે માંહેનો આ એક છે અને તેણે સંઘમાં જોડાવા નિર્ણય કરેલ છે એ સાંભળી સ્વામીજીએ કહ્યું કે તેઓ નજીકના ભવિષ્યમાં જાતે સંન્યાસદીક્ષા આપશે. સ્વામીજીના આ શબ્દોથી તો મને મારું સ્વપ્ન સાકાર થવાની આશા બળવત્તર થતી લાગી.

જાહેર સમારંભના થોડા દિવસ પહેલા – સંભવિતપણે તે શ્રીઠાકુરની તિથિપૂજાનો જ દિવસ હતો – સ્વામીજીએ ચાર બ્રહ્મચારીઓને સંન્યસ્તદીક્ષા તેમજ એક બે ભક્તોને મંત્રદીક્ષા આપી. લગભગ આઠ વાગે તેઓ મઠમાં આવ્યા. હું પણ તેમની પરવાનગીથી તેમની સાથે જ ગાડીમાં આવેલો. તેમના આવ્યા પછી થોડી જ વાર બાદ તેમણે સ્નાન કર્યું અને મંદિરમાં ધ્યાન કરવા ગયા. અમે પણ તેમની પાછળ ત્યાં ગયા. એ ખૂબ જ પ્રેરણાદાયી પ્રસંગ હતો.

લગભગ અગિયાર વાગે તેઓ દક્ષિણેશ્વર ઉઘાનગૃહના મંદિરે કે જ્યાં જાહેર સમારંભનું આયોજન કરવામાં આવેલ ત્યાં મોટો માનવસમુદાય એકઠો થયેલો.

માનવ મહેરામણ એકઠો થવાનું બીજું કારણ સ્વામીજીની હાજરી પણ હતી. ઘણા લોકોએ સ્વામીજીને પંચવટી પાસે પ્રવચન આપવા વિનંતી કરી, પરંતુ સ્વામીજી જોઈને લોકો આનંદના અતિરેકમાં એટલા તો ઉત્સાહી થઈ ગયા અને સ્વામીજીને નજરે જોવાના કુતૂહલને કારણે થોડી અવ્યવસ્થા થઈ ગઈ, જેથી સ્વામીજીને પ્રવચન આપવું અશક્ય લાગ્યું. લગભગ એક વાગે તેઓ મઠમાં આરામ કરવા પાછા ફર્યા. મેં આખો દિવસ તેમની સાથે રહીને એક રોવકની જેમ તેમની નાની એવી સેવા કરવાનો લ્હાવો લઈ લીધો. તે ખરેખર મારા જીવનનો એક અદ્‌ભુત દિવસ હતો. તેની છાપ તો મારી યાદદાસ્તમાં કાયમી થઈ ગઈ છે. હજુ પણ જ્યારે હું તેના વિશે વિચારુંછુંત્યારે તે દિવસે મેં અનુભવેલી આનંદની સ્પંદના હજુ અત્યારે પણ અનુભવી શકું છું.

બીજે દિવસે ઘણી અનિચ્છાએ પણ મારી શાળાની ફરજો બજાવવા પાછું ફરવાનું હતું. એ અદ્‌ભુત પ્રસંગની અત્યાનંદ અને આભારની લાગણી તે બાદ પણ ઘણા દિવસો સુધી મારામાં વિધમાન રહી. મને એવી ઇચ્છા થયા જ કરતી કે હુંફરીથી સ્વામીજીને મળી તેમની વધુ કૃપા અને માર્ગદર્શન માટે તેમના ચરણે બેસી રહું.

ભાષાંતર : કુ. સીમા માંડવિયા

(‘પ્રબુદ્ધ ભારત’ ઑક્ટો. ૧૯૩૪માંથી સાભાર)

Total Views: 202

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.