જ્યારે કાલીકૃષ્ણ તરુણાવસ્થામાં આવ્યા ત્યારે તેની ભીતરની આધ્યાત્મિકવૃત્તિ ધીમે ધીમે પ્રગટ થવા લાગી અને તેનાથી તેઓ અધીર બન્યા. એ વખતે એમના સહપાઠી ખગેન્દ્રનાથ ચેટર્જીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. ખગેન્દ્રનાથ ચેટર્જી અપ્રતિમ મેધાવી અને વિલક્ષણ ચારિત્ર્યવાળા હતા. પછીથી ખગેન સ્વામી વિવેકાનંદના શિષ્ય બન્યા અને સ્વામી વિમલાનંદના નામે જાણીતા બન્યા. ખગેન અને કાલીકૃષ્ણે કોલેજનું શિક્ષણ શરૂ કર્યું તે દરમિયાન તેમણે સમાન પ્રકૃતિવાળા બીજા વિદ્યાર્થીઓ સાથે એક વૃંદ રચ્યું. સુધીર ચક્રવર્તી, સુશીલ ચક્રવર્તી, હરિપદ ચેટર્જી, ગોવિંદ શુકુલ આ વૃંદના મિત્રો હતા. એ ચારેય પછીથી સ્વામી શુદ્ધાનંદ, સ્વામી પ્રકાશાનંદ, સ્વામી બોધાનંદ અને સ્વામી આત્માનંદના નામે જાણીતા બન્યા. આ બધા રામકૃષ્ણ સંઘના તેજસ્વી તારલા બની ગયા. સુધીર સીટી કોલેજમાં વિદ્યાર્થી હતા અને બાકીના બધા રીપન કોલેજમાં અભ્યાસ કરતા હતા.

આ વિદ્યાર્થીવૃંદના સભ્યોમાં નૈતિકતામાં ક્યારેય બાંધછોડ ન કરનારા અને ઉચ્ચતર આદર્શાે માટેનો અનન્યભાવ યુવાન વિદ્યાર્થીઓ માટે હમેશાં એક આદર્શરૂપ બની રહેશે. તેઓ ચુસ્તપણે નૈતિકતાવાળું જીવન જીવવાનો પ્રયત્ન કરતા અને એમાં મદદરૂપ થાય તે માટે તેઓ સાથે મળીને ધર્મગ્રંથોનાં વાચનમનન અને ચર્ચા કરતા તેમજ આધ્યાત્મિક સાધના પણ કરતા. ખગેનનું ઘર સામાન્યરીતે તેમનું મિલનસ્થાન બની રહેતું. જુદાજુદા ધર્મસંપ્રદાયના સંતો અને પવિત્ર પુરુષોને તેઓ મળવા જતા. ધર્મમિલન અને સાધુસંગ પ્રત્યે આ યુવાનો ખૂબ આકર્ષણ ધરાવતા હતા. મહિમાચરણ ચક્રવર્તી કે જેઓ શ્રીરામકૃષ્ણને મળ્યા હતા તેઓ એ સમયના આધ્યાત્મિક જગતના સુખ્યાત અગ્રણી હતા. એમની આગેવાની હેઠળના ધર્મસંઘે કોલકાતામાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ખગેનની પ્રેરણાથી તેના મિત્રો કાલીકૃષ્ણ, સુધીર અને બીજા અવારનવાર થોડા દિવસો સુધી મહિમા ચક્રવર્તીના સમાજની મુલાકાતે ગયા. પોતાના શિક્ષણ માટે તેઓ બીજા સાધુ અને પવિત્ર પુરુષોને પણ મળતા. આમ પોતાના આધ્યાત્મિક જીવનના પ્રારંભિક સંરચનાના દિવસો પસાર થયા.

એ સમય દરમિયાન પોતાના પિતાના પુસ્તકાલયનાં કેટલાંક પુસ્તકોએ કાલીકૃષ્ણને આકર્ષ્યા. એ પુસ્તકોમાં સુરેશચંદ્ર દત્ત દ્વારા સંપાદિત ‘ટિચિંગ્ઝ આૅફ શ્રીરામકૃષ્ણ’, રામચંદ્ર દત્ત દ્વારા સંકલિત ‘લાઈફ આૅફ શ્રીરામકૃષ્ણ’ અને ‘તત્ત્વપ્રકાશિકા’ હતાં. આ પુસ્તકો વાંચીને તેઓ રામકૃષ્ણ પ્રત્યે આકર્ષાયા. સાથે ને સાથે ધ્યાનસાધના અને બીજી આધ્યાત્મિક સાધનાઓ દ્વારા તેઓ એમના ઉપદેશોનું અનુસરણ કરવાનો પ્રયત્ન કરતા. તેઓ એક એકાંત ઓરડામાં બેસી રહેતા અને ત્યાં જ આવી બધી પ્રવૃત્તિઓ કરતા. ભક્તિગીતો ગાવા અને સાંભળવામાં એમને ખૂબ આનંદ આવતો.

હવે ખગેન અને કાલીચરણની ભીતર ત્યાગની ભાવના ભવ્ય રીતે જાગી ઊઠી. એ બંને મિત્રોએ ઘરત્યાગ કરવાનો નિર્ણય કર્યો. એ બંનેએ વિચાર્યું કે તેઓ પોતાનું બાકીનું જીવન ભિક્ષાટનથી પસાર કરશે અને કોઈ પર્વતની ગુફામાં જઈને કોઈ ગહન આધ્યાત્મિક સાધના કરશે. તેમણે જ્યારે ચૈતન્યલીલા નામનું નાટક જોયું ત્યારે તેમની સંસારત્યાગની ઇચ્છા પ્રબળ થઈ. તેમની વિદાય પહેલાંની રાત્રીએ કાલીચરણ ખગેનના ઘરે સૂતા. કોઈને ખબર ન પડે એ રીતે મધ્યરાત્રીએ ઘર છોડી દેવાનો તેમણે નિર્ણય કર્યો. ખગેનના પાડોશી નંદબાબુ કે જે વિજયકૃષ્ણ ગોસ્વામી(સુખ્યાત સંત)ના શિષ્ય હતા, તેમના પ્રત્યે ખગેનને પૂજ્યભાવ હતો. એકાએક નંદબાબુ ખગેનના ઘરે આવ્યા અને તેને કહ્યું, ‘મને એવું લાગે છે કે તેં અને કાલીચરણે સંસારત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. અને મેં મારી દિવ્યનજરે જોયું છે કે જો આ સમયે તમે આવું કરશો તો તમારા પર ભયંકર કમભાગ્ય આવી પડશે.’ આ વૃદ્ધ માણસની સલાહને આ છોકરાઓ અવગણી શકે એમ ન હતા અને થોડા સમય પૂરતુ તેમણે સંસારત્યાગ કરવાની પોતાની યોજના માંડી વાળી.

આવી રીતે એમની જીવનનૈયા ક્યારેક પ્રવાહની સાથે તો ક્યારેક પ્રવાહની વિરુદ્ધમાં, વળી ક્યારેક આગળને આગળ ધપતી અને ક્યારેક પાછી પડતી, તો વળી ક્યારેક ઉન્નત થતી અને ક્યારેક અધોગામી થતી તણાયે જતી હતી. આ સમય દરમિયાન એમને કોલકાતાની શેરીઓમાં લગાડેલાં પોસ્ટર્સ પરથી જાણવા મળ્યું કે કાંકુડગાછિ યોગોદ્યાનમાં શ્રીરામકૃષ્ણના માનમાં ઉત્સવ થવાનો હતો. કાલીકૃષ્ણ, ખગેન અને એમના મિત્રો આ શોભાયાત્રામાં જોડાયા. આ શોભાયાત્રા રામચંદ્ર દત્તના ઘરેથી શરૂ થઇ અને પછી ઉત્સવમાં ફેરવાઈ ગઈ.

યુવાનો હવે કાંકુડગાછિ યોગોદ્યાનની મુલાકાત લેવા મંડ્યા અને રામચંદ્ર દત્તથી વધુ ને વધુ સુપરિચિત થતા ગયા. રામચંદ્ર દત્ત પણ આવા ઉત્સાહી છોકરાઓથી ખુબ રાજી થયા અને એમને પ્રેમઉષ્માથી વધાવી લીધા. અંતે તેઓ શ્રીરામકૃષ્ણ વિશે કલાકોના કલાકો સુધી તેમની સાથે વાતો કરતા. આ છોકરાઓ પણ યોગોદ્યાનના દૈનંદિન કાર્યમાં મદદ કરતા અને ક્યારેક તેમને શ્રીરામકૃષ્ણદેવની સેવાપૂજા કરવાની જવાબદારી ઉપાડવા દેતા. ઘરે ઘરે જઈને તેઓ ધન અને પૂજાઘરમાં નૈવેદ્યરૂપે ધરવાની ચીજવસ્તુઓ એકઠી કરતા. હવે એમની જીવનનૈયાએ એક નવી દિશા પકડી લીધી.

એ સમયે શ્રીમ.- શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક મહેન્દ્રનાથ ગુપ્ત રીપન કોલેજમાં અંગે્રજીના અધ્યાપક હતા. કાલીકૃષ્ણ આ શાંત અને સ્થિરધીર અધ્યાપક પ્રત્યે તરત જ આકર્ષાયા. શ્રીમ.- અવારનવાર કોલેજ બિલ્ડીંગના છાપરા પરના નીચેના માળીયાવાળા રૂમમાં જતા અને પોતાની દૈનિક નોંધપોથીમાંથી રામકૃષ્ણ કથામૃત લખતા. એક દિવસ ખગેન તેમની પાછળ એ ખંડમાં ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે તેઓ શ્રીરામકૃષ્ણના શિષ્ય માસ્ટર મહાશય જ હતા. જ્યારે ખગેને પોતાની આ શોધની વાત મિત્રોને કહી ત્યાર પછી કાલીકૃષ્ણ એકલા માસ્ટર મહાશયના ઘરે ગયા.

માસ્ટર મહાશયે પ્રેમથી કાલીકૃષ્ણને નજીક બેસાડ્યા અને તે પ્રસંગે ઘણા ઉત્સાહથી ધર્મજીવનની વાતો કરી. એક દિવસ કાલીકૃષ્ણ અને તેમના મિત્રો કાંકુડગાછિ યોગોદ્યાનની મુલાકાત લે છે એ જાણીને એમણે કહ્યું, ‘જુઓ ભાઈ, શ્રીરામકૃષ્ણે કામિનીકાંચનનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો. જો તમે ખરેખર તેઓ કેવા હતા એે જાણવા – સમજવા ઈચ્છતા હો તો જેમણે સંસારત્યાગ કર્યો છે એવા શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોની સંગાથે રહેવું જોઈએ. આ આદર્શનું જીવંત ઉદાહરણ તમે જોવા માગતા હો તો તમે વરાહનગર મઠમાં જાઓ. ત્યાં શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો રહે છે. ગૃહસ્થ ભક્તો સિદ્ધ હોય તો પણ તેઓ રામકૃષ્ણદેવના ઉપદેશને સુયોગ્યભાવે રજૂ ન કરી શકે.’ વળી તેમણે આગળ જણાવ્યું, ‘સાધુ પુરુષની મુલાકાત ખાલી હાથે ન લેવી એટલે તમે થોડા પૈસાનાં ફળમીઠાઈ લઈ જજો.’ હવે એ બધા યુવાનોની જીવનનૈયા ઊર્ધ્વપથે વહી રહી હતી.

Total Views: 354

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.