ત૨ણાની ઓથે ડુંગર ઢંકાઇને પડ્યો હોય તેમ કેટલીક ઘટનાઓ ઇતિહાસમાં ઢંકાઇને પડી હોય છે. સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ ભારત દર્શને નીકળ્યા, ત્યારે નડિયાદમાં તેમણે ગુજરાતના સમર્થ સાહિત્યકાર અને વિચક્ષણ ધર્મચિન્તક પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની મુલાકાત લીધેલી તે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં ઢંકાઇને પડેલી સ્મરણીય ઘટના છે.

નડિયાદના સુપ્રસિદ્ધ દેસાઇ કુટુંબના અગ્રણી વિવેકાનંદને ગુરુતુલ્ય સન્માન આપનાર હરિદાસ વિહારીદાસ દ્વારા આ બે મહાનુભાવોનું મિલન ગોઠવાયું હતું. દેસાઈજી સ૨કા૨માં માનપાન પામેલા પણ તેમના હૃદયમાં દેશભક્તિનો દીવો ગુપ્ત રીતે સળગતો રહેલો. ૧૮૫૭ની ક્રાન્તિ દરમિયાન તેના વાહકો નાનાસાહેબ અને તાત્યા ટોપેએ ગુજરાતમાં ગુપ્તવાસ કરેલો, તે વખતે દેસાઈજીએ તેમને આશ્રય આપેલો. એ બે વીરોની મુલાકાતની સ્મૃતિરૂપે હરિદાસજીએ પોતાના બે પુત્રોનાં ઉપનામ નાનાસાહેબ અને તાત્યાસાહેબ રાખેલાં. તેઓ જૂનાગઢના દીવાન હતા તે દરમ્યાન સ્વામી વિવેકાનંદ એ ત૨ફ આવેલા અને બંને વચ્ચે સ્નેહસંબંધ બંધાયેલો. દેસાઈ કુટુંબ ત૨ફથી પ્રગટ થયેલ સ્વામી વિવેકાનંદના પત્રો દર્શાવે છે કે સ્વામીજીને દેસાઈજી પ્રત્યે કેટલો બધો પિતૃતુલ્ય પૂજ્યભાવ હતો! એ પત્રોમાં મણિલાલ નભુભાઈનો પણ માનભર્યો ઉલ્લેખ આવે છે. સ્વામીજી નડિયાદ પધાર્યા ત્યારે પ્રો. મણિલાલ નડિયાદમાં રહેતા હતા. ‘રાજયોગ’ અને ‘અદ્વૈતીઝમ ઓર મોનીઝમ’ જેવાં અંગ્રેજી પુસ્તકોએ તેમને સમર્થ ચિન્તક તરીકે દેશવિદેશમાં ખ્યાતિ અપાવી હતી. એટલે સ્વામીજીએ સ્વાભાવિક રીતે જ મણિલાલને મળવાની ઇચ્છા દર્શાવી. બંને મળ્યા. પણ બંને વચ્ચે શી વાતચીત થઈ તેની વિગતવા૨ નોંધ થયેલી નથી. પણ બંનેની ભારતીય સંસ્કૃતિના મર્મજ્ઞ તરીકેની ખ્યાતિ તેમજ તેમનાં માનસ અને જીવન કાર્યને લક્ષમાં રાખીએ તો ઉભય વચ્ચે ચાલેલા સંવાદની કલ્પના કરી શકાય. (૧૮૯૨માં આ મુલાકાત થયેલી. ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ ગયેલા. તે પરિષદમાં મણિલાલે ‘હિન્દુઇઝમ’ વિશેનો લેખ મોકલેલો.)

મણિલાલ અને વિવેકાનંદ વચ્ચે નીચે મુજબ સંવાદ ચાલ્યો હશે.

નાનાસાહેબ- મિત્ર મણિલાલ, શુભ સમાચાર લાવ્યો છું.

મણિલાલ- નાનાસાહેબ, આવો. શા શુભ સમાચાર છે?

નાના- સ્વામીજી પધાર્યા છે. આપને મળવા માટે પિતાજી તેમને લઈને અહીં આવે છે.

મણિ- કોણ ? સ્વામી વિવેકાનંદ? અરે, વડીલ તેમને લઈને અહીં આવે તે ઠીક નહીં. મારે જ તેઓશ્રીનાં દર્શને જવું જોઇએ. ઊભા ૨હો, હું તૈયાર થઈ જાઉં.

નાના- હવે આવવામાં જ હશે. આ આવ્યા.

(હરિદાસજી સ્વામી વિવેકાનંદને લઈને પ્રવેશે છે.)

મણિ- (ભાવવિભોર બનીને સત્કારતાં) પધારિયે, પધારિયે, સ્વામીજી, આપને ઈસ સેવક કી કુટિયાં પાવન કી. આપકા બહુત બડા અનુગ્રહ હુઆ. (સ્વામીજીના શ્રીચરણોમાં પ્રણામ કરે છે.) (હરિદાસને) વડીલ, આપે તસ્દી લીધી તેના કરતાં મને કહેવરાવ્યું હોત તો હું જ આપને ઘેર આવ્યો હોત.

હરિદાસજી- ભાઈ, સ્વામીજીએ જ અહીં આવવાનો આગ્રહ રાખ્યો.

મણિલાલ- સ્વામીજી, હું ધન્ય થઈ ગયો.

હરિદાસજી- સ્વામીજી, પ્રો. મણિલાલ દ્વિવેદી હમારે ગુજરાત કે કવિ, નાટ્યકાર ઔ૨ સન્માન ચિન્તક હૈ.

મણિલાલ- સ્વામીજી, મૈં તો છોટા આદમી હૂં. મિશન સે પ્રતિબદ્ધ છોટા આદમી હૂં.

સ્વામીજી- કૌન સા મિશન?

મણિલાલ- મેરે દેશવાસિઓં કી ચેતના કો જાગૃત ક૨ને કા મિશન. મેરી સબકુછ પ્રવૃત્તિ ઈસ મકસ કો સિદ્ધ કરને મેં જૂટી હૈ.

સ્વામીજી- હમારા યહી મિશન હોના ચાહિયે. કોઈ ધર્મ કે વ્યક્તિનો તિરસ્કા૨ ક૨વાની જરૂર નથી. પરંતુ આપણા દેશ અને સમગ્ર દુનિયાની મુક્તિનો માર્ગ આપણે જાતે જ શોધવાનો છે આત્મશ્રદ્ધાથી પ્રયત્ન ક૨વાનો છે. વેદાન્તના પ્રકાશથી માનવમાં ૨હેલ દિવ્ય તત્ત્વને જાગૃત કરવાનું છે.

મણિલાલ- હું પણ એ જ કહું છું. મુશ્કેલી એ છે કે આપણા શિક્ષિત જનો પશ્ચિમનું આંધળું અનુકરણ કરે છે.

સ્વામીજી- સચ હૈ. પશ્ચિમના અનુક૨ણના પવનનો એવો ઝપાટો છે કે શિક્ષિત જુવાનો સદ્ – અસદ્નો વિવેક ખોઈ બેઠા છે.

મણિલાલ- ગોરા લોકનો શબ્દ એટલે બ્રહ્મવાક્ય. એમને ગમે તે સારું અને એમને ના ગમે તે નઠારું એવું આજની પેઢીનું વલણ છે.

સ્વામીજી- એના જેવી બીજી મૂર્ખતા કઈ હોય?

મણિલાલ- આપણી પ્રાચીન આર્ય સંસ્કૃતિની ભાવનાઓને પુનર્જીવિત કરવાની જરૂર છે. તેને માટે વેદાન્ત દર્શનની સમજ આપવાનો મારો પ્રયત્ન છે. વેદાન્તકથિત સમષ્ટિભાવના કે વૈશ્વિક એકતાનો આદર્શ અપૂર્વ અને અનન્ય છે.

સ્વામીજી- આપ કહો છો તે ભાવનાનું જીવનમાં વિતરણ વિસ્તરણ થતાં અંતરમાંથી દિવ્ય શક્તિ પ્રગટ થયા વિના રહેશે નહીં.

મણિલાલ- આપ સત્ય કહો છો. વેદાન્ત સિદ્ધાન્તનું વિતરણ એટલે વિવેક, વૈરાગ્ય, શમાદિષટ્ સંપત્તિ અને મુમુક્ષતા. કેવળ અઘ્યાત્મ પ્રદેશમાં જ નહીં, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આ સાધન ચતુષ્ટયના વિનિયોગથી સફળતા હાંસલ થઈ શકે છે. વેદાન્ત ચર્ચાનો વિષય છે તેના કરતાં વિશેષ જીવન જીવવાનો તરીકો છે, આદર્શ છે.

સ્વામીજી- પ્રોફેસર સાબ, આપ સચમુચ મેરે હૃદયકી બાત કર રહે હૈ. મૈં પ્રસન્ન હૂં.

મણિલાલ- સ્વામીજી, મનુષ્ય પુરુષાર્થનાં તમામ ક્ષેત્રોનાં મૂળમાં ધર્મ સ્થપાવો ઘટે.

સ્વામીજી- પાશ્ચાત્ય વિદ્વાનો ભારતીય પરંપરામાં ધર્મ અને તત્ત્વજ્ઞાન પરસ્પર મિશ્રિત છે તેની ટીકા કરે છે તે યથાર્થ નથી.

મણિલાલ- સ્વામીજી, તેનું કા૨ણ મને એ લાગે છે કે તેમને ત્યાં ધર્મ પેલેસ્ટાઈનમાંથી આવ્યો ને તત્ત્વજ્ઞાન ગ્રીસમાંથી. બે જુદી દિશામાંથી આવ્યાં તેથી જુદાં છે અને અધૂરાં છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે તેમાં ધર્મ તત્ત્વજ્ઞાનને સ્વાનુભવથી સમર્થિત કરે છે અને તત્ત્વજ્ઞાન ધર્મતત્ત્વનું વિશ્લેષણ કરી બતાવે છે. હિન્દુ ધર્મની એ ખૂબી છે, મર્યાદા નથી. તે કા૨ણે તો વેદાંત-ધર્મ દુનિયાના બીજા ધર્મો ક૨તાં ચડિયાતો છે.

સ્વામીજી- બહુત ખૂબ. બહુત અચ્છા. આપકી પ્રકાંડ વિદ્વતા ઔર ભારતભક્તિ કો મૈં નમસ્કાર કરતા હૂં. (સ્વામીજી પ્રણામ ક૨વા જાય છે. મણિલાલ હાથ પકડીને તેમને ભેટે છે.)

મણિલાલ- આપ સંન્યાસી હૈં. હમારે શત શત પ્રણિપાત કે પાત્ર હૈ.

સ્વામીજી- (સસ્મિત) – ભગવાન પાર્થસારથિ કહે છેઃ

અનાશ્રિતઃ કર્મ ફલં કાર્યં કર્મ કરોતિ યઃ
સંન્યાસી યોગી નિરગ્નિર્ન ચાક્રિયઃ

સાચો સંન્યાસ એટલે અંત૨નો નિરંતર વિકાસ. (હસે છે.)

મણિલાલ- આપ તો બહા૨થી અને અંદ૨થી, દિલથી અને દિમાગથી, દેહથી અને આત્માથી, સર્વ રીતે સર્વથા આદર્શ સંન્યાસી છો. ભારત દેશના ઉદ્ઘાર અર્થે આપે જે મહાન ઉદ્યોગ ખેડ્યો છે તે લાખ-લાખ વંદન ને અભિનંદનનો અધિકારી છે.

સ્વામીજી- (હરિદાસજીને) Desaiji, here is a man who speaks my language. There is great future for Gujarat and its people. આ મહાનુભાવ મારી જ ભાષા બોલી રહ્યા છે. ગુજરાત અને ગુજરાતી પ્રજાનું ભાવિ ઉજ્જ્વળ છે. (ઊઠે છે.)

હરિદાસજી- મણિલાલ, સ્વામીજીના આ શબ્દો સાંભળીને અમારી છાતી ગજ-ગજ ફૂલે છે.

મણિલાલ- (નમીને) આપની અને સ્વામીજીની મોટી કૃપા છે.

હરિદાસજી- ચાલો, બહુ આનંદ થયો. સાંજે સ્વામીજી વડોદરા, ખંડવા થઈને, મુંબઇ જવાના છે.

સ્વામીજી- જય સચ્ચિદાનંદ! નમો નારાયણાય!

મણિલાલ- જય સચ્ચિદાનંદ! નમો નારાયણાય!

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.