નરેન્દ્ર હતો અણખૂટ સંભાવનાઓથી સળવળતો સાહસી અમૃતપુત્ર.
શ્રીરામકૃષ્ણ દેવની નાનીશી આંગળીઓ નરેન્દ્રની કાયાને અડી કે ન અડી, ત્યાં તો અમૃતપુત્રનો અમૃતકુંભ છલકવા માંડ્યો.
શ્રી ઠાકુરે “શિવો ભૂત્વા શિવં યજેત્” કહ્યું ન કહ્યું ત્યાં તો અસ્થિ મજ્જાના પાલવ પાછળ વૈરાગ્યનો પાવન પાવક જાગી ઊઠ્યો
શ્રી ઠાકુરની વાણીએ દરિદ્રનારાયણના સેવક બનવાની વાત કહી ન કહી તે ક્ષણે નરેન્દ્રના હૈયે બુદ્ધની કરુણા પ્રવાહિત થવા માંડી.
પ્રખર પ્રતિભા, અસીમ શ્રદ્ધા અને અદમ્ય સાહસના ધની નરેન્દ્ર પોતાના ગુરુ પાસે સર્વાંગીણ સાધના આદરી. સંગીનના પ્રેમી નરેન્દ્ર ભજનો ગાય, ધ્યાનના અભિલાષી નરેન્દ્ર ધ્યાનમાં કલાકો ગાળે, પ્રતિભાશાળી વિચક્ષણ નરેન્દ્ર ગુરુ સાથે પણ ચર્ચામાં ઊતરે. પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરે.
શ્રીરામકૃષ્ણદેવનું શરીર શાન્ત થયા પછી નરેન્દ્રની તપસ્યા ઉંચ બની. ભારતમાં આસૈનુ હિમાચલ પરિયા થઈ. અરણ્યોમાં એકાકી ફરીને “બ્રહ્મ સત્ય” અંગેની શ્રદ્ધા ચકાસવામાં આવી. રિયાસનોના રાજમહેલમાં અ બ્રહ્માસ્મિ અંગેની પ્રતીતિ પરખવામાં આવી, વિદ્વાન પંડિતો પાસે “શિષ્યસ્તેઽહં” ભાવથી શાસ્ત્રાધ્યયન થયું. ઉપરાંત ગુલામી અને દરિદ્રતાથી પીડાતા, કાયરતાથીરિબાતાતેમજ નિર્બળતાને લીધે દીનતાની ગર્તામાં ફસાયેલા ભારતીઓનો સાક્ષાત્કાર થયો.
રાજકીય સ્વતંત્રતા વગર ઉપર્યુક્ત અપલક્ષણોનું નિર્મૂલન શક્ય નથી એવી ખાતરી થતાં યુવા નરેન્દ્રમાંથી એક પુખ્ત દેશભક્ત ને દેશનેતા જન્મ્યો. પોતાના પ્રશંસકોના આગ્રહવશ અમેરિકામાં થનાર વિશ્વ ધર્મ પરિષદમાં જવાનું દાયિત્વ સ્વીકાર્યું. માતાશ્રી શ્રી શારદાદેવીના શુભાશિષ મેળવીને તેઓ અમેરિકા ગયા.
૩૦ વર્ષના યુવા સંન્યાસી સ્વામી વિવેકાનંદે વિશ્વ પરિષદ ગજાવી. અમોઘ વક્તૃત્વ, અપાર લાવણ્ય, અદ્દભુત આત્મશ્રદ્ધા અને વિશુદ્ધ ચારિત્ર્યનું અપૂર્વ ઐશ્ચર્ય સ્વામીજીના વ્યક્તિત્વમાં છલકતું હતું. મારા ગુરુદેવ વિષય પરત્વે આપેલા વ્યાખ્યાનમાં તેમનું ભક્ત હૃદય તથા પ્રાંજ્ળ ગુરુશ્રદ્ધા ઝળહળી ઊઠ્યાં.
અમેરિકા, ગ્રેટ બ્રિટન તથા પશ્ચિમ યુરોપના દેશોમાં આર્યધર્મ, ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનનો ધ્વજ લહેરાવીને તેઓ ૧૮૯૭માં ભારત પાછા ફર્યા. શ્રીલંકામાં અને દક્ષિણ ભારતમાં તેમની વિજય યાત્રાને સહુ ભારતવાસીઓએ બિરદાવી સ્વામી વિવેકાનંદ હવે વિશ્વધર્મના પ્રભાવી પ્રવકતા અને યુગધર્મના પ્રતિપાદક તરીકે ઓળખાવા લાગ્યા.
શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. સ્વામીજીમાં સમાયેલ ગુરુતત્ત્વ અને શિક્ષકસત્ત્વ વાક્સરિતામાં નીતરવા માંડ્યું. સંન્યાસધર્મને નવો વળાંક આપીનેસ્વામીજીએ સંન્યાસીઓને જનવિમુખતા તથા જીવનવિમુખતાથી બચાવી લીધા. માનવધર્મ અને માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા જાળવવા કાજે જનસેવાની દીક્ષા આપી. રાષ્ટ્ર સ્વતંત્ર બને, સમાજ શોષણમુક્ત બને, નારી સમાજનું સમગ્ર ઉત્થાન થાય અને નિર્ભય આત્મોપલબ્ધ નાગરિક ઊભો થાય એવું સ્વપ્ન તેમણે ભારતમાં વહેતું મૂક્યું.
આવા અસામાન્ય માનવી હતા આપણા સ્વામી વિવેકાનંદ. માત્ર ૩૯ વર્ષની વયે દૈહિક યાત્રા શાન્ત થઈ. શેષ છે તેમનો અક્ષર-દેહ, તેમની વિભૂતિમત્વની સૌરભ. તેમના જ્વલન્ત વૈરાગ્યનો આલોક.
શું તેમનો જીવન સંદેશ ભારતીયો ભૂલી ગયા? ભારતીય સંસ્કૃતિની ગરિમા શું વિસારી દીધી?આર્યધર્મનું ઉદાત્ત ગૌરવ શું સાવ હણી નાખ્યું? આજે દેશ આર્થિક શોષણ અને નૈતિક અધ:પતનની ઊંડી ખીણમાં જઈ પડ્યો છે. માનવ પામરતામાં લપટાઈ ગયો છે. ધનની લાલસાથી ખરડાયેલાં ચિત્તો છે. સુરક્ષાની આકાંક્ષાથી ભીરુ બનેલાં ચિત્તો છે. ઉત્તાન ભોગવાદની અભિલાષાથી વિકૃત મસ્તિષ્કો છે. દેશ નેતૃત્વહીન છે. રાષ્ટ્ર અસ્મિતાહીન છે.
આવા સંકટ સમયે ચાલો આપણે એકવાર ફરી સ્વામી વિવેકાનંદ પાસે જઈએ.
તેમણે કહ્યું હતું: “ઉત્તિષ્ઠત જાગૃત પ્રાપ્યવરાન્નિબોધત.”
તેમણે કહ્યું હતું: આપણને “અમૃતસ્ય પુત્રા:”
તેમણે હાકલ કરી હતી: “બલં ઉપાસ્સ્વ.”
તેમણે ટકોર કરી હતી. “Thine only is the hand that holds the rope, that drags thee on.”
તેમણે આદેશ આપ્યો હતો. “Let go thy hold – Be bold – Say Om Tat Sa tOm.”
આપણે તેમની પ્રત્યયસમ્પન્ન વાણીથી આપણીચેતનાને અનુપ્રાણિત કરીશું?
નરશાર્દુલ સ્વામી વિવેકાનંદ!
ભક્તશ્રેષ્ઠ સ્વામી વિવેકાનંદ!
સંન્યાસીઓમાં વરેણ્ય સ્વામી વિવેકાનંદ!
તમારા પ્રિય ભારતના અભાગી નિવાસીઓનેએકવાર ફરી જગાડો ને!
અભયનો મંત્ર સંભળાવો ને!
Your Content Goes Here




