(ગતાંકથી આગળ)
અદ્વૈતને બૌદ્ધિક રીતે, મૂર્ત, વૈજ્ઞાનિક, વ્યાવહારિક અને પ્રેરક રીતે રજૂ કરવાનો જ સ્વામીજીનો દાર્શનિક પ્રયત્ન હતો. આવી રજૂઆતથી જ ભારતને તેની પ્રાચીન પ્રતિષ્ઠા ફરી પ્રાપ્ત થવાની સ્વામીજીને પ્રતીતિ હતી. અને આધ્યાત્મિક જગતમાં એવી પ્રતિષ્ઠા ફરી મળવાની ખાતરી ઉપરાંત આનુષંગિક રીતે રાષ્ટ્રિય એકતા સ્થપાશે. જો કે એ તો એક આનુષંગિક વાત જ હતી. બાકી પોતે તો રાષ્ટ્રિય સીમાની પેલી પારની સમગ્ર માનવજાતિની વિશાળ વૈશ્વિક એકતાથી શોભતું દર્શન રચવા માગતા હતા. એટલે જ તો એ વિશ્વદર્શન માટે પહેલાં તો સદીઓથી વિદ્વત્તાના કોચલામાં કેદ બનેલ વેદાંતના પ્રેરક વિચારોને મુક્ત કરવા ચાહતા હતા. ‘દીર્ઘકાળ પર્યન્ત વેદાંત ગુફાઓ – જંગલોમાં જ ગુપ્ત છુપાયેલું પડયું છે. એને એ એકાંતમાંથી છોડાવી કુટુંબો અને સમાજના જનજીવન સુધી પહોંચાડવાનું કામ મને સોંપાયું છે’ – આ એમના શબ્દો છે. વળી, ‘અદ્વૈતનો ડંકો માનવવસ્તીમાં, પર્વત શિખરો, ઘરો, મેદાનો સર્વમાં વાગશે’ – એમ પણ તેઓ કહેતા. તેઓ આપણા રોજિંદા જીવનમાં અદ્વૈતને જીવતું કાવ્ય બનાવવા માગતા હતા- ગોટાળાભરી પુરાણકથાઓમાંથી સાચા નીતિધર્મો શોધવા અને મુંઝવણ ભરેલ યોગસંપ્રદાયોમાંથી વિજ્ઞાન શોધવું એવી તેમની મનીષા હતી. ગણ્યાગાંઠયા લોકોનો જ વેદાંત કોઈ ઈજારો નથી – એમ તેઓ માનતા – વિદ્વાનોના વાડામાંથી દર્શનોને બહાર કાઢી એને સર્વજન ભોગ્ય બનાવવા તેઓ મથતા રહ્યા. એથી જનસાધારણની બુદ્ધિ પર વિશ્વાસ રાખીને તેમણે કહ્યું કે ‘સામાન્ય માનવી માટે તો માનવ ગૌરવને ઘટાડનારા સિદ્ધાંતો શીખવાયા કર્યા છે હજી સુધી તેવાઓને સાચા આત્મપરિચયની કયારેય તક નથી
મળી! તો ચાલો, તેમને આત્માનું સત્ય સમજાવીએ તેમને પણ શીખવી દઈએ કે નીચ મા નીચ માણસમાં પણ એ જ આત્મા વસે છે. જે કદી નાશ પામતો નથી, તલવાર તેને કાપી શકતી નથી, અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી શકતો નથી. એ નિત્ય શુદ્ધબુદ્ધ સર્વવ્યાપી અને સર્વશક્તિમાન છે.’
‘અતિનિગૂઢ અને એકાધિકારી અદ્વૈતવેદાંતને આચારને સંતોષે એવા સત્તત્ત્વ તરીકે સ્વીકારવું તો મુશ્કેલ છે. છતાં એને તાણી મરડીને લાકડે માંકડું વળગાડવાનો કશો અર્થ નથી.’ – એવો શાંકરવેદાંતને વ્યવહારુ બનાવતા સ્વામીજી પર કોઈકે આક્ષેપ કર્યો છે તેના જવાબમાં તેઓ કહેતા કે વેદાંત સિદ્ધાંત ગૂઢેય નથી અને એકાધિકારિત્વવાળો ય નથી કોઈએ એવું ખોટું અર્થઘટન પૂર્વગ્રહવશાત્ કર્યું હોય તેથી ખોટું સાચું બનતું નથી. (૧) વેદાંતનું મૂળ તો ભવ્ય સંવાદિતાના ઉદાત્ત વિચારબીજમાં રહેલું છે. સર્વૈકયનો આ વિચાર છે. (૨) માનવના અવિનાશી આત્માનો ભવ્ય વિચાર! સર્વ વિચારનીતિમાં અનુસ્યૂત, અખંડ, અવિભાજ્ય, સાતત્યરૂપ વિશ્વનો વિશ્વની અસીમતાનો અનંતતાનો વિચાર!!
વેદાંતને અપાયેલી ઉપરની બે અંજલિઓ પૈકી પ્રથમ દાર્શનિકની છે અને બીજી કવિની છે. પહેલીમાં સ્વામીજીએ તર્કપૂત માનદંડથી પરિભાષાની રીતે બોલતા જણાય છે અને બીજીમાં ખાસ કરીને માનેલા વિચારની આકર્ષકતા બતાવાઈ છે. સ્વામીજીના ખ્યાલની ખાસિયત એ છે કે તે તર્કસંગત અને ગુણલક્ષી પણ છે. તેમને મતે વેદાંતનું ત્રીજું પાસું એની સાર્વત્રિકતા અને વસ્તુલક્ષિતા છે. તેમનો વેદાંત સિદ્ધાંત સ્વત:પ્રામાણ્ય ધરાવે છે. એ જ વિશ્વધર્મ છે કારણ કે એ વ્યક્તિજન્ય નથી, સ્વયં પ્રકાશિત છે. વેદાંત માનવના અવિનાશી સ્વરૂપને પ્રબોધે છે. વેદાંતનું નીતિશાસ્ત્ર માનવીની અંતર્નિહિત અનુભવસિદ્ધ, અવિનાશી આધ્યાત્મિક શક્તિ પર નિર્ભર છે. પશ્ચિમનો વિદ્યાર્થી કદાચ આ વાંચીને આમાં દર્શન અને ધર્મના ભેળસેળની શંકા કરશે. પણ એ યાદ રાખવું જોઈએ કે ભારતીય પરંપરાનુસાર દર્શન અને ધર્મ જુદા છે જ નહિ. અને સ્વામીજી ભારતીય પરંપરાના જ પ્રતિનિધિ છે.
સ્વામીજીને મતે વેદાંતનો કેન્દ્રસ્થ વિચાર વિવિધતામાં એકતાનો છે. પણ વિવિધતા વગરની એકતા એમને મંજૂર નથી. વેદાંતનો આવો અર્થવિન્યાસ કરવામાં તેઓ સર્વપ્રથમ હતા. તેમનો આ નવો અર્થ પૂર્વેનાં અર્થઘટનો કરતાં વધુ પ્રતીતિકર જણાય છે. જૂનાં અર્થઘટનો પ્રમાણે શંકરાચાર્યની રીતે એવું મનાતું કે જગત મિથ્યા અને ઉપેક્ષણીય છે. પદાર્થને જોનાર જ કોઈ ન હોય, તો પદાર્થનું અસ્તિત્વ જ શાનું હોય? આવું પુરાણું અર્થઘટન અત્યારનો બૌદ્ધિકજન સ્વીકારે જ નહિ! નાગાર્જુનના નકારાત્મક ‘શૂન્ય’ને પણ હવે કોઈ માનતું નથી એ રીતે અનુભવસિદ્ધ જગતને નકારવાની વાત કોઈ આજે સ્વીકારી શકે નહિ. ભારતીય દર્શનની સૌથી મહત્ત્વપૂર્ણ આ વેદાંતશાખા વિશે પ્રવર્તતી ગેરસમજણોને દૂર કરવામાં સ્વામીજીએ યુરોપ-અમેરિકામાં આપેલાં ભાષણોની ભૂમિકા અગત્યની છે. એમાં સ્વામીજી ‘અસ્તિત્વના સાતત્ય’ ઉપર ખૂબ ભાર મૂકે છે. એક જ સત્તા અનેકરૂપે વ્યક્ત થાય છે એટલે તે રૂપો એકમેકથી અલગ નથી. સઘળું અખંડ છે, એકતા જ કુદરતનો કાનૂન છે. શારીરિક, મનોવૈજ્ઞાનિક, તાત્ત્વિક અને નૈતિક અને માનસિક-બધી રીતે બધું એક જ છે. જીવન એટલે પ્રાણવાયુને સ્પન્દિત કરતું સ્પંદન! સૌને એ જ સ્પંદિત કરે છે. એક જ સત્તાની વિવિધ કક્ષાઓને સ્વામીજી બરફની સ્થૂલતાની જુદી જુદી માત્રાઓ સાથે સરખાવે છે. સૂર્ય, ચંદ્ર, તારાઓ, આપણે-બધું જ સત્ય છે. પદાર્થો સ્થૂળ બનવાની જુદી જુદી અવસ્થાઓમાં અસ્તિત્વ ધરાવે છે. અને આ વિવિધ અવસ્થાઓ વચ્ચે સાતત્ય પણ ચાલુ જ રહે છે. મૂળરૂપે તો એક જ વાત છે. પિંડ – બ્રહ્માંડ એક જ નકશા પર અંક્તિ થયેલ છે. જીવાત્મા જીવંત શરીર વડે ઢંકાયેલો છે અને જગદાત્મા પ્રકૃતિ વડે ઢંકાયેલો છે. કાલી શિવને આલિંગન કરે છે. પ્રકૃતિ અને આત્માનો સંબંધ, શબ્દ અને અર્થના સંબંધ જેવો છે. બંને એક જ છે. કેવળ માનસિક અમૂર્તીકરણ દ્વારા જ એને છૂટો પાડી શકાય શબ્દો વિનાનો વિચાર હોય જ નહિ! વિશ્વાત્મનું આ બેવડું રૂપ અનંત છે. અરૂપતા અને અનંતતાનું મિશ્રણ એટલે આપણા અનુભવો!
જીવાત્મા-પરમાત્માના આ અદ્વૈતને સ્વામીજી ઉપનિષદમાં આપેલ બે પક્ષીઓના રૂપકથી જ સમજાવે છે. પણ એમની રીત એથી જુદી છે: પોતાના ઐશ્વર્યમાં નિમગ્ન એક ભવ્ય સુપર્ણ પક્ષી મૌનપૂર્વક વૃક્ષની સર્વોન્નત શાખા પર બેઠું છે. એની નીચેની શાખા પર જ બીજું પક્ષી ડાળે ડાળે કૂદી કૂદીને વૃક્ષનાં કેટલાંક ખાટાં-મીઠાં ફળો ખાઈને સુખ દુ:ખ અનુભવ્યા કરે છે. છેવટે થાકીને થોડીવાર ખાવાનું બંધ કરે છે ત્યારે એનું ધ્યાન ઉપરની શાખાએ જાય છે. ત્યાં એકાગ્રતાથી જોતાં પેલા શાંત – સંયમી – આત્મમગ્ન સ્વર્ણિમ પક્ષીને કોઈ જ ફળ ન ખાતું નિહાળે છે, ત્યારે એને એ પક્ષીની અવસ્થા પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે તો ખરી, પણ નજીક ગયા પછી વળી પાછું લલચાઈને ફળ ખાય છે. વળી કડવું ફળ ખાઈ, થાકી, નિરાશ થઈ ઉપર જુએ છે ને પ્રથમની પેઠે વળી ઝંખના, નજીક જવું, વળી લાલચ, વળી પાછી ઝંખના આમ ચાલ્યા કરે છે. આ ઘટનાચક્રમાં તે પેલા સંયત આત્મમગ્ન પક્ષીની ખૂબ નજીક આવી જાય છે કે એના સોનેરી પ્રકાશથી આ નીચેના પક્ષીનું આખું શરીર પ્રકાશિત થઈ ઊઠે છે અને તે ધરમૂળથી પરિવર્તિત થઈ જાય છે. અને તે પેલા આત્મસ્થ પક્ષીમાં વિલીન થઈ જાય છે. ત્યારે જ તેને ખ્યાલ આવે છે કે તે તો માત્ર પેલા આત્મસ્થ પક્ષીનું પ્રતિબિંબ જ હતું. બિંબરૂપ વાસ્તવિક તો પેલું સુવર્ણ પક્ષી જ હતું! હવે તે સમજ્યું કે ખાટાં-મીઠાં-કડવા ફળ, એનું ભક્ષણ, સ્વાદ, સુખ-દુ:ખનો અનુભવ લાલચ, નિરાશા – આ બધું તો સ્વપ્નના ભાગરૂપ જ હતું!
અદ્વૈત રહસ્યને સુંદર રીતે સમજાવતું આ રૂપક પ્રભાવક હોવા છતા સ્વામીજીના દર્શન સાથે એનો પૂરો મેળ બેસતો નથી. સ્વામીજીના દર્શન અનુસાર ‘સાપેક્ષ’ એટલે ‘સ્વપ્નવત્’ નહિ પણ ‘નિરપેક્ષ અસ્તિત્વનું જ વ્યાવહારિક રૂપ’ – એવો થાય છે. આ દૃષ્ટિએ જોતાં તેમણે સ્વ માટે જીવવિજ્ઞાનમાંથી લીધેલું દૃષ્ટાંત વધુ બંધ બેસતું જણાય છે. સત્તાની અભિવ્યક્તિની કક્ષા જુદી જુદી હોવા છતાં એ તમામની સત્યતા – સત્તા વેદાંતને સ્વીકાર્ય છે. વેદાંતના આ દૃષ્ટિકોણના સમર્થનમાં સ્વામીજી જીવવિજ્ઞાનનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત લે છે. તેઓ કહે છે કે એક અમીબાનો વિકાસ એક બુદ્ધમાં પરિણમે છે. આમ જીવન વિકસતું વિકસતું ઉત્તરોત્તર ઊંચા ને ઊંચા સ્તરે અડે છે અને વિજ્ઞાન સાથોસાથ એમ પણ કહે છે કે વિશ્વમાં શક્તિનું પ્રમાણ હંમેશા એક સરખું જ રહે છે. જો પરિવસનની પ્રક્રિયાનો એક છેડો બુદ્ઘ હોય તો બીજે છેડે ખર્ચાયેલી શક્તિના પ્રમાણ જેટલી જ શક્તિ વિશ્વની પ્રલયાવસ્થામાં રહી હશે. નાનામાં નાના કીડાથી માંડીને ઊંચામાં ઊંચા સંત સુધી દરેકમાં અનંત શક્તિ – બુદ્ધિ – બધું જ અનંત સુષુપ્ત માત્રામાં રહ્યું જ હશે! કેવળ અભિવ્યક્તિની માત્રા જ જુદી, એટલું જ!
આમ વેદાંત જો દરેક વસ્તુની ઓછી-વત્તી સત્તા સ્વીકારતું હોય, તો પછી જગતને માયા તરીકે શા માટે લેખે છે? અહીં ટાગોર – રાધાકૃષ્ણન્ – વિવેકાનંદની ત્રિપુટીઓ એક જ જવાબ છે કે જો માયાને ભાવરૂપ અને સત્તાવિરોધી ગણીએ તો માયા ભ્રાન્તિ નથી. સ્વામીજી કહે છે કે આ બાબતમાં બૌદ્ધદર્શન કરતાં વેદાંત વધારે વાસ્તવવાદી છે. સામાન્યજન ભલે બૌદ્ધદર્શનને વેદાંત કરતાં વધુ વાસ્તવવાદી માને! બુદ્ધ દર્શન કહે છે: ‘આ બધું જ મિથ્યા છે.’ ત્યારે વેદાંત કહે છે: ‘મિથ્યામાં રહેલ સત્યાંશને ઓળખો!’ બન્નેના અપેક્ષિત અનુભવ જુદાં જ છે. માયા તો જીવ અને જગતની સાપેક્ષતા સૂચવે છે. જગત નિશ્ચિતરૂપે ‘સત્’નો આભાસ અને અનિર્વચનીય ભ્રાન્તિનું મિશ્રણ છે. ‘માયા’ શબ્દ કંઈ જગતની ભ્રાંતિરૂપતા સૂચવતો નથી. એ તો એટલું જ સૂચવે છે કે જગત વિરોધાભાસોથી ભરેલું છે, જગત પોતે સત્તા ધરાવે પણ છે અને નથી પણ ધરાવતું! અસ્તિત્વ-સત્તાનો અર્થ જો દેશકાલાતીતતા, સ્વયંપર્યાપ્તતા, નિરાલમ્બતા, નિરપેક્ષતા વગેરે લઈ એ, તો જગતનું કશું અસ્તિત્વ – સત્તા નથી. અને છતાંયે આપણા અસ્તિત્વના ખ્યાલને – ‘જગતની સત્તા છે’ – એવા ખ્યાલને એ સંતોષ તો આપે જ છે. એટલે આપણે આટલું તો જરૂર કહી શકીએ કે ‘જગતનું માયારૂપે અસ્તિત્વ છે.’ નિરપેક્ષ સત્તામાં તો બધા જ વિરોધાભાસો ઓગળી જાય છે. વિરોધાભાસોનો કંઈ મૂલ્યહીનતા – સત્તાહીનતા, એવો અર્થ થતો નથી પણ એ વિરોધાભાસો તરફ આપણે કઈ દૃષ્ટિથી અને કેવો વ્યવહાર કરીએ છીએ એના ઉપર જ એ આધાર રાખે છે. આ માટે સ્વામીજી વિજ્ઞાનનું ઉદાહરણ આપે છે કે ઓક્સીજન અને હાઈડ્રોજનના સંયોજનથી શીતલ-તાજગીભર્યું જલ પણ બની શકે અને એ જ સંયોજનથી પાઈપ દ્વારા વિનાશકારી જ્વાલાઓ પણ ભડકાવી શકાય! અહીં તેઓ માયામાં નૈતિક ગર્ભિતાર્થોંને સૂચવે છે. કારણ કે સામાન્યત: માયાનો અર્થ તો અજ્ઞાન, અસત્ય પેલી વિનાશકારી જ્વાલા જેવો જ અર્થ કરવામાં આવે છે અને શીતલવારિ આપવાનું પાસું વિસરાઈ જાય છે. અને તેથી એવી માયાની જાળમાંથી છૂટવા – ત્યાગ કરવાની વિભાવના ઉત્પન્ન થઈ છે. હા, એવી માયાનો ત્યાગ કરવો જ જોઈએ. વિવેકાનંદ માયાના આવા સ્વરૂપને વિકૃતિ અને નિરાશાનો સંદેશ લેખે છે. પણ ઉપર કહ્યા પ્રમાણે જગતનાં તો બન્ને પાસાં છે; મિથ્યા પાસું અને સત્ય પાસું. પ્રકૃતિનું અને સ્વાતંત્ર્યનું, આવેગોનું અને તર્કનું, આ બંને બાજુઓને સમજીને માયા દ્વારા જ રસ્તો કાઢીને આપણે એનાથી ઉપર ઊઠવાનું છે. કાંટાથી કાંટાને કાઢવો છે, વિષથી જ વિષનું શમન કરવું છે, જગતને સાવ અનિષ્ટ ગણીને કર્મસંબંધ છોડવો આપણને પોસાય તેમ નથી. સંપૂર્ણ જગત મંગલ કર્મ કરવા સારુ છે. સંપૂર્ણ જગત મંગલમય બનવાની રાહ જોનાર માણસ તો એવો માણસ છે કે જે નદી કાંઠે બેસીને નદીનું બધું પાણી સાગરમાં ગયા પછી જ નદી પાર કરવા ઇચ્છી રહ્યો છે!
રામમનોહર રાયે સમાજચિંતનમાં બુદ્ધિવાદ દાખલ કર્યો તેમ સ્વામીજીએ દર્શન – ધર્મ – ક્ષેત્રમાં બુદ્ધિવાદ દાખલ કર્યો. શબ્દ પ્રમાણ – શ્રુતિ પ્રમાણ પર વધુ પડતો આધાર રાખતા ભારતીય ચિંતનમાં ઠીક પ્રમાણમાં ઘૂસેલી વિવેકશૂન્યતાનો વિવેકાનંદ સ્વીકાર કરે છે. ભારતમાં શાંકર દર્શનરૂપે વિકસેલ મહાન પરંપરાથી વાકેફ હોવા છતાં દીર્ઘકાળથી આ પરંપરાઓ ભુંસાઈ – ભુલાઈને પાછળ ઠેલાઈ જવાથી તર્કની પુન:પ્રતિષ્ઠા કરીને એને સમુચિત સ્થાન આપવાની તેઓ તરફેણ કરે છે. તેઓ કહે છે: ‘હું તર્કમાં માનું છું, હું એવા દેશમાં જન્મ્યો છું કે જે દેશમાં લોકો શબ્દ પ્રમાણમાં એટલો તો વધારે પડતો અને એકાંગી અંધવિશ્વાસ ધરાવે છે કે જેને લીધે અનેક અનિષ્ટો સર્જાતાં મેં જોયાં છે.
બધા યોગપ્રકારો પર પોતાનો કાબૂ હોવા છતાં સ્વામીજીએ જ્ઞાનયોગને વધુ મહત્ત્વ આપ્યું છે. યોગને તેમણે એક ખાસ પ્રકારની તાલીમ માગી લેતા વિજ્ઞાન તરીકે નિરૂપ્યું છે એટલે તેમણે કહ્યું કે ‘એમાં કશું ગુપ્ત નથી. પણ આપણા કમનસીબે ખુલ્લેઆમ યોગનો પ્રચાર ન થયો હોવાને લીધે તે એવા લોકોના હાથમાં પડી ગયો છે કે જેમણે યોગને ખાનગી – ગુપ્ત બાબત બનાવી દીધી.’ એની અમૂર્ત સમસ્યાઓ અને ભૌતિક વિજ્ઞાનની પદ્ધતિઓને જનસાધારણ સમજી ન શકે. વળી, ભૌતિકશાસ્ત્રોએ પોતાની જાતને અળગી કરી અંગત કે અભ્યાસની પ્રયોગશાળામાં અલગ રહેવું પડે છે પણ એટલેથી ભૌતિકશાસ્ત્રો કંઈ ગુહ્ય વિષય બની જતો નથી. એ જ પ્રમાણે યોગાભ્યાસ માટે પણ કેટલીક વિશેષ શરતોની જરૂર પડે છે પણ યોગપદ્ધતિઓ વિશે જે કંઈ ગુહ્ય હોય તેનો અસ્વીકાર જ કરવો જોઈએ એવી વાતો મગજને નબળું પાડે છે. આવી વાતોએ જ યોગના વિજ્ઞાનને રહેંસી નાખ્યું છે. – એમ તેઓએ કહ્યું છે.
જ્ઞાનના ક્ષેત્રમાં ધર્મને પણ તર્કપૂત નિર્ણયો વિશે શંકા ઉઠાવવાનો અધિકાર નથી. એ વિશે સ્વામીજીએ જુસ્સાભેર કહેલું કે ‘અંધશ્રદ્ધાપૂર્વક ગમે તે પ્રમાણ સ્વીકારીને દેવતાઓમાં માનવા કરતાં તો માનવજાતિ તર્કને અનુસરીને નાસ્તિક બની જાય તે વધારે સારું છે. મનુષ્યની વિશેષતા તેની ચિંતનશીલતા છે. ધર્મ આપણને લાગણીના વિશિષ્ટ અનુભવો કરાવે એવું કદાચ બને પણ જ્ઞાનની બાબતમાં સાચા – ખોટાનો વિવેક સંકળાયેલો છે. તેમાં તર્કયુક્ત બૌદ્ધિક વિચાર અનિવાર્ય છે. ‘તર્કસંગત અન્વેષણથી જો ધર્મ તૂટી પડતો હોય, તો એ કેવળ ધર્મ જ નહિ પણ વહેમ જ ગણાય… નિરર્થક ચડાવેલ ઢોળ ઊતરી જતા જ ખરા અનિવાર્ય કટકાઓ આવી ખોજોમાંથી સફળતાથી બહાર આવે છે.’ નવાઈ તો એ છે કે, ‘પોતાને અત્યાધુનિક કહેવડાવતો વિવેચક ઓછો તર્કસંગત લાગે છે અને ધર્મપરક પ્રાચીન લેખક વધુ તર્કપૂત લાગે છે.’ જો કે લગભગ વીસમી સદીમાં આરંભાયેલ ‘તુલનાત્મક ધર્મ’નો વૈજ્ઞાનિક વિકાસ તર્કપૂત લાગે છે.
તર્કને સાવ નિર્દોષ તો ન જ ગણી શકાય એને પોતાની સીમાઓ અને વિરોધાભાસો છે જ. એ ઘણીવાર આત્માશ્રય દોષથી ગ્રસિત થાય છે. જેમકે – ‘શક્તિ એટલે શું?’ જવાબ: ‘જે પદાર્થને ગતિમાન કરે તે.’ તો ‘પદાર્થ એટલે શું?’ જવાબ ‘શક્તિથી ગતિ કરે તે.’ આ આત્માશ્રય, અન્યોન્યાશ્રય અને ચક્રિકાદોષમાં તર્ક સલવાઈ જાય છે. તર્કજ્ઞાનની બડાશ નકામી છે માથાકૂટ છે એમ સ્વામીજીનો મત છે. તર્ક વહેવારની બાબતોમાં સંતોષ આપી શકતો નથી એમાં તટસ્થતા અને સજીવતાનો અભાવ દેખાય છે. નકશો કામની વસ્તુ છે પણ પ્રત્યક્ષ ઘૂમીને પ્રદેશ જોયા પછી એ કેટલો અવાસ્તવિક લાગે છે? બૌદ્ધિક જ્ઞાન કરતાં અનુભવજ્ઞાન ઘણું ઉત્કૃષ્ટ છે આ અનુભવ અંત:પ્રેરણાથી પણ કયારેક થાય છે ખરો, પણ સ્વામીજીને મતે આવી અંત:પ્રેરણાનો જેટલો બહોળો ઉપયોગ થાય છે, તેટલો પહેલાં થતો ન હતો. તો પણ એવા પ્રેરણા પ્રેરિત જ્ઞાનના દાવાને સ્વીકારવામાં પૂરી સાવધાની રાખવી જોઈએ. પ્રેરણા માર્ગદર્શનનો સર્વોચ્ચ પ્રકાર છે. એમાં તર્ક-બુદ્ધિથી નહિ, પણ પ્રેરણાના ઝબકારે વ્યક્તિ વસ્તુને જાણે છે. આજે એવા પણ પ્રેરણાપ્રેરિત માણસો તમે જુઓ છો પણ પ્રેરણા અને આત્મવંચના વચ્ચે આપણે ભેદ કેમ પાડશું? પહેલાં તો પ્રેરણા બુદ્ધિવિરોધી ન હોવી જોઈએ જેવી રીતે વૃદ્ધત્વ શૈશવનું વિરોધી નથી કારણ કે વૃદ્ધત્વ શૈશવનું જ વિકસિત રૂપ છે, તેમ પ્રેરણા તર્કની વિરોધી ન જ હોવી જોઈએ. જો તર્કવિરોધી હોય તો એ પ્રેરણા કહેવાય જ નહિ.
(ક્રમશ:)
Your Content Goes Here




