વ્યાવહારિક કર્મો પર તેમણે ભાર મૂકયો. એટલે રૂઢિવાદી અદ્વૈતીઓ તેમનો ઉધડો લેતા. એક વાર એક બંગાળી પ્રોફેસરે વાંધો ઉઠાવ્યો કે દાન અને સેવા પણ છેવટે તો માયાના જ સ્તરનાં છે ને? અને વેદાંત તો સ્પષ્ટ રીતે એમાંથી પણ મુક્તિ જ પ્રબોધે છે! એ પ્રાધ્યાપકને સ્વામીજીએ રોકડું પરખાવ્યું કે ‘તો તો પછી મુક્તિ પણ માયા જ છે! વેદાંત આપણને શીખવે છે કે આત્મા તો ‘નિત્યમુક્ત’ જ છે! તો પછી શા માટે આપણે મુક્તિ માટે કશો પરિશ્રમ કરવો જોઈએ! મુક્તિને છટકબારી દ્વારા શોધવાનો વિચાર જ તેમને અમાન્ય હતો, એ એમને ઘૃણાસ્પદ લાગતો – એટલે તેઓ કહેતા: ‘જગતમાં કૂદી પડો અને કર્મનું રહસ્ય પામી જાઓ. જગત-યંત્રના ચક્રમાંથી ભાગી ન જશો, એની અંદર ઊભા રહો અને તે કેવી રીતે કાર્ય કરે છે, તે જુઓ. તેમાંથી બહાર નીકળવા માટે તમે રસ્તો શોધી શકો છો.’ … ‘અનાસક્તિનો અતિરેકભર્યો અમલ અમર્યાદ કઠોરતામાં પરિણમે છે.’ ભૌતિક સુવિધાઓના ત્યાગ વિશે સ્વામીજી કહેતા કે દીનહીનતાથી દુ:ખી ભારતીય સમાજ પાસે ત્યાગની અપેક્ષા રાખવી, એ તો તેમનું અપમાન કર્યા સમાન જ છે. ‘ગરીબ માણસનું જીવન એવા તો ભીષણ આધ્યાત્મિક અને નૈતિક નિયમોની ભીંસમાં જકડાઈને બંધિયાર બની ગયું હોય છે કે એ નિયમોનો કોઈ જ અર્થ નથી. વણઉપાયે એ બિચારો હાથ ઊંચા જ કરી દે છે! એ બિચારાને થોડોક તો આનંદ માણવા દો! પછી એ એની મેળે જ પોતાની જાતને ઊંચે લાવશે! મેળે જ ત્યાગ પ્રત્યે પ્રેરાશે! આ બાબતમાં કદાચ પશ્ચિમ પાસેથી કંઈક શીખી શકીએ.’ અહીં અત્યારે જ સુખસગવડો છોડી દેવાથી ભાવિ સુખો આવી મળવાની દલીલ તો સામાજિક વિષમતાને ન્યાયી ઠેરવવા વર્ષોથી ચાલતી આવી છે, એમ માનીને સ્વામીજીએ નકારી કાઢી. એક વાર તેઓ બોલી ઊઠેલા કે ‘જે મને સ્વર્ગમાં શાશ્વત સુખ આપે પણ આ જીવનમાં રોટલો ય ન આપી શકે એવા ઈશ્વરને હું માનતો નથી.’
માનવજાતની શક્તિઓ અને સંભાવનાઓમાં અવિશ્વાસ રાખવાથી જ નિષ્ક્રિયતા અને અતડાપણું આવે છે. ઈશ્વરવાદી ધર્મમાં ઘણીવાર માણસને દુ:ખી, પાપી, નિર્બળ, નિરાધાર, ઈશ્વર અને કુદરત પર જ આધાર રાખતો વર્ણવ્યો છે. આવા વિચારની સમાન્તરે એક બીજો વિચારપ્રવાહ પણ છે. એ માનવ મહિમાની કદર કરીને કહે છે કે માનવ તો દિવ્યતાનું નિવાસસ્થાન છે. સ્વામીજી આવા માનવગૌરવને ધર્મથી પુષ્ટ કરે છે. અને કહે છે કે ‘માનવસ્વરૂપની મહત્તા, એની ગરિમા, કદી પણ ભૂલશો નહિ… ચાલો, આપણે બધા પોકારીને કહીએ કે હું સર્વોત્તમ ઈશ્વર છું, … ઈશુઓ અને બુદ્ધો તો કેવળ મોજાં જ છે. આ અનંત સાગર હું જ છું.’ જે રીતે આદર્શ કેળવણીનો સાચો હેતુ બાળકને પોતાની ભીતરી સુષુપ્ત શક્તિ પૂર્ણત: પ્રકટ કરી દેવાનો છે, તેવી જ રીતે ધર્મનું સાચું રહસ્ય માનવની અંત:સ્થ દિવ્યતાને ધ્યાનસ્થ કરવાનું છે.
કેટલાક એવો આક્ષેપ કરે છે કે કેવળ બ્રહ્મસત્તા જ માનતું અદ્વૈત વેદાંત માનવીય જીવનનું અવમૂલ્યન કરે છે! આ વાતને સ્વામીજી વેદાંતનું વિકૃત અર્થઘટન ગણતા. શંકરાચાર્યનું તત્ત્વમીમાંસાકીય સ્થાન ગમે તે હોય, પણ એટલું તો ચોક્કસ કે એમના ઉપદેશે માનવમનની મહત્તામાં આત્મશ્રદ્ધાનું પુનર્જાગરણ કર્યું છે. ‘વેદાંત કંઈ આપણને સાષ્ટાંગ દંડવત્ કરવાનું નથી કહેતું. તે તો કહે છે કે તમારું માથું ઊંચું રાખો.’ તમારામાંનો દરેક ભગવાનને અંતરમાં ધારણ કરી રહ્યો છે. ભગવાનને માટે તમે યોગ્ય બનો.’ સાચા વેદાંતીએ માનવજન્મનું ગૌરવ અનુભવવું જ જોઈએ. માનવીય ગૌરવને હાનિકારક ગમે તેને દૂર કરવા માણસે સજ્જ રહેવું જોઈએ.’ જો ઈશ્વર મારામાં વિરાજિત જ હોય તો પછી શા માટે મારે જગતના તાપો સહેવા? એને નિર્મૂળ કરવા એ જ મારો ધર્મ છે.’
સ્વાતંત્ર્ય સિદ્ધાંતનું સર્વોચ્ચ પ્રતિનિધિત્વ મનુષ્ય કરે છે. બધાં જ ક્ષેત્રોમાં સંસ્કૃતિનો, સિદ્ધિઓનો આધાર, માનવ સંપાદિત સ્વતંત્રતાના પ્રમાણ પર જ છે. ‘સ્વાતંત્ર્ય જ વિજ્ઞાન અને ધર્મ – બંને મૂળગત પ્રેરણા અને ધ્યેય સમાન છે.’ સ્વાતંત્ર્ય-ઝંખના જ આત્માનું ભવ્ય સંગીત છે, સ્વાતંત્ર્ય-સંઘર્ષ જ માનવીને વિશ્વ સાથે જોડે છે. અને માનવેતર પ્રાણીઓ કરતાં માનવપ્રાણીની વિશેષતા દર્શાવે છે કારણ કે માનવજીવનમાં જ એ બંને સભાન અને બૌદ્ધિક રીતે કરવામાં આવે છે. આખું વિશ્વ આ સ્વાતંત્ર્ય-ઝંખના છતી કરે છે. ‘પૃથ્વી સૂર્યથી અને ચંદ્ર પૃથ્વીથી – એમ દરેક વસ્તુ એકબીજાથી અનંતપણે છૂટી પડવાની પ્રવૃત્તિ ધરાવે છે.’ આ બધો સ્વાતંત્ર્ય માટેનો સંઘર્ષ જ છે. સ્વામીજી આ સમજાવવા એક રૂપક આપે છે કે ‘અનેક છિદ્રોથી છેદાયેલા હિમસાગરની કલ્પના કરો. એનું દરેક છિદ્ર ચેતન માનવનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક માનવ પોતાની બૌદ્ધિક કક્ષા પ્રમાણે એ બર્ફીલા છિદ્રમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.’
આમ, સ્વામીજીનો સંદેશ માનવકેન્દ્રી, વ્યવહારુ અને ક્રિયાશીલ પુરુષાર્થથી ભરપૂર છે. સાથોસાથ ગીતોક્ત નિષ્કામ કર્માચરણ પર પણ તેઓ ભાર મૂકે છે. જવાબદારી અને કર્તવ્યને નામે આસક્તિ વધારાતી જાય અને પછી એ દંભ ચાલુ રહેતાં એનાં મૂળ ઊંડાં જાય ત્યારે આપણે એને ખોટું ‘કર્તવ્ય’ એવું નામ આપીએ છીએ. અને એ ખોટા ઓપ પર ફૂલ વરસાવીએ છીએ! પણ આપણું જીવન જો આધ્યાત્મિક પાયા ઉપર ચણાયેલું હોય તો મૌલિકતાના સર્વોચ્ચ આદર્શો આપણા રોજિંદા જીવનમાં સંતોષાઈ શકે છે. આપણાં કાર્યો નિ:સ્વાર્થતાપ્રેરિત હોય, એવી આશાઓ આપણે રાખી શકીએ નહિ. એવી અપેક્ષા વહેવારુ ય ન ગણી શકાય. પણ મનુષ્ય ભૌતિક લાભની આશા છોડી દે અને ટીકા-પ્રશંસા પ્રત્યે કેટલીક ઉપેક્ષાવૃત્તિ સેવે એવી આશા તો અવશ્ય જ રાખી શકીએ. કારણ કે આપણે શરીરની સાથોસાથ આત્મા પણ છીએ. પોતાનું આખું જીવન સંઘર્ષ – કર્મમય હોવા છતાં સ્વામીજીએ આ પ્રકારની અનાસક્તિ ચરમસીમા સુધી કેળવી હતી – અને કેવળ ‘બ્રહ્મ’ જ અંતિમ સત્ છે એવી આત્મનિષ્ઠાએ જ તેમની અનાસક્તિની નૈષ્ઠિક ઝંખનાનું સમર્થન કર્યું હતું. એમના ‘ધ સોંગ ઓફ સન્યાસિન્’માં આ ભાવો વ્યક્ત બરાબર રીતે થયા છે.
અમેરિકામાં વિદ્વત્તાપૂર્ણ નિબંધ લખ્યા વિના, કોઈનું ય ભલામણ પત્ર લઈ ગયા વિના, આ અજાણ્યા સંન્યાસીને આટલું બધું સન્માન કેમ મળી ગયું? વિશ્વધર્મ પરિષદ પતી ગયા પછી યે શિકાગોમાં આ પ્રશ્ન કોઈએ પૂછેલો. જવાબ એ છે કે પરિષદના અન્ય સભ્યો પોતાના જ ધર્મના ઈશ્વર વિશે બોલ્યા હતા અને સ્વામીજી સૌના ઈશ્વર વિશે બોલ્યા હતા. આ વિધાન સ્વામીજીની સર્વદેશીય વિચારધારાને અપાયેલી ભવ્ય અંજલિ છે. સ્વામીજી કહેતા : ‘અલબત્, હું ભારતને નિ:શંક ચાહું છું; પણ મારી દૃષ્ટિ ઉત્તરોત્તર વધુ ને વધુ સ્પષ્ટતયા વિકસી રહી છે. અમારે મન તો શું ભારત કે શું ઈંગ્લેન્ડ ? અમે તો સૌ ઈશ્વર-સેવકો છીએ. હું તે ઈશ્વરની પૂજા કરું છું, જેને અજ્ઞાની જનો ‘માણસ’ કહીને બોલાવે છે. વૃક્ષમૂળને પાણી પાનારો શું આખાયે વૃક્ષને પાણી નથી પાતો?’ કેટલીક મહત્ત્વની બાબતોમાં ધર્મ પરસ્પર જુદા પડે છે એટલે વિશ્વધર્મનો અર્થ કંઈ એવો નથી થતો કે બધાએ એકબીજામાં સમરસ થઈ જવું જોઈએ. સ્વામીજીએ ધીરજ અને તટસ્થાપૂર્વક વિવિધ ધર્મોની પુરાણકથાઓ, કર્મકાંડ અને તેનાં સામાજિક મૂલ્યો અને દાર્શનિક વલણોનું વિશ્લેષણ કર્યું : અને તારવ્યું કે માનવજાતિના આધ્યાત્મિક ઐકય માટે આ ભેદો બાધક નથી. ‘આપણાં મન વાસણ જેવાં છે. આપણામાંની દરેક વ્યક્તિ ઈશ્વર સાક્ષાત્કાર માટે પ્રયત્નશીલ છે અને ઈશ્વર તો એ વિવિધ આકારનાં વાસણોને પાણીથી ભરી દે તેવો છે. પાણી એ દરેક વાસણમાં જુદું જુદું રૂપ ધારણ કરે છે આમ છતાં બધામાં પાણી એક જ છે – ઈશ્વર એવો છે!’
મતાગ્રહી વલણ અને જીવનના આધારની સમજણનો અભાવ – આ બંને વિશ્વૈકયના બાધક પ્રતિબંધો છે. ભારતના વિભિન્ન સંપ્રદાયોએ મતાગ્રહથી એકબીજાને જુદા પાડીને આખા દેશનું બૌદ્ધિક આધ્યાત્મિક વિભાજન કરીને ભારે નુકસાન નોતર્યું છે. ‘મ્લેચ્છ’ શબ્દ શોધીને, અન્ય સાથે વ્યવહાર અટકાવીને હળવામળવાનું બંધ કર્યું તે દિવસથી જ ભારતનું પતન આરંભાયું. આ બાબતમાં સ્વામીજી કોઈને અપવાદ ગણતા નથી. અદ્વૈતવાદી દ્વૈતવાદીને અને દ્વૈતવાદી અદ્વૈતવાદીને અવળો સવળો શાસ્ત્રાર્થ કરીને ભાંડવાનું જ કામ કર્યા કરે છે.
સ્વામીજીને લાગ્યું કે ભારત કરતાં તો મતભેદોની સહિષ્ણુતા પશ્ચિમમાં વધારે છે. પુનર્જાગરણ સમયથી માંડીને અઢારમી સદીના અંત સુધી – જ્યારે ઉદારમતવાદી પરંપરાઓનું પ્રભુત્વ હતું ત્યારે – સ્વામીજીએ અમેરિકાની મુલાકાત લીધી હતી. ત્યારે યુરોપ આજની પેઠે ધર્માંધ વિચારોથી વિભાજિત થયું ન હતું. પણ સ્વામીજીને લાગ્યું કે તે મતાગ્રહથી તો મુક્ત ભલે હતું, પણ સાચોસાચ ધાર્મિક સંવેદનશીલતા પણ ગુમાવતું જતું હતું. તેમના જીવનનો ખ્યાલ કેવળ ભૌતિકવાદી બનતો જતો હતો અને એને પરિણામે હિંસા, છીછરાપણું અને ભૌતિક સુખસાધનની અદમ્ય લાલસા વધતી જતી હતી.
સ્વામીજીએ કહ્યું : ‘જગત એક એવા જ્વાળામુખી પર બેઠેલું છે કે જે કાલ પણ ફાટી શકે અને જગત છિન્નભિન્ન થઈ જાય, એના ટુકડાટુકડા થઈ જાય.’ યુરોપીય સભ્યતાને અદૃશ્યપણે ઘેરી વળતી આફતનો અનુભવ કરનારાઓમાં વિવેકાનંદ સર્વપ્રથમ હતા. બહારની નજરે તો એ સભ્યતા સફળતાનાં સોપાનો સર કરતી જતી દેખાતી હતી. તે વખતના બધા ભારતીય લેખકો એ પશ્ચિમની સમૃદ્ધિ – આશા – વિજ્ઞાન વગેરેનાં વખાણ કર્યાં હતાં પણ વિવેકાનંદે જે ભાવિ ભાખ્યું તે તો અમંગળ જ હતું – … ‘જો અધ્યાત્મનો પાયો નહિ હોય તો આખીયે પશ્ચિમી સભ્યતા આવતાં પચાસ વરસોમાં ધરાશયી થઈ જશે. માનવજાત ઉપર તલવારના જોરે શાસન કરવું સાવ નકામું છે. બળજબરીથી શાસને ઠોકી બેસાડેલા સિદ્ધાંતો તરત જ છિન્નભિન્ન થઈ જશે.’ થોડાં વરસો પછી ટાગોરે પણ એવો જ ભાવ અનુભવ્યો હતો. ‘ઈઝ ઈટ એ ડ્રિસ્ટ્રોયર ધેટ કમ્સ?’ નામના કાવ્યમાં એ વ્યક્ત થયો છે. અને તરત જ આરંભાયેલા પહેલા વિશ્વ યુદ્ધમાં યુરોપના કેટલાય બૌદ્ધિકોએ આ બંને મહાનુભાવોની આગાહી યાદ કરી હતી… આવી આગાહીઓ કર્યા છતાંય સ્વામીજી માનવ સંસ્કૃતિના વિકાસમાં નિરાશ થયા ન હતા. ધર્મને વહેમ અને લાગણીવેડાથી મુક્ત કરીને, નિર્મળ કરીને, તર્ક અને વિજ્ઞાનને તેમની આક્રમણકારી કઠોરતાથી અલગ કરવામાં આવે તો અવશ્ય જ એક સૌમ્ય – સંતોષકારક જીવનદૃષ્ટિ જન્માવી શકાય.
સ્વામીજીના કથનથી આપણે પૂરું કરીશું કે ‘યુરોપની બૌદ્ધિક તેજસ્વિતાના સૂર્ય સાથે સંકળાયેલા બુદ્ધના પ્રેમ અને ધ્યાનમિશ્રિત કરુણામય હૃદયની આજે આપણને જરૂર છે. આ તાદાત્મ્ય આપણને સર્વોચ્ચ દર્શન આપી શકશે. વિજ્ઞાન અને ધર્મ પરસ્પર મળીને હસ્તધૂનન કરશે. કાવ્ય અને દર્શન મિત્રો બનશે. એ ભવિષ્યનો ધર્મ બનશે. અને એની રૂપરેખા માટે પ્રયત્નશીલ થતાં આપણને ખાતરી થશે કે તે બધા માટે શાશ્વત જ હશે.’
સંદર્ભ ગ્રંથો –
(૧) વિવેકાનંદ ગ્રંથમાળાના બધા ભાગો.
(૨) રામકૃષ્ણ કથામૃત
(૩) સ્વામી વિવેકાનંદના સાન્નિધ્યમાં
(૪) આધુનિક ભારતીય ચિન્તન – વિશ્વનાથ એસ. નરવણે
(૫) લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ – રોમા રોલાં
(૬) લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ – (ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાઈપલ્સ્)
(૭) ભારતમાં વિવેકાનંદે આપેલાં ભાષણો.
Your Content Goes Here




