(સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. – સં.)

સ્વામી વિવેકાનંદ તો હિમાલયમાં તપસ્યા કરવા કેટલીયે વાર ગયા હતા. પરંતુ કોણ જાણે કોઈ એમને ખેંચીને હિમાલયના ખોળામાંથી નીચે લઈ આવ્યા! એ પછી તેઓએ રાજસ્થાન વગેરે જુદાં જુદાં સ્થળોએ ભ્રમણ કર્યું. કેટલાયે રાજા-મહારાજાઓ સાથે એમને સંપર્ક થયો. ફરતાં ફરતાં પોરબંદર આવ્યા; તે સમયે એ રાજ્યમાં રાજા ન હતા; અનેક પ્રકારની અવ્યવસ્થા, અંધાધૂંધી ચાલતી હતી. એટલા માટે અંગ્રેજ સરકારે શ્રી શંકરરાવને (શ્રી શંકરરાવ પાંડુરંગ) –Administrator- કાર્ય નિર્વાહક નીમ્યા હતા. શ્રી શંકરરાવ ખૂબ વિદ્વાન બુદ્ધિશાળી, વિચક્ષણ અને સજ્જન હતા. યુરોપના જુદા જુદા અનેક દેશોમાં ફર્યા હતા અને ફ્રેંચ, જર્મન વગેરે ભાષાઓ સારી રીતે શીખ્યા હતા. તેમના ઘરમાં જ પોતાનું મોટું પુસ્તકાલય હતું, પોતે પણ ખૂબ વાચન-લેખન કરતા રહેતા. એમનું પુસ્તકાલય જોઈને સ્વામીજી પ્રભાવિત થયા. વાતવાતમાં સ્વામીજીએ શ્રી શંકરરાવને પોતાની અધ્યયનની ઇચ્છા જણાવતાં તેઓ ખૂબ ખુશ થઈને બોલ્યા: ‘આપની જ્યાં સુધી રહેવાની ઇચ્છા હોય ત્યાં સુધી અહીં રહો અને અભ્યાસ કરો.’ અને પછી સ્વામીજી થોડા દિવસ ત્યાં રહ્યા.

શંકરરાવ બહુ સારું સંસ્કૃત જાણતા. એક દિવસ તેમણે સ્વામીજીને કહ્યું, ‘જુઓ સ્વામીજી, પહેલાં શાસ્ત્રો વાંચી એમ લાગતું કે એમાં કંઈ સત્ય નથી, એ બધું શાસ્ત્રકારોની મનની કોરી કલ્પના માત્ર છે અને જેમ જેને સૂઝ્યું તેમ લખી ગયા છે. પણ હવે આપને જોઈને અને આપનો સત્સંગ કરીને મારી આ ધારણા બદલાઈ ગઈ છે. હવે લાગે છે કે આપણા ધર્મગ્રંથો સાચા છે. મેં પશ્ચિમના દેશોમાં જોયું છે કે એ દેશના વિદ્વાનો આપણાં હિંદુધર્મ, દર્શન અને શાસ્ત્રો સંબંધી જ્ઞાન મેળવવા માટે ખૂબ ઉત્સુક છે. પરંતુ એવી કોઈ વ્યક્તિ એ લોકોને મળી નથી કે જે આ બધાં શાસ્ત્રો તેમને બરાબર સમજાવી શકે. આપ જો એ દેશમાં જઈને આપણા ધર્મની સાચી વાત એ લોકોને સમજાવો, તો એક અત્યંત મહાન કાર્ય થશે.’

જુઓ, તેમના (ઠાકુરના) કાર્યનું સૂચન કેવી રીતે થાય છે. એ સાંભળીને સ્વામીજીએ કહ્યું – ‘સારું, હું તો સંન્યાસી છું, મારે વળી આ દેશ કે પેલો દેશ એવું શું? જરૂર પડશે તો જઈશ.’ ત્યારે શંકરરાવ બોલ્યા: ‘વિદેશમાં અભિજાત વર્ગના લોકો સાથે સંપર્ક સાધવા ફ્રેંચ ભાષા પણ જાણવાની ખાસ આવશ્યકતા છે. તમે ફ્રેંચ શીખો, હું તમને શીખવીશ.’ અને તેઓ ફ્રેંચ ભાષા પણ શીખી ગયા. તે સમયે હું (શિવાનંદજી) આલમબજાર મઠમાં હતો. એ પહેલાં લગભગ બે વર્ષ સુધી સ્વામીજી સાથે કોઈને કોઈ સંપર્ક હતો નહીં. તેઓ ક્યાં હતા તે કોઈ જાણતું ન હતું. આલમ બજાર મઠ તેમણે ફરી જોયો જ ન હતો. અચાનક એક દિવસ ચાર પાનાનો લાંબો પત્ર આવી પહોંચ્યો. કઈ ભાષામાં એ પત્ર લખાયો હતો તે અમે કોઈ સમજી શક્યા નહીં. શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ) અને સારદા મહારાજ (સ્વામી ત્રિગુણાતીતાનંદ) થોડું ફ્રેંચ જાણતા. તેમણે બંનેએ ખૂબ તપાસીને વાંચીને કહ્યું: ‘આ તો નરેન્દ્રનો પત્ર હોય એમ લાગે છે, ફ્રેંચ ભાષામાં લખેલો છે.’ ત્યારે આ પત્ર લઈ કોલકાતાના અઘોર ચેટરજી મહાશય પાસે ગયા. તેઓ હૈદરાબાદની સ્ટેટ કૉલેજના પ્રિન્સિપાલ હતા અને સારું ફ્રેંચ જાણતા હતા. તેમણે પત્ર વાંચી અમને બંગાળીમાં બધું સમજાવ્યું. ત્યારે સ્વામીજીના સમાચાર મળ્યા કે તેઓએ ફ્રેંચ શીખી લીધું છે.

(આનંદધામના પથ પર, પૃષ્ઠ ૫૮-૬૦)

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.