રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને રાજકીય – એમ સર્વાંગી વિકાસમાં શિક્ષણ કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે તે વિશે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ આવી છે. સ્વામી વિવેકાનંદે લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે રાષ્ટ્રના વિકાસ માટે કેળવણી પર ભાર મૂકવાનું કેટલું જરૂરી છે તે સમજાવ્યું હતું. તો જ માત્ર આધ્યાત્મિક ક્ષેત્રે જ નહિ, આર્થિક અને સામાજિક રીતે પણ દેશ બળવાન બને. ધર્મ અને અર્થતંત્રની પ્રગતિ માટે સમતોલ વિકાસની આવશ્યકતા તેઓ જોઈ શક્યા હતા. દરિદ્રતા, અજ્ઞાન, રોગ, અને અંધશ્રદ્ધા દૂર કરવામાં વિજ્ઞાન અને યંત્રવિદ્યા અગત્યનો ભાગ ભજવશે એવું તેમનું દર્શન હતું. સમગ્ર માનવજાત માટે જીવનમાં સંવાદિતા, સુખ અને કલ્યાણ અર્થે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સંયોજનની જરૂર પર તેઓ ખૂબ ભાર મૂકતા. આજે તેમનાં લખાણો વાંચીએ છીએ ત્યારે માનવજાતના ભાવિદર્શન વિશેના તેમના પયગમ્બરી અભિનિવેશથી પ્રભાવિત થઈએ છીએ.
અમેરિકાથી પાછા ફર્યા પછી કુમ્ભકોણમમાં આપેલા એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું: “આપણા દેશને લોખંડી સ્નાયુઓ, પોલાદી મજ્જાતંતુઓ અને વિરાટ મનોબળની જરૂર છે, જેને કશું અવરોધી શકે નહિ, જે વિશ્વનાં ભેદો અને રહસ્યોનો પાર પામી શકે અને ગમે તે ભોગે ધ્યેય સિદ્ધ કરી શકે, પછી ભલે તેમ કરવામાં છેક અંતસ્તલમાં ઊતરવું પડે અને મોતનો મુખોમુખ સામનો કરવો પડે.”આજના સંદર્ભમાં આપણે એટલું ઉમેરી શકીએ કે “ભલે બાહ્યાવકાશની નૂતન ક્ષિતિજો સુધી પણ પહોંચવું પડે.”
“વેદાંત અને ભારતીય જીવન” વિશેના એક અન્ય વ્યાખ્યાનમાં દેશની અવદશા વિશે દુ:ખ વ્યક્ત કરતાં તેમણે દર્શાવ્યું હતું કે, “ઉપનિષદોની મહાનતા છતાં અને આપણાં પ્રાચીન ઋષિકુળો વિશે ગૌરવ અનુભવવા છતાં મારે તમને કહેવું જ જોઈએ કે આપણે નિર્બળ છીએ, ઘણા નિર્બળ છીએ.” સૌ પ્રથમ શારીરિક નિર્બળતાની વાત: “આપણી ત્રીજા ભાગની મુશ્કેલીઓનું મૂળ આ શારીરિક નબળાઈમાં રહેલું છે. આપણે આળસુ છીએ. આપણે કામ કરી શકતા નથી, હળીમળી શકતા નથી, એકબીજાને ચાહી શકતા નથી, ખૂબ જ સ્વાર્થ-પરાયણ છીએ, ત્રણ જણા ભેગા થાય તો એકબીજાની નિંદા ને તિરસ્કાર કર્યા વિના રહી શકતા નથી.”
આઝાદીનાં ૪૦ વર્ષ પછી આ શબ્દો આજેય સાચા છે. એ જ વ્યાખ્યાનમાં તેમણે આ પ્રમાણે અનુરોધ કર્યો હતો: “પ્રથમ તો આપણા યુવાનોએ સશક્ત બનવું જોઈએ. ધર્મની વાત એ પછી આવશે. બળવાન બનો, મારા યુવાન મિત્રો! એ જ મારી સલાહ છે. ગીતાપઠન કરતાં ફૂટબૉલ દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક હશો. આ આકરા શબ્દો છે પણ મારે તમને કહેવા પડે છે, કારણ હું તમને ચાહું છું. જોડો ક્યાં ડંખે છે તે હું જાણું છું. મેં થોડો અનુભવ મેળવ્યો છે. તમારા થાપા અને સ્નાયુઓ થોડાક વધારે મજબૂત હશે તો ગીતા તમે વધુ સારી રીતે સમજી શકશો. રુધિર વધુ જોશીલું હશે તો કૃષ્ણની વિરાટ પ્રજ્ઞા અને તેમના અતુલ સામર્થ્યને વધુ સારી રીતે પ્રમાણી શકશો. પગ પર તમારો દેહ અડીખમ હશે અને પૌરુષની લાગણી અનુભવતા હશો તો ઉપનિષદોના જ્ઞાન અને આત્માના ઓજસનો વધુ સારી રીતે આનંદ માણી શકશો. આમ આપણી જરૂરિયાત પ્રમાણે તેને જીવનમાં ઉતારવાનાં છે.” યાદ રહે કે આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે સંન્યાસ ગ્રહણ કરનાર એક સાધુચરિત પુરુષના આ શબ્દો છે.
સ્વામીજીએ તંદુરસ્ત અને બળવાન દેહની જરૂર પર ભાર મૂક્યો છે. આ સ્થિતિ અતિમાનવના વિકાસ માટે જરૂરી છે. એ સમયે યુવાનોને જે શિક્ષણ મળતું હતું તેને સ્વામીજીએ આ શબ્દોમાં વખોડી કાઢ્યું છે: “અત્યારે જે કેળવણી તમે લો છો તેનાં કેટલાંક સારાં તત્ત્વો છે પણ તેનો એક ગેરલાભ એટલો મોટો છે કે આ સારાં તત્ત્વો દબાઈ જાય છે. પ્રથમ તો એ કે આ કેળવણી માનવનું ઘડતર કરતી નથી. એ સમગ્રતયા તદ્દન અભાવાત્મક છે. નકારાત્મક પાયા પર મંડિત કોઈપણ કેળવણી મરણથી બદતર છે… અને પચાસ વર્ષથી અપાતી આવી કેળવણીનું પરિણામ એ આવ્યું છે કે ત્રણેય પ્રાંતોમાં એક પણ મૌલિક પ્રતિભાનું એણે સર્જન કર્યું નથી. દેશને મળેલી એકે એક પ્રતિભા આ દેશમાં નહિ, અન્યત્ર શિક્ષણ મેળવીને સર્જાઈ છે. અથવા તેઓ જૂનાં વળગણોથી છૂટવા ફરી જૂનાં વિદ્યાલયોમાં ગયા છે તેમાંથી આવી છે.” સ્વામીજી આ સંબંધમાં આગળ કહે છે: “મગજમાં ઠાંસીને માહિતીનો ભંડાર ભરવામાં આવે, જે જીવનભર ત્યાં ઉછળ્યા કરે તે સાચું શિક્ષણ નથી. જીવનવિધાયક, માનવસર્જક, ચારિત્ર્યને પોષક વિચારોને આત્મસાત્ કરવાની આપણને જરૂર છે. પાંચ વિચારોને આત્મસાત્ કર્યા હોય અને તેને જીવનમાં અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો આખા ગ્રંથાગારને ગોખી કાઢનાર કોઈ પણ વ્યક્તિના કરતાં તમે વધુ શિક્ષિત છો.” સ્વામીજીએ આપેલો આ માનદંડ આજની શિક્ષણ-પદ્ધતિને પણ મહદ્અંશે લાગુ પડે છે.
સ્વામીજી માનવજીવનની પરિપૂર્ણતા અર્થે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની આવશ્યકતા વિશે ભાર મૂકતા. આધ્યાત્મિકતા એ પૂર્વની વિશેષતા છે અને વિજ્ઞાન એ પશ્ચિમનું ક્ષેત્ર છે. આ વિશે બોલતાં સ્વામીજીએ જાહેર કરેલું કે, “આ દરેકને તેની પોતીકી ભવ્યતા છે, તેનું પોતીકું ગૌરવ છે. આજે જરૂર છે એ બન્ને વચ્ચેના સંવાદની, બન્ને આદર્શોના મિલનની.”
આપણાં કિશોર-કિશોરીઓને આપણે શિક્ષણ આપીએ છીએ ત્યારે તેમની સન્મુખ ક્યા આદર્શો તેઓ રાખશે? દરેક શિક્ષિત વ્યક્તિ આત્મકેન્દ્રી ન રહે, પણ દેશ અને જનતાની સેવાનો આદર્શ સેવે એમ સ્વામીજી ઇચ્છે છે. તેમણે બેધડકપણે કહ્યું છે: “લાખો જનો ભૂખ અને અજ્ઞાનમાં સબડતાં રહેશે. ત્યાં સુધી દરેક શિક્ષિત વ્યક્તિને જવાબદાર ગણીશ, કારણ તેમના ખર્ચે તેઓ ભણ્યા છે અને પછી તેમની જરાય દરકાર કરતા નથી.” તેમણે અમેરિકાથી મૈસૂરના મહારાજાને લખેલા એક પત્રમાં લખ્યું છે: “પ્રિય અભિજાત કુમાર, આ જીવન ક્ષણભંગુર છે. દુન્યવી સુખો અલ્પજીવી છે. પણ જે બીજાઓને માટે જીવે છે તે જ સાચું જીવે છે, બાકીના મરવા વાંકે જીવતા હોય છે.” કેળવણી ચારિત્ર્યનું ઘડતર કરનારી હોવી જોઈએ. સ્વામીજી એવું સંવેદનપ્રવણ સામર્થ્ય ઇચ્છતા હતા જે સમાજાભિમુખ નૈતિક ઇચ્છાશક્તિ દ્વારા સંયત અને નિયંત્રિત હોય તથા સમાજની સેવામાં એ રીતે ગતિશીલ રહે જેમાંથી ચારિત્ર્યનું કુન્દન નીપજે.
આમ સ્વામીજીના મતે શિક્ષણનાં પ્રયોજન અને ઉદ્દેશ: વ્યક્તિના સર્વાંગી અને પરિપૂર્ણ ઘડતર દ્વારા તેના વ્યક્તિત્વને વિકસાવવાનું છે. નખશીખ કાર્યદક્ષતા એ એક સંપન્ન વ્યક્તિત્વની કસોટી છે. કાર્યકુશળતા ચારિત્ર્ય ઘડે છે. કુશળ હસ્ત, નિર્મળ મન અને સંવેદનશીલ હૃદય હોય તો વિશેષ કશાની જરૂર નથી. દેવતુલ્ય એવું એ પરિપૂર્ણ વ્યક્તિત્વ બને છે. શિક્ષણ મન, હૃદય અને કર્મેન્દ્રિયોના સર્વાંગી સમતોલ વિકાસ તરફ દોરી જનારું હોવું જોઈએ, જેમાંથી પરિપૂર્ણ વ્યક્તિત્વ નીપજે છે.
(“નવનીત-સમર્પણ”ના સૌજન્યથી)
Your Content Goes Here




