(વડોદરા નિવાસી શ્રી પ્રકાશભાઈ જોશી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘણા દાયકાઓથી જોડાયેલા છે. તેઓશ્રીએ સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી નિમિત્તે લખેલ લેખ અત્રે પ્રસ્તુત છે. – સં.)

શ્રીરાજગોપાલાચારી સ્વામી વિવેકાનંદ માટે કહે છે, “વિવેકાનંદે હિંદુ ધર્મ તેમજ ભારતને બચાવ્યું હતું.”

કાકાસાહેબ કાલેલકર સ્વામી વિવેકાનંદના યુગકાર્ય વિશે લખતાં જણાવે છે કે, “જે સમયે સ્વામી વિવેકાનંદે દુનિયા પર અને ભારત પર પોતાનો તેજસ્વી પ્રભાવ પાડ્યો તે સમયનો હું એક તરુણ છું. વિવેકાનંદ પહેલાં અમે તરુણો કેવી રીતે વિચારતા હતા અને ત્યાર પછી કેવી રીતે વિચાર કરતા થયા, આ આખું પરિવર્તન મેં પોતે અનુભવ્યું છે.”

અન્ય એક સ્થળે કાકાસાહેબ લખે છે, “હિંદુ ધર્મમાં જે હિતકારી તત્ત્વો છે તે જ આગળ કરી હિંદુ ધર્મને નવું રૂપ આપવાનું અને એની આધ્યાિત્મક ભૂમિકા વિશદ કરવાનું કાર્ય સ્વામી િવવેકાનંદે કર્યું. એ જ કામ આપણી દૃષ્ટિએ આજે મહત્ત્વનું છે. આ જ કામને આધારે આજે આપણે સામાજિક ઉન્નતિ કરી શકીએ, અને રાષ્ટ્રીય સંસ્કૃતિને પણ પ્રભાવશાળી કરી શકીએ.”

ભારતમાં બૌદ્ધિક પુનર્જાગરણ આધુનિક ભારતીય રાષ્ટ્રવાદના ઉદયની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. જ્યારે કોઈ પણ દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે ત્યાં જાગૃતિ આવે છે. બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન ભારત દેશ રાજનૈતિક, આર્થિક, સામાિજક, સાંસ્કૃતિક તેમજ અન્ય બધાં જ ક્ષેત્રોમાં સંકટકાળમાંથી પસાર થઈ રહ્યો હતો. આવા કપરા સમયે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. પરાધીન ભારતનો જનસમાજ ધાર્મિક રૂઢિવાદ, અંધશ્રદ્ધા તથા વહેમમાં જકડાયેલો હતો. ગરીબી, પરતંત્રતા અને નિરક્ષરતાએ સમગ્ર દેશને પોતાની નાગચૂડમાં જકડી લીધો હતો. રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રચિંતન એ દૂર દૂર શોધવા છતાં જડે એમ ન હતાં.

આ સમયે સમગ્ર રાષ્ટ્રમાં બ્રાહ્મસમાજ, આર્યસમાજ, પ્રાર્થનાસમાજની ચળવળો શરૂ થઈ અને સમાજસુધારણા તેમજ હિંદુ ધર્મના નવજાગરણ માટે પ્રયત્નો થયા. આ ઉપરાંત બંગાળમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેમજ મહારાષ્ટ્રમાં પણ અનેક બુદ્ધિવાદી વર્ગના અગ્રણીઓએ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો અને સમાજસુધારણાના કાર્યને ધ્યેય બનાવ્યું. અનેક સુધારણાઓ પરસ્પર વિરોધી હોઈ સાધારણ જનસમાજ તેનાથી અળગો રહ્યો.

આ અરસામાં જ પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસદેવના દેહવિલય બાદ સ્વામીજીએ સમગ્ર દેશનું પરિભ્રમણ કર્યું, પૂર્વથી પશ્ચિમ સુધી અને ઉત્તરથી દક્ષિણ સુધી. પગપાળા, બળદગાડું, રેલવે જેવાં વિવિધ માધ્યમોથી દેશ ખૂંદી વળ્યા. ખેતમજૂરો, અંત્યજ લોકો, ભણેલા, અભણ, રાજા, રંક, જોડાં સીવનાર સુધ્ધાંના તેઓ અતિથિ બન્યા. લોકોની પરિસ્થિતિ નજરે જોઈ અને તેમનું મન દ્રવી ઊઠ્યું.

ભૂતકાળમાં ગૌરવના ઉચ્ચ શિખરે બિરાજતું ઝળહળતું ભારત વર્તમાનમાં દુ:ખદારિદ્ર્યમાં કેવી રીતે ડૂબી ગયું! આ વિચારોના આવેગથી સ્વામીજી ઉદ્વિગ્ન થયા અને વિચાર આવ્યો, આ બધાનો ઉપાય શો? ભ્રમણના અંતે દેશના અંતિમ ખૂણે પહોંચ્યા, કન્યાકુમારી. સ્વામીજી સમુદ્ર તરીને તેની અંતિમશિલા પર પહોંચ્યા.ત્રણ દિવસ અને ત્રણ રાત્રીનાં એકધાર્યાં ચિંતન, ધ્યાન, મનન અને અંતરની પ્રાર્થનાના જોરે આખરે તેમણે ઉપાય શોધી કાઢ્યો.

સ્વામી ગંભીરાનંદના અભ્યાસ-ગ્રંથ ‘યુગનાયક વિવેકાનંદ’ના શબ્દોમાં “આ બધું જોઈને – તેમાંયે ખાસ તો દારિદ્રય અને અજ્ઞાન નિહાળીને મને ઊંઘ નથી આવતી. કુમારિકા ભૂશિર ઉપર મા કુમારીના મંદિરમાં બેસીને, ભારતવર્ષની છેક છેવાડેની પાષાણની ટોચ ઉપર બેસીને ઠરાવ્યું કે.. ‘ખાલી પેટે ધર્મ ના થાય’- ગુરુદેવ કહેતા હતા ને?.. આપણી જાતિ પોતાનું હીર હારી બેઠેલી છે, અને તેથી જ ભારતનાં આટઆટલાં દુ:ખ કષ્ટ. એ જાતિની વિશેષતાનો વિકાસ જેથી કરીને સધાય તેવું જ કરવું ઘટે – નીચ જાતિને ઉપર ઉઠાવવી પડશે. એમની ઊઠીને ઊભા થવાની તાકાત આપણી પોતાની અંદરથી જ આણવી રહી… તમામ દેશોમાં જે કાંઈ દોષ જોવા આવે છે, તે કાંઈ એેમના ધર્મનો દોષ નથી, ધર્મનું સમીસરખી રીતે પાલન ન કરવાને કારણે જ આ બધા દોષ જોવામાં આવે છે. એટલે ધર્મનો કશો દોષ નથી, લોકોનો જ દોષ છે.”

સ્વામીજીએ ઉપાય શોધી કાઢ્યો—ત્યાગ અને સેવાના માધ્યમ વડે આ કાર્ય થશે. તે દિવસે એમનો સંકલ્પ પાકો થઈ ગયો—પોતે સાગર પાર કરીને શ્રીરામકૃષ્ણના સંદેશવાહકરૂપે અમેરિકા જશે.

સ્વામીજી અમેરિકા ગયા. ધર્મસભાના પ્રથમ પ્રવચનમાં સભાને સંબોધન કરતાં અંતરથી નીકળેલા ઉદ્‌ગારો ‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ!’ પોતે જ એક અૈતિહાસિક ઘટના થઈ ગઈ. બે મિનિટ સુધી તાળીઓનો જોરદાર ગડગડાટ થયો. આ પ્રવચનનો ઉદાર અને હૃદયસ્પર્શી ભાવ સહુને સ્પર્શી ગયો. શ્રીમતી બ્લોજેટના મંતવ્ય પ્રમાણે સ્વામીજીના પહેલા શબ્દો સાંભળતાં જ શા માટે શ્રોતાઓ હર્ષના પોકારો કરી ઊઠેલા, ‘તેમનાં વચનો માત્ર ખોખલી ભાવુકતાના રૂપે આવવાને બદલે વાસ્તવિક સચ્ચાઈને સ્વરૂપે પ્રગટેલા અને સહુના હૃદયમાં એક સદાય વિસ્તરી રહેલ આત્માના ઐક્યની અનુભૂતિને જીવંત કરી મૂકેલી.’

અને આ વાસ્તવિકતા એટલે શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં બેસીને આધ્યાત્મિક સર્વોચ્ચ શિખરોને પાર ધ્યાનમગ્ન બેઠેલા સપ્તર્ષિ ઋષિઓમાંના એક ઋષિની આત્મસાત્‌ કરેલી વાણી ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે’. જો એક જ પરમ સત્તા સર્વત્ર વિરાજમાન છે તો જડ-ચેતન, પશુ-પક્ષી, નર-નારી, સૌમાં એ જ ચૈતન્ય છે; પછી તે અમેરિકાના શ્રોતા હોય કે ભારતના કંગાળ દેશબાંધવો હોય. એમની આ ઐક્યની અનુભૂતિ, જે હિંદુ ધર્મના સર્વોચ્ચ તત્ત્વજ્ઞાનનો આધાર છે તે નરઋષિના શ્રીમુખે પ્રગટી.

આ પૂર્વભૂમિકાના સંદર્ભમાં જ્યારે દેશના ખૂણે ખૂણે આ ભવ્ય પ્રસંગની જાણ થઈ ત્યારે આખો દેશ જાણે કે થનગની ઊઠ્યો. એક જાગૃતિ, ચેતના, આશાનું કિરણ ઊઠ્યું. ભણેલા-અભણ સૌ કોઈ વિસ્મયમાં ગરકાવ થઈ ગયા. આપણો ધર્મ કેટલો મહાન છે અને જગતને આપવા માટે આપણી પાસે કંઈક સંદેશો છે, તે સૌ કોઈએ અનુભવ્યું. સમાજ આળસ ખંખેરીને બેઠો થયો. ધર્મગુરુઓ ધર્મની પરિભાષા નવી રીતે સમજતા થયા. ઘર-ઘરમાં વેદાંત અને સ્વતંત્રતાની મહત્તા સમજાવા લાગી.

હવે આ લેખના મથાળે આપેલ શ્રીરાજગોપાલાચારી અને કાકાસાહેબ કાલેલકરનાં અવતરણોને ફરીથી વાગોળવાથી સમજાશે કે તેમણે કરેલા ઉદ્‌ગારો કેટલા યથાર્થ છે.

સ્વામીજીના ઉદ્‌ગારો સૂત્રાત્મક છે. આવો, આપણે પણ આ ઉદ્‌ગારોને સમજીને જીવનમાં કાર્યાન્વિત કરીએ- ‘ઊઠો! જાગો! અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.