ત્રણેક હજાર વરસથી ચાલી આવતી અને વિકસિત થતી રહેલી ભારતીય તત્ત્વજ્ઞાનની અનેકવિધ શાખા-પ્રશાખાઓનું હકારાત્મક સંકલન અને સમન્વય કરીને તત્ત્વજ્ઞાનનો એક અનન્ય અને ભવ્ય મહાલય, વેદાન્તના પાયા ઉપર ખડો કરી દેવાનું મહાન કાર્ય સ્વામી વિવેકાનંદે ઓગણીસમી સદીના અંતભાગમાં કર્યું. એ ભગીરથ કાર્ય માટે વિવિધ શાસ્ત્રોના ગહન અધ્યયનના એમના પરિશ્રમનો પણ સહેજે ખ્યાલ આવી શકે છે. અને આમ છતાં ય સમન્વયના આ ઉદ્‌ગાતાએ તત્ત્વજ્ઞાનની કોઈ પણ શાખાના કોઈ પણ ગ્રંથ ઉપર ભાષ્ય, વાર્તિક કે ટીકા કહી શકાય તેવું સળંગસૂત્ર લખાણ લખ્યું નથી. એમાં પતંજલિનાં યોગસૂત્રો અપવાદરૂપ ગણી શકાય તેવાં છે.

આનું દેખીતું કારણ એ લાગે છે કે ભાષ્યકાર થવાનો કે આચાર્યપદે પરંપરાગત રીતે પ્રસ્થાપિત થવાનો તેમનો કશો દાવો નથી. પતંજલિનાં યોગસૂત્રોનો ‘રાજયોગ’ નામનો ઉપલબ્ધ સળંગસૂત્રી અનુવાદ પણ કંઈ તેમણે જાતે તો લખ્યો જ નથી. એ વિશે એમણે ન્યૂયોર્કમાં આપેલાં ભાષણોની એલન વૉલ્ડોએ કરેલી નોંધોનું એ ફક્ત સંકલન જ છે. જો કે એમાંનો કેટલોક ભાગ સ્વામીજીએ લખાવ્યો તો હતો. પણ એ લખાણ ભાષ્ય, વાર્તિક કે ટીકાની કક્ષામાં આવી શકે નહિ. સ્વામીજીએ પોતે પણ ‘રાજયોગ’ની પ્રસ્તાવનામાં સ્વીકાર્યું છે કે એમાંથી પારિભાષિક શબ્દોને યથાશક્ય દૂર કરીને સરલ, સુગમ-યુક્ત વાર્તાલાપની શૈલીમાં જ એ રજૂ કરેલ છે. એ વાંચવાથી જ જણાશે કે સંસ્કૃત નહિ જાણનારા સામાન્ય લોકોને સુગમ થાય તેવી શૈલીમાં એમને એ વિશે કંઈક તાજું કહેવાનું યોગ્ય લાગ્યું અને તે બધું તેમણે મુખેથી બોલીને કહ્યું છે – લખીને નહિ. શ્રોતાએ સાંભળીને લખી લીધું હોય તો જુદી વાત છે.

આ ‘રાજયોગ’ની કૃતિને રૂઢ અર્થમાં ભાષ્યવાર્તિકાદિ શ્રેણીમાં ભલે ન મૂકીએ, તો પણ એ એક ક્રમિક, સળંગસૂત્રી અને અખંડ કૃતિ તો બની જ છે, અને એનું પણ એક મૌલિક પ્રદાન છે જ; એમાં એક તાજગી છે, અભિનવતા છે, પ્રસ્તુતા છે અને એથી એ ભાષ્યવાર્તિકાદિ જેટલું કે કદાચ તેથી પણ વધુ મહત્ત્વ ધરાવે છે.

આમ હોવા છતાં પણ આપણા તત્ત્વજ્ઞાનના પ્રામાણિત આધુનિક ઈતિહાસકારોએ પણ સ્વામીજીના આ યોગદાનની નોંધ સરખી પોતાનાં તદ્‌વિષયક પુસ્તકોમાં લીધી નથી, એ દુર્ભાગ્યની વાત છે. આ બંધારણવાદી વિદ્યાપુરુષો – સર્વશ્રી રાધાકૃષ્ણન્, દાસગુપ્તા અને હિરિયણ્ણાની એક દુર્ભાગ્યપૂર્ણ મર્યાદા જ સમજવી રહી કે તેઓ ભારતીય તત્ત્વજ્ઞાનના અતિ મહત્ત્વપૂર્ણ પરિપ્રેક્ષ્યના દૃષ્ટાને જોઈ ન શક્યા. એનો અછડતો ઈશારો શ્રી ન. હે. મહેતાના ‘હિન્દ તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ’ પુસ્તકમાં એક ઠેકાણે મળે છે. કમનસીબે ઉપર બતાવેલા વિદ્યાપુરુષોના હાથમાં જ આ ‘રાજયોગ’ ન આવ્યો હોય, તો જુદી વાત છે.

આ ‘રાજયોગ’માં એક પ્રસ્તાવના, લાંબી ભૂમિકા, આઠ પ્રકરણોમાં પતંજલિનાં યોગસૂત્રોની સમજણ, અને આખું મૂળ પુસ્તક – દેવનાગરી લિપિમાં સૂત્રો, એનો અનુવાદ અને દરેક સૂત્રનું ટિપ્પણ – આટલી બાબતો અપાયેલી છે. આ બધું જોઈને આ પૂર્વોક્ત વિદ્વાનો પોતાનાં પુસ્તકોમાં સ્વામીજીને ઉલ્લેખી શક્યા જ હોત.

સ્વામી પ્રભવાનંદ અને ક્રિસ્ટોફર ઈશરવુડે પાતંજલ યોગસૂત્ર પર કરેલા વિવરણમાં સ્વામી વિવેકાનંદના ‘રાજયોગ’ને ઓજસ્વી, ગહન, અંત:પ્રેરિત વિવેચનયુક્ત ગણાવ્યો છે. એસલીન કાર્પેન્ટરે પોતાના એક ભાષણમાં સ્વામી વિવેકાનંદને પાતંજલ યોગસૂત્રોના મર્મજ્ઞ અર્થોદ્‌ઘાટક ગણાવ્યા છે.

પણ અહીં એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે. કે સ્વામી વિવેકાનંદ તો વેદાન્તના ઉદ્‌ગાતા હતા, શિકાગોની મહાધર્મપરિષદમાં પણ તેમણે વેદાન્તનો જ ઉદ્‌ઘોષ કર્યો હતો. અને એવું તે શું બની ગયું કે ધર્મપરિષદના ભાષણ પછી તરત જ યોગમાર્ગે વળી ગયા? એટલું જ નહિ, પણ પતંજલિનાં યોગસૂત્રોનો મૂળ સાથે અનુવાદે ય કર્યો અને તેના ઉપર વિવેચન પણ કરી નાખ્યું? વળી આ બધું લખવા માટે એમણે પતંજલિનાં સૂત્રો જ કેમ પસંદ કર્યાં? ધર્મ કે તત્ત્વજ્ઞાનનો બીજો કોઈ ગ્રંથ પસંદ કેમ ન કર્યો? વળી પતંજલિનાં સૂત્રોનું વિવરણ કર્યા પછી પણ બીજો કોઈ એવો ધર્મ-તત્ત્વજ્ઞાનનો ગ્રંથ તો એમણે છેવટ સુધી લખ્યો નથી!

આ બધા પ્રશ્નોના સમાધાન માટે આપણે રાજયોગની સ્વામીજીએ કરેલ ભૂમિકાના પ્રથમ વાક્ય ઉપર ચિન્તન કરવું જોઈએ. એ વાક્ય આમ છે: ‘આપણું બધું જ જ્ઞાન અનુભૂતિ ઉપર આધાર રાખે છે.’ તો હવે આપણે જોઈએ કે સ્વામીજી પોતાના આ વિધાન માટે કેટલું દૃઢ સાહસ દાખવે છે. સામાન્ય રીતે અદ્વૈત વેદાન્તની સાથે યોગનો કશો મેળ નથી. ‘આપણો ધર્મ’ નામના ગ્રન્થમાં શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવે ‘શાંકરવેદાન્તમાં યોગનો નિષેધ’નામે એક પ્રકરણ પણ શાસ્ત્રચર્ચાર્થે લખ્યું છે. તો પછી આ તે સ્વામીજીનું ક્યા પ્રકારનું સાહસ છે?

આ શંકાનું સમાધાન પણ આનંદશંકરના ઉપરના લેખમાંથી મળે છે. તેઓ કહે છે કે શાંકર વેદાન્તના – અદ્વૈત વેદાન્ત સાથે જે યોગસાધનાનો નિષેધ ફરમાવાયો છે, તે હઠયોગનો નિષેધ છે, રાજયોગનો નહિ. આ માટે શંકરાચાર્યના ‘અપરોક્ષાનુભૂતિ’ ગ્રન્થનો હવાલો આપતાં એ ઉમેરે છે કે અદ્વૈત વેદાન્તમાં ‘રાજયોગ’નો અવશ્ય સ્વીકાર કરવામાં આવ્યો છે. અને એને અનુસંધાને યમ-નિયમાદિના અભીષ્ટ લક્ષણો શંકરાચાર્યે ‘અપરોક્ષાનુભૂતિ’માં આપ્યાં છે. અલબત્ત, યોગનાં આઠ અંગોને બદલે તેમણે પંદર અંગો ગણાવ્યાં છે.

જે અનુભૂતિ પર જ્ઞાનની પ્રામાણિકતા આધારિત છે. તે અહીં આધ્યાત્મિક અનુભૂતિની વાત છે. તેમ તેઓ રાજયોગની શરૂઆતમાં જ કહે છે. કારણ કે તેઓ માને છે કે વેદાન્તના ઉપદેશક તરીકે તેમણે માત્ર તત્ત્વજ્ઞાનની આનુમાનિક-માનસિક વિચારણાનો જ સહારો લીધો છે. તેમણે એવું વિચાર્યું કે તેમનાં અત્યાર સુધીનાં બધાં ભાષણો અને વાર્તાલાપ કેવળ સંકલ્પનાઓ જ હતાં અને જ્યારે તેઓ નીતિ કે કોઈ આદર્શના ખાસ વિષય ઉપર બોલતા હતા, તેમાં પણ એ નૈતિકતા કે આદર્શને જીવનમાં હાંસલ કરવાનો કોઈ પ્રયોગક્ષમ ઉપાય એમાં દેખાતો ન હતો. પણ ધર્મ એ કંઈ ખાલી વિચારો નથી, ખાલી જ્ઞાનનું ખોખું નથી એ ખોખું ગમે તેટલું મજબૂત અને કેટલીક વાર પ્રેરક હોય તો પણ આખરે એ ખોખું જ છે, ચેતનહીન છે. ધર્મ અનુભૂતિ છે; એ તો ચેતનાની ગતિશીલતા છે, એક ઉપલબ્ધિ છે.

સ્વામી વિવેકાનંદને એ કહેવું હતું કે ભારતીય તત્ત્વજ્ઞાન જો તમારી સામે સમૃદ્ધ આદર્શો અને ઊંચાં લક્ષ્યો મૂકે છે, તો સાથો સાથ એને હાંસલ કરવાના ઉપાયો, પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ પણ આવશ્યક રીતે બતાવે જ છે. ધર્મ એ કંઈ પરમતત્ત્વ સમ્બન્ધી ખાલી સંકલ્પનાઓનો દેહ જ નથી. ધર્મ તો એ પરમતત્ત્વને પામવાની પદ્ધતિ અને પ્રક્રિયા પણ બતાવે છે. જો તમારા જીવનમાં ધર્મનો કશો અમલ જ કરી શકાય તેમ ન હોય, તો તો ધર્મ એક બોજા સમાન બની રહેશે અને ધાર્મિક ઉત્સવો, યજ્ઞો અને બીજાં વિધિવિધાનો કોઈને પણ આધ્યાત્મિક લક્ષ્યની પ્રાપ્તિના માર્ગે પહોંચાડી જ નહિ શકે. આપણે એ મહત્ત્વની વાત યાદ રાખવાની જરૂર છે કે જે વર્ષે એટલે ૧૮૯૬માં વિવેકાનંદ પતંજલિનાં સૂત્રો પર લખવા પ્રેરાયા હતા. તે જ વરસે તેમણે ‘વ્યાવહારિક વેદાન્ત’એ વિષય પર ચાર વ્યાખ્યાનો આપ્યાં હતાં કારણ કે સ્વામી વિવેકાનંદનું યોગનું તત્ત્વજ્ઞાન વેદાન્તનો એક અંતરંગ ભાગ જ છે. જ્યારે તેઓ પતંજલિનાં યોગસૂત્રો તરફ ઢળ્યા, ત્યારે કંઈ વેદાન્તથી વિમુખ થયા ન હતા. એ તો ફક્ત પોતાના સ્વીકૃત વેદાન્ત તત્ત્વજ્ઞાનની વ્યવહારુ બાજુ તરફનો વળાંક હતો. એ બાજુ આધ્યાત્મિક લક્ષ્ય પર પહોંચવાની પદ્ધતિની હતી.

સને ૧૮૯૬માં રાજયોગની પહેલી અંગ્રેજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ અને એ જ સાલમાં આશરે સાત માસ પછી સ્વામીજીએ લંડનમાં ‘વ્યાવહારિક વેદાન્ત’ ઉપર ચાર પ્રવચનો આપ્યાં આ બન્ને પાછળની તેમની વિભાવના રાજયોગની ભૂમિકામાં આ પ્રમાણે વ્યક્ત થઈ છે: ‘હું તમને હજારો ઉપદેશવચનો કહું, પણ જ્યાં સુધી તમે એની પદ્ધતિપૂર્વક સાધના નહિ કરો, ત્યાં સુધી તમે ધાર્મિક બની શકો નહિ.’ સ્વામી વિવેકાનંદ રાજયોગ તરફ એટલા માટે ઢળ્યા કે જેથી તેમના શિષ્યોને પદ્ધતિસરની તાલીમ મળી રહે અને એ દ્વારા તેઓ આધ્યાત્મિક લક્ષ્યની પ્રાપ્તિ કરી શકે. તેમને માટે પતંજલિનાં યોગસૂત્રો આધ્યાત્મિક તાલીમ માટેનાં યોગપરિભાષાના એક પ્રકારના કોશ સમાન છે. સ્વામીજી આ યોગવિજ્ઞાન રજૂ કરીને ધર્મને વૈજ્ઞાનિક રૂપ આપવા માગતા હતા. હકીકતે એ ઉપનિષદ્‌‌ધર્મે કે વેદાન્તધર્મનું વિજ્ઞાન જ છે. સ્વામી વિવેકાનંદના તત્ત્વજ્ઞાનને સમજવાની સગવડ માટે આપણે ઘણી વખત તેમના વેદાન્ત વિચારોને યોગવિચારો કરતાં જુદા તારવીએ છીએ, પણ સ્વામી વિવેકાનંદે કરેલ વેદાન્તધર્મનું કોઈ પણ પ્રામાણિક નિરૂપણ આવશ્યક રીતે જ પોતાનામાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગનાં મૂળ તત્ત્વને સમાવિષ્ટ કરતું જ હોય છે.

સ્વામી ચેતનાનંદના ‘Vedanta : The Voice of Freedom’નામના પુસ્તકમાં આ ચારે યોગ સમ્બન્ધી એક પ્રકરણમાં સ્વામી વિવેકાનંદના તે ઉપરના નિરીક્ષણની ઉપર બતાવેલી રીતે સ્પષ્ટતા કરી છે. સ્વામી તપસ્યાનંદજીના ‘Vivekananda’s Works on yogas’નામના સુંદર પુસ્તકમાં ફક્ત સ્વામી વિવેકાનંદના યોગસમ્બન્ધી વિચારોની જ વાત કરી હોવા છતાં પૂર્વોક્ત વાત જ એમાંથી ફલિત થાય છે. આ યોગોનું નિરૂપણ કરતાં પરદેશનો પ્રકાશિત થયેલાં સ્વામીજીનાં કેટલાંક પુસ્તકોનાં શીર્ષકો ‘વેદાન્ત’ શબ્દથી વિભૂષિત છે. આ બધું સૂચવે છે કે સ્વામી વિવેકાનંદ યોગસૂત્રને પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપતો એક વેદાન્તગ્રન્થ જ સમજે છે. પતંજલિનાં યોગસૂત્રો તરફ સ્વામી વિવેકાનંદનો આ અભિગમ હતો. કારણ કે તેમણે વિચાર્યું હતું કે આપણે છયે દર્શનોના પાયા ઉપનિષદોમાં છે.

લંડનમાં ‘વેદાન્ત’ પર આપેલા પ્રવચનમાં સ્વામીજીએ કહ્યું: ‘આપણા બધા જ તત્ત્વજ્ઞો, પછી તે વ્યાસ, પતંજલિ કે ગૌતમ હોય કે પછી તત્ત્વજ્ઞાનના પિતા સમા કપિલ મુનિ હોય, એ બધા જ પોતાના લખાણને પ્રામાણિત-સિદ્ધ કરવા માટે ઉપનિષદોનો જ આશરો લે છે, બીજા કશાનો જ નહિ કારણ કે એમાં શાશ્વત સત્યો છે.’ તેમણે પોતાના વર્ગો અને પ્રવચનો માટે પતંજલિને પસંદગી આપી કારણ કે તેમને લાગ્યું કે હવે ધર્મને નક્કર પ્રયોગની કસોટીએ ચડાવવાનો, કેવળ સંકલ્પનાની તાવિક્તામાંથી મુક્ત કરવાનો સમય પાકી ગયો છે. સ્ટર્ડી પરના એક પત્રમાં તેમણે લખ્યું: ‘સિદ્ધાન્તો તો ઘણા ચર્ચ્યા લાખ્ખો થોથાં! હવે એક ઔંસ પણ અમલની આવશ્યકતા છે’ અને આ એ જ સમયે લખ્યું કે જ્યારે તેઓ પરમપંથને દર્શાવતા યોગપિતા પતંજલિની વાત કરી રહ્યા હતા.

હકીકતમાં તો સને ૧૮૯૫ના મધ્યકાળની પહેલાં જ પતંજલિ તરફ ઢળી ચૂક્યા હતા. એમ ભગિની ગાર્ગીએ શોધી કાઢેલાં તેમનાં બન્ને બાજુએ લખેલી નોંધવાળાં બે પાનાંમાં આપેલ ‘રાજયોગ’ વિષયક પ્રવચનનોંધ પરથી એ જણાય છે. શિકાગો ધર્મપરિષદ પછીના છ માસની આ વાત છે. રાજયોગ વિશે અમેરિકામાં સ્વામીજીનું એ સર્વપ્રથમ પ્રવચન હતું. રાજયોગ વિષયક એમના વિચારોનું એ સારતત્ત્વ છે. એમાંથી ઉદ્ધૃત કરેલી પંક્તિઓ જુઓ: ‘ધ્યાન એ પ્રાર્થનાનો એક પ્રકાર છે અને પ્રાર્થના એ ધ્યાન છે. ઉચ્ચતમ ધ્યાન એ નિર્વિચાર સ્થિતિ છે. જો તમે એક ક્ષણ પણ નિર્વિચાર સ્થિતિમાં રહી શકો, તો તમારામાં ખૂબ શક્તિ આવશે. જ્ઞાનનું સમગ્ર રહસ્ય એકાગ્રતા જ છે. ‘યોગ’ શબ્દનો અર્થ જોડવું થાય છે. ‘યુજ્’ ધાતુ પરથી નિષ્પન્ન આ શબ્દ આપણને ઈશ્વર સાથે જોડાવાનું કહે છે.’ સ્વામીજીનું આ વિધાન યોગશાસ્ત્રનું સારતત્ત્વ છે.

એમના આ વિધાનનું આગવું મહત્ત્વ ભૂલવું ન જોઈએ. આ પ્રાંરભિક વિધાન દ્વારા તેઓ એમ સ્થાપવા માગે છે કે યોગ એ કંઈ રહસ્યમય સિદ્ધિઓ-શક્તિઓ મેળવવા માટેનો વ્યાયામ નથી. વળી જે કેટલાક લોકો યોગને માત્ર મનોદૈહિક વ્યાયામ જ ગણે છે, આધ્યાત્મિકતા સાથે એને કશી લેવાદેવા નથી એમ માને છે, એવા યોગનિંદકોનો ભ્રમ ભાંગીને યોગનો યથાર્થ અર્થ સમજાવતું આ વિધાન અદકા મહત્ત્વનું છે.

સ્વામીજી ભારપૂર્વક કહે છે કે રાજયોગ એ અથથી ઇતિ સુધી પ્રાર્થના જ છે, પૂજા જ છે. આ પાયા પર એ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગથી જુદો નથી. રાજયોગના સિદ્ધાન્તોની સમજૂતી આપનાર તરીકે સ્વામી વિવેકાનંદ અન્ય યોગોની અવગણના કે ન્યૂનતા કરતા નથી. શાંકર અદ્વૈતના પુરસ્કર્તા તરીકે તેઓ વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત કે દ્વૈત વગેરે અન્ય વેદાન્ત શાખાઓની ઊણપ કે ઉપેક્ષાનું દર્શન કરાવતા નથી. કારણ કે તેઓ તો સદા, સર્વત્ર સંવાદિતાના દૃષ્ટા, વૈવિધ્યમાં ઐક્યને નિહાળનારા યુગપુરુષ હતા. સ્વામી વિવેકાનંદના રાજયોગ વિષયક વિવેચનની વાત કરતાં પહેલાં તેમના ભક્તિયોગના પ્રારંભિક વિધાન તરફ વાચકનું ધ્યાન ખેંચું છું. એમાં તેઓ કહે છે: ‘ઘણી વાર લોકો કલ્પે છે તેવું અંતર જ્ઞાન અને ભક્તિ વચ્ચે નથી જ. આપણે આગળ જતાં જોઈશું કે છેવટે તેઓ એકબીજામાં ઓતપ્રોત થઈને એક જ કેન્દ્રમાં મળે છે. રાજયોગનું પણ એવું જ છે. મુક્તિલાભ માટે કરેલી યોગસાધના પણ એ જ લક્ષ્યે પહોંચાડે છે. પણ દુર્ભાગ્યે એ યોગ જાદુગરો જેવા ગૂઢવિદ્યાના હિમાયતીઓના હાથમાં જઈ પડ્યો અને ભાતભાતના ચમત્કારો અને દૈહિક વ્યાયામના આશ્ચર્યકારક ચક્કરમાં સલવાઈ ગયો.’ સ્વામીજીએ એવા વિકૃત હઠયોગવાળા યોગસ્વરૂપની વાત કર્યા વગર સંવાદિત સ્વરૂપના વિશુદ્ધ રાજયોગની સમજૂતી આપી છે. અને તે તેમના સુસંકલિત અને સમન્વયલક્ષી અભિગમને ખૂબ યોગ્ય જ છે.

આપણા તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં ફક્ત એકલા સ્વામી વિવેકાનંદ જ એવા હતા કે જેમણે પોતાના ગુરુદેવના ઉપદેશોને પચાવીને નિર્ણય કર્યો કે ભારતીય તત્ત્વજ્ઞાનમાં ગમે ત્યારે નીપજેલ બધી પરંપરાગત વિચારધારાઓ-મતો-પંથોને સંવાદિતાના સૂત્રે બાંધીને એક અખંડરૂપ આપી શકાય. અને એ દ્વારા માનવનો આધ્યાત્મિક અને નૈતિક વિકાસ સાધી શકાય. એ માટે પસંદગી અને નવીનીકરણનાં બે રચનાત્મક તત્ત્વોની પ્રક્રિયા શરૂ થતી જોઈએ. સ્વામીજીમાં આ પસંદગી અને નવીનીકરણનાં બન્ને રચનાત્મક તત્ત્વોની અનન્ય પ્રતિભા હતી અને એણે જ એમને આપણા દેશમાં એક મહાન આધ્યાત્મિક ઉત્ક્રાંતિ કરવા માટે સમર્થ બનાવ્યા. હવે જો આપણે એને આપણા રાષ્ટ્રીય ઉત્થાનના સ્વરૂપમાં મૂકવામાં નાકામિયાબ નીવડશું તો એનો ચોખ્ખો અર્થ એ જ થશે કે આપણે માત્ર રાજકીય અને આર્થિક બાબતોના વિચારમાં જ ડૂબ્યા રહ્યા છીએ અને આપણા પર રહેલી આધ્યાત્મિક અને નૈતિક જવાબદારીઓને આપણે ખંખેરી જ નાખી છે! સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે બુદ્ધની પાસે પૂર્વના વિશ્વને આપવાનો સંદેશ હતો, તેવી રીતે તેમની પાસે પશ્ચિમને આપવા માટેનો એક સંદેશ છે. એનો અર્થ એવો નથી કે તેમની પાસે પૂર્વના વિશ્વને આપવાનો કશો સંદેશ ન જ હતો. એ સંદેશ અવશ્ય હતો અને ભારત માટે તો વળી એ ખાસ હતો. એ સંદેશ હતો ધર્મોની સંવાદિતાનો! તેમનું વેદાન્તની પ્રસ્થાનત્રયીનું તલસ્પર્શી અધ્યયન, વેદોનું તેમનું અધ્યયન અને ભારતીય (તેમજ પશ્ચિમનાં) દર્શનોની વિવિધ શાખાઓનું અધ્યયન-આ બધાંના પરિપાક રૂપે ધર્મોની સંવાદિતાની વિભાવના એક મહાન સંદેશ તેમનામાં પ્રજ્વલિત થઈ; એનું બીજ તો તેમના મહાન ગુરુદેવે એમનામાં રોપી દીધું હતું જ. પતંજલિનાં સૂત્રો તરફનો તેમનો અભિગમ પણ તેમની આ ધર્મસંવાદિતાનું ઘટક જ હતું.

સને ૧૮૯૪ના ઉનાળામાં અમેરિકામાં જ્યારે સ્વામી વિવેકાનંદે પતંજલિનાં યોગસૂત્રો ઉપર પ્રવચનો આપવાનું શરૂ કર્યું, ત્યારે પશ્ચિમમાં તો એ સૂત્રો ક્યાંય જાણીતાં ન હતાં. આપણાં શાસ્ત્રો પૈકી પહેલવહેલું ‘ભગવદ્‌ગીતા’નું પ્રકાશન પશ્ચિમી ભાષામાં લંડનમાંથી ૧૮૭૯ની સાલમાં પ્રકાશિત થયું હતું. એનો અનુવાદ ચાર્લ્સ વિલ્કીન્સે કર્યો હતો. ત્યાર પછી ઠેઠ પંદર વરસે Duperronનું ઉપનિષદોનું લેટિન ભાષામાં ભાષાન્તર પ્રસિદ્ધ થયું. એણે શોપનહોર પર ભારે અસર કરી હતી. પરન્તુ મેક્સમૂલરનું બે ભાગમાં મુખ્ય ઉપનિષદોનું જે પોતે લખેલું ભાષાન્તર ક્રમશ: ૧૮૭૯ અને ૧૮૮૪માં પ્રકાશિત થયું એણે જ ભારતીય તત્ત્વજ્ઞાનની ઉચ્ચતાનો પશ્ચિમને સાચો ખ્યાલ આપ્યો. પતંજલ યોગદર્શનના અનુવાદનો વારો ત્યાર પછી આવ્યો.

સ્વામીજીએ યોગસૂત્રો પરનાં પ્રવચનો શરૂ કર્યાં ત્યારે ભારતમાં અને વિદેશમાં તે તે દેશના વિદ્વાનોએ કરેલાં ભાષાન્તરો ઉપલબ્ધ હતાં, સ્વામીજી એથી ઘણું કરીને પરિચિત પણ હશે, તેમણે એ અનુવાદો ઉપરછલ્લા જોયા પણ હશે છતાં પોતાનાં પ્રવચનો આપતી વખતે એમણે એમાંનાં એકેય ભાષાન્તરની કશી પરવા કરી નહિ અને તેઓ સીધા જ એ યોગસૂત્રોની સંસ્કૃત વ્યાખ્યાઓ તરફ જ વળ્યા કારણ કે એમાંથી એમને સૂત્રોની ‘સ્વ-રસતા’ કે તાત્પર્ય મેળવવું હતું.

અને એ સ્વરસતા એમણે શોધી કાઢી કે ચિન્તન પણ એક માનસિક કર્મ છે એટલે કર્મ કે જ્ઞાન ચિન્તન વચ્ચે કશો ભેદ કે ઉચ્ચાવચતા નથી. એટલે જ્ઞાન અને કર્મ બન્ને એક જ છે. એ રીતે યોગ અને વેદાન્તનો સમન્વય એમણે સાધ્યો અને ચિન્તનવિહોણા યોગને અથવા યોગવિહોણા કર્મને અસ્વીકાર્ય ગણ્યું. સ્વામીજીનું આ પ્રદાન સમકાલીન આવશ્યકતા, સ્વામીજીના વ્યક્તિગત અનુભવો વગેરેમાંથી ફલિત થાય છે. આ તાત્પર્યની શોધ અનુવાદોમાંથી નહિ, મૂળ સંસ્કૃત લખાણમાંથી જ મળી શકે છે. સ્ટર્ડી ઉપરના તેમણે લખેલા એક પત્રમાં તેમણે પતંજલિનાં યોગસૂત્ર ઉપર લખાયેલી સંસ્કૃત ટીકાઓના પોતાના વાચન વિશે લખ્યું છે. આપણે ધારી શકીએ કે એ ટીકાઓમાં વ્યાસનું લખેલું ‘વ્યાસ ભાષ્ય’ (૭મી કે ૮મી સદી), વાચસ્પતિ મિશ્રની ‘તત્ત્વવૈ શારદી’ (૯મી સદી), રામાનંદ સરસ્વતીની ‘મણિપ્રભા’ (૧૬મીસદી) અને વિજ્ઞાનભિક્ષુનું ‘યોગવાર્તિક’ (૧૬મી સદી) તેમજ ભોજની ‘રાજમાર્તંડ’ નામની વૃત્તિનો એમના એક વાચનમાં સમાવેશ થતો હશે. ભલે એમણે એ બધી ટીકાઓ કાળજીપૂર્વક વાંચી હોય, છતાં પોતાના લખાણમાં તેમણે તેમાંની એક પણ વ્યાખ્યામાંથી કોઈ જ ઉદ્ધરણ ટાંક્યું નથી. પોતાના મૌલિક વિચારોનો જ એમાં પરિચય કરાવ્યો છે.

એમ માનવું તદ્દન તર્કસંગત છે કે સ્વામી વિવેકાનંદે પહેલાં તો એ વાત પર ઊંડું ચિન્તન કર્યું કે પતંજલિ પોતાના આ ગ્રંથ દ્વારા શું સિદ્ધ કરવા માગે છે, અને તેમના તત્ત્વજ્ઞાનનો પાયો શો છે. પહેલાં તો એમને એવી પાકી પ્રતીતિ થઈ ગઈ કે યોગ એ કંઈ પતંજલિની નવી શોધ નથી, પણ આપણા ધર્મજગતમાં એની જે પુરાણી પરંપરા હતી, એને પતંજલિએ તો માત્ર સુસંકલિત અને વિસ્તૃત કરી અને દર્શનની પદ્ધતિએ રજૂ જ કરી છે. તેમણે એ પણ શોધ્યું કે યોગના પાયામાં ઉપનિષદો રહેલાં છે એટલું જ નહિ, સાંખ્યના મનોવિજ્ઞાનમાં પણ એના ઊંડાં મૂળ છે. ભારતીય તત્ત્વજ્ઞાનની જે પરંપરામાંથી આ યોગનો ઉદ્‌ભવ થયો છે તેમાંથી જ પતંજલિના આ રાજયોગે ઘણી ઘણી વાતો અપનાવી છે. એ દર્શાવવા માટે સ્વામી વિવેકાનંદ ‘રાજયોગ’માં એક પરિશિષ્ટ મૂકે છે અને એમાં શ્વેતાશ્વતર ઉપનિષદમાંથી કેટલાક મંત્રો ટાંકે છે, શ્રીશંકરાચાર્યે તે ઉપનિષદના ભાષ્યમાં ટાંકેલા મહર્ષિ યાજ્ઞવલ્ક્યના કેટલાક શ્લોકો પણ આપે છે તેમજ સાંખ્યદર્શનના ત્રીજા અધ્યાયનાં અને બાદરાયણનાં કેટલાંક સૂત્રો પણ આપે છે. પરન્તુ પતંજલિના આ યોગને રાજયોગનું નામ અપાવું ક્યારથી શરૂ થયું, તે કહેવું સહેલું નથી. ‘રાજયોગ’નો અર્થ શ્રેષ્ઠયોગ થાય છે. આપણે તો ફક્ત એટલું જ જાણીએ છીએ કે યોગસમ્બન્ધી એક ઉપનિષદમાં ‘યોગતત્ત્વ રાજયોગ’ને હઠયોગથી જુદો તારવ્યો છે. હઠયોગ તો માત્ર યોગની દૈહિક બાજુને જ રજૂ કરે છે.

યોગ તો ઋગ્વેદકાળ જૂનો છે. ઋગ્વેદનાં કેટલાંય સૂક્તોમાં ‘યોગ’ શબ્દના મૂળ ધાતુ યુજ્નો ‘જોડવું’ એવા અર્થમાં ઉપયોગ થયો છે, તે સાચું, પણ એ કોઈ આધ્યાત્મિક અર્થમાં નથી. ઋગ્વેદના દસમા મંડળના ૧૨૯મા મંત્રમાં શાન્ત શ્વાસોચ્છ્વાસ, ધાર્મિક વાતાવરણ અને તપશ્ચરણના સંદર્ભમાં એ શબ્દનો ઉલ્લેખ મળે છે. ત્યાર પછી ઉપનિષદોમાં ‘યોગ’ના ઉલ્લેખની વાત કરીએ તો એ અહીં અતિવિસ્તાર થશે. એટલે ફક્ત ઉપનિષદમાંથી એક બે સંદર્ભ લઈ સંતોષ માનીએ. કઠોપનિષદમાં કહ્યું છે: ‘તં યોગમિતિ મન્યન્તે સ્થિરમિન્દ્રિયધારણમ્’- ‘જે સ્થિતિમાં શરીરના બધા જ અવયવો શાન્ત-આરામમાં-રહે, તે યોગ છે.’ શ્વેતાશ્વતર ઉપનિષદના બારમા મંત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘યોગાગ્નિમયં શરીરમ્’ – ‘યોગના અગ્નિથી યોગીનું શરીર વિશુદ્ધ થઈ જાય છે.’ મૈત્રાયણી ઉપનિષદના વીસમા મંત્રમાં ‘ષડંગ ઇત્યુચ્યતે યોગ:’ – ‘યોગ છ અંગવાળો કહેવાય છે.’ એમ બતાવ્યું છે.

ભગવદ્‌ગીતામાં તો આપણને યોગની પૂરેપૂરી ખાસિયતો અને લક્ષણો તેમજ એના લક્ષ્યની રજૂઆત પણ સાંપડી રહે છે. પશ્ચિમના કોઈક વિચારકે ભગવદ્‌ગીતાના યોગને પતંજલિના યોગ કરતાં જુદો બતાવ્યો છે અને એનું કારણ એવું બતાવ્યું છે કે ભગવદ્‌ગીતાની રહસ્યમય ભક્તિના વિષયરૂપ કૃષ્ણ તેમની સાધનામાં જેટલો અનન્ત મહાન ભાગ ભજવી શકે છે, તેટલો મહત્ત્વનો ભાગ પતંજલિના યોગનો ઈશ્વર ભજવતા નથી! આ એક નવાઈની જ વાત છે. પરન્તુ સ્વામી વિવેકાનંદ જ્યારે ઈશ્વર તરફ લઈ જનારી ભક્તિની ચર્ચા કરે છે, ત્યારે તેઓ ભગવદ્‌ગીતાના આ યોગને પતંજલિના યોગથી જરાપણ જુદો ગણતા જ નથી. રાજયોગના આઠમા પ્રકરણમાં જ્યારે તેઓ યોગીનું વર્ણન કરતાં લખે છે કે એવા યોગીનો આત્મા સંપૂર્ણપણે ઈશ્વરમાં ભળી જાય છે અને એણે સંપૂર્ણરીતે ઈશ્વરની શરણાગતિ સ્વીકારી હોય છે. ત્યારે ખરેખર તો સ્વામીજી રાજયોગમાં ગીતાના પુરુષવિધ ઈશ્વર હોવા તરફ જ આંગળી ચીંધે છે. ભગવદ્‌ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય તત્ત્વજ્ઞાનને અને યોગસાધનાને બતાવે છે, ત્રીજો અધ્યાય કર્મયોગનું વર્ણન કરે છે અને ચોથો અધ્યાય જ્ઞાનને વર્ણવે છે, પણ છેવટે છઠ્ઠો અધ્યાય પતંજલિના યોગદર્શનની નજીકમાં હોય, તેમ જણાય છે. ભગવદ્‌ગીતાના આ અધ્યાયના દશમા શ્લોકમાં આપણે વાંચીએ છીએ :

‘योगी युंजीत सततमात्मानं रहसि स्थित:।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रह:॥’

– ‘યોગીએ એકાન્તમાં રહી, એકલા એકલા જ મનને વશમાં રાખીને આશા-તૃષ્ણા રહિત બનીને, સંઘરાખોરીની વૃત્તિ છોડીને સતત આત્મધ્યાન કરવું જોઈએ.’

આ શ્લોકની વ્યાખ્યા કરતાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ કહે છે કે અહીં ઉપદૃષ્ટાએ માનસિક અનુશાસનની પ્રયુક્તિ પતંજલિના યોગસૂત્રોને અનુસરીને વિકસાવી છે.

મુક્તિમાર્ગ તરીકે યોગની આ ગીતા પ્રતિપાદિત પસંદગીએ જ સ્વામી વિવેકાનંદને પતંજલિનાં યોગસૂત્રોને એક મહત્ત્વના યોગપ્રતિપાદક ગ્રંથ તરીકે આપણી સમક્ષ રજૂ કરવા માટે ઉતાવળા બનાવી દીધા. દેખીતી રીતે જ સ્વામીજીએ એમ વિચાર્યું કે આપણા ધાર્મિક ઈતિહાસમાં એક સમયગાળામાં એવું લાગવા માંડ્યું કે ભગવદ્‌ગીતામાં અને ઉપનિષદોમાં ધર્મના તત્ત્વનુ જે વિશાળ સ્વરૂપ સર્જાયું છે, જે વ્યાપક્તા ઊભી થઈ છે, એને સાધનાની વ્યવસ્થિત પ્રયુક્તિપૂર્વકની પદ્ધતિમાં રૂપાન્તરિત કરવાનો સમય પાકી ગયો છે, ત્યારે આધ્યાત્મિક તાલીમ આપી શકે એવી કૃતિની અનિવાર્ય આવશ્યકતાને પતંજલિએ પોતાનાં સૂત્રો દ્વારા પૂરી કરી હતી. એ વખતે ચિન્તકોને એમ પણ પ્રતીતિ થઈ હતી કે આધ્યાત્મિક સાધનાની સાથો સાથ ભૌતિક શરીરના સ્વાસ્થ્યની પણ કાળજી લેવી જોઈએ. પણ શારીરિક કાળજીની વાત કરતી વખતે પણ ઉપનિષદના ઋષિઓને એ તો ખાતરી જ હતી કે શરીર નાશવંત છે અને ક્ષણે ક્ષણે ઘસાતું રહે છે. છતાં આપણા આ વ્યાવહારિક જીવનમાં આપણી ચેતનાનું એ પાત્ર છે, અને આપણે એ જોવું જોઈએ કે આત્મસાક્ષાત્કારને શક્ય બનાવી શકે તેવી સુયોગ્ય શારીરિક સ્થિતિ હોવી જ જોઈએ. સામવેદનો શાન્તિપાઠ કહે છે: ‘ૐ आप्यायन्तु ममांगानि वाक्प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि।’ – ‘અર્થાત્, મારું શરીર, અવયવો, મારી વાણી, મારું હૃદય, મારી આંખો, મારા કાન, મારું બળ અને મારી બધી ઇંદ્રિયો સુસ્થ-સ્વસ્થ-સુખસ્થ રહો.’ વળી અથર્વવેદના શાન્તિપાઠમાં પણ દૈહિક સ્વસ્થતા વિશે એવું જ કહેવામાં આવ્યું છે: ‘स्थिरेरङ्गैस्तुष्टुवांसस्तनुभि:..’ – ‘અર્થાત્, અમે સુદૃઢ શરીરવડે તમારી પ્રાર્થન કરીશું.’ મનોનિગ્રહ કરવા માટે પહેલાં તો શરીરને વ્યવસ્થિત અને સંયત રાખવું જરૂરી છે. આપણા આધ્યાત્મિક સંભારને સુરક્ષિત રાખવા માટે શરીરને મજબૂત સાધનરૂપ બનાવવું જોઈએ. ‘शरीरमाद्यं खलु धर्मसाधनम्’ રવીન્દ્રનાથ પોતાના એક ગીતમાં લખે છે કે ‘મારા શરીરને ઊંચકીને તારા મંદિરનો દીપક બનાવ!’ આપણો દેહ ભગવાનના મંદિરના દીપક તરીકે કેવી રીતે જલી શકે, તે આપણને રાજયોગ બતાવે છે. જ્યારે આપણી તૃષ્ણાઓ અને કામનાઓનું શમન થાય છે, ત્યારે આપણો આત્મા ખીલી ઊઠે છે. પ્લેટો તો ઉચ્ચતર જીવનની તૈયારી માટે આ ઇન્દ્રિયોના નિગ્રહને એટલું બધું મહત્ત્વ આપે છે કે પોતાની કલ્પનાના આદર્શ રાજ્યમાંથી કવિઓ અને કવિતાઓને રદબાતલ કરી દીધાં! કારણ કે એની નજરે એ બધાં માણસોની તૃષ્ણાઓ અને કામનાઓને પોષનારાં તત્ત્વો જ છે. આટલું છતાં એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે શરીરનું સ્વાસ્થ્ય અને સુદૃઢતા એ આત્મસાક્ષાત્કારને મદદ કરનારું એક સાધન જ છે. સાધ્ય તો ઈશ્વરસાક્ષાત્કાર જ છે. સાધ્ય જ સાધનાના કેન્દ્રમાં હોવું જોઈએ, એને બદલે સાધન જ જો કેન્દ્રમાં આવી જાય, તો એવી ભ્રમમૂલક સાધના લક્ષ્ય સિદ્ધ કરી શકતી નથી, ઊલટું ક્યારેક લક્ષ્ય સિદ્ધિમાં અવરોધ કે હાનિ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણભાન ચૂકી જવાથી જ કદાચ રાજયોગમાંથી હઠયોગનો જન્મ થયો હશે. એમ કેટલાકનું માનવું છે.

Total Views: 398

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.