(ગતાંકથી ચાલુ)
માનવીય ઉત્કૃષ્ટતાની ભારતીય વિશેષતા : એની મર્યાદાઓ
માનવીય ઉત્કૃષ્ટતાની ગ્રીક ભાવનાનો સ્વામી વિવેકાનંદે સ્વીકાર કર્યો અને ઉત્કૃષ્ટતાની ભારતીય ભાવનાની પૂરક તરીકે તેને સ્વીકારીને તથા એ બન્નેને મનુષ્યના આધ્યાત્મિક વિકાસનાં બે પાસાંરૂપે તેમણે ગણ્યાં, પશ્ચિમની સંસ્કૃતિની લાક્ષણિકતા સમા પૌરુષનો આદર્શ સિદ્ધ કરવાનો ઉપદેશ આપવા માટે તેઓ પોતાની (ભારતીય) પ્રજાને આ પ્રોમિથિયન ભાવના – ભગીરથ ભાવનાનો સંદેશ સંભળાવવા લાગ્યા. પોતાની સૈકાઓની નિદ્રામાંથી જાગી ઊઠવાનું તેમણે પોતાના દેશબાંધવોને ઉદ્બોધન કર્યું અને અર્વાચીન યુગમાં સર્વાંગી વિકાસ સાધવા માટે હિંમતથી અને માનવીય સંવેદનાથી કાર્યરત થવા તેમણે પ્રેરણા આપી. ભારતની જનતાને તેમણે જણાવ્યું કે, આપણી પ્રજા છેલ્લી કેટલીક સદીઓમાં ઊણી ઊતરી છે. કારણ કે આપણને દેવદેવીઓમાં જ શ્રદ્ધા રહી છે પરંતુ, આપણી પોતાની જાતમાં કે આપણાં બીજા બંધુભગિનીઓમાં શ્રદ્ધાનો વિકાસ આપણે કર્યો નથી. પોતાના દેશબાંધવોને એમણે કહ્યું કે પ્રથમ દરેકે આત્મશ્રદ્ધાનો વિકાસ કરવો જોઈએ; તે પછી જ બીજામાં, કે ભગવાનમાં વિશ્વાસ પ્રગટી શકે; એવી શ્રદ્ધા જ ચેતનવંતી બની શકે. પાયાની આ આત્મશ્રદ્ધા નહીં હોય તો, બીજાઓમાં અને ભગવાનમાં, રાખેલી શ્રદ્ધા વંધ્યા બનશે, અને તે આપણને નબળા અને અસરહીન બનાવશે. આ બાબત પર એમણે ભારતમાં આપેલાં વ્યાખ્યાનોમાં અને ભારતીયજનો પરના પત્રોમાં ભાર મૂકેલો છે. પશ્ચિમના સંદર્ભમાં આ ભાર તેમણે મૂક્યો નથી. પશ્ચિમની પ્રજાઓમાં તો તેમણે આ તત્ત્વ પ્રત્યક્ષ જોયું હતું. પરંતુ, ત્યાં શ્રદ્ધાના કેન્દ્રને જન્મથી જ આરોપિત કેવળ ‘સ્વ’ ને બદલે આત્મા, સૌના અંતરમાં વસતા પરમાત્મા પર ખસેડવાનો તેમણે બોધ આપ્યો.
સોક્રેટીસની વાત એના ગ્રીક દેશબાંધવોની સમજ બહાર અને ઘણી ઊંચેરી હતી પણ, એ વાત ભારતનાં ઉપનિષદોના સંદેશના જ સૂરમાં હતી અને એ ઉપનિષદો ત્યારે હજાર વર્ષો કરતાં વધારે પુરાણાં હતાં. માનવ વિશેના સત્યની શોધથી પ્રેરાઈ અને વિશુદ્ધ તથા મર્મગામી ચિત્તની ભેટ મળેલી હોઈ, ઉપનિષદના સંતોએ ‘કઠોપનિષદ’ (૨/૧/૧) આવૃત્તચક્ષુ થઈ, અર્થાત્ શરીર-મનની શક્તિઓને એકત્રિત કરીને અંતરાભિમુખ કરી ઈન્દ્રિયોમાંથી ઓળખાતા શાંત મનુષ્યની પાછળનો અનંત મનુષ્ય, મર્ત્યની પાછળનો અમર મનુષ્ય ખોળી કાઢ્યો. અને ઉપનિષદના ઋષિઓની આ નક્ષત્રમાલાએ તેમ જ તે પછી એક હજાર વર્ષે આવેલા બુદ્ધે પણ માનવવ્યક્તિત્વના ઊંડાણના આ પરિમાણ વિશેના સત્યને ફરી ફરી તપાસ્યું છે અને પ્રમાણ્યું છે. સોક્રેટીસ અને જીસસ જો ભારતમાં જન્મ્યા હોત તો એમનો વધ થયો ન હોત. એટલું જ નહીં પણ, લોકો એમની પૂજા અને ભક્તિ કરતા હોત, એમ આપણે સ્વીકારવું જ રહ્યું. બહિર્લક્ષી સામાજિક રાજકીય પરિણામ ઉપરાંત માનવીના વ્યક્તિત્વનું એક દૈવી પરિણામ છે એમ વેદાંતનું ભારતીય તત્ત્વજ્ઞાન સમજે છે.
પરંતુ, કાલના પ્રવાહમાં પહેલાંથી જ લોભાઈને ભારતે બીજાની ઉપેક્ષા કરી. પાછળની સદીઓમાં આ ઉપેક્ષાવૃત્તિએ ક્રૂર રૂપ ધારણ કર્યું અને એણે ભારતીય પ્રજાના મોટા ભાગને વામણો બનાવી મૂક્યો હતો, તેને સુધારવાનો ભગીરથ ફાળો આપી વિવેકાનંદે આજના ભારતને ઘાટ આપ્યો છે; અને અહીં એ પ્રાચીન ગ્રીક પ્રજાને અને પશ્ચિમની અર્વાચીન પ્રજાને પોતાની અંજલિ આપે છે અને તેમનું ઋણ સ્વીકારે છે.
૧૮૯૯ના જાન્યુઆરીમાં, પોતાના બંગાળી સામયિક ‘ઉદ્બોધન’ના પ્રથમ અંકના પ્રાવેશિક લેખમાં, વિવેકાનંદે ‘આજના ભારતનો કોયડો અને તેનો ઉકેલ’ (ધ કમ્પ્લીટ વર્ક્સ, વો.૪, પૃ. ૪૦૪) વિશે લખ્યું હતું:
‘આપણી પાસે જે હોવું જોઈએ તે નથી. કદાચ આપણા પૂર્વજો પાસે પણ જે ન હતું તે યવનો (પ્રાચીન ગ્રીકો) પાસે હતું; તે છે, જીવનનાં આંદોલનથી પુષ્ટ થઈ, યુરોપના મહાન ડાયનેમોમાંથી દ્રુત તરંગો રૂપે ઊઠતો, સમગ્ર જગતને ઉત્સ્ફૂર્ત કરતો મહાવિદ્યુત્શક્તિનો પ્રવાહ. આપણને જરૂર છે તેની, તે શક્તિની અને સ્વાતંત્ર્ય પ્રીતિની આત્મનિર્ભરતાની, તે અડગ બળની, તે કાર્યપ્રવીણતાની, હેતુની એકતાની, તે ગાંઠની, વિકાસ માટેની તે પિપાસાની, ભૂતકાળ ભણી જ સતત જોવાની વૃત્તિને થંભાવીને, ભાવિ તરફ પ્રક્ષિપ્ત વિશાળ દૃષ્ટિની જરૂર છે; અને આપણી દરેક રગમાં, વહેતી – માથાથી પગ સુધી વહેતી, (રજસ્) પ્રવૃત્તિની તીવ્ર ભાવનાની આપણને જરૂર છે.’
ગ્રીક અને પાશ્ચાત્ય શક્તિવૃત્તિને વર્તમાન ભારતમાં ભેળવી દેવા માટેનો વિવેકાનંદનો આશય કંઈ ભારતીય વારસાગત મહામૂલી આધ્યાત્મિકતાની શક્તિને સ્થાને અને આરોપી દેવાનો તો ન જ હતો. પણ એમને તો એવું મિશ્રણ કરીને આધ્યાત્મશક્તિને જ સુદૃઢ અને અખંડ રૂપ આપવું હતું. માણસનો અભ્યાસ તમે બહારથી ભલે કરો; પણ એ રીતે જે કંઈ છે એની બધી શક્યતાઓને તમે તપાસી શકશો નહીં. ગઈ સદીના અંતમાં થયેલા આપણા જ એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક અલેકિસસ કેરેલે એક પુસ્તક લખ્યું છે, જેનું શીર્ષક જ ધ્યાન ખેંચે તેવું છે, ‘મેન ધ અનનોન’ (ન ઓળખાયેલો માનવી). ઓળખાતો મનુષ્ય આપણા ભૌતિક વિજ્ઞાનનો વિષય છે. ત્યારે અણઓળખાયેલો મનુષ્ય અધ્યાત્મના વિજ્ઞાનનો વિષય છે, અને જે પ્રથમનો છે, તેના કરતાં આ બીજાનો અભ્યાસ વધારે પડકાર ફેંકનારો છે. આ વિજ્ઞાનમાં, ઉપનિષદોમાં ભારતે ઘણી પ્રગતિ કરી હતી. માનવામાં અને પ્રકૃતિમાં અમર તત્ત્વની શોધ કરીને ઉપનિષદોએ પોતાને તેમજ જે ભારતીય સંસ્કૃતિને તેમણે પયપાન કરાવ્યું હતું તેને પણ અમર કર્યાં. એ અમર સાહિત્યનો અભ્યાસ કરતાં તમને જણાશે કે, પ્લેટો અને સોક્રેટિસની કેટલીક સુંદર કંડિકાઓ આપણા એક કે બીજા ઉપનિષદમાં પ્રકરણો તરીકે સરળતાથી ગોઠવી શકાય તેવી છે. મને ગમતી એવી એક સુંદર વાનગી આ છે. સોક્રેટિસ વિષપાન કરી રહ્યા છે. એના શિષ્યો એની આસપાસ બેસી રડી રહ્યા છે. એમને સાંત્વન આપતાં સોક્રેટિસ કહે છે : ‘મને શાંતિથી મરવા દો; રડશો નહી.’ એ શિષ્યોમાંનો એક ક્રિટો સોક્રેટિસને પૂછે છે : ‘સોક્રેટિસ, અમે તમને કેવી રીતે દફનાવીએ?’ હસીને સોક્રેટિસ કહે છે : ‘તારે પ્રથમ મને, જે સાચો હું છું તેને, પકડવો પડશે, પછી જ આ સવાલ મને પૂછ. તું લહેર કર. ક્રિટો! તું પૂછે છે કેવળ શરીર વિશે; તો બીજાઓનું થતું હોય છે તેમ જ આ શરીરનું કરજો.’
આપણા કોઈ પણ ઉપનિષદમાં શોભે તેવી આ કંડિકા છે. માનવવ્યક્તિત્વના સનાતન અને અમર પરિમાણના સોક્રેટિસે કરેલા સાક્ષાત્કારનો એ ઉલ્લેખ કરે છે. એ સત્ય તમને લાધે તો તમે તદ્દન નિર્ભય બની જાઓ છો; તમે વિનમ્ર બનો છો; તમે કરુણાવાન બનો છો; બધાની સાથેના એકત્વની તમે અનુભૂતિ કરો છો. આધ્યાત્મિક ઊંડાણની આ ઉત્કૃષ્ટતાને સોક્રેટિસે પોતાનામાં મૂર્તિમંત કરી હતી. માનવ-ઊંડાણના આ પરિમાણને ગ્રીક સંસ્કૃતિ સમજી શકી નહીં અને તેથી ગ્રીક સાંસ્કૃતિક પરંપરા એ પરિમાણને પોતામાં સમાવિષ્ટ કરી શકી નહીં.
‘ધ મેસેજ ઓક પ્લેટો અ ન્યુ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ રિપબ્લિક’ નામના પોતાના ગ્રંથમાં, બ્રિટિશ ચિંતક એડવર્ડ જે અરિકે ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતના વેદાંતને સમજ્યા વિના, સોક્રેટિસને તથા પ્લેટોના મોટા ભાગના લખાણને સમજવું અઘરું છે. પોતાની પ્રસ્તાવનામાં એ કહે છે : ‘પ્લેટોના સર્વોત્તમ પુસ્તક ‘ધ રિપબ્લિક’ માંના બોધનું નવું અર્થઘટન કરવાનો હિંમતભર્યો પ્રયાસ આ ગ્રંથમાં કર્યો છે અને તે પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞાનના ચિંતન પર – બલ્કે, ભારતના ધાર્મિક ચિંતન પર. કારણ કે પ્લેટોને અભિપ્રેત હતું તેમ, ભારતીય ઋષિઓને પણ ધર્મને અનુલક્ષીને ન હોય તેવા તત્ત્વજ્ઞાનનો કશો અર્થ ન હતો એ અર્થઘટન ધર્મ પર આધારિત છે.’
‘ધ એન્સેસ્ટ્રી ઓફ પ્લેટોઝ ફેયથ’ નામના પ્રથમ પ્રકરણમાં (પૃ. ૧૩-૧૪) અરિક કહે છે કે,
‘સામાન્ય રીતે એવું માનવામાં આવ્યું છે કે, અન્ય ગ્રીક ચિંતનની માફક, પ્લેટોનું કે સોક્રેટિસનું તત્ત્વજ્ઞાન જો કે મૌલિક, તળભૂમિનું હતું, અને બહારની અસરોથી સાવ મુક્ત હતું. પરંતુ, સોક્રેટિસની ખોજ, એનું જીવન અને એની શ્રદ્ધા જેટલાં હોઈ શકે તેટલાં આ ગ્રીક હતાં; ગ્રીકોએ એનો વધ કર્યો તેનું એક કારણ એ હતું કે સોક્રેટિસના જીવનનું તત્ત્વ એમને તદ્દન અજાણ એવા જગતનું હતું અને તેથી, તેમની નજરમાં એ ભયંકર હતું. પ્લેટોનિક સોક્રેટિસને કદી એમ કહેતાં થાક લાગતો નથી કે પોતે એકાકી ઊભો છે; કે વિચારણામાં, હેતુમાં, રસના વિષયોમાં, પદ્ધતિમાં અને શ્રદ્ધામાં, પોતે પુરોગામીઓ અને સમકાલીનોથી જુદો તરી આવે છે. બધા એથેન્સવાસીઓમાં માત્ર હું જ આમ માનું છું – આ એનું નિત્યનું વલણ હતું. પ્લેટોના વાદની સાથે, વ્યાવહારિક અને સૈદ્ધાંતિક રીતે જેનો વાદ મળતો આવતો હોય તેવો માત્ર એક જ ‘ફિલસૂફ’ હતો; અને એ હતો પાયથાગોરસ. પ્લેટોએ જેની ક્યારેય ટીકા નથી કરી અને જેને વિશે એ ખૂબ માન અને આદરપૂર્વક બોલે છે એ ગ્રીક ચિંતક માત્ર પાયથાગોરસ જ છે… અને સોક્રેટીસની ખોજ, તેમનું ચારિત્ર્ય અને તેમની શ્રદ્ધા સાથેના મળતાપણાને જ બોલવા દઈ હું સંતોષ માનીશ. પરંતુ મને ખાતરીપૂર્વક કહેવા દો કે, પ્રાચીન ભારતીય જ્ઞાન-વેદો અને ઉપનિષદોના ધર્મ – સાથે જો કોઈ પરિચય કેળવશે અને તત્ક્ષણ તે પાશ્ચાત્ય શૈક્ષણિક વલણ અને મર્યાદિત કરતી તાત્ત્વિક વિભાવનાને ખંખેરી દઈ પછી પ્લેટોના સંવાદોને વાંચશે તો, તેને ભાન થયા વિના નહીં રહે કે તે બંને એક જ પદાર્થની ખોજમાં પડેલા છે, એક જ શ્રદ્ધાથી પ્રેરિત છે અને એક જ દર્શન તરફ મંડાયેલા છે.’
શ્રીરામકૃષ્ણ પાસે સર્વાંગી માનવીય ઉત્કૃષ્ટતાનું વિવેકાનંદનું શિક્ષણ :
આજના યુગમાં શ્રીરામકૃષ્ણે ભારતના યુગો જૂના આધ્યાત્મિક વારસાને પરિશુદ્ધ અને સુદૃઢ કરી તેને નવપ્રમાણિત કર્યો છે અને ગ્રીસના તથા અર્વાચીન પાશ્ચાત્ય સાંસ્કૃતિક વારસા સાથેનો તેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો છે. પોતાના શિષ્ય વિવેકાનંદ સાથેના સંબંધમાંથી એવી એક ચારિત્ર્યની ઉત્કૃષ્ટતા વિકાસ પામી છે જે નથી ખાસ પૌરસ્ત્ય કે નથી તો સાવ પાશ્ચાત્ય, પરંતુ જે શુદ્ધ માનવીય અને ખરેખર વૈશ્વિક છે. એનાથી બધી સંકુચિતતા, અસહિષ્ણુતા અને હિંસાને અતિક્રમીને મનુષ્ય માનવીય જાગૃતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સુદીર્ઘ સમાધિમાં જ રહેવા માટે વિવેકાનંદે આશીર્વાદ માગ્યા ત્યારે, એમને ઠપકો આપતાં શ્રીરામકૃષ્ણ બોલ્યા : “તારું તે કેવું ટૂંકું મન છે! ધ્યાનની લોકાતીત અનુભૂતિમાં બંધ આંખે જે દિવ્યતત્ત્વ અનુભવાય છે, એ જ દિવ્ય તત્ત્વને તું કર્મમાં અને મનુષ્યોના આંતરસંબંધોમાં શું નથી અનુભવી શકતો?” અને વિવેકાનંદે પછી તેમ જ કર્યું અને તેનો જ બોધ આપ્યો.
એકમાં અનેકના એકત્વનો જેમાં સમાવેશ થાય છે. તે ઉપનિષદોના અદ્વૈતનું જ્ઞાનમય અને આધ્યાત્મિક દર્શન શ્રીરામકૃષ્ણે વિવેકાનંદને કરાવ્યું તેનો પ્રબળ પ્રભાવ વિવેકાનંદની ત્યાર પછીની જીવનપ્રવૃત્તિ પર અને અર્વાચીન ભારતના ઇતિહાસ પર પડ્યો. ભારતના પાંચ હજાર વર્ષ પુરાણા ઇતિહાસમાં જે જોવા મળ્યો ન હતો એવા પ્રચંડ વેગથી તે દર્શન કાર્યમાં પરિણમવા લાગ્યું. બ્રહ્મ-માયા, શિવ-શક્તિ, વ્યક્ત-અવ્યક્ત જેવા અંતિમ સત્ય ઉપર આ અદ્વૈત આધારિત છે; એટલે એ કર્મ અને ધ્યાનના, પ્રવૃત્તિ અને ભક્તિના, ધર્મનિરપેક્ષતાના (ભૌતિકતાના) અને ધાર્મિક્તાના વિવિધ પંથોનું સુમેળભર્યું સંયોજન, સર્વગ્રાહી આધ્યાત્મિકતામાં કરે છે. ઈશ્વરપ્રીત્યર્થ ભક્તિ એમાં મનુષ્યપ્રીત્યર્થ વાત્સલ્ય અને સેવા બનીને વરસે છે. માણસની બૌદ્ધિક માન્યતાઓની સત્યતા વિશે ઈસુએ કહ્યું હતું કે, ‘એમનાં ફળથી તમે એમને ઓળખશો.’ ઇતિહાસે દર્શાવ્યું છે તેમ ધાર્મિક, રાજકીય અને મનુષ્યના જીવનનાં એવાં બીજાં ક્ષેત્રોમાં આવી માન્યતાઓએ એકદમ મિષ્ટથી એકદમ વિષમય ચારિત્ર્યફળો – ઉપજાવ્યાં છે અને એ બે અંતિમ છેડાઓ વચ્ચેની અનેક છાયાઓવાળાં પણ એ ચારિત્ર્યફળે છે. નામોશીભરી પીછેહઠ અથવા બલિષ્ટ પુરુષાર્થ નૈરાશ્યમય હાર અથવા આશાભરી હિંમત; અહંકારભરી આત્મપ્રતિષ્ઠા અથવા આધ્યાત્મિક સ્વનો ત્યાગ; અસહિષ્ણુતા અથવા વૈશ્વિક સ્વીકાર; હિંસા અને આક્રમકતા અથવા અહિંસા અને આર્જવ; વિશ્વપ્રેમ અથવા અંધ ધિક્કાર; સ્વાર્થ અને શોષણ અથવા ત્યાગ અને સેવા : સારી કે નરસી રીતે વિચારેલી બધી માનવફિલસૂફીઓનાં આ ચારિત્ર્ય-ફળો છે.
અદ્વૈતના આ સર્વગ્રાહી તાત્ત્વિક અને આધ્યાત્મિક દર્શન માટે શ્રીરામકૃષ્ણે એક નવો શબ્દ પ્રયોજ્યો હતો -વિજ્ઞાન. આ વિજ્ઞાનનું સ્વરૂપ સમજાવતાં શ્રીરામકૃષ્ણ કહે છે કે (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’, સ્વામી નિખિલાનંદ કૃત અંગ્રેજી અનુવાદ, ન્યુયોર્ક, ૧૯૪૨ની આવૃત્તિ, પૃ. ૮૦૧-૮૦૨) ‘લીલા અને નિત્ય બંને સાચાં છે. એક સ્વરૂપે એ નિત્ય છે અને બીજા સ્વરૂપે એ લીલા છે. લીલા નાશ પામે તો પણ નિત્ય તો હંમેશાં રહે જ. પાણી સ્થિર હોય કે તેના તરંગો ઊઠતા હોય, એ પાણી જ છે; મોજાં શમી ગયા પછી પણ એ પાણી તો પાણી જ છે.’
વેદાંત શું શીખવે છે? ‘બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા.’ બરાબર ને? પણ જ્યાં સુધી માણસમાં પ્રભુ ‘ભક્તનો અહંકાર’ રાખે છે ત્યાં સુધી, જે સાપેક્ષ છે તે પણ સત્ય છે. એના અહંને જ્યારે એ ઘસી નાખે ત્યાર પછી જે છે તે જ રહે છે. જીભથી એનું વર્ણન થઈ શકે નહીં. પરંતુ પ્રભુ અહંકાર રાખે ત્યાં સુધી તો આપણે બધાંનો સ્વીકાર કરવો જ રહ્યો. કેળના ઝાડનાં ઉપરનાં પડ તમે કાઢો તો જ તમે ગર સુધી પહોંચો. કેળને પડ છે ત્યાં સુધી ગર છે. ગર પડની સાથે જ રહેલો છે અને પડ ગરની સાથે રહેલાં છે. એ જ રીતે, તમે નિત્યની વાત કરો ત્યારે લીલાનું અસ્તિત્વ સ્વીકારાયું છે; અને તમે લીલાની વાત કરો ત્યારે નિત્યનું અસ્તિત્વ પણ સ્વીકારાયું છે..
‘ભક્તો-હું વિજ્ઞાનીઓ કહેવા માંગું છું તેઓ ઈશ્વરને સાકાર તથા નિરાકાર બંને રૂપે-વ્યક્ત અને અવ્યક્ત બંને સ્વરૂપે-સ્વીકારે છે. કાંઠા વગરના સમુદ્રમાં-જલના અમર્યાદ વિસ્તારમાં-ક્યાંક ક્યાંક ઠંડીથી બાઝી જતા બરફના મોટા ગંઠા દેખાય છે. એવી રીતે એમ કહી શકાય કે ઊંડી ભક્તિની શીતકારક અસર હેઠળ, અનંત એના ભક્તોને માટે શાંત સ્વરૂપ ધારણ કરે છે, અને સાકારરૂપે દર્શન દે છે. વળી, સૂરજ ઊગતાં બરફ પીગળી જાય છે તેમ, જ્ઞાનનો ઉદય થતાં, અનંત અને નિરાકારમાં ભગવાનનું સાકાર સ્વરૂપ ઓગળી જાય છે.’
આ વિજ્ઞાનનું ફલ ચારિત્ર્યઉત્કૃષ્ટતા છે કે, જે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓના સદ્ગુણો અને સંસ્કારિતાઓના અનન્ય સુભગ મિશ્રણ દર્શાવે છે. વિવેકાનંદના ચારિત્ર્યની અને વ્યક્તિત્વની આ અદ્ભુત સિદ્ધિ હતી. એમના શક્તિસ્રોતના અભૂતપૂર્વ બળ અને શ્રાપ આથી સમજાય છે. વળી, આથી જ એમના દસ વર્ષના અલ્પ સેવાકાળમાં અને ત્યાર પછીનાં વર્ષોમાં સમગ્ર જગત પર એનો પ્રબળ પ્રભાવાઘાત પણ સમજાય છે. એ ભાસ્વર તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકનું જ આ પરિણામ છે કે જેણે એક પકડમાં કાલ અને અનંતતાને, અનેકને અને એકને સમજવાની હિંમત કરી હતી.
પોતાના પુસ્તક ‘લાઈફ ઑફ રામકૃષ્ણ’ની પ્રસ્તાવનામાં રોમાં રોલાં રામકૃષ્ણ અને વિવેકાનંદનો ઉલ્લેખ ‘વિશ્વાત્માના ભવ્ય સમૂહગાન’ તરીકે કરે છે. (પૃ. ૮) :
‘એક સૈકાથી નવા ભારતમાં બધા બાણાવળીઓના શરનું લક્ષ્ય એકતા રહી છે. એની પાવક ભોમકામાંથી જલવંત વ્યક્તિત્વો પ્રગટ્યાં છે, લોકોની અને વિચારોની એક ગંગા જ જોઈ લો! એમની વચ્ચે અંદરોઅંદર મતભેદ ગમે તે હોય પણ એમની નેમ તો એક જ છે. –
‘ઈશ્વર દ્વારા માનવ એકતા.’ અને ઘડવૈયાઓ બદલાતા રહેતા છતાં એ એકતા પોતે વિસ્તરી છે અને પોતાના ઘાટમાં ચોકસાઈ પામી છે.
એ આધ્યાત્મિક વીરો કે જેમનું આપણે પછીથી વિહંગાવલોકન કરશું તેઓની આ દેદીપ્યમાન શોભાયાત્રામાંથી મેં બે માનવીઓને પસંદ કર્યા છે. એમણે મારો આદર એ માટે પ્રાપ્ત કર્યો છે કે, અતુલ આકર્ષણ અને શક્તિ વડે તેમણે વૈશ્વિક આત્માના આ ભવ્ય વૃંદગાનનો સાક્ષાત્કાર કર્યો છે. મને કહેવા દો તો, તેઓ એ વૃંદગાનના મોઝાર્ટ અને બીથોવન- પાતેર સેરાફિક્સ અને વિદ્યુત ગડગડાવનાર જોવ- રામકૃષ્ણ અને વિવેકાનંદ છે. (મોઝાર્ટ (૧૭૫૬-૧૭૯૧) : ઓસ્ટ્રિયાના વિયેના શહેરનો એ યુગનો મહાન સંગીતકાર. એણે ચેમ્બર મ્યુઝિક ઓપેરા સંગીત અને વૃંદા સંગીતના ક્ષેત્રે મોટો ફાળો આપ્યો છે. બીથોવન (૧૭૭૦-૧૮૨૭)નો જન્મ બોનમાં થયો હતો પણ એેણે જિંદગીમાં ઉત્તમ વર્ષો વિયેનામાં ગાળ્યાં હતાં. પાતેરસેરોફિક્સ-દૈવી પિતા જૉવ-પ્રાચીન ગ્રીકોનો
દેવશ્રેષ્ઠ (અનુવાદક))
શ્રીરામકૃષ્ણને ચરણે વિવેકાનંદ બેઠા તે પૂર્વે કલકત્તા યુનિવર્સિટીમાં પ્રાપ્ત કરેલા શિક્ષણ દ્વારા અર્વાચીન પાશ્ચાત્ય વિચારણાનાં ઉત્તમ તત્ત્વો તેમણે આત્મસાત્ કર્યાં હતાં. પોતાના બ્રિટન સાથેના રાજકીય સંબંધ દ્વારા ભારત અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં આવ્યું હતું. પણ એ રાજકીય સંબંધ તો અલ્પકાલીન હતો. છતાં, ૧૯૪૭માં, એ રાજકીય સંબંધના અંત સાથે પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથેના ભારતના સંપર્કનો અંત આવ્યો ન હતો. પશ્ચિમની સંસ્કૃતિને આત્મસાત કરવાનું ભારતને વિવેકાનંદે શીખવ્યું. પાછલી આઠ સદીઓને બાદ કરતાં, સમગ્ર ઇતિહાસકાળ દરમ્યાન ભારતીય સંસ્કૃતિનું વલણ સ્વીકારનું રહ્યું છે. ભારતમાં જોવા મળે છે તેવો બુદ્ધિપૂર્વકનો અને હૃદયપૂર્વકનો પાશ્ચાત્ય સંસ્કૃતિનો અને સાહિત્યનો સ્વીકાર બીજા કોઈ બિનપાશ્ચાત્ય દેશમાં જોવા નથી મળતો. એ મુગ્ધભાવમાંથી પશ્ચિમનાં સાંસ્કૃતિક મૂલ્યોને અપનાવવાનો જાગૃત અને ઇચ્છાપૂર્વકનો પ્રયત્ન જન્મે છે, તે એ પૂર્ણ ભાન સાથે કે પાશ્ચાત્ય સંસ્કૃતિની રાજકીય-સામાજિક ઉત્કૃષ્ટતા ભારતીય સંસ્કૃતિએ ધારણ કરેલ છે ને આધ્યાત્મિક ઉત્કૃષ્ટતાની વિરોધી નથી પણ પૂરક છે. ભારતીય સાંસ્કૃતિક વારસાના મૂર્તિમંત સ્વરૂપ શ્રીરામકૃષ્ણના પાશ્ચાત્ય સંસ્કૃતિના મૂર્તસ્વરૂપ નરેન્દ્ર સ્વામી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ-સાથેના અતિ નિકટના સંબંધની અર્વાચીન ભારતની અસાધારણ ઘટનામાં આપણને આ સ્પષ્ટ દેખાય છે. એ બંનેના પાંચ વર્ષના એ સંબંધમાંથી પ્રગટ્યા વિવેકાનંદ, જેમને એક કરતાં વધારે લેખકોએ પૂર્વ અને પશ્ચિમના સમન્વય તરીકે ઓળખાવ્યા છે. અગાઉ અવતરણ આપ્યા પ્રમાણે, ‘સમગ્ર માનવશક્તિના સંવાદ’ તરીકે તેમને વર્ણવનાર રોમાં રોલાં વિશેષમાં કહે છે. (‘લાઈફ ઑફ વિવેકાનંદ’ પૃ.૧૯૨). ‘વિવેકાનંદનું ચિંતનનું પાસું આપણા ચિંતનને, આપણી વિશિષ્ટ આવશ્યકતાઓને, યાતનાઓને, આકાંક્ષાઓને અને સંશયોને કેટલું નિકટનું છે તે દર્શાવવા હું પ્રયત્ન કરીશ; આંધળી છછૂંદર જેવા આપણને સૌને તે આંતરપ્રેરણાથી આગળ જવા, પ્રકાશ તરફ લઈ જઈ માર્ગે જવા પ્રેરે છે. મને મળવા આવતાં બીજાં પાશ્ચાત્ય બંધુભિગનીઓને, આ વડીલ બંધુ પ્રત્યે, આ ગંગાપુત્ર પ્રત્યે મને જે આકર્ષણ છે તે થાય તેમ કરવા હું, સ્વાભાવિકપણે જ, આશા રાખું છું. કારણ કે બધા અર્વાચીનોમાં માત્ર તેમણે જ બે વિભિન્ન વિચારધારાઓ વચ્ચે સમતુલા પ્રાપ્ત કરી હતી અને આપણાં અંતરમાં ધમસાણ મચાવતાં બુદ્ધિ અને શ્રદ્ધાનાં બે પરિબળો વચ્ચે સમાધાન કરાવનાર એક શરીરથી અને મનથી, શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના કરતાં વધારે વિભિન્ન એવી કોઈ પણ બે વ્યક્તિઓને ઇતિહાસમાં આટલી પરસ્પરની નિકટ આવેલી ભાગ્યે જ જોવા મળે છે. છતાં, એ બંનેએ પોતાની વચ્ચે આત્માનું ઊંડે ઐક્ય સ્થાપ્યું હતું. કલકત્તા યુનિવર્સિટીમાં ‘મુંડક ઉપનિષદ’ જેને અપરા વિદ્યા સામાન્ય અથવા વ્યક્તવાદી વિદ્યા-કહે છે, તે આજનું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી, એ ઉપનિષદ જેને પરા વિદ્યા-મનુષ્યના ઊંડાણની વિદ્યા કહે છે. તેની યુનિવર્સિટીમાં જઈ શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં વિવેકાનંદે પોતાનું શિક્ષણ પૂરું કર્યું હતું.
Your Content Goes Here




